વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ia પ્રકરણ ૯ પાન ૭૬-૮૩
  • તેણે સમજી-વિચારીને પગલાં ભર્યાં

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • તેણે સમજી-વિચારીને પગલાં ભર્યાં
  • તેઓની શ્રદ્ધાને પગલે ચાલો
  • મથાળાં
  • સરખી માહિતી
  • “તે સ્ત્રી ઘણી બુદ્ધિમાન તથા સુંદર હતી”
  • “એ તો તેમના પર ઊતરી પડ્યો”
  • “તારી ચતુરાઈને ધન્ય હો”
  • ‘જુઓ, તમારી દાસી’
  • “તારી ચતુરાઈને ધન્ય હો”
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૭
  • બાઇબલનું દૃષ્ટિબિંદુ
    સજાગ બનો!—૧૯૯૭
  • યહોવાહના માર્ગમાં ચાલતી સ્ત્રીઓ
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૩
  • અમુક લોકો ફૂલોની જેમ મહેકતા રહ્યા છે
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૩
વધુ જુઓ
તેઓની શ્રદ્ધાને પગલે ચાલો
ia પ્રકરણ ૯ પાન ૭૬-૮૩
સુંદર અબીગાઈલ

પ્રકરણ નવ

તેણે સમજી-વિચારીને પગલાં ભર્યાં

૧-૩. (ક) અબીગાઈલના કુટુંબને માથે કયું જોખમ તોળાઈ રહ્યું હતું? (ખ) અનમોલ ગુણોવાળી આ સ્ત્રી વિશે આપણે શું શીખીશું?

અબીગાઈલ જુએ છે કે એ યુવાનની આંખોમાં ડર છવાયેલો છે. તે ઘણો ગભરાયેલો છે અને એનું યોગ્ય કારણ પણ છે. તેઓને માથે જોખમ તોળાઈ રહ્યું છે. અબીગાઈલના પતિ, નાબાલના કુટુંબ-કબીલાના દરેક પુરુષને મોતને ઘાટ ઉતારવા, એ સમયે આશરે ૪૦૦ સૈનિકો આવી રહ્યા છે. શા માટે?

૨ એ બધાની શરૂઆત નાબાલથી થઈ. પોતાની આદત પ્રમાણે, તે પથ્થર-દિલ બનીને તોછડાઈથી વર્ત્યો હતો. જોકે, આ વખતે તેણે એવા માણસનું અપમાન કર્યું, જે વફાદાર અને તાલીમ પામેલા સૈનિકોના માનીતા સેનાપતિ છે. એટલે, નાબાલનો એક યુવાન ઘેટાંપાળક અબીગાઈલ પાસે આવે છે. તેને ભરોસો છે કે અબીગાઈલ તેઓને બચાવવાનો કોઈ રસ્તો જરૂર શોધી કાઢશે. પરંતુ, એકલી સ્ત્રી આખા સૈન્ય સામે શું કરી શકે?

એકલી સ્ત્રી આખા સૈન્ય સામે શું કરી શકે?

૩ પ્રથમ, આવો આપણે અનમોલ ગુણોવાળી આ સ્ત્રી વિશે થોડું વધારે જાણીએ. અબીગાઈલ કોણ હતી? આ આફત કઈ રીતે ઊભી થઈ? અબીગાઈલની શ્રદ્ધામાંથી આપણે શું શીખી શકીએ?

“તે સ્ત્રી ઘણી બુદ્ધિમાન તથા સુંદર હતી”

૪. નાબાલ કેવો હતો?

૪ અબીગાઈલ અને નાબાલનું જોડું કજોડું હતું. અબીગાઈલ સમજુ હતી, જ્યારે કે નાબાલ એકદમ હઠીલો હતો. નાબાલ પૈસાદાર હોવાથી, પોતે કંઈક છે એવું માનતો હતો. પણ, બીજાઓની નજરે તે કેવો હતો? બાઇબલમાં એવું કોઈ નથી, જેના વિશે આટલા કડક શબ્દો વાપરવામાં આવ્યા હોય. તેના નામનો અર્થ “અક્કલ વગરનો” અથવા “મૂર્ખ” થતો હતો. શું જન્મ વખતે તેનાં માબાપે આવું નામ આપ્યું હતું? કે પછી તેના વર્તનને લીધે આવું નામ પડી ગયું હતું? ગમે એ હોય, પણ તેના નામ જેવાં જ તેનાં કામો હતાં. નાબાલ “અસભ્ય તથા પોતાના વ્યવહારમાં દુષ્ટ હતો.” તે દારૂડિયો હતો અને બધા પર દાદાગીરી કરતો. એટલે, લોકો તેનાથી બીતા અને કોઈને પણ તે ગમતો નહિ.—૧ શમૂ. ૨૫:૨, ૩, ૧૭, ૨૧, ૨૫.

૫, ૬. (ક) અબીગાઈલના કયા ગુણો તમને સૌથી વધારે ગમે છે? (ખ) અબીગાઈલે શા માટે આવા નકામા માણસ સાથે લગ્‍ન કર્યા હોય શકે?

૫ અબીગાઈલ અને નાબાલમાં આભ-જમીનનો ફરક હતો. અબીગાઈલ નામનો અર્થ થાય, “મારા પિતા ઘણા ખુશ થયા.” દીકરી સુંદર હોય તો, ઘણા પિતાઓને એનો ગર્વ હોય છે. પણ, પોતાના બાળકનો સુંદર સ્વભાવ જોઈને સમજુ પિતા એનાથીયે વધારે ખુશ થાય છે. દેખાવે સુંદર હોય એવા લોકો મોટા ભાગે જોઈ શકતા નથી કે સમજણ, બુદ્ધિ, હિંમત અથવા શ્રદ્ધા જેવા ગુણો કેળવવા કેટલા જરૂરી છે. પણ, અબીગાઈલ એવી ન હતી. બાઇબલ તેની સમજદારી અને સુંદરતાના વખાણ કરે છે.—૧ શમૂએલ ૨૫:૩ વાંચો.

૬ અમુકને સવાલ થાય કે આટલી બુદ્ધિશાળી સ્ત્રીએ કેમ એવા નકામા માણસ સાથે લગ્‍ન કર્યા? યાદ રાખો કે એ જમાનામાં ઘણાં લગ્‍નો માબાપ ગોઠવતાં હતાં. જો એમ ન હોય તોપણ લગ્‍ન માટે માબાપની મંજૂરી જરૂરી હતી. શું અબીગાઈલનાં માબાપે નાબાલની ધનદોલત અને માન-મોભાથી અંજાઈને આ લગ્‍ન કરાવ્યા હતા? શું ગરીબીએ તેઓને આમ કરવા મજબૂર કર્યા હતા? ભલે ગમે એ કારણ હોય, પણ નાબાલની ધનદોલતે તેને સારો પતિ બનાવ્યો નહિ.

૭. (ક) માતા-પિતાએ સંતાનોમાં લગ્‍નનું યોગ્ય વલણ કેળવવા શું ન કરવું જોઈએ? (ખ) અબીગાઈલે શું કરવાની મનમાં ગાંઠ વાળી હતી?

૭ સમજદાર માતા-પિતા પોતાનાં સંતાનોને લગ્‍ન વિશે યોગ્ય વલણ રાખવા શીખવે છે. તેઓ કદીયે પોતાનાં સંતાનોને પૈસા માટે લગ્‍ન કરવાનું નથી કહેતા; અથવા તો તેઓ પતિ-પત્ની પર આવતી જવાબદારીઓ નિભાવવા હજુ તૈયાર ન હોય ત્યારે, માબાપ તેઓને લગ્‍નના ઇરાદાથી હળવા-મળવા કે ડેટિંગ કરવા દબાણ નથી કરતા. (૧ કોરીં. ૭:૩૬) જોકે, અબીગાઈલ માટે આ બધાનો વિચાર કરવાનું હવે બહુ મોડું થઈ ગયું હતું. કોઈ પણ કારણથી, તેનું લગ્‍ન નાબાલ સાથે થઈ ગયું હતું. અબીગાઈલે એ સંજોગોમાં પણ પડ્યું પાનું નિભાવી લેવાની મનમાં ગાંઠ વાળી હતી.

“એ તો તેમના પર ઊતરી પડ્યો”

૮. નાબાલે કોનું અપમાન કર્યું હતું? એ મૂર્ખામી હતી, એવું તમને કેમ લાગે છે?

૮ અબીગાઈલના જીવનમાં નાબાલ એક મોટી મુશ્કેલી લઈ આવ્યો હતો. નાબાલે જે માણસનું અપમાન કર્યું, એ બીજું કોઈ નહિ પણ દાઊદ હતા. એ તો યહોવાના ભક્ત હતા; પ્રબોધક શમૂએલે તેમનો અભિષેક કરીને બતાવ્યું હતું કે યહોવાએ રાજા તરીકે શાઊલને બદલે દાઊદને પસંદ કર્યા છે. (૧ શમૂ. ૧૬:૧, ૨, ૧૧-૧૩) ઈર્ષાની આગમાં બળતા શાઊલે દાઊદને મારી નાખવા ઘણા પ્રયત્નો કર્યા હતા. એટલે, દાઊદ પોતાના ૬૦૦ વફાદાર સૈનિકો સાથે વેરાન જગ્યાઓમાં સંતાઈ રહેતા હતા.

૯, ૧૦. (ક) દાઊદ અને તેમના સાથીઓ કેવી હાલતમાં જીવતા હતા? (ખ) નાબાલે શા માટે દાઊદ અને તેમના સાથીઓની કદર કરવાની જરૂર હતી? (ફકરા ૧૦ની ફૂટનોટ પણ જુઓ.)

૯ નાબાલ માઓનમાં રહેતો હતો, પણ કાર્મેલa નજીક કામ કરતો હતો અને કદાચ ત્યાં જમીનદાર હતો. એ શહેરો લીલાછમ ઘાસથી છવાયેલી ટેકરીઓમાં આવેલાં હતાં, જે ઘેટાં ચરાવવાં માટેની સારી જગ્યા હતી. નાબાલ પાસે ૩,૦૦૦ ઘેટાં હતાં. જોકે, આજુબાજુ જંગલ વિસ્તાર હતો. દક્ષિણ તરફ પારાનનો વિશાળ વેરાન પ્રદેશ પથરાયેલો હતો. પૂર્વ તરફ ઊંડી, સાંકડી ખીણો અને કોતરોમાંથી ખારા સમુદ્ર તરફ લઈ જતો માર્ગ હતો. આવા વિસ્તારમાં દાઊદ અને તેમના સાથીઓ કઠણ જીવન ગુજારતા હતા; એમાં કોઈ શંકા નથી કે ખોરાકની શોધમાં આમતેમ ભટકતા તેઓએ ઘણી તકલીફો વેઠવી પડી હશે. તેઓને આવતા-જતા ઘણી વાર પૈસાદાર નાબાલના ઘેટાંપાળકોનો ભેટો થઈ જતો.

૧૦ એ મહેનતુ સૈનિકો ઘેટાંપાળકો સાથે કઈ રીતે વર્ત્યા? તેઓ પોતાના માટે આસાનીથી એકાદ ઘેટું હડપ કરી શક્યા હોત, પણ તેઓએ એવું કંઈ જ કર્યું નહિ. એના બદલે, તેઓ તો નાબાલનાં ઘેટાં અને ચાકરોને રક્ષણ આપતી દીવાલ સમાન બન્યા હતા. (૧ શમૂએલ ૨૫:૧૫, ૧૬ વાંચો.) ઘેટાં અને એને ચરાવનારા પર ઘણાં જોખમો આવી પડતાં. આસપાસ ઘણાં જંગલી પ્રાણીઓ હતાં; ઇઝરાયેલની દક્ષિણ સરહદ એટલી નજીક હતી કે પરદેશી ધાડપાડુઓ અવાર-નવાર હુમલા કરતા.b

૧૧, ૧૨. (ક) નાબાલને સંદેશો મોકલતી વખતે દાઊદે કઈ રીતે સમજદારી અને આદર બતાવ્યાં? (ખ) દાઊદનો સંદેશો સાંભળીને નાબાલ જે રીતે વર્ત્યો, એ કેમ તેની ભૂલ હતી?

૧૧ એ વેરાન પ્રદેશમાં દાઊદના બધા સાથીઓને ખોરાક પૂરો પાડવો સહેલું ન હતું. એટલે, એક દિવસ દાઊદે દસ માણસોને નાબાલ પાસે મોકલીને મદદ માંગી. દાઊદે સમજી-વિચારીને સમય પસંદ કર્યો. એ ઘેટાં કાતરવાંનો અને ઉજવણીનો સમય હતો; એ પ્રસંગે ઉદાર બનવાનો અને છૂટથી ખાવા-પીવાનો રિવાજ હતો. દાઊદે બહુ સાવધાનીથી પોતાના શબ્દો પસંદ કર્યા અને નાબાલને આદર બતાવ્યો. કદાચ નાબાલની મોટી ઉંમરનું માન રાખીને તેમણે પોતાને ‘તારો દીકરો દાઊદ’ કહ્યા. નાબાલે શું કર્યું?—૧ શમૂ. ૨૫:૫-૮.

૧૨ તે ગુસ્સાથી ભડકી ઊઠ્યો! એ બનાવનું વર્ણન કરી રહેલા યુવાને અબીગાઈલને કહ્યું, “એ તો તેમના પર ઊતરી પડ્યો.” કંજૂસ નાબાલે પોતાની રોટલી, પાણી અને માંસ આપવા વિશે મોટેથી બડબડાટ કર્યો. તે દાઊદ વિશે મન ફાવે એમ બોલ્યો અને તેમની સરખામણી નાસી છૂટેલા ચાકર સાથે કરી. નાબાલના વિચારો દાઊદને નફરત કરનાર શાઊલ જેવા હોય શકે. બંને માણસો યહોવાની નજરે જોતા ન હતા. દાઊદને ઈશ્વર ખૂબ ચાહતા હતા અને તેમને બંડખોર ચાકર તરીકે નહિ, પણ ઇઝરાયેલના ભાવિ રાજા તરીકે જોતા હતા.—૧ શમૂ. ૨૫:૧૦, ૧૧, ૧૪.

૧૩. (ક) નાબાલે કરેલા અપમાનને લીધે દાઊદે શરૂઆતમાં શું કર્યું? (ખ) દાઊદ જે રીતે વર્ત્યા એ વિશે યાકૂબ ૧:૨૦નો સિદ્ધાંત શું શીખવે છે?

૧૩ જે બન્યું હતું એ સંદેશવાહકોએ દાઊદને જણાવ્યું. એ સાંભળીને દાઊદ ગુસ્સાથી તપી ઊઠ્યા. તેમણે હુકમ કર્યો, “તમે સર્વ પોતપોતાની તરવાર કમરે બાંધો.” દાઊદ પોતે પણ તૈયાર થઈને ૪૦૦ માણસોને લઈને હુમલો કરવા નીકળી પડ્યા. નાબાલના ઘરના દરેક પુરુષને મોતને ઘાટ ઉતારી દેવાના તેમણે સમ ખાધા. (૧ શમૂ. ૨૫:૧૨, ૧૩, ૨૧, ૨૨) દાઊદનો ગુસ્સો સમજી શકાય એવો હતો, પણ એ બતાવવાની રીત ખોટી હતી. બાઇબલ કહે છે કે, “ગુસ્સો કરનાર માણસ ઈશ્વરની નજરે જે ખરું છે, એ કરતો નથી.” (યાકૂ. ૧:૨૦) અબીગાઈલ પોતાના કુટુંબને કઈ રીતે બચાવશે?

“તારી ચતુરાઈને ધન્ય હો”

૧૪. (ક) નાબાલની મોટી ભૂલ સુધારવા અબીગાઈલે કયું પહેલું પગલું ભર્યું? (ખ) નાબાલ અને અબીગાઈલ વચ્ચેના તફાવતમાંથી આપણે શું શીખી શકીએ? (ફૂટનોટ પણ જુઓ.)

