વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w17 ઑક્ટોબર પાન ૭-૧૧
  • ‘કાર્યોથી અને સાચા દિલથી પ્રેમ કરીએ’

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ‘કાર્યોથી અને સાચા દિલથી પ્રેમ કરીએ’
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૭
  • મથાળાં
  • સરખી માહિતી
  • સાચો પ્રેમ કોને કહેવાય?
  • “કાર્યોથી અને સાચા દિલથી પ્રેમ” કઈ રીતે બતાવી શકીએ?
  • પ્રેમ—એક અનમોલ ગુણ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૭
  • પ્રેમમાં વધતા જાઓ
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૧
  • તમારા પ્રેમને ઠંડો પડવા ન દો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૭
  • એકબીજા માટે પ્રેમ કઈ રીતે વધારી શકીએ?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૩
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૭
w17 ઑક્ટોબર પાન ૭-૧૧
યહોવાના સાક્ષીઓ ભેગા મળીને રાજ્યગૃહમાં કામ કરે છે

‘કાર્યોથી અને સાચા દિલથી પ્રેમ કરીએ’

“આપણે શબ્દોથી કે જીભથી નહિ, પણ કાર્યોથી અને સાચા દિલથી પ્રેમ કરવો જોઈએ.”—૧ યોહા. ૩:૧૮.

ગીતો: ૩, ૫૦

શું તમને યાદ છે?

  • સૌથી ઉત્તમ પ્રેમ કોને કહેવાય?

  • “ઢોંગ વગરનો” પ્રેમ કોને કહેવાય?

  • સાચો પ્રેમ કોને કહેવાય?

૧. સૌથી ઉત્તમ પ્રેમ કોને કહેવાય? એ કઈ રીતે સમજાવી શકાય? (શરૂઆતનું ચિત્ર જુઓ.)

યહોવા પ્રેમના સ્રોત છે. (૧ યોહા. ૪:૭) એટલે પ્રેમને ખરો પ્રેમ ત્યારે જ કહેવાય, જો એ તેમના સિદ્ધાંતોને આધારે હોય. એવો પ્રેમ સૌથી ઉત્તમ છે. બાઇબલમાં, એના માટે ગ્રીક શબ્દ અગાપે વપરાયો છે. એમાં સ્નેહ અને ઊંડી લાગણી બતાવવાનો પણ સમાવેશ થાય છે. જોકે, એવા પ્રેમમાં લાગણી કરતાં કંઈક વધુ સમાયેલું છે. એ શું છે? કોઈ સ્વાર્થ વગર બીજાઓના હિત માટે કામ કરવું. એ પ્રેમ બીજાઓ માટે સારું કરવા પ્રેરે છે. એવા પ્રેમથી જીવનમાં ખરી ખુશી અને સંતોષની લાગણી મળે છે.

૨, ૩. યહોવાએ કઈ રીતે મનુષ્યો માટે નિઃસ્વાર્થ પ્રેમ બતાવ્યો?

૨ યહોવાએ આદમ અને હવાનું સર્જન કર્યું, એ પહેલાંથી મનુષ્યો માટે ખરો પ્રેમ બતાવ્યો હતો. મનુષ્યોની બધી જીવન જરૂરિયાત પૂરી થાય, એ રીતે તેમણે પૃથ્વીની રચના કરી. વધુમાં, પૃથ્વી સુંદર ઘર જેવી છે, જેમાં રહેવાનો આપણે આનંદ માણી શકીએ છીએ. યહોવાએ એ બધું પોતાના માટે નહિ, પણ આપણા માટે બનાવ્યું. પૃથ્વીને રહેવા લાયક બનાવ્યા પછી, યહોવાએ મનુષ્યોનું સર્જન કર્યું અને સુંદર પૃથ્વી પર હંમેશ માટેના જીવનની આશા આપી.

૩ પછીથી, યહોવાએ સૌથી અજોડ રીતે પોતાનો નિઃસ્વાર્થ પ્રેમ વ્યક્ત કર્યો. આદમ અને હવાએ બંડ પોકાર્યું છતાં, યહોવાને ખાતરી હતી કે તેઓના અમુક વંશજો તેમના પ્રત્યે પ્રેમ બતાવશે. એટલે, તેમણે પોતાના દીકરાનું બલિદાન આપવાની જોગવાઈ કરી. (ઉત. ૩:૧૫; ૧ યોહા. ૪:૧૦) યહોવાએ બલિદાનનું વચન આપ્યું ત્યારથી જ તેમની દૃષ્ટિમાં એ બલિદાન અપાઈ ચૂક્યું હતું. જોકે, ૪૦૦૦ વર્ષ પછી, યહોવાએ મનુષ્યો માટે પોતાના સૌથી વહાલા દીકરાનું બલિદાન આપ્યું. (યોહા. ૩:૧૬) યહોવાએ બતાવેલા એ નિઃસ્વાર્થ પ્રેમ માટે આપણે કેટલા આભારી છીએ!

૪. શાના પરથી કહી શકાય કે અપૂર્ણ માણસો પણ નિઃસ્વાર્થ પ્રેમ બતાવી શકે છે?

૪ શું અપૂર્ણ હોવા છતાં આપણે નિઃસ્વાર્થ પ્રેમ બતાવી શકીએ? હા. યહોવાએ આપણને તેમના જેવા ગુણો સાથે બનાવ્યા છે. તેથી, આપણામાં એવી કાબેલિયત છે કે આપણે તેમને અનુસરી શકીએ છીએ. જોકે, નિઃસ્વાર્થ પ્રેમ બતાવવો હંમેશાં સહેલું નથી, પણ એવો પ્રેમ બતાવવો શક્ય છે. ચાલો અમુક દાખલા જોઈએ. ઈશ્વરભક્ત હાબેલે યહોવાને સૌથી સારું બલિદાન આપીને બતાવ્યું કે તેમનો પ્રેમ નિઃસ્વાર્થ છે. (ઉત. ૪:૩, ૪) નુહે પણ નિઃસ્વાર્થ પ્રેમ બતાવ્યો. લોકોએ તેમનું સાંભળ્યું નહિ, છતાં વર્ષો સુધી તે પ્રચાર કરતા રહ્યા. (૨ પીત. ૨:૫) ઈબ્રાહીમે પણ બતાવ્યું કે યહોવા માટેનો તેમનો પ્રેમ ખૂબ ગાઢ છે. તે પોતાના વહાલા દીકરા ઇસ્હાકનું બલિદાન આપવાથી પણ અચકાયા નહિ! (યાકૂ. ૨:૨૧) એ વફાદાર ભક્તોની જેમ, આપણે પણ અઘરા સંજોગોમાં પ્રેમ બતાવવા ચાહીએ છીએ.

સાચો પ્રેમ કોને કહેવાય?

૫. સાચો પ્રેમ બતાવવાની અમુક રીતો કઈ છે?

૫ બાઇબલ જણાવે છે કે આપણે “શબ્દોથી કે જીભથી નહિ, પણ કાર્યોથી અને સાચા દિલથી પ્રેમ” કરીએ. (૧ યોહા. ૩:૧૮) શું એનો અર્થ એવો થાય કે શબ્દોમાં પ્રેમ વ્યક્ત ન કરવો જોઈએ? ના, એવું નથી. (૧ થેસ્સા. ૪:૧૮) જોકે, ફક્ત એમ કહેવું પૂરતું નથી કે “હું તને પ્રેમ કરું છું,” પણ પ્રેમ આપણાં કાર્યોમાં દેખાવો જોઈએ. દાખલા તરીકે, જો કોઈ ભાઈ કે બહેન પાસે પૂરતો ખોરાક કે કપડાં ન હોય, તો ફક્ત શબ્દોથી જરૂરિયાત પૂરી નહિ થાય. આપણે તેઓને મદદ પણ કરવી જોઈએ. (યાકૂ. ૨:૧૫, ૧૬) એવી જ રીતે, યહોવા અને પડોશીઓ માટે પ્રેમ હશે તો, “કાપણી માટે તે વધારે મજૂરો મોકલે” એવી ફક્ત પ્રાર્થના જ નહિ કરીએ, પણ પ્રચારમાં ખંતથી મહેનત કરીશું.—માથ. ૯:૩૮.

૬, ૭. (ક) “ઢોંગ વગરનો” પ્રેમ કોને કહેવાય? (ખ) બનાવટી પ્રેમનાં અમુક ઉદાહરણો આપો.

૬ પ્રેરિત યોહાને લખ્યું, આપણે “કાર્યોથી અને સાચા દિલથી” પ્રેમ કરવો જોઈએ. એટલે આપણો “પ્રેમ ઢોંગ વગરનો” હોવો જોઈએ. (રોમ. ૧૨:૯; ૨ કોરીં. ૬:૬) અમુક સમયે વ્યક્તિ કદાચ પ્રેમ બતાવવાનો દેખાડો કરે. પણ, શું એ સાચો પ્રેમ કહેવાય? વિચારો કે, એ પાછળ તેનો ઇરાદો શું છે? યાદ રાખો, આપણો પ્રેમ ઢોંગ વગરનો હોવો જોઈએ. પ્રેમમાં ઢોંગ હોય તો એને પ્રેમ કહેવાય જ નહિ.

૭ ચાલો, બનાવટી પ્રેમનાં કેટલાક ઉદાહરણો જોઈએ. એદન બાગમાં શેતાને હવા સાથે વાત કરી હતી. એ પરથી એવું લાગે કે તે હવાનું ભલું ચાહતો હતો. પણ, તેનાં કાર્યો બતાવતા હતા કે એવું ન હતું. (ઉત. ૩:૪, ૫) દાઊદ રાજગાદી પર હતા ત્યારે, તેમના મિત્ર અહીથોફેલે દગો દીધો. કારણ કે, તે પોતાનો ફાયદો વિચારતો હતો. તેનાં કાર્યોથી દેખાઈ આવ્યું કે તે સાચો મિત્ર ન હતો. (૨ શમૂ. ૧૫:૩૧) આજે, ધર્મભ્રષ્ટ લોકો અને મંડળમાં ભાગલા પડાવનારાઓ ‘મીઠી મીઠી વાતો અને ખુશામતથી’ બીજાઓને છેતરે છે. (રોમ. ૧૬:૧૭, ૧૮) તેઓ બીજાની ચિંતા કરતા હોય એવો દેખાડો કરે, પણ હકીકતમાં તેઓ સ્વાર્થી છે.

૮. આપણે કયા સવાલ પર વિચાર કરવો જોઈએ?

૮ પ્રેમનો ઢોંગ કરીને લોકોને છેતરવામાં આવે છે. એ કેટલું શરમજનક કહેવાય! આપણે માણસોને મૂર્ખ બનાવી શકીએ, પણ યહોવાને નહિ. ઈસુએ કહ્યું હતું કે જેઓ ઢોંગીઓની જેમ વર્તશે, તેઓને “કડકમાં કડક” સજા થશે. (માથ. ૨૪:૫૧) યહોવાના ભક્તો તરીકે, આપણે ક્યારેય ઢોંગી બનવા ચાહીશું નહિ. આપણે આ સવાલ પર વિચાર કરવો જોઈએ, ‘શું હું સાચો પ્રેમ બતાવું છું, કે પછી સ્વાર્થી અને અપ્રમાણિક છું?’ ચાલો એવી નવ રીતો જોઈએ, જે “ઢોંગ વગરનો” પ્રેમ બતાવવા મદદ કરશે.

“કાર્યોથી અને સાચા દિલથી પ્રેમ” કઈ રીતે બતાવી શકીએ?

૯. સાચો પ્રેમ આપણને કેવાં કાર્યો કરવા પ્રેરણા આપશે?

૯ ખુશીથી સેવા કરો, પછી ભલે લોકો એનાથી અજાણ હોય. આપણે હંમેશાં પ્રેમ અને દયાથી બીજાઓનું ભલું કરતા રહેવું જોઈએ. પછી ભલે એ વિશે લોકોને ક્યારેય જાણ ન થાય. (માથ્થી ૬:૧-૪ વાંચો.) અનાન્યા અને સફિરાનો વિચાર કરો. તેઓએ દાન આપ્યું ત્યારે, તેઓનો ઇરાદો સારો ન હતો. તેઓ ચાહતાં હતાં કે બીજાઓને એની જાણ થાય. વધુમાં, જે દાન આપ્યું એ વિશે તેઓ જૂઠું બોલ્યાં. પોતાના ઢોંગની તેઓએ ભારે કિંમત ચૂકવવી પડી. (પ્રે.કા. ૫:૧-૧૦) જો આપણે ભાઈ-બહેનોને ખરો પ્રેમ કરતા હોઈશું, તો કોઈને જાણ ન થાય એ રીતે તેઓને મદદ કરીશું અને સાચી ખુશી અનુભવીશું. નિયામક જૂથને મદદ કરતા ભાઈઓ પાસેથી આપણે શીખી શકીએ. ભક્તિને લગતી બાબતો તૈયાર કરવામાં તેઓ ઘણી મહેનત કરે છે, છતાં લોકોનું ધ્યાન પોતાના તરફ ખેંચતા નથી. પોતે કરેલાં કામોનો તેઓ ઢંઢેરો પીટતા નથી.

૧૦. આપણે કઈ રીતે બીજાઓને માન આપી શકીએ?

૧૦ બીજાઓને માન આપો. (રોમનો ૧૨:૧૦ વાંચો.) ઈસુએ પોતાના પ્રેરિતોના પગ ધોઈને તેઓને માન આપ્યું. (યોહા. ૧૩:૩-૫, ૧૨-૧૫) ઈસુના એ કાર્યને પ્રેરિતો પૂરેપૂરી રીતે સમજી શક્યા ન હતા. પછીથી, તેઓ પર પવિત્ર શક્તિ આવી ત્યારે તેઓને એ વાત સમજાઈ. (યોહા. ૧૩:૭) ઈસુની જેમ નમ્ર બનવા અને બીજાઓની સેવા કરવા માટે આપણે ખંતથી મહેનત કરવી જોઈએ. ભલે, આપણે ભણેલા-ગણેલા કે ધનવાન હોઈએ કે પછી આપણી પાસે ખાસ સોંપણી હોય, પણ એવું ન વિચારીએ કે આપણે બીજાઓ કરતાં ચઢિયાતા છીએ. એમ કરીને આપણે બીજાઓને માન આપીએ છીએ. (રોમ. ૧૨:૩) બીજાઓના વખાણ થાય ત્યારે આપણે ઈર્ષા ન કરીએ, પણ તેઓ માટે ખુશ થઈએ. પછી ભલે આપણને લાગતું હોય કે એ કામ માટે થોડી વાહ-વાહ આપણી પણ થવી જોઈતી હતી.

૧૧. શા માટે આપણે દિલથી લોકોની પ્રશંસા કરવી જોઈએ?

૧૧ દિલથી પ્રશંસા કરો. બીજાઓની પ્રશંસા કરવાની તક ઝડપી લો. આપણે જાણીએ છીએ કે પ્રશંસા કરવાથી બધાને “ઉત્તેજન” મળે છે. (એફે. ૪:૨૯) પણ ધ્યાન રાખીએ કે, જે કંઈ કહીએ એ ખરા દિલથી હોય, ખુશામત કરવાના ઇરાદાથી નહિ. બીજાઓને જરૂરી સલાહ આપવાથી પણ પીછેહઠ ન કરવી જોઈએ. (નીતિ. ૨૯:૫) જો વ્યક્તિ આગળ તેની પ્રશંસા કરીએ અને પીઠ પાછળ ટીકા, તો આપણે ઢોંગી છીએ. ખરો પ્રેમ બતાવવામાં પ્રેરિત પાઊલે સરસ દાખલો બેસાડ્યો છે. કોરીંથ મંડળના ખ્રિસ્તીઓને પત્ર લખ્યો ત્યારે, તેઓનાં કામ વિશે પાઊલે દિલથી પ્રશંસા કરી. (૧ કોરીં. ૧૧:૨) જોકે, જરૂર પડી ત્યારે પ્રેમાળ ઠપકો આપવાથી પણ તે અચકાયા નહિ. ઉપરાંત, તેમણે સાફ સાફ એનાં કારણો પણ જણાવ્યાં.—૧ કોરીં. ૧૧:૨૦-૨૨.

એક બહેન કવરમાં પૈસા મૂકીને જરૂરતમંદ બહેનને મોકલી આપે છે

પ્રેમ અને મહેમાનગતિ બતાવવાની એક રીત છે કે ભાઈ-બહેનોને જરૂરી મદદ પૂરી પાડીએ (ફકરો ૧૨ જુઓ)

૧૨. મહેમાનગતિ કરવામાં કઈ રીતે ખરો પ્રેમ બતાવી શકીએ?

૧૨ મહેમાનગતિ બતાવો. યહોવાએ આજ્ઞા આપી છે કે આપણે ભાઈ-બહેનો માટે ઉદારતા બતાવીએ. (૧ યોહાન ૩:૧૭ વાંચો.) પરંતુ, મહેમાનગતિ બતાવવા પાછળનો આપણો ઇરાદો સારો હોવો જોઈએ. આપણે પોતાને પૂછી શકીએ: ‘શું હું મારા મિત્રોને અથવા મંડળમાં જેઓને મહત્ત્વના ગણું છું, તેઓને જ ઘરે બોલાવું છું? જેઓ મારા માટે કંઈ કરે છે, શું તેઓને જ બોલાવું છું? કે પછી, જેઓને હું ઓળખતો નથી અથવા જેઓએ મારા માટે કંઈ કર્યું નથી, તેઓને પણ આમંત્રણ આપીને ઉદારતા બતાવું છું?’ (લુક ૧૪:૧૨-૧૪) આ સંજોગોની કલ્પના કરો: એક ભાઈ વગર વિચાર્યે નિર્ણય લે છે અને હવે તેમને મદદની જરૂર છે. અથવા કોઈ ભાઈ તમે બતાવેલી મહેમાનગતિનો આભાર વ્યક્ત કરતા નથી. તમે શું કરશો? એવા સંજોગોમાં આ સલાહ લાગુ પાડવી જોઈએ: “કચકચ કર્યા વગર એકબીજાને મહેમાનગતિ બતાવો.” (૧ પીત. ૪:૯) આપણે ખરા ઇરાદાથી મદદ કરીશું તો, આપણને ખુશી મળશે.—પ્રે.કા. ૨૦:૩૫.

૧૩. (ક) આપણને ક્યારે ધીરજની વધુ જરૂર પડે છે? (ખ) નબળા લોકોને મદદ કરવા આપણે શું કરી શકીએ?

૧૩ નબળાઓને મદદ કરો. બાઇબલ આજ્ઞા આપે છે કે, “નબળા લોકોને સાથ આપો, બધા સાથે ધીરજથી વર્તો.” આ આજ્ઞાથી આપણો પ્રેમ પરખાઈ જશે. (૧ થેસ્સા. ૫:૧૪) આપણાં ઘણાં ભાઈ-બહેનો શ્રદ્ધામાં નબળાં હતાં, પણ હવે તેઓ દૃઢ થયાં છે. પરંતુ, અમુકને દૃઢ થવા આપણાં ધીરજ અને પ્રેમાળ મદદની જરૂર પડે છે. આપણે કઈ રીતે તેઓને મદદ કરી શકીએ? આપણે તેઓને બાઇબલ દ્વારા ઉત્તેજન આપી શકીએ, સાથે પ્રચારમાં લઈ જઈ શકીએ અથવા તેઓનું ધ્યાનથી સાંભળી શકીએ. આપણે એવું ન વિચારીએ કે આ ભાઈ “દૃઢ” છે અને આ ભાઈ “નબળા.” એને બદલે યાદ રાખીએ કે દરેકમાં અમુક આવડતો હોય છે તો અમુક નબળાઈઓ. અરે, પ્રેરિત પાઊલે પણ પોતાની નબળાઈઓ વિશે જણાવ્યું હતું. (૨ કોરીં. ૧૨:૯, ૧૦) એકબીજાના સાથ-સહકારથી આપણને દરેકને ફાયદો થાય છે.

૧૪. ભાઈ-બહેનો સાથે સુલેહ-શાંતિ કરવા આપણે કેટલી હદે પ્રયત્ન કરવો જોઈએ?

૧૪ સુલેહ-શાંતિ કરો. ભાઈ-બહેનો સાથે સુલેહ-શાંતિ કરવી ખૂબ મહત્ત્વની છે. ગેરસમજ કે અન્યાય થાય ત્યારે પણ, સુલેહ-શાંતિ કરવા આપણે બનતો પ્રયત્ન કરવો જોઈએ. (રોમનો ૧૨:૧૭, ૧૮ વાંચો.) જો આપણે કોઈના દિલને ઠેસ પહોંચાડી હોય, તો આપણે ખરા દિલથી માફી માંગવી જોઈએ. બસ એટલું કહીને છૂટી ન જઈએ કે, “તમને એવું લાગ્યું એ માટે હું દિલગીર છું,” પણ આપણે પોતાની ભૂલ કબૂલવી જોઈએ અને દિલથી કહેવું જોઈએ કે, “મારા શબ્દોથી તમને માઠું લાગ્યું એ માટે હું ખૂબ દિલગીર છું.” લગ્‍નજીવનમાં પણ સુલેહ-શાંતિ ખૂબ મહત્ત્વની છે. પતિ-પત્ની બીજાઓ સામે કદાચ પ્રેમનો દેખાડો કરે. પણ, એકાંતમાં હોય ત્યારે અબોલા લે, શબ્દોનાં બાણ ચલાવે કે પછી હાથ ઉપાડે, તો તેઓનો પ્રેમ શું સાચો પ્રેમ કહેવાય?

૧૫. આપણે ખરા દિલથી માફી આપી છે, એ કઈ રીતે બતાવી શકીએ?

૧૫ એકબીજાને દિલથી માફ કરો. જો કોઈ આપણને માઠું લગાડે, તો આપણે તેને માફ કરીએ, દિલમાં કડવાશ ભરી ન રાખીએ. પછી ભલે એ વ્યક્તિને અહેસાસ પણ ન હોય કે તેના લીધે આપણને દુઃખ પહોંચ્યું છે. બીજાઓને દિલથી માફ કરવા ‘પ્રેમથી તેઓનું સહન કરીએ અને શાંતિના બંધનમાં એકતા જાળવી રાખવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીએ.’ (એફે. ૪:૨, ૩) વ્યક્તિએ કરેલી ભૂલો પર વિચાર્યા ન કરીએ. કારણ કે પ્રેમ “કોઈએ દુઃખ પહોંચાડ્યું હોય તો એનો હિસાબ રાખતો નથી.” (૧ કોરીં. ૧૩:૪, ૫) જો મનમાં ખાર ભરી રાખીશું, તો એ વ્યક્તિ સાથેનો અને યહોવા સાથેનો આપણો સંબંધ જોખમમાં આવી પડશે. (માથ. ૬:૧૪, ૧૫) હકીકતમાં, એ વ્યક્તિ માટે પ્રાર્થના કરવી જોઈએ. આમ, બતાવીશું કે આપણે તેને ખરા દિલથી માફી આપી છે.—લુક ૬:૨૭, ૨૮.

૧૬. યહોવાની સેવામાં મળેલી ખાસ સોંપણી વિશે તમને કેવું લાગે છે?

૧૬ પોતાનો જ ફાયદો ન જુઓ. યહોવાની સેવામાં કોઈ ખાસ સોંપણી મળે ત્યારે, આપણે કઈ રીતે ખરો પ્રેમ બતાવી શકીએ? એવા સમયે આપણે “પોતાનો જ નહિ, બીજાના ફાયદાનો પણ વિચાર કરવો જોઈએ.” (૧ કોરીં. ૧૦:૨૪) દાખલા તરીકે, સંમેલનોમાં એટેન્ડન્ટ વિભાગના ભાઈઓ હૉલમાં સૌથી પહેલા આવે છે. તેઓને કદાચ પોતાના કે પોતાના કુટુંબ માટે સૌથી સારી જગ્યા રોકવાની ઇચ્છા થાય. જોકે, મોટાભાગના એ ભાઈઓ સૌથી સારી જગ્યા રોકતા નથી. આમ, તેઓ નિઃસ્વાર્થ પ્રેમ બતાવે છે. તેઓનાં સારાં ઉદાહરણને તમે કઈ રીતે અનુસરી શકો?

૧૭. જો કોઈ વ્યક્તિ ગંભીર પાપ કરે, તો ખરો પ્રેમ તેને શું કરવા માટે પ્રેરશે?

૧૭ ખાનગીમાં પાપ કરવાનું છોડો અને એને કબૂલ કરો. અમુક ભાઈ-બહેનો ગંભીર પાપ કરે છે અને એને છૂપાવે છે. એવાં પાપ કબૂલ કરવામાં કદાચ તેઓ શરમ અનુભવે છે, કે પછી બીજાઓને નિરાશ કરવા માંગતા નથી. (નીતિ. ૨૮:૧૩) પરંતુ, જેના દિલમાં સાચો પ્રેમ હશે તે પોતાનાં પાપ છુપાવશે નહિ. કારણ કે, પાપ છુપાવવાથી તેને અને બીજાઓને હાનિ પહોંચે છે. કઈ રીતે? કદાચ યહોવા એ મંડળને પવિત્ર શક્તિ આપવાનું બંધ કરી દે અને મંડળની શાંતિ છીનવાઈ જાય. (એફે. ૪:૩૦) તેથી, એક વ્યક્તિ જો ગંભીર પાપ કરે, તો ખરો પ્રેમ તેને વડીલો સાથે વાત કરવા અને જરૂરી મદદ મેળવવા પ્રેરશે.—યાકૂ. ૫:૧૪, ૧૫.

૧૮. ખરો પ્રેમ કેટલો મહત્ત્વનો છે?

૧૮ બધા ગુણોમાં પ્રેમનો ગુણ સૌથી મહાન છે. (૧ કોરીં. ૧૩:૧૩) પ્રેમનો ગુણ ઈસુના ખરા શિષ્યોની ઓળખ છે, જેઓ પ્રેમના સ્રોત યહોવાનું અનુકરણ કરે છે. (એફે. ૫:૧, ૨) પાઊલે પોતાના વિશે કહ્યું હતું કે, જો તેમનામાં પ્રેમ ન હોય તો તે કંઈ જ નથી. (૧ કોરીં. ૧૩:૨) તેથી, ચાલો આપણે ફક્ત ‘શબ્દોથી નહિ, પણ કાર્યોથી અને સાચા દિલથી પ્રેમ કરતા રહીએ.’

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • Privacy Settings
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો