વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w06 ૧૦/૧ પાન ૧૨-૧૬
  • ‘તારી જુવાનીની પત્નીમાં આનંદ માણ’

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ‘તારી જુવાનીની પત્નીમાં આનંદ માણ’
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૬
  • મથાળાં
  • સરખી માહિતી
  • કપટી હૃદયથી સાવચેત રહો!
  • “ડાહ્યો માણસ હાનિ આવતી જોઈને સંતાઈ જાય છે”
  • ‘તારી પત્ની, જેના પર તું પ્રેમ કરે છે, તેની સાથે આનંદથી જીવન વિતાવ’
  • “દુઃખ” આવે ત્યારે
  • વફાદાર રહેવાનું સૌથી મોટું કારણ
  • આ જમાનામાં લગ્‍નજીવન સુખેથી ટકી શકે!
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૫
  • સુખી લગ્‍નજીવનની ચાવી
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૬
  • લગ્‍નસાથીને વફાદાર રહેવું એટલે શું?
    સજાગ બનો!—૨૦૦૯
  • તમારા લગ્‍નને ટકાવી રાખવા બનતું બધું કરો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૨
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૬
w06 ૧૦/૧ પાન ૧૨-૧૬

‘તારી જુવાનીની પત્નીમાં આનંદ માણ’

‘તારી જુવાનીની પત્નીમાં આનંદ માણ. શા માટે તારે પરનારી પર આશક બનવું જોઈએ?’—નીતિવચનો ૫:૧૮, ૨૦.

૧, ૨. પતિ-પત્નીને કેવી ભેટ મળી છે? એ કોના તરફથી આવી?

બાઇબલ જાતીય સંબંધ વિષે પણ અમુક માહિતી આપે છે. નીતિવચનો ૫:૧૮, ૧૯ કહે છે: “તારો ઝરો આશીર્વાદ પામો, અને તારી જુવાનીની પત્નીમાં આનંદ માન. પ્રેમાળ હરણી તથા મનોહર છીંકારી જેવી તે તને લાગો, સર્વ પ્રસંગે તેનાં સ્તનોથી તું સંતોષ પામ; અને તેના જ પ્રેમમાં તું હમેશાં ગરકાવ રહે.”

૨ આ કલમમાં પાણીનો “ઝરો,” તમારા પતિ કે પત્ની સાથે જાતીય સંબંધ બાંધવાની ઇચ્છાને બતાવે છે. યહોવાહે આપણને એવી રીતે બનાવ્યા છે કે આપણે પ્રેમ અને સેક્સનો આનંદ માણી શકીએ. એ યહોવાહ તરફથી એક ભેટ છે. પણ એ ફક્ત લગ્‍નસાથી સાથે જ માણી શકાય. હજારો વર્ષો પહેલાં, ઈસ્રાએલના રાજા સુલેમાને લખ્યું: “મારા દીકરા, શા માટે તારે પરનારી પર આશક બનવું જોઈએ, અને પરાઈ સ્ત્રીના ઉરને આલિંગન આપવું જોઈએ?”—નીતિવચનો ૫:૨૦.

૩. (ક) આજે ઘણા લગ્‍નમાં શું થાય છે? (ખ) વ્યભિચાર વિષે ઈશ્વરને કેવું લાગે છે?

૩ સ્ત્રી અને પુરુષ તેઓના લગ્‍નના દિવસે એક વચન લે છે કે તેઓ હંમેશાં એકબીજાને પ્રેમ કરશે. હંમેશાં વફાદાર રહેશે. તેમ છતાં, આજે ઘણા પતિ યા પત્ની વ્યભિચાર કરીને બેવફા બને છે. આશરે ૨૫ સર્વે તપાસીને એક સંશોધકે કહ્યું કે ‘૨૫ ટકા પત્નીઓ અને ૪૪ ટકા પતિઓ બીજાઓ સાથે આડાસંબંધ બાંધીને બેવફા બન્યા છે.’ પ્રેરિત પાઊલે કહ્યું કે વ્યભિચારીઓ અને મૂર્તિપૂજકોને ઈશ્વરનો આશીર્વાદ મળશે નહિ. લગ્‍ન પહેલાં સેક્સ કે સ્ત્રી-સ્ત્રી સાથે અને પુરુષ-પુરુષ સાથે સેક્સ સંબંધ બાંધે છે તેઓને ઈશ્વરનો આશીર્વાદ મળશે નહિ. (૧ કોરીંથી ૬:૯, ૧૦) કોઈ શંકા નથી કે ઈશ્વરની નજરમાં વ્યભિચાર એક ઘોર પાપ છે. આપણે ધ્યાન રાખવું જોઈએ કે કદીયે બેવફા ન બનીએ. ‘લગ્‍નને માનયોગ્ય ને બિછાનું નિર્મળ’ રાખવા, એટલે કે લગ્‍નસાથીને વફાદાર રહેવા આપણને શું મદદ કરશે?—હેબ્રી ૧૩:૪.

કપટી હૃદયથી સાવચેત રહો!

૪. કોઈ પરિણીત ખ્રિસ્તી કેવી રીતે અજાણતાથી લગ્‍નસાથીને બેવફા બની શકે છે?

૪ આ બગડેલી દુનિયામાં લોકોની ‘આંખો વ્યભિચારથી ભરેલી છે ને પાપ કરતા બંધ થતી નથી.’ (૨ પીતર ૨:૧૪) ભલે સ્ત્રી-પુરુષે લગ્‍ન કર્યા હોય, છતાં તેઓ બીજાઓ સાથે રોમાન્સ કરે છે. આજે અમુક દેશોમાં ઘણી સ્ત્રીઓ અને પુરુષો સાથે કામ કરે છે. એનાથી ઑફિસ રોમાન્સ થવાની શક્યતા વધી છે. ઇંટરનેટ ચેટ-રૂમ દ્વારા પણ અમુક શરમાળ વ્યક્તિઓ બીજાઓના ગાઢ દોસ્ત બન્યા છે. ઘણા યુગલોને ખ્યાલ પણ નથી આવતો કે તેઓ ક્યારે ને કઈ રીતે આવા ફાંદામાં ફસાઈ ગયા.

૫, ૬. એક બહેન કઈ રીતે વ્યભિચાર કરવાની અણીએ પહોંચી ગઈ, ને એમાંથી આપણે શું શીખી શકીએ?

૫ ચાલો એક બહેનનો દાખલો લઈએ. આપણે તેને મેરી તરીકે ઓળખીશું. તેનો પતિ યહોવાહનો સાક્ષી નથી. તે મેરી અને કુટુંબને બહુ પ્રેમ બતાવતો નહિ. અમુક વર્ષ પહેલાં, મેરી તેના પતિ સાથે કામ કરનાર એક પુરુષને મળી. તે બહુ જ સારો હતો. તે અને મેરી દોસ્ત બની ગયા. એ માણસ બાઇબલમાં પણ રસ બતાવવા લાગ્યો. મેરી કહે છે, ‘તે મારા પતિથી ખૂબ જ અલગ હતો. તે તો ખૂબ સારો હતો.’ થોડા જ સમયમાં મેરી અને આ માણસ વચ્ચે પ્રેમના અંકુર ફૂટ્યાં. મેરી વિચારવા લાગી કે ‘મેં વ્યભિચાર તો કર્યો નથી. આ માણસને બાઇબલમાં રસ છે. કદાચ હું તેને મદદ કરી શકીશ.’

૬ મેરી છેક વ્યભિચારની અણીએ પહોંચી ત્યારે જ ભાનમાં આવી. (ગલાતી ૫:૧૯-૨૧; એફેસી ૪:૧૯) તેનું હૃદય ડંખવા લાગ્યું. તેણે તરત એ માણસ સાથે દોસ્તી તોડી નાખી. મેરીનો દાખલો શું બતાવે છે? એ જ કે, “હૃદય સહુથી કપટી છે, તે અતિશય ભૂંડું છે.” (યિર્મેયાહ ૧૭:૯) એટલે બાઇબલ કહે છે: “પૂર્ણ ખંતથી તારા હૃદયની સંભાળ રાખ.” (નીતિવચનો ૪:૨૩) એમ કઈ રીતે કરી શકાય?

“ડાહ્યો માણસ હાનિ આવતી જોઈને સંતાઈ જાય છે”

૭. કોઈ પતિ કે પત્નીને મદદ આપતી વખતે કઈ બાઇબલ સલાહ તમને જોખમથી બચાવશે?

૭ પાઊલે લખ્યું: “જે કોઈ પોતાને સ્થિર ઊભેલો ધારે છે, તે પોતે ન પડે માટે સાવચેત રહે.” (૧ કોરીંથી ૧૦:૧૨) આપણે કદીયે એમ ન વિચારવું જોઈએ કે ‘મને કંઈ નહિ થાય.’ નીતિવચનો ૨૨:૩ કહે છે: “ડાહ્યો માણસ હાનિ આવતી જોઈને સંતાઈ જાય છે.” તેથી અગાઉથી વિચારવું જોઈએ કે આપણાં કયા પગલાં આપણને તકલીફમાં મૂકી શકે. દાખલા તરીકે, કોઈ પતિ કે પત્ની વચ્ચે બનતું નથી. જો તમે ભાઈ હો અને એ યુગલમાંથી પત્ની તમારી તરફ વારંવાર દિલાસો ને મદદ મેળવવા માટે દોડે તો શું થઈ શકે? કદાચ તમારા બંને વચ્ચે આડા સંબંધો શરૂ થઈ શકે. (નીતિવચનો ૧૧:૧૪) તો એવા સંજોગમાં તમારે શું કરવું જોઈએ? તેને સમજાવી શકો કે આવી બાબતોની તેણે જીવનસાથી સાથે ચર્ચા કરવી જોઈએ. અથવા પતિએ કોઈ અનુભવી ભાઈ સાથે કે પત્નીએ કોઈ અનુભવી બહેન સાથે ચર્ચા કરવી જોઈએ. તેઓ વડીલોને પણ જણાવી શકે. આ અનુભવી વ્યક્તિઓ લગ્‍નજીવન ટકાવી રાખવા સારી મદદ આપી શકે છે. (તીતસ ૨:૩, ૪) આ બાબતમાં વડીલો સારો દાખલો બેસાડે છે. જ્યારે વડીલને કોઈ બહેન સાથે ખાનગીમાં વાત કરવી હોય, ત્યારે તે કિંગ્ડમ હૉલ જેવી જાહેર જગ્યામાં કરે છે.

૮. નોકરી પર શાનાથી સાવચેત રહેવું જોઈએ?

૮ નોકરી પર કે બીજી કોઈ પણ જગ્યાએ એવા સંજોગોથી સાવચેત રહો, જ્યાં સ્ત્રી કે પુરુષ સાથે ગાઢ દોસ્તી બાંધવી સહેલું બની જાય છે. દાખલા તરીકે, તમે સ્ત્રી છો ને નોકરી પર ઓવરટાઇમ કરવો પડે છે. એ સમયે કોઈ પુરુષ પણ સાથે હોય તો, આવા સંજોગોમાં બેવફા બનવાની શક્યતા વધી શકે છે. તો કઈ રીતે સાવચેત રહી શકીએ? પરણેલા હોવાથી તમે વિરુદ્ધ જાતિની વ્યક્તિને શબ્દો ને વલણથી સાફ કહી શકો કે તમને તમારા જીવનસાથી સિવાય બીજા કોઈની સાથે રોમેન્ટિક દોસ્તી બાંધવી નથી. તમારા જીવનસાથી જ તમારા માટે સર્વસ્વ છે. યહોવાહના એક સાક્ષી તરીકે તમે કદીયે એવાં કપડાં નહિ પહેરો જે ટાઇટ કે ટૂંકાં હોય. તેમ જ તમે કદી એવાં કોઈ નખરાં નહિ કરો જેનાથી સામેની વ્યક્તિનું ધ્યાન ખેંચાય. (૧ તીમોથી ૪:૮; ૬:૧૧; ૧ પીતર ૩:૩, ૪) શક્ય હોય તો તમે જ્યાં કામ કરો છો ત્યાં તમારા જીવનસાથી કે બાળકોનો ફોટો રાખો. આમ તમને અને બીજાઓને યાદ રહેશે કે તમારો પરિવાર છે અને તમે તેઓને જ વફાદાર છો. જો કોઈ સ્ત્રી કે પુરુષ તમારી સાથે મીઠી મીઠી વાતો કરવા માંડે ત્યારે શું? તમારા શબ્દો અને વલણથી બતાવો કે તમને એ પસંદ નથી. તેમ જ એને મજાક તરીકે પણ ચલાવી નહિ લો.—અયૂબ ૩૧:૧.

‘તારી પત્ની, જેના પર તું પ્રેમ કરે છે, તેની સાથે આનંદથી જીવન વિતાવ’

૯. કેવા સંજોગમાં બેવફા બનવાની ઇચ્છા જાગી શકે?

૯ હૃદયનું રક્ષણ કરવા બસ એ જ પૂરતું નથી કે આપણે કોઈ પણ જોખમથી દૂર રહીએ. આપણે લગ્‍નજીવનને પણ ટકાવી રાખવું જોઈએ. જો ઘરનું જીવન સુખી ન હોય, પતિ-પત્ની એકબીજાથી ખુશ ન હોય તો બીજા કોઈના પ્રેમમાં પડી જવાની શક્યતા વધી શકે. દાખલા તરીકે, ઘરમાં પતિને પત્નીની કંઈ પડી નથી. અથવા પત્નીની કચકચથી પતિ સાવ કંટાળી ગયો હોય. એવા સમયે ઓચિંતા નોકરી પર, અરે મંડળમાં કોઈ વ્યક્તિ મળે છે. તેને જોઈને તમને લાગે કે ‘જો મારા જીવનસાથી તેના જેવા હોત તો કેટલું સારું.’ થોડા જ વખતમાં તમે એકબીજા તરફ આકર્ષાવ છો. દોસ્ત બની જાઓ છો. પછી તેમની સાથે રહેવાનાં સપનાં જાગે છે. આ બધું અજાણે થઈ શકે. એટલે બાઇબલ સાફ કહે છે: “દરેક માણસ પોતાની દુર્વાસનાથી ખેંચાઈને તથા લલચાઈને પરીક્ષણમાં પડે છે.”—યાકૂબ ૧:૧૪.

૧૦. પતિ અને પત્ની કઈ રીતે લગ્‍નનું બંધન જાળવી રાખી શકે?

૧૦ લગ્‍નજીવનમાં કોઈ તકલીફ આવે કે પ્રેમ અને સથવારાની જરૂર પડે ત્યારે કોની તરફ જોવું જોઈએ? ફક્ત પતિ કે પત્ની સામે. પતિ અને પત્ની લગ્‍નનું બંધન જાળવી રાખે એ બહુ મહત્ત્વનું છે. તેથી, એકબીજા માટે સમય કાઢો. સાથે સમય પસાર કરો. એકબીજાના દોસ્ત બનો. યાદ કરો કે તમે શા માટે એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. ફરીથી એકબીજાને એવો જ પ્રેમ બતાવો. લગ્‍ન પછી તમે એકબીજા સાથે કેવા પ્રેમભાવથી વાત કરતા હતા, એ બધી મીઠી યાદોનો વિચાર કરો. રિશ્તો મજબૂત કરવા, ઈશ્વરની મદદ માટે પ્રાર્થના કરો. કવિ દાઊદે યહોવાહને આ વિનંતી કરી: “હે દેવ, મારામાં શુદ્ધ હૃદય ઉત્પન્‍ન કર; અને મારા આત્માને નવો અને દૃઢ કર.” (ગીતશાસ્ત્ર ૫૧:૧૦) મનમાં ગાંઠ વાળો કે તમે ‘તમારી પત્ની, જેના પર તમે પ્રેમ કરો છો, તેની સાથે આ ક્ષણિક જીવન આનંદથી વિતાવશો.’—ઉપદેશક [સભાશિક્ષક] ૯:૯, IBSI.

૧૧. જ્ઞાન, શાણપણ અને સમજણ કઈ રીતે લગ્‍નબંધનને વધારે મજબૂત બનાવે છે?

૧૧ લગ્‍નબંધન વધારે મજબૂત બનાવવા આપણને જ્ઞાન, શાણપણ ને સમજણની જરૂર છે. એના વિષે નીતિવચનો ૨૪:૩, ૪ કહે છે: “શાણપણથી ઘર બંધાય છે, સમજદારીથી તે સ્થિર થાય છે; અને જ્ઞાનથી તેના ઓરડા બધી જાતની મહામૂલી અને સુખદાયક સંપત્તિથી ભરાય છે.” (સુભાષિતો, સંપૂર્ણ) સુખી ઘર કેવી સંપત્તિથી ભરપૂર હોય છે? પ્રેમ, વફાદારી, શ્રદ્ધા ને ઈશ્વરની ભક્તિ. આ બધું મેળવવા આપણને ઈશ્વર વિષેના જ્ઞાનની જરૂર છે. તેથી પતિ અને પત્નીમાં બાઇબલ વિષે વધુ શીખવાની ખૂબ તમન્‍ના હોવી જોઈએ. શાણપણ ને સમજણ કેટલા જરૂરી છે? રોજબરોજની તકલીફોનો સામનો કરવા માટે આપણને શાણપણની જરૂર છે. તો જ આપણે બાઇબલની સલાહ લાગુ પાડીને તકલીફોનો સામનો કરી શકીશું. જો આપણે સમજુ વ્યક્તિ હોઈશું, તો આપણે જીવનસાથીના વિચારો, લાગણીઓ તરત પારખી શકીશું ને સમજી પણ શકીશું. (નીતિવચનો ૨૦:૫) યહોવાહે રાજા સુલેમાન પાસે આમ લખાવ્યું: “મારા દીકરા, મારા જ્ઞાન તરફ લક્ષ આપ; મારી બુદ્ધિ તરફ તારા કાન ધર.”—નીતિવચનો ૫:૧.

“દુઃખ” આવે ત્યારે

૧૨. પતિ-પત્નીના જીવનમાં મુશ્કેલીઓ આવે એ કેમ નવાઈની વાત નથી?

૧૨ કોઈનું લગ્‍નજીવન રોમેન્ટિક ફિલ્મ જેવું નથી. બાઇબલ કહે છે કે પતિ-પત્નીના જીવનમાં “દુઃખ” તો આવશે જ. (૧ કોરીંથી ૭:૨૮) ચિંતા, બીમારી, સતાવણી અને બીજી અનેક બાબતો, સુખી લગ્‍નજીવનને ઝૂંટવી શકે છે. આવી તકલીફો આવે ત્યારે પતિ-પત્નીએ હાથમાં હાથ મિલાવીને એનો સામનો કરવો જોઈએ. બંનેએ યહોવાહને ખુશ કરવા જોઈએ.

૧૩. પતિ-પત્નીએ શાના પર વિચાર કરવો જોઈએ?

૧૩ જો પ્રેમ વગરના વાણી-વર્તનથી લગ્‍નજીવન તૂટવા માંડે તો શું કરી શકાય? સુધારો કરવા મહેનત કરો. કદાચ એવું હોઈ શકે કે તમારું બોલવું ધીરે ધીરે ઝેર જેવું થઈ ગયું હોય. (નીતિવચનો ૧૨:૧૮) ગયા લેખમાં જોઈ ગયા તેમ, એનાથી લગ્‍નબંધન તૂટી જઈ શકે. એક બાઇબલ કલમ કહે છે: “કજિયાખોર તથા ચિડિયલ સ્ત્રીની સંગત કરતાં ઉજ્જડ પ્રદેશમાં જઈ રહેવું સારું છે.” (નીતિવચનો ૨૧:૧૯) જો તમે પત્ની હો, તો આ પ્રશ્નનો વિચાર કરો: ‘મારા સ્વભાવને લીધે શું મારો પતિ મારાથી દૂર રહેવા માંગે છે?’ હવે બાઇબલ પતિને કહે છે: “પતિઓ, તમે પોતાની પત્નીઓ પર પ્રેમ રાખો, અને તેઓ પ્રત્યે કઠોર ન થાઓ.” (કોલોસી ૩:૧૯) જો તમે પતિ હો, તો વિચાર કરો: ‘શું મારો મિજાજ એવો છે કે મારી પત્નીએ બીજે ક્યાંક પ્રેમ ને દિલાસો મેળવવા જવું પડે?’ ભલે પતિ કે પત્ની એકબીજા માટે ગમે તેવા હોય, બીજા કોઈ સાથે વ્યભિચાર તો ન જ કરવો જોઈએ. જો લગ્‍નજીવનમાં કોઈ પણ તકલીફ ઊભી થાય તો ખુલ્લા દિલથી એકબીજા સાથે એની ચર્ચા કરો. નહિતર, તમે અજાણતા તમારા સાથીને બેવફા બની જશો.

૧૪, ૧૫. લગ્‍નજીવન કટોકટીમાં હોય તો, બીજા કોઈનો પ્રેમ શોધવાથી શું થઈ શકે?

૧૪ લગ્‍નજીવન કટોકટીમાં હોય તો, બીજા કોઈનો પ્રેમ શોધવાથી કંઈ બધું ઠીક નહિ થાય. એમ કરવાથી તમે સુખી નહિ થાઓ. પણ અમુક ઊલટું જ માને છે. તેઓ કહેશે કે ‘એક જીવનસાથીમાં હોવા જોઈએ એ બધા જ ગુણો તેનામાં છે.’ પણ આ ભૂલ ભરેલા વિચારો છે. જો કોઈ બેવફા બનવા તૈયાર થાય, કે પછી બીજાઓને એવું કરવા કહે, તો તે લગ્‍નના પવિત્ર બંધનને બદનામ કરે છે. લગ્‍ન બહારના કોઈ પણ સંબંધથી આપણે કદીયે સુખી થઈશું નહિ.

૧૫ ફરી મેરીનો વિચાર કરો. બેવફાઈનો વિચાર આવ્યો ત્યારે તેને ખબર પડી કે તે ઈશ્વરની કૃપા ગુમાવી શકે છે. અરે, એનાથી સામેની વ્યક્તિ પણ ઈશ્વરની કૃપા ગુમાવી શકે. (ગલાતી ૬:૭) તેણે કહ્યું: ‘મારા પતિ સાથે કામ કરનાર માટે મારા દિલમાં જે લાગણી હતી એનો હું વિચાર કરવા લાગી. મને ભાન થયું કે તેને ખરેખર યહોવાહના ભક્ત બનવું હોય તો, હું જાણે તેને રોકી રહી હતી. વ્યભિચાર તો અનેક લોકોને દુઃખી કરે છે. અમુકને તો ઠોકર પણ લાગી શકે!’—૨ કોરીંથી ૬:૩.

વફાદાર રહેવાનું સૌથી મોટું કારણ

૧૬. વ્યભિચાર કરવાથી મન અને શરીરને કેવું નુકસાન થઈ શકે?

૧૬ બાઇબલ આ ચેતવણી આપે છે: “પરનારીના હોઠોમાંથી મધ ટપકે છે, તેનું મુખ તેલ કરતાં સુંવાળું છે; પણ તેનું પરિણામ વિષ જેવું કડવું, અને બેધારી તરવાર જેવું તીક્ષ્ણ છે.” (નીતિવચનો ૫:૩, ૪) વ્યભિચાર કરવાથી મન અને શરીરને ખૂબ નુકસાન પહોંચે છે. એક તો મન ખૂબ ડંખતું રહેશે. કદાચ કોઈ રોગ લાગી શકે. બેવફાઈથી પતિ કે પત્નીનું દિલ તૂટી જઈ શકે. આ ખરાબ પરિણામો વિષે જાણીને આપણે કદીયે બેવફાઈના માર્ગ પર ચાલવાનો વિચાર નહિ કરીએ.

૧૭. વ્યભિચાર નહિ કરવાનું સૌથી મોટું કારણ શું છે?

૧૭ વ્યભિચાર નહિ કરવાનું સૌથી મોટું કારણ શું છે? એ જ કે યહોવાહ એને નફરત કરે છે. તેમણે લગ્‍નની શરૂઆત કરી છે. સ્ત્રી-પુરુષમાં સેક્સ માણવાની ક્ષમતા મૂકી છે. લગ્‍ન બહારના સેક્સને તે ધિક્કારે છે. પયગંબર માલાખી દ્વારા યહોવાહે કહ્યું: ‘ન્યાય કરવા હું તમારી નજીક આવીશ; અને વ્યભિચારીઓ વિરુદ્ધ હું સાક્ષી પૂરવા તત્પર રહીશ.’ (માલાખી ૩:૫) યહોવાહ બધું જુએ છે. એટલે નીતિવચનો ૫:૨૧ કહે છે: “મનુષ્યના માર્ગો ઉપર યહોવાહની નજર છે, અને તે તેના સર્વ રસ્તાની સંભાળની તુલના કરે છે.” હા, “તેની દૃષ્ટિમાં સઘળાં નાગાં તથા ઉઘાડાં છે.” (હેબ્રી ૪:૧૩) ભલે વ્યક્તિને લાગે કે તેની બેવફાઈ વિષે કોઈને ખબર નહિ પડે, કે કોઈને દુઃખ નહિ લાગે. તેમ છતાં, યહોવાહ બધું જુએ છે. એ પાપથી યહોવાહ સાથે તેનો નાતો નબળો પડી જાય છે.

૧૮, ૧૯. યુસફ અને પોટીફારની પત્નીના દાખલામાંથી આપણે શું શીખી શકીએ?

૧૮ જૂના જમાનાના યાકૂબના દીકરા યુસફનો વિચાર કરો. ફારૂનની કોર્ટના અધિકારી પોટીફારને યુસફ બહુ જ ગમી ગયો. પોટીફારે તેને પોતાના ઘરનો ઉપરી બનાવ્યો. યુસફ “સુંદર તથા રૂપાળો હતો.” એટલે પોટીફારની પત્ની તેની દીવાની બની ગઈ. દરરોજ તે યુસફને પોતાની સાથે સૂવા કહેતી. પણ યુસફ હંમેશાં ના પાડતો. યુસફ કેમ મક્કમતાથી ના કહી શક્યો? બાઇબલ કહે છે: ‘તેણે ના કહી, ને તેના શેઠની સ્ત્રીને તેણે કહ્યું, જો, શેઠે તારા વિના બીજું કંઈ જ મારાથી પાછું રાખ્યું નથી, કેમ કે તું તેની પત્ની છે; માટે એવું મોટું કુકર્મ કરીને, હું ઈશ્વરનો અપરાધી કેમ થાઉં?’ (ઉત્પત્તિ ૩૯:૧-૧૨) હા, ઈશ્વર સાથે પાક્કો નાતો જાળવી રાખવાની તમન્‍નાને લીધે યુસફ વ્યભિચારથી દૂર રહી શક્યો.

૧૯ યુસફ કુંવારો હતો. બીજા કોઈ માણસની પત્ની સાથે વ્યભિચાર કરવાની સાફ ના પાડીને તે ખોટા કામથી દૂર રહ્યો. નીતિવચનો ૫:૧૫ પરિણીત પુરુષોને આ સલાહ આપે છે: “તારા પોતાના ટાંકામાંથી પાણી પી, તારા પોતાના ઝરામાંથી વહેતું પાણી પી.” ખ્યાલ રાખો કે પત્ની સિવાય તમે અજાણતા પણ બીજી કોઈ વ્યક્તિના દીવાના ન બની જાવ. બનતું બધું કરો જેથી તમારા લગ્‍નજીવનમાં પ્રેમ ખીલતો રહે. તકલીફો ઊભી થાય ત્યારે ભેગા મળીને એને સુધારવા કોશિશ કરો. બાઇબલની આ સલાહ હંમેશા યાદ રાખો: “તારી જુવાનીની પત્નીમાં આનંદ માન.”—નીતિવચનો ૫:૧૮. (w 06 9/15)

તમે શું શીખ્યા?

• કોઈ ખ્રિસ્તી કઈ રીતે અજાણતા બેવફાઈના માર્ગ પર ચાલવા લાગી શકે?

• લગ્‍નેતર સંબંધોના ફાંદામાં ન પડવા આપણે કેવી રીતે સાવચેત રહી શકીએ?

• લગ્‍નજીવનમાં તકલીફો ઊભી થાય ત્યારે પતિ-પત્નીએ શું કરવું જોઈએ?

• લગ્‍નજીવનમાં એકબીજાને વફાદાર રહેવાનું સૌથી મોટું કારણ શું છે?

[પાન ૧૪ પર ચિત્ર]

નોકરી પર ઑફિસ રોમાન્સ સહેલાઈથી શરૂ થઈ શકે છે

[પાન ૧૫ પર ચિત્ર]

‘જ્ઞાનથી બધી જાતની મહામૂલી અને સુખદાયક સંપત્તિથી ઓરડા ભરાય છે’

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • Privacy Settings
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો