પ્રકરણ ૧૭
ઈસુ નિકોદેમસને રાત્રે શીખવે છે
નિકોદેમસ સાથે ઈસુ વાત કરે છે
‘ફરીથી જન્મ લેવાનો’ અર્થ શું થાય?
ઈસુ યરૂશાલેમમાં હતા. તે ઈસવીસન ૩૦ પાસ્ખાના તહેવાર માટે આવ્યા હતા; તે જોરદાર ચમત્કારો કરતા હતા અથવા નિશાનીઓ બતાવતા હતા. એના લીધે ઘણા લોકોએ તેમનામાં શ્રદ્ધા મૂકી. નિકોદેમસ નામે એક માણસ પર એની ઊંડી અસર થઈ. તે ફરોશી હતા અને યહુદી ઉચ્ચ અદાલતના સભ્ય પણ હતા. અંધારું થયા પછી તે વધારે શીખવા માટે ઈસુ પાસે ગયા. કદાચ તેમને ડર હતો કે જો કોઈ જોશે, તો યહુદી ગુરુઓમાં તેમનું નામ ખરાબ થશે.
નિકોદેમસે કહ્યું: “ગુરુજી, અમે જાણીએ છીએ કે તમે ઈશ્વર પાસેથી શિક્ષક તરીકે આવ્યા છો, કેમ કે જો કોઈ માણસ સાથે ઈશ્વર ન હોય તો તે એવા ચમત્કારો કરી ન શકે, જે તમે કરો છો.” જવાબમાં ઈસુએ તેમને જણાવ્યું કે ઈશ્વરના રાજ્યમાં જવા માટે “ફરીથી જન્મ” લેવો પડે.—યોહાન ૩:૨, ૩.
વ્યક્તિ કઈ રીતે ફરીથી જન્મ લઈ શકે? નિકોદેમસે ઈસુને પૂછ્યું: “તે કઈ રીતે પોતાની માતાના ગર્ભમાં બીજી વાર જઈને જન્મ લઈ શકે?”—યોહાન ૩:૪.
જોકે, ફરીથી જન્મ લેવાનો મતલબ એ ન હતો. ઈસુએ સમજાવ્યું: “પાણી અને પવિત્ર શક્તિથી જન્મ લીધા વગર કોઈ માણસ ઈશ્વરના રાજ્યમાં પ્રવેશી શકતો નથી.” (યોહાન ૩:૫) ઈસુએ બાપ્તિસ્મા લીધું અને તેમના પર પવિત્ર શક્તિ ઊતરી ત્યારે, તેમણે “પાણી અને પવિત્ર શક્તિથી” જન્મ લીધો હતો. એ જ વખતે આવી આકાશવાણી થઈ હતી: “આ મારો વહાલો દીકરો છે, જેને મેં પસંદ કર્યો છે.” (માથ્થી ૩:૧૬, ૧૭) આ રીતે ઈશ્વરે જાહેર કર્યું કે ઈસુ સ્વર્ગમાં તેમના દીકરા હતા અને ઈસુને સ્વર્ગના રાજ્યમાં જવાની આશા હતી. પછીથી, બાપ્તિસ્મા પામેલા બીજા ખ્રિસ્તીઓ પર પચાસમા દિવસે (પેન્તેકોસ્ત) ૩૩ની સાલમાં પવિત્ર શક્તિ રેડવામાં આવી; આમ, તેઓએ પણ ઈશ્વરના સ્વર્ગમાંના દીકરાઓ તરીકે ફરીથી જન્મ લીધો.—પ્રેરિતોનાં કાર્યો ૨:૧-૪.
