વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w22 માર્ચ પાન ૨-૭
  • તમે “જૂના સ્વભાવને” ઉતારી શકો છો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • તમે “જૂના સ્વભાવને” ઉતારી શકો છો
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૨
  • મથાળાં
  • સરખી માહિતી
  • ‘જૂનો સ્વભાવ’ એટલે શું?
  • તમે કઈ રીતે જૂનો સ્વભાવ “ઉતારી” શકો?
  • તમે પણ બાપ્તિસ્મા માટે તૈયાર થઈ શકો છો
  • જૂના સ્વભાવને ઉતારી નાખો—કાયમ માટે
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૭
  • બાપ્તિસ્મા પછી પણ “નવો સ્વભાવ” પહેરી રાખો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૨
  • વિચારોમાં ફેરફાર કરીએ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૩
  • જૂનો સ્વભાવ ઉતારી નાખો અને નવો સ્વભાવ પહેરી લો
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૯
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૨
w22 માર્ચ પાન ૨-૭

અભ્યાસ લેખ ૧૦

તમે “જૂના સ્વભાવને” ઉતારી શકો છો

“જૂના સ્વભાવને એની આદતો સાથે ઉતારી નાખો.”—કોલો. ૩:૯.

ગીત ૩૪ જીવનમાં લખ્યું તારું નામ

ઝલકa

૧. બાઇબલમાંથી શીખ્યા એ પહેલાં તમારું જીવન કેવું હતું?

યહોવાના સાક્ષીઓ પાસેથી તમે બાઇબલમાંથી શીખ્યા એ પહેલાં તમારું જીવન કેવું હતું? આપણામાંથી ઘણાને એ દિવસો યાદ કરવાય ગમતા નથી. આપણા વિચારો અને સ્વભાવ દુનિયાના રંગે રંગાયેલા હતા. ખરા-ખોટા વિશે આપણા વિચારો દુનિયાના લોકો જેવા હતા. ‘આ દુનિયામાં આપણને કોઈ આશા ન હતી અને આપણે ઈશ્વર વગરના હતા.’ (એફે. ૨:૧૨) પણ બાઇબલમાંથી શીખીને આપણું આખું જીવન બદલાઈ ગયું.

૨. બાઇબલમાંથી શીખવાનું શરૂ કર્યું ત્યારે તમને શું જાણવા મળ્યું?

૨ બાઇબલમાંથી શીખવાનું શરૂ કર્યું ત્યારે તમને જાણવા મળ્યું કે એક ઈશ્વર છે, જેમનું નામ યહોવા છે. તે તમને ખૂબ પ્રેમ કરે છે. તમને સમજાયું કે યહોવાને ખુશ કરવા અને તેમના કુટુંબનો ભાગ બનવા, તમારે જીવનમાં અને વિચારોમાં ઘણા ફેરફાર કરવા પડશે. તમે શીખ્યા કે યહોવાની નજરે જે ખરું છે એ કરવું જોઈએ અને જે ખોટું છે એનાથી દૂર રહેવું જોઈએ.—એફે. ૫:૩-૫.

૩. (ક) કોલોસીઓ ૩:૯, ૧૦ પ્રમાણે યહોવા આપણી પાસેથી શું ચાહે છે? (ખ) આ લેખમાં શાની ચર્ચા કરીશું?

૩ યહોવા આપણા સર્જનહાર અને પિતા છે. એટલે આપણે કઈ રીતે જીવવું જોઈએ, એ નક્કી કરવાનો તેમને હક છે. તે ચાહે છે કે આપણે બાપ્તિસ્મા પહેલાં ‘જૂના સ્વભાવને એની આદતો સાથે ઉતારી નાખવા’ મહેનત કરીએ.b (કોલોસીઓ ૩:૯, ૧૦ વાંચો.) જેઓ બાપ્તિસ્મા લેવા માંગે છે તેઓને આ લેખમાંથી ત્રણ સવાલોના જવાબ મળશે: (૧) ‘જૂનો સ્વભાવ’ એટલે શું? (૨) યહોવા કેમ ચાહે છે કે આપણે એ સ્વભાવને ઉતારી નાખીએ? (૩) એ કઈ રીતે કરી શકીએ? જેઓએ બાપ્તિસ્મા લઈ લીધું છે, તેઓમાં જૂનો સ્વભાવ પાછો ન આવી જાય એ માટે પણ આ લેખ મદદ કરશે.

‘જૂનો સ્વભાવ’ એટલે શું?

૪. જેનામાં ‘જૂનો સ્વભાવ’ હોય તે કઈ રીતે વર્તે છે?

૪ જેનામાં ‘જૂનો સ્વભાવ’ હોય, તેનાં વિચારો અને કામો ખરાબ હોય છે. તે કદાચ સ્વાર્થી અને ઘમંડી હોય. તે વાતે વાતે ગુસ્સે થતો હોય અને બીજાઓનો આભાર માનતો ન હોય. તેને પોર્નોગ્રાફી જોવી ગમતી હોય. તે ગંદી કે માર-ધાડવાળી ફિલ્મો જોતો હોય. બની શકે કે તેનામાં સારા ગુણ હોય, પોતાનાં ખરાબ વાણી-વર્તન માટે તેને અફસોસ થતો હોય. તે પોતાને બદલવા તો ઇચ્છે છે, પણ એમ કરી શકતો નથી.​—ગલા. ૫:૧૯-૨૧; ૨ તિમો. ૩:૨-૫.

બાઇબલ વિદ્યાર્થી ચાલતાં ચાલતાં એક જૂનું કપડું ફેંકી રહ્યો છે. તેની પાછળ સિગારેટ, દારૂ, જુગારની કૂકીઓ, સજાતીય સંબંધને ટેકો આપતો ઝંડો અને માર-ધાડવાળી વીડિયો ગેમ્સ છે.

‘જૂનો સ્વભાવ’ ઉતારી નાખીએ છીએ ત્યારે આપણે ખરાબ કામો અને વિચારોને કાબૂમાં રાખી શકીએ છીએ (ફકરો ૫ જુઓ)g

૫. શું જૂનો સ્વભાવ પૂરી રીતે ઉતારી શકાય? સમજાવો. (પ્રેરિતોનાં કાર્યો ૩:૧૯)

૫ આપણે પાપી છીએ અને ભૂલો કરીએ છીએ. એટલે આપણા મનમાંથી બધાં જ ખરાબ વિચારો અને ઇચ્છાઓ દૂર કરી શકતા નથી. અમુક વખતે આપણે એવું કંઈક બોલી બેસીએ અથવા કરી બેસીએ, જેનો આપણને પાછળથી અફસોસ થાય. (યર્મિ. ૧૭:૯; યાકૂ. ૩:૨) જૂનો સ્વભાવ ઉતારી નાખીએ છીએ ત્યારે આપણે પહેલાં જેવા રહેતા નથી. આપણું જીવન બદલાઈ જાય છે. આપણે અમુક હદે ખરાબ વિચારોને કાબૂમાં રાખી શકીએ છીએ અને ખરાબ કામો કરવાથી દૂર રહી શકીએ છીએ.​—યશા. ૫૫:૭; પ્રેરિતોનાં કાર્યો ૩:૧૯ વાંચો.

૬. યહોવા કેમ ચાહે છે કે આપણે ખરાબ વિચારો અને આદતો છોડી દઈએ?

૬ યહોવા આપણને ખૂબ પ્રેમ કરે છે અને તે ચાહે છે કે આપણે જીવનની મજા માણીએ. એટલે તે આપણને ખરાબ વિચારો અને આદતો છોડવાનું કહે છે. (યશા. ૪૮:૧૭, ૧૮) તે જાણે છે કે જેઓ ખોટી ઇચ્છાઓ સામે લડત આપતા નથી, તેઓ પોતાને અને બીજાઓને દુઃખી કરે છે. આપણને અને બીજાઓને દુઃખી જોઈને યહોવાને પણ ઘણું દુઃખ થાય છે.

૭. રોમનો ૧૨:૧, ૨ પ્રમાણે આપણા હાથમાં કયો નિર્ણય છે?

૭ જ્યારે આપણે સ્વભાવમાં ફેરફાર કરતા હોઈએ, ત્યારે અમુક સગાં કે દોસ્તો આપણી મજાક ઉડાવે. (૧ પિત. ૪:૩, ૪) તેઓ કહે કે આપણે બધા તો આઝાદ પંખી છીએ, પોતાની મરજી પ્રમાણે કરવાનો આપણને હક છે. આપણે કોઈના ઇશારે નાચવાની જરૂર નથી. પણ જેઓ યહોવાનાં ધોરણોને નકારે છે તેઓ કંઈ આઝાદ નથી. હકીકતમાં તેઓ શેતાનની દુનિયાના ઇશારે નાચે છે. (રોમનો ૧૨:૧, ૨ વાંચો.) હવે નિર્ણય આપણા હાથમાં છે. શું આપણે જૂના સ્વભાવને પહેરી રાખીશું, જેના પર પાપ અને શેતાનની દુનિયાની અસર છે? અથવા શું યહોવાને આપણામાં ફેરફાર કરવા દઈશું, જેથી એક સારી વ્યક્તિ બની શકીએ?​—યશા. ૬૪:૮.

તમે કઈ રીતે જૂનો સ્વભાવ “ઉતારી” શકો?

૮. ખરાબ વિચારો અને આદતો છોડવાં ક્યાંથી મદદ મળી શકે?

૮ યહોવા જાણે છે કે આપણા માટે ખરાબ વિચારો અને આદતો છોડવાં કંઈ સહેલું નથી. એ માટે ઘણાં સમય-શક્તિ ખર્ચવાં પડે છે. (ગીત. ૧૦૩:૧૩, ૧૪) યહોવા આપણને બાઇબલ, પવિત્ર શક્તિ અને સંગઠન દ્વારા બુદ્ધિ, તાકાત અને જરૂરી મદદ આપે છે. એનાથી તમે ફેરફાર કરવાનું શરૂ કરી દીધું હશે. પણ હજી તમને વધારે મદદની જરૂર પડી શકે. ચાલો જોઈએ કે જૂનો સ્વભાવ ઉતારી નાખવા અને બાપ્તિસ્મા માટે તૈયાર થવા તમે શું કરી શકો.

૯. બાઇબલમાંથી તમને કેવી મદદ મળી શકે?

૯ પોતાની તપાસ કરવા બાઇબલનો ઉપયોગ કરો. બાઇબલ એક અરીસા જેવું છે. એ તમારાં વિચારો અને વાણી-વર્તન તપાસવાં મદદ કરે છે. (યાકૂ. ૧:૨૨-૨૫) તમને બાઇબલમાંથી શીખવનાર અને બીજાં અનુભવી ભાઈ-બહેનો માર્ગદર્શન આપી શકે છે. દાખલા તરીકે તેઓ તમને એવી કલમો બતાવે, જેનાથી તમે તમારી ખૂબીઓ અને ખામીઓ પારખી શકો. ધારો કે તમને ખરાબ આદતો છોડવા યોગ્ય સલાહની જરૂર છે. તેઓ તમને બાઇબલ આધારિત સાહિત્યમાંથી એ શોધવા મદદ કરી શકે છે. એટલું જ નહિ યહોવા પણ મદદ કરવા હંમેશાં તૈયાર છે. તે તમારું દિલ જાણે છે અને તમને સૌથી સારી મદદ આપી શકે છે. (નીતિ. ૧૪:૧૦; ૧૫:૧૧) એટલે દરરોજ પ્રાર્થના અને બાઇબલનો અભ્યાસ કરવાની ટેવ પાળો.

૧૦. એલીના દાખલા પરથી તમને શું શીખવા મળ્યું?

૧૦ ભરોસો રાખો કે યહોવાનાં ધોરણો પાળવાથી ભલું થાય છે. યહોવા જે કહે છે એ કરવાથી આપણો ફાયદો થાય છે. તેમનાં ધોરણો પ્રમાણે જીવવાથી આપણે પોતાનું માન જાળવી શકીએ છીએ, સારું જીવન જીવી શકીએ છીએ અને સાચી ખુશી મેળવી શકીએ છીએ. (ગીત. ૧૯:૭-૧૧) બીજી બાજુ, જેઓ યહોવાનાં ધોરણોને આંખ આડા કાન કરે છે તેઓ શરીરનાં કામ કરવા લાગે છે. એનાં તેઓએ ખરાબ પરિણામ ભોગવવાં પડે છે. ચાલો એલીનો દાખલો જોઈએ. તેના માબાપ યહોવાના સાક્ષી છે. તેઓએ તેને નાનપણથી યહોવાને પ્રેમ કરવાનું શીખવ્યું હતું. તે મોટો થતો ગયો તેમ તેણે ખરાબ લોકો સાથે દોસ્તી કરી. તેને ડ્રગ્સની લત લાગી ગઈ અને તે ચોરી કરવા લાગ્યો. અરે, તે વ્યભિચાર જેવાં ગંદાં કામો પણ કરવા લાગ્યો. ધીરે ધીરે તેનો સ્વભાવ બદલાઈ ગયો. તે વાતે વાતે ગુસ્સે થતો અને મારામારી પર ઉતરી આવતો. એલી કબૂલે છે, “નાનપણથી મને શીખવવામાં આવ્યું હતું કે મારે અમુક કામો ન કરવાં જોઈએ. પણ મેં એ બધાં જ કામો કર્યાં.” જોકે નાનપણમાં શીખેલી વાતો તે ભૂલ્યો ન હતો. તે બાઇબલમાંથી ફરી શીખવા લાગ્યો. તેણે ખરાબ આદતો છોડવા મહેનત કરી અને સાલ ૨૦૦૦માં તેણે બાપ્તિસ્મા લીધું. યહોવાનાં ધોરણો પ્રમાણે જીવવાથી તેને કેવો ફાયદો થયો? તે કહે છે, “મને મનની શાંતિ મળી અને હું સાફ દિલ રાખી શક્યો છું.”c એ અનુભવ પરથી જોવા મળ્યું કે જેઓ યહોવાનાં ધોરણો પ્રમાણે ચાલતા નથી, તેઓએ ઘણી તકલીફ વેઠવી પડે છે. પણ યહોવા તેઓનો સાથ છોડતા નથી. તેઓ ફેરફાર કરી શકે માટે યહોવા મદદ કરવા તૈયાર છે.

૧૧. યહોવા શાને ધિક્કારે છે?

૧૧ યહોવા જેને ધિક્કારે છે એને ધિક્કારો. (ગીત. ૯૭:૧૦) બાઇબલમાં લખ્યું છે કે યહોવા “ઘમંડી આંખો, જૂઠું બોલતી જીભ, નિર્દોષનું ખૂન કરતા હાથ” ધિક્કારે છે. (નીતિ. ૬:૧૬, ૧૭) એટલું જ નહિ “હિંસક અને કપટી લોકોથી યહોવાને સખત નફરત છે.” (ગીત. ૫:૬) નૂહના સમયમાં જે બન્યું એનાથી પણ ખબર પડે છે કે યહોવા એવાં કામોને કેટલાં ધિક્કારે છે. એ સમયમાં લોકોએ આખી પૃથ્વીને હિંસાથી ભરી દીધી હતી. એટલે યહોવાએ તેઓનો નાશ કરી દીધો. (ઉત. ૬:૧૩) ચાલો જોઈએ કે પ્રબોધક માલાખીના સમયમાં યહોવાએ શું જણાવ્યું હતું. તેમણે કહ્યું કે જેઓ પોતાની પત્નીને છૂટાછેડા આપવા કાવતરું રચે છે, તેઓને તે ધિક્કારે છે. યહોવા તેઓની ભક્તિને પણ નકારે છે અને તેઓને ચોક્કસ સજા કરશે.​—માલા. ૨:૧૩-૧૬; હિબ્રૂ. ૧૩:૪.

ફ્રિજમાં સડેલો ખોરાક જોઈને એક સ્ત્રીને ચિતરી ચઢે છે.

જેમ સડેલા ખોરાકથી આપણને ચિતરી ચઢે છે, તેમ યહોવા જે કામોને ખરાબ ગણે છે એને આપણે પણ નફરત કરીએ (ફકરા ૧૧-૧૨ જુઓ)

૧૨. ‘જે ખરાબ છે એને ધિક્કારીએ’ એનો શું અર્થ થાય?

૧૨ યહોવા ચાહે છે કે આપણે ‘જે ખરાબ છે એને ધિક્કારીએ.’ (રોમ. ૧૨:૯) ‘ધિક્કાર’ શબ્દના અર્થમાં ફક્ત એટલું જ આવતું નથી કે આપણે કોઈ બાબતને નાપસંદ કરીએ. પણ એને એટલી હદે નફરત કરીએ કે એના વિચારથી પણ ચિતરી ચઢે. જરા વિચારો, તમને સડેલો ખોરાક ખાવાનું કહેવામાં આવે તો તમને કેવું લાગશે? એવા વિચારથી જ આપણને ઉલટી થઈ જાય, ખરું ને? એવી જ રીતે યહોવા જેને ધિક્કારે છે, એને આપણે એટલી હદે નફરત કરીએ કે એવું કરવાનું આપણે સપનામાંય ન વિચારીએ.

૧૩. આપણે કેમ ખરાબ વિચારોને મનમાંથી તરત કાઢી નાખવા જોઈએ?

૧૩ ખરાબ વિચારો મનમાંથી કાઢી નાખો. આપણે જેવું વિચારીએ છીએ મોટા ભાગે એવું જ કરીએ છીએ. એટલે ઈસુએ શીખવ્યું કે એવા વિચારો મનમાંથી કાઢી નાખીએ, જે મોટું પાપ કરવા તરફ દોરી જાય. (માથ. ૫:૨૧, ૨૨, ૨૮, ૨૯) આપણે બધા ઈશ્વર યહોવાને ખુશ કરવા માંગીએ છીએ. એટલે ખૂબ જરૂરી છે કે ખરાબ વિચાર આવે કે તરત એને મનમાંથી કાઢી નાખીએ.

૧૪. (ક) આપણે જે બોલીએ છીએ એનાથી શું ખબર પડે છે? (ખ) આપણે કયા સવાલોનો વિચાર કરવો જોઈએ?

૧૪ તમારી જીભ પર કાબૂ રાખો. ઈસુએ કહ્યું: “જે વાતો મોંમાંથી નીકળે છે એ દિલમાંથી આવે છે.” (માથ. ૧૫:૧૮) આપણે જે બોલીએ છીએ, એનાથી ખબર પડે છે કે આપણો સ્વભાવ કેવો છે. આપણે આ સવાલોનો વિચાર કરવો જોઈએ: ‘સાચું બોલવું અઘરું હોય ત્યારે પણ શું હું સાચું બોલું છું? શું હું વિરુદ્ધ જાતિની વ્યક્તિ સાથે વાત કરતી વખતે ફ્લર્ટ કે ચેનચાળા કરવાનું ટાળું છું, જેથી બતાવી શકું કે મારા લગ્‍નસાથીને વફાદાર છું? શું હું ખરાબ કે ગંદી વાતો બોલવાથી દૂર રહું છું? કોઈ મને ખોટું લગાડે તોપણ શું હું શાંતિથી જવાબ આપું છું?’ એ સવાલો પર વિચાર કરવાથી આપણને ફેરફાર કરવા મદદ મળશે. જૂનો સ્વભાવ એક કપડા જેવો છે અને આપણી વાણી એ કપડાનાં બટન જેવી છે. બધાં બટન ખોલી નાખીશું તો જ કપડું સહેલાઈથી ઉતારી શકીશું. એવી જ રીતે, ગાળાગાળી કરવાનું, જૂઠું બોલવાનું અને ગંદી વાતો કરવાનું છોડી દઈશું તો જ જૂનો સ્વભાવ સહેલાઈથી ઉતારી શકીશું.

૧૫. જૂના સ્વભાવને ‘વધસ્તંભ પર જડી’ દેવાનો શું અર્થ થાય?

૧૫ જરૂરી ફેરફાર કરવા તૈયાર રહો. જીવનમાં ફેરફાર કરવો કેટલું જરૂરી છે એ સમજાવવા પ્રેરિત પાઉલે એક જોરદાર દાખલો આપ્યો. તેમણે લખ્યું કે આપણે જૂના સ્વભાવને ‘વધસ્તંભ પર જડી’ દેવો જોઈએ. (રોમ. ૬:૬) એનો શું અર્થ થાય? યહોવાને ખુશ કરવા ઈસુએ વધસ્તંભનું દુઃખ સહન કર્યું. એવી જ રીતે જો આપણે યહોવાને ખુશ કરવા હોય તો ખરાબ વિચારો અને આદતો છોડી દેવાં જોઈએ. એમ કરીશું તો જ આપણું મન શુદ્ધ રહેશે અને આપણે હંમેશ માટે જીવવાની આશા રાખી શકીશું. (યોહા. ૧૭:૩; ૧ પિત. ૩:૨૧) યાદ રાખીએ કે યહોવા આપણા માટે પોતાનાં ધોરણો બદલવાના નથી. પણ આપણે તેમનાં ધોરણો પ્રમાણે પોતાને બદલવાના છે.—યશા. ૧:૧૬-૧૮; ૫૫:૯.

૧૬. ખોટી ઇચ્છાઓ સામે કેમ લડત આપતા રહેવું જોઈએ?

૧૬ ખોટી ઇચ્છાઓ સામે લડત આપતા રહો. બાપ્તિસ્મા પછી પણ તમારે ખોટી ઇચ્છાઓ સામે લડત આપતા રહેવું પડશે. મોરિસિયોના દાખલા પર ધ્યાન આપો. તે યુવાન હતો ત્યારે બીજા છોકરાઓ સાથે જાતીય સંબંધ રાખતો. પણ પછી તે યહોવાના સાક્ષીઓને મળ્યો અને બાઇબલમાંથી શીખવા લાગ્યો. તેણે પોતાના જીવનમાં ઘણા ફેરફાર કર્યા. પછી ૨૦૦૨માં તેણે બાપ્તિસ્મા લીધું. તે વર્ષોથી યહોવાની ભક્તિ કરી રહ્યો છે. છતાં તે સ્વીકારે છે, “અમુક વાર ખોટી ઇચ્છાઓ સામે મારે હજુય લડત આપતા રહેવું પડે છે.” પણ એનાથી તે નિરાશ થતો નથી. તે કહે છે, “જ્યારે હું એવી ઇચ્છાઓને મારા પર હાવી થવા દેતો નથી, ત્યારે યહોવા ખુશ થાય છે. એ જાણીને મને ઘણી હિંમત મળે છે.”d

૧૭. નાબિહાના દાખલામાંથી તમને શું શીખવા મળ્યું?

૧૭ યહોવાને પ્રાર્થના કરો અને તેમની પવિત્ર શક્તિ પર આધાર રાખો. (ગલા. ૫:૨૨; ફિલિ. ૪:૬) આપણે મનમાં ગાંઠ વાળીએ કે જૂના સ્વભાવને ઉતારી નાખીશું અને એ સ્વભાવને પાછો આવવા દઈશું નહિ. ચાલો નાબિહાનો દાખલો જોઈએ. તે છ વર્ષની હતી ત્યારે તેના પપ્પા તેને છોડીને જતા રહ્યા. તે કહે છે, “એના લીધે હું અંદરથી એકદમ ભાંગી પડી.” જેમ જેમ નાબિહા મોટી થતી ગઈ તેમ તેમ તેનો ગુસ્સો પણ વધતો ગયો. ઘણી વાર ગુસ્સામાં તેનો પારો ચઢી જતો. તે ડ્રગ્સ પણ વેચવા લાગી. એક દિવસે પોલીસે તેને પકડી લીધી અને અમુક વર્ષો માટે જેલમાં પૂરી દીધી. યહોવાના સાક્ષીઓ જેલમાં ખુશખબર જણાવવા આવ્યા ત્યારે, નાબિહા તેઓ પાસેથી બાઇબલમાંથી શીખવા લાગી. તેણે પોતાના જીવનમાં મોટા મોટા ફેરફાર કર્યા. તે કહે છે, “મારા માટે અમુક ખરાબ આદતો છોડવી સહેલી હતી. પણ સિગારેટ તો મારાથી છૂટતી જ ન હતી.” એ લત છોડવા તેને એકાદ વર્ષ લાગ્યું. તે કઈ રીતે એ કરી શકી? તે કહે છે, “હું રાત-દિવસ યહોવાને પ્રાર્થના કરતી. તેમની મદદથી જ હું સિગારેટ છોડી શકી.” તે હવે બીજાઓને કહે છે, “મને પૂરો ભરોસો છે કે જો મારા જેવી છોકરી યહોવાને ખુશ કરવા ફેરફાર કરી શકતી હોય, તો તો કોઈ પણ કરી શકે છે.”e

તમે પણ બાપ્તિસ્મા માટે તૈયાર થઈ શકો છો

૧૮. પહેલો કોરીંથીઓ ૬:૯-૧૧ પ્રમાણે યહોવાના ભક્તો શું કરી શક્યા છે?

૧૮ પહેલી સદીમાં યહોવાએ ઘણાં સ્ત્રી-પુરુષોને ખ્રિસ્ત સાથે રાજ કરવા પસંદ કર્યાં હતાં. યહોવાના ભક્તો બન્યા એ પહેલાં તેઓમાંથી અમુક લોકો ઘણાં ખરાબ કામો કરતા. દાખલા તરીકે અમુક વ્યભિચાર કરતા અથવા ચોરી કરતા. અમુક પુરુષો પુરુષ સાથે અને અમુક સ્ત્રીઓ સ્ત્રી સાથે જાતીય સંબંધ રાખતાં. પણ યહોવાની પવિત્ર શક્તિની મદદથી તેઓ પોતાને બદલી શક્યાં અને એવાં ખરાબ કામોને છોડી શક્યાં. (૧ કોરીંથીઓ ૬:૯-૧૧ વાંચો.) એવી જ રીતે આજે પણ લાખો લોકોએ બાઇબલમાંથી શીખીને પોતાનાં જીવનમાં ફેરફાર કર્યો છે.f તેઓ એવી આદતો છોડી શક્યા છે, જે છોડવી તેઓ માટે બહુ જ અઘરી હતી. તેઓના દાખલાથી ખાતરી મળે છે કે તમે પણ સ્વભાવમાં ફેરફાર કરી શકો છો અને ખરાબ આદતો છોડી શકો છો, જેથી બાપ્તિસ્મા માટે તૈયાર થઈ શકો.

પવિત્ર શાસ્ત્ર જીવન સુધારે છે

સાલ ૨૦૦૮માં ચોકીબુરજ મૅગેઝિનમાં એક શૃંખલા શરૂ થઈ હતી, એનું નામ હતું “‘બાઇબલથી મારું જીવન સુધરી ગયું!’” એ લેખોમાં એવા લોકોના અનુભવો છે, જેઓએ બાપ્તિસ્મા લેવા માટે જીવનમાં મોટા મોટા ફેરફાર કર્યા હતા. એવા ઘણા લેખો અને અનુભવોના વીડિયો હવે jw.org/gu પર જોવા મળે છે. જો તમે કોઈ ખરાબ આદત છોડવા કે સ્વભાવમાં કોઈ ફેરફાર કરવા મહેનત કરી રહ્યા હો, તો આ અનુભવોથી મદદ મળશે. એ શૃંખલામાંથી તમને કોઈ ને કોઈ વ્યક્તિનો અનુભવ તો મળશે, જેણે તમારા જેવી જ મુશ્કેલીઓનો સામનો કર્યો હોય. તમને એવા લેખો યહોવાના સાક્ષીઓ માટે સંશોધન માર્ગદર્શિકામાં “બાઇબલ,” એમાં “વ્યવહારુ સલાહ” અને એમાં “‘બાઇબલ જીવન સુધારે છે’ (ચોકીબુરજ શૃંખલા)” વિષયમાં મળશે. અથવા તમે jw.org/gu પર સર્ચ બૉક્સમાં “પવિત્ર શાસ્ત્ર જીવન સુધારે છે” ટાઈપ કરીને પણ શોધી શકો.

૧૯. હવે પછીના લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?

૧૯ જેઓ બાપ્તિસ્મા લેવા માંગે છે, તેઓએ જૂનો સ્વભાવ ઉતારવા મહેનત કરવી જોઈએ. તેઓએ નવો સ્વભાવ પહેરવા પણ બનતો પ્રયત્ન કરવો જોઈએ. હવે પછીના લેખમાં ચર્ચા કરીશું કે એવું કઈ રીતે કરી શકીએ અને બીજાઓ કઈ રીતે એમાં મદદ આપી શકે.

શું તમને યાદ છે?

  • ‘જૂનો સ્વભાવ’ એટલે શું?

  • કેમ ‘જૂના સ્વભાવને ઉતારી નાખવો’ જોઈએ?

  • જૂનો સ્વભાવ ‘ઉતારવા’ અને એ પાછો ન આવી જાય એ માટે શું કરવું જોઈએ?

ગીત ૬ અમારી પ્રાર્થના

a બાપ્તિસ્મા લેવા આપણે જીવનમાં અમુક ફેરફારો કરવા જોઈએ, ખાસ કરીને આપણા સ્વભાવમાં. આ લેખમાં જોઈશું કે જૂનો સ્વભાવ એટલે શું, એને કેમ ઉતારી નાખવો જોઈએ અને એ કઈ રીતે કરી શકીએ. આવતા લેખમાં જોઈશું કે બાપ્તિસ્મા પછી પણ કઈ રીતે નવા સ્વભાવને પહેરી રાખી શકીએ અને એને ઉતારીએ નહિ.

b શબ્દોની સમજ: ‘જૂના સ્વભાવને ઉતારી નાખો’ એનો અર્થ થાય કે યહોવાને પસંદ નથી એવાં વિચારો અને ઇચ્છાઓ મનમાંથી કાઢી નાખવાં જોઈએ. એવું આપણે બાપ્તિસ્મા પહેલાં શરૂ કરી દેવું જોઈએ.​—એફે. ૪:૨૨.

c એ વિશે વધુ જાણવા જુલાઈ-સપ્ટેમ્બર ૨૦૧૨, ચોકીબુરજમાં (હિંદી) આપેલો આ લેખ જુઓ: “જિંદગી સવાર દેતી હૈ બાઇબલ—‘મુજે યહોવા કી તરફ લૌટને કી જરૂરત થી.’”

d એ વિશે વધુ જાણવા મે ૧, ૨૦૧૨ ચોકીબુરજમાં (અંગ્રેજી) આપેલો આ લેખ જુઓ: “ધ બાઇબલ ચેંજીસ લાઈવ્સ—‘ધે વર વેરી કાઈન્ડ ટૂ મી.’”

e એ વિશે વધુ જાણવા ઑક્ટોબર ૧, ૨૦૧૨ ચોકીબુરજમાં (અંગ્રેજી) આપેલો આ લેખ જુઓ: “ધ બાઇબલ ચેંજીસ લાઈવ્સ—‘આઈ બીકેમ એન એંગ્રી, એગ્રેસિવ યંગ વુમન.’”

f “પવિત્ર શાસ્ત્ર જીવન સુધારે છે” બૉક્સ જુઓ.

g ચિત્રની સમજ: ખરાબ વિચારો અને આદતો છોડી દેવાં એ તો જાણે જૂના કપડા ઉતારી દેવા જેવું છે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • Privacy Settings
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો