વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w23 જુલાઈ પાન ૧૪-૧૯
  • “દૃઢ રહો અને અડગ રહો”

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • “દૃઢ રહો અને અડગ રહો”
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૩
  • મથાળાં
  • સરખી માહિતી
  • દૃઢ રહેવા આપણે શું કરી શકીએ?
  • શેતાન કઈ રીતે આપણો ઇરાદો નબળો પાડવાનો પ્રયત્ન કરે છે?
  • આપણે કઈ રીતે અડગ રહી શકીએ?
  • પાકો નિર્ણય કરો કે તમે હંમેશાં દૃઢ રહેશો
  • દૃઢ હૃદયથી યહોવાહની સેવા કરો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૨
  • દૃઢ બનો અને જીવનની દોડ જીતો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૩
  • અડગ રહીએ
    યહોવા માટે ‘ખુશીથી ગાઓ’
  • અડગ રહીએ
    યહોવા માટે ગાઓ
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૩
w23 જુલાઈ પાન ૧૪-૧૯

અભ્યાસ લેખ ૩૧

“દૃઢ રહો અને અડગ રહો”

“મારા વહાલા ભાઈઓ, દૃઢ રહો અને અડગ રહો.”—૧ કોરીં. ૧૫:૫૮.

ગીત ૩૨ અડગ રહીએ

ઝલકa

૧-૨. એક ઈશ્વરભક્ત કઈ રીતે ઊંચી ઇમારત જેવો છે? (૧ કોરીંથીઓ ૧૫:૫૮)

ઈસવીસન ૧૯૭૮માં જાપાનના ટોકિયો શહેરમાં ૬૦ માળની એક ગગનચુંબી ઇમારત બનાવવામાં આવી. ત્યાં અવાર-નવાર ધરતીકંપ આવે છે. એટલે લોકો વિચારવા લાગ્યા કે આ ઇમારત કઈ રીતે ટકશે. એની મજબૂતાઈનું રહસ્ય શું હતું? એન્જિનિયરોએ એની ડિઝાઇન એવી બનાવી હતી કે ધરતીકંપ આવે ત્યારે એ આમતેમ ડોલે, પણ તૂટે નહિ. એવી ડિઝાઇનના લીધે એ ધરતીકંપના આંચકા પણ ખમી શકતી હતી. ઈશ્વરભક્તો પણ એવી ઊંચી ઇમારત જેવા છે. કઈ રીતે?

૨ એક ઈશ્વરભક્તે દૃઢ અને અડગ રહેવું જોઈએ. સાથે સાથે નમવા માટે પણ તૈયાર રહેવું જોઈએ. તેણે હંમેશાં યહોવાનાં ધોરણો અને નિયમો પાળવાં જોઈએ અને એમ કરવાનો તેનો ઇરાદો પાકો હોવો જોઈએ. (૧ કોરીંથીઓ ૧૫:૫૮ વાંચો.) તેણે હંમેશાં યહોવાની “આજ્ઞા પાળવા તૈયાર” રહેવું જોઈએ અને ક્યારેય તેમનાં ધોરણો સાથે તડજોડ કરવી ન જોઈએ. બીજી બાજુ, તેણે શક્ય હોય ત્યારે, કે પછી જરૂર પડે ત્યારે “વાજબી” બનવું જોઈએ અથવા નમવા તૈયાર રહેવું જોઈએ. (યાકૂ. ૩:૧૭) જે ઈશ્વરભક્ત એવું કરે છે, તે બહુ કડક બનતો નથી અથવા બધું ચાલી જશે એવું વિચારતો નથી. આ લેખમાં જોઈશું કે આપણે કેવી રીતે દૃઢ રહી શકીએ. પછી એવી પાંચ રીતો જોઈશું, જેનાથી શેતાન આપણો દૃઢ રહેવાનો ઇરાદો નબળો પાડવાનો પ્રયત્ન કરે છે. છેલ્લે એ પણ જોઈશું કે કઈ રીતે શેતાનના પ્રયત્નોને નિષ્ફળ બનાવી શકીએ.

