શું તમે યહોવાહની “વાટ” જોશો?
‘પવિત્ર આચરણ તથા ભક્તિભાવમ તમારે કેવા થવું જોઈએ? પરમેશ્વરના દિવસની આતુરતાથી તમારે અપેક્ષા રાખવી.’—૨ પીતર ૩:૧૧, ૧૨.
કલ્પના કરો કે તમારી ઘરે મહેમાન જમવા આવવાના છે. મોટે ભાગની બધી જ તૈયારી થઈ ગઈ છે. મહેમાન બસ આવવા જ જોઈએ. જમવાનું ગરમાગરમ છે. ઘરમાં બધા રાહ જુએ છે કે ક્યારે મહેમાન આવે જેથી બધા બેસીને સાથે ખાય-પીને મજા કરે!
૨ એવી જ રીતે, આજે યહોવાહના સેવકો તરીકે આપણે પણ રાહ જોઈ રહ્યા છીએ. પરંતુ, એ કોઈ મહેમાનની નહિ, ‘યહોવાહના મહાન દિવસની’ રાહ જોઈ રહ્યા છીએ. એ દિવસ આવે ત્યાં સુધી આપણે પ્રબોધક મીખાહ જેવું થવું જોઈએ. તેમણે કહ્યું: “પણ હું તો યહોવાહ તરફ જોઈ રહીશ; હું મારૂં તારણ કરનાર દેવની વાટ જોઈશ; મારો દેવ મારૂં સાંભળશે.” (મીખાહ ૭:૭) શું રાહ જોવાનો અર્થ એમ થાય છે કે બસ હાથપગ જોડીને બેસી રહેવું? ના. યહોવાહની સેવામાં હજુ તો ઘણી મહેનત કરવાની બાકી છે.
૩ યહોવાહના દિવસની વાટ જોતા હોઈએ ત્યારે, આપણે શું કરવું જોઈએ? એ વિષે પ્રેષિત પીતર સરસ સલાહ આપે છે: ‘પવિત્ર આચરણ તથા ભક્તિભાવમાં તમારે કેવા થવું જોઈએ? દેવના આવવાની આતુરતાથી તમારે અપેક્ષા રાખવી.’ (૨ પીતર ૩:૧૧, ૧૨) નોંધ લો કે અહીં પીતર પ્રશ્ન નથી પૂછતા પરંતુ તે આપણને કહે છે કે આપણે કેવા થવું જોઈએ. પીતર પોતાના બંને પત્રોમાં જણાવે છે કે આપણે કેવા થવું જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે આપણે “પવિત્ર આચરણ તથા ભક્તિભાવમાં” ધ્યાન આપવું જોઈએ. ઈસુ ખ્રિસ્તે છેલ્લા દિવસોની નિશાની આપી એના લગભગ ૩૦ વર્ષ પછી પીતરે પત્રો લખ્યા હતા. (માત્થી ૨૪:૩) એ વખતે યહોવાહના સેવકોએ ‘તેમના દિવસની અપેક્ષા’ રાખવાની હતી.
૪ ‘આતુરતાથી યહોવાહના દિવસની રાહ’ જોવાનો અર્થ મૂળ ગ્રીક ભાષામાં એમ થાય કે એ દિવસ ‘એકદમ જલ્દી’ આવે. એ દિવસની ઝડપ વધારવા આપણે પોતે કંઈ કરી શકતા નથી. કેમ કે ઈસુ ક્યારે પગલાં ભરશે એ તથા તે “દહાડા તથા તે ઘડી” વિષે કોઈને કંઈ ખબર નથી. (માત્થી ૨૪:૩૬; ૨૫:૧૩) બીજુ એક પુસ્તક જણાવે છે કે ‘એકદમ જલ્દી’ આવવાનો મૂળ અર્થ, ‘ઉતાવળથી આવવું’ થાય છે. તેથી, પીતરે ‘એકદમ જલ્દી’ આવવા વિષે કહ્યું એનો અર્થ એ કે યહોવાહનો દિવસ હમેંશા આપણી નજર સામે જ રાખવો જોઈએ. (૨ પીતર ૩:૧૨) ખરેખર, યહોવાહનો મહાન દિવસ હવે આપણા આંગણે આવીને ઊભો છે. તેથી, આપણે પણ એ દિવસની રાહ જોવી જોઈએ.—યોએલ ૨:૩૧.
‘પવિત્ર જીવન જીવીને’ રાહ જોવી
૫ યહોવાહના દિવસની રાહ જોવા, આપણે ‘પવિત્ર જીવન’ જીવવું જોઈએ. પવિત્ર જીવન જીવવાનો અર્થ સમજવા, પીતરના બીજા શબ્દો પર ધ્યાન આપીએ: “આજ્ઞાંકિત છોકરાં જેવા થાઓ, અને તમારી પૂર્વની અજ્ઞાન અવસ્થામાં રાખેલી દુર્વાસનાની રૂએ ન વર્તો; પણ જેણે તમને તેડ્યા છે, તે જેવો પવિત્ર છે તેવા તમે પણ સર્વ પ્રકારનાં આચરણમાં પવિત્ર થાઓ; કેમકે લખેલું છે, કે હું પવિત્ર છું, માટે તમે પવિત્ર થાઓ.”—૧ પીતર ૧:૧૪-૧૬.
૬ પવિત્ર થવાનો અર્થ એ થાય કે આપણે બધી બાબતોમાં પવિત્ર બનીએ. આપણું મન શુદ્ધ રાખવું જોઈએ. આપણે ચોખ્ખાઈ પણ રાખવી જોઈએ. તેમ જ આપણે યહોવાહના શિક્ષણમાં પણ કોઈ ભેળસેળ કરવી ન જોઈએ. શું યહોવાહના પવિત્ર સેવકો તરીકે આપણે બધી બાબતોમાં પવિત્ર રહીને, તેમના મહાન દિવસની તૈયારી કરી રહ્યા છીએ? આજકાલની દુનિયામાં શુદ્ધ અથવા પવિત્ર રહેવું સહેલું નથી. કેમ કે, આ જગતના ધોરણો દિવસે દિવસે કથળતા જઈ રહ્યા છે. (૧ કોરીંથી ૭:૩૧; ૨ તીમોથી ૩:૧૩) શું આપણા અને જગતના ધોરણો વચ્ચે આભ જમીનનો તફાવત દેખાઈ આવે છે? જગતના અને આપણા ધોરણો વચ્ચે કંઈ તફાવત ન જોવા મળતો હોય તો, આપણે બે વાર વિચાર કરવો જોઈએ. એવું બની શકે કે આપણા ધોરણો ભલે જગતના ધોરણો કરતાં ઊંચા હોય, છતાં શું દિવસે દિવસે નીચા થતા જાય છે? જો એમ હોય તો, આપણે તરત જ પગલાં લેવાની જરૂર છે.
૭ આજકાલ ઇન્ટરનેટ પર બીભત્સ ચિત્રો જોવા મળે છે. હવે ઘણા લોકોને ઘરે બેઠા ‘બીભત્સ ચિત્રો ઢગલા બંધમાં જોવા મળે છે,’ એવું એક ડૉક્ટર જણાવે છે. જો આપણે હાથે કરીને એવી કોઈ ઇન્ટરનેટ સાઇટ પર જઈએ તો, આપણે યહોવાહની આજ્ઞા નથી પાડતા જે કહે છે: “કંઈ અશુદ્ધ વસ્તુને અડકશો મા.” (યશાયાહ ૫૨:૧૧) શું આપણે ખરેખર “પરમેશ્વરના દિવસની આતુરતાથી” રાહ જોઈએ છીએ? કે પછી એમ વિચારીએ છીએ કે મગજમાંથી ખરાબ વિચારો કાઢી નાખવા માટે હજુ ઘણો સમય છે? જો આપણે એમ વિચારતા હોઈએ તો તાત્કાલિક પગલાં લેવા જોઈએ. યહોવાહને પ્રાર્થના કરવી જોઈએ જેથી તે ‘વ્યર્થતામાંથી આપણી દૃષ્ટિ ફેરવે; આપણા માર્ગ વિષે આપણને આતુર કરે.’—ગીતશાસ્ત્ર ૧૧૯:૩૭.
૮ મોટા ભાગે બધા જ યહોવાહના સાક્ષીઓ, પરમેશ્વરના સત્યના માર્ગે ચાલે છે. એમાં નાના-મોટા બધાનો સમાવેશ થાય છે. તેઓ જાણે છે કે આપણે છેલ્લા દિવસોમાં જીવી રહ્યા છીએ, કેમ કે પીતરે જણાવ્યું “જેમ ચોર આવે છે, તેમ પ્રભુનો દિવસ આવશે.” તેથી, યહોવાહના સેવકો પોતાની ચાલ-ચલગત “પવિત્ર” રાખે છે. (૨ પીતર ૩:૧૦) તેઓના જીવન પરથી જ ખબર પડી જાય કે તેઓ “પરમેશ્વરના દિવસની આતુરતાથી” રાહ જુએ છે.a
‘ભક્તિભાવ’ રાખીને રાહ જોવી
૯ યહોવાહના દિવસની રાહ જોવા, ‘ભક્તિભાવ’ રાખીએ એ મહત્ત્વનું છે. ‘ભક્તિ’ કરવી એટલે કે પરમેશ્વર જે કંઈ કહે છે તે આપણે દિલથી કરીએ. જો આપણે યહોવાહના માર્ગને વળગી રહીશું, તો જ તેમની ભક્તિ કરી શકીશું. “સઘળાં માણસો તારણ પામે, ને તેમને સત્યનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય એવી તેની [યહોવાહની] ઇચ્છા છે.” (૧ તીમોથી ૨:૪) હા, યહોવાહ ચાહે છે કે “કોઈનો નાશ ન થાય પણ સઘળાં પશ્ચાત્તાપ કરે.” (૨ પીતર ૩:૯) આ જાણીને, શું આપણે લોકોને સત્ય શીખવવા માટે મહેનત કરવી ન જોઈએ? જેથી, તેઓ યહોવાહને ઓળખીને તેમના માર્ગે ચાલે.—એફેસી ૫:૧.
૧૦ આપણે યહોવાહના માર્ગને આપણા જીવનમાં પ્રથમ રાખીશું તો, આપણને ભરપૂર આશીર્વાદો મળશે. (માત્થી ૬:૩૩) એનો અર્થ એમ પણ થાય કે આપણે ધનદોલત પાછળ ન પડીએ. ઈસુએ કહ્યું: “સાવધાન રહો, અને સર્વ પ્રકારના લોભથી દૂર રહો; કેમકે કોઈનું જીવન તેની પુષ્કળ મિલકતમાં રહેલું નથી.” (લુક ૧૨:૧૫) આપણને એમ લાગે કે આપણે પૈસાની પાછળ નથી જતા. પરંતુ નોંધ કરો કે, “જગતની ચિંતા તથા દ્રવ્યની માયા વચનને દાબી નાખે છે.” (માત્થી ૧૩:૨૨) હા, પેટને પૂરુ પાળવા માટે રોજીરોટી કમાવી પડે છે એ પણ સહેલું નથી. તેથી, ઘણા દેશોમાં લોકો એવું વિચારે છે કે, પરદેશમાં જઈને સારી કમાણી થઈ શકશે. આમ ઘણા લોકો પોતાના કુટુંબને છોડીને વર્ષો સુધી પરદેશમાં રહેવા ચાલ્યા જાય છે. અરે, તમે માની નહિ શકશો કે ઘણા યહોવાહના સેવકો પણ એવું જ કરે છે. તેઓ પરદેશમાં કમાઈને કદાચ પોતાના કુટુંબને સુખ-સગવડ આપી શકશે, પણ કુટુંબના સભ્યોનો યહોવાહ સાથેના સંબંધ વિષે શું? જો પુરુષ ઘરે ન હોય તો પોતાના કુટુંબનો પરમેશ્વર સાથેનો સંબંધ કેવી રીતે મજબૂત કરી શકે જેથી તેઓ યહોવાહના મહાન દિવસ માટે તૈયાર રહે?
૧૧ ફિલિપીમાં રહેનાર એક જણ નોકરી માટે જાપાન ગયા હતા. ત્યાં તે યહોવાહના સાક્ષીઓ પાસેથી સત્ય શીખ્યા. બાઇબલમાંથી તેમને શીખવા મળ્યું કે કુટુંબની કાળજી રાખવાની અને સત્ય શીખવવાની જવાબદારી તેમની છે. તેથી, તેમણે ફિલિપીમાં પાછા જઈને પોતાના કુટુંબને પણ સત્ય શીખવવાનું નક્કી કર્યું. (૧ કોરીંથી ૧૧:૩) પરંતુ, એનાથી તેમની પત્નીને જરાય ન ગમ્યું અને તે ગુસ્સે થઈ. તે ચાહતી હતી કે તે પાછા દેશ ન આવે પણ જાપાનથી પૈસા મોકલતા જ રહે. તેના પતિને તો કુટુંબને સત્ય જણાવું જ હતું. કેમ કે તે કુટુંબને ખૂબ જ પ્રેમ કરતા હતા. તે જાપાન છોડીને ફિલિપીમાં પાછા આવ્યા. ધીરજનાં ફળ કેવાં મીઠા હોય છે! હવે તેમનું આખું કુટુંબ યહોવાહની સેવા કરે છે. હવે તેમની પત્ની પાયોનિયરીંગ કરે છે.
૧૨ આ જગતની પરિસ્થિતિ ભડકે બળતા બિલ્ડીંગમાં ફસાયેલા લોકોના જેવી છે. બિલ્ડીંગમાં આગ લાગી હોય ત્યારે, માલમિલકતને બચાવનો કોઈ ફાયદો નથી. એને બદલે, શું કુટુંબનો કે બીજા કોઈનો જીવ બચાવો ન જોઈએ? આ જગતના દુષ્ટ લોકોનો પણ જલદી જ નાશ થશે. તેથી, લોકોને આ દુષ્ટ જગતના અંતમાંથી બચાવવા એ ખૂબ જ જરૂરી છે. આ જાણીને ખરેખર આપણે પ્રચાર કામને આપણા જીવનમાં પ્રથમ રાખવું જોઈએ. તેમ જ પૂરેપૂરા ઉમંગથી લોકોને સત્ય જણાવવું જોઈએ.—૧ તીમોથી ૪:૧૬.
આપણે “નિષ્કલંક” રહેવું જોઈએ
૧૩ આપણે યહોવાહના દિવસની રાહ જોઈએ છીએ એ દરમિયાન બીજું શું કરવું જોઈએ? એ વિષે પીતર કહે છે: “એ માટે, વહાલાઓ, એઓની વાટ જોઈને, તમે તેની નજરે નિષ્કલંક તથા નિર્દોષ થઈને શાંતિમાં રહેવાને યત્ન કરો.” (૨ પીતર ૩:૧૪) પીતર જણાવે છે કે આપણે બધી જ બાબતોમાં પવિત્ર રહેવું જોઈએ. એ ઉપરાંત તે જણાવે છે કે છેવટે યહોવાહ આપણને, ઈસુના બલિદાનના આધારે નિષ્કલંક તરીકે જુએ છે. (પ્રકટીકરણ ૭:૯, ૧૪) એનો અર્થ એ થયો કે વ્યક્તિને ઈસુના બલિદાનમાં પૂરેપૂરો વિશ્વાસ હોવો જોઈએ. ત્યાર પછી, જીવનભર યહોવાહને માર્ગે ચાલવાનું નક્કી કરી બાપ્તિસ્મા લેવું જોઈએ.
૧૪ પીતર આપણને જણાવે છે કે આપણે કલંક વગરના રહીએ. શું આપણી ચાલ-ચલગત નિષ્કલંક છે? દાખલા તરીકે, આપણાં કપડાં પર કોઈ ડાઘ પડે તો આપણે એને સાફ કરીએ છીએ. ખાસ કરીને જ્યારે આપણા કોઈ મનગમતા કપડાં પર ડાઘ પડે તો, આપણે એને સાફ કરવા બનતા બધા જ પ્રયત્નો કરીએ છીએ. એવી જ રીતે, જો આપણા વિચારોમાં કોઈ ડાઘ પડે તો, શું આપણે તરત જ એને સાફ કરવાનો કે એને સુધારવાનો પ્રયત્ન કરીએ છીએ?
૧૫ ઈસ્રાએલીઓને આજ્ઞા આપવામાં આવી હતી કે તેઓ, “પોતાનાં વસ્ત્રોની કોરોને કિનારી લગાડે, ને દરેક કોરની કિનારી પર નીલરંગી ફીત લગાડે.” શા માટે? એ વસ્ત્રોની કિનારીઓ જોઈને તેઓને યહોવાહના નિયમો પાડવાનું યાદ આવતું. જેથી, તેઓ યહોવાહ “આગળ પવિત્ર” રહે. (ગણના ૧૫:૩૮-૪૦) યહોવાહના સેવકો તરીકે આપણે પણ આજે જગતના લોકો કરતા જુદા તરી આવીએ છીએ. કેમ કે આપણે પણ યહોવાહના નીતિ-નિયમો પાડીએ છીએ. દાખલા તરીકે, આપણે આપણા વિચારો શુદ્ધ રાખીએ છીએ. આપણે લોહી વિષેની યહોવાહની આજ્ઞા પાડીએ છીએ. આપણે કોઈ પણ જાતની મૂર્તિઓને પૂજતા નથી. (પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૨૮, ૨૯) ઘણા લોકો જોઈ શકે છે કે આપણે કોઈ પણ હિસાબે યહોવાહના નિયમો તોડતા નથી.—યાકૂબ ૧:૨૭.
આપણે “નિર્દોષ” રહેવાની જરૂર છે
૧૬ પીતર એમ પણ કહે છે કે આપણે “નિર્દોષ” રહેવું જોઈએ. પરંતુ, કઈ રીતે આપણે નિર્દોષ રહી શકીએ? પાઊલે ફિલિપના ખ્રિસ્તીઓને સલાહ આપીને કહ્યું: “બડબડાટ તથા તકરાર વગર બધું કરો, કે જેથી કુટિલ તથા આડી પ્રજામાં તમે નિર્દોષ તથા સાલસ, દેવનાં નિષ્કલંક છોકરાં, જીવનનું વચન પ્રગટ કરીને જ્યોતિઓ જેવાં જગતમાં દેખાઓ છો, એવાં થાઓ.” (ફિલિપી ૨:૧૪, ૧૫) જો આપણે તેમની આ સલાહ પાડીશું તો કચકચ કર્યા વગર, પૂરા દિલથી યહોવાહની સેવા કરીશું. તેમ જ પ્રેમથી આપણા પાડોશીઓને યહોવાહના “રાજ્યની આ સુવાર્તા” જણાવી શકીશું. (માત્થી ૨૨:૩૫-૪૦; ૨૪:૧૪) ભલે લોકો સમજે નહિ કે શા માટે આપણે પોતાનો સમય આપીને તેઓને સત્ય જણાવીએ છીએ.
૧૭ આપણે બધા ઇચ્છીએ છીએ કે આપણે “નિર્દોષ” રહીએ. તેથી, આપણે નિર્દોષ છીએ કે નહિ એનો બરાબર વિચાર કરવાની જરૂર છે. આપણે આ જગતની મોહ-માયા છોડી દીધી છે. સ્વાર્થ વગર આપણે યહોવાહની સેવા કરીએ છીએ. પરંતુ આપણે એ જોવું જોઈએ કે મંડળમાં પ્રગતિ કરવા માટે આપણે આપણા આચાર વિચારો નિર્દોશ રાખીએ. આપણે જે કંઈ પ્રગતિ કરીએ એ યહોવાહના પ્રેમને લીધે કરીએ. યહોવાહની સેવા કરવા માટે “કોઇ માણસ અધ્યક્ષપદની ઇચ્છા રાખે” એ તો બહુ જ સરસ કહેવાય! જેથી તે મંડળમાં પોતાના ભાઈ-બહેનોનું ધ્યાન રાખી શકે. (૧ તીમોથી ૩:૧; ૨ કોરીંથી ૧:૨૪) જેઓ વડીલ તરીકે સેવા આપે છે, તેઓએ ‘દેવના ટોળાનું પ્રતિપાલન કરે છે, એ પણ ખુશીથી; નીચ લોભને સારૂ નહિ, પણ હોંશથી કરે છે; વળી તેઓ સોંપેલા ટોળા પર ધણી તરીકે નહિ, પણ ટોળાને આદર્શરૂપ થાય છે.’—૧ પીતર ૫:૧-૪.
આપણે ‘શાંતિથી’ રહેવું જોઈએ
૧૮ છેવટે પીતર આપણને ‘શાંતિથી’ રહેવાનું જણાવે છે. એનો અર્થ એ થાય કે આપણે યહોવાહને શાંતિથી ભજીએ. તેમ જ આપણા પાડોશી સાથે પણ શાંતિથી રહેવું જોઈએ. પીતર જણાવે છે: “એકબીજા પર આગ્રહથી પ્રીતિ કરો.” જેથી, આપણે યહોવાહના સેવકો પણ એકબીજા સાથે શાંતિથી રહી શકીએ. (૧ પીતર ૨:૧૭; ૩:૧૦, ૧૧; ૪:૮; ૨ પીતર ૧:૫-૭) જો એકબીજા માટે પ્રેમ હશે તો જ શાંતિથી રહી શકીશું. (યોહાન ૧૩:૩૪, ૩૫; એફેસી ૪:૧, ૨) મોટા સંમેલનોમાં ખાસ કરીને આવો પ્રેમ જોવા મળે છે. એક મહાસંમેલનનો વિચાર કરો. એ ૧૯૯૯માં કોસ્ટા રીકામાં ભરાયો હતો. એરપોર્ટનો દુકાનદાર ગુસ્સે થઈ ગયો કારણે કે ઘણા યહોવાહના સાક્ષીઓ એની દુકાન આગળ આવીને બીજા સાક્ષીઓનો આવકાર કરતા હતા. પરંતુ, તેણે જોયું કે યહોવાહના સાક્ષીઓ અજાણ્યા સાક્ષીઓને પણ પ્રેમથી આવકારતા હતા. છેવટે એ દુકાનદાર પોતે યહોવાહના સાક્ષીઓને આવકારવા મંડ્યો અને પછી તેણે બાઇબલ અભ્યાસ પણ શરૂ કર્યો.
૧૯ આપણે ભાઈ-બહેનો સાથે જેટલા શાંતિથી રહેવાનો પ્રયત્ન કરતા રહીશું એટલામાં ખબર પડી જશે કે આપણા મનમાં યહોવાહનો દિવસ કેટલો નજીક છે. (ગીતશાસ્ત્ર ૩૭:૧૧; ૨ પીતર ૩:૧૩) ઘર કે મંડળના ભાઈ-બહેન સાથે આપણે શાંતિથી રહી શકતા ન હોઈએ તો આપણે વિચારવું જોઈએ કે શું આપણે તેઓ સાથે શાંતિથી નવી દુનિયામાં રહી શકીશું? જો કોઈ ભાઈ-બહેનને આપણી સાથે બનતું ન હોય તો આપણે સંબંધ સુધારવા માટે તરત જ પગલાં લેવા જોઈએ. (માત્થી ૫:૨૩, ૨૪) આ ખૂબ જ મહત્વનું છે જેથી આપણે યહોવાહને શાંતિથી ભજી શકીએ.—ગીતશાસ્ત્ર ૩૫:૨૭; ૧ યોહાન ૪:૨૦.
૨૦ શું આપણે ખરેખર યહોવાહના મહાન દિવસની વાટ જોઈએ છીએ? આપણે ઇચ્છતા હોઈશું કે આ ખરાબ જગતનો નાશ થાય તો, આપણે પવિત્ર રહેવા બનતી મહેનત કરીશું. હા, આપણે યહોવાહના દિવસની અને તેમના રાજ્યની આતુરતાથી રાહ જોઈએ છીએ. તેથી, ચાલો એ દરમિયાન આપણે યહોવાહની ભક્તિ કરવામાં જીવન ગુજારીએ. આપણે શાંતિમાં રહેવા માંગીએ છીએ તેથી એ મહત્ત્વનું છે કે હાલમાં આપણા ભાઈ-બહેનો સાથે શાંતિથી રહીએ. આ રીતે આપણે બતાવી શકીએ કે ખરેખર આપણે દિલથી યહોવાહના મહાન દિવસની રાહ જોઈએ છીએ.
[ફુટનોટ]
a અનુભવો માટે ચોકીબુરજ જાન્યુઆરી ૧, ૨૦૦૦, પાન ૧૬ અને ૧૯૯૭ યરબુક પાન ૫૧ પર જુઓ.
શું તમને યાદ છે?
• યહોવાહના દિવસની “વાટ” જોવાનો શું અર્થ થાય છે?
• યહોવાહના દિવસની “વાટ” જોતી વખતે આપણા વિચારો કેવા હોવા જોઈએ?
• “ભક્તિભાવ” શા માટે મહત્ત્વની છે?
• યહોવાહની નજરમાં “નિષ્કલંક તથા નિર્દોષ” રહેવા, આપણે શું કરવું જોઈએ?
[અભ્યાસ પ્રશ્નો]
૧, ૨. યહોવાહના દિવસની વાટ જોવાને શાની સાથે સરખાવી શકાય?
૩. બીજો પીતર ૩:૧૧, ૧૨ પ્રમાણે આપણે કઈ બાબતમાં ધ્યાન આપવું જોઈએ?
૪. યહોવાહના મહાન દિવસની રાહ જોવાનો શું અર્થ થાય?
૫. આપણે કઈ રીતે બતાવી શકીએ કે આપણે યહોવાહના દિવસની રાહ જોઈ રહ્યા છીએ?
૬. પવિત્ર રહેવા માટે આપણે કેવા પગલાં લેવા જોઈએ?
૭, ૮. (ક) બધી વાતે “પવિત્ર” રહેવાનું આપણે કઈ રીતે ભૂલી જઈ શકીએ? (ખ) સત્યના માર્ગે ચાલવા માટે કેવા પગલાં લેવા જોઈએ?
૯. પરેશ્વરની ભક્તિમાં આપણે કેવી મહેનત કરીશું?
૧૦. શા માટે આપણે ‘સર્વ પ્રકારના લોભથી’ દુર રહેવું જોઈએ?
૧૧. એક ભાઈએ કઈ રીતે પૈસાટકા નહિ, પણ સત્ય પોતાના જીવનમાં આગળ મૂક્યું?
૧૨. શા માટે આપણે યહોવાહની સેવાને જીવનમાં પ્રથમ મૂકવી જોઈએ?
૧૩. યહોવાહનો દિવસ આવે એ પહેલા આપણે શું કરવું જોઈએ?
૧૪. આપણે કલંક વગરના રહીએ એનો શું મતલબ થાય?
૧૫. (ક) શા માટે ઈસ્રાએલીઓ પોતાના વસ્ત્રો પર કિનારીઓ લગાવતા હતા? (ખ) આજે યહોવાહના સેવકો કેમ જુદા જ તરી આવે છે?
૧૬. આપણે પોતે કઈ રીતે “નિષ્કલંક” રહી શકીએ?
૧૭. મંડળમાં પ્રગતિ કરવા પાછળ આપણો ઇરાદો કેવો હોવો જોઈએ?
૧૮. યહોવાહના સાક્ષીઓના સ્વભાવ વિષે લોકો શું કહે છે?
૧૯. શા માટે આપણે એકબીજા સાથે શાંતીથી રહેવું જોઈએ?
૨૦. આપણે કઈ કઈ રીતે યહોવાહની “વાટ” જોઈ શકીએ?
[પાન ૧૧ પર ચિત્ર]
યહોવાહની “વાટ” જોવામાં, આપણા વિચારો સારા રાખવાનો પણ સમાવેશ થાય છે
[પાન ૧૨ પર ચિત્ર]
પ્રચાર કામથી લોકોનું જીવન બચે છે
[પાન ૧૪ પર ચિત્ર]
યહોવાહના દિવસની રાહ જોતા હોઈએ ત્યારે બીજાઓ સાથે શાંતિથી રહીએ