સમજી-વિચારીને મુક્કાબાજી કરીએ
૧. આપણા પ્રચાર કાર્યને ૧ કરિંથી ૯:૨૬ કઈ રીતે લાગુ પડે છે?
૧ પ્રેરિત પાઊલે લખ્યું: “ધ્યેયને લક્ષમાં રાખીને હું નિશાન તરફ દોડી રહ્યો છું. હું કેવળ હવામાં મુક્કાબાજી કરતો નથી.” (૧ કરિં. ૯:૨૬, IBSI) પાઊલ અહીં શાના વિષે વાત કરતા હતા? તે અહીં યહોવાની વધુ સારી રીતે સેવા કરવાની વાત કરતા હતા. આ સિદ્ધાંત પ્રચાર કાર્યને પણ લાગુ પડે છે. આપણે સમજી-વિચારીને “મુક્કાબાજી” કરવી જોઈએ, જેથી સારા પરિણામ મળે. એ માટે શું કરવું જોઈએ?
૨. પાઊલ અને પહેલી સદીના ભાઈ-બહેનોની જેમ ક્યારે અને ક્યાં પ્રચાર કરી શકીએ?
૨ લોકો મળે ત્યાં જઈએ: પાઊલ અને પહેલી સદીના ભાઈ-બહેનો એવી જગ્યાએ ખુશખબર ફેલાવવા જતા જ્યાં લોકો મળે. (પ્રે.કૃ. ૫:૪૨; ૧૬:૧૩; ૧૭:૧૭) જો આપણને સાંજે વધારે લોકો ઘરે મળતા હોય, તો ઘરથી ઘર પ્રચાર કરવાનો એ સૌથી સારો સમય કહેવાય. આપણા વિસ્તારનું બસ સ્ટૅન્ડ અને રેલવે સ્ટેશન દિવસમાં સૌથી વધારે ક્યારે વપરાય છે એ વિચારીએ. વહેલી સવારે, બપોરે કે સાંજે જ્યારે લોકો કામથી ઘરે પાછા આવતા હોય? વેપારી વિસ્તાર ક્યારે લોકોથી ભરેલો હોય છે? એ સવાલોને ધ્યાનમાં રાખીને રસ્તા પર આવ-જા કરતા લોકો સાથે પ્રચાર કરવાનો લાભ ઉઠાવીએ. એના સારા પરિણામો આવી શકે.
૩. આપણે કઈ રીતે સમજી-વિચારીને પ્રચાર વિસ્તાર આવરી શકીએ?
૩ સમજી-વિચારીને વિસ્તાર આવરીએ: સમજી-વિચારીને મુક્કાબાજી કરતા હોઈએ એવી રીતે આપણો વિસ્તાર આવરવો જોઈએ. દાખલા તરીકે એક જ વિસ્તારમાં વારંવાર મોટું ગ્રૂપ લઈ જવાને બદલે નાનાં ગ્રૂપમાં જવું જોઈએ. એમ કરવાથી બધાની સંભાળ રાખવામાં ઘણો સમય વેડફાઈ નહિ જાય. એવી જ રીતે જ્યાં બહુ પ્રચાર થયો નથી એવા વિસ્તારમાં જઈએ ત્યારે શું ધ્યાનમાં રાખવું જોઈએ? નાનું ગ્રૂપ હશે તો વધારે લોકો સાથે વાત કરવાનો મોકો મળશે અને ઝડપથી વિસ્તાર આવરી શકીશું. એ ઉપરાંત ઘરની આજુ-બાજુ પ્રચાર કરવા ટેરેટરી મેળવીશું તો, આવ-જા કરવામાં સમય બચી જશે.
૪. વધારે લોકોને ખુશખબર ફેલાવવા આપણે શું કરવું જોઈએ?
૪ ઈસુએ પ્રચાર કાર્યને માછીમારી સાથે સરખાવ્યું હતું. (માર્ક ૧:૧૭) માછીમારનો ધ્યેય ફક્ત જાળ નાખવાનો નહિ, પણ માછલી પકડવાનો છે. એ માટે તે એવા સમયે અને જગ્યાએ જશે, જ્યાં ઓછા સમયમાં વધારે માછલી પકડી શકે. તેઓ સાચે જ સમજી-વિચારીને મુક્કાબાજી કરે છે. ચાલો આપણે પણ ખુશખબર ફેલાવવામાં મંડ્યા રહીએ.—હિબ્રૂ ૬:૧૧.