રાજ્ય વિશે ઈસુએ જે શીખવ્યું એ સમજવું નિકોદેમસ માટે મુશ્કેલ હતું. એટલે, ઈશ્વરના માનવ દીકરા તરીકે ઈસુ પોતે જે ભાગ ભજવશે, એ વિશે ઈસુએ વધારે માહિતી આપતા જણાવ્યું: “જેમ મુસાએ વેરાન પ્રદેશમાં સાપને ઊંચો કર્યો, તેમ માણસનો દીકરો પણ ઊંચો કરાશે. એ માટે કે જે કોઈ તેમનામાં શ્રદ્ધા મૂકે, તેને હંમેશ માટેનું જીવન મળે.”—યોહાન ૩:૧૪, ૧૫.
લાંબા સમય અગાઉ, ઇઝરાયેલી લોકોમાંથી જેઓને ઝેરી સાપ કરડ્યો હતો, તેઓએ જીવતા રહેવા પિત્તળના સાપ તરફ જોવાનું હતું. (ગણના ૨૧:૯) એ જ રીતે, બધા મનુષ્યોએ મરણથી બચવા અને હંમેશ માટેનું જીવન મેળવવા ઈશ્વરના દીકરામાં શ્રદ્ધા રાખવાની જરૂર છે. આ ગોઠવણમાં યહોવા જે ભાગ ભજવે છે, એના પર ભાર મૂકતા ઈસુએ નિકોદેમસને જણાવ્યું: “ઈશ્વરે દુનિયાને એટલો બધો પ્રેમ કર્યો કે તેમણે પોતાનો એકનો એક દીકરો આપી દીધો, જેથી જે કોઈ તેનામાં શ્રદ્ધા મૂકે તેનો નાશ ન થાય, પણ તે હંમેશ માટેનું જીવન મેળવે.” (યોહાન ૩:૧૬) ઈસુએ સેવાકાર્ય શરૂ કર્યું એના છએક મહિના પછી, અહીં યરૂશાલેમમાં સાફ જણાવ્યું કે મનુષ્યોનો ઉદ્ધાર કરનાર તે પોતે છે.
ઈસુએ નિકોદેમસને જણાવ્યું કે, ‘ઈશ્વરે પોતાના દીકરાને દુનિયાનો ન્યાય કરવા મોકલ્યા નથી.’ એનો અર્થ થાય કે તેમને એ માટે મોકલવામાં આવ્યા ન હતા કે તે સર્વ મનુષ્યોનો ન્યાય કરીને વિનાશને માટે દોષિત ઠરાવે. એના બદલે, ઈસુએ કહ્યું તેમ, ‘તેમના દ્વારા દુનિયાનો ઉદ્ધાર થાય એ માટે મોકલ્યા’ હતા.—યોહાન ૩:૧૭.
લોકોના ડરને લીધે નિકોદેમસ અંધારામાં ઈસુને મળવા ગયા. એટલે, ઈસુએ આ રીતે વાત પૂરી કરી એ રસપ્રદ છે: “હવે, દોષિત ઠરાવવાનું કારણ આ છે: દુનિયામાં [ઈસુનાં જીવન અને શિક્ષણ દ્વારા] પ્રકાશ આવ્યો, પણ માણસોએ પ્રકાશને બદલે અંધકાર પર પ્રેમ રાખ્યો, કેમ કે તેઓનાં કામ દુષ્ટ હતાં. જે કોઈ દુષ્ટ કામો કરતો રહે છે, તે પ્રકાશને ધિક્કારે છે અને પ્રકાશમાં આવતો નથી, જેથી તેનાં કામો ખુલ્લાં પડી ન જાય. પરંતુ, જે ખરું છે એ પ્રમાણે ચાલનાર પ્રકાશમાં આવે છે, જેથી ઈશ્વરની ઇચ્છા પ્રમાણે કરેલાં તેનાં કામો જાહેર થાય.”—યોહાન ૩:૧૯-૨૧.
ઈશ્વરના હેતુમાં ઈસુ જે કરવાના હતા, એ વિશે ઇઝરાયેલના આ ફરોશી અને શિક્ષક નિકોદેમસે સાંભળ્યું. હવે શું કરવું એ તેમના હાથમાં હતું.