-
નિયામક જૂથ આજે કઈ રીતે કામ કરે છે?યહોવા ઈશ્વરની ઇચ્છા આજે કોણ પૂરી કરે છે?
-
-
પાઠ ૨૦
નિયામક જૂથ આજે કઈ રીતે કામ કરે છે?
પહેલી સદીનું નિયામક જૂથ
નિયામક જૂથનો પત્ર વાંચે છે
પહેલી સદીમાં નિયામક જૂથ “યરૂશાલેમમાંના પ્રેરિતો તથા વડીલો”નું બનેલું હતું. તેઓ અભિષિક્ત ખ્રિસ્તી મંડળ વતી મહત્ત્વના નિર્ણયો લેતા હતા. (પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૨) શાસ્ત્રને આધારે કરેલી ચર્ચા અને ઈશ્વરની પવિત્ર શક્તિની દોરવણીને લીધે તેઓ એકમતે નિર્ણય લેતા. (પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૨૫) આજે પણ એવું જ કરવામાં આવે છે.
ઈશ્વર પોતાની ઇચ્છા પૂરી કરવા તેઓનો ઉપયોગ કરે છે. નિયામક જૂથમાં સેવા આપતા અભિષિક્ત ભાઈઓ હંમેશાં બાઇબલના શિક્ષણ પર પૂરું ધ્યાન આપે છે. આપણું ધાર્મિક કાર્ય આગળ ધપાવવાનો અને બાઇબલ માન્યતા વિશેના સવાલોની સમજણ આપવાનો તેઓને ઘણો અનુભવ છે. તેઓ દર અઠવાડિયે ભેગા મળીને ચર્ચા કરે છે કે દુનિયા ફરતે આપણાં ભાઈ-બહેનોને શાની જરૂર છે. પહેલી સદીની જેમ, આજે પણ પત્રો, પ્રવાસી નિરીક્ષકો કે બીજા ભાઈઓ દ્વારા બાઇબલ આધારિત માર્ગદર્શન આપવામાં આવે છે. એનાથી ઈશ્વરના લોકો એકસરખું વિચારે છે અને સંપથી ચાલે છે. (પ્રેરિતોનાં કૃત્યો ૧૬:૪, ૫) ઉપરાંત, નિયામક જૂથની દેખરેખ નીચે ઈશ્વરને લગતું શિક્ષણ તૈયાર કરવામાં આવે છે. તેઓ ઈશ્વરના રાજ્યની ખુશખબર ફેલાવવાના કામને આગળ ધપાવવા ઉત્તેજન આપે છે. તેઓની દેખરેખ નીચે મંડળના ભાઈઓને વધારે જવાબદારીઓ સોંપવામાં આવે છે.
તેઓ ઈશ્વરની શક્તિની દોરવણી પ્રમાણે કામ કરે છે. નિયામક જૂથ માર્ગદર્શન માટે, વિશ્વના માલિક યહોવા અને મંડળોના વડા ઈસુ તરફ મીટ માંડે છે. (૧ કોરીંથી ૧૧:૩; એફેસી ૫:૨૩) નિયામક જૂથના ભાઈઓ પોતાને ઈશ્વરભક્તોના આગેવાન ગણતા નથી. બીજા અભિષિક્તોની સાથે સાથે તેઓ પણ “હલવાન [ઈસુ] જ્યાં જાય છે” ત્યાં તેમની પાછળ ચાલે છે. (પ્રકટીકરણ ૧૪:૪) આપણે નિયામક જૂથ માટે પ્રાર્થના કરીએ છીએ, એની તેઓ કદર કરે છે.
પહેલી સદીનું નિયામક જૂથ શાનું બનેલું હતું?
આજે કઈ રીતે નિયામક જૂથ ઈશ્વરનું માર્ગદર્શન શોધે છે?
-
-
બેથેલ શું છે?યહોવા ઈશ્વરની ઇચ્છા આજે કોણ પૂરી કરે છે?
-
-
પાઠ ૨૧
બેથેલ શું છે?
આર્ટ વિભાગ, અમેરિકા
જર્મની
કેન્યા
કોલંબિયા
બેથેલ હિબ્રૂ ભાષાનો શબ્દ છે, જેનો અર્થ થાય ‘ઈશ્વરનું ઘર.’ (ઉત્પત્તિ ૨૮:૧૭, ૧૯) યહોવાના સાક્ષીઓ પ્રચાર કામને ટેકો આપવા અને આગળ વધારવા દુનિયા ફરતે અનેક જગ્યાએ ઑફિસો બાંધીને એનો ઉપયોગ કરે છે. આ જગ્યાઓ માટે બેથેલ શબ્દ એકદમ બંધબેસે છે. અમેરિકાના ન્યૂ યૉર્ક રાજ્યમાં આવેલા યહોવાના સાક્ષીઓના મુખ્યમથકમાં નિયામક જૂથ સેવા આપે છે. ત્યાંથી બીજા દેશોમાં આવેલી શાખા કચેરીઓની દેખરેખ રાખવામાં આવે છે. મુખ્યમથક અને શાખા કચેરીઓમાં સેવા આપતાં ભાઈ-બહેનોને “બેથેલ કુટુંબ” કહેવામાં આવે છે. ત્યાં બધા કુટુંબની જેમ સાથે રહે છે, સાથે કામ કરે છે, સાથે ખાય છે અને સાથે મળીને બાઇબલનો અભ્યાસ કરે છે.—ગીતશાસ્ત્ર ૧૩૩:૧.
એવી અજોડ જગ્યા, જ્યાં બધા રાજી-ખુશીથી ભોગ આપે છે. દરેક બેથેલમાં સેવા આપતાં ભાઈ-બહેનો તન-મનથી ઈશ્વરની ઇચ્છા પૂરી કરવા અને તેમના રાજ્યનું કામ આગળ વધારવા પૂરા સમયની સેવા આપે છે. (માથ્થી ૬:૩૩) ત્યાં પગાર હોતો નથી, પણ દરેકને ખિસ્સા-ખર્ચ અને ખોરાક-રહેઠાણની સગવડ આપવામાં આવે છે. બેથેલમાં દરેકને કામ સોંપેલું હોય છે. જેમ કે, પુસ્તકો બનાવવાં (બાઇન્ડિંગ), કપડાં ધોવાં, ઈસ્ત્રી કરવી, સાફસફાઈ, સમારકામ વગેરે. તેઓ ઑફિસ, રસોડું, ડાઇનિંગ રૂમ, છાપખાનું જેવી અલગ અલગ જગ્યાએ કામ કરે છે.
ખુશખબર ફેલાવવાના કાર્યને આગળ વધારવાની જગ્યા. દરેક બેથેલનો હેતુ એ હોય છે કે વધારેને વધારે લોકો સુધી બાઇબલનું સત્ય પહોંચે. આ ચોપડી એનો એક પુરાવો છે. નિયામક જૂથના માર્ગદર્શન હેઠળ આ ચોપડી તૈયાર કરવામાં આવી. પછી કૉમ્પ્યુટર મારફતે દુનિયાભરમાં આવેલી ઘણી ભાષાંતર ટુકડીઓને મોકલવામાં આવી. એ પછી અમુક બેથેલમાં ઝડપથી છાપકામ કરતા પ્રેસમાં છાપવામાં આવી. ત્યાર બાદ એક લાખ દસ હજારથી પણ વધારે મંડળોમાં આ ચોપડી મોકલવામાં આવી. આમ, શરૂઆતથી અંત સુધી બેથેલ કુટુંબ ખુશખબર ફેલાવવાના મુખ્ય કાર્યને પૂરો ટેકો આપે છે.—માર્ક ૧૩:૧૦.
બેથેલમાં કોણ સેવા આપે છે? તેઓ માટે ત્યાં કેવી સગવડ કરવામાં આવી છે?
દરેક બેથેલમાં કયા સૌથી મહત્ત્વના કાર્યને ટેકો આપવામાં આવે છે?
-
-
શાખા કચેરીમાં શું કામ કરવામાં આવે છે?યહોવા ઈશ્વરની ઇચ્છા આજે કોણ પૂરી કરે છે?
-
-
પાઠ ૨૨
શાખા કચેરીમાં શું કામ કરવામાં આવે છે?
સોલોમન ટાપુઓ
કૅનેડા
દક્ષિણ આફ્રિકા
દરેક શાખા કચેરી એક અથવા અનેક દેશોમાં પ્રચારને લગતાં કામનું ધ્યાન રાખે છે. બેથેલમાં સેવા આપતાં ભાઈ-બહેનો અનેક વિભાગમાં કામ કરે છે. જેમ કે, ભાષાંતર કરવું, સાહિત્ય છાપવું, પુસ્તકો બાંધવાં, ગોદામમાં સાહિત્ય ગોઠવવું, ઑડિયો-વીડિયો પ્રૉગામ તૈયાર કરવો કે પછી તેઓની દેખરેખમાં આવતી બીજી બાબતોનું ધ્યાન રાખવું.
શાખા સમિતિ સર્વ કાર્યની દેખરેખ રાખે છે. નિયામક જૂથે શાખા કચેરીનું ધ્યાન રાખવાનું કામ શાખા સમિતિને સોંપ્યું છે. એમાં ત્રણ કે એનાથી વધારે યોગ્ય વડીલો હોય છે. શાખા સમિતિ પોતાની દેખરેખ નીચેના દેશોમાં કેવી પ્રગતિ થઈ રહી છે, એ નિયામક જૂથને જણાવતી રહે છે. ત્યાં કોઈ મુશ્કેલીઓ ઊભી થઈ હોય તો એ પણ જણાવે છે. એ અહેવાલો પરથી નિયામક જૂથને નક્કી કરવા મદદ મળે છે કે આવતા દિવસોમાં કેવી બાબતો વિશે સાહિત્ય બહાર પાડવું અને સભા-સંમેલનો દ્વારા ભાઈ-બહેનોને શું શીખવવું. નિયામક જૂથ વતી અમુક ભાઈઓ નિયમિત રીતે બીજી શાખાઓની મુલાકાત લે છે. એ ભાઈઓ શાખા સમિતિને તેઓની જવાબદારી ઉપાડવા માટે જરૂરી માર્ગદર્શન આપે છે. (નીતિવચનો ૧૧:૧૪) શાખાની દેખરેખ હેઠળનાં ભાઈ-બહેનોને ઉત્તેજન આપવા ખાસ કાર્યક્રમનું આયોજન થાય છે. એમાં મુખ્યમથક પ્રતિનિધિ પ્રવચન આપે છે.
ત્યાંનાં મંડળોને મદદ પૂરી પાડવામાં આવે છે. શાખામાં જવાબદાર ભાઈઓ નવાં મંડળો સ્થાપવાની મંજૂરી આપે છે. તેમ જ, શાખાની દેખરેખ નીચેના વિસ્તારોમાં પાયોનિયરો, મિશનરીઓ અને સરકીટ નિરીક્ષકોને સેવાકાર્ય માટે જરૂરી માર્ગદર્શન આપે છે. એ ઉપરાંત તેઓ સંમેલનો, નવાં પ્રાર્થનાઘરોનું બાંધકામ અને મંડળોમાં જરૂરી સાહિત્ય પહોંચાડવાની ગોઠવણ કરે છે. શાખામાં થતા આવા કામથી વ્યવસ્થિત રીતે પ્રચારકાર્ય પૂરું કરવા મદદ મળે છે.—૧ કોરીંથી ૧૪:૩૩, ૪૦.
શાખા સમિતિ કઈ રીતે નિયામક જૂથને મદદ કરે છે?
શાખા કચેરી શાની દેખરેખ રાખે છે?
-