દૃઢ રહેવા આપણે શું કરી શકીએ?

૩. પ્રેરિતોનાં કાર્યો ૧૫:૨૮, ૨૯માં યહોવાના કયા નિયમો વિશે જણાવ્યું છે?

૩ નિયમો બનાવવાનો સૌથી વધારે અધિકાર ફક્ત ને ફક્ત યહોવા પાસે છે. (યશા. ૩૩:૨૨) તે પોતાના લોકો માટે એવા નિયમો બનાવે છે, જે સમજવા સહેલા હોય છે. દાખલા તરીકે, પહેલી સદીના નિયામક જૂથે એવી ત્રણ બાબતો વિશે જણાવ્યું, જેમાં ઈશ્વરભક્તોએ દૃઢ રહેવું જોઈએ: (૧) મૂર્તિપૂજાથી દૂર રહેવું અને ફક્ત યહોવાની ભક્તિ કરવી, (૨) લોહીને પવિત્ર ગણવું અને (૩) વ્યભિચારથી દૂર રહેવાની બાઇબલની આજ્ઞા પાળવી. (પ્રેરિતોનાં કાર્યો ૧૫:૨૮, ૨૯ વાંચો.) આજે યહોવાના લોકો એ ત્રણ બાબતોમાં કઈ રીતે દૃઢ રહી શકે?

૪. આપણે કઈ રીતે બતાવીએ છીએ કે ફક્ત યહોવાની જ ભક્તિ કરીએ છીએ? (પ્રકટીકરણ ૪:૧૧)

૪ આપણે મૂર્તિપૂજાથી દૂર રહીએ છીએ અને ફક્ત યહોવાની ભક્તિ કરીએ છીએ. યહોવાએ ઇઝરાયેલીઓને આજ્ઞા આપી હતી કે તેઓએ ફક્ત યહોવાની જ ભક્તિ કરવી. (પુન. ૫:૬-૧૦) શેતાને ઈસુનું પરીક્ષણ કર્યું ત્યારે, ઈસુએ ચોખ્ખા શબ્દોમાં કહ્યું કે આપણે ફક્ત યહોવાની ભક્તિ કરવી જોઈએ. (માથ. ૪:૮-૧૦) એટલે આપણે મૂર્તિઓની પૂજા કરતા નથી. આપણે માણસોને પણ ભગવાનની જેમ પૂજતા નથી, પછી ભલે તેઓ ધર્મગુરુઓ, રાજકીય નેતાઓ, ખેલાડીઓ, ફિલ્મસ્ટાર કે સંગીતકાર હોય. આપણે યહોવાના પક્ષે રહીએ છીએ અને ફક્ત તેમની જ ભક્તિ કરીએ છીએ, જેમણે “બધી વસ્તુઓ બનાવી” છે.—પ્રકટીકરણ ૪:૧૧ વાંચો.

૫. આપણે શા માટે લોહી અને જીવનને પવિત્ર ગણવાની યહોવાની આજ્ઞા પાળીએ છીએ?

૫ આપણે જીવન અને લોહીને પવિત્ર ગણવાની યહોવાની આજ્ઞા પાળીએ છીએ. શા માટે? કારણ કે યહોવાએ કહ્યું હતું કે લોહી જીવનને રજૂ કરે છે, જે તેમના તરફથી મળેલી એક કીમતી ભેટ છે. (લેવી. ૧૭:૧૪) યહોવાએ પહેલી વાર માણસોને પ્રાણીઓનું માંસ ખાવાની છૂટ આપી ત્યારે, આજ્ઞા આપી કે તેઓએ લોહી ન ખાવું. (ઉત. ૯:૪) પછી મૂસા દ્વારા તેમણે ઇઝરાયેલીઓને નિયમશાસ્ત્ર આપ્યું ત્યારે તેમણે ફરી એ આજ્ઞા આપી. (લેવી. ૧૭:૧૦) પહેલી સદીમાં નિયામક જૂથ દ્વારા ખ્રિસ્તીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું કે તેઓ ‘લોહીથી દૂર રહે.’ (પ્રે.કા. ૧૫:૨૮, ૨૯) આજે આપણે સારવારને લગતો નિર્ણય લેતી વખતે એ આજ્ઞા પાળીએ છીએ.b

૬. વ્યભિચારથી દૂર રહેવાની યહોવાની આજ્ઞા પાળવા આપણે કેવાં પગલાં ભરીએ છીએ?

૬ આપણે કોઈ પણ સંજોગમાં વ્યભિચાર કરતા નથી. (હિબ્રૂ. ૧૩:૪) પ્રેરિત પાઉલે આપણને કહ્યું કે “શરીરનાં અંગોને મારી” નાખીએ. એનો અર્થ થાય કે, મનમાંથી ખોટી ઇચ્છાઓ કાઢી નાખવા કડક પગલાં ભરીએ. આપણે એવું કંઈ જોતા નથી કે કરતા નથી, જેનાથી વ્યભિચાર કરી બેસીએ. (કોલો. ૩:૫; અયૂ. ૩૧:૧) કંઈ ખોટું કરવાની લાલચ આવે ત્યારે આપણે તરત જ મનમાંથી એ ખોટો વિચાર કાઢી નાખીએ છીએ અથવા એ કામ કરવાની ના પાડી દઈએ છીએ. કેમ કે આપણે યહોવા સાથેની દોસ્તીને જોખમમાં મૂકવા માંગતા નથી.

૭. આપણે કયો નિર્ણય લેવો જોઈએ? શા માટે?

૭ યહોવા ચાહે છે કે આપણે “પૂરા દિલથી” તેમની આજ્ઞાઓ પાળીએ. (રોમ. ૬:૧૭) તેમની આજ્ઞાઓ પાળવાથી હંમેશાં આપણું ભલું થાય છે અને આપણે તેમના નિયમોમાં ફેરફાર નથી કરી શકતા. (યશા. ૪૮:૧૭, ૧૮; ૧ કોરીં. ૬:૯, ૧૦) યહોવાનું દિલ ખુશ કરવા આપણે બનતું બધું કરીએ છીએ. આપણે પણ ગીતશાસ્ત્રના એ લેખક જેવું વલણ બતાવીએ છીએ, જેમણે કહ્યું હતું: “મેં હંમેશ માટે, હા, છેલ્લા શ્વાસ સુધી તમારા આદેશો પાળવાની મનમાં ગાંઠ વાળી છે.” (ગીત. ૧૧૯:૧૧૨) જોકે, શેતાન આપણો ઇરાદો નબળો પાળવાનો પ્રયત્ન કરે છે. એ માટે તે કઈ ચાલાકીઓ વાપરે છે?

શેતાન કઈ રીતે આપણો ઇરાદો નબળો પાડવાનો પ્રયત્ન કરે છે?

૮. આપણી સતાવણી કરીને શેતાન કઈ રીતે આપણો ઇરાદો કમજોર કરવાની કોશિશ કરે છે?

૮ સતાવણી. આપણો ઇરાદો નબળો પાડવા શેતાન અલગ અલગ રીતો અજમાવે છે. અમુક વાર આપણને માર મારવામાં આવે છે, તો અમુક વાર દબાણ લાવવામાં આવે છે. શેતાન તો આપણને “ગળી જવા” માંગે છે, એટલે કે યહોવા સાથેનો આપણો સંબંધ તૂટી જાય એવું ચાહે છે. (૧ પિત. ૫:૮) પહેલી સદીના ખ્રિસ્તીઓને ધમકાવવામાં આવ્યા, તેઓને માર મારવામાં આવ્યો. અમુકને તો મારી નાખવામાં આવ્યા, કેમ કે તેઓએ દરેક સંજોગમાં યહોવાની આજ્ઞા પાળવાનો પાકો નિર્ણય લીધો હતો. (પ્રે.કા. ૫:૨૭, ૨૮, ૪૦; ૭:૫૪-૬૦) આજે પણ શેતાન યહોવાના લોકોની સતાવણી કરે છે. એ વાત રશિયા અને બીજા દેશોમાં સાફ જોવા મળે છે. ત્યાંની સરકારો આપણાં ભાઈ-બહેનો પર જુલમ ગુજારે છે. તેમ જ, ઘણાં ભાઈ-બહેનોનો બીજી રીતોએ વિરોધ થાય છે.

૯. એક દાખલો આપીને સમજાવો કે કઈ રીતે આપણે છૂપા હુમલાઓથી સાવધ રહેવું જોઈએ.

૯ છૂપા હુમલાઓ. સીધેસીધા હુમલાઓ ઉપરાંત શેતાન “કાવતરાં” રચે છે. (એફે. ૬:૧૧) બૉબ નામના ભાઈનો દાખલો લો. એક મોટા ઑપરેશન માટે તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. તેમણે ડૉક્ટરોને જણાવ્યું હતું કે તે કોઈ પણ સંજોગમાં લોહી નહિ લે. જે ડૉક્ટર તેમનું ઑપરેશન કરવાના હતા, તેમણે બૉબભાઈના નિર્ણયને માન આપ્યું અને એમ કરવા તૈયાર હતા. પણ ઑપરેશનની આગલી રાતે જ્યારે બૉબભાઈના બધા કુટુંબીજનો ઘરે જતા રહ્યા, ત્યારે બીજા એક ડૉક્ટર (બેભાન કરનાર ડૉક્ટર) તેમને મળવા આવ્યા. તેમણે બૉબભાઈને કહ્યું કે મોટા ભાગે તેમને લોહી ચઢાવવામાં નહિ આવે, પણ ત્યાં લોહી હાજર રાખશે, જેથી જરૂર પડ્યે એ તરત ચઢાવી શકાય. કદાચ એ ડૉક્ટરને લાગ્યું હશે કે કુટુંબીજનોની ગેરહાજરીમાં બૉબભાઈ કદાચ પોતાનો નિર્ણય બદલશે. પણ બૉબભાઈ પોતાના નિર્ણયમાં દૃઢ હતા. તેમણે એ ડૉક્ટરને સાફ સાફ જણાવી દીધું કે ભલે ગમે એ થાય, તે લોહી નહિ લે.

૧૦. દુનિયાના લોકોના વિચારો કેમ એક ફાંદા જેવા છે? (૧ કોરીંથીઓ ૩:૧૯, ૨૦)

૧૦ દુનિયાના લોકોના વિચારો. જો દુનિયાના લોકોની જેમ વિચારીશું, તો યહોવા અને તેમનાં ધોરણોની અવગણના કરવા લાગીશું. (૧ કોરીંથીઓ ૩:૧૯, ૨૦ વાંચો.) મોટા ભાગે આ “દુનિયાની બુદ્ધિ” લોકોને ઈશ્વરની આજ્ઞાઓ ન પાળવા અને પોતાની ઇચ્છાઓ પૂરી કરવા ઉશ્કેરે છે. પ્રાચીન સમયમાં પેર્ગામમ અને થુવાતિરા શહેરના લોકો મૂર્તિપૂજા અને વ્યભિચાર કરતા હતા. તેઓની અસર ત્યાંના અમુક ખ્રિસ્તીઓ પર થઈ હતી. ઈસુએ એ બંને મંડળોને કડક શબ્દોમાં ઠપકો આપ્યો, કેમ કે તેઓ વ્યભિચાર ચલાવી લેતા હતા. (પ્રકટી. ૨:૧૪, ૨૦) આજે લોકો આપણને પણ તેઓની જેમ ખોટા વિચારો અપનાવી લેવા દબાણ કરે. કુટુંબીજનો અને સગાં-વહાલાઓ એવું કંઈક કહે અથવા કરે, જેના લીધે આપણે ભાવુક થઈ જઈએ. તેઓ આપણને યહોવાના નિયમ સાથે તડજોડ કરવા દબાણ કરે. જેમ કે, તેઓ કદાચ દાવો કરે કે ખરાબ ઇચ્છાઓ પૂરી કરવામાં કંઈ ખોટું નથી અને ચારિત્ર શુદ્ધ રાખવા વિશેનાં બાઇબલનાં ધોરણો જૂનાં-પુરાણાં છે, એ આજે કામ ના લાગે.

૧૧. આપણે શું કરવાનું ટાળવું જોઈએ?

૧૧ અમુક વાર કદાચ આપણને લાગે કે યહોવા સ્પષ્ટ માર્ગદર્શન આપતા નથી. આપણે કદાચ “જે લખેલું છે એની ઉપરવટ” જવા લલચાઈએ. (૧ કોરીં. ૪:૬) ઈસુના સમયના ધાર્મિક આગેવાનોએ એવી જ ભૂલ કરી હતી. મૂસાએ આપેલા નિયમો ઉપરાંત તેઓએ પોતાના નિયમો બનાવ્યા હતા. આમ, તેઓએ સામાન્ય લોકો પર જાણે ભારે બોજ લાદી દીધો હતો. (માથ. ૨૩:૪) યહોવા પોતાના શબ્દ બાઇબલ અને પોતાના સંગઠન દ્વારા આપણને સાફ સાફ માર્ગદર્શન આપે છે. એ માર્ગદર્શનમાં આપણે પોતાની રીતે કોઈ વધારો કરવાની જરૂર નથી. (નીતિ. ૩:૫-૭) એટલે, આપણે બાઇબલમાં જે લખ્યું છે એની ઉપરવટ જતા નથી અથવા બાઇબલમાં જે વિશે કંઈ જણાવ્યું નથી, એ વિશે સાથી ભાઈ-બહેનો માટે કોઈ નિયમ બનાવતા નથી.

૧૨. શેતાન કઈ રીતે ‘છેતરામણી વાતોનો’ ઉપયોગ કરે છે?

૧૨ છેતરામણી વાતો. શેતાન ‘છેતરામણી વાતો’ અને “દુનિયાના પાયારૂપી ધોરણો” દ્વારા લોકોને ગેરમાર્ગે દોરે છે અને ભાગલા પાડે છે. (કોલો. ૨:૮, ફૂટનોટ) પહેલી સદીમાં તેણે એવી જ ચાલાકી વાપરી. તેણે પ્રયત્ન કર્યો કે લોકો એવી ફિલસૂફીઓમાં માને, જે માણસોના વિચારો પ્રમાણે હતી. તેમ જ, યહૂદીઓનું એ શિક્ષણ પાળે, જે શાસ્ત્ર આધારિત ન હતું. અમુક તો એવું શીખવતા હતા કે ખ્રિસ્તીઓએ મૂસાનું નિયમશાસ્ત્ર પાળવું જ જોઈએ. એ છેતરામણી વાતો હતી, કેમ કે એનાથી લોકોનું ધ્યાન સાચી બુદ્ધિ આપનાર યહોવા તરફથી ફંટાઈને માણસો પર જતું હતું. આજે નેતાઓ જે પાયા વગરની અફવાઓ અને જૂઠા સમાચારને ટેકો આપે છે, એને શેતાન સોશિયલ મીડિયા, અખબારો કે ટી.વી. દ્વારા આખી દુનિયામાં ફેલાવે છે. કોવિડ-૧૯ મહામારી દરમિયાન આપણે નજરોનજર એ જોયું છે.c જે લોકોએ એવી જૂઠી માહિતી પર ધ્યાન આપ્યું હતું, તેઓ વગર કામની ચિંતામાં ડૂબી ગયા હતા. પણ યહોવાના સાક્ષીઓ ચિંતામાં ડૂબી ન ગયા, કેમ કે તેઓએ પોતાના સંગઠન તરફથી મળતા માર્ગદર્શન પર ધ્યાન આપ્યું હતું.—માથ. ૨૪:૪૫.

૧૩. આપણું ધ્યાન ભટકી ન જાય એ માટે કેમ સાવધ રહેવું જોઈએ?

૧૩ ધ્યાન ફંટાવનારી બાબતો. આપણે “જે વધારે મહત્ત્વનું છે,” એના પર ધ્યાન આપવું જોઈએ. (ફિલિ. ૧:૯, ૧૦) મહત્ત્વની ન હોય એવી બાબતો પર ધ્યાન આપીએ છીએ ત્યારે મહત્ત્વની બાબતો માટે આપણી પાસે સમય-શક્તિ બચતાં નથી. જો આપણા જીવનમાં ખાવા-પીવા, મનોરંજન કે નોકરી-ધંધા જેવી બાબતો સૌથી મહત્ત્વની બની જશે, તો આપણું ધ્યાન ફંટાઈ શકે છે. (લૂક ૨૧:૩૪, ૩૫) એ ઉપરાંત, આપણે દરરોજ સામાજિક અને રાજકારણના મુદ્દાઓ વિશે સમાચારોમાં સાંભળીએ છીએ અને વાંચીએ છીએ. એ વિશે લોકોના વિચારો જુદા જુદા છે અને તેઓ એના વિશે દલીલો કર્યા કરે છે. પણ એ બાબતોથી આપણું ધ્યાન ભટકી ન જાય, એ માટે આપણે સાવધ રહેવું જોઈએ, નહિતર આપણે મનમાં જ કોઈનો ને કોઈનો પક્ષ લેવા લાગીશું. યાદ રાખીએ, શેતાન એ પાંચેય રીતોનો ઉપયોગ કરે છે અને જે ખરું છે એ કરવાનો આપણો નિર્ણય નબળો પાડવાનો પ્રયત્ન કરે છે. હવે ચાલો જોઈએ કે કઈ રીતે શેતાનની ચાલાકીઓને નિષ્ફળ બનાવી શકીએ અને અડગ રહી શકીએ.

આપણે કઈ રીતે અડગ રહી શકીએ?

ચિત્રો: ૧. એક ઊંચી ઇમારતનું બાંધકામ થઈ રહ્યું છે જેનો પાયો મજબૂત છે. ૨. એક ભાઈ પોતાનું ‘નો બ્લડ’ કાર્ડ ભરી રહ્યા છે. તેમના ટેબલેટમાં “દુઃખ જશે સુખ આવશે” પુસ્તકનો પાઠ ૩૯ ખુલ્લો છે.

અડગ રહેવા માટે તમારાં સમર્પણ અને બાપ્તિસ્માનો વિચાર કરો, બાઇબલનો અભ્યાસ કરો અને એના પર મનન કરો, તમારું મન મક્કમ કરો અને યહોવા પર ભરોસો રાખો (ફકરા ૧૪-૧૮ જુઓ)

૧૪. યહોવાના પક્ષે અડગ ઊભા રહેવા શાનાથી મદદ મળશે?

૧૪ તમારાં સમર્પણ અને બાપ્તિસ્માનો વિચાર કરો. તમે કેમ એ પગલાં ભર્યાં હતાં? કેમ કે તમે યહોવાનો પક્ષ લેવા માંગતા હતા. જરા વિચારો કે, એ સમયે તમને શાનાથી ખાતરી થઈ હતી કે તમે જે શીખો છો એ જ સાચું છે. તમે યહોવા વિશેનું ખરું જ્ઞાન લીધું. તમે તેમનો આદર કરવા લાગ્યા અને પોતાના પિતાની જેમ તેમને પ્રેમ કરવા લાગ્યા. તેમના પરની તમારી શ્રદ્ધા વધતી ગઈ અને તમને ખોટાં કામો માટે પસ્તાવો કરવાનું મન થયું. તમે યહોવા ધિક્કારે છે એવાં કામો કરવાનું છોડી દીધું અને તેમને ગમે છે એવાં કામો કરવા લાગ્યા. પછી જ્યારે તમને અહેસાસ થયો કે યહોવાએ તમને માફ કરી દીધા છે, ત્યારે તમને રાહત મળી. (ગીત. ૩૨:૧, ૨) તમે સભાઓમાં જવા લાગ્યા અને બાઇબલમાંથી શીખેલી જોરદાર વાતો બીજાઓને જણાવવા લાગ્યા. પછી તