વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • જીવનથી કેમ હારવું ન જોઈએ?
    સજાગ બનો!—૨૦૧૪ | જુલાઈ
    • એક માણસ હતાશ થઈને આત્મહત્યા કરવાનું વિચારી રહ્યો છે

      મુખ્ય વિષય

      જીવનથી કેમ હારવું ન જોઈએ?

      જો તમે ડાયનાનેa મળો, તો તે હોશિયાર, પ્રેમાળ અને મળતાવડી છોકરી લાગે. જોકે, તે બહારથી ખૂબ ખુશ દેખાય પણ મોટા ભાગે તે નિરાશ હોય છે. તે કહે છે, “હું દરરોજ વિચારું છું કે મરી જઉં. હું સાચે જ માનું છું કે મારા વગર દુનિયા વધારે સારી હશે.”

      “રાષ્ટ્રીય અપરાધ રેકોર્ડ બ્યૂરો (NCRB) પ્રમાણે ભારતમાં ૨૦૧૨માં ૧,૩૫,૪૪૫ લોકોએ આત્મહત્યા કરી. દર કલાકે ૧૫ અને દિવસના ૩૭૧ લોકો આત્મહત્યા કરે છે. તપાસ કરવાથી ખબર પડી કે દરરોજ ૨૪૨ પુરુષો અને ૧૨૯ સ્ત્રીઓ આત્મહત્યા કરે છે.”—ધ હિંદુ, જૂન ૨૬, ૨૦૧૩નું છાપું.

      ડાયના કહે છે કે તે ક્યારેય જાતે પોતાનો જીવ નહિ લઈ શકે. તેમ છતાં, તેની પાસે જીવવાનું કોઈ કારણ નથી. તે કહે છે, “મારી ઇચ્છા છે કે હું રોડ અકસ્માતમાં મરણ પામું. હું મરણને દુશ્મન નહિ પણ મિત્ર ગણું છું.”

      ઘણા લોકો ડાયના જેવું વિચારતા હોય શકે. અમુકે તો આત્મહત્યા કરવાનો વિચાર અથવા પ્રયત્ન કર્યો છે. નિષ્ણાતોના કહેવા પ્રમાણે આત્મહત્યાનો પ્રયત્ન કરનાર મોટા ભાગના લોકો ખરેખર તો પોતાનું જીવન ટૂંકાવી દેવા નથી માંગતા; પણ દુઃખમાંથી છુટકારો મેળવવા માંગે છે. હકીકતમાં, તેઓ માને છે કે તેઓ પાસે મરવાનું કારણ છે; પણ જીવવાનું કોઈ કારણ નથી.

      જીવનથી કેમ હારવું ન જોઈએ? ચાલો એનાં ત્રણ કારણો તપાસીએ.

      ખોટી માન્યતા: આત્મહત્યા વિશે વાત કરવાથી અથવા એ શબ્દ વાપરવાથી લોકોને એવું કરવાનું ઉત્તેજન મળે છે.

      હકીકત: એ વિશે ખુલ્લી રીતે ચર્ચા કરવાથી આત્મહત્યા કરવાનું વિચારતી વ્યક્તિને બીજા વિકલ્પો વિચારવા મદદ મળે છે.

      a નામ બદલ્યું છે.

  • ૧ સંજોગો બદલાય છે
    સજાગ બનો!—૨૦૧૪ | જુલાઈ
    • મુખ્ય વિષય | જીવનથી કેમ હારવું ન જોઈએ?

      ૧ સંજોગો બદલાય છે

      “ચોતરફથી અમારા પર દબાણ છતાં અમે દબાઈ ગએલા નથી; ગૂંચવાયા છતાં નિરાશ થએલા નથી.”—૨ કોરીંથી ૪:૮.

      અમુક લોકો આત્મહત્યાને “નાની મોટી મુશ્કેલીઓનો કાયમી ઇલાજ ગણે છે.” જોકે, અમુક સંજોગો અઘરા અથવા મુશ્કેલ લાગે. અને એવું લાગે કે એનો હલ લાવવો આપણા હાથ બહાર છે. પણ, એ અઘરા સંજોગો કાયમ માટે નથી, પછી ભલે એ માનવું મુશ્કેલ લાગે. હકીકતમાં, આપણે ધાર્યું પણ ન હોય એ રીતે આપણા લાભમાં સંજોગો બદલાય શકે છે.—“તેઓના સંજોગો બદલાયા” બૉક્સ જુઓ.

      સંજોગો ન બદલાય તોપણ, સારું રહેશે કે એક દિવસમાં એક જ મુશ્કેલી થાળે પાડીએ. ઈસુએ કહ્યું: “આવતી કાલને સારું ચિંતા ન કરો, કેમ કે આવતી કાલ પોતાની વાતોની ચિંતા કરશે; દહાડાને માટે તે દહાડાનું દુઃખ બસ છે.”—માથ્થી ૬:૩૪.

      પણ, તમારા સંજોગો બદલાય જ નહિ તો? દાખલા તરીકે, તમને કોઈ ગંભીર બીમારી થાય. અથવા કોઈ પરિસ્થિતિ સુધારવી તમારા હાથમાં ન હોય. જેમ કે, છૂટાછેડા થઈ જાય અથવા વહાલી વ્યક્તિનું મરણ થાય.

      તોપણ, તમે અમુક ફેરફાર કરી શકો. જેમ કે, સંજોગો પ્રત્યેનું વલણ બદલી શકો. તમે સંજોગો બદલી નહિ શકો એવું સ્વીકારશો તો, હકીકતને વધુ સારી રીતે સમજી શકશો. (નીતિવચનો ૧૫:૧૫) તેમ જ, જીવન ટૂંકાવી દેવાને જ ઉપાય માનવાને બદલે પરિસ્થિતિને વધુ સારી રીતે સહેવા માટેની અનેક રીતો જોઈ શકશો. એનો શું ફાયદો થશે? સંજોગો કદાચ આપણા કાબૂમાં ન હોય, પણ વિચારો પર કાબૂ રાખી શકીએ.—અયૂબ ૨:૧૦.

      યાદ રાખો: તમે એક છલાંગમાં પહાડ ચડી નહિ શકો, પણ નાનાં નાનાં પગલાં ભરીને પહાડની ટોચ સુધી પહોંચી શકશો. પહાડ જેવી લાગતી મોટી મુશ્કેલીઓ વિશે પણ એવું જ છે.

      તમે શું કરશો: તમારી પરિસ્થિતિ વિશે કોઈ મિત્ર અથવા કુટુંબના સભ્ય સાથે વાત કરો. તે તમારી પરિસ્થિતિ વધુ સારી રીતે સમજવા જરૂરી મદદ આપી શકશે.—નીતિવચનો ૧૧:૧૪.

      તેઓના સંજોગો બદલાયા

      બાઇબલના જમાનાના ચાર ઈશ્વરભક્તોનો વિચાર કરો, જેઓ દુઃખ તકલીફને લીધે જીવવા માંગતા ન હતા.

      • રિબકા: ‘જો એમ હોય તો મારે કેમ જીવવું જોઈએ?’—ઉત્પત્તિ ૨૫:૨૨.

      • મુસા: ‘મને મારી નાખો કે, મારે દુઃખ જોવું ન પડે.’—ગણના ૧૧:૧૫.

      • એલીયા: ‘મારો જીવ લઈ લો; કેમ કે હું મારા પૂર્વજો કરતાં સારો નથી.’—૧ રાજાઓ ૧૯:૪.

      • અયૂબ: “જન્મતાંની સાથે હું કેમ ન મરી ગયો?”—અયૂબ ૩:૧૧, IBSI.

      બાઇબલમાંથી આ ઈશ્વરભક્તોના બનાવો વિશે વાંચશો તેમ, તમને જાણવા મળશે કે તેઓએ ધાર્યું પણ ન હતું એ રીતે તેઓના સંજોગો સુધર્યા. તમારા સંજોગો પણ સુધરી શકે છે. (સભાશિક્ષક ૧૧:૬) હિંમત ન હારશો!

  • ૨ મદદ મળે છે
    સજાગ બનો!—૨૦૧૪ | જુલાઈ
    • મુખ્ય વિષય | જીવનથી કેમ હારવું ન જોઈએ?

      ૨ મદદ મળે છે

      ‘તમારી સર્વ ચિંતા ઈશ્વર પર નાખો, કેમ કે તે તમારી સંભાળ રાખે છે.’—૧ પીતર ૫:૭.

      એવું લાગે કે સંજોગો સુધારવા તમારા હાથમાં નથી ત્યારે, જીવન ટૂંકાવી નાખવાનો વિચાર આવી શકે. પણ, ચાલો તમને મદદ કરે એવી અમુક ગોઠવણ તપાસીએ.

      પ્રાર્થના. એવું નથી કે મનને મનાવવા ખાતર કે નાછૂટકે પ્રાર્થના કરવી જોઈએ. પણ પ્રાર્થના કરવાથી આપણે યહોવા ઈશ્વર સાથે વાત કરીએ છીએ, જે આપણી ચિંતા કરે છે. યહોવા ચાહે છે કે તમે તમારી ચિંતાઓ તેમના પર ઠાલવો. હકીકતમાં, બાઇબલ આપણને આમ કરવાનું ઉત્તેજન આપે છે: “તારો બોજો યહોવા પર નાખ, એટલે તે તને નિભાવી રાખશે.”—ગીતશાસ્ત્ર ૫૫:૨૨.

      કેમ નહિ કે આજે ઈશ્વર સાથે પ્રાર્થનામાં વાત કરો? યહોવા ઈશ્વરનું નામ લઈને દિલ ખોલીને પ્રાર્થના કરો. (ગીતશાસ્ત્ર ૬૨:૮) યહોવા ચાહે કે તમે તેમને મિત્ર તરીકે ઓળખો. (યશાયા ૫૫:૬; યાકૂબ ૨:૨૩) પ્રાર્થના એવી એક ગોઠવણ છે જેના દ્વારા, તમે યહોવા સાથે કોઈ પણ સમયે અને જગ્યાએ વાત કરી શકો છો.

      આત્મહત્યા રોકતી અમેરિકાની એક સંસ્થા આમ જણાવે છે: ‘અભ્યાસ પરથી વારંવાર જોવા મળ્યું છે કે આત્મહત્યા કરનારાઓમાં ૯૦ ટકા કે એનાથી વધારે લોકો માનસિક બીમારીથી પીડાતા હતા. જોકે, મોટાભાગના લોકો એ બીમારીથી અજાણ હતા, પૂરતી માહિતી ન હતી કે સારવાર મળી ન હતી.’

      તમને ચાહતા લોકો. બીજાઓ માટે પણ તમારું જીવન બહુ કીમતી છે. જેમ કે, કુટુંબના સભ્યો કે મિત્રો, જેઓને તમારા પર પ્રેમ છે. તેમ જ, એવા લોકો, જેઓને તમે ક્યારેય મળ્યા નથી. દાખલા તરીકે, સેવાકાર્યમાં અમુક વખતે યહોવાના સાક્ષીઓને એવા લોકોને મળ્યા છે, જેઓ જીવનથી નિરાશ થઈ ગયા હોય. અમુકે કબૂલ્યું છે કે તેઓને મદદની જરૂર હતી અને આત્મહત્યા કરવાનું વિચારી રહ્યા હતા. એવા લોકોને મદદ કરવાની અજોડ તક યહોવાના સાક્ષીઓને ઘર-ઘરના સેવાકાર્યમાં મળી છે. ઈસુના પગલે ચાલતા સાક્ષીઓ પોતાના પાડોશીઓને ખૂબ પ્રેમ કરે છે. તેઓ તમને પણ ખૂબ પ્રેમ કરે છે.—યોહાન ૧૩:૩૫.

      ડૉક્ટરની મદદ લો. જીવન ટૂંકાવવાના વિચારો આવે તો મોટા ભાગે માનસિક બીમારી હોય શકે. જેમ કે, ડિપ્રેશન. શારીરિક બીમારીની જેમ માનસિક બીમારી વિશે પણ શરમાવાની જરૂર નથી. અમુક નિષ્ણાતો ડિપ્રેશનને “શરદી સાથે સરખાવે છે.” શરદીની જેમ કોઈ પણ વ્યક્તિને જીવનના અમુક સંજોગોમાં ડિપ્રેશન થઈ શકે છે અને સારવારથી મટાડી શકાય છે.a

      યાદ રાખો: તમે જાતે ડિપ્રેશનમાંથી બહાર આવો એ મોટાભાગે શક્ય નથી. પણ કોઈની મદદથી તમે સફળ થઈ શકો છો.

      તમે શું કરશો: ડિપ્રેશન જેવી માનસિક બીમારીની સારવાર કરતા હોય એવા સારા ડૉક્ટરની શોધ કરો.

      a જો તમને વારંવાર આત્મહત્યા કરવાના વિચારો આવે તો, તપાસ કરો કે ક્યાંથી મદદ મળી શકે. જેમ કે, આત્મહત્યા નિવારણ હેલ્પલાઇન અથવા હૉસ્પિટલ. ત્યાં તાલીમ પામેલા લોકો હોય છે જેઓ તમને જરૂરી સલાહસૂચન આપી શકે.

  • ૩ સુંદર આશા રહેલી છે
    સજાગ બનો!—૨૦૧૪ | જુલાઈ
    • એક માણસને ઈશ્વરના વચનોમાં પૂરો ભરોસો છે

      મુખ્ય વિષય | જીવનથી કેમ હારવું ન જોઈએ?

      ૩ સુંદર આશા રહેલી છે

      “નમ્ર લોકો દેશનું વતન પામશે; અને પુષ્કળ શાંતિમાં તેઓ આનંદ કરશે.”—ગીતશાસ્ત્ર ૩૭:૧૧.

      બાઇબલ જણાવે છે કે જીવન “સંકટથી ભરપૂર છે.” (અયૂબ ૧૪:૧) આજે દરેક લોકો અનેક મુશ્કેલીઓ સહી રહ્યા છે. અરે, અમુક લોકોને જીવન એ હદે નકામું લાગે છે કે સારા ભવિષ્ય માટે આશાનું કોઈ કિરણ દેખાતું નથી. શું તમને પણ એવું લાગે છે? જો એમ હોય તો, ખાતરી રાખો કે બાઇબલમાં દરેક વ્યક્તિ માટે આશા આપવામાં આવી છે. દાખલા તરીકે:

      • બાઇબલ શીખવે છે કે આપણું ભલું થાય એવું યહોવા ઈશ્વર ચાહે છે.—ઉત્પત્તિ ૧:૨૮.

      • ધરતીને બગીચા જેવી સુંદર બનાવવાનું યહોવા ઈશ્વરે વચન આપ્યું છે.—યશાયા ૬૫:૨૧-૨૫.

      • એ ભવિષ્યવાણી ચોક્કસ પૂરી થશે. પ્રકટીકરણ ૨૧:૩, ૪ કહે છે:

        “ઈશ્વરનો મંડપ માણસોની સાથે છે, ઈશ્વર તેઓની સાથે વાસો કરશે, તેઓ તેના લોકો થશે, અને ઈશ્વર પોતે તેઓની સાથે રહીને તેઓનો ઈશ્વર થશે. તે તેઓની આંખોમાંનું દરેક આંસુ લૂછી નાખશે; મરણ ફરીથી થનાર નથી; તેમ જ શોક કે રૂદન કે દુઃખ ફરીથી થનાર નથી; પ્રથમની વાતો જતી રહેલી છે.”

      આ આશા કોઈ કલ્પના નથી. યહોવા ઈશ્વર ચોક્કસ તેમનો હેતુ પૂરો કરશે. એમ કરવાની તેમની ઇચ્છા છે અને શક્તિ પણ છે. બાઇબલની આશા ભરોસાપાત્ર છે અને એ આ સવાલનો જવાબ આપે છે: “જીવનથી કેમ હારવું ન જોઈએ?”

      યાદ રાખો: તોફાની સમુદ્રમાં હાલકડોલક થતાં વહાણની જેમ તમારી લાગણીઓમાં ચઢાવ-ઉતાર થતો હોય તો, બાઇબલનો સંદેશો લંગરની જેમ એ લાગણીઓને કાબૂમાં રાખવા મદદ કરશે.

      તમે શું કરી શકો: તપાસ કરો કે ભવિષ્ય વિશે બાઇબલ કઈ આશા આપે છે. યહોવાના સાક્ષીઓ તમને ખુશીથી મદદ કરશે. તમારા વિસ્તારમાં રહેતા યહોવાના સાક્ષીઓનો સંપર્ક સાધો અથવા jw.orga વેબ સાઇટ પરથી માહિતી મેળવો. (g14-E 04)

      a સૂચન: jw.org વેબ સાઇટ પર જાઓ અને સાહિત્ય > ઓનલાઇન લાઇબ્રેરી વિભાગ જુઓ. વધારે મદદ માટે આ શબ્દો વાપરો: “ડિપ્રેશન” કે “નિરાશા” અને “આત્મહત્યા.”

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો