પાઠ ૧૦
યહોવાના સાક્ષીઓની સભાઓમાં તમારું સ્વાગત છે!
શું તમે કદી યહોવાના સાક્ષીઓની સભામાં ગયા છો? જો તમે સભામાં જવાનું વિચારતા હશો, તો તમારા મનમાં આવા સવાલો હશે: ‘તેઓની સભામાં શું થાય છે? સભાઓ કેમ જરૂરી છે અને મારે ત્યાં કેમ જવું જોઈએ?’ ચાલો જોઈએ કે સભાઓમાં જવાથી તમને કેવી મદદ મળશે અને યહોવા સાથેનો સંબંધ કઈ રીતે મજબૂત થશે.
૧. સભાઓમાં જવાનું સૌથી મહત્ત્વનું કારણ કયું છે?
એક ઈશ્વરભક્તે કહ્યું હતું: “ભક્તોના ટોળામાં હું યહોવાનો જયજયકાર કરીશ.” (ગીતશાસ્ત્ર ૨૬:૧૨) “ટોળામાં” એટલે કે સભાઓમાં જવાનું સૌથી મહત્ત્વનું કારણ છે, યહોવાનો જયજયકાર કરવો, તેમની ભક્તિ કરવી. જૂના જમાનાની જેમ આજે પણ યહોવાના સાક્ષીઓ ખુશી ખુશી ભેગા મળે છે. દર અઠવાડિયે તેઓ સાથે મળીને યહોવાની ભક્તિ કરે છે, ગીતો ગાય છે અને પ્રાર્થના કરે છે. વર્ષમાં અમુક વાર તેઓ મોટી સંખ્યામાં પણ ભેગા મળે છે.
૨. સભાઓમાં તમને શું શીખવા મળશે?
સભાઓમાં જે કંઈ શીખવવામાં આવે છે, એ બાઇબલમાંથી હોય છે. ત્યાં બાઇબલની વાતો ‘સારી રીતે સમજાવવામાં આવે છે અને એનો અર્થ જણાવવામાં આવે છે.’ (નહેમ્યા ૮:૮ વાંચો.) ત્યાં તમને યહોવા અને તેમના ગુણો વિશે શીખવા મળશે. જ્યારે તમે જાણશો કે યહોવા તમને કેટલો પ્રેમ કરે છે, ત્યારે યહોવા સાથેનો તમારો સંબંધ મજબૂત થશે. સભાઓમાં તમને યહોવા પાસેથી શીખવા મળશે કે મનની શાંતિ કઈ રીતે મેળવવી અને ખુશ કઈ રીતે રહેવું.—યશાયા ૪૮:૧૭, ૧૮.
૩. સભાઓમાં બીજાઓને મળીને તમને કેવી મદદ મળશે?
યહોવા ચાહે છે કે આપણે ‘પ્રેમ અને સારાં કામો કરવા ઉત્તેજન મળે એ માટે એકબીજાનો દિલથી વિચાર કરીએ. ભેગા મળવાનું છોડી ન દઈએ.’ (હિબ્રૂઓ ૧૦:૨૪, ૨૫) સભાઓમાં તમે એવા લોકોને મળશો, જેઓ દિલથી એકબીજાની કાળજી રાખે છે. તમારી જેમ તેઓ પણ ઈશ્વર વિશે વધારે શીખવા માંગે છે. તેઓની વાતોથી તમને હિંમત મળશે અને બાઇબલ પર તમારો ભરોસો વધશે. (રોમનો ૧:૧૧, ૧૨ વાંચો.) ત્યાં તમે અનેક કુટુંબોને, યુવાનોને અને યુગલોને મળશો. તેઓ સાથે વાત કરીને તમે જાણી શકશો કે તેઓ કઈ રીતે મુશ્કેલીઓ હોવા છતાં ખુશ છે. સભાઓમાં જવાના બીજા ઘણા ફાયદા છે, એટલે યહોવા ચાહે છે કે આપણે બધી સભાઓમાં જઈએ.
વધારે જાણો
યહોવાના સાક્ષીઓની સભાઓમાં શું થાય છે? આપણે સભાઓમાં જવા બનતું બધું કરીશું તો કેવા ફાયદા થશે? ચાલો જોઈએ.
૪. યહોવાના સાક્ષીઓની સભા
પહેલી સદીના ઈશ્વરભક્તો ભેગા મળીને યહોવાની ભક્તિ કરતા હતા. (રોમનો ૧૬:૩-૫) કોલોસીઓ ૩:૧૬ વાંચો. પછી આ સવાલની ચર્ચા કરો:
એ ઈશ્વરભક્તો ભક્તિ માટે ભેગા મળતા ત્યારે શું કરતા હતા?
આજે યહોવાના સાક્ષીઓ પણ દર અઠવાડિયે યહોવાની ભક્તિ કરવા એક જગ્યાએ ભેગા મળે છે. એ જગ્યાને પ્રાર્થનાઘર કહેવાય છે. વીડિયો જુઓ અને જાણો કે સભાઓમાં શું થાય છે. પછી સભાનું ચિત્ર જુઓ અને નીચે આપેલા સવાલોની ચર્ચા કરો.
કોલોસીઓ ૩:૧૬ પ્રમાણે પહેલી સદીની જેમ આજે પણ અમારી સભાઓમાં શું થાય છે?
વીડિયો અથવા અહીં આપેલા ચિત્રમાંથી તમને સભાઓ વિશે બીજું શું ગમ્યું?
૨ કોરીંથીઓ ૯:૭ વાંચો. પછી નીચે આપેલા સવાલની ચર્ચા કરો:
યહોવાના સાક્ષીઓની સભાઓમાં કેમ દાન ઉઘરાવવામાં નથી આવતું?
તમને બાઇબલ શીખવનાર ભાઈ કે બહેન પાસેથી જાણો કે હવે પછીની સભામાં શાની ચર્ચા થશે.
સભામાં તમને કયો ભાગ સૌથી વધારે ગમશે? કેમ?
જાણવા જેવું
jw.org/gu પર તમે જોઈ શકશો કે આખી દુનિયામાં અમારી સભાઓ ક્યાં અને કયા સમયે થાય છે.
ક. સભાની શરૂઆત અને અંત એક ગીત અને પ્રાર્થનાથી થાય છે. ત્યાં અમે પ્રવચન સાંભળીએ છીએ અને વીડિયો જોઈએ છીએ. ત્યાં અમને ખુશખબર જણાવવાની અને બીજાઓને બાઇબલમાંથી શીખવવાની તાલીમ મળે છે
ખ. અમુક ભાગમાં સવાલો પૂછવામાં આવે છે. એમાં કોઈ પણ જવાબ આપી શકે
ગ. ત્યાં કોઈ પણ આવી શકે: બાળકો, યુવાનો અને વૃદ્ધો, બધાનું સ્વાગત છે
ઘ. અમારી સભાઓમાં કોઈ દાન ઉઘરાવવામાં નથી આવતું. ત્યાં શીખવા તમારે પૈસા આપવા નહિ પડે
૫. સભાઓમાં જવા બનતું બધું કરો
ઈસુના કુટુંબનો વિચાર કરો. તેઓ નાઝરેથમાં રહેતા હતા. યહોવાની ભક્તિ કરવા તેઓ દર વર્ષે યરૂશાલેમ જતા. એ આશરે ૧૦૦ કિલોમીટર દૂર હતું. ત્યાં જવા તેઓએ ચાલીને મુસાફરી કરવી પડતી. અરે, પહાડો પણ પાર કરવા પડતા! લૂક ૨:૩૯-૪૨ વાંચો. પછી નીચે આપેલા સવાલોની ચર્ચા કરો:
શું યરૂશાલેમની મુસાફરી તેઓ માટે સહેલી હતી?
સભાઓમાં જવા તમને કઈ કઈ મુશ્કેલીઓ નડી શકે? એને દૂર કરવા તમે શું કરી શકો?
મુશ્કેલીઓ છતાં સભાઓમાં જવાથી શું તમને ફાયદો થશે? તમને કેમ એવું લાગે છે?
બાઇબલમાં જણાવ્યું છે કે યહોવાની ભક્તિ કરવા આપણે ભેગા મળવું જોઈએ. હિબ્રૂઓ ૧૦:૨૪, ૨૫ વાંચો. પછી નીચે આપેલા સવાલની ચર્ચા કરો:
આપણે કેમ બધી સભાઓમાં જવું જોઈએ?
અમુક લોકો કહે છે: “બાઇબલમાંથી તો ઘરે બેસીને પણ શીખી શકાય, સભાઓમાં જવાની શી જરૂર?”
બાઇબલની કઈ કલમ કે દાખલો બતાવે છે કે આપણે સભાઓમાં જવું જોઈએ?
આપણે શીખી ગયા
સભાઓમાં જવાથી તમે યહોવા વિશે વધારે શીખી શકશો, તેમની સાથેનો તમારો સંબંધ મજબૂત થશે અને બીજાઓ સાથે મળીને યહોવાની ભક્તિ કરી શકશો.
તમે શું કહેશો?
યહોવા કેમ ચાહે છે કે આપણે સભાઓમાં જઈએ?
યહોવાના સાક્ષીઓની સભાઓમાં તમે શું શીખશો?
સભાઓમાં જવાથી તમને કેવા ફાયદા થશે?
વધારે માહિતી
શું તમે સભામાં જતા અચકાઓ છો? એક માણસને એવું જ લાગતું હતું. તોપણ તે સભામાં ગયો અને તેને એ ખૂબ ગમી. એ વિશે આ વીડિયો જુઓ.
એક યુવાનને કેમ આપણી સભાઓ બહુ ગમી અને એકેય સભા ન ચૂકવા તેણે શું કર્યું, એ વિશે જાણવા આ વીડિયો જુઓ.
અમુક લોકોને સભામાં જવા વિશે કેવું લાગે છે, એ વાંચો.
“યહોવાના સાક્ષીઓની સભાઓમાં કેમ જવું જોઈએ?” (jw.org/gu પર આપેલો લેખ)
જાણો કે યહોવાના સાક્ષીઓની સભામાં જવાથી એક ખતરનાક ગુંડાનું જીવન કઈ રીતે બદલાઈ ગયું.
“હું બંદૂક વગર ક્યાંય ન જતો” (ચોકીબુરજ, ઑક્ટોબર-ડિસેમ્બર ૨૦૧૪)