નવેમ્બર—જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા માટે સંદર્ભો
નવેમ્બર ૪-૧૦
બાઇબલમાં રહેલો ખજાનો | ૧ યોહાન ૧-૫
“દુનિયા કે એની વસ્તુઓ માટે પ્રેમ રાખશો નહિ”
(૧ યોહાન ૨:૧૫, ૧૬) દુનિયા કે એની વસ્તુઓ માટે પ્રેમ રાખશો નહિ. જો કોઈ દુનિયાને પ્રેમ કરે છે, તો તેનામાં પિતા માટેનો પ્રેમ નથી; ૧૬ કારણ કે દુનિયામાં જે કંઈ છે, એટલે કે શરીરની ખોટી ઇચ્છા, આંખોની લાલસા અને પોતાની માલમિલકતનું અભિમાન, એ પિતા પાસેથી નહિ, પણ દુનિયા પાસેથી આવે છે.
ઈસુને પગલે ચાલતા રહો
૧૩ જો આપણે જગત પાછળ ચાલવા ચાહીએ, તો આપણે ચોક્કસ ખાડામાં પડવાના છીએ. (૧ તિમોથી ૬:૯, ૧૦) દુનિયાનું વાતાવરણ ખૂબ ખરાબ છે. જો આપણે એવી ફિલ્મો કે ટીવી પ્રોગ્રામ જોઈએ જેમાં લોકો માલ-મિલકત પાછળ દોડતા હોય, કે જેમાં મારા-મારી હોય કે સેક્સ હોય, તો ટૂંકમાં આપણામાં પણ એવી વાસનાઓ જાગશે. પછી આપણે એમ પણ વિચારવા મંડશું કે ‘એમાં શું ખોટું છે.’ જો આપણે દુનિયાના લોકો સાથે દોસ્તી બાંધીએ તો આપણે પણ સમાજ કે ધંધામાં નામ કમાવવા મંડશું. છેવટે, આપણે જીવનના માર્ગ પરથી ફંટાઈ જઈશું. (માથ્થી ૬:૨૪; ૧ કોરીંથીઓ ૧૫:૩૩) પણ અમુક લોકો કહે છે કે ‘દુનિયામાં બધી વસ્તુ ખરાબ તો નથી હોતી.’ ભલે એ સાચું હોય, જો આપણે ધ્યાન ન રાખીએ તો એ બાબતો આપણને ફસાવી શકે. છેવટે આપણે યહોવાહની ભક્તિ કરવાનું મૂકી દઈશું. ફક્ત થોડાક જ મેળવણથી દૂધ દહીં બની જાય છે. કદી ન ભૂલો, દુનિયામાં એવું કંઈ નથી જે આપણને યહોવાહ સાથે ચાલવા મદદ કરશે.
(૧ યોહાન ૨:૧૭) વધુમાં, દુનિયા જતી રહેશે અને એની લાલસા પણ જતી રહેશે, પરંતુ જે ઈશ્વરની ઇચ્છા પ્રમાણે કરે છે, તે હંમેશાં રહેશે.
તમારે કેવા થવું જોઈએ એ વિચારો
૧૮ ‘જગતની બાબતો’ સામે ટકી રહેવા મદદ મળે, એ માટે ઈશ્વરની પ્રેરણાથી યોહાને લખેલા આ શબ્દો ધ્યાનમાં રાખીએ: “જગત તથા તેની લાલસા જતાં રહે છે; પણ જે ઈશ્વરની ઇચ્છા પૂર્ણ કરે છે તે સદા રહે છે.” (૧ યોહાન ૨:૧૭) શેતાનની દુનિયા કાયમી અને સારી લાગી શકે. છતાં પણ, એક દિવસ તો એનો અંત આવવાનો જ છે. શેતાનની દુનિયામાં એવું કંઈ જ નથી જે કાયમી છે. જો આપણે એ યાદ રાખીશું, તો તેની લાલચોમાં ન ફસાવા મદદ મળશે.
કીમતી રત્નો શોધીએ
(૧ યોહાન ૨:૭, ૮) વહાલાઓ, હું તમને નવી આજ્ઞા નહિ, પણ શરૂઆતથી તમારી પાસે જે જૂની આજ્ઞા હતી એ જ લખું છું. તમે જે સંદેશો સાંભળ્યો, એ આ જૂની આજ્ઞા છે. ૮ પણ હવે હું તમને નવી આજ્ઞા લખું છું, જે ઈસુના અને તમારા કિસ્સામાં સાચી છે, કેમ કે અંધકાર દૂર થઈ રહ્યો છે અને ખરું અજવાળું ક્યારનું પ્રકાશી રહ્યું છે.
યહોવાનાં સૂચનો ભરોસાપાત્ર છે
૧૪ ગ્રીક શાસ્ત્રવચનોમાં આપણને એકબીજા માટે પ્રેમ બતાવવા ઘણાં સૂચનો મળે છે. ઈસુએ કહ્યું હતું કે બીજી સૌથી મોટી આજ્ઞા છે: “પોતા પર તેવી પોતાના પડોશી પર તું પ્રીતિ કર.” (માથ. ૨૨:૩૯) એવી જ રીતે, ઈસુના સાવકા ભાઈ યાકૂબે પણ પ્રેમને “રાજમાન્ય નિયમ” કહ્યો. (યાકૂ. ૨:૮) પ્રેરિત યોહાને લખ્યું: “વહાલાઓ, નવી આજ્ઞા નહિ, પણ જૂની આજ્ઞા જે આરંભથી તમારી પાસે હતી, તે હું તમને લખું છું.” (૧ યોહા. ૨:૭, ૮) યોહાન શાને “જૂની આજ્ઞા” કહી રહ્યા હતા? તે પ્રેમની આજ્ઞાનો ઉલ્લેખ કરી રહ્યા હતા. “જૂની” એ અર્થમાં કારણ કે ઈસુએ એને દાયકાઓ અગાઉ “આરંભ”થી આપી હતી. જ્યારે કે, “નવી” એ અર્થમાં કે શિષ્યોએ નવા સંજોગોમાં નિઃસ્વાર્થ પ્રેમ બતાવવાનો હતો. ખ્રિસ્તના શિષ્યો તરીકે આજે આપણને ચેતવણીઓ મળે છે કે દુનિયા જેવું સ્વાર્થી વલણ ન બતાવીએ. એમ કરવાથી, પાડોશી પરનો આપણો પ્રેમ ઠંડો પડતા અટકે છે. આવી ચેતવણીઓ માટે આપણે કેટલા આભારી છીએ!
(૧ યોહાન ૫:૧૬, ૧૭) જો કોઈ પોતાના ભાઈને એવું પાપ કરતો જુએ જેનું પરિણામ મરણ નથી, તો તે પ્રાર્થના કરશે અને ઈશ્વર તેને જીવન આપશે. જેઓએ એવું પાપ કર્યું નથી જેનું પરિણામ મરણ છે, તેઓને આ લાગુ પડે છે. જોકે, એવું પાપ પણ છે જેનું પરિણામ મરણ છે. એવા પાપ વિશે વિનંતી કરવા માટે હું તેને નથી કહેતો. ૧૭ બધાં ખોટાં કામો પાપ છે અને છતાં એવું પણ પાપ છે, જેનું પરિણામ મરણ નથી.
it-૧-E ૮૬૨ ¶૫
પાપોની માફી
બીજાઓનાં પાપ માટે ઈશ્વર પાસે માફી માંગી શકાય છે. અરે, આખા મંડળ વતી પણ ઈશ્વર પાસે માફી માંગી શકાય છે. મુસાએ પણ એમ કર્યું હતું. આખા ઇઝરાયેલ રાષ્ટ્રનાં પાપ વિશે તેમણે ઈશ્વર સામે કબૂલાત કરી અને માફી માંગી. યહોવાએ તેમની પ્રાર્થના સ્વીકારી. (ગણ ૧૪:૧૯, ૨૦) સુલેમાનનો વિચાર કરો. મંદિરના સમર્પણ વખતે તેમણે યહોવાને પ્રાર્થના કરી હતી. તેમણે વિનંતી કરી કે, તેમની પ્રજાથી જો પાપ થઈ જાય પણ તેઓ પસ્તાવો કરીને સુધારો કરે, તો યહોવા તેઓને માફી આપે. (૧રા ૮:૩૦, ૩૩-૪૦, ૪૬-૫૨) બંદીવાસમાંથી પાછા ફરેલા યહુદીઓનાં પાપની એઝરાએ જાહેરમાં કબૂલાત કરી હતી. તેમણે દિલથી કરેલી પ્રાર્થના અને આપેલી સલાહનું સારું પરિણામ આવ્યું. એ લોકોએ યહોવા પાસેથી માફી મેળવવા જરૂરી પગલાં ભર્યાં. (એઝ ૯:૧૩–૧૦:૪, ૧૦-૧૯, ૪૪) ભક્તિમાં ઠંડી પડી ગયેલી વ્યક્તિને યાકૂબે ઉત્તેજન આપ્યું કે મંડળના વડીલોને પ્રાર્થના કરવા બોલાવે. યાકૂબે કહ્યું, “તેણે પાપ કર્યાં હશે તો તેને માફ કરવામાં આવશે.” (યાકૂ ૫:૧૪-૧૬) “એવું પાપ પણ છે જેનું પરિણામ મરણ છે.” એ છે, પવિત્ર શક્તિ વિરુદ્ધ પાપ. જાણીજોઈને કરવામાં આવેલા પાપ માટે કોઈ માફી નથી. એવા પાપ કરનાર વ્યક્તિ માટે આપણે પ્રાર્થના કરતા નથી.—૧યો ૫:૧૬; માથ ૧૨:૩૧; હિબ્રૂ ૧૦:૨૬, ૨૭.
બાઇબલ વાંચન
નવેમ્બર ૧૧-૧૭
બાઇબલમાં રહેલો ખજાનો | ૨ યોહાન ૧– યહુદા
“સત્યમાં ટકી રહેવા આપણે લડત આપવી જોઈએ”
(યહુદા ૩) વહાલા ભાઈઓ, આપણા બધાનો જે ઉદ્ધાર થવાનો છે, એ વિશે તમને લખવાની મારી ઘણી ઇચ્છા હતી. પરંતુ, હમણાં મને આ વિશે લખવાનું અને ઉત્તેજન આપવાનું વધારે મહત્ત્વનું લાગ્યું કે ખ્રિસ્તનું જે શિક્ષણ પવિત્ર લોકોને એક જ વાર સદાને માટે આપવામાં આવ્યું છે, એ શિક્ષણ માટે તમે સખત લડત આપતા રહો.
મરણ વિશેનાં જૂઠાણાંથી છેતરાશો નહિ
૧ શેતાન “જૂઠાનો બાપ” છે. આદમ-હવાના જમાનાથી તે લોકોને છેતરે છે. (યોહા. ૮:૪૪) મરણ વિશે અને મરણ પછી શું થાય છે એ વિશે શેતાને ઘણાં જૂઠાણાં ફેલાવ્યાં છે. એનાં આધારે ઘણાં રીત-રિવાજો અને માન્યતાઓ ફેલાયેલાં છે. એટલે કુટુંબ કે સમાજમાં મરણ થાય ત્યારે, ઘણાં ભાઈ-બહેનોએ સત્યના ‘શિક્ષણ માટે સખત લડત’ આપવી પડે છે.—યહુ. ૩.
૨ એવી કસોટીમાં તમને ક્યાંથી મદદ મળી શકે? મરણ વિશે બાઇબલ જે સત્ય શીખવે છે એ પ્રમાણે તમે કઈ રીતે કરી શકો? (એફે. ૬:૧૧) ઈશ્વરને પસંદ નથી એવાં રીત-રિવાજોમાં ભાગ લેવાનું કદાચ અમુક ભાઈ-બહેનોને દબાણ કરવામાં આવે. એવા સમયે આપણે કઈ રીતે તેઓને મદદ અને હિંમત આપી શકીએ? એ વિશે યહોવા જે માર્ગદર્શન આપે છે, એના પર આ લેખમાં ચર્ચા કરીશું. ચાલો પહેલા જોઈએ કે મરણ વિશે બાઇબલ શું જણાવે છે.
કીમતી રત્નો શોધીએ
(યહુદા ૪) મારા લખવાનું કારણ એ છે કે અમુક લોકો તમારામાં છૂપી રીતે આવી ગયા છે. આવા લોકો માટે શાસ્ત્રમાં ઘણા સમય અગાઉથી સજા ઠરાવેલી છે; તેઓ ઈશ્વરને માન આપતા નથી, તેમની અપાર કૃપાનો ફાયદો ઉઠાવે છે અને હઠીલા બનીને બેશરમ કામોમાં ડૂબેલા રહે છે. તેઓએ આપણા એકમાત્ર માલિક અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો વિશ્વાસઘાત કર્યો છે.
(યહુદા ૧૨) તમે પ્રેમ બતાવવા ગોઠવેલી મિજબાનીઓમાં તેઓ તમારી સાથે ખાય-પીએ છે, પણ તેઓ પાણીમાં સંતાયેલા જોખમી ખડકો જેવા છે; તેઓ એવા બેશરમ ઘેટાંપાળકો છે, જેઓ પોતાનું જ પેટ ભરે છે; તેઓ પવનથી આમતેમ ખેંચાઈ જતાં પાણી વગરનાં વાદળાં જેવાં છે; તેઓ એવાં વૃક્ષો છે, જેઓ એની મોસમમાં ફળ આપતાં નથી અને પૂરી રીતે મરી ચૂક્યાં છે અને જડમૂળથી ઉખેડી નાખવામાં આવ્યાં છે.
it-૨-E ૨૭૯
પ્રેમ બતાવવા ગોઠવેલી મિજબાનીઓ
પ્રેમ બતાવવા ગોઠવવામાં આવતી મિજબાનીઓ વિશે બાઇબલમાં કંઈ ખાસ માહિતી નથી. એ પણ નથી જણાવવામાં આવ્યું કે એવી મિજબાનીઓ કેટલી વાર રાખવામાં આવતી. (યહુ ૧૨) એ મિજબાનીઓ રાખવા ઈસુએ કે પ્રેરિતોએ કોઈ આજ્ઞા આપી ન હતી. એટલે દેખીતું હતું કે એવી મિજબાની ગોઠવવી કંઈ ફરજિયાત અથવા કાયમી રિવાજ ન હતો. અમુક લોકોનું કહેવું છે કે આવી મિજબાનીઓ એવા ખ્રિસ્તીઓ રાખતા, જેઓ પૈસેટકે સુખી હતા. એમાં તેઓ મંડળનાં ગરીબ ભાઈ-બહેનોને બોલાવતા. એ મિજબાનીમાં અનાથ, વિધવા, અમીર, ગરીબ બધા સાથે મળીને પ્રેમ અને ભાઈચારાનો આનંદ માણતા.
it-૨-E ૮૧૬
ખડકો
ખડક માટેનો બીજો ગ્રીક શબ્દ સ્પીલાસ એવા ખડકો કે પથ્થરોને દર્શાવે છે, જે પાણીમાં સંતાયેલા અને જોખમી હોય છે. જેઓ મંડળમાં ખોટા ઇરાદાથી દાખલ થયા હતા, એવા માણસો વિશે જણાવવા યહુદાએ એ શબ્દનો ઉપયોગ કર્યો હતો. જેમ સંતાયેલા ખડકો જહાજો માટે જોખમી હોય છે, તેમ એવા લોકો મંડળ માટે જોખમી હોય છે. તેઓ વિશે યહુદાએ લખ્યું, “તમે પ્રેમ બતાવવા ગોઠવેલી મિજબાનીઓમાં તેઓ તમારી સાથે ખાય-પીએ છે, પણ તેઓ પાણીમાં સંતાયેલા જોખમી ખડકો જેવા છે.”—યહુ ૧૨.
(યહુદા ૧૪, ૧૫) હા, આદમથી લઈને સાતમી પેઢીમાં થઈ ગયેલા હનોખે આવા લોકો વિશે પણ ભવિષ્યવાણી કરતા કહ્યું હતું: “જુઓ! યહોવા તેમના લાખો પવિત્ર દૂતો સાથે આવ્યા, ૧૫ જેથી સર્વ લોકોનો ન્યાય કરે અને પાપી લોકોએ ઈશ્વર વિરુદ્ધ ખરાબ રીતે જે સર્વ દુષ્ટ કામો કર્યાં હતાં અને તેમની વિરુદ્ધ જે આઘાતજનક વાતો કરી હતી, એ માટે તેઓને દોષિત ઠરાવે.”
wp૧૭.૧-E ૧૨ ¶૧
‘તેમણે ઈશ્વરને ખુશ કર્યા’
હનોખે કઈ ભવિષ્યવાણી કરી હતી? તેમણે કહ્યું હતું: “જુઓ! યહોવા તેમના લાખો પવિત્ર દૂતો સાથે આવ્યા, જેથી સર્વ લોકોનો ન્યાય કરે અને પાપી લોકોએ ઈશ્વર વિરુદ્ધ ખરાબ રીતે જે સર્વ દુષ્ટ કામો કર્યાં હતાં અને તેમની વિરુદ્ધ જે આઘાતજનક વાતો કરી હતી, એ માટે તેઓને દોષિત ઠરાવે.” (યહુદા ૧૪, ૧૫) નોંધ કરવા જેવું છે કે હનોખે એવાં વાક્યો વાપર્યાં, જેનાથી લાગે કે બનાવો બની ચૂક્યા છે. એટલે કે જાણે યહોવાએ ભવિષ્યવાણીમાં જણાવેલી બાબતો કરી દીધી છે. આ અને એના પછીની કેટલીક ભવિષ્યવાણીઓ પણ એ જ રીતે રજૂ કરવામાં આવી છે. શા માટે? કારણ કે પ્રબોધકે જેના વિશે ભવિષ્યવાણી કરી હતી એ ચોક્કસ પૂરી થવાની હતી. એટલે એનું વર્ણન એવી રીતે કરવામાં આવ્યું, જાણે એ બનાવો બની ચૂક્યા હોય.—યશાયા ૪૬:૧૦.
wp૧૭.૧-E ૧૨¶૩
‘તેમણે ઈશ્વરને ખુશ કર્યા’
હનોખની શ્રદ્ધા જોઈને આપણને આ સવાલ પર વિચાર કરવાની પ્રેરણા મળે છે: “શું હું પણ આ દુનિયાને ઈશ્વરની નજરે જોઉં છું?” એ સમયની દુષ્ટ દુનિયા માટે હનોખે હિંમતથી ચુકાદો આપ્યો હતો, જે આજની દુષ્ટ દુનિયાને પણ લાગુ પડે છે. હનોખે જણાવેલી ભવિષ્યવાણી સાચી પડી. યહોવાએ જળપ્રલય લાવીને નુહના સમયમાં દુષ્ટ દુનિયાનો નાશ કર્યો હતો. આજની દુષ્ટ દુનિયાનો પણ એવો મોટો વિનાશ થવાનો છે. (માથ્થી ૨૪:૩૮, ૩૯; ૨ પીતર ૨:૪-૬) આ દુષ્ટ દુનિયા સામે કરવામાં આવેલા ન્યાયચુકાદા પ્રમાણે કરવા યહોવા પોતાના પવિત્ર દૂતો સાથે તૈયાર છે. આપણે બધાએ હનોખની ચેતવણીને ધ્યાનમાં લેવી જોઈએ અને બીજાઓને પણ એ વિશે જણાવવું જોઈએ. કદાચ આપણા કુટુંબીજનો કે મિત્રો સાથ ન આપે. અમુક વાર લાગે કે આપણે એકલા પડી ગયા છીએ. ભૂલીએ નહિ, યહોવાએ હનોખનો સાથ છોડ્યો ન હતો તેમ, તે આજે પણ વફાદાર ભક્તોનો સાથ છોડશે નહિ!
બાઇબલ વાંચન
નવેમ્બર ૧૮-૨૪
બાઇબલમાં રહેલો ખજાનો | પ્રકટીકરણ ૧-૩
“તારા કાર્યો હું જાણું છું”
(પ્રકટીકરણ ૧:૨૦) મારા જમણા હાથમાં તેં જોયેલા સાત તારા અને સોનાની સાત દીવીઓનું પવિત્ર રહસ્ય આ છે: સાત તારા એટલે સાત મંડળના દૂતો અને સાત દીવીઓ એટલે સાત મંડળો.
તમે કેવું વલણ બતાવો છો?
૮ એવા વલણથી દૂર રહેવા યાદ રાખીએ કે ઈસુના “જમણા હાથમાં સાત તારા” છે. એ સાત “તારા” કોને દર્શાવે છે? પ્રથમ તો અભિષિક્ત વડીલોને અને પછી મંડળોના બધા વડીલોને. ઈસુ પોતાના હાથમાં રહેલા “તારા”ને પોતાની રીતે દોરી શકે છે. (પ્રકટી. ૧:૧૬, ૨૦) એટલે, ઈસુ મંડળના આગેવાન હોવાથી બધા જ વડીલો તેમના પૂરા નિયંત્રણમાં છે. મંડળના વડીલોમાંથી કોઈને સુધારાની જરૂર હોય તો, ઈસુ જેમની “આંખો અગ્નિની જ્વાળા જેવી” છે, તે યોગ્ય સમયે અને યોગ્ય રીતે તેમને સુધારશે. (પ્રકટી. ૧:૧૪) એ દરમિયાન, જેઓ પવિત્ર શક્તિથી પસંદ થયા છે, તેઓને આપણે પૂરું માન આપવું જોઈએ. એ વિશે પાઊલે આમ લખ્યું: ‘તમે તમારા આગેવાનોની આજ્ઞાઓ પાળીને તેઓને આધીન રહો; કેમ કે હિસાબ આપનારાઓની જેમ તેઓ તમારી ચોકી કરે છે; એ માટે કે તેઓ આનંદથી તે કામ કરે, પણ શોકથી નહિ; કેમ કે એથી તમને ગેરલાભ થાય.’—હિબ્રૂ ૧૩:૧૭.
(પ્રકટીકરણ ૨:૧, ૨) “એફેસસ મંડળના દૂતને લખ: જે પોતાના જમણા હાથમાં સાત તારા રાખે છે અને સોનાની સાત દીવીઓ વચ્ચે ચાલે છે, તે આ વાતો જણાવે છે: ૨ ‘તારાં કાર્યો અને તારી મહેનત અને તારી સહનશક્તિ હું જાણું છું; તું ખરાબ માણસોને ચલાવી લેતો નથી; જેઓ પોતાને પ્રેરિતો કહેવડાવે છે પણ હકીકતમાં નથી, તેઓની તું પરીક્ષા કરે છે અને તેઓ તારી આગળ જૂઠા સાબિત થયા છે, એ હું જાણું છું.
આપણા તારણ માટે યહોવા આપણું રક્ષણ કરે છે
૧૧ પ્રકટીકરણના બીજા અને ત્રીજા અધ્યાયમાં એક દર્શન વિષે જણાવ્યું છે. એમાં ઈસુ ખ્રિસ્ત એશિયા માયનોરના સાત મંડળોમાં શું થઈ રહ્યું છે, એ જણાવે છે. તેમ જ એ મંડળોના અમુક વ્યક્તિઓ વિષે જણાવે છે. ઈસુ એ મંડળોને જરૂરિયાત પ્રમાણે શાબાશી અને ઠપકો પણ આપે છે. આ દર્શનનો આપણા માટે શું અર્થ રહેલો છે? આ સાત મંડળો ૧૯૧૪ પછી અભિષિક્ત ખ્રિસ્તીઓને રજૂ કરે છે. ખરું કે ઈસુએ આમ તો એ સલાહ અભિષિક્ત ખ્રિસ્તીઓને આપી હતી. પરંતુ, એનો ફાયદો આજે આખી દુનિયાના મંડળોને થઈ રહ્યો છે. તેથી આપણે કહી શકીએ કે યહોવા આજે પોતાના દીકરા દ્વારા પોતાના ભક્તોને દોરે છે. યહોવાના માર્ગદર્શનથી આપણે કેવી રીતે લાભ મેળવી શકીએ?
યહોવાહના સંગઠન સાથે ચાલો
૨૦ યહોવાહ પરમેશ્વરે ઈસુ ખ્રિસ્તને ‘મંડળીના શિર’ બનાવ્યા છે. તેથી યહોવાહના સંગઠન સાથે ચાલવા માટે આપણે ઈસુની ભૂમિકા સ્વીકારવાની જરૂર છે. (એફેસી ૫:૨૨, ૨૩) યશાયાહ ૫૫:૪ કહે છે કે “મેં [યહોવાહે] તેને લોકોને સારૂ સાક્ષી, તેઓને સારૂ સરદાર તથા અધિકારી ઠરાવી આપ્યો છે.” ઈસુ સારી રીતે જાણે છે કે કઈ રીતે આગેવાની લેવી. તે પોતાના ઘેટાં અને તેઓનાં કાર્યોને પણ સારી રીતે જાણે છે. હકીકતમાં, તે એશિયા માયનોરના સાત મંડળો વિષે વાત કરી રહ્યાં હતા ત્યારે, પાંચ વખત તેમણે કહ્યું કે ‘તારાં કામ હું જાણું છું.’ (પ્રકટીકરણ ૨:૨, ૧૯; ૩:૧, ૮, ૧૫) ઈસુ પોતાના પિતા યહોવાહની જેમ આપણી જરૂરિયાતો પણ જાણે છે. નમૂનાની પ્રાર્થના આપતા પહેલાં, ઈસુએ કહ્યું: “કેમકે જેની તમને અગત્ય છે, તે તેની પાસે માગ્યા અગાઉ તમારો બાપ જાણે છે.”—માત્થી ૬:૮-૧૩.
કીમતી રત્નો શોધીએ
(પ્રકટીકરણ ૧:૭) જુઓ! તે વાદળો સાથે આવે છે અને દરેક વ્યક્તિ તથા જેઓએ તેમને વીંધ્યા, તેઓ તેમને જોશે; અને તેમના લીધે પૃથ્વીનાં બધાં કુળો છાતી કૂટીને વિલાપ કરશે. આમેન.
kr-E ૨૨૬ ¶૧૦
ઈશ્વરનું રાજ્ય દુશ્મનોનો સફાયો કરે છે
૧૦ ચુકાદો જાહેર થવો. ઈશ્વરના રાજ્યના બધા દુશ્મનોએ એક બનાવ પોતાની નજરે જોવો પડશે. એ જોઈને તેઓની તકલીફ વધી જશે. ઈસુએ કહ્યું હતું, “તેઓ માણસના દીકરાને ભરપૂર સામર્થ્ય અને ગૌરવ સાથે વાદળો પર આવતો જોશે.” (માર્ક ૧૩:૨૬) ઈસુ પોતાના સામર્થ્યનો ઉપયોગ ન્યાયચુકાદો જાહેર કરવા કરશે. એનાથી દેખાય આવશે કે ઈસુને એ સામર્થ્ય તો ઈશ્વર તરફથી મળ્યું છે. છેલ્લા દિવસો વિશેની એ ભવિષ્યવાણીમાં આગળ ઈસુ કેવી રીતે ન્યાય કરશે એની વધુ વિગતો જણાવવામાં આવી છે. એ માહિતી ઘેટાં-બકરાંના ઉદાહરણમાં આપી છે. (માથ્થી ૨૫:૩૧-૩૩, ૪૬ વાંચો.) ઈશ્વરના રાજ્યને વફાદારીથી ટેકો આપનારા ભક્તોનો ન્યાય “ઘેટાં” તરીકે કરવામાં આવશે. પોતાનો ‘ઉદ્ધાર નજીક છે’ એ જોઈ તેઓ ‘માથાં ઊંચાં કરશે.’ (લુક ૨૧:૨૮) પણ, ઈશ્વરના રાજ્યના વિરોધીઓનો ન્યાય “બકરાં” તરીકે થશે. તેઓનો “હંમેશ માટે નાશ થશે” એ જાણીને તેઓ “શોકમાં છાતી કૂટશે.”—માથ. ૨૪:૩૦; પ્રકટી. ૧:૭.
(પ્રકટીકરણ ૨:૭) પવિત્ર શક્તિ મંડળોને જે કહે છે એ કાન દઈને સાંભળો અને સમજવાનો પ્રયત્ન કરો: જે જીતે છે તેને હું જીવનના વૃક્ષ પરથી ખાવા દઈશ, જે વૃક્ષ ઈશ્વરના બાગમાં છે.’
પ્રકટીકરણના મુખ્ય વિચારો—૧
૨:૭—‘ઈશ્વરનો પારાદૈસ’ શું છે? એ સ્વર્ગ છે, જેમાં જનારા યહોવાહની સંગતમાં રહેશે. તેઓ “જીવનના ઝાડ” પરથી ખાઈને અમર જીવનનું ઈનામ મેળવશે.—૧ કોરીં. ૧૫:૫૩.
બાઇબલ વાંચન
નવેમ્બર ૨૫–ડિસેમ્બર ૧
બાઇબલમાં રહેલો ખજાનો | પ્રકટીકરણ ૪-૬
“ચાર ઘોડેસવારીની સવારી”
(પ્રકટીકરણ ૬:૨) અને મેં જોયું તો જુઓ! એક સફેદ ઘોડો હતો અને એના પર જે બેઠો હતો તેની પાસે ધનુષ્ય હતું; તેને મુગટ આપવામાં આવ્યો અને તે જીતતો અને જીત પૂરી કરવા નીકળી પડ્યો.
wp૧૭.૩-E ૪ ¶૩
ચાર ઘોડેસવારો કોણ છે?
સફેદ ઘોડાનો સવાર કોણ છે? તેની ઓળખ વિશે બાઇબલના એ જ પુસ્તકમાં, એટલે કે પ્રકટીકરણમાં જણાવવામાં આવ્યું છે. પ્રકટીકરણના પુસ્તકમાં જણાવ્યું છે કે સ્વર્ગમાં સવારી કરનાર એ ઘોડેસવાર “ઈશ્વરનો શબ્દ” છે. (પ્રકટીકરણ ૧૯:૧૧-૧૩) આપણે જાણીએ છીએ કે “શબ્દ” ખિતાબ ઈસુ ખ્રિસ્તને આપવામાં આવ્યો છે. કારણ કે તે ઈશ્વર વતી બોલે છે. (યોહાન ૧:૧, ૧૪) ઈસુને “રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ” પણ કહેવામાં આવ્યા છે. તેમને “વિશ્વાસુ અને સત્ય” કહેવામાં આવ્યા છે. (પ્રકટીકરણ ૧૯:૧૬) લડાઈ લડનાર રાજા તરીકેનો તેમની પાસે અધિકાર છે. પોતાની સત્તાનો તે ખરાબ કે ખોટી રીતે ઉપયોગ કરતા નથી. આપણને અમુક સવાલો થઈ શકે.
wp૧૭.૩-E ૪ ¶૫
ચાર ઘોડેસવારો કોણ છે?
એ ઘોડેસવારોએ પોતાની સવારી ક્યારે શરૂ કરી? નોંધ લો કે પહેલા ઘોડેસવાર ઈસુ મુગટ મેળવ્યા પછી પોતાની સવારી શરૂ કરે છે. (પ્રકટીકરણ ૬:૨) ઈસુને ક્યારે મુગટ પહેરાવવામાં આવ્યો? શું સજીવન થયા પછી સ્વર્ગમાં ગયા ત્યારે? ના. બાઇબલ બતાવે છે કે એ સમયે તો તેમણે રાહ જોવાની હતી. (હિબ્રૂઓ ૧૦:૧૨, ૧૩) એનો જવાબ ઈસુએ પોતાના શિષ્યોને અમુક નિશાનીઓ જણાવી, એમાંથી મળે છે. એ નિશાનીઓ પરથી તેઓ સમજી શક્યા કે રાહ જોવાના સમયનો અંત આવ્યો છે અને ઈસુએ પોતાનું રાજ સ્વર્ગમાં શરૂ કર્યું છે. ઈસુએ જણાવ્યું હતું કે તેમના રાજની શરૂઆતમાં દુનિયાની હાલતમાં મોટો વળાંક આવશે અને એ બગડતી જશે. ઠેર ઠેર લડાઈઓ, દુકાળો અને ચેપી રોગો ફાટી નીકળશે. (માથ્થી ૨૪:૩, ૭; લુક ૨૧:૧૦, ૧૧) સાલ ૧૯૧૪માં પહેલું વિશ્વયુદ્ધ થયું. એના થોડા જ સમયમાં સાફ દેખાઈ આવ્યું કે માણસજાત એક ખતરનાક યુગમાં પ્રવેશી ચૂકી છે. બાઇબલ જણાવે છે તેમ, પૃથ્વી પર “છેલ્લા દિવસો” શરૂ થઈ ચૂક્યા છે, જે સહન કરવા અઘરા છે.—૨ તિમોથી ૩:૧-૫.
(પ્રકટીકરણ ૬:૪-૬) બીજો એક ઘોડો બહાર આવ્યો, જે લાલચોળ હતો અને તેના પર જે બેઠો હતો તેને પૃથ્વી પરથી શાંતિ લઈ લેવાની પરવાનગી આપવામાં આવી, જેથી લોકો એકબીજાની કતલ કરે; અને તેને મોટી તલવાર આપવામાં આવી હતી. ૫ તેણે ત્રીજી મહોર ખોલી ત્યારે, મેં ત્રીજા કરૂબને આમ કહેતો સાંભળ્યો: “આવ!” અને મેં જોયું, અને જુઓ! એક કાળો ઘોડો હતો અને એના પર જે બેઠો હતો તેના હાથમાં ત્રાજવું હતું. ૬ ચાર કરૂબોની વચ્ચેથી આવતો હોય એવો એક અવાજ મેં સાંભળ્યો: “એક દીનારના એક કિલો ઘઉં અને એક દીનારના ત્રણ કિલો જવ; જૈતૂન તેલ અને દ્રાક્ષદારૂનો બગાડ કરશો નહિ.”
wp૧૭.૩-E ૫ ¶૨
ચાર ઘોડેસવારો કોણ છે?
લાલચોળ ઘોડાનો સવાર યુદ્ધોને રજૂ કરે છે. નોંધ લો કે તે અમુક દેશોની નહિ, પણ આખી પૃથ્વી પરથી શાંતિ છીનવી લે છે. સાલ ૧૯૧૪માં માનવ ઇતિહાસમાં પહેલી વાર દુનિયા ફરતે યુદ્ધ ફાટી નીકળ્યું. એના પછી બીજું વિશ્વયુદ્ધ થયું. એ તો પહેલા વિશ્વયુદ્ધ કરતાંય વધારે ખતરનાક હતું. અમુક અંદાજ પ્રમાણે સાલ ૧૯૧૪થી લઈને અત્યાર સુધી થયેલાં યુદ્ધો અને લડાઈઓમાં ૧૦ કરોડથી પણ વધારે લોકો માર્યા ગયા છે. ઉપરાંત, ઘાયલ થયેલા લોકોનો આંકડો તો એનાથીયે મોટો છે!
wp૧૭.૩-E ૫ ¶૪-૫
ચાર ઘોડેસવારો કોણ છે?
“મેં જોયું, અને જુઓ! એક કાળો ઘોડો હતો અને એના પર જે બેઠો હતો તેના હાથમાં ત્રાજવું હતું. ચાર કરૂબોની વચ્ચેથી આવતો હોય એવો એક અવાજ મેં સાંભળ્યો: ‘એક દીનારના એક કિલો ઘઉં અને એક દીનારના ત્રણ કિલો જવ; જૈતૂન તેલ અને દ્રાક્ષદારૂનો બગાડ કરશો નહિ.’”—પ્રકટીકરણ ૬:૫, ૬.
આ ઘોડેસવાર દુકાળને રજૂ કરે છે. અનાજની એટલી અછત હશે કે એક કિલો ઘઉં એક દીનારમાં વેચાતા હશે. પ્રથમ સદીમાં એક દીનાર એટલે આખા દિવસની મજૂરી! (માથ્થી ૨૦:૨) ઘઉં કરતાં સસ્તા જવ એક દીનારે માત્ર ત્રણ કિલો મળશે એવું બતાવ્યું છે. જરા વિચારો, એટલું અનાજ મોટા કુટુંબને કેટલા દિવસ સુધી ચાલે? જૈતૂનનું તેલ અને દ્રાક્ષદારૂ એ વખતે રોજબરોજનાં ખોરાક હતાં. એનો બગાડ ન કરવાની અને કરકસર કરવાની લોકોને ચેતવણી આપવામાં આવી હતી.
(પ્રકટીકરણ ૬:૮) મેં જોયું અને જુઓ! એક ફિક્કા રંગનો ઘોડો હતો અને એના પર જે બેઠો હતો તેનું નામ મરણ હતું. અને તેની પાછળ પાછળ કબર આવતી હતી. અને પૃથ્વીના ચોથા ભાગને લાંબી તલવારથી, દુકાળથી, જીવલેણ બીમારીથી અને જંગલી જાનવરોથી મારવાની તેઓને સત્તા આપવામાં આવી.
wp૧૭.૩-E ૫ ¶૮-૧૦
ચાર ઘોડેસવારો કોણ છે?
ચોથો ઘોડેસવાર મરકીઓ અને બીજાં કારણોથી થનાર મરણને રજૂ કરે છે. ૧૯૧૪ પછી સ્પેનિશ ફ્લૂ નામની મરકી ફાટી નીકળી અને લાખો લોકોને ભરખી ગઈ. આશરે ૫૦ કરોડ લોકો એનો શિકાર બન્યા હતા. એ સમયે દર ત્રણ વ્યક્તિમાંથી એક વ્યક્તિને એનો ચેપ લાગ્યો હતો.
સ્પેનિશ ફ્લૂ પછી તો બીજી ઘણી મરકીઓ ફાટી નીકળી હતી. નિષ્ણાતોના અંદાજ પ્રમાણે વીસમી સદી દરમિયાન શીતળાથી લાખો ને લાખો લોકો મરણ પામ્યા હતા. આજે તબીબી ક્ષેત્રે ઘણું સંશોધન થયું છે. છતાં, એઇડ્સ, ટીબી, મેલેરિયા વગેરે જેવા ચેપી રોગોથી લાખો લોકોની જીવાદોરી ટૂંકાય જાય છે.
યુદ્ધ, દુકાળો કે રોગચાળાને લીધે મોટી સંખ્યામાં લોકો મરી રહ્યા છે. આમ, કબર કેટલાય લોકોને ભોગ બનાવી રહી છે અને એ કોઈ આશા આપતી નથી.
કીમતી રત્નો શોધીએ
(પ્રકટીકરણ ૪:૪) રાજ્યાસનની ચારે બાજુ ૨૪ રાજ્યાસનો હતાં અને એ રાજ્યાસનો પર સફેદ કપડાં પહેરેલા ૨૪ વડીલો બેઠેલા મેં જોયા અને તેઓના માથા પર સોનાના મુગટ હતા.
(પ્રકટીકરણ ૪:૬) રાજ્યાસન આગળ સ્ફટિકના જેવો, જાણે કાચનો પારદર્શક સમુદ્ર હતો. રાજ્યાસનની બાજુમાં અને એની આસપાસ ચાર કરૂબો હતા, જેઓ આગળ-પાછળ આંખોથી ભરપૂર હતા.
re ૭૭ ¶૮
યહોવાહના અલૌકિક રાજ્યાસનની ભવ્યતા
૮ યોહાન જાણતો હતો કે પ્રાચીન મંડપમાં સેવા કરવા માટે યાજકોને નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેથી હવે પછી તે જેનું વર્ણન કરે છે એ જોઈને તેને નવાઈ લાગી હશે: “રાજ્યાસનની આસપાસ ચોવીસ આસનો હતાં; તે આસનો પર ચોવીસ વડીલોને બેઠેલા મેં જોયા, તેઓએ ઊજળાં વસ્ત્ર પહેરેલાં હતાં; અને તેઓના માથા પર સોનાના મુગટ હતા.” (પ્રકટીકરણ ૪:૪) હા, યાજકોને બદલે, ૨૪ વડીલોને રાજાઓ તરીકે રાજ્યાસન પર બેસાડી મુગટ પહેરાવવામાં આવ્યા છે. એ વડીલો કોણ છે? એ પુનરુત્થાન પામેલા અને યહોવાહે આપેલા વચન પ્રમાણે આકાશી સ્થાન પ્રાપ્ત કરનાર, ખ્રિસ્તી મંડળની અભિષિક્ત વ્યક્તિઓ વિના બીજું કોઈ નથી. આપણે એ કઈ રીતે જાણીએ છીએ?
re ૮૦ ¶૧૯
યહોવાહના અલૌકિક રાજ્યાસનની ભવ્યતા
૧૯ આ પ્રાણીઓ શું ચિત્રિત કરે છે? બીજા પ્રબોધક હઝકીએલે સંદર્શન વર્ણવ્યું જે આપણને જવાબ મેળવવા મદદ કરે છે. હઝકીએલે યહોવાહને અલૌકિક રથ પરના રાજ્યાસન પર બેઠેલા જોયા, જેની સાથે યોહાને વર્ણવેલા ગુણલક્ષણો જેવા જ ગુણલક્ષણોવાળા જીવંત પ્રાણીઓ હતાં. (હઝકીએલ ૧:૫-૧૧, ૨૨-૨૮) પછીથી, હઝકીએલે જીવંત પ્રાણીઓ સાથેના રથ પરના એ રાજ્યાસનને ફરીથી જોયું. જો કે, આ વખતે તેણે જીવંત પ્રાણીઓને કરુબો તરીકે ઉલ્લેખ્યા. (હઝકીએલ ૧૦:૯-૧૫) યોહાને જોયેલા ચાર જીવંત પ્રાણીઓ દેવના ઘણા કરુબોને દર્શાવતા હોવા જ જોઈએ—તેમના આત્મિક સંગઠનમાં ઉચ્ચ પદવીવાળા પ્રાણીઓ. મંડપની પ્રાચીન ગોઠવણમાં યહોવાહના રાજ્યાસનનું પ્રતિનિધિત્વ કરતા કરારકોશના દયાસન પર સોનાના બે કરુબો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા, તેથી કરુબો યહોવાહની આટલી નજીક ઊભેલા જોઈને યોહાનને નવાઈ લાગી નહિ હોય. એ કરુબો મધ્યેથી, યહોવાહના અવાજે એ પ્રજાને આજ્ઞા આપી.—નિર્ગમન ૨૫:૨૨; ગીતશાસ્ત્ર ૮૦:૧.
(પ્રકટીકરણ ૫:૫) પરંતુ, વડીલોમાંના એકે મને કહ્યું: “રડીશ નહિ. જો! યહુદા કુળમાંના સિંહ, જે દાઊદના કુટુંબના છે, તે વીંટો અને એની સાત મહોર ખોલવા વિજયી થયા છે.”
cf-E ૩૬ ¶૫-૬
“જો! યહુદા કુળમાંના સિંહ”
૫ સિંહ શબ્દ સાંભળતા જ આપણા મનમાં હિંમતનો ગુણ આવે છે. શું તમે ક્યારેય પુખ્ત વયના સિંહને મોઢામોઢ જોયો છે? કદાચ પ્રાણી સંગ્રહાલયમાં જોયો હશે. એ પાંજરામાં બંધ હોય એટલે આપણને એટલી બીક ન લાગે પણ મનમાં ધક-ધક થયા કરે. સિંહ તમારી તરફ નજર કરે ત્યારે તમને એવો વિચાર આવે કે એને કોઈનો ડર લાગતો હશે? ના, જરાય નહિ! બાઇબલ એક એવા સિંહ વિશે જણાવે છે, ‘જે બધા પશુઓમાં સૌથી બળવાન છે અને કોઈને લીધે પોતાનો માર્ગ બદલતો નથી.’ (નીતિવચનો ૩૦:૩૦) ખ્રિસ્તમાં પણ એવી જ હિંમત છે.
૬ ઈસુએ ત્રણ બાબતોમાં સિંહ જેવી હિંમત બતાવી. એક, સત્યનો સાથ આપવામાં. બીજું, ન્યાયને ટેકો આપવામાં. ત્રીજું, વિરોધનો સામનો કરવામાં. એ પણ જોઈશું કે, આપણે નાનપણથી હિંમતવાન હોઈએ કે ન હોઈએ, આપણે પણ ઈસુ જેવી હિંમત બતાવી શકીએ છીએ.
બાઇબલ વાંચન