વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w08 ૫/૧ પાન ૧૬-૨૦
  • ઈશ્વરનું રાજ, સર્વ દુઃખોનો ઇલાજ!

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઈશ્વરનું રાજ, સર્વ દુઃખોનો ઇલાજ!
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૮
  • મથાળાં
  • સરખી માહિતી
  • કેમ આપણા બચાવની વધારે જરૂર છે?
  • આપણો બેલી કોણ?
  • સૌથી સારી સરકાર
  • જલદી જ દુષ્ટ જગતનો અંત!
  • ઈશ્વરનું રાજ્ય શું છે?
    પવિત્ર બાઇબલ શું શીખવે છે?
  • યહોવાહ પરમેશ્વરનું રાજ્ય
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૦
  • પૃથ્વીની નવી સરકાર!
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૦
  • ‘સાવધ રહીએ’
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૯
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૮
w08 ૫/૧ પાન ૧૬-૨૦

ઈશ્વરનું રાજ, સર્વ દુઃખોનો ઇલાજ!

“તારૂં રાજ્ય આવો; જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તારી ઇચ્છા પૂરી થાઓ.”—માત્થી ૬:૧૦.

૧. ઈસુએ શાનો પ્રચાર કર્યો?

પહાડ પરના પ્રવચનમાં ઈસુએ શિષ્યોને પ્રાર્થના કરતા પણ શીખવ્યું. ખાસ કરીને આવી વિનંતી કરવા કહ્યું: “તારૂં રાજ્ય આવો; જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તારી ઇચ્છા પૂરી થાઓ.” (માત્થી ૬:૯-૧૩) ઈસુ “શહેરેશહેર તથા ગામેગામ ઉપદેશ કરતો તથા દેવના રાજ્યની સુવાર્તા પ્રગટ કરતો ફર્યો.” (લુક ૮:૧) તેમણે એ પણ કહ્યું: ‘તમે પહેલાં ઈશ્વરના રાજ્યને તથા તેના ન્યાયીપણાને શોધો.’ (માત્થી ૬:૩૩) આ લેખ આપણને પ્રચારમાં બહુ મદદ કરશે. એ માટે ચાલો આ સવાલોનો વિચાર કરીએ: ‘યહોવાહના રાજ્યની ખુશખબર કેટલી મહત્ત્વની છે? યહોવાહ ઇન્સાનને દુઃખ-તકલીફમાંથી કઈ રીતે બચાવશે?’

૨. યહોવાહના રાજ્યની ખુશખબર કેટલી મહત્ત્વની છે?

૨ ઈસુએ જણાવ્યું કે “સર્વ પ્રજાઓને સાક્ષીરૂપ થવા સારુ રાજ્યની આ સુવાર્તા આખા જગતમાં પ્રગટ કરાશે; અને ત્યારે જ અંત આવશે.” (માત્થી ૨૪:૧૪) યહોવાહના રાજ્યની ખુશખબર જેવા સમાચાર બીજા કોઈ જ નથી! આજે એક લાખથી વધારે મંડળોમાં, સિત્તેર લાખ જેટલા યહોવાહના સાક્ષીઓ એ ખુશખબર ફેલાવી રહ્યા છે. એ યહોવાહના રાજ્યની ખુશખબર છે, જે જલદી જ પૃથ્વી પર આવશે. પછી જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર યહોવાહની ઇચ્છા પૂરી થશે.

૩, ૪. પૃથ્વી પર યહોવાહની ઇચ્છા પૂરી થશે ત્યારે શું બનશે?

૩ યહોવાહનું રાજ્ય કેવા કેવા આશીર્વાદો લાવશે? યહોવાહ આપણી ‘આંખોમાંનું દરેક આંસુ લૂછી નાખશે; કોઈ મરણ પામશે નહિ; તેમ જ શોક કે રૂદન કે દુઃખ ફરીથી થશે નહિ.’ (પ્રકટીકરણ ૨૧:૪) યહોવાહ આપણને આદમ પાસેથી મળેલા પાપ ને મરણના વારસામાંથી છોડાવશે. અરે, ગુજરી ગયેલાને પણ જીવતા કરશે, કેમ કે બાઇબલ કહે છે: “ન્યાયીઓ તથા અન્યાયીઓનું પુનરુત્થાન થશે.” (પ્રેરિતોનાં કૃત્યો ૨૪:૧૫) એ સમયે યુદ્ધો નહિ હોય. કોઈ ભૂખ્યા નહિ રહે. બીમારી નહિ હોય. અરે, જંગલી પ્રાણીઓનો પણ ડર નહિ લાગે. પૃથ્વી સ્વર્ગ જેવી બની જશે.—ગીતશાસ્ત્ર ૪૬:૯; ૭૨:૧૬; યશાયાહ ૧૧:૬-૯; ૩૩:૨૪; લુક ૨૩:૪૩.

૪ બાઇબલ કહે છે કે ‘યહોવાહ પર ભરોસો રાખનારાઓ પૃથ્વીનું વતન પામશે. નમ્ર લોકો પુષ્કળ શાંતિમાં આનંદ કરશે.’ પણ જેઓ જુલમ કરે છે તેઓનું શું થશે? તેઓ વિષે બાઇબલ કહે છે: “થોડા વખતમાં દુષ્ટો હતા ન હતા થશે.”—ગીતશાસ્ત્ર ૩૭:૯-૧૧.

૫. પૃથ્વી પર કેવા ફેરફારો આવશે?

૫ જોકે પહેલાં તો યહોવાહની સરકાર પૃથ્વી પરની સર્વ સરકારો, ધર્મો અને વેપાર-ધંધાનો અંત લાવશે. બાઇબલ કહે છે: “[આજના] રાજાઓની કારકિર્દીમાં આકાશનો દેવ [સ્વર્ગમાં] એક રાજ્ય સ્થાપન કરશે કે જેનો નાશ કદી થશે નહિ, ને તેની હકુમત અન્ય પ્રજાના કબજામાં સોંપાશે નહિ; પણ તે [આજનાં] સઘળાં રાજ્યોને ભાંગીને ચૂરા કરીને તેમનો ક્ષય [નાશ] કરશે, ને તે સર્વકાળ ટકશે.” (દાનીયેલ ૨:૪૪) પછી “નવાં આકાશ” એટલે ઈશ્વરની સરકાર સ્વર્ગમાંથી રાજ કરશે. એ “નવી પૃથ્વી” એટલે ઈશ્વરભક્તો પર રાજ કરશે. એ સમયે બધે જ ‘ન્યાયીપણું વસશે.’—૨ પીતર ૩:૧૩.

કેમ આપણા બચાવની વધારે જરૂર છે?

૬. બાઇબલ ઇન્સાનના ઇતિહાસ વિષે શું જણાવે છે?

૬ ઈશ્વરે આદમ અને હવાને ઉત્પન્‍ન કર્યા. તેઓમાં કોઈ ખોટ ન હતી. સમય જતાં તેઓ જાતે જ ખરું-ખોટું પસંદ કરવા લાગ્યા અને શેતાનની મુઠ્ઠીમાં આવી ગયા. આમ દુઃખ-તકલીફોની શરૂઆત થઈ. એના લગભગ ૧,૬૦૦ વર્ષો પછી યહોવાહે કહ્યું, “માણસની ભૂંડાઇ પૃથ્વીમાં ઘણી થઇ, ને તેઓનાં હૃદયના વિચારની હરેક કલ્પના નિરંતર ભૂંડી જ છે.” (ઉત્પત્તિ ૬:૫) એટલે યહોવાહ પ્રલયથી એ દુષ્ટતાનો અંત લાવ્યા. એના લગભગ ૧,૩૦૦ વર્ષો પછી, સુલેમાન રાજાએ કહ્યું, “જીવતાઓના કરતાં મરી ગએલાઓનાં વખાણ મેં કર્યાં; તે બન્‍ને કરતાં જે હજી સુધી હયાતીમાં આવ્યો [જન્મ્યો] નથી, ને જેણે પૃથ્વી પર થતાં ભૂંડાં કૃત્યો જોયાં નથી, તેને હું વધારે સુખી ગણું છું.” (સભાશિક્ષક ૪:૨, ૩) એના લગભગ ૩,૦૦૦ વર્ષો પછી, આપણો યુગ આવી પહોંચ્યો. ઇતિહાસમાં જોવા મળે છે કે રાત-દિવસ દુષ્ટતા વધતી જ જાય છે.

૭. આજે કેમ ઇન્સાનને દુષ્ટતાથી બચાવવાની વધારે જરૂર છે?

૭ ખરું કે આદમ અને હવાથી દુષ્ટતા ફેલાતી આવી છે. તોપણ, આજે ઇન્સાનને એમાંથી બચાવવાની વધારે જરૂર છે. છેલ્લાં સોએક વર્ષમાં જેટલો જુલમ થયો છે, એટલો પહેલાં કદી નથી થયો. દુનિયા પર નજર રાખતી (વર્લ્ડવૉચ) સંસ્થાનો રિપોર્ટ જણાવે છે: ‘પહેલી સદીથી ૧૮૯૯ સુધીમાં જેટલા લોકો યુદ્ધોમાં માર્યા ગયા, એના કરતાં ત્રણ ગણા વધારે લોકો ફક્ત વીસમી સદીમાં માર્યા ગયા છે.’ યુદ્ધોએ ૧૯૧૪થી આજ સુધીમાં દસ કરોડથી વધારે લોકોનો ભોગ લીધો છે. એક ઍન્સાયક્લોપીડિયા પ્રમાણે બીજા વિશ્વયુદ્ધમાં છ કરોડ જેટલા લોકો મરણ પામ્યા. આજે અમુક દેશો પાસે એવાં અણુશસ્ત્રો છે, જે આખેઆખા દેશનો ભૂક્કો બોલાવી શકે. સાયન્સ અને મેડિકલ ફિલ્ડની પ્રગતિ છતાંયે, દર વર્ષે પચાસેક લાખ બાળકો ભૂખમરાનો ભોગ બને છે.—પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તકનું નવમું પ્રકરણ જુઓ.

૮. ઇન્સાનના રાજ વિષે ઇતિહાસ શું બતાવે છે?

૮ આપણને દરેકને સુખ-શાંતિ ને તંદુરસ્તી જોઈએ છે. પણ દુનિયાના નેતાઓ, વેપારીઓ કે ધર્મગુરુઓ એ આપી શક્યા નથી. તેઓએ દુઃખ, દુઃખ ને દુઃખ જ આપ્યું છે. આજ સુધી ઇન્સાનના રાજમાં બસ હિંસા અને જુલમ જ ભર્યા છે. બાઇબલ કહે છે: “મનુષ્યનો માર્ગ પોતાના હાથમાં નથી; પોતાનાં પગલાં ગોઠવવાં એ ચાલનાર મનુષ્યનું કામ નથી.” (યિર્મેયાહ ૧૦:૨૩) બાઇબલ આ હકીકત પણ જણાવે છે: “માણસ બીજા માણસ ઉપર નુકસાનકારક સત્તા ચલાવે છે.” (સભાશિક્ષક ૮:૯) “આખી સૃષ્ટિ તમામ નિસાસા નાખીને” તોબા તોબા થઈ ગઈ છે.—રૂમી ૮:૨૨.

૯. “છેલ્લા સમયમાં” શું થશે?

૯ “છેલ્લા સમયમાં સંકટના વખતો આવશે.” આપણા સમય વિષે એવું જણાવ્યા પછી, બાઇબલ કહે છે: “દુષ્ટ માણસ તથા ધુતારાઓ ઠગીને તથા ઠગાઈને વિશેષ દુરાચાર [બૂરાઈ] કરતા જશે.” (૨ તીમોથી ૩:૧-૫, ૧૩ વાંચો.) એમાં કોઈ નવાઈ નથી, કેમ કે “આખું જગત તે દુષ્ટની [શેતાનની] સત્તામાં રહે છે.” (૧ યોહાન ૫:૧૯) બાઇબલ એ પણ જણાવે છે કે યહોવાહ પોતાના ભક્તોને આ બધામાંથી છોડાવશે. આના જેવી બીજી ખુશખબર કઈ હોઈ શકે!

આપણો બેલી કોણ?

૧૦. આપણને કોણ દુષ્ટ જગતના પંજામાંથી છોડાવી શકે? શા માટે?

૧૦ યહોવાહની તમન્‍ના છે કે આપણને દુષ્ટ જગતના પંજામાંથી છોડાવે. તે જરૂર છોડાવશે! (પ્રેરિતોનાં કૃત્યો ૪:૨૪, ૩૧; પ્રકટીકરણ ૪:૧૧) યહોવાહે બાઇબલમાં આવી ગૅરંટી આપી છે: “મેં ધારણા કરી છે તે પ્રમાણે નક્કી થશે.” તે એમ પણ કહે છે: “મારૂં વચન સફળ થયા વિના, તે ફોકટ મારી પાસે પાછું વળશે નહિ.” ચાલો આપણે સર્વ લોકોને એ જણાવીએ.—યશાયાહ ૧૪:૨૪, ૨૫; ૫૫:૧૦, ૧૧ વાંચો.

૧૧, ૧૨. યહોવાહે પોતાના ભક્તોને શાની ગૅરંટી આપી છે?

૧૧ યહોવાહ દુષ્ટ જગતનો અંત લાવશે ત્યારે પોતાના ભક્તોને ચોક્કસ બચાવશે. તેમણે પહેલાંના જમાનામાં પણ એમ જ કર્યું હતું. જેમ કે પાપી ઈસ્રાએલીઓને ચેતવવા તેમણે યિર્મેયાહને મોકલ્યા. પણ તેમને કહ્યું, “બીતો ના. તારો છૂટકો કરવા સારૂ હું તારી સાથે છું.” (યિર્મેયાહ ૧:૮) સદોમ અને ગમોરાહનો નાશ કરતા પહેલાં પણ, લોત અને તેના કુટુંબને બચાવવા યહોવાહે સ્વર્ગદૂતોને મોકલ્યા. એ પછી ‘યહોવાહે સદોમ તથા ગમોરાહ પર ગંધક તથા આગ વરસાવ્યાં.’—ઉત્પત્તિ ૧૯:૧૫, ૨૪, ૨૫.

૧૨ એ તો ફક્ત અમુક ભક્તોને બચાવવાના જ દાખલા હતા. પણ યહોવાહ જ્યારે આખી પૃથ્વી પર વિનાશ લાવે ત્યારે પણ, પોતાના સર્વ ભક્તોને બચાવી શકે છે. જળપ્રલય વખતે યહોવાહે “ન્યાયીપણાના ઉપદેશક નુહને તથા તેની સાથેનાં સાત માણસોને બચાવ્યાં.” (૨ પીતર ૨:૫) એ જ રીતે યહોવાહ ફરીથી દુષ્ટતાનું નામનિશાન મિટાવશે ત્યારે, પોતાના બધાય ભક્તોને બચાવશે. એ વખતે ‘સદાચારીઓ પૃથ્વી પર વસશે, પણ દુષ્ટોને ઉખેડી નાખવામાં આવશે.’ (નીતિવચનો ૨:૨૧, ૨૨) બચવા ચાહનારા બધાને બાઇબલ ઉત્તેજન આપે છે: ‘હે પૃથ્વીના નમ્ર માણસો, તમે યહોવાહને શોધો; નેકીનો માર્ગ શોધો, નમ્રતા શોધો: કદાચિત યહોવાહના કોપને દિવસે તમને સંતાઈ રહેવાનું સ્થાન મળે.’—સફાન્યાહ ૨:૩.

૧૩. ગુજરી ગયેલા ભક્તોનું શું થશે?

૧૩ યહોવાહના ઘણા ભક્તો બીમારી, સતાવણી કે બીજા કોઈ કારણે ગુજરી ગયા છે. તેઓનું શું થશે? (માત્થી ૨૪:૯) આપણે આગળ જોયું તેમ ‘ન્યાયીઓનું પુનરુત્થાન થશે.’ (પ્રેરિતોનાં કૃત્યો ૨૪:૧૫) યહોવાહ પોતાના બધાય ભક્તોને જરૂર બચાવશે. તેમને કોઈ જ રોકી શકે એમ નથી!

સૌથી સારી સરકાર

૧૪. કેમ કહી શકીએ કે ઈશ્વરની સરકાર સર્વનું ભલું કરશે?

૧૪ લોકોને શીખવીએ કે યહોવાહની સરકાર જેવી બીજી કોઈ સરકાર નથી. એ સરકારનું બંધારણ ઇન્સાફ, દયા અને પ્રેમ જેવા ગુણો પર થયેલું છે. (પુનર્નિયમ ૩૨:૪; ૧ યોહાન ૪:૮) યહોવાહે ઈસુને એ રાજ્યના રાજા તરીકે પસંદ કર્યા છે. ઈસુની સાથે રાજ કરવા, યહોવાહે ૧,૪૪,૦૦૦ લોકોને પૃથ્વી પરથી પસંદ કર્યા છે.—પ્રકટીકરણ ૧૪:૧-૫.

૧૫. યહોવાહ અને ઇન્સાનના રાજમાં શું ફરક છે?

૧૫ ઇન્સાને કાયમ બીજા પર જુલમ ગુજાર્યો છે. લાખો લોકોને યુદ્ધોમાં હોમ્યા છે. બાઇબલ કહે છે: ‘માણસ પર ભરોસો ન રાખ, કેમ કે તેની પાસે તારણ નથી.’ (ગીતશાસ્ત્ર ૧૪૬:૩) જ્યારે કે યહોવાહના રાજમાં કોઈ પર જુલમ નહિ થાય, કોઈ દુઃખી નહિ હોય. એ રાજના રાજા ઈસુએ કહ્યું: “ઓ વૈતરૂં કરનારાઓ તથા ભારથી લદાયેલાઓ, તમે સઘળા મારી પાસે આવો, ને હું તમને વિસામો આપીશ. મારી ઝૂંસરી તમે પોતા પર લો, ને મારી પાસે શીખો; કેમ કે હું મનમાં નમ્ર તથા રાંકડો છું, ને તમે તમારા જીવમાં વિસામો પામશો. કેમ કે મારી ઝૂંસરી સહેલ છે, ને મારો બોજો હલકો છે.”—માત્થી ૧૧:૨૮-૩૦.

જલદી જ દુષ્ટ જગતનો અંત!

૧૬. છેલ્લા સમયને અંતે શું થશે?

૧૬ ૧૯૧૪થી આપણે દુષ્ટ ‘જગતના અંતમાં’ કે છેલ્લા સમયમાં જીવી રહ્યા છીએ. (માત્થી ૨૪:૩) ઈસુએ કહ્યું કે જલદી જ “મોટી વિપત્તિ” આવશે. (માત્થી ૨૪:૨૧ વાંચો.) એ સમયમાં શેતાનના જગતનો અંત આવશે. પણ આ “મોટી વિપત્તિ” ક્યારે શરૂ થાય છે? ક્યારે એનો અંત આવશે?

૧૭. મોટી વિપત્તિ શરૂ થતાં પહેલાં શું થશે?

૧૭ જ્યારે લોકો માનવા લાગશે કે અમુક મોટી નડતરો દૂર થઈ છે, ત્યારે ‘તેઓ કહેશે કે શાંતિ તથા સલામતી છે.’ એ જ વખતે “પ્રભુનો દિવસ” આવી પહોંચશે. (૧ થેસ્સાલોનીકી ૫:૨, ૩ વાંચો.) અચાનક મોટી વિપત્તિ શરૂ થશે. યહોવાહ “મહાન બાબેલોન” કે નકલી ધર્મોનો અંત લાવશે, ત્યારે આખી દુનિયા જોતી રહી જશે.—પ્રકટીકરણ ૧૭:૧-૬, ૧૮; ૧૮:૯, ૧૦, ૧૫, ૧૬, ૧૯.

૧૮. શેતાન આપણા પર હુમલો કરવા લાગે ત્યારે યહોવાહને કેવું લાગશે?

૧૮ મોટી વિપત્તિમાં યહોવાહે નક્કી કરેલા સમયે “સૂરજ, ચંદ્ર તથા તારાઓમાં ચિહ્‍નો થશે.” “માણસના દીકરાની નિશાની આકાશમાં દેખાશે.” એનાથી ગભરાવાની જરૂર નથી. બાઇબલ કહે છે: “તમારાં માથાં ઊંચાં કરો; કેમ કે તમારો ઉદ્ધાર પાસે આવ્યો છે.” (લુક ૨૧:૨૫-૨૮; માત્થી ૨૪:૨૯, ૩૦) ગોગ એટલે કે શેતાન આપણા પર હુમલો કરવા લાગે, એનાથી યહોવાહને કેવું લાગશે? તે કહે છે: ‘જે તમને અડકે છે તે મારી આંખની કીકીને અડકે છે.’ (ઝખાર્યાહ ૨:૮) શેતાન આપણું કંઈ બગાડી શકશે નહિ, કેમ કે યહોવાહ પોતાના ભક્તોને જરૂર બચાવશે.—હઝકીએલ ૩૮:૯, ૧૮.

૧૯. ઈસુ અને સ્વર્ગદૂતોનું સૈન્ય શું કરશે?

૧૯ આ જગતનો હિસાબ લેવાશે ત્યારે, ‘લોકો જાણશે કે યહોવાહ’ કોણ છે! (હઝકીએલ ૩૬:૨૩) યહોવાહે આ જગતનો અંત લાવવાનું કામ ઈસુ અને કરોડો સ્વર્ગદૂતોને સોંપ્યું છે. (પ્રકટીકરણ ૧૯:૧૧-૧૯) વિચાર કરો કે એક જ સ્વર્ગદૂતે એક રાતમાં ‘એક લાખ પંચાસી હજાર દુશ્મનોને મારી નાખ્યા.’ તો પછી કરોડો સ્વર્ગદૂતોનું સૈન્ય શું નહિ કરે! (૨ રાજાઓ ૧૯:૩૫; પ્રકટીકરણ ૧૬:૧૪, ૧૬) મોટી વિપત્તિના અંતે આર્માગેદન યુદ્ધ શરૂ થશે. પછી શેતાન અને તેના દૂતોને હજાર વર્ષ પૂરી રાખવામાં આવશે. આખરે તેઓનું નામનિશાન મિટાવી દેવાશે.—પ્રકટીકરણ ૨૦:૧-૩.

૨૦. યહોવાહનું રાજ્ય શું કરશે?

૨૦ પછી સ્વર્ગ અને પૃથ્વી પર દુષ્ટતાનો છાંટોય નહિ રહે! યહોવાહના ભક્તો અમર જીવશે. યહોવાહ જ આપણા બચાવનાર સાબિત થશે! (ગીતશાસ્ત્ર ૧૪૫:૨૦) તેમના રાજ્યથી સાબિત થશે કે વિશ્વ પર રાજ કરવાનો હક્ક તેમનો જ છે. તેમનું નામ નિર્દોષ થશે. પછી જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તેમની ઇચ્છા પૂરી થશે. ચાલો આપણે લોકોને આ ખુશખબર જણાવીએ. નમ્ર લોકોને યહોવાહના ભક્તો બનવા મદદ કરીએ. એ કદી ન ભૂલીએ કે જલદી જ આપણો બચાવ થશે! (w08 5/15)

આપણે શું શીખ્યા?

• ઈસુ માટે યહોવાહનું રાજ્ય કેટલું મહત્ત્વનું હતું?

• કેમ આપણા બચાવની વધારે જરૂર છે?

• મોટી વિપત્તિમાં શું બનશે?

• યહોવાહે પોતાના ભક્તોને કઈ રીતે બચાવ્યા હતા?

[Picture on page 16, 17]

બાઇબલ જણાવે છે કે આખી દુનિયામાં પ્રચાર થશે

[પાન ૧૯ પર ચિત્ર]

યહોવાહ આપણને પણ નુહ અને તેમના કુટુંબની જેમ બચાવશે

[પાન ૨૦ પર ચિત્ર]

‘યહોવાહ આપણાં આંસુ લૂછી નાખશે. મરણ પણ હશે નહિ’—પ્રકટીકરણ ૨૧:૪

[પાન ૨૦ પર ચિત્ર]

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • Privacy Settings
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો