શું તમે જાણો છો?
પ્રાચીન સમયમાં અગ્નિને કઈ રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવતી?
ઉત્પત્તિ ૨૨:૬માં આપેલો અહેવાલ જણાવે છે કે, રહેઠાણથી દૂર જઈને બલિદાન આપવા “ઈબ્રાહીમે દહનીયાર્પણનાં લાકડાં પોતાના દીકરા ઇસહાક પર મૂક્યાં; અને તેણે પોતાના હાથમાં અગ્નિ તથા છરો લીધાં; અને તેઓ બંને સાથે ગયા.”
પ્રાચીન સમયમાં આગ કઈ રીતે પેટાવવામાં આવતી એ વિશે શાસ્ત્રવચનોમાં કોઈ ઉલ્લેખ જોવા મળતો નથી. અહીં જણાવેલા બાઇબલના અહેવાલ વિશે ઓછામાં ઓછા એક ટીકાકારનું માનવું છે કે, ઈબ્રાહીમ અને ઇસહાકે ‘જે લાંબી મુસાફરી કરી એ દરમિયાન આગને ભાગ્યે જ સળગતી રાખી હશે.’ તેથી, અહેવાલમાં જણાવેલી અગ્નિ કદાચ અગ્નિ સળગાવવાનાં સાધનોને રજૂ કરે છે.
બીજાઓનું કહેવું છે કે એ જમાનામાં આગ પ્રગટાવવી કંઈ સહેલું ન હતું. જાતે આગ પેટાવવાનો પ્રયત્ન કરવાને બદલે, પડોશીના ઘરેથી સળગતા કોલસા લાવીને આગ પ્રગટાવવી સહેલું હતું. અનેક નિષ્ણાતોનું માનવું છે કે, કદાચ ઈબ્રાહીમ પાસે સાંકળથી બાંધેલું હાંલ્લું કે કૂજો હશે. પાછલી રાતે સળગાવેલી આગમાંથી જે અંગારા કે કોલસા બચ્યા હશે એ કદાચ કૂજામાં સાથે લીધા હશે. (યશા. ૩૦:૧૪) આ રીતે, અંગારાને સાથે લઈ જવાથી, જરૂર પડે ત્યારે સૂકાં લાકડાં ભેગા કરીને આગ સળગાવવી શક્ય હતું.