વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w10 ૭/૧ પાન ૧૧-૧૫
  • યહોવાહનો દિવસ આવશે ત્યારે શું થશે?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • યહોવાહનો દિવસ આવશે ત્યારે શું થશે?
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૦
  • મથાળાં
  • આકાશો અને પૃથ્વી જતાં રહેશે
  • ‘તત્ત્વો પીગળી જશે’
  • “પૃથ્વીને તથા તે પરનાં કામોને બાળી નાખવામાં આવશે”
  • “નવાં આકાશ તથા નવી પૃથ્વી”
  • યહોવાહના મહાન દિવસ માટે તૈયાર થઈએ
  • તારણ આપનાર યહોવાહમાં શ્રદ્ધા રાખીએ
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૦
w10 ૭/૧ પાન ૧૧-૧૫

યહોવાહનો દિવસ આવશે ત્યારે શું થશે?

‘ચોર આવે છે, તેમ પ્રભુનો દિવસ આવશે. અને પૃથ્વીને તથા તે પરનાં કામોને બાળી નાખવામાં આવશે.’—૨ પીત. ૩:૧૦.

૧, ૨. (ક) આ દુષ્ટ દુનિયાનો અંત કેવી રીતે આવશે? (ખ) આપણે કયા સવાલોની ચર્ચા કરીશું?

આ દુષ્ટ દુનિયા એક જૂઠાણા પર ટકી રહી છે: ઈશ્વર વગર માણસ બીજાઓ પર સારી રીતે રાજ કરી શકે છે. (ગીત. ૨:૨, ૩) શું જૂઠાણા પર કોઈ પણ બાબત કાયમ ટકી શકે? જરાય નહિ! પરંતુ શેતાનની દુનિયા આપોઆપ નાશ પામે એની આપણે રાહ જોવાની જરૂર નથી. એ પહેલાં જ યહોવાહ યોગ્ય સમયે અને તેમની રીતે દુષ્ટ દુનિયાનો નાશ કરશે. એમ કરશે ત્યારે યહોવાહનો અદલ ન્યાય અને પ્રેમ દેખાઈ આવશે.—ગીત. ૯૨:૭; નીતિ. ૨:૨૧, ૨૨.

૨ એ સમય વિષે પ્રેરિત પીતરે લખ્યું: ‘પ્રભુ યહોવાહનો દિવસ ચોરની જેમ આવશે. તે વેળાએ આકાશો મોટી ગર્જનાસહિત જતાં રહેશે, ને તત્ત્વો અગ્‍નિથી પીગળી જશે, અને પૃથ્વીને તથા તે પરનાં કામોને બાળી નાખવામાં આવશે.’ (૨ પીત. ૩:૧૦) અહીં ‘આકાશો અને પૃથ્વી’ શું છે? પીગળી જનાર “તત્ત્વો” શું છે? ‘પૃથ્વી અને તે પરનાં કામોને બાળી નાખવામાં આવશે,’ પીતરના આ શબ્દોનો શું અર્થ થાય? આના જવાબો જાણવાથી ટૂંક સમયમાં બનનારા કંપારીજનક બનાવો સામે ટકી રહેવા આપણે તૈયાર થઈશું.

આકાશો અને પૃથ્વી જતાં રહેશે

૩. બીજો પીતર ૩:૧૦ પ્રમાણે “આકાશો” શું છે અને તેઓ કઈ રીતે જતાં રહેશે?

૩ જેવી રીતે આકાશ પૃથ્વીની ઉપર છે એવી જ રીતે સરકારો પણ પ્રજાથી ઉપર છે. એટલે ઘણી વાર બાઇબલમાં સત્તા કે સરકાર માટે “આકાશો” જેવા શબ્દ વાપરવામાં આવે છે. (યશા. ૧૪:૧૩, ૧૪; પ્રકટી. ૨૧:૧, ૨) ‘આકાશો જતાં રહેશે,’ એ દુષ્ટ લોકો પર રાજ કરતી મનુષ્યની સરકારોને બતાવે છે. તેઓ મોટી “ગર્જનાસહિત” કે સુસવાટા કરતી જતી રહેશે. એટલે એમ બની શકે કે દુનિયાની સરકારો પળભરમાં ખતમ થઈ જશે.

૪. “પૃથ્વી” શું છે અને એનો કઈ રીતે નાશ કરવામાં આવશે?

૪ “પૃથ્વી” ઈશ્વરથી વંઠી ગયેલા લોકોને બતાવે છે. નુહનો જમાનો એવા લોકોથી ભરેલો હોવાથી જળપ્રલય લાવીને યહોવાહ ઈશ્વરે તેઓનો નાશ કર્યો. “એ જ ઈશ્વરની આજ્ઞાથી હાલનાં આકાશ અને પૃથ્વીને અગ્‍નિથી ભસ્મ કરી નાખવા માટે ન્યાયના દિવસ સુધી રાખી મૂકવામાં આવ્યાં છે. તે દિવસે બધા અધર્મીઓનો પણ નાશ કરવામાં આવશે.” (૨ પિતર ૩:૭, IBSI) નુહના સમયમાં જળપ્રલય દ્વારા સર્વ દુષ્ટ લોકોનો એક જ સમયે નાશ કરવામાં આવ્યો હતો. પણ આવી રહેલી “મોટી વિપત્તિ”માં યહોવાહ અલગ અલગ તબક્કામાં દુષ્ટ લોકોનો નાશ કરશે. (પ્રકટી. ૭:૧૪) મોટી વિપત્તિ શરૂ થશે ત્યારે “મહાન બાબેલોન”નો નાશ કરવા યહોવાહ સૌથી પહેલાં દુનિયાની સરકારોને દોરશે. એનાથી દેખાઈ આવશે કે વેશ્યાની જેમ વર્તતા ધર્મોને તે સખત ધિક્કારે છે. (પ્રકટી. ૧૭:૫, ૧૬; ૧૮:૮) છેવટે મહાન વિપત્તિમાં આર્માગેદ્દોનની લડાઈ દ્વારા શેતાનની બાકીની દુષ્ટ દુનિયાનો યહોવાહ નાશ કરશે.—પ્રકટી. ૧૬:૧૪, ૧૬; ૧૯:૧૯-૨૧.

‘તત્ત્વો પીગળી જશે’

૫. ‘પીગળી જનાર તત્ત્વોʼમાં શાનો સમાવેશ થાય છે?

૫ ‘પીગળી જનાર તત્ત્વો’ શું છે? ‘તત્ત્વોʼનો ઉલ્લેખ કરીને પીતર દુનિયાના અધર્મી વાણી-વર્તન, સ્વભાવ અને એવા માર્ગે લઈ જતા લોકોના ધ્યેય વિષે વાત કરતા હતા. એ “તત્ત્વો”માં આ દુનિયાનું વલણ પણ આવી જાય છે જે આજે “આજ્ઞાભંગના દીકરાઓમાં” બધે જ જોવા મળે છે. (૧ કોરીં. ૨:૧૨; એફેસી ૨:૧-૩ વાંચો.) એ વલણમાં ઘમંડી શેતાનના વિચારો અને શિક્ષણ આવી જાય છે જે “વાયુની” જેમ આખી દુનિયામાં ફેલાયેલા છે. એટલે જ લોકો “વાયુની સત્તાના અધિકારી” શેતાનની જેમ વિચારે છે, ધ્યેયો ઘડે છે, બોલે અને વર્તે પણ છે.

૬. દુનિયાના વાણી-વર્તનમાં કઈ રીતે શેતાનના વિચારો દેખાઈ આવે છે?

૬ જેઓને જાણે-અજાણે આ દુનિયાના વલણની અસર થઈ છે તેઓએ પોતાના દિલમાં શેતાનના વિચારોને ઘર કરવા દીધા છે. એ તેઓના વાણી-વર્તનમાં દેખાઈ આવે છે. એટલે ઈશ્વર કે તેમની ઇચ્છાની કોઈ દરકાર કર્યા વગર તેઓ મન ફાવે એમ કરે છે. તેઓ ઘમંડી, અભિમાની અને સ્વાર્થી હોવાથી સરકાર કે એવી સત્તાનો વિરોધ કરે છે. તેઓ “દૈહિક વાસના તથા આંખોની લાલસા”ને વશ થઈ જાય છે.—૧ યોહાન ૨:૧૫-૧૭ વાંચો.a

૭. આપણે કેમ પોતાના ‘હૃદયની સંભાળ રાખવી’ જોઈએ?

૭ શેતાનના વિચારોની આપણને અસર ન થાય એ માટે ‘હૃદયની સંભાળ રાખવી’ ખૂબ મહત્ત્વનું છે. આપણે એવું કાંઈ ન કરવું જોઈએ જેનાથી યહોવાહની કૃપા ગુમાવી બેસીએ. એ માટે સમજી-વિચારીને મિત્રો, પુસ્તકો કે મનોરંજનની પસંદગી કરવી જોઈએ. ઇંટરનેટ પર ખરાબ સાઇટ પણ જોવી ન જોઈએ! (નીતિ. ૪:૨૩) પ્રેરિત પાઊલે લખ્યું: “સાવધાન રહો, રખેને ફિલસૂફીનો ખાલી આડંબર જે ખ્રિસ્ત પ્રમાણે નહિ, પણ માણસોના સંપ્રદાય પ્રમાણે ને જગતનાં તત્ત્વો પ્રમાણે છે, તેથી કોઈ તમને ફસાવે.” (કોલો. ૨:૮) યહોવાહનો ન્યાયનો દિવસ ઝડપથી આવી રહ્યો હોવાથી એ આજ્ઞા પાળવી આપણા માટે ખૂબ જ તાકીદની છે. એ દિવસે યહોવાહના ધગધગતા કોપ સામે શેતાનની દુનિયાના સર્વ ‘તત્ત્વો’ ટકી નહિ શકે. તેઓ સાવ પીગળી જશે, એટલે કે વિનાશ પામશે. એ આપણને માલાખી ૪:૧ના શબ્દો યાદ કરાવે છે: ‘તે દિવસ આવે છે, તે ભઠ્ઠીની પેઠે બળે છે; અને સર્વ ગર્વિષ્ઠો તથા સર્વ દુરાચારીઓ ખૂંપરારૂપ થશે. જે દિવસ આવે છે તે તેમને બાળી નાખશે.’

“પૃથ્વીને તથા તે પરનાં કામોને બાળી નાખવામાં આવશે”

૮. પૃથ્વી અને તે પરનાં કામોને કઈ રીતે બાળી નાખવામાં આવશે?

૮ પીતરે લખ્યું: “પૃથ્વીને તથા તે પરનાં કામોને બાળી નાખવામાં આવશે.” પીતર અહીં શું કહેવા માગતા હતા? મૂળ ભાષા પ્રમાણે, પીતર એમ કહેતા હતા કે મહાન વિપત્તિ આવશે ત્યારે, શેતાનની દુનિયાને યહોવાહ ખુલ્લી પાડશે અને પછી એનો વિનાશ કરશે. દુષ્ટ દુનિયા યહોવાહ અને તેમની સરકારનો વિરોધ કરતી હોવાથી વિનાશને યોગ્ય જ છે. એ દિવસ વિષે સદીઓ પહેલાં યશાયાહે ઈશ્વરની દોરવણીથી આમ લખ્યું હતું: “પૃથ્વી પરના રહેવાસીઓના અપરાધને માટે તેમને શાસન [સજા] આપવા સારૂ, યહોવાહ પોતાના સ્થાનમાંથી બહાર નીકળી આવે છે; પૃથ્વી પોતે શોષી લીધેલું રક્ત પ્રગટ કરશે, ને ત્યાર પછી પોતામાંનાં મારેલાંને ઢાંકી દેશે નહિ.”—યશા. ૨૬:૨૧.

૯. (ક) કેવી બાબતોથી આપણે દૂર રહેવું જોઈએ અને શા માટે? (ખ) આપણે કેવા ગુણો કેળવવા જોઈએ અને શા માટે?

૯ શેતાનની દુનિયાથી જેઓ રંગાયા છે તેઓનો ખરો રંગ યહોવાહના ન્યાયના દિવસે દેખાઈ આવશે. અરે, તેઓ ખૂનખરાબી કરવાથી પણ અચકાશે નહિ. આજે અનેક પ્રકારના જુલમથી ભરપૂર મનોરંજન લોકપ્રિય છે. ખરું કહીએ તો એ જોનારાઓના મન ધીમે ધીમે એ સમય માટે ઘડાઈ રહ્યાં છે જ્યારે “દરેક માણસનો હાથ પોતાના પડોશીના હાથ સામે ઉઠાવવામાં આવશે.” (ઝખા. ૧૪:૧૩) એટલે એ ખૂબ મહત્ત્વનું છે કે આપણે હિંસાને ઉત્તેજન આપતાં પુસ્તકો, ફિલ્મો કે વિડીયો ગેમ્સથી દૂર રહીએ. એમ નહિ કરીએ તો, યહોવાહને પસંદ નથી એવા અવગુણો આપણામાં પાંગરવા લાગશે. જેમ કે અભિમાન અને ખૂન-ખરાબી માટે પ્રેમ જાગશે! (૨ શમૂ. ૨૨:૨૮; ગીત. ૧૧:૫) એવું ન થાય માટે ચાલો પોતાના દિલની સંભાળ રાખીએ. યહોવાહ જેવા ગુણો કેળવીએ. એવા ગુણો જ તેમના કોપના દિવસે આપણને બચવા મદદ કરશે.—ગલા. ૫:૨૨, ૨૩.

“નવાં આકાશ તથા નવી પૃથ્વી”

૧૦, ૧૧. “નવાં આકાશ તથા નવી પૃથ્વી” શું છે?

૧૦ બીજો પીતર ૩:૧૩ વાંચો. “નવાં આકાશ” એ યહોવાહની સરકાર છે. ૧૯૧૪માં “વિદેશીઓના સમયો” પૂરા થયા ત્યારે યહોવાહે સ્વર્ગમાં એ સરકાર સ્થાપી. (લુક ૨૧:૨૪) એ સરકાર રાજા ઈસુ ખ્રિસ્ત અને તેમની સાથે રાજ કરનારા ૧,૪૪,૦૦૦ લોકોની બનેલી છે. તેઓમાંના મોટા ભાગના સ્વર્ગમાં જઈ ચૂક્યા છે. પ્રકટીકરણ એ ભક્તોનું આમ વર્ણન કરે છે: ‘પવિત્ર નગર, નવું યરૂશાલેમ, ઈશ્વરની પાસેથી આકાશમાંથી ઊતરતું જોયું, અને જેમ કન્યા પોતાના વરને સારૂ શણગારવામાં આવેલી હોય તેમ તે તૈયાર કરેલું હતું.’ (પ્રકટી. ૨૧:૧, ૨, ૨૨-૨૪) જેમ બાઇબલના સમયમાં યરૂશાલેમમાં એક સરકાર હતી, તેમ આવનાર સમયમાં એક સરકાર હશે. એ સરકાર નવું યરૂશાલેમ અને તેના વરની (ઈસુ ખ્રિસ્ત) બનેલી છે. આ સરકાર આકાશમાંથી ઊતરે છે, એટલે કે યહોવાહની દોરવણીથી આખી પૃથ્વીનો વહીવટ હાથમાં લઈ લે છે.

૧૧ “નવી પૃથ્વી” એવા લોકોને બતાવે છે જેઓ રાજી-ખુશીથી યહોવાહની સરકારની દોરવણી પ્રમાણે પૃથ્વી પર જીવી રહ્યા છે. યહોવાહ સાથે મજબૂત નાતો હોવાથી તેઓ આજે પ્રેમ અને સંપનો આનંદ માણે છે. “આવનાર યુગ” કે નવી દુનિયામાં ન્યાયી ભક્તોથી ધરતી સુંદર બની જશે ત્યારે તેઓ પૂરા અર્થમાં પ્રેમ અને સંપ અનુભવશે. (હેબ્રી ૨:૫) આપણે એ નવી દુનિયાનો ભાગ બનવા માટે શું કરવું જોઈએ?

યહોવાહના મહાન દિવસ માટે તૈયાર થઈએ

૧૨. યહોવાહનો દિવસ આવશે ત્યારે આ દુનિયા કેમ ચોંકી જશે?

૧૨ પ્રેરિત પાઊલ અને પીતરે જણાવ્યું હતું કે “ચોર આવે છે તેમ” યહોવાહનો દિવસ ઓચિંતો આવશે. (૧ થેસ્સાલોનીકી ૫:૧, ૨ વાંચો.) ખરું કે એ દિવસની આપણે રાહ જોઈ રહ્યા છીએ, તોપણ એ અચાનક આવી જશે ત્યારે આપણને નવાઈ લાગશે. (માથ. ૨૪:૪૪) જ્યારે કે આ દુનિયા તો એનાથી સાવ જ ચોંકી જશે. એના વિષે પાઊલે લખ્યું: જ્યારે યહોવાહથી વંઠી ગયેલા ‘લોકો “શાંતિ છે, શાંતિ છે” એમ કહેતા હશે, ત્યારે જેમ પ્રસૂતાની વેદના અચાનક ઊપડે છે તેમ તેઓના પર એકાએક વિનાશ આવી પડશે અને બચવાનો કોઈ ઉપાય રહેશે નહિ.’—૧ થેસ્સાલોનિકિયો ૫:૩, કોમન લેંગ્વેજ.

૧૩. “શાંતિ તથા સલામતી”ના પોકારથી છેતરાઈ ન જઈએ માટે આપણે શું કરવું જોઈએ?

૧૩ જૂઠાણું ફેલાવતા શેતાનની દોરવણીથી દુનિયામાં “શાંતિ તથા સલામતી”નો પોકાર સંભળાશે. જોકે એનાથી યહોવાહના ભક્તો જરાય છેતરાશે નહિ. પાઊલે એ વિષે લખ્યું હતું: “તમે અંધારામાં નથી, કે તે દિવસ ચોરની માફક તમારા પર આવી પડે. તમે સઘળા અજવાળાના દીકરા તથા દહાડાના દીકરા છો.” (૧ થેસ્સા. ૫:૪, ૫) તેથી ચાલો શેતાનના ઘોર અંધકારને બદલે આપણે યહોવાહના પ્રકાશમાં જ હંમેશા રહીએ. એમ કરવા પીતરે ઉત્તેજન આપ્યું કે “પ્રિય મિત્રો, તમે આ બધી જ વાતો અગાઉથી જાણો છો. તેથી સાવધ રહો. તે અનિષ્ટ લોકોને [મંડળમાંથી ઊભા થતા જૂઠા શિક્ષકોને] તમને દુરાચારના માર્ગે દોરી ન જવા દો. સાવચેત રહો કે જેથી તમે તમારા સુદૃઢ વિશ્વાસમાંથી ચલિત ન થાઓ.”—૨ પિતર ૩:૧૭, ઈઝી ટુ રીડ વર્ઝન.

૧૪, ૧૫. (ક) યહોવાહે આપણને કઈ રીતે પ્રેમ બતાવ્યો છે? (ખ) યહોવાહની કઈ ચેતવણી આપણે દિલમાં ઉતારવી જોઈએ?

૧૪ નોંધ કરો, યહોવાહ આપણને ફક્ત ‘સાવધ’ રહેવાનું જ કહેતા નથી. પણ તેમણે આપણને ‘અગાઉથી જણાવ્યું’ છે કે ભાવિમાં શું બનશે. એ વિષે તેમણે ઝલક આપી છે. એમાં યહોવાહનો આપણા માટેનો પ્રેમ દેખાઈ આવે છે.

૧૫ પણ દુઃખની વાત એ છે કે આ ચેતવણી અમુક લોકો ધ્યાનમાં લેતા નથી. અરે, શ્રદ્ધામાં અડગ રહેવા વારંવાર ઉત્તેજન આપવામાં આવે છે ત્યારે તેઓ હસી કાઢે છે. તેઓ કહેવા લાગે છે કે ‘દાયકાઓથી અમે એકની એક વાત સાંભળતા આવ્યા છીએ.’ જોકે તેઓએ યાદ રાખવું જોઈએ કે એમ કહેવાથી તેઓ ફક્ત વિશ્વાસુ ચાકરનો જ નહિ, યહોવાહ અને ઈસુનો પણ વિરોધ કરે છે. યહોવાહ પોતે આપણને કહે છે: “વાટ જો.” (હબા. ૨:૩) એ જ રીતે ઈસુએ પણ કહ્યું: “જાગતા રહો, કેમ કે તમે જાણતા નથી કે કયે દિવસે તમારો પ્રભુ આવશે.” (માથ. ૨૪:૪૨) એના પર ભાર મૂકતા પીતરે લખ્યું: ‘પવિત્ર આચરણ તથા ભક્તિભાવમાં તમારે કેવા થવું જોઈએ? તેના આવવાની આતુરતાથી તમારે અપેક્ષા રાખવી.’ (૨ પીત. ૩:૧૧, ૧૨) વિશ્વાસુ ચાકર અને એની ગવર્નિંગ બૉડી કદી પણ એ ચેતવણીને અવગણતા નથી!

૧૬. આપણે કેવા વાણી-વર્તન ટાળવા જોઈએ અને શા માટે?

૧૬ હકીકતમાં “ભૂંડો ચાકર” પોતે એમ માને છે કે ધણી એટલે યહોવાહ મોડું કરી રહ્યા છે. (માથ. ૨૪:૪૮) એ ભૂંડા ચાકર વર્ગ વિષે પીતરે આમ લખ્યું કે “છેલ્લા સમયમાં ઠઠ્ઠા કરનારા આવશે, જેઓ પોતાની દુર્વાસના પ્રમાણે ચાલશે.” યહોવાહના ન્યાયના દિવસથી ડરીને ચાલતા લોકોની તેઓ ઠઠ્ઠામશ્કરી કરશે. (૨ પીત. ૩:૩, ૪) યહોવાહને ભજીને તેમના રાજ્યનો સંદેશો ફેલાવવાને બદલે તેઓ પોતાનો મતલબ શોધે છે અને પોતાની જ ઇચ્છાઓ તૃપ્ત કરવા મથે છે. ચાલો આપણે ભૂંડા ચાકર જેવા વાણી-વર્તન ન કેળવવા દિલમાં ગાંઠ વાળીએ. તેઓના જેવું વલણ કેળવીને તો આપણે યહોવાહની વિરુદ્ધ જઈએ છીએ. આપણે એમ વિચારીએ કે ‘આપણો પ્રભુ યહોવાહ જે ધીરજ’ રાખે છે એમાં જ આપણું ‘તારણ છે.’ તેમના રાજ્યનો સંદેશો ફેલાવવા અને શિષ્યો બનાવવામાં મંડ્યા રહીએ. આવનાર દિવસોમાં ક્યારે શું બનશે એની ચિંતા કરવાને બદલે આપણે એ યહોવાહ પર છોડી દઈએ.—૨ પીત. ૩:૧૫; પ્રેરિતોનાં કૃત્યો ૧:૬, ૭ વાંચો.

તારણ આપનાર યહોવાહમાં શ્રદ્ધા રાખીએ

૧૭. યરૂશાલેમ છોડીને નાસી જવાની ઈસુની સલાહ તેમના શિષ્યોએ કઈ રીતે પાળી અને શા માટે?

