પાઠ ૧૨
ઈશ્વરની નજીક જવા તમે શું કરશો?
૧. શું ઈશ્વર બધાની પ્રાર્થનાઓ સાંભળે છે?
ઈશ્વર દુનિયાના સર્વ લોકોને પ્રાર્થના દ્વારા તેમની નજીક આવવા આમંત્રણ આપે છે. (ગીતશાસ્ત્ર ૬૫:૨) જોકે, તે બધાની પ્રાર્થના સાંભળતા કે સ્વીકારતા નથી. જેમ કે, કોઈ પુરુષ પોતાની પત્ની સાથે ખરાબ રીતે વર્તતો હોય, તો ઈશ્વર તેની પ્રાર્થના સાંભળશે નહિ. (૧ પીતર ૩:૭) પ્રાચીન સમયના ઈસ્રાએલી લોકોએ વારંવાર ખોટાં કામો કર્યાં ત્યારે, ઈશ્વરે તેઓની પ્રાર્થના સાંભળી નહિ. જોકે, ઘોર પાપ કરનાર પસ્તાવો કરે, તો ઈશ્વર તેની પ્રાર્થનાઓ સાંભળશે. આ બતાવે છે કે પ્રાર્થના એક લહાવો છે.—યશાયા ૧:૧૫; ૫૫:૭ વાંચો.
૨. આપણે કેવી રીતે પ્રાર્થના કરવી જોઈએ?
પ્રાર્થના આપણી ભક્તિનો એક ભાગ છે. એટલે, આપણે સરજનહાર યહોવાને જ પ્રાર્થના કરવી જોઈએ. (માથ્થી ૪:૧૦; ૬:૯) તેમ જ, આપણે પાપી છીએ. એટલે ઈસુના નામે પ્રાર્થના કરવી જોઈએ, કેમ કે તેમણે આપણાં પાપોને માટે પોતાનું બલિદાન આપ્યું છે. (યોહાન ૧૪:૬) યહોવા નથી ચાહતા કે આપણે ગોખેલી કે લખેલી પ્રાર્થના કરતા રહીએ. તે ચાહે છે કે આપણે દિલથી પ્રાર્થના કરીએ.—માથ્થી ૬:૭; ફિલિપી ૪:૬, ૭ વાંચો.
મનમાં કરેલી પ્રાર્થના પણ ઈશ્વર સાંભળે છે. (૧ શમૂએલ ૧:૧૨, ૧૩) યહોવા ચાહે છે કે આપણે કોઈ પણ સંજોગોમાં તેમને પ્રાર્થના કરીએ. જેમ કે, સવારમાં ઊઠીએ ત્યારે, સૂતા પહેલાં, જમવાના સમયે અને મુશ્કેલીમાં હોઈએ ત્યારે પ્રાર્થના કરીએ.—ગીતશાસ્ત્ર ૫૫:૨૨; માથ્થી ૧૫:૩૬.
૩. સાચા ખ્રિસ્તીઓ કેમ સભામાં ભેગા મળે છે?
આપણે એવા લોકો વચ્ચે જીવીએ છીએ, જેઓને ઈશ્વરમાં ભરોસો નથી અને ધરતી પર શાંતિ લાવવાના તેમના વચનને હસી કાઢે છે. તેથી, આજે ઈશ્વરની સમીપ જવું સહેલું નથી. (૨ તીમોથી ૩:૧, ૪; ૨ પીતર ૩:૩, ૧૩) એટલે, યહોવાના ભક્તોને એકબીજા પાસેથી ઉત્તેજન મળે એવી સંગતની જરૂર છે.—હિબ્રૂ ૧૦:૨૪, ૨૫ વાંચો.
ઈશ્વરને ચાહતા લોકોની આપણે સંગત રાખીશું તો, ઈશ્વરની સમીપ જવા આપણને મદદ મળશે. યહોવાના સાક્ષીઓની સભાઓમાં બીજાઓની શ્રદ્ધામાંથી ઉત્તેજન પામવાની સારી તક રહેલી છે.—રોમનો ૧:૧૨ વાંચો.
૪. ઈશ્વરની નજીક જવા તમે શું કરી શકો?
બાઇબલમાંથી જે શીખ્યા છો, એના પર વિચાર કરવાથી તમે યહોવાની નજીક જઈ શકશો. ઈશ્વરનાં કાર્યો, તેમનાં વચનો અને માર્ગદર્શન પર વિચાર કરો. આ રીતે પ્રાર્થનાપૂર્વક વિચાર કરવાથી તમે જોઈ શકશો કે ઈશ્વરનો પ્રેમ અને ડહાપણ કેટલા મહાન છે!—યહોશુઆ ૧:૮; ગીતશાસ્ત્ર ૧:૧-૩ વાંચો.
જો તમને ઈશ્વર પર ભરોસો અને શ્રદ્ધા હશે, તો જ તેમની નજીક જઈ શકશો. આપણી શ્રદ્ધા એક છોડ જેવી છે. જેમ એક છોડને વધવા ખાતર-પાણીની જરૂર પડે છે, તેમ આપણી શ્રદ્ધા વધારવા બાઇબલના શિક્ષણ પર નિયમિત રીતે વિચાર કરવાની જરૂર છે.—માથ્થી ૪:૪; હિબ્રૂ ૧૧:૧, ૬ વાંચો.
૫. ઈશ્વરની નજીક જવાથી કેવા ફાયદા થાય છે?
યહોવા પોતાના ભક્તોની સંભાળ રાખે છે. પોતાના ભક્તોની શ્રદ્ધા અને સદા જીવવાની આશાને નબળી પાડી દે એવી કોઈ પણ બાબતોથી તે તેઓનું રક્ષણ કરે છે. (ગીતશાસ્ત્ર ૯૧:૧, ૨, ૭-૧૦) યહોવા એવી બાબતોથી પણ દૂર રહેવા ચેતવણી આપે છે, જે આપણી તંદુરસ્તી જોખમમાં મૂકે અને સુખ છીનવી લે. યહોવા આપણને જીવનનો સૌથી સારો માર્ગ બતાવે છે.—ગીતશાસ્ત્ર ૭૩:૨૭, ૨૮; યાકૂબ ૪:૪, ૮ વાંચો.