હિતકર મનોરંજન તમે મેળવી શકો છો
બાઇબલ મનોરંજનના આનંદને દોષિત ઠેરવતું નથી, કે એ રમતગમતનો આનંદ માણવાને સમયના બગાડ તરીકે પણ જોતું નથી. એને બદલે, સભાશિક્ષક ૩:૪ કહે છે કે “હસવાનો વખત” અને “નૃત્ય કરવાનો વખત” હોય છે.a પ્રાચીન ઈસ્રાએલમાં દેવના લોકો ઘણા પ્રકારનાં મનોરંજનનો આનંદ માણતાં હતાં, જેમા સંગીત, નૃત્ય, અને રમતોનો સમાવેશ થાય છે. ઈસુએ પોતે મોટી લગ્ન મિજબાની અને બીજા એક પ્રસંગે “મોટી મિજબાની”માં હાજરી આપી. (લુક ૫:૨૯; યોહાન ૨:૧, ૨) આમ બાઇબલ આનંદ માણવાની વિરુદ્ધ નથી.
છતાં, આજનું મોટા ભાગનું મનોરંજન દેવને નાખુશ કરતી ખરાબ વર્તણુકને મહત્ત્વ આપતું હોવાથી, પ્રશ્ન થાય છે કે, તમે કઈ રીતે ખાતરી કરી શકો કે મનોરંજનની પસંદગી કરવાનાં તમારાં ધોરણો હિતકર છે?
પસંદગી કરનારા બનો
ખ્રિસ્તીઓ, પોતાનું મનોરંજન પસંદ કરતી વખતે, બાઇબલ સિદ્ધાંતોથી માર્ગદર્શન મેળવવાની ઇચ્છા રાખશે. દાખલા તરીકે, ગીતકર્તા દાઊદે લખ્યું: “યહોવાહ ન્યાયીઓને પારખે છે; પણ દુષ્ટ તથા જુલમીથી તે કંટાળે છે.” (ગીતશાસ્ત્ર ૧૧:૫) અને પાઊલે કોલોસીઓને લખ્યું: “એ માટે પૃથ્વી પરના તમારા અવયવો, એટલે વ્યભિચાર, અશુદ્ધતા, વિષયવાસના, ભૂંડી ઇચ્છા તથા દ્રવ્યલોભ . . . તેઓને મારી નાખો. પણ હવે રીસ, ક્રોધ, અદાવત, નિંદા, તમારા મુખમાંથી નીકળતાં બિભત્સ વચન એ સર્વ તજી દો.”—કોલોસી ૩:૫, ૮.
આજે પ્રાપ્ય મોટા ભાગનાં મનોરંજનો આ પ્રેરિત સલાહને સ્પષ્ટપણે અવગણે છે. કેટલાક વાંધો ઊઠાવી શકે, ‘પરંતુ પડદા પર બતાવાયેલી બાબતો હું ક્યારેય કરીશ નહિ.’ એમ હોય શકે. પરંતુ તમારું મનોરંજન ભલે એ ન બતાવે કે તમે કેવા પ્રકારની વ્યક્તિ બનશો તોપણ, એ તમે કેવા પ્રકારની વ્યક્તિ છો જ એ જરૂર પ્રગટ કરી શકશે. દાખલા તરીકે, એ જણાવી શકશે કે તમે “હિંસા ચાહનારાઓ”માંના છો અથવા ‘વ્યભિચાર, જાતીય આકાંક્ષા, લાલસા, અને બીભત્સ વાતોʼમાં રચ્યાપચ્યા રહેનારાઓમાંના છો, કે પછી તમે “દુષ્ટતાનો દ્વેષ” કરનારાઓમાંના છો.—ગીતશાસ્ત્ર ૯૭:૧૦.
પાઊલે ફિલિપીઓને લખ્યું: “જે કંઈ સત્ય, જે કંઈ સન્માનપાત્ર, જે કંઈ ન્યાયી, જે કંઈ શુદ્ધ, જે કંઈ પ્રેમપાત્ર, જે કંઈ સુકીર્તિમાન છે; જો કોઈ સદ્ગુણ કે જો કોઈ પ્રશંસા હોય, તો આ બાબતોનો વિચાર કરો.”—ફિલિપી ૪:૮.
પરંતુ શું આ શાસ્ત્રવચનનો અર્થ એવો છે કે દરેક ફિલ્મ, પુસ્તક, કે ટીવી કાર્યક્રમ જેમાં અમુક પ્રકારનો અન્યાય, સંભવિતઃ ગુના સાથે સંકળાયેલા હોય તો, એ આપમેળે જ ખરાબ બની જાય છે? અથવા શું બધા હાસ્યનાટકો અવગણવાનાં છે કારણ કે તેમાં કંઈ “સન્માન પાત્ર” નથી? ના, સંદર્ભ બતાવે છે કે પાઊલ મનોરંજન વિષે ચર્ચા કરી રહ્યાં ન હતાં પરંતુ હૃદયમાં મનન કરવા વિષે ચર્ચા કરી રહ્યા હતા, જે યહોવાહને ખુશ કરનારી બાબતો પર ધ્યાન દોરતું હોવું જોઈએ. (ગીતશાસ્ત્ર ૧૯:૧૪) તથાપિ, પાઊલે જે કહ્યું એ મનોરંજનની પસંદગી કરતી વખતે આપણને મદદ કરી શકે. ફિલિપી ૪:૮ના સિદ્ધાંતનો ઉપયોગ કરીને, આપણે પોતાને પૂછી શકીએ, ‘શું મનોરંજનની મારી પસંદગી જે શુદ્ધ નથી તેનું મનન કરવા તરફ લઈ જાય છે?’ એમ હોય તો, આપણને ફેરગોઠવણની જરૂર છે.
જો કે, ખ્રિસ્તીઓએ, મનોરંજનનું મૂલ્યાંકન કરતી વખતે, ‘પોતાની સહનશીલતા સર્વ માણસોના જાણવામાં આવવા દેવી’ જોઈએ. (ફિલિપી ૪:૫) દેખીતી રીતે જ, મનોરંજનની છેલ્લી હદ હોય છે જે સ્પષ્ટપણે સાચા ખ્રિસ્તીઓ માટે અયોગ્ય છે. એથી ભિન્ન, દરેકે વ્યક્તિગતપણે બાબતો કાળજીપૂર્વક તોળી જોઈ અને નિર્ણયો લેવા જોઈએ જેનાથી દેવ અને માણસ સમક્ષ પોતે શુદ્ધ અંતઃકરણ રાખશે. (૧ કોરીંથી ૧૦:૩૧-૩૩; ૧ પીતર ૩:૨૧) નાની નાની બાબતોમાં બીજાઓનો ન્યાય કરવો અથવા બીજાઓએ શું કરવું જોઈએ એ જણાવતા આપખુદ નિયમો બેસાડવા યોગ્ય હશે નહિ.b—રૂમી ૧૪:૪; ૧ કોરીંથી ૪:૬.
માબાપની ભૂમિકા
મનોરંજનની બાબતમાં માબાપ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. પાઊલે લખ્યું: “પણ જે માણસ પોતાની ને વિશેષે કરીને પોતાના કુટુંબની સંભાળ રાખતો નથી, તેણે વિશ્વાસનો ત્યાગ કર્યો છે, એમ સમજવું; તે તો અવિશ્વાસી કરતાં પણ ભૂંડો છે.” (૧ તીમોથી ૫:૮) આમ, માબાપ પોતાના કુટુંબના સભ્યોને ફક્ત ભૌતિક રીતે જ નહિ પરંતુ આત્મિક અને લાગણીમય રીતે પણ પૂરું પાડવાની ફરજ હેઠળ છે. એમાં હિતકર મનોરંજનની જોગવાઈ કરવાનો પણ સમાવેશ થશે.—નીતિવચન ૨૪:૨૭.
કેટલીક વખત કૌટુંબિક જીવનનાં આ પાસાની અવગણના થાય છે. નાઇજીરિયામાંના એક મિશનરિએ કહ્યું કે, “દુઃખની વાત છે કે, કેટલાંક માબાપ મનોરંજનને સમયના બગાડ તરીકે જુએ છે. પરિણામે, કેટલાંક બાળકો પોતાનાં માબાપના માર્ગદર્શન વિના એકલાં મૂકી દેવામાં આવે છે, અને તેઓને ખોટા મિત્રો અને ખોટા પ્રકારનો આનંદ મળી આવે છે.” માબાપ, એવું થવા ન દો! તમારા બાળકો હિતકર મનોરંજન માણે જે તેઓને ખરેખર તાજગી આપે એની ખાતરી કરો.
પરંતુ સાવચેતી જરૂરી છે. ખ્રિસ્તીઓએ આજના ઘણા લોકો જેવા ન બનવું જોઈએ જેઓ “દેવ પર નહિ પણ વિલાસ પર પ્રીતિ રાખનારા” છે. (૨ તીમોથી ૩:૧-૪) હા, મનોરંજન એની જગ્યાએ જ હોવું જોઈએ. એણે વ્યક્તિના જીવન પર સત્તા ચલાવવી જોઈએ નહિ—પણ તાજગી આપવી જોઈએ. તેથી બાળકો તેમ જ પુખ્તવયનાઓને મનોરંજન ફક્ત યોગ્ય પ્રકારનું જ નહિ પરંતુ યોગ્ય પ્રમાણમાં લેવાની પણ જરૂર છે.—એફેસી ૫:૧૫, ૧૬.
બીજી પ્રવૃત્તિઓનો આનંદ માણો
મોટા ભાગનાં લોકપ્રિય મનોરંજનો લોકોને સક્રિય બનાવવાને બદલે નિષ્ક્રિય બનાવે છે. દાખલા તરીકે, ટેલિવિઝનનો વિચાર કરો. વૉટ ટુ ડુ આફ્ટર ટર્ન ઑફ ધ ટીવી પુસ્તક નોંધે છે: “ખુદ તેના ગુણથી જ [ટીવી] આપણને નિષ્ક્રિય થવાનું શીખવે છે: મનોરંજન, અને શીખવું પણ, આપણે મહેનત વગર મેળવતા હોય એવું કંઈક બને છે, જે આપણું સક્રિય સર્જન નથી.” અલબત્ત, નિષ્ક્રિય મનોરંજનને પણ એનું સ્થાન છે. પરંતુ એ વ્યક્તિનો નવરાશનો ઘણો સમય ખાય જતું હોય તો, એ તેને ક્રિયાશીલ તકોથી વંચિત રાખે છે.
લેખક જેરી મેન્ડર, જે કહે છે કે પોતે “ટીવીની પેઢી પહેલાંનો સભ્ય” છે,” તે પોતાના બાળપણને અસર કરી હોય એવા પ્રસંગોપાત્ત કંટાળાના સમયગાળાનું વર્ણન કરે છે: “એની સાથે માનસિક અશાંતિ આવી,” તે કહે છે. “એ અત્યંત ચીડવનારું હતું, એટલું ચીડવનારું કે અંતે હું—કંઈક કરવાનો નિર્ણય કરતો. હું મિત્રને ફોન કરતો, અને બહાર જતો. હું બૉલ રમવા જતો. હું વાંચતો. હું કંઈક કરતો. પાછળ જોતા, મેં કંટાળાનો, ‘કંઈ જ નહિ કરવાના’ સમયને એવા ખાડા તરીકે જોયો, જેમાંથી સર્જનાત્મક પ્રવૃત્તિઓ ઉદ્ભવી.” આજે, મેન્ડર અવલોકે છે કે, બાળકો ટીવીનો કંટાળો દૂર કરવા તરીકે ઝડપી સાધન તરીકે ઉપયોગ કરે છે. તે ઉમેરે છે, “ટીવી માનસિક અશાંતિ અને એમાંથી ઉદ્ભવતી સર્જનાત્મક પ્રવૃત્તિ બંનેનો અંત લઈ આવે છે.”
આમ, ઘણાને જણાયું છે કે નિષ્ક્રિયતાને બદલે ભાગ લેવાનો હોય એવી પ્રવૃત્તિઓ તેઓએ ધારી હતી એના કરતાં વધુ સંતોષપ્રદ નીવડી શકે છે. કેટલાકને બીજાઓ સમક્ષ મોટેથી વાંચવું આનંદનો ઉદ્ભવ લાગ્યો છે. બીજાઓ સંગીતનું સાધન વગાડવાનો કે ચિત્ર દોરવાનો શોખ પૂરો કરે છે. તેમ જ હિતકર મેળાવડાઓની ગોઠવણ કરવાની તક પણ રહેલી છે.c (લુક ૧૪:૧૨-૧૪) ઘરબહારના મનોરંજનમાં પણ લાભો રહેલા છે. સજાગ બનો!ના સ્વીડનના ખબરપત્રી અહેવાલ આપે છે: “કેટલાંક કુટુંબો તંબૂમાં રહેવા કે માછલા પકડવા, અથવા વન પર્યટન, હોડીની મુસાફરી, પર્વતો પર ફરવા, વગેરે જગ્યાઓએ જાય છે. નાનેરાઓ રાજી રાજી થઈ જાય છે.”
મનોરંજનમાં ભ્રષ્ટ કરનારા ઘટકોથી આપણને નવાઈ લાગવી જોઈએ નહિ. પ્રેષિત પાઊલે લખ્યું કે રાષ્ટ્રોના લોકો “મનની ભ્રમણામાં ચાલે છે.” (એફેસી ૪:૧૭) તેથી, એવી જ અપેક્ષા રાખવામાં આવે છે કે તેઓ જેમાં આનંદ માણે છે એ “દેહનાં કામ”માં ગણાશે. (ગલાતી ૫:૧૯-૨૧) છતાં, ખ્રિસ્તીઓ પોતાને પોતાના મનોરંજનની ગુણવત્તા અને પ્રમાણ સંબંધી યોગ્ય નિર્ણયો લેવા તાલીમ આપી શકે. તેઓ મનોરંજનને કૌટુંબિક બાબત બનાવી શકે અને નવી પ્રવૃત્તિઓ પણ અજમાવી શકે જે તાજગીભરી હોય અને આવનાર વર્ષો માટે યાદગાર બની રહેશે. હા, તમે હિતકર મનોરંજન મેળવી શકો છો!
[Footnotes]
a “હસવાનો વખત” ભાષાંતર પામેલા હેબ્રી શબ્દના બીજાં રૂપોનું “રમવાનો વખત,” “મનોરંજન કરાવવાનો વખત,” “ઉજવવાનો વખત,” અથવા “આનંદનો વખત” ભાષાંતર થઈ શકે.
b વધુ માહિતી માટે, સજાગ બનો! (અંગ્રેજી) માર્ચ રર, ૧૯૭૮, પાન ૧૬-૨૧, અને સજાગ બનો! જાન્યુઆરી ૮, ૧૯૯૬, પાન ૬-૮ના અંકો જુઓ.
c સામાજિક મેળાવડાઓ વિષે શાસ્ત્રીય માર્ગદર્શન માટે, ચોકીબુરજ નવેમ્બર ૧, ૧૯૯૨, પાન ૨૪-૨૯, અને ઑક્ટોબર ૧, ૧૯૯૬, પાન ૧૮-૧૯ જુઓ.
[Caption on page ૯]
હિતકર મનોરંજન બદલો આપનારું બની શકે