સવાલ ૩
મમ્મી-પપ્પા સાથે પ્રેમથી વાત કરવા મારે શું કરવું?
તમે શું કરશો?
આની કલ્પના કરો: બુધવારની બપોર છે. ૧૭ વર્ષના જેફે પોતાનાં બધાં કામ પતાવી દીધાં છે અને હવે તે હળવાશની થોડીક પળો માણવા ચાહે છે. તે ટીવી ચાલુ કરે છે અને પોતાની મનગમતી ખુરશી પર આરામથી બેસે છે.
એ જ સમયે તેના પપ્પા આવે છે, જે નારાજ દેખાય છે.
“જેફરી! તારે નાના ભાઈને હોમવર્કમાં મદદ કરવાની હતી. એને બદલે, તું ટીવી પાછળ સમય બગાડે છે? તને જે કહેવામાં આવે, એ તું ક્યારેય કરતો નથી!”
“લો, ફરી શરૂ થઈ ગયા,” જેફ જોરથી બબડે છે.
પપ્પા જરાક પાસે જઈને બોલ્યા, “શું કીધું તેં?”
જેફ ચિડાઈને કહે છે, “કંઈ નહિ, પપ્પા.”
પપ્પા ગુસ્સે થઈને કડક અવાજે કહે છે, “એ રીતે વાત કરાય!”
જો તમે જેફની જગ્યાએ હો, તો આવી બોલાચાલી ટાળવા શું કરશો?
થોભો અને વિચારો!
મમ્મી-પપ્પા સાથે વાતચીત કરવી તો કાર ચલાવવા જેવું છે. રસ્તો બંધ દેખાય તો બીજો રસ્તો લઈ શકાય.
દાખલા તરીકે:
લીઆ નામની છોકરી કહે છે, ‘પપ્પા સાથે વાત કરવી મને ઘણી અઘરી લાગે છે. ક્યારેક તો હું થોડી વાર વાત કરું પછી તે કહેશે, “સોરી, તું મને કંઈ કહે છે?”’
લીઆ પાસે ઓછાંમાં ઓછાં ત્રણ ઓપ્શન છે.
ગુસ્સામાં મોટેથી બોલે.
લીઆ ગુસ્સામાં કહે, “સાંભળો તો ખરાં, મારી વાત મહત્ત્વની છે!”
પપ્પા જોડે વાત કરવાનું છોડી દે.
લીઆ પોતાની મુશ્કેલી વિશે જણાવવાનો પ્રયત્ન પડતો મૂકે.
યોગ્ય સમયની રાહ જોઈને ફરી કોઈક વાર એ વિશે વાત કરે.
થોડા સમય પછી લીઆ પપ્પા જોડે વાત કરે, અથવા તેની મુશ્કેલી વિશે પત્ર લખે.
લીઆને તમે કયું ઓપ્શન પસંદ કરવા કહેશો?
વિચાર કરો: લીઆના પપ્પાનું ધ્યાન ક્યાંક બીજે છે. એટલે, તેમને ખબર નથી કે લીઆ કેટલી નિરાશ છે. જો લીઆ ઓપ્શન ૧ પસંદ કરે, તો તેના પપ્પા સમજી નહિ શકે કે તે શા માટે ગુસ્સામાં બૂમાબૂમ કરી રહી છે. એનાથી કદાચ લીઆના પપ્પા તેની વાત સાંભળવા તૈયાર નહિ થાય. અરે, તેમનું માન નહિ જળવાય. (એફેસી ૬:૨) એટલા માટે આ ઓપ્શનથી કોઈને ફાયદો નહિ થાય.
રસ્તામાં આવતાં નડતરો રસ્તાનો અંત નથી; એવી જ રીતે, મમ્મી-પપ્પા સાથે વાતચીત કરવાનો બીજો રસ્તો પણ મળી શકે છે
હવે ઓપ્શન ૨ સૌથી સહેલું લાગે, પણ એમાં સમજદારી નથી. કેમ? જો લીઆને પોતાની મુશ્કેલીઓનો ઉકેલ લાવવો હોય તો તેણે પપ્પા જોડે વાત કરવી પડશે. એ માટે તેના પપ્પાએ તેના જીવનમાં શું ચાલે છે એ જાણવું પડશે. લીઆના ચૂપ રહેવાથી કોઈ ફાયદો નહિ થાય.
ઓપ્શન ૩ પસંદ કરવાથી લીઆ રસ્તામાં આવતા નડતરને રસ્તાનો અંત બનવા દેતી નથી. એના બદલે, તે બીજા કોઈ સમયે એના વિશે વાત કરવાનો પ્રયત્ન કરે છે. જો તે પત્ર દ્વારા પોતાની વાત જણાવવાનું પસંદ કરે, તો કદાચ એનાથી તે તરત રાહત અનુભવશે.
પત્ર લખવાથી તેને મનની વાત સમજાય એ રીતે જણાવવા મદદ મળી શકે છે. એ પત્ર વાંચીને તેના પપ્પા સારી રીતે સમજી શકશે કે લીઆ શું કહેવા માંગે છે. તે લીઆની મુશ્કેલી સમજી શકશે. એટલા માટે ઓપ્શન ૩થી લીઆને અને તેના પપ્પાને ફાયદો થશે. પત્ર લખવો અથવા સામસામે બેસીને વાત કરવી, એ તો શાસ્ત્રની આ સલાહ અનુસાર છે: ‘શાંતિકારક બાબતોની પાછળ આપણે લાગુ રહીએ.’—રોમનો ૧૪:૧૯.
લીઆ પાસે બીજાં કયાં ઓપ્શન હોય શકે?
તમે કોઈ ઓપ્શન વિચારી શકો. પછી વિચારો કે એનાં કેવાં પરિણામો આવી શકે.
મનની વાત સાફ સાફ જણાવો
તમે જે કહ્યું અને તમારાં મમ્મી-પપ્પા જે સમજ્યાં, એમાં ફરક હોય શકે.
દાખલા તરીકે:
તમારાં મમ્મી-પપ્પા પૂછે છે કે તમારો મૂડ કેમ ખરાબ છે. તમે જવાબ આપો છો: “મારે એ વિશે વાત નથી કરવી.”
પણ મમ્મી-પપ્પા સમજશે કે તમે આમ કહેવા માંગો છો: “મને તમારા પર એટલો ભરોસો નથી કે મારા મનની વાત કહું. મારી મુશ્કેલીઓ વિશે હું તમને નહિ, પણ મારા દોસ્તોને જણાવીશ.”
ધારો કે તમે કોઈ મુશ્કેલીમાં છો અને મમ્મી-પપ્પા મદદ કરવા ચાહે છે. પણ તમે કહો છો, “ચિંતા ન કરો, હું મારી રીતે જોઈ લઈશ.”
તમારાં મમ્મી-પપ્પા કદાચ શું સમજશે?
તમારી પાસેથી સારો જવાબ શું હોય શકે?