૧૪ આપણે જોઈ ગયા કે અબીગાઈલે એક મોટી ભૂલ સુધારવા પહેલું પગલું ભર્યું હતું. તેના પતિ જેવી બનવાને બદલે, તે ધ્યાનથી સાંભળવા તૈયાર હતી. નાબાલ પાસે આ વાત લઈ જવા વિશે યુવાન ચાકરે કહ્યું: “તે તો એવો બલિયાલપુત્ર [નકામો] છે, કે તેને કોઈ કંઈ કહી શકે નહિ.”c (૧ શમૂ. ૨૫:૧૭) અફસોસની વાત છે કે નાબાલ પોતાને એટલો મહત્ત્વનો ગણતો કે બીજા કોઈની વાત સાંભળવા જ તૈયાર ન હતો. અરે, આજે પણ ઘણા લોકો એવા જ ઘમંડી હોય છે. પરંતુ, યુવાન ચાકર જાણતો હતો કે અબીગાઈલ જુદી જ માટીની બનેલી છે. એટલે, તે આ સમસ્યા અબીગાઈલ પાસે લાવ્યો હતો.

અબીગાઈલ નાબાલ જેવી ન હતી, તેણે ધ્યાનથી સાંભળ્યું

૧૫, ૧૬. (ક) અબીગાઈલ કઈ રીતે નીતિવચનોના પુસ્તકમાં વર્ણન થયેલી સમજદાર પત્ની જેવી બની? (ખ) શા માટે કહી શકાય કે અબીગાઈલે પતિના હક્ક વિરુદ્ધ બંડ પોકાર્યું ન હતું?

૧૫ અબીગાઈલે વિચાર કર્યો અને “જલદીથી” પગલાં ભર્યાં. આ બનાવમાં અબીગાઈલ માટે ચાર વખત આવા શબ્દો વપરાયા છે. તેણે દાઊદ અને તેમના સાથીઓ માટે ઉદારતાથી ભેટ તૈયાર કરી. એમાં રોટલી, દ્રાક્ષદારૂ, ઘેટાં, અનાજના શેકેલા દાણા, દ્રાક્ષ અને અંજીરનાં ચકતાં પણ હતાં. અબીગાઈલને ખબર હતી કે પોતાના ઘરમાં શું છે; તે ઘરની જવાબદારી સારી રીતે ઉપાડી જાણતી હતી; તે તો નીતિવચનોના પુસ્તકમાં વર્ણન થયેલી સમજદાર પત્ની જેવી હતી. (નીતિ. ૩૧:૧૦-૩૧) તેણે પોતાની આગળ અમુક ચાકરો સાથે બધું ખાવા-પીવાનું મોકલી આપ્યું; પછી, તે પોતે પણ ગઈ. આપણે આગળ વાંચીએ છીએ: “પણ તેણે પોતાના ધણી નાબાલને કંઈ કહ્યું નહિ.”—૧ શમૂ. ૨૫:૧૮, ૧૯.

૧૬ શું અબીગાઈલે પોતાના પતિ નાબાલના હક્ક વિરુદ્ધ બંડ પોકાર્યું હતું? ના. યાદ કરો કે યહોવાના પસંદ કરાયેલા સેવક સાથે નાબાલ દુષ્ટ રીતે વર્ત્યો હતો. એ કારણે નાબાલના કુટુંબ-કબીલાના ઘણા નિર્દોષ લોકો માર્યા જાય એમ હતું. જો અબીગાઈલ કંઈ ન કરે તો તે પણ પોતાના પતિના દોષની ભાગીદાર બને, ખરું ને? આ કિસ્સામાં, તેના માટે પતિને આધીન થવા કરતાં, ઈશ્વરને આધીન થવું વધારે અગત્યનું હતું.

૧૭, ૧૮. દાઊદને જોઈને અબીગાઈલે શું કર્યું? તેણે શું કહ્યું અને તેના શબ્દોની આટલી ઊંડી અસર કેમ થઈ?

૧૭ થોડી વારમાં જ અબીગાઈલને દાઊદ અને તેમના સાથીઓ દેખાયા. તે ઉતાવળે પોતાના ગધેડા પરથી ઊતરી. દાઊદ આગળ તેણે જમીન સુધી વળીને નમન કર્યું. (૧ શમૂ. ૨૫:૨૦, ૨૩) પછી, તેણે વિગતવાર પોતાના મનની વાત જણાવી; તેણે પોતાના પતિ અને પોતાના કુટુંબ માટે કાલાવાલા કરીને દયાની ભીખ માંગી. તેના શબ્દોની કેમ ઊંડી અસર પડી?

અબીગાઈલ ગધેડા પરથી ઊતરીને દાઊદ આગળ ઘૂંટણે પડે છે

‘કૃપા કરીને તમારી દાસીને તમારા કાનમાં કહેવા દો’

૧૮ તેણે દોષનો ટોપલો પોતાને માથે લીધો અને માફી માટે દાઊદને આજીજી કરી. તેણે સ્વીકાર્યું કે પોતાનો પતિ તેના નામ જેવો જ છે. કદાચ તે કહેવા માંગતી હોય કે એવા માણસને સજા કરવી દાઊદને ન શોભે. અબીગાઈલે સ્વીકાર્યું કે દાઊદ “યહોવાની લડાઈઓ” લડનારા હતા; તેને પૂરો ભરોસો હતો કે તે યહોવાના પ્રતિનિધિ હતા. દાઊદ વિશે અને રાજગાદી વિશે યહોવાએ જે વચન આપ્યું હતું, એ અબીગાઈલ જાણતી હતી; એ વિશે સૂચવતા તેણે કહ્યું: ‘યહોવા ઇઝરાયેલ પર તમને અધિકારી ઠરાવશે.’ વધુમાં, તેણે દાઊદને અરજ કરી કે તે એવું કંઈ ન કરે જેનાથી તેમના પર લોહી વહેવડાવવાનો દોષ આવી પડે; અથવા જેના લીધે પછીથી “મનસંતાપ” કે પસ્તાવો કરવાનો વારો આવે, જે અંતઃકરણ ડંખવાને બતાવે છે. (૧ શમૂએલ ૨૫:૨૪-૩૧ વાંચો.) કેવા દયાળુ અને માયાળુ શબ્દો!

૧૯. અબીગાઈલની વાત સાંભળીને દાઊદે શું કર્યું અને શા માટે તેમણે તેના વખાણ કર્યા?

૧૯ દાઊદે એ સાંભળીને શું કર્યું? તેમણે અબીગાઈલની ભેટનો સ્વીકાર કર્યો અને કહ્યું: ‘ઇઝરાયેલનો ઈશ્વર યહોવા જેણે તને આજ મને મળવા મોકલી તેને ધન્ય હો; વળી તારી ચતુરાઈને ધન્ય હો, તથા તને પણ ધન્ય હો, કેમ કે તેં મને આજ ખૂનના દોષથી અટકાવ્યો છે.’ અબીગાઈલે ઝડપથી દાઊદને સામે મળવા આવવાની હિંમત બતાવી, એ માટે દાઊદે તેના વખાણ કર્યા. તેમણે કબૂલ કર્યું કે અબીગાઈલે તેમને ખૂનના દોષથી બચાવ્યા છે. દાઊદે તેને કહ્યું: “શાંતિએ તારે ઘેર જા.” પછી નમ્રતાથી તેમણે ઉમેર્યું: “જો મેં તારી વિનંતી સાંભળી છે.”—૧ શમૂ. ૨૫:૩૨-૩૫.

‘જુઓ, તમારી દાસી’

૨૦, ૨૧. (ક) અબીગાઈલ પોતાના પતિ પાસે પાછી ફરી એમાં તમને કઈ બાબત પ્રશંસાપાત્ર લાગી? (ખ) નાબાલ સાથે વાત કરવાનો સમય પસંદ કરવામાં અબીગાઈલે કઈ રીતે હિંમત અને સમજદારી બતાવી?

૨૦ અબીગાઈલ ઘરે પાછી વળી તેમ, એ બનાવનો વિચાર કરતી હતી; તેના ધ્યાન બહાર ન રહ્યું કે દાઊદ કેટલા વિશ્વાસુ, દયાળુ માણસ હતા અને પોતે જેની સાથે પરણી હતી એ કેવો કઠોર, નિર્દયી માણસ હતો. પરંતુ, તેણે એવા વિચારો પર બહુ ધ્યાન ન આપ્યું. આપણે વાંચીએ છીએ: “પછી અબીગાઈલ નાબાલ પાસે આવી.” હા, તે પોતાના પતિ પાસે પાછી આવી; તે અગાઉની જેમ જ પત્ની તરીકે પોતાની જવાબદારી પૂરી કરવા મક્કમ હતી. તેણે નાબાલને જણાવવાનું હતું કે પોતે દાઊદ અને તેમના સાથીઓને શું આપ્યું છે. નાબાલને એ જાણવાનો હક્ક હતો. અબીગાઈલે જે જોખમ ટાળ્યું હતું, એના વિશે બીજું કોઈ જણાવે તો નાબાલે નીચું જોવું પડે; એના કરતાં, અબીગાઈલ પોતે એ વિશે જણાવવા માંગતી હતી. જોકે, એ માટે આ સારો સમય ન હતો. નાબાલ રાજા-મહારાજાની જેમ મિજબાનીનો જલસો માણી રહ્યો હતો અને દારૂ પીને ચકચૂર થયેલો હતો.—૧ શમૂ. ૨૫:૩૬.

અબીગાઈલ હિંમતથી નાબાલ સાથે વાત કરે છે

નાબાલનું જીવન બચાવવા અબીગાઈલે જે કર્યું, એ હિંમતથી તેને જણાવ્યું

૨૧ અબીગાઈલ આ વખતે પણ હિંમતથી અને સમજદારીથી વર્તી. તેણે સવાર સુધી રાહ જોઈ, જેથી નાબાલનો નશો ઊતરી જાય અને અબીગાઈલની વાત સમજવા જેટલો હોશમાં હોય; નાબાલનો પારો આસમાને ચડી જવાની શક્યતા હોવા છતાં, અબીગાઈલે તેની પાસે જઈને બધું જ જણાવી દીધું. તેને હતું કે નાબાલની કમાન છટકશે અને તે કદાચ મારઝૂડ પણ કરે. એના બદલે, નાબાલ ત્યાં ચૂપચાપ બેસી રહ્યો.—૧ શમૂ. ૨૫:૩૭.

૨૨. નાબાલને શું થયું હતું? કુટુંબમાં થતા બધા જુલમ અને અત્યાચાર વિશે શું શીખવા મળે છે?

૨૨ નાબાલને શું થયું હતું? “તેના હોશકોશ ઊડી ગયા, ને તે પથ્થરવત્‌ થઈ ગયો.” તેને લકવો મારી ગયો હોય શકે. જોકે, દસેક દિવસ પછી તેનો અંત આવ્યો અને એ પણ ફક્ત તબીબી કારણોને લીધે જ નહિ. અહેવાલ જણાવે છે કે, “યહોવાએ નાબાલને એવો માર્યો કે તે મરણ પામ્યો.” (૧ શમૂ. ૨૫:૩૮) નાબાલનો અંત આવ્યો એમાં કંઈ ખોટું થયું ન હતું. અબીગાઈલના લગ્‍નજીવનની કડવી હકીકતનો આખરે અંત આવ્યો. તકલીફોનો અંત લાવવા આજે યહોવા ચમત્કારથી કોઈને મારી નાખતા નથી. પણ, આ અહેવાલ યોગ્ય રીતે જ યાદ અપાવે છે કે કોઈ પણ કુટુંબમાં થતા જુલમ કે અત્યાચાર યહોવાની નજર બહાર નથી રહેતા. યહોવા ચોક્કસ પોતાના સમયે એનો ન્યાય કરશે.—લુક ૮:૧૭ વાંચો.

૨૩. અબીગાઈલ માટે બીજો કયો આશીર્વાદ રહેલો હતો? તેણે કઈ રીતે બતાવ્યું કે પોતે જરાય બદલાઈ ન હતી?

૨૩ મુશ્કેલ લગ્‍નજીવનથી આઝાદ થવા સિવાય, અબીગાઈલ માટે બીજો એક આશીર્વાદ પણ રહેલો હતો. દાઊદે જ્યારે સાંભળ્યું કે નાબાલનું મરણ થયું છે, ત્યારે તેણે માણસો મોકલીને અબીગાઈલ સામે લગ્‍નનો પ્રસ્તાવ મૂક્યો. અબીગાઈલે કહ્યું: ‘જુઓ, તમારી દાસી મારા મુરબ્બીના ચાકરોના પગ ધોનારી ચાકર છે.’ દાઊદની પત્ની બનવાનાં સપનાં જોઈને, તે જરાય બદલાઈ ન હતી; તે તો દાઊદના ચાકરોની પણ ચાકર બનવા તૈયાર હતી! પછી, આપણે ફરીથી વાંચીએ છીએ કે તેણે ઉતાવળ કરી; આ વખતે તે દાઊદ પાસે જવા ઝડપથી તૈયાર થઈ.—૧ શમૂ. ૨૫:૩૯-૪૨.

૨૪. અબીગાઈલે પોતાના નવા જીવનમાં કેવા પડકારોનો સામનો કર્યો? તેના પતિ અને તેના ઈશ્વર તેને કેવી ગણતા હતા?

૨૪ આ કંઈ વાર્તાનો સુખદ અંત નથી; દાઊદ સાથે અબીગાઈલનો જીવનમાર્ગ કંઈ ફૂલોથી પથરાયેલો ન હતો. દાઊદની એક પત્ની તો હતી જ, જેનું નામ અહીનોઆમ હતું. ખરું કે યહોવા એ સમયે એક કરતાં વધારે પત્ની રાખવા દેતા, પણ એનાથી ઈશ્વરભક્ત સ્ત્રીઓ માટે ઘણા પડકારો ઊભા થતા. દાઊદ હજુ રાજા બન્યા ન હતા; રાજા તરીકે યહોવાની સેવા કરે એ પહેલાં, તેમણે ઘણાં નડતરો અને તકલીફો આંબવાનાં હતાં. પરંતુ, અબીગાઈલે જીવનભર દાઊદને સુખ-દુઃખમાં સાથ આપ્યો; તેઓને દીકરો થયો; અબીગાઈલે અનુભવ કર્યો કે તેના પતિ તેને અનમોલ ગણતા હતા અને તેનું રક્ષણ કરતા હતા. એક વખતે તો દાઊદ તેને અપહરણ કરનારાઓ પાસેથી બચાવી લાવ્યા! (૧ શમૂ. ૩૦:૧-૧૯) આમ, દાઊદ યહોવાને પગલે ચાલ્યા, જે આવી સમજદાર, હિંમતવાન અને ભરોસાપાત્ર સ્ત્રીઓને ખૂબ ચાહે છે અને કીમતી ગણે છે.

a ઉત્તરે આવેલા જાણીતા કાર્મેલ પર્વતની અહીં વાત થતી નથી, જ્યાં પછીથી પ્રબોધક એલિયાએ બઆલના પ્રબોધકોને પડકાર્યા હતા. (પ્રકરણ ૧૦ જુઓ.) અહીં કાર્મેલ શહેરની વાત થાય છે, જે દક્ષિણ તરફ વેરાન પ્રદેશની સરહદે આવેલું હતું.

b દાઊદને લાગતું કે ત્યાંના જમીનદારો અને તેઓનાં ઘેટાંનું રક્ષણ કરવું, એ યહોવાની સેવા કરવા બરાબર હતું. એ દિવસોમાં યહોવાનો હેતુ હતો કે ઈબ્રાહીમ, ઇસહાક અને યાકૂબના વંશજો એ જગ્યામાં રહે. તેથી, પરદેશી ઘૂસણખોરો અને ધાડપાડુઓથી એ જગ્યાનું રક્ષણ કરવું, એક રીતે પવિત્ર સેવા જ હતી.

c યુવાન ચાકરે કહ્યું કે નાબાલ બલિયાલપુત્ર અથવા નકામો છે. બીજા બાઇબલ અનુવાદો આ વાક્યમાં નાબાલનું વર્ણન એવા માણસ તરીકે કરે છે, “જે કોઈનું સાંભળતો નથી” અને પરિણામે “તેની સાથે વાત કરવી નકામું છે.”

આનો વિચાર કરો:

  • અબીગાઈલના મુશ્કેલ લગ્‍નજીવનમાંથી આપણે શું શીખી શકીએ?

  • અબીગાઈલના પતિએ દાઊદનું અપમાન કર્યું. એવા સંજોગોમાં અબીગાઈલે કેવી હિંમત અને સમજદારી બતાવી?

  • દાઊદ સાથે અબીગાઈલે કઈ રીતે સમજી-વિચારીને વાત કરી?

  • તમે કઈ કઈ રીતોએ અબીગાઈલની શ્રદ્ધાને પગલે ચાલવા માંગો છો?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો