‘ઉપરની વાતો પર મન લગાડીએ’
‘ઉપરની વાતો પર મન લગાડો, પૃથ્વી પરની વાતો પર નહિ.’—કોલો. ૩:૨.
૧, ૨. (ક) કોલોસી મંડળ શા માટે ખતરામાં હતું? (ખ) કોલોસી મંડળનાં ભાઈ-બહેનોને ઈશ્વરના મિત્રો બની રહેવા કઈ સલાહથી મદદ મળી?
પ્રથમ સદીના કોલોસી મંડળ માટે એક ખતરો ઊભો થયો! તેઓની એકતા જોખમમાં હતી. મંડળમાં મતભેદ ઊભા કરનાર વિચારો ફેલાઈ રહ્યા હતા. કારણ કે, અમુક ભાઈઓ મુસા દ્વારા અપાયેલા નિયમો પાળવાનું દબાણ કરતા. તો બીજા અમુક, જીવનમાં આનંદ માણવો ખોટો છે એવો વિચાર ફેલાવી રહ્યા હતા. તેથી, પાઊલે એ જોખમ વિશે તેઓને ચેતવ્યા. તેમણે લખ્યું: ‘સાવધાન રહો! ક્યાંક ફિલસૂફીનો ખાલી ઢોંગ જે ખ્રિસ્ત પ્રમાણે નહિ, પણ માણસોના રિવાજો પ્રમાણે અને જગતના શિક્ષણ પ્રમાણે છે, એનાથી કોઈ તમને ફસાવે નહિ!’—કોલો. ૨:૮.
૨ એ અભિષિક્તો જો મનુષ્યોના શિક્ષણ પ્રમાણે કરત, તો એવું ગણાત જાણે તેઓ ઈશ્વરના દીકરા હોવાના લહાવાને ઠુકરાવે છે. (કોલો. ૨:૨૦-૨૩) તેઓ ઈશ્વર સાથેની કીમતી મિત્રતા ખોઈ ન બેસે માટે પાઊલે તેઓને મદદ આપી. તેમણે કહ્યું: ‘ઉપરની વાતો પર મન લગાડો, પૃથ્વી પરની વાતો પર નહિ.’ (કોલો. ૩:૨) એ ખ્રિસ્તીઓએ સ્વર્ગમાં મળનાર જીવનની ખાસ આશા પરથી પોતાનું ધ્યાન હટાવવાનું ન હતું.—કોલો. ૧:૩-૫.
૩. (ક) અભિષિક્તોને શાની આશા છે? (ખ) આ લેખમાં આપણે કયા સવાલોની ચર્ચા કરીશું?
૩ આજના અભિષિક્તો પણ ઈશ્વરના રાજ્ય અને “ખ્રિસ્તની સંઘાતે વારસાના ભાગીદાર” થવાની આશા પર મન લગાડે છે. (રોમ. ૮:૧૪-૧૭) પણ સવાલ થાય કે, જેઓને પૃથ્વીની આશા છે તેઓ વિશે શું? પાઊલના શબ્દો તેઓને કઈ રીતે લાગુ પડે છે? તેઓએ “ઉપરની વાતો” પર પોતાનું મન લગાડવા, શું કરવું જોઈએ? (યોહા. ૧૦:૧૬) ઈબ્રાહીમ અને મુસાએ મુશ્કેલીઓના સમયમાં પણ પોતાનું મન “ઉપરની વાતો” પર લગાડ્યું હતું. આપણે તેઓને અનુસરવા શું કરી શકીએ?
‘ઉપરની વાતો પર મન લગાડવું’ એટલે શું?
૪. પૃથ્વી પર જીવવાની આશા રાખનારાઓ કઈ રીતે પોતાનું મન “ઉપરની વાતો” પર લગાડી શકે?
૪ પૃથ્વી પર જીવવાની આશા રાખનારાઓએ પણ “ઉપરની વાતો” એટલે કે, સ્વર્ગની બાબતો પર મન લગાડવું જોઈએ. એવું તેઓ યહોવાને અને તેમના રાજ્યને જીવનમાં પ્રથમ મૂકીને કરી શકે છે. (લુક ૧૦:૨૫-૨૭) ખ્રિસ્તે પણ એમ જ કર્યું હતું અને આપણે પણ એમ જ કરવું જોઈએ. (૧ પીત. ૨:૨૧) પ્રથમ સદીના ખ્રિસ્તીઓ ખોટી દલીલો, દુનિયાના વિચારો અને ધનદોલતની લાલચોથી ઘેરાયેલા હતા. આજે, આપણે પણ શેતાનની દુનિયામાં હોવાથી એવા વિચારોથી ઘેરાયેલા છીએ. (૨ કોરીંથી ૧૦:૫ વાંચો.) માટે આપણે ઈસુનાં પગલે ચાલીએ. તેમ જ, યહોવા સાથેના આપણા સંબંધમાં તિરાડ પાડતી દરેક વસ્તુથી દૂર રહીએ.
૫. આપણે કયા સવાલો પર વિચાર કરવો જોઈએ?
૫ ધનદોલત પ્રત્યે દુનિયાના વલણની અસર શું આપણે પોતાના પર થવા દીધી છે? આપણે શાને વધુ પ્રેમ કરીએ છીએ, એ આપણાં વિચારો અને કાર્યો પરથી દેખાઈ આવે છે. ઈસુએ કહ્યું: ‘જ્યાં તમારી ધનદોલત છે ત્યાં જ તમારું મન પણ રહેશે.’ (માથ. ૬:૨૧) આપણા મને શું મહત્ત્વનું છે એના પર વિચાર કરવો જોઈએ. શું આપણે પૈસા, સારી નોકરી અને એશઆરામી જીવનની ચિંતામાં વધુ પડતો સમય આપીએ છીએ? કે પછી સાદું જીવન જીવવા અને યહોવા સાથેનો સંબંધ મજબૂત કરવા પ્રયત્ન કરીએ છીએ? (માથ. ૬:૨૨) ઈસુએ જણાવ્યું કે ‘પૃથ્વી પર પોતાના માટે ધન ભેગું કરીશું’ તો ઈશ્વર સાથેનો સંબંધ તૂટી જઈ શકે.—માથ. ૬:૧૯, ૨૦, ૨૪.
૬. પાપી વલણ સામે જીત મેળવવા શું કરવું જોઈએ?
૬ આપણે બધા અપૂર્ણ છીએ તેથી જે ખોટું છે એ સહેલાઈથી કરી બેસીએ છીએ. (રોમનો ૭:૨૧-૨૫ વાંચો.) એટલે ઈશ્વરની પવિત્ર શક્તિ પર આધાર રાખવો ખૂબ જરૂરી છે. એમ નહિ કરીએ તો ‘મોજશોખ, નશા, અશ્લીલ કામો અને ખરાબ વલણમાં’ ફસાઈ જઈશું. તેમ જ, ઈશ્વરના નિયમો પ્રત્યે કોઈ માન નહિ રહે. (રોમ. ૧૩:૧૨, ૧૩) આપણામાં રહેલાં પાપી વલણ સામે આપણે સતત લડત આપવાની છે. એ લડાઈમાં જીતવા “ઉપરની વાતો” પર મન લગાડવું જરૂરી છે, જે સખત પ્રયત્ન માંગી લે છે. પાઊલે કહ્યું: ‘હું મારા શરીર પર સંયમ રાખું છું અને એને કાબૂમાં રાખું છું.’ (૧ કોરીં. ૯:૨૭) આપણે પણ એ સલાહ ચુસ્ત રીતે પાળવી જોઈએ. એના વિશે ચાલો એવા બે ઈશ્વરભક્તોના દાખલા જોઈએ, જેઓએ ઈશ્વરને ખુશ કરવા બનતું બધું કર્યું.—હિબ્રૂ ૧૧:૬.
ઈબ્રાહીમે “યહોવા પર વિશ્વાસ કર્યો”
૭, ૮. (ક) ઈબ્રાહીમ અને સારાહે કઈ મુશ્કેલીઓનો સામનો કર્યો? (ખ) ઈબ્રાહીમે હંમેશાં શું ધ્યાનમાં રાખ્યું?
૭ યહોવાએ ઈબ્રાહીમને કુટુંબને સાથે લઈને કનાન જવા આજ્ઞા આપી. ઈબ્રાહીમે એ આજ્ઞા ખુશીથી પાળી. એવી વફાદારી માટે આશીર્વાદ આપવા યહોવાએ તેમના સાથે એક કરાર કર્યો. યહોવાએ તેમને કહ્યું, “હું તારાથી એક મોટી કોમ ઉત્પન્ન કરીશ, ને તને આશીર્વાદ દઈશ.” (ઉત. ૧૨:૨) ઘણાં વર્ષો વીત્યાં પણ ઈબ્રાહીમ અને સારાહને એકેય બાળક ન થયું. ત્યારે, શું ઈબ્રાહીમે એમ વિચાર્યું કે યહોવા પોતાનું વચન ભૂલી ગયા? મુસાફરી દરમિયાન ઈબ્રાહીમનું જીવન સહેલું ન હતું. તે ઉર દેશનું એશઆરામી જીવન છોડીને ૧,૬૦૦ કિ.મી. દૂર કનાન દેશમાં ગયા. મુસાફરી દરમિયાન તે અને તેમનું કુટુંબ તંબુઓમાં રહેતું. કેટલીક વાર તેઓને ખોરાકની અછત પડતી, તો કેટલીક વાર ચોર-લૂંટારાનો ડર રહેતો. (ઉત. ૧૨:૫, ૧૦; ૧૩:૧૮; ૧૪:૧૦-૧૬) એવી મુશ્કેલીઓ છતાં ઈબ્રાહીમે અને તેમના કુટુંબે ઉર દેશમાં પાછા જવાનું વિચાર્યું પણ નહિ!—હિબ્રૂ ૧૧:૮-૧૨, ૧૫ વાંચો.
૮ ઈબ્રાહીમે “યહોવા પર વિશ્વાસ કર્યો” અને “પૃથ્વી પરની વાતો પર” મન ન લગાડ્યું. (ઉત. ૧૫:૬) તેમણે હંમેશાં યહોવાના વચનને ધ્યાનમાં રાખ્યું. યહોવાએ ઈબ્રાહીમનો એ ભરોસો જોઈને કહ્યું, ‘હવે તું આકાશ તરફ જો અને તારાઓ ગણી શકે, તો ગણ.’ પછી યહોવાએ તેમને કહ્યું, ‘એટલાં તારાં સંતાન થશે.’ (ઉત. ૧૫:૫) એ વાત સાંભળીને ઈબ્રાહીમ જાણી ગયા કે યહોવા પોતાનું વચન ભૂલ્યા નથી. ઈબ્રાહીમ જ્યારે જ્યારે આકાશમાં તારા જોતા હશે, ત્યારે ત્યારે તેમને યહોવાનું એ વચન યાદ આવતું હશે. સમય આવતાં યહોવાએ પોતાના વચન પ્રમાણે ઈબ્રાહીમને દીકરો આપ્યો.—ઉત. ૨૧:૧, ૨.
૯. ઈબ્રાહીમને અનુસરવા આપણે શું કરવું જોઈએ?
૯ ઈબ્રાહીમની જેમ આપણે પણ યહોવાનાં વચનો પૂરાં થવાની રાહ જોઈએ છીએ. (૨ પીત. ૩:૧૩) “ઉપરની વાતો” પર મન નહિ લગાડીએ તો, આપણને એવું લાગશે જાણે યહોવાનું વચન પૂરું થવામાં વાર લાગી રહી છે. આમ, ભક્તિમાં આપણો ઉત્સાહ ઠંડો પડી શકે. કદાચ તમે અગાઉ યહોવા માટે ભોગ આપ્યા હશે, જેથી પાયોનિયર સેવા અથવા કોઈ ખાસ સેવા આપી શકો. શું આજે પણ તમે એવું વલણ બતાવો છો? શું તમે પણ ઈબ્રાહીમની જેમ યહોવા માટે બનતું બધું કરો છો અને ભાવિના આશીર્વાદો પર ધ્યાન આપો છો? (હિબ્રૂ ૧૧:૧૦) “ઈબ્રાહીમે ઈશ્વર પર વિશ્વાસ કર્યો” માટે તે ઈશ્વરના મિત્ર ગણાયા.—રોમ. ૪:૩.
મુસાએ “અદૃશ્યને” જોયા
૧૦. યુવાનીમાં મુસાનું જીવન કેવું હતું?
૧૦ મુસાએ પણ “ઉપરની વાતો” પર મન લગાડ્યું હતું. તેમનો ઉછેર ઇજિપ્તના (મિસરના) રાજકુમાર તરીકે થયો હતો. એ સમયે ઇજિપ્ત, દુનિયાનો સૌથી શક્તિશાળી દેશ હતો. બાઇબલ કહે છે, “મુસાને મિસરીઓની સર્વ વિદ્યા શીખવવામાં આવી હતી.” એ ઉચ્ચ શિક્ષણને લીધે મુસા ‘બોલવામાં હોશિયાર અને કામ કરવામાં પરાક્રમી હતા.’ (પ્રે.કૃ. ૭:૨૨) મુસાનો એ રીતે ઉછેર થયો હોવાથી તે ઇજિપ્તમાં ઊંચી પદવી મેળવી શક્યા હોત. પરંતુ, તેમણે બીજા એક શિક્ષણને વધુ મહત્ત્વનું ગણ્યું.
૧૧, ૧૨. કયું શિક્ષણ મુસા માટે સૌથી મહત્ત્વનું હતું? આપણે એમ શાના પરથી કહી શકીએ?
૧૧ મુસા નાના હતા ત્યારે તેમની માતા યોખેબેદે તેમને યહોવા વિશે શીખવ્યું હતું. મુસાએ ઈશ્વર વિશેના જ્ઞાનને સૌથી મહત્ત્વનું અને કીમતી ગણ્યું. તેમણે ખુશી ખુશી ઇજિપ્તની ધનદોલત અને સત્તા જતી કરી, જેથી યહોવાની ઇચ્છા પ્રમાણે કરી શકે. (હિબ્રૂ ૧૧:૨૪-૨૭ વાંચો.) નાનપણમાં મળેલી એ તાલીમ અને યહોવા પર શ્રદ્ધા હોવાને કારણે મુસા પોતાનું મન “ઉપરની વાતો” પર લગાડી શક્યા.
૧૨ મુસાને ઇજિપ્તનું ઉચ્ચ શિક્ષણ મળ્યું હતું. છતાં, તેમણે એનો ઉપયોગ દોલત, સત્તા કે નામ કમાવવામાં કર્યો નહિ. અરે, તેમણે તો ‘ફારૂનની દીકરીનો પુત્ર ગણાવવાની ના પાડી. બે ઘડી પાપનું સુખ ભોગવવા કરતાં ઈશ્વરના લોકોની સાથે દુઃખ ભોગવવાનું તેમણે વિશેષ પસંદ કર્યું.’ વર્ષો બાદ, ઈસ્રાએલીઓની આગેવાની લેવાની સોંપણીમાં મુસાએ યહોવાથી મળેલાં શિક્ષણનો ઉપયોગ કર્યો.
૧૩, ૧૪. (ક) યહોવાની પ્રજાને છોડાવતા પહેલા મુસાને શાની જરૂર હતી? (ખ) મુસાની જેમ આપણને પણ શું કરવાની જરૂર છે?
૧૩ યહોવા અને તેમની પ્રજા પર મુસા પ્રેમ કરતા હતા. એ સમયે, એ પ્રજા ઇજિપ્તની ગુલામીમાં હતી. મુસા ૪૦ વર્ષના થયા ત્યારે તેમને લાગ્યું કે પોતે ઈસ્રાએલી પ્રજાને છોડાવવા તૈયાર છે. (પ્રે.કૃ. ૭:૨૩-૨૫) પરંતુ, યહોવા સારી રીતે જાણતા હતા કે મુસા હજી એ કામ માટે તૈયાર નથી. મુસાએ હજી નમ્રતા, ધીરજ, માયાળુપણું અને સંયમ જેવા ગુણો કેળવવાના હતા. (નીતિ. ૧૫:૩૩) ભાવિમાં આવનાર અઘરા સંજોગોનો સામનો કરવા તેમને વધુ તાલીમની જરૂર હતી. એ તાલીમ તેમને ઘેટાંપાળક તરીકે વિતાવેલાં ૪૦ વર્ષોમાં મળી અને મુસા એવા ગુણો કેળવી શક્યા.
૧૪ યહોવા તરફથી મળેલી એ તાલીમનો શું મુસાને ફાયદો થયો? હા, ચોક્કસ. બાઇબલ જણાવે છે, ‘મુસા પૃથ્વી પરના સર્વ લોક કરતાં નમ્ર’ બન્યા. (ગણ. ૧૨:૩) તે નમ્ર વલણ શીખ્યા હોવાથી, જુદા જુદા લોકો અને તેઓની મુશ્કેલીઓને ધીરજથી હાથ ધરી શક્યા. (નિર્ગ. ૧૮:૨૬) આપણને પણ એવા ગુણો કેળવવાની જરૂર છે, જેથી ભાવિમાં આવનાર “મોટી વિપત્તિ” પાર કરીને નવી દુનિયામાં જઈ શકીએ. (પ્રકટી. ૭:૧૪) શું આપણે દરેકની જોડે હળીમળીને રહીએ છીએ? ખાસ કરીને, જલદી ગુસ્સે થનાર કે ખોટું લગાડનાર વ્યક્તિ સાથે આપણું વલણ કેવું છે? પ્રેરિત પીતરના શબ્દો આપણને મદદ કરે છે: “તમે સર્વને માન આપો. બંધુમંડળ પર પ્રીતિ રાખો.”—૧ પીત. ૨:૧૭.
“ઉપરની વાતો” પર મન લગાડતા રહીએ
૧૫, ૧૬. (ક) આપણે શા માટે “ઉપરની વાતો” પર મન લગાડવું જોઈએ? (ખ) ઈશ્વરભક્તોએ શા માટે સારું વર્તન જાળવી રાખવું જોઈએ?
૧૫ આપણે “સંકટના વખતો”માં જીવી રહ્યા છીએ. (૨ તીમો. ૩:૧) તેથી, યહોવાની ભક્તિમાં સજાગ રહેવા “ઉપરની વાતો” પર મન લગાડવું જરૂરી છે. (૧ થેસ્સા. ૫:૬-૯) ચાલો એમ કરવાની ત્રણ રીતો જોઈએ.
૧૬ આપણાં વર્તનથી: પ્રેરિત પીતરે સારાં વર્તનનું મહત્ત્વ સમજાવતા કહ્યું, ‘વિદેશી લોકોમાં તમે તમારાં આચરણ સારાં રાખો.’ જેથી, યહોવાને ન જાણતા લોકો પણ આપણાં સારાં કામ જોઈને “ઈશ્વરની સ્તુતિ કરે.” (૧ પીત. ૨:૧૨) આપણે યહોવાને મહિમા આપવા બનતું બધું કરીએ. આપણે ઘરમાં, સ્કૂલમાં, નોકરી પર, મનોરંજનની જગ્યાએ, સાક્ષીકાર્યમાં, અરે દરેક જગ્યાએ આપણાં વર્તનથી યહોવાને માન આપીએ. જોકે, આપણે અપૂર્ણ હોવાથી હંમેશાં એમ કરવું સહેલું નથી. (રોમ. ૩:૨૩) પરંતુ, આપણે નિરાશ ન થઈએ. યહોવાની મદદથી આપણે “વિશ્વાસની સારી લડાઈ” લડી શકીએ છીએ.—૧ તીમો. ૬:૧૨.
૧૭. આપણે ખ્રિસ્ત જેવું વલણ કેળવવા શું કરવું જોઈએ? (શરૂઆતનું ચિત્ર જુઓ.)
૧૭ આપણા વલણથી: સારું વર્તન જાળવી રાખવા સારા વલણની જરૂર છે. પ્રેરિત પાઊલે કહ્યું, “ખ્રિસ્ત ઈસુનું મન [વલણ, NW ] જેવું હતું, એવું તમે પણ રાખો.” (ફિલિ. ૨:૫) ખ્રિસ્તનું વલણ કેવું હતું? તે સ્વભાવે નમ્ર હતા. તેથી, યહોવા માટે સૌથી સારું કરવા માંગતા હતા. ઈશ્વરના રાજ્યની ખુશખબર ફેલાવવી જ તેમના મને સૌથી મહત્ત્વની હતી. (માર્ક ૧:૩૮; ૧૩:૧૦) ઈસુએ પોતાની ઇચ્છાને નહિ, પણ યહોવાનાં વચનોને પ્રથમ સ્થાન આપ્યું. (યોહા. ૭:૧૬; ૮:૨૮) તેમણે ખંતથી શાસ્ત્રવચનોનો અભ્યાસ કર્યો, જેથી તે એનો ઉલ્લેખ કરીને એના વિશે સમજણ અને સાબિતી આપી શકે. આપણે પણ નમ્ર બનીશું, ઉત્સાહથી ખુશખબર ફેલાવીશું અને બાઇબલનો ઊંડો અભ્યાસ કરીશું, તો ખ્રિસ્ત જેવું મન કેળવી શકીશું.
ઈસુના મને ઈશ્વરના રાજ્યની ખુશખબર ફેલાવવાનું કામ જ સૌથી મહત્ત્વનું હતું (ફકરો ૧૭ જુઓ)
૧૮. આપણે કઈ રીતોએ યહોવાના કામમાં સાથ આપી શકીએ?
૧૮ આપણા સાથથી: યહોવાનો હેતુ છે કે, ‘સ્વર્ગમાંનાં અને પૃથ્વી પરનાં’ લોકો ઈસુને આધીન થાય. (ફિલિ. ૨:૯-૧૧) ઈસુ ખૂબ મહત્ત્વની પદવી પર હોવા છતાં, નમ્રતાથી ઈશ્વરને આધીન રહે છે. એવી જ રીતે, આપણે પણ નમ્રતાથી આધીન રહેવું જોઈએ. (૧ કોરીં. ૧૫:૨૮) એમ કરવા આપણે “સર્વ દેશનાઓને શિષ્ય” બનાવવાના કામમાં સાથ આપીએ. (માથ. ૨૮:૧૯) પડોશીઓને ખુશખબર જણાવીને અને ભાઈ-બહેનોને સાથ આપીને આપણે ‘બધાનું સારું’ કરીએ છીએ.—ગલા. ૬:૧૦.
૧૯. આપણો દૃઢ નિર્ણય શો હોવો જોઈએ?
૧૯ યહોવા આપણને “ઉપરની વાતો” પર મન લગાડવાનું ઉત્તેજન આપે છે, જેના માટે આપણે તેમના ખૂબ આભારી છીએ! ‘આપણે ધીરજથી દોડીએ’ અને રાજ્યની બાબતો પર ધ્યાન આપીએ. (હિબ્રૂ ૧૨:૧) ચાલો, આપણે દૃઢ નિર્ણય લઈએ કે, ‘ઈશ્વર માટે સઘળું ખરા દિલથી કરીશું.’ એમ કરીશું તો ઈશ્વર ચોક્કસ આપણને અઢળક આશીર્વાદો આપશે!—કોલો. ૩:૨૩, ૨૪.