૧૭ ઈ.સ. ૬૬માં રૂમી લશ્કરે યહુદાહ પર ચઢાઈ કરી પછી, ઈસુએ આપેલી આજ્ઞા પ્રમાણે મોકો મળતા જ તેમના શિષ્યો યરૂશાલેમ છોડીને નાસી ગયા. (લુક ૨૧:૨૦-૨૩) તેઓએ કેમ એ સમયે તરત જ પગલાં લીધાં? કેમ કે ઈસુએ આપેલી ચેતવણીના પડઘા તેઓના મનમાં ગુંજતા હતા. તેઓ જાણતા હતા કે નાસી જવામાં અનેક મુશ્કેલીઓ સહેવી પડશે. ઈસુએ પણ એ વિષે અગાઉથી જણાવ્યું હતું. પરંતુ તેઓ એ પણ જાણતા હતા કે યહોવાહ કદી પોતાના ભક્તોને તજી નહિ દે.—ગીત. ૫૫:૨૨.

૧૮. લુક ૨૧:૨૫-૨૮માં ઈસુએ મહાન વિપત્તિ વિષે જે કહ્યું એના વિષે તમને કેવું લાગે છે?

૧૮ તેઓની જેમ આપણે પણ યહોવાહમાં અતૂટ ભરોસો રાખવો જોઈએ. કેમ કે આજ સુધી આવી નથી એવી મહાન વિપત્તિ આ દુનિયા પર આવી પડશે ત્યારે ફક્ત યહોવાહ જ આપણને બચાવશે. મહાન વિપત્તિ શરૂ થયા પછી અને યહોવાહ દુષ્ટ લોકોનો ન્યાય કરે એ પહેલાં શું થશે? ‘પૃથ્વી ઉપર જે આવી પડવાનું છે તેની બીકથી તથા તેની ચિંતાથી માણસો નિર્ગત થશે.’ યહોવાહના દુશ્મનો થરથર ધ્રૂજશે, પણ તેમના ભક્તોને કશાનો ડર લાગશે નહિ. પોતાનું તારણ પાસે આવ્યું છે એ જાણતા હોવાથી તેઓ તો ખુશ થશે.—લુક ૨૧:૨૫-૨૮ વાંચો.

૧૯. હવે પછીના લેખમાં શાની ચર્ચા કરીશું?

૧૯ આ દુષ્ટ દુનિયા અને એના ‘તત્ત્વોથી’ દૂર રહે છે તેઓ માટે કેવું સુંદર ભાવિ રહેલું છે! હવે પછીનો લેખ સમજાવશે કે યહોવાહની નવી દુનિયામાં જીવવું હોય તો ફક્ત ખરાબ બાબતોથી દૂર રહેવું જ પૂરતું નથી. એ માટે આપણે યહોવાહને પસંદ છે એવા ગુણો કેળવવાની જરૂર છે. તેમને પસંદ હોય એવાં કામો કરવાની જરૂર છે. એમ કરીશું તો જ તેમની કૃપા પામી શકીશું.—૨ પીત. ૩:૧૧. (w10-E 07/15)

[ફુટનોટ્‌સ]

a આ દુનિયાનું વલણ લોકોમાં કેવા અવગુણો પેદા કરે છે એ વિષે વધારે જાણવા રીઝનીંગ ફ્રોમ ધ સ્ક્રિપ્ચર્સ, પાન ૩૮૯, -૩૯૩ જુઓ.

તમે કેવી રીતે સમજાવશો?

• આજનાં ‘આકાશો અને પૃથ્વી’ શાને બતાવે છે?

• “તત્ત્વો” શાને બતાવે છે?

• “નવાં આકાશ તથા નવી પૃથ્વી” શાને બતાવે છે?

• યહોવાહમાં આપણે શા માટે અતૂટ ભરોસો મૂકીએ છીએ?

[પાન ૧૩ પર ચિત્રનું મથાળું]

તમારા ‘હૃદયની સંભાળ રાખવા’ અને દુષ્ટ દુનિયાથી દૂર રહેવા શું કરશો?

[પાન ૧૪ પર ચિત્રનું મથાળું]

આપણે કઈ રીતે બતાવી શકીએ કે ‘પ્રભુ યહોવાહની ધીરજમાં જ આપણું તારણ છે’?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • Privacy Settings
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો