વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwbr20 સપ્ટેમ્બર પાન ૧-૭
  • જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા માટે સંદર્ભો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા માટે સંદર્ભો
  • જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા માટે સંદર્ભો—૨૦૨૦
  • મથાળાં
  • સપ્ટેમ્બર ૭-૧૩
  • કીમતી રત્નો શોધીએ
  • સપ્ટેમ્બર ૧૪-૨૦
  • કીમતી રત્નો શોધીએ
  • સપ્ટેમ્બર ૨૧-૨૭
  • બાઇબલમાં રહેલો ખજાનો | નિર્ગમન ૨૭-૨૮
  • કીમતી રત્નો શોધીએ
  • સપ્ટેમ્બર ૨૮–ઑક્ટોબર ૪
  • કીમતી રત્નો શોધીએ
જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા માટે સંદર્ભો—૨૦૨૦
mwbr20 સપ્ટેમ્બર પાન ૧-૭

જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા માટે સંદર્ભો

સપ્ટેમ્બર ૭-૧૩

બાઇબલમાં રહેલો ખજાનો | નિર્ગમન ૨૩-૨૪

“લોકોને પગલે ન ચાલો”

(નિર્ગમન ૨૩:૧) તું જૂઠી અફવા માની ન લે; દુષ્ટની સાથે સામેલ થઈને તું જૂઠી સાક્ષી ન પૂર.

w૧૮.૦૮ ૪-૫ ¶૭-૮

શું તમે બધી હકીકત જાણો છો?

૭ શું તમને પોતાના મિત્રોને ઇ-મેઇલ કે મૅસેજ મોકલવા ગમે છે? જ્યારે તમે રસપ્રદ સમાચાર જુઓ કે પછી અજોડ અનુભવ સાંભળો, ત્યારે શું તમે એવા પત્રકાર જેવું અનુભવો છો, જે તરત જ એ સમાચાર બીજાઓને જણાવવા માંગે છે? ઇ-મેઇલ કે મૅસેજ મોકલતા પહેલાં, પોતાને પૂછો: ‘શું મને પાકી ખાતરી છે કે આ વાત સાચી છે? શું મારી પાસે બધી હકીકત છે?’ જો તમને એ વિશે પૂરી ખાતરી ન હોય, તો તમે ખોટી માહિતી ફેલાવનાર ગણાશો. તેથી, જો તમને ખબર ન હોય કે વાત સાચી છે કે ખોટી, તો પછી બીજાઓને એ મોકલશો નહિ. એને ડિલીટ કરી દો!

૮ વિચાર્યા વગર ઇ-મેઇલ કે મૅસેજ મોકલવા ઘણું જોખમકારક છે. ચાલો, એનું બીજું એક કારણ તપાસીએ. કેટલાક દેશોમાં, આપણા કામ પર પ્રતિબંધ છે કે અમુક નિયંત્રણ મૂકવામાં આવ્યા છે. એવા દેશોમાં વિરોધીઓ જાણીજોઈને એવી અફવાઓ ફેલાવે છે, જેનાથી આપણે ડરી જઈએ કે પછી એકબીજાને શંકાની નજરે જોવા લાગીએ. અગાઉના સોવિયેત સંઘમાં શું થયું, એનો વિચાર કરો. કેજીબી તરીકે ઓળખાતી છૂપી પોલીસે એવી અફવા ફેલાવી કે કેટલાક જાણીતા ભાઈઓએ યહોવાના લોકોને દગો આપ્યો છે. દુઃખની વાત છે કે ઘણાં ભાઈ-બહેનો એ વાત સાચી માની બેઠાં અને તેઓએ યહોવાનું સંગઠન છોડી દીધું. એમાંથી ઘણા પાછાં ફર્યાં પણ અમુક કદી પાછાં ન આવ્યાં. તેઓની શ્રદ્ધાનું વહાણ ભાંગી પડ્યું. (૧ તિમો. ૧:૧૯) આવી દુઃખદ ઘટના આપણે કેવી રીતે ટાળી શકીએ? નિરાશ કરનારી કે પાકી ખાતરી ન હોય એવી વાતો ફેલાવશો નહિ. તમે જે કંઈ સાંભળો, બધું સાચું માની ન લો. એના બદલે, ખાતરી કરો કે તમારી પાસે બધી હકીકત હોય.

(નિર્ગમન ૨૩:૨) ઘણાઓનું અનુસરણ કરીને તું દુષ્ટતા ન કર; અને કોઈ મુકદ્દમામાં ઘણાની તરફેણમાં વળી જઈને જૂઠી સાક્ષી પૂરીને ન્યાય ન મરડ;

w૧૧ ૭/૧ ૧૦, ૧૧ ¶૩, ૬

શું તમે યહોવાહના માર્ગદર્શન પ્રમાણે ચાલશો?

૩ કલ્પના કરો કે લાંબી મુસાફરી દરમિયાન તમારે બે માર્ગમાંથી કોઈ એક માર્ગ પસંદ કરવાનો છે. ઘણાં લોકો એક રસ્તા તરફ વળે છે, તો તમે પણ કદાચ તેઓની પાછળ જવા લાગો. પણ એમાં અનેક ખતરા હોય શકે. ભલે ઘણાં લોકો એ માર્ગ પસંદ કરે, પણ કદાચ તેઓ માર્ગથી ભટકી ગયા છે. એ તમને મંજિલથી દૂર લઈ જઈ શકે છે. આ દાખલા દ્વારા આપણે યહોવાહે ઈસ્રાએલીઓને આપેલા નિયમોને સારી રીતે સમજી શકીએ છીએ. એ લોકોમાં જેઓ ન્યાય કરતા અને જેઓ સાક્ષી આપતા તેઓને યહોવાહ ચેતવણી આપે છે કે ‘ઘણાઓનું અનુસરણ ન કરો.’ બીજાઓને ખુશ કરવા ખોટા નિર્ણયો ન લો. (નિર્ગમન ૨૩:૨ વાંચો.) આપણે બધા સહેલાઈથી એવું કંઈક કરી શકીએ છીએ. એટલે યહોવાહની ચેતવણી ફક્ત ન્યાયાધીશો અને સાક્ષી આપનારાને જ નહિ પણ બધાને લાગુ પડે છે.

૬ શું કોઈ વાર તમને દુનિયાના લોકોની જેમ કરવાનું મન થયું છે? મોટા ભાગના લોકો યહોવાહને જરાય માન આપતા નથી. તેઓને યહોવાહના નિયમો મૂર્ખતા ભરેલા લાગે છે. સારું શું અને ખરાબ શું એ પોતે નક્કી કરે, અને પછી બીજાઓને એ પ્રમાણે કરવા દબાણ કરે છે. દાખલા તરીકે, તેઓ કહેશે કે ગંદા, હિંસક અને મેલીવિદ્યાથી ભરેલ ફિલ્મ, ટીવી પ્રોગ્રામ અને કૉમ્પ્યુટર ગેમ્સમાં કંઈ ખોટું નથી. (૨ તીમો. ૩:૧-૫) લોકો જે કહે અને કરે એ મુજબ શું તમે નક્કી કરશો કે તમારા કુટુંબ માટે કેવું મનોરંજન સારું છે? જો તમે એવો નિર્ણય લેશો તો તમે દુનિયાના લોકોની પાછળ ચાલો છો.

(નિર્ગમન ૨૩:૩) અને ગરીબ માણસના દાવામાં પક્ષપાત ન કર.

it-૧-E ૩૪૩ ¶૫

અંધાપો

મુસાના નિયમમાં ન્યાયાધીશોને સ્પષ્ટ જણાવ્યું હતું કે તેઓએ લાંચ ન લેવી, ભેટ ન સ્વીકારવી અને ભેદભાવ ન કરવો. કારણ કે આવી બાબતો તેઓને ધનની લાલચમાં આંધળા બનાવી શકે છે અને ખોટા ચુકાદા આપવા દોરી શકે છે. દાખલા તરીકે, નિયમમાં લખ્યું હતું કે, લાંચ જોઈને સમજુ વ્યક્તિ પણ ‘આંધળો બની જાય છે.’ (નિર્ગ ૨૩:૮) “લાંચ જ્ઞાની આંખોને આંધળી કરે છે.” (પુન ૧૬:૧૯) ન્યાયાધીશ ભલે ગમે તેટલા પ્રામાણિક અને સમજુ હોય, તોપણ જો તેમને કોઈ ભેટ આપે તો શું થાય? તે ચુકાદો આપતી વખતે જાણતા-અજાણતા ભેટ આપનારની પક્ષે ચુકાદો આપવા દોરાઈ શકે. ઈશ્વરનો નિયમ ન્યાયાધીશોને ભેટ લેવા વિશે ચેતવે છે. એટલું જ નહિ, એ જણાવે છે કે લાગણીવશ થઈને કોઈ નિર્ણય ન લેવો જોઈએ. એ કહે છે: ‘ગરીબને જોઈને તેનો પક્ષ ન લે, ને અમીરની તરફદારી ન કર.’ (લેવી ૧૯:૧૫) એવી જ રીતે, ન્યાયાધીશે લાગણીશીલ થઈને અથવા લોકોને ખુશ રાખવા ધનવાન વ્યક્તિની વિરુદ્ધ ખોટો ચુકાદો ન આપવો જોઈને.—નિર્ગ ૨૩:૨, ૩.

કીમતી રત્નો શોધીએ

(નિર્ગમન ૨૩:૯) અને પરદેશીને તું હેરાન ન કર; કેમ કે તમે મિસર દેશમાં પરદેશી હતા, માટે તમે પરદેશીની લાગણી જાણો છો.

w૧૬.૧૦ ૯ ¶૪

‘અજાણ્યાઓને પ્રેમ બતાવવાનું ભૂલશો નહિ’

૪ યહોવાએ ઇઝરાયેલીઓને ફક્ત આજ્ઞા ન આપી કે, તેઓ પરદેશીઓને માન આપે. પરંતુ, યહોવા તો ચાહતા હતા કે, ઇઝરાયેલીઓ યાદ રાખે કે, ‘પરદેશી હોવાની લાગણી’ કેવી હોય છે. કારણ કે, એક સમયે તેઓ પણ પરદેશી હતા. (નિર્ગમન ૨૩:૯ વાંચો.) ઇઝરાયેલીઓ ઇજિપ્તના લોકો કરતાં એકદમ અલગ હતા. એટલે, ઇજિપ્તના લોકો તેઓને ધિક્કારતા હતા. અરે, ઇઝરાયેલીઓ ગુલામ બન્યા એ પહેલાં પણ ઇજિપ્તના લોકોને તેઓ ગમતા ન હતા. (ઉત. ૪૩:૩૨; ૪૬:૩૪; નિર્ગ. ૧:૧૧-૧૪) પરદેશીઓ તરીકે ઇઝરાયેલીઓનું જીવન ખૂબ અઘરું હતું. યહોવા ચાહતા હતા કે, તેઓ એ વાત યાદ રાખે અને પરદેશીઓ પર દયા બતાવે.—લેવી. ૧૯:૩૩, ૩૪.

(નિર્ગમન ૨૩:૨૦, ૨૧) જો, માર્ગે તને સંભાળવાને માટે, ને મેં જે ઠેકાણું સિદ્ધ કર્યું છે તેમાં તને લાવવાને માટે હું તારી આગળ દૂતને મોકલું છું. ૨૧ તેની વાતને ધ્યાન દેજે, ને તેની વાણી સાંભળજે; તેને ક્રોધ ચઢાવીશ નહિ; કેમ કે તે તમારો અપરાધ માફ કરશે નહિ; કારણ કે મારું નામ તેનામાં છે.

it-૨-E ૩૯૩

મિખાયેલ

૧. બાઇબલમાં ફક્ત બે સ્વર્ગ દૂતોનાં નામ જણાવવામાં આવ્યાં છે. એક છે, ગાબ્રિયેલ અને બીજું છે, મિખાયેલ. મિખાયેલને “પ્રમુખ દૂત” પણ કહેવામાં આવ્યા છે. (યહુ ૯) તેમનું નામ પહેલી વાર દાનીયેલના દસમા અધ્યાયમાં જોવા મળે છે. એમાં જણાવ્યું છે કે તે “મુખ્ય સરદારોમાંનો એક” છે. જ્યારે ‘ઈરાનના સરદારે’ યહોવાના એક દૂતનો વિરોધ કર્યો ત્યારે મિખાયેલ એ દૂતની મદદે આવ્યા હતા. મિખાયેલ ‘મહાન સરદાર’ નામથી પણ ઓળખાય છે, જે ‘દાનીયેલના લોકોના પક્ષમાં ઊભા’ રહ્યા હતા. (દા ૧૦:૧૩, ૨૦, ૨૧; ૧૨:૧) આ માહિતી પરથી જોવા મળે છે કે ઇઝરાયેલીઓને અરણ્યમાંથી બહાર લાવવા સ્વર્ગદૂત મિખાયેલે મદદ કરી હતી. (નિર્ગ ૨૩:૨૦, ૨૧, ૨૩; ૩૨:૩૪; ૩૩:૨) એ માનવા માટે બીજું એક કારણ આ પણ છે: “પ્રમુખ દૂત મિખાયેલને શેતાન સાથે મતભેદ ઊભો થયો અને મુસાના શબ વિશે તકરાર થઈ.“—યહુ ૯.

બાઇબલ વાંચન

(નિર્ગમન ૨૩:૧-૧૯)

સપ્ટેમ્બર ૧૪-૨૦

બાઇબલમાં રહેલો ખજાનો | નિર્ગમન ૨૫-૨૬

“મંડપમાં સૌથી મહત્ત્વની વસ્તુ”

(નિર્ગમન ૨૫:૯) જે સર્વ હું તને દેખાડું છું, એટલે મંડપનો નમૂનો તથા તેના સર્વ સામાનનો નમૂનો, તે પ્રમાણે તમે તે બનાવો.

it-૧-E ૧૬૫

કરારકોશ

નમૂનો અને રૂપરેખા. યહોવાએ સૌથી પહેલાં મુસાને મંડપ બનાવવા વિશે માહિતી આપી હતી. જેમાં કરારકોશનો નમૂનો આપવામાં આવ્યો હતો. ઇઝરાયેલીઓ માટે એ કરારકોશ સૌથી મહત્ત્વનો હતો. એનો આકાર પેટી જેવો હતો. એનું માપ આ પ્રમાણે હતું: ૨.૫ હાથ લાંબો, ૧.૫ હાથ પહોળો અને ૧.૫ હાથ ઊંચો (એટલે આશરે ૧૧૧ × ૬૭ × ૬૭ સે. મી; ૪૪ × ૨૬ × ૨૬ ઇંચ) હતો. એ બાવળના લાકડામાંથી બનાવવામાં આવ્યો હતો. એ અંદરથી અને બહારથી ચોખ્ખા સોનાથી મઢ્યો હતો. ‘તેને ફરતે સોનાની કિનારી બનાવી હતી.’ કરારકોશનો બીજો ભાગ, એનું ઢાંકણ, એ બધું પણ સોનાનું હતું. એટલું નહિ, એ કરારકોશની પેટી બનાવવા માટે વપરાયેલું લાકડું પણ ચોખ્ખા સોનાથી મઢવામાં આવ્યું હતું. એના ઢાંકણ પર, ટીપીને બનાવેલી બે સોનાની કરૂબોની મૂર્તિઓ બેસાડવામાં આવી હતી. ઢાંકણના બંને છેડા પર એટલે કે એક છેડે એક કરૂબ અને બીજે છેડે બીજો, એમ બે કરૂબો બેસાડવામાં આવ્યા હતા. તેઓનાં મુખ એકબીજાની સામ સામે રહે એ રીતે તેઓને મૂકવામાં આવ્યા હતા. તેઓનું માથું ઢાંકણ તરફ નીચે નમેલું હતું અને પાંખો ઉપર ફેલાવેલી હતી જે આખા કરારકોશને ઢાંકી દેતી હતી. (નિર્ગ ૨૫:૧૦, ૧૧, ૧૭-૨૨; ૩૭:૬-૯) આ ઢાંકણને “દયાસન” અથવા “કરારકોશનું ઢાંકણ” પણ કહેવામાં આવતું.—નિર્ગ ૨૫:૧૭; હિબ્રૂ ૯:૫.

(નિર્ગમન ૨૫:૨૧) અને કોશ ઉપર તું દયાસન મૂક; અને હું તને જે સાક્ષ્યલેખ આપીશ, તે તું કોશની અંદર મૂકજે.

it-૧-E ૧૬૬ ¶૨

કરારકોશ

કરારકોશમાં પવિત્ર વસ્તુઓ સાચવવામાં આવતી હતી. જેમ કે, બે શિલાપાટી. એ દસ આજ્ઞાઓ તરીકે પણ ઓળખાય છે. (નિર્ગ ૨૫:૧૬) ‘એ કરારકોશમાં માન્‍ના ભરેલો સોનાનો ઘડો હતો’ અને ‘કળીઓ ફૂટેલી હારુનની છડી પણ હતી’. પણ પછી સુલેમાનનુ મંદિર બાંધવામાં આવ્યું એના અમુક સમય પહેલા આ વસ્તુઓને કરારકોશમાંથી કાઢી નાખવામાં આવી. (હિબ્રૂ ૯:૪; નિર્ગ ૧૬:૩૨-૩૪; ગણ ૧૭:૧૦; ૧રા ૮:૯; ૨કા ૫:૧૦) મુસાએ પોતાના મરણના થોડા સમય પહેલાં યાજકોને આજ્ઞા આપી કે, ‘આ નિયમનું પુસ્તક લો, ને યહોવા તમારા ઈશ્વરના કરારકોશની બાજુમાં રાખી મૂકો, જેથી તે તમારી વિરુદ્ધ સાક્ષી તરીકે ત્યાં રહે.’—પુન ૩૧:૨૪-૨૬.

(નિર્ગમન ૨૫:૨૨) અને ત્યાં હું તને મળીશ, ને ઈસ્રાએલ પુત્રોને માટે જે આજ્ઞાઓ હું તને આપીશ તે સર્વ વિશે, સાક્ષ્યલેખના કોશ પરના દયાસન ઉપરથી, બે કરૂબોની વચમાંથી, હું તારી સાથે વાત કરીશ.

it-૧-E ૧૬૬ ¶૩

કરારકોશ

કરારકોશ યહોવાની હાજરી બતાવતો હતો. પ્રાચીન સમયમાં કરારકોશ ઈશ્વરની હાજરીને બતાવતો હતો. યહોવાએ વચન આપ્યું: ‘હું તને મળીશ ને સાક્ષીલેખ કોશ પરના ઢાંકણ ઉપરથી, બે કરૂબોની વચમાંથી, હું તારી સાથે વાત કરીશ (નિર્ગ ૨૫:૨૨; લેવી ૧૬:૨) શમુએલે લખ્યું કે યહોવા ‘કરૂબો પર બિરાજમાન છે.’ (૧શ ૪:૪); એટલે એ કરૂબો યહોવાના ‘રથને રજૂ કરતા હતા.‘ (૧કા ૨૮:૧૮) એટલે જ ‘મુસા મુલાકાતમંડપમાં ઈશ્વરની સાથે વાત કરવા ગયા, ત્યારે બે કરૂબો મધ્યે સાક્ષીકોશના ઢાંકણ ઉપરથી તેમણે ઈશ્વરની વાણી સાંભળી; અને ઈશ્વરે તેમની સાથે વાત કરી.’ (ગણ ૭:૮૯) સમય જતાં યહોશુઆ અને પ્રમુખ યાજક ફીનહાસ પણ કરારકોશ આગળ યહોવાની સલાહ પૂછતા. (યહો ૭:૬-૧૦; ન્યા ૨૦:૨૭, ૨૮) તેમ છતાં, ફક્ત પ્રમુખ યાજક વર્ષમાં એક જ વાર પરમ પવિત્ર ભાગમાં જતા ત્યારે કરારકોશ જોઈ શકતા. ત્યાં તેઓ યહોવાની સલાહ લેવા નહિ પણ પાપ અર્પણોની વિધિ માટે જતા.—લેવી ૧૬:૨, ૩, ૧૩, ૧૫, ૧૭; હિબ્રૂ ૯:૭.

કીમતી રત્નો શોધીએ

(નિર્ગમન ૨૫:૨૦) અને કરૂબો પાંખો ઊંચી પસારીને ને મુખો સામસામાં રાખીને દયાસન પર પોતાની પાંખોથી આચ્છાદન કરે; કરૂબોનાં મોં દયાસન ભણી રહે.

it-૧-E ૪૩૨ ¶૧

કરૂબ

રણમાં પહોંચ્યા પછી ઇઝરાયેલીઓએ કરારકોશ ઊભો કર્યો. કરારકોશના ઢાંકણના બંને છેડે સોનાના કરૂબો બેસાડ્યા હતા. એક કરૂબ એક છેડે અને બીજો કરૂબ બીજે છેડે. તેઓનાં મોં સામ સામે અને નીચે નમેલાં હતાં. એવું લાગી રહ્યું હતું કે તેઓ યહોવાની ભક્તિ કરી રહ્યા છે. કરૂબોની પાંખો ઊંચે ફેલાયેલી હતી. એનાથી કરારકોશનું ઢાંકણું ઢંકાઈ જતું. એવું લાગતું કે જાણે તેઓ એનું રક્ષણ કરતા હોય. (નિર્ગ ૨૫:૧૦-૨૧; ૩૭:૭-૯) મંડપને ઢાંકતા અંદરના પડદા તેમ જ પવિત્ર અને પરમપવિત્ર વિભાગને અલગ પાડતા પડદા પર ભરતકામ કરીને કરૂબોના ચિત્રો બનાવેલા હતા.—નિર્ગ ૨૬:૧, ૩૧; ૩૬:૮, ૩૫.

(નિર્ગમન ૨૫:૩૦) અને તું સદા મારી આગળ મેજ પર અર્પેલી રોટલી રાખ.

it-૨-E ૯૩૬

અર્પણ કરેલી રોટલી

મંડપ કે મંદિરના પરમ પવિત્ર વિભાગમાં એક મેજ હતી. એના પર અર્પણ કરેલી ૧૨ રોટલીઓ મૂકવામાં આવતી. દર સાબ્બાથના દિવસે એ રોટલીઓની જગ્યાએ તાજી રોટલીઓ મૂકવામાં આવતી. (નિર્ગ ૩૫:૧૩; ૩૯:૩૬; ૧રા ૭:૪૮; ૨કા ૧૩:૧૧; નહે ૧૦:૩૨, ૩૩) અર્પણ કરેલી રોટલી માટે હિબ્રૂ ભાષામાં વપરાયેલા શબ્દનો અર્થ થાય ‘મુખની રોટલી.’ અમુક વખતે ‘મુખ’ માટે વપરાયેલા શબ્દનો અર્થ ‘હાજરી’ થતો. (૨રા ૧૩:૨૩) એ કારણથી અર્પણ કરેલી રોટલી હંમેશાં યહોવાની સામે રાખવામાં આવતી—નિર્ગ ૨૫:૩૦.

બાઇબલ વાંચન

(નિર્ગમન ૨૫:૨૩-૪૦)

સપ્ટેમ્બર ૨૧-૨૭

બાઇબલમાં રહેલો ખજાનો | નિર્ગમન ૨૭-૨૮

“યાજકનાં કપડાંથી આપણને શું શીખવા મળે છે?”

(નિર્ગમન ૨૮:૩૦) અને ન્યાયકરણના ઉરપત્રમાં તું ઉરીમ તથા તુમ્મીમ ઘાલ; અને હારુન યહોવાની હજૂરમાં જાય, ત્યારે તેઓ તેની છાતી પર રહે; અને હારુન યહોવાની આગળ ઈસ્રાએલ પુત્રોનો ન્યાય પોતાની છાતી પર સદા રાખે.

it-૨-E ૧૧૪૩

ઉરીમ અને તુમ્મીમ

ઘણા બાઇબલ વિદ્વાનોનું માનવું છે કે ઉરીમ અને તુમ્મીમ ચિઠ્ઠીઓ હતી. જેમ્સ મોફેટના બાઇબલ અનુવાદમાં નિર્ગમન ૨૮:૩૦માં એ ચિઠ્ઠીઓને ‘પવિત્ર ચિઠ્ઠીઓ’ કહી છે. અમુકનું માનવું છે કે એ ત્રણ ચિઠ્ઠીઓ હતી. એક પર “હા,” બીજી પર “ના” લખ્યું હતું. ત્રીજી ચિઠ્ઠી કોરી હતી. કોઈક સવાલનો જવાબ જાણવા આ ચિઠ્ઠીઓ ઉછાળવામાં આવતી. વ્યક્તિ કોઈ પણ એક ચિઠ્ઠી ઉઠાવતી. એ ચિઠ્ઠીમાં જે લખ્યું હશે એ તેના સવાલનો જવાબ હશે. જો કોરી ચિઠ્ઠી નીકળે તો એનો અર્થ થતો કે કોઈ જવાબ મળ્યો નથી. બીજા અમુકને લાગે છે કે ઉરીમ અને તુમ્મીમ બે સપાટ પથ્થર હતા. એ પથ્થર એક બાજુથી સફેદ અને બીજી બાજુથી કાળા હતા. એને સાથે ઉછાળવામાં આવતા. જો બંને પથ્થરના સફેદ ભાગ ઉપર હોય તો એનો અર્થ “હા” થતો અને બંને પથ્થરનો કાળા ભાગ ઉપર હોય તો “ના” થતો. જ્યારે કે એક પથ્થરનો ભાગ સફેદ અને બીજા પથ્થરનો કાળો ભાગ ઉપર હોય તો એનો અર્થ થતો કે કોઈ જવાબ મળ્યો નથી. એક વખતે શાઊલ રાજાએ યાજક દ્વારા યહોવાને પૂછ્યું કે તે પલિસ્તીઓ પર હુમલો કરે કે નહિ. પણ તેને એનો કોઈ જવાબ મળ્યો નહિ. એનાથી તેને લાગ્યું કે કદાચ તેના માણસોમાંથી કોઈએ પાપ કર્યું હશે. એટલે તેણે યહોવાને વિનંતી કરી અને ચિઠ્ઠીઓ ઉછાળતાં કહ્યું: ‘હે ઈશ્વર, અમને તુમ્મીમથી જવાબ આપો.’ ત્યારે બધા લોકોમાંથી શાઉલ અને યોનાથાનને અલગ કરવામાં આવ્યા. તેઓમાંથી કોણે પાપ કર્યું છે એ જાણવા ફરી ચિઠ્ઠીઓ નાખવામાં આવી. ‘અમને તુમ્મીમથી જવાબ આપો,’ એવા શબ્દો પરથી એવું લાગે છે કે ઉરીમ અને તુમ્મીમ ચિઠ્ઠીઓ નહિ હોય પણ એનો અને ચિઠ્ઠીઓ નાખવા વચ્ચે કોઈ સંબંધ જરૂર હશે.—૧શ ૧૪:૩૬-૪૨.

(નિર્ગમન ૨૮:૩૬) અને તું ચોખ્ખા સોનાનું પત્ર બનાવ, ને તેના પર મુદ્રાની કોતરણી પ્રમાણે આ શબ્દો કોતર, કે યહોવાને માટે પવિત્ર.

it-૧-E ૮૪૯ ¶૩

કપાળ

ઇઝરાયેલના પ્રમુખ યાજક. ઇઝરાયેલમાં પ્રમુખ યાજક પાઘડી પહેરતા. એ પાઘડીના આગળના ભાગમાં સોનાની પટ્ટી એટલે કે ‘સમર્પણની પવિત્ર નિશાની’ હતી. એના પર મહોરની જેમ આ શબ્દો કોતરેલા હતા: ‘યહોવા પવિત્ર છે.’ (નિર્ગ ૨૮:૩૬-૩૮; ૩૯:૩૦) ઇઝરાયેલમાં પ્રમુખ યાજક યહોવાની ભક્તિમાં આગેવાન હતા. એટલે સૌથી મહત્ત્વનું હતું કે તે યહોવાની નજરમાં શુદ્ધ રહે. તેમજ તેમની પાઘડી પરનું લખાણ ઇઝરાયેલીઓને યાદ કરાવતું કે યહોવાના ભક્તોએ હંમેશાં શુદ્ધ રહેવું જોઈએ. સોનાની પટ્ટી પરના શબ્દો ઈસુ ખ્રિસ્તને પણ લાગુ પડે છે. યહોવાએ તેમને સૌથી મહાન પ્રમુખ યાજક તરીકે નીમ્યા છે અને તે પણ યહોવાની જેમ શુદ્ધ છે.—હિબ્રૂ ૭:૨૬.

(નિર્ગમન ૨૮:૪૨, ૪૩) અને તેઓનું નાગાપણું ઢાંકવાને માટે તું તેઓને માટે શણના જાંઘિયા બનાવ; તેઓ કમરથી તે જાંઘ સુધી પહોંચે; ૪૩ અને હારુન તથા તેના દીકરાઓ જ્યારે મુલાકાતમંડપમાં જાય, અથવા પવિત્રસ્થાનમાં સેવા કરવાને માટે જ્યારે વેદીની પાસે આવે, ત્યારે તેઓ તે પહેરીને જાય; રખેને તેઓને માથે દોષ આવે ને તેઓ માર્યા જાય. તે તેને માટે તથા તેના પછીના તેના સંતાનને માટે સદાનો વિધિ થાય.

w૦૮ ૮/૧ ૨૧ ¶૧૭

ગૌરવી યહોવાહને માન આપીએ

૧૭ આપણે યહોવાહની ભક્તિ કરવાની બાબતમાં પણ માન આપવું જોઈએ. મુસા અને યહોશુઆને આજ્ઞા આપવામાં આવી હતી કે મુલાકાત મંડપ જેવી પવિત્ર જગ્યાએ જાય ત્યારે ચંપલ ઉતારીને જાય. (નિર્ગ. ૩:૫; યહો. ૫:૧૫) આ રીતે તેઓ યહોવાહની ભક્તિને માન આપતા. એના વિષે સભાશિક્ષક ૫:૧ જણાવે છે કે “ઈશ્વરના મંદિરમાં તું જાય ત્યારે તારો પગ સંભાળ.” ચાલો હવે ઈસ્રાએલના યાજકોનો વિચાર કરીએ. યાજકો અને તેઓના ઘરના દરેક સભ્યોએ પણ યહોવાહની ભક્તિને માન આપવાનું હતું. યાજકોએ વેદી પાસે જતી વખતે એવું વસ્ત્ર પહેરવાનું હતું, જેનાથી ‘નગ્‍નતા’ ન દેખાય. (નિર્ગ. ૨૮:૪૨, ૪૩) આ રીતે તેઓ યહોવાહની ભક્તિને માન આપતા.

કીમતી રત્નો શોધીએ

(નિર્ગમન ૨૮:૧૫-૨૧) અને તું નિપુણ વણકરની કારીગરીનું ન્યાયકરણનું ઉરપત્ર બનાવ; તું તેને એફોદની બનાવટ પ્રમાણે બનાવ; સોનાનું તથા નીલ તથા જાંબુઆ તથા કિરમજી રંગનું તથા ઝીણા કાંતેલા શણનું તું તે બનાવ. ૧૬ તે સમચોરસ તથા બેવડું હોય; તે એક વેંત લાંબું તથા એક વેંત પહોળું હોય, ૧૭ અને તેમાં તું પાષાણની ચાર હાર જડ: માણેક, પોખરાજ તથા લાલની હાર, તે પહેલી હાર થાય; ૧૮ અને બીજી હાર લીલમ, નીલમ, તથા હીરાની; ૧૯ અને ત્રીજી હાર શનિ, અકીક તથા યાકૂતની; ૨૦ અને ચોથી હાર, પીરોજ તથા ગોમેદ તથા યાસપિસની; એમને સોનાના જડાવમાં જડાવવા. ૨૧ અને ઈસ્રાએલના પુત્રોનાં નામ પ્રમાણે, એટલે તેઓનાં નામની સંખ્યા પ્રમાણે, પાષાણો બાર હોય; તેઓ બાર કુળને માટે થાય, એટલે પ્રત્યેક પર મુદ્રા કોતરવાની રીત પ્રમાણે અમુક કુળનું નામ કોતરેલું હોય

w૧૨-E ૮/૧ ૨૬ ¶૧-૩

શું તમે જાણો છો?

પ્રમુખ યાજકના ઉરપત્ર પર લગાડેલા કીમતી પથ્થર ક્યાંના હતા?

ઇઝરાયેલીઓ ઇજિપ્તમાંથી બહાર આવ્યા અને વેરાન પ્રદેશમાં પહોંચ્યા. પછી યહોવાએ તેઓને પ્રમુખ યાજક માટે ઉરપત્ર બનાવવાનું જણાવ્યું. (નિર્ગમન ૨૮:૧૫-૨૧) ઉરપત્રમાં માણેક, પોખરાજ, લાલ, લીલમ, હીરો, પીરોજ, નીલમ, યાસપિસ, શનિ, અકીક, યાકૂત, ગોમેદ જેવા પથ્થરો જડવામાં આવ્યા હતા. ઇઝરાયેલીઓ પાસે આવા રત્નો ક્યાંથી આવ્યા?

બાઇબલના સમયના લોકો રત્નોને કીમતી ગણતા અને એને વેચતા અને ખરીદતા હતા. દાખલા તરીકે ઇજિપ્તના લોકો દૂરના દેશોથી રત્નો ખરીદતા. જેમ કે, ઇરાન, અફઘાનિસ્તાન અને કદાચ ભારત સુધી તેઓ મુસાફરી કરતા. ઇજિપ્તની ખાણોમાંથી જાતજાતના કીમતી રત્નો મળી આવતા. ઇજિપ્તના રાજાઓ મોટા ભાગે જે જે વિસ્તારોમાં રાજ કરતા ત્યાંથી પણ કીમતી પથ્થરો લઈ આવતા. અયૂબે જણાવ્યું છે કે તેમના સમયમાં લોકો ખાડા ખોદીને કીમતી વસ્તુઓ કાઢતા. જેમ કે નીલમ અને પોખરાજ.—અયૂબ ૨૮:૧-૧૧, ૧૯.

નિર્ગમનનો અહેવાલ જણાવે છે કે ઇઝરાયેલીઓ ઇજિપ્તમાંથી બહાર આવ્યા ત્યારે તેઓ ઇજિપ્તના લોકોને લૂંટીને કીમતી વસ્તુઓ લાવ્યા હતા. (નિર્ગમન ૧૨:૩૫, ૩૬) એના પરથી એવું લાગે છે કે પ્રમુખ યાજકના ઉરપત્રમાં જે રત્નો હતા એ ઇજિપ્તના લોકો પાસેથી મેળવ્યા હશે.

(નિર્ગમન ૨૮:૩૮) અને તે હારુનના કપાળ પર રહે, ને ઈસ્રાએલ પુત્રો તેઓનાં સર્વ પવિત્ર દાન આપવામાં જે પવિત્ર વસ્તુઓ પૂજ્ય કરે, તેઓનો અપરાધ હારુનને માથે આવે; અને તે પત્ર તેના કપાળ પર સદા રહે, એ માટે કે તેઓ યહોવાની આગળ માન્ય થાય.

it-૧-E ૧૧૩૦ ¶૨

પવિત્રતા

પ્રાણીઓ અને ઊપજ. ઇઝરાયેલીઓનાં ઢોરઢાંકમાંથી પ્રથમ જન્મેલા નર, ઘેટાં અને બકરાં યહોવા માટે પવિત્ર ગણાતાં. ઇઝરાયેલીઓ પૈસા આપીને તેઓને છોડાવી શકતા નહિ. તેઓને અર્પણ તરીકે ચઢાવવામાં આવતા. એ અર્પણ ચઢાવનાર યાજકોને એમાંનો અમુક ભાગ મળતો. (ગણ ૧૮:૧૭-૧૯) જમીનની પ્રથમ ઊપજ કે પેદાશમાંથી દશમો ભાગ પવિત્ર ગણાતો. તેમ જ, અર્પણ કરવામાં આવતી સર્વ વસ્તુઓ કે ભેટો મંડપમાં સેવા આપનારાઓ માટે પવિત્ર ગણાતી. (નિર્ગ ૨૮:૩૮) યહોવાને અર્પેલી સર્વ વસ્તુઓ પવિત્ર છે, એને મામૂલી કે સામાન્ય ગણવી નહિ. એટલે, એને કોઈ રીતે અપવિત્ર કરવી નહિ. હવે માની લો કે એક વ્યક્તિ ઘઉંની ઊપજમાંથી દશમો ભાગ અર્પણ કરવા માટે અલગ કરે છે. પછી તે અથવા તેમના કુટુંબમાંથી બીજું કોઈક અજાણતા એ ઘઉં ખાવા માટે વાપરે છે. એવા સંજોગોમાં, તેમણે જેટલા ઘઉં લીધા હોય એટલા અને એની ઉપર વીસ ટકા ઘઉં ભરપાઈ કરી આપવા પડતા. એ ઉપરાંત યહોવા પ્રત્યે પોતાનો દોષ દૂર કરવા પોતાના જાનવરોમાંથી ખોડખાંપણ વગરના એક ઘેટાનું બલિદાન ચઢાવવું પડતું. આ રીતે યહોવાની પવિત્ર વસ્તુઓ માટે માન જળવાઈ રહેતું.—લેવી ૫:૧૪-૧૬.

બાઇબલ વાંચન

(નિર્ગમન ૨૭:૧-૨૧)

સપ્ટેમ્બર ૨૮–ઑક્ટોબર ૪

બાઇબલમાં રહેલો ખજાનો | નિર્ગમન ૨૯-૩૦

“યહોવા માટે દાન”

(નિર્ગમન ૩૦:૧૧, ૧૨) અને યહોવાએ મુસાને કહ્યું, કે ૧૨ ઈસ્રાએલ પુત્રોની સંખ્યા કેટલી છે તે જોવા જ્યારે તું ગણતરી કરે ત્યારે તેમની ગણતરી થતી વખતે તેઓમાંનો દરેક પુરુષ પોતાના જીવને માટે યહોવાને ખંડણી આપે; એ માટે કે જ્યારે તેમની ગણતરી થાય ત્યારે તેઓ મધ્યે કંઈ મરકી ન આવે.

it-૨-E ૭૬૪-૭૬૫

વસ્તી ગણતરી

સિનાઈ પાસે. ઇઝરાયેલીઓ ઇજિપ્તમાંથી બહાર નીકળ્યા એના બીજા વર્ષના બીજા મહિને યહોવાએ મૂસાને કહ્યું કે તે ઇઝરાયેલીઓની વસ્તી ગણતરી કરે. મુસાને એ કામમાં મદદ કરવા દરેક કુળમાંથી એક આગેવાન પસંદ કરવામાં આવ્યા, જેથી તેઓ પોતાના કુળની વસ્તી ગણતરી કરે. તેઓએ ૨૦ વર્ષ કે એનાથી વધારે ઉંમરના પુરુષોની ગણતરી કરી, જેથી તેઓ સેનામાં સેવા આપી શકે. તેમ જ, ગણતરી કરવામાં આવેલા દરેક પુરુષ પાસેથી મંડપમાં થતી સેવા માટે અડધો શેકેલ (આશરે ૮૩ રૂપિયા) કર લેવામાં આવ્યો. (નિર્ગ ૩૦:૧૧-૧૬; ગણ ૧:૧-૧૬, ૧૮, ૧૯) તેઓની કુલ સંખ્યા ૬,૦૩,૫૫૦ હતી. એમાં લેવીઓની ગણતરી કરવામાં ન આવી, કેમ કે તેઓને વારસામાં કોઈ જમીન મળવાની ન હતી. એટલે તેઓને મંડપનો કર ભરવાની કે સેનામાં સેવા આપવાની જરૂર ન હતી.—ગણ ૧:૪૪-૪૭; ૨:૩૨, ૩૩; ૧૮:૨૦, ૨૪.

(નિર્ગમન ૩૦:૧૩-૧૫) તેઓ આ પ્રમાણે આપે: ગણમાં જેઓ દાખલ થાય તેઓમાંનો દરેક પુરુષ પવિત્રસ્થાનના શેકેલ પ્રમાણે અડધો શેકેલ આપે (વીસ ગેરાહનો શેકેલ થાય છે), યહોવાને અર્પણ તરીકે તે અડધો શેકેલ આપે. ૧૪ વીસ વર્ષનો કે તેથી વધારે વયનો જે દરેક પુરુષ ગણમાં દાખલ થાય, તે યહોવાને આ અર્પણ આપે. ૧૫ તમારા જીવને માટે પ્રાયશ્ચિત્ત કરવાને માટે તેઓ યહોવાને અર્પણ ચઢાવે ત્યારે દ્રવ્યવાન માણસ અડધા શેકેલ કરતાં વત્તું ન આપે, તેમ દરિદ્રી તેથી ઓછું ન આપે.

it-૧-E ૫૦૨

દાન

નિયમ પ્રમાણે ઇઝરાયેલીઓએ અમુક કિસ્સાઓમાં દાન આપવાનું હતું. જ્યારે મુસાએ તેઓની વસ્તી ગણતરી કરી ત્યારે ૨૦ વર્ષ કે એનાથી મોટી ઉંમરના પુરુષોએ પોતાનાં જીવન માટે છુટકારાની કિંમત ચૂકવવા ‘પવિત્રસ્થાનના શેકેલના તોલમાપ પ્રમાણે અડધો શેકેલ [આશરે ૮૩ રૂપિયા]’ આપવાના હતા. એ તેઓના જીવન માટે છુટકારાની કિંમત હતી અને “મુલાકાતમંડપની સેવા” માટે ‘યહોવાને કરેલું અર્પણ’ હતું. (નિર્ગ ૩૦:૧૧-૧૬) યહુદી ઇતિહાસકાર જોસેફસના જણાવ્યા પ્રમાણે આ ‘પવિત્ર દાન‘ દર વર્ષે આપવામાં આવતું.—૨કા ૨૪:૬-૧૦; માથ ૧૭:૨૪.

(નિર્ગમન ૩૦:૧૬) અને ઈસ્રાએલ પુત્રો પાસેથી પ્રાયશ્ચિત્તના પૈસા લઈને તું તેને મુલાકાતમંડપની સેવાને અર્થે ઠરાવ; એ માટે કે તે તમારા જીવને માટે પ્રાયશ્ચિત્ત કરવાને અર્થે ઈસ્રાએલ પુત્રોને માટે યહોવાની આગળ યાદગીરીરૂપ થાય.

w૧૧-E ૧૧/૧ ૧૨ ¶૧-૨

શું તમે જાણો છો?

યરૂશાલેમમાં યહોવાના મંદિરનો ખરચો ઉપાડવા પૈસા ક્યાંથી આવતા?

મંદિરમાં થતી અલગ અલગ સેવાઓનો ખર્ચ પૂરો કરવા ઇઝરાયેલીઓએ દાન આપવાનું હતું. એ માટે લોકો ફરજિયાત પોતાની ઊપજ કે કમાણીનો દસમો ભાગ આપતા. એ ઉપરાંત, તેઓએ બીજા પણ કર ભરવાના હતા. જેમ કે, મંડપના બાંધકામ વખતે યહોવાએ મુસાને જણાવ્યું કે વસ્તી ગણતરી પ્રમાણે દરેક ઇઝરાયેલી પાસેથી અડધો શેકેલ લેવો. એ ‘યહોવા માટે અર્પણ’ ગણાતું.—નિર્ગમન ૩૦:૧૨-૧૬.

સમય જતાં, દર વર્ષ યહૂદીઓ પાસેથી મંદિર માટે કર લેવાનો રિવાજ બની ગયો. એટલે ઈસુએ પીતરને જણાવ્યું કે, ‘માછલીના મોંમાં ચાંદીનો સિક્કો મળશે, એનાથી કર ભરી દે’ ત્યારે તે આ જ કર ભરવાની વાત કરતા હતા.—માથ્થી ૧૭:૨૪-૨૭.

કીમતી રત્નો શોધીએ

(નિર્ગમન ૨૯:૧૦) અને તું તે વાછરડાને મુલાકાતમંડપ આગળ લાવ; અને હારુન તથા તેના દીકરાઓ વાછરડાના માથા પર હાથ મૂકે.

it-૧-E ૧૦૨૯ ¶૪

હાથ

હાથ મૂકવો. કોઈ વ્યક્તિ કે વસ્તુ પર હાથ મૂકવાના ઘણાં કારણો હતાં. જેમ કે, કોઈ ખાસ કામ માટે વ્યક્તિને પસંદ કરવી, સાજી કરવી, આશીર્વાદ આપવો, અથવા પવિત્ર શક્તિનું કોઈ વરદાન આપવું. પ્રાણીનું બલિદાન કરતા પહેલા તેઓ પર પણ હાથ પર મૂકવામાં આવતો હતો. જ્યારે હારૂન અને તેમના પુત્રોને યાજક તરીકે નીમવામાં કરવામાં આવ્યા ત્યારે તેઓએ પોતાનો હાથ આખલા અને ઘેટાના માથા પર મૂક્યો. એ દર્શાવતું કે આ પ્રાણીઓનું બલિદાન આપવાનું છે. એ પ્રાણીઓના બલિદાન પછી તેઓ યહોવાના યાજકો તરીકે સેવા આપી શકતા. (નિર્ગ ૨૯:૧૦, ૧૫, ૧૯; લેવી ૮:૧૪, ૧૮, ૨૨) જ્યારે યહોવાએ મૂસાને કહ્યું કે તે યહોશુઆને ઇઝરાયેલીઓના આગેવાન તરીકે પસંદ કરે, ત્યારે તેમણે યહોશુઆ પર પોતાનો હાથ મૂક્યા. એનાથી યહોશુઆ યહોવાના ‘જ્ઞાનથી ભરપૂર‘ થયા અને આગળ જતા સારી રીતે જવાબદારી ઉપાડી શક્યા. (પુન ૩૪:૯) વ્યક્તિને આશીર્વાદ આપવામાં આવે ત્યારે તેના પર હાથ મૂકવામાં આવતો. (ઉત ૪૮:૧૪; માર્ક ૧૦:૧૬) બીમારોને સજા કરતી વખતે અમુક વાર ઈસુ તેઓને અડક્યા અથવા તેઓ પર હાથ મૂક્યો. (માથ ૮:૩; માર્ક ૬:૫; લૂક ૧૩:૧૩) અમુક વાર પ્રેરિતોએ લોકો પર હાથ મૂક્યો અને એ લોકોને પવિત્ર શક્તિ મળી.—પ્રેકા ૮:૧૪-૨૦; ૧૯:૬.

(નિર્ગમન ૩૦:૩૧-૩૩) અને તું ઈસ્રાએલ પુત્રોને કહે, કે તમારી પેઢી દરપેઢી આ મારે માટે અભિષેકનું પવિત્ર તેલ થાય. ૩૨ તે માનવના દેહ પર ન રેડાય, ને તેના જેવી મેળવણીનું તમે કંઈ બનાવશો મા; તે પવિત્ર છે, ને તે તમારે માટે પણ પવિત્ર ગણાશે. ૩૩ જે કોઈ તેના સરખું કંઈ બનાવે અથવા જે કોઈ તેમાંનું પારકા માણસ પર રેડે, તે તેના સમાજમાંથી અલગ કરાય.

it-૧-E ૧૧૪ ¶૧

અભિષિક્ત, અભિષિક્ત કરવું

યહોવાએ મુસાને આપેલા નિયમમાં જણાવ્યું કે પવિત્ર તેલ કઈ રીતે તૈયાર કરવું. એ તેલ આવી વસ્તુઓથી બનેલું હતું: બોળ, સુગંધીદાર તજ, સુગંધીદાર બરુ, દાલચીની અને જૈતુનફળનું તેલ. (નિર્ગ ૩૦:૨૨-૨૫) જો કોઈ સામાન્ય વપરાશ માટે આ મિશ્રણ પ્રમાણે તેલ બનાવે તો તેને મોતની સજા થતી. (નિર્ગ ૩૦:૩૧-૩૩) એ દર્શાવતું હતું કે એ તેલ કેટલું પવિત્ર છે અને અભિષિક્ત કરેલી વ્યક્તિની જવાબદારી કેટલી મહત્ત્વની છે.

બાઇબલ વાંચન

(નિર્ગમન ૨૯:૩૧-૪૬)

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો