પાઠ ૫૭
તમે કોઈ મોટી ભૂલ કરી બેસો તો શું કરશો?
તમે યહોવાને ખૂબ પ્રેમ કરો છો અને તેમને દુઃખી ન કરવા બનતું બધું કરો છો. પણ માણસ માત્ર ભૂલને પાત્ર. કોઈ વાર તમે પણ ભૂલ કરી બેસશો. અમુક ભૂલો કદાચ વધારે મોટી હશે. (૧ કોરીંથીઓ ૬:૯, ૧૦) જો તમારાથી કોઈ મોટી ભૂલ થઈ જાય, તો યાદ રાખો કે યહોવા હજીયે તમને પ્રેમ કરે છે. તે તમને માફ કરવા અને મદદ કરવા તૈયાર છે.
૧. કોઈ મોટી ભૂલ કરી બેસીએ ત્યારે, યહોવાની માફી મેળવવા શું કરવું જોઈએ?
યહોવાના ભક્તો કોઈ મોટી ભૂલ કે પાપ કરી બેસે છે ત્યારે ખૂબ દુઃખી થઈ જાય છે. પણ યહોવાના આ વચનથી તેઓને પુષ્કળ દિલાસો મળે છે: “ભલે તમારાં પાપ લાલ રંગનાં હોય, તોપણ એ બરફ જેવા સફેદ થઈ જશે.” (યશાયા ૧:૧૮) જો આપણે દિલથી પસ્તાવો કરીશું, તો યહોવા પૂરી રીતે માફ કરશે. પણ આપણને પસ્તાવો છે એવું કઈ રીતે બતાવી શકીએ? દિલથી અફસોસ કરીએ, ખોટાં કામો છોડી દઈએ અને યહોવા પાસે માફીની ભીખ માંગીએ. પછી આપણે જેના લીધે પાપમાં પડ્યા હતા, એ ખોટા વિચારો કે આદતો બદલવા ખૂબ મહેનત કરીએ અને યહોવાનાં ધોરણો પ્રમાણે જીવવા પૂરી કોશિશ કરીએ.—યશાયા ૫૫:૬, ૭ વાંચો.
૨. આપણે કોઈ પાપ કરી બેસીએ ત્યારે, વડીલો દ્વારા યહોવા કઈ રીતે મદદ કરે છે?
આપણે કોઈ મોટું પાપ કરી બેસીએ ત્યારે, યહોવા “મંડળના વડીલોને બોલાવવા” કહે છે. (યાકૂબ ૫:૧૪, ૧૫ વાંચો.) વડીલો યહોવાને અને તેમના ભક્તોને ખૂબ પ્રેમ કરે છે. તેઓ જાણે છે કે આપણને કઈ રીતે મદદ કરવી. એટલે યહોવા સાથે આપણો સંબંધ ફરી મજબૂત કરવા તેઓ જરૂરી મદદ કરશે.—ગલાતીઓ ૬:૧.
જો આપણે કોઈ મોટું પાપ કરી બેસીએ, તો વડીલો કઈ રીતે મદદ કરે છે? બે કે ત્રણ વડીલો આપણી મુલાકાત લેશે. તેઓ બાઇબલની મદદથી આપણી ભૂલ સમજાવશે. તેઓ આપણને અમુક સલાહ-સૂચનો પણ આપશે, જેથી ફરી એ પાપ ન કરી બેસીએ. જો એક વ્યક્તિ મોટું પાપ કર્યા પછી પસ્તાવો ન કરે, તો વડીલો તેને મંડળથી દૂર કરશે. એમ કરવાથી મંડળનાં બીજાં ભાઈ-બહેનો પર એ વ્યક્તિની ખરાબ અસર નહિ પડે.
વધારે જાણો
આપણાથી કોઈ મોટું પાપ થઈ જાય ત્યારે આપણને મદદ કરવા યહોવાએ કઈ ગોઠવણ કરી છે? ચાલો એ ગોઠવણ વિશે શીખીએ અને એના માટે કદર બતાવીએ.
૩. પાપ કબૂલ કરવાથી યહોવા સાથે આપણો સંબંધ ફરી મજબૂત થશે
આપણે કોઈ મોટું પાપ કરી બેસીએ ત્યારે યહોવાને બહુ દુઃખ થાય છે. એટલે આપણે તેમની આગળ પોતાનું પાપ કબૂલ કરવું જોઈએ. ગીતશાસ્ત્ર ૩૨:૧-૫ વાંચો. પછી આ સવાલની ચર્ચા કરો:
પોતાનું પાપ છુપાવવાને બદલે કેમ યહોવા આગળ એને કબૂલ કરવું જોઈએ?
યહોવા આગળ પાપ કબૂલ કરવાની સાથે સાથે વડીલોની પણ મદદ લઈએ. એનાથી આપણું દિલ હળવું થઈ જશે. વીડિયો જુઓ. પછી નીચે આપેલા સવાલની ચર્ચા કરો.
વડીલોએ કઈ રીતે કૅનનભાઈને યહોવા પાસે પાછા આવવા મદદ કરી?
વડીલો આપણને મદદ કરવા ચાહે છે, એટલે આપણે વડીલોને બધું જ જણાવવું જોઈએ, કંઈ પણ છુપાવવું ન જોઈએ. યાકૂબ ૫:૧૬ વાંચો. પછી આ સવાલની ચર્ચા કરો:
જ્યારે આપણે વડીલોને બધું જણાવીએ છીએ, ત્યારે તેઓ શા માટે આપણને સહેલાઈથી મદદ કરી શકે છે?
તમારાં પાપ કબૂલ કરો, વડીલોને બધું સાચેસાચું જણાવો અને યહોવાની પ્રેમાળ મદદ સ્વીકારો
૪. પાપ કરનારાઓને યહોવા દયા બતાવે છે
જો કોઈ વ્યક્તિ મોટું પાપ કરે, પસ્તાવો ન કરે અને ખોટા માર્ગેથી પાછી ન ફરે, તો શું? એવી વ્યક્તિને મંડળમાંથી દૂર કરવામાં આવે છે. તેની સાથે આપણે હળતા-મળતા નથી. ૧ કોરીંથીઓ ૫:૬, ૧૧ વાંચો. પછી આ સવાલની ચર્ચા કરો:
થોડું ખમીર બાંધેલા આખા લોટને ફુલાવે છે. એવી જ રીતે, પાપ કર્યું હોય અને પસ્તાવો કર્યો ન હોય એવી વ્યક્તિ સાથે હળીશું-મળીશું તો, એની મંડળ પર કેવી અસર પડશે?
યહોવાની જેમ વડીલો પાપ કરનારાઓને દયા બતાવે છે. તેઓ મંડળમાંથી દૂર કરવામાં આવેલાં ભાઈ-બહેનોને મદદ કરવા પહેલ કરે છે. ઘણાં ભાઈ-બહેનો મંડળમાં પાછાં ફર્યાં છે. ખરું કે, મંડળમાંથી દૂર કરવાને લીધે તેઓ ઘણા દુઃખી હતાં. પણ આ ગોઠવણને લીધે જ તેઓને પોતાની ભૂલ સમજાઈ છે.—ગીતશાસ્ત્ર ૧૪૧:૫.
યહોવા જે રીતે પાપ કરનારાઓ સાથે વર્તે છે, એ કઈ રીતે બતાવે છે કે તે વાજબી, દયાળુ અને પ્રેમાળ છે?
૫. પસ્તાવો કરીએ છીએ ત્યારે, યહોવા માફ કરે છે
જ્યારે એક વ્યક્તિ દિલથી પસ્તાવો કરે છે, ત્યારે યહોવાને કેવું લાગે છે? એ સમજવા ઈસુએ આપેલા ઉદાહરણ પર ધ્યાન આપો. લૂક ૧૫:૧-૭ વાંચો. પછી આ સવાલની ચર્ચા કરો:
આ ઉદાહરણથી તમને યહોવા વિશે શું શીખવા મળે છે?
હઝકિયેલ ૩૩:૧૧ વાંચો. પછી આ સવાલની ચર્ચા કરો:
કઈ રીતે બતાવી શકીએ કે આપણે ખરા દિલથી પસ્તાવો કર્યો છે?
જેમ એક ઘેટાંપાળક પોતાનાં ઘેટાંની કાળજી રાખે છે, તેમ યહોવા પણ પોતાના લોકોની ખૂબ જ કાળજી રાખે છે
અમુક લોકો કહે છે: “જો હું વડીલોને મારા પાપ વિશે જણાવીશ, તો મને મંડળમાંથી દૂર કરવામાં આવશે.”
જો કોઈ વ્યક્તિ એવું વિચારતી હોય, તો તમે તેને શું કહેશો?
આપણે શીખી ગયા
જો આપણાથી કોઈ મોટું પાપ થઈ જાય, તો દિલથી પસ્તાવો કરીએ અને એવી ભૂલ ફરી ન કરવાનો પાકો નિર્ણય લઈએ. એમ કરીશું તો યહોવા આપણને માફ કરશે.
તમે શું કહેશો?
યહોવા આગળ કેમ પોતાનાં પાપ કબૂલ કરવાં જોઈએ?
યહોવા આપણાં પાપ માફ કરે એ માટે શું કરવું જોઈએ?
આપણે કોઈ મોટું પાપ કરી બેસીએ ત્યારે કેમ વડીલોની મદદ લેવી જોઈએ?
વધારે માહિતી
યશાયા ૧:૧૮માં યહોવાની દયા વિશે જણાવ્યું છે. જુઓ કે એક ભાઈએ કઈ રીતે એ દયાનો અનુભવ કર્યો.
મોટી ભૂલ કરનારને વડીલો કઈ રીતે મદદ કરે છે?
“વડીલો કઈ રીતે પાપ કરનારાઓને પ્રેમ અને દયા બતાવે છે?” (ચોકીબુરજ, ઑગસ્ટ ૨૦૨૪)
પસ્તાવો ન કરનાર પાપીઓને કઈ રીતે પ્રેમ અને દયા બતાવવામાં આવે છે?
“મંડળમાંથી દૂર કરાયેલા લોકો માટે મદદ” (ચોકીબુરજ, ઑગસ્ટ ૨૦૨૪)
એક ભાઈ યહોવાથી દૂર ચાલ્યા ગયા હતા, પણ તે પાછા ફર્યા. તેમને કેમ લાગતું હતું કે યહોવા તેમને પાછા લઈ આવ્યા છે? એ જાણવા “મારે યહોવા પાસે પાછા ફરવાની જરૂર હતી” લેખ વાંચો.