બાઇબલ વાંચનથી પૂરો લાભ મેળવો
‘હું ઈશ્વરના નિયમમાં આનંદ માનું છું.’—રોમ. ૭:૨૨.
૧-૩. બાઇબલ વાંચવાથી અને એનાં શિક્ષણને લાગુ પાડવાથી કયા ફાયદા થાય છે?
મોટી ઉંમરનાં એક બહેને ૪૦થી વધુ વાર બાઇબલ વાંચ્યું છે અને હજુય વાંચતાં રહે છે. તે કહે છે: ‘બાઇબલ સમજવા મને યહોવા મદદ કરે છે, એ માટે હું તેમનો દરરોજ સવારે આભાર માનું છું.’ બીજા એક યુવાન બહેન લખે છે કે, બાઇબલ વાંચવાથી તે યહોવાને વધારે સારી રીતે ઓળખી શક્યાં છે. પરિણામે, યહોવા સાથેનો તેમનો સંબંધ ગાઢ બન્યો છે. તે જણાવે છે: ‘મારા જીવનમાં હું આટલી ખુશ કદી ન હતી.’
૨ પ્રેરિત પીતરે બધાને ઉત્તેજન આપતા કહ્યું, ‘જેમ નવું જન્મેલું બાળક દૂધ માટે ઝંખે છે તેમ ઈશ્વરના વચન તમે ગ્રહણ કરો.’ (૧ પિત. ૨:૨, IBSI) એવી ભૂખ સંતોષવા વ્યક્તિએ બાઇબલનો અભ્યાસ કરવો પડે અને એનાં શિક્ષણ પ્રમાણે જીવવું પડે. આમ કરવાથી, તે શુદ્ધ અંતઃકરણ રાખી શકે છે અને જીવનમાં હેતુ મેળવી શકે છે. તેમ જ, યહોવાને ચાહતા અને તેમની ભક્તિ કરતા લોકોની સાથે ગાઢ મિત્રતા બાંધી શકે છે. એ બધાં કારણને લીધે આપણે ‘ઈશ્વરના નિયમમાં આનંદ’ કરી શકીએ છીએ. (રોમ. ૭:૨૨) ઉપરાંત, બીજા ઘણા ફાયદા છે. એમાંના અમુક કયા છે?
૩ યહોવા અને તેમના દીકરા વિશે વધારે શીખશો તેમ, તેઓ માટે અને સાથી ભાઈ-બહેનો માટે તમારો પ્રેમ વધશે. બાઇબલનું ખરું જ્ઞાન તમને એ સમજવા મદદ કરશે કે, દુષ્ટોનો નાશ કરશે ત્યારે ઈશ્વર કઈ રીતે ન્યાયી લોકોને બચાવશે. આ સારા સમાચાર તમે પ્રચારકામ દ્વારા બીજાઓને જણાવી શકો છો. બાઇબલમાંથી જે શીખ્યા છો એ જ્યારે તમે બીજાઓને જણાવવા મહેનત કરો છો, ત્યારે ઈશ્વર એ પ્રયત્નોને આશીર્વાદ આપે છે.
વાંચો અને મનન કરો
૪. યહોશુઆ ૧:૮માં આપેલી સલાહનો શું અર્થ થાય?
૪ યહોવા ચાહે છે કે તેમના ભક્તો બાઇબલમાંથી જે વાંચે એને સમજવા સમય આપે. તેમણે યહોશુઆને કહ્યું કે, “એ નિયમશાસ્ત્ર તારા મોંમાંથી જાય નહિ; પણ દિવસે તથા રાત્રે તેનું મનન કર.” (યહો. ૧:૮; ગીત. ૧:૨) એ સલાહનો અર્થ થાય કે એ રીતે વાંચો જેથી મનન કરી શકો. આમ કરવાથી, મદદ કરતી અને ઉત્તેજન આપતી કલમો પર તમે ધ્યાન આપી શકશો. ઉત્તેજન આપતું વાક્ય કે કિસ્સો ધ્યાન આપી શાંતિથી વાંચો. અરે, એ શબ્દો ધીમે અવાજે ઉચ્ચારી પણ શકો. આમ કરશો તો તમે જે વાંચો છો એ તમારા દિલ સુધી પહોંચશે. એમ કરવું કેમ જરૂરી છે? કેમ કે, જો તમે ઈશ્વરની સલાહ પૂરી રીતે સમજશો, તો જ એ પ્રમાણે જીવવાની ઇચ્છા થશે.
૫-૭. દાખલા આપી સમજાવો કે બાઇબલ પર મનન કરવાથી કઈ રીતે આવા કિસ્સામાં મદદ મળશે: (ક) ખરાબ બાબતોથી શુદ્ધ રહેવા; (ખ) બીજાઓને ધીરજ અને નમ્રતા બતાવવા; (ગ) મુશ્કેલ સંજોગોમાં પણ યહોવા પર ભરોસો રાખવા.
૫ સમજવા અઘરાં લાગે એવાં બાઇબલ પુસ્તકો ધ્યાનથી અને ધીરે ધીરે વાંચવાથી મદદ મળશે. એ સમજવા ચાલો ત્રણ કિસ્સા જોઈએ. પહેલો, એક યુવાન ભાઈ વ્યક્તિગત બાઇબલ અભ્યાસમાં હોશીઆની ભવિષ્યવાણી વાંચી રહ્યા છે. ચોથા અધ્યાયની ૧૧થી ૧૩ કલમ વાંચ્યા પછી તે વિચાર કરવા થોભે છે. (હોશીઆ ૪:૧૧-૧૩ વાંચો.) કેમ? આ કલમો તેમનું ધ્યાન ખેંચે છે. કારણ, સ્કૂલમાં તેમને ખરાબ બાબતો કરવાનું દબાણ કરવામાં આવે છે. તે એ કલમો પર મનન કરે છે અને વિચારે છે કે, ‘ખાનગીમાં કરેલી બાબતો પણ યહોવા જુએ છે. મારે તેમને દુઃખી નથી કરવા.’ ઈશ્વરની નજરમાં શુદ્ધ રહેવાનો, તે ભાઈ પાક્કો નિર્ણય કરે છે.
૬ બીજા કિસ્સામાં, એક ખ્રિસ્તી બહેન યોએલની ભવિષ્યવાણીના બીજા અધ્યાયની ૧૩મી કલમ વાંચી રહ્યાં છે. (યોએલ ૨:૧૩ વાંચો.) એ કલમ વાંચ્યાં પછી, પોતે કઈ રીતે યહોવાનું અનુકરણ કરશે, એના પર તે મનન કરે છે. યહોવા ‘કૃપાળુ તથા પૂર્ણ કરુણાળુ, કોપ કરવામાં ધીમા તથા દયાના સાગર છે.’ પહેલાં, આ બહેન અમુક વાર પોતાના પતિ અને બીજાઓ સાથે કટાક્ષમાં અને ગુસ્સેથી બોલતાં હતાં. પણ, હવે એમ જરાય ન કરવાનું તે નક્કી કરે છે.
૭ ત્રીજા કિસ્સામાં વિચારો કે એક પિતા તેમની નોકરી ગુમાવી બેઠા છે અને હવે કુટુંબની સંભાળ કઈ રીતે રાખશે એની ચિંતા કરે છે. નાહૂમ ૧:૭ વાંચીને તે મનન કરે છે. એનાથી જાણી શકે છે કે, યહોવા ‘સંકટ સમયે ગઢ રૂપ છે અને તેમના પર ભરોસો રાખનારાઓને’ સંભાળે છે. એ કલમથી તેમને દિલાસો મળે છે. યહોવાની પ્રેમાળ મદદ તે જોઈ શકે છે અને વધુ પડતી ચિંતા કરવાનું બંધ કરે છે. પછી તે ૧૫મી કલમ વાંચે છે. (નાહૂમ ૧:૧૫ વાંચો.) હવે, તે ભાઈ સમજી શક્યા કે અઘરા સંજોગોમાં પ્રચાર કરીને તે બતાવી આપશે કે, યહોવા તેમની માટે ગઢ છે. કામ શોધવાનું ચાલુ રાખવાની સાથે સાથે, ભાઈ અઠવાડિયા દરમિયાન પ્રચારમાં પણ ભાગ લે છે.
૮. બાઇબલ વાંચનમાં તમને હીરા જેવો વિચાર મળ્યો હોય તો, ટૂંકમાં જણાવો.
૮ ફાયદો પહોંચાડતા એ મુદ્દા બાઇબલના એવાં પુસ્તકોમાંથી છે, જે સમજવાં અમુકને અઘરાં લાગે. તમે જો કંઈ શીખવાની ઇચ્છા સાથે હોશીઆ, યોએલ અને નાહૂમનાં પુસ્તકો વાંચશો, તો તમને એમાંની બીજી કલમો પણ વાંચવી ગમશે. એ પ્રબોધકોનાં પુસ્તકોમાંથી તમને પુષ્કળ જ્ઞાન અને દિલાસો મળશે. બાઇબલનાં બીજાં પુસ્તકો વિશે શું? બાઇબલ હીરાની એક ખાણ જેવું છે, જેમાં હીરા ઊંડા છુપાયેલા છે. તેથી, એ હીરા શોધવા આખું બાઇબલ ધ્યાનથી વાંચો. આમ, તમે ઈશ્વરનું માર્ગદર્શન અને દિલાસો મેળવી શકશો.
ઊંડી સમજણ મેળવવા પ્રયત્ન કરો
૯. બાઇબલની ઊંડી સમજણ મેળવવા શું કરી શકાય?
૯ દરરોજ બાઇબલ વાંચવાની સાથે સાથે મહત્ત્વનું છે કે તમે એની ઊંડી સમજણ મેળવો. એ માટે, યહોવાની સંસ્થાએ બહાર પાડેલાં સાહિત્યનો સારો ઉપયોગ કરો. તમે જે જગ્યા, લોકો અને બનાવો વિશે વાંચો એના પર સાહિત્યમાંથી વધુ સંશોધન કરો. અથવા બાઇબલનું એ શિક્ષણ તમારા જીવનમાં કઈ રીતે લાગુ પડે છે, એ સમજવા મંડળના વડીલ કે અનુભવી ભાઈ-બહેનની મદદ લો. સમજણ વધારવી કેટલી મહત્ત્વની છે, એ બતાવતું આપોલસનું ઉદાહરણ જોઈએ. પહેલી સદીના તે ખ્રિસ્તીએ સમજણ વધારવાના પ્રયત્નો કર્યા હતા.
૧૦, ૧૧. (ક) સારી રીતે પ્રચાર કરવા આપોલસને કઈ રીતે મદદ મળી? (ખ) આપોલસના અહેવાલ પરથી આપણે શું શીખી શકીએ? (“શું તમારી પાસે નવી સમજણ છે?” બૉક્સ જુઓ.)
૧૦ આપોલસ એક યહુદી ખ્રિસ્તી હતા, જે “ધર્મલેખોમાં પ્રવીણ” અને ‘ઘણા ઉત્સાહી’ હતા. પ્રેરિતોનાં કૃત્યોનું પુસ્તક તેમના વિશે જણાવે છે: ‘તે ચોકસાઈથી ઈસુ વિશેની વાતો પ્રગટ કરતા અને શીખવતા હતા, પણ તે ફક્ત યોહાનનું બાપ્તિસ્મા જાણતા હતા.’ અજાણતા, તે બાપ્તિસ્માની જૂની સમજણ શીખવતા હતા. આપોલસને એફેસસમાં સાંભળ્યા પછી, ખ્રિસ્તી યુગલ પ્રિસ્કીલા અને આકુલાએ તેમને ‘ઈશ્વરના માર્ગનો વધારે ચોકસાઈથી ખુલાસો આપ્યો.’ (પ્રે.કૃ. ૧૮:૨૪-૨૬) આપોલસને એનાથી કઈ રીતે લાભ થયો?
૧૧ એફેસસમાં પ્રચાર કર્યા પછી આપોલસ આખાયા ગયા. બાઇબલ જણાવે છે: ‘તે ત્યાં આવ્યા ત્યારે જેઓએ ઈશ્વરની કૃપાથી વિશ્વાસ કર્યો હતો, તેઓને તેમણે ઘણી સહાય કરી; કેમ કે ઈસુ તે જ ખ્રિસ્ત છે, એવું ધર્મશાસ્ત્ર ઉપરથી સાબિત કરીને તેમણે જાહેર વાદવિવાદમાં યહુદીઓને પૂરેપૂરા હરાવ્યા.’ (પ્રે.કૃ. ૧૮:૨૭, ૨૮) આપોલસ હવે, ખ્રિસ્તી બાપ્તિસ્મા વિશે સાચી સમજણ આપી શકતા હતા. સમજણમાં વધારો થવાને લીધે તે નવાઓને સાચી ભક્તિમાં પ્રગતિ કરવા “ઘણી સહાય કરી” શક્યા. આ અહેવાલ આપણને શું શીખવે છે? આપોલસની જેમ, આપણે પણ બાઇબલમાં જે વાંચીએ એને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેમ જ, કોઈ અનુભવી ભાઈ આપણને વધારે સારી રીતે પ્રચાર કરવા સલાહ આપે, તો એ મદદને નમ્રતાથી અને ઉપકાર સાથે સ્વીકારવી જોઈએ. આમ કરવાથી, ભક્તિ વધુ સારી રીતે કરી શકીશું.
જે શીખ્યા એનાથી બીજાને મદદ કરો
૧૨, ૧૩. બાઇબલ કલમોનો કઈ રીતે સારો ઉપયોગ કરીશું, જેથી વિદ્યાર્થીને મદદ મળે?
૧૨ પ્રિસ્કીલા, આકુલા અને આપોલસની જેમ આપણે પણ બીજાઓને મદદ કરી શકીએ છીએ. રસ ધરાવતી વ્યક્તિને પડકારોનો સામનો અને સત્યમાં પ્રગતિ કરવા આપણે ઉત્તેજન આપીએ છીએ. એ ઉત્તેજનથી તેને મદદ મળે ત્યારે, તમે કેવું અનુભવો છો? અથવા ધારો કે, તમે વડીલ તરીકે કોઈને મુશ્કેલીનો સામનો કરવા બાઇબલમાંથી મદદ આપી છે. એ સમયસરની સલાહ માટે તે ભાઈ કે બહેન તમારો આભાર માને ત્યારે, તમને કેવું લાગે છે? એમાં કોઈ શંકા નથી કે બાઇબલમાંથી મદદ આપવાથી ઘણો સંતોષ અને આનંદ મળે છે.a વિચારો કે, બીજાઓને તમે કઈ રીતે મદદ કરી શકો.
૧૩ એલીયાના સમયમાં ઘણા ઇસ્રાએલીઓ પસંદગી નહોતા કરી શકતા કે સાચી ભક્તિ કરશે કે ખોટી. તેઓને એલીયાએ જે સલાહ આપી એ એવા બાઇબલ વિદ્યાર્થીઓને મદદ કરશે, જેઓ ભક્તિમાં પ્રગતિ કરતા અચકાય છે. (૧ રાજાઓ ૧૮:૨૧ વાંચો.) બીજા કિસ્સામાં, જો રસ ધરાવનાર વ્યક્તિને એવો ડર હોય કે મિત્રો અને કુટુંબ શું કહેશે, તો યહોવાની ભક્તિ માટે તેની હિંમત બાંધવા યશાયા ૫૧:૧૨, ૧૩માંથી ચર્ચા કરો.—વાંચો.
૧૪. જરૂર હોય ત્યારે કલમો યાદ અપાવવા શું મદદ કરશે?
૧૪ બાઇબલમાં એવી ઘણી કલમો છે, જે વાંચનારને ઉત્તેજન આપશે. તેમ જ, સુધારો કરવા કે દૃઢ થવા મદદ કરશે. પણ, તમને થાય કે “જરૂર હોય ત્યારે એ કલમો કઈ રીતે યાદ આવશે?” એ માટે, દરરોજ બાઇબલ વાંચો અને એના પર મનન કરો. આ રીતે કરશો તો, ઈશ્વરના જ્ઞાનનો તમારો ભંડાર વધારી શકશો. તેમ જ, જરૂર પડતા યહોવાની શક્તિ તમને એ યાદ અપાવવા મદદ કરશે.—માર્ક ૧૩:૧૧; યોહાન ૧૪:૨૬ વાંચો.
૧૫. બાઇબલને સારી રીતે સમજવા શું મદદ કરશે?
૧૫ રાજા સુલેમાનની જેમ જ્ઞાન માટે યહોવાને પ્રાર્થના કરો, જેથી તમે પ્રચાર અને મંડળનું કામ સારી રીતે કરી શકો. (૨ કાળ. ૧:૭-૧૦) પહેલાંના સમયના પ્રબોધકોએ કર્યું તેમ, બાઇબલને “ખંતથી તપાસીને શોધ” કરો. આમ, તમે યહોવાનું ખરું જ્ઞાન અને ઇચ્છા પારખી શકશો. (૧ પીત. ૧:૧૦-૧૨) પ્રેરિત પાઊલે તીમોથીને ઉત્તેજન આપ્યું કે, “વિશ્વાસની તથા સારા ઉપદેશની વાતો” પર મન લગાડે. (૧ તીમો. ૪:૬) એ સલાહ પ્રમાણે કરવાથી, બીજાઓને ભક્તિમાં પ્રગતિ કરવા તમે સારી મદદ આપી શકશો. તેમ જ, પોતાની શ્રદ્ધા પણ વધારશો.
બાઇબલ વાંચન દ્વારા રક્ષણ મેળવો
૧૬. (ક) ‘નિત્ય ધર્મશાસ્ત્રનું શોધન કરવાથી’ બેરીઆના લોકોને કઈ રીતે ફાયદો થયો? (ખ) દરરોજ બાઇબલ વાંચવું આપણી માટે કેમ મહત્ત્વનું છે?
૧૬ મકદોનિયાના બેરીઆ શહેરમાં રહેતા યહુદીઓ “નિત્ય ધર્મશાસ્ત્રનું શોધન કરતા હતા.” પાઊલે તેઓને ખુશખબર જણાવી ત્યારે, તેઓ શાસ્ત્ર વિશે જે જાણતા હતા એની સાથે એ સરખાવ્યું. એનું શું પરિણામ આવ્યું? ઘણાને ખાતરી થઈ કે પાઊલ જે શીખવતા હતા એ સત્ય છે અને તેઓએ “વિશ્વાસ કર્યો.” (પ્રે.કૃ. ૧૭:૧૦-૧૨) એ બતાવે છે કે, દરરોજ બાઇબલ વાંચવાથી યહોવામાં શ્રદ્ધા દૃઢ થાય છે. ઈશ્વરની નવી દુનિયામાં જવા એવી મજબૂત શ્રદ્ધાની જરૂર છે, જેથી “જે વસ્તુઓની આશા આપણે રાખીએ છીએ એની ખાતરી” કરી શકીએ.—હિબ્રૂ ૧૧:૧.
૧૭, ૧૮. (ક) મજબૂત શ્રદ્ધા અને પ્રેમ કઈ રીતે આપણા દિલનું રક્ષણ કરે છે? (ખ) આશા કઈ રીતે આપણને ખતરાથી બચાવે છે?
૧૭ આપણા સારા માટે પાઊલે લખ્યું: “આપણે દહાડાના છીએ, માટે વિશ્વાસનું તથા પ્રેમનું બખતર, અને તારણની આશાનો ટોપ પહેરીને સાવધ રહીએ.” (૧ થેસ્સા. ૫:૮) દુશ્મનોથી પોતાના હૃદયનું રક્ષણ કરવા સૈનિક બખતર પહેરે છે. એ જ રીતે, પાપ સામે ખ્રિસ્તીએ પોતાના દિલનું રક્ષણ કરવાનું હોય છે. એમ કરવા, તે યહોવાનાં વચનો પર મજબૂત શ્રદ્ધા કેળવશે. તેમ જ, યહોવા અને બીજા લોકો માટે ગાઢ પ્રેમ રાખશે. યહોવાની કૃપા મેળવતા રહેવા તે બનતું બધું જ કરશે.
૧૮ પાઊલે “તારણની આશા”ના ટોપની પણ વાત કરી હતી. એ સમયના સૈનિકોએ પોતાના માથાનું પણ રક્ષણ કરવાનું હતું. એમ ન કરે તો, યુદ્ધમાં તે સહેલાઈથી જીવ ગુમાવી બેસે. પણ, જો સારો ટોપ હોય, તો દુશ્મનના હુમલાથી માથાને ગંભીર ઈજા થતા બચાવી શકે. બાઇબલનો અભ્યાસ કરવાથી, યહોવાની બચાવ કરવાની શક્તિમાં આપણી આશા વધે છે. આશા દૃઢ હશે તો જૂઠાં શિક્ષણ અને “બકબકાટથી” એટલે કે સડાની જેમ ફેલાતી ભ્રષ્ટ વાતોથી દૂર રહી શકીશું. (૨ તીમો. ૨:૧૬-૧૯) યહોવા જે બાબતોને ધિક્કારે છે, એનો હિંમતથી નકાર કરવા આશા મદદ કરે છે.
અંતમાંથી બચવાની ચાવી
૧૯, ૨૦. બાઇબલને આપણે કેમ મહત્ત્વનું ગણીએ છીએ અને એની કઈ રીતે કદર કરી શકીએ? (“મને જે જોઈએ, યહોવા એ જ આપે છે” બૉક્સ જુઓ.)
૧૯ અંત નજીક આવે તેમ, બાઇબલ પર ભરોસો રાખવો વધુ જરૂરી બને છે. એમાં મળતી સલાહ આપણને ખોટી આદતો સુધારવા અને પાપી વલણને કાબૂ રાખવા મદદ કરે છે. બાઇબલમાંથી આપણને ઉત્તેજન અને દિલાસો પણ મળે છે. એના દ્વારા શેતાન અને તેની દુનિયાથી આવતા પરીક્ષણોનો સામનો કરી શકીએ છીએ. બાઇબલ દ્વારા યહોવા જે માર્ગદર્શન આપે છે, એની સહાયથી આપણે જીવનના માર્ગ પર ટકી રહીશું.
૨૦ ઈશ્વરની ઇચ્છા છે કે “સઘળાં માણસો તારણ પામે.” એમાં યહોવાના સેવકોનો સમાવેશ થાય છે. તેમ જ, એવા લોકોનો સમાવેશ થાય છે, જેઓને સત્ય વિશે શીખવું છે. પરંતુ, બધાએ દુષ્ટ દુનિયાના અંતમાંથી બચવા “સત્યનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત” કરવું પડશે. (૧ તીમો. ૨:૪) તારણ મેળવવા માટે બાઇબલ વાંચવું અને એની સલાહ લાગુ પાડવી ખૂબ જ જરૂરી છે. સાચે જ, બાઇબલ દરરોજ વાંચીને બતાવીશું કે આપણે યહોવાના સત્યને કેટલું મહત્ત્વનું ગણીએ છીએ!—યોહા. ૧૭:૧૭.
a ખરું કે, આપણે બાઇબલની સલાહનો ઉપયોગ બીજાઓને દબાણ કરવા અથવા તેઓને નીચા પાડવા કરતા નથી. યહોવા જેમ આપણી સાથે પ્રેમ અને ધીરજથી વર્તે છે, તેમ આપણે પણ બાઇબલ વિદ્યાર્થી સાથે વર્તવું જોઈએ.—ગીત. ૧૦૩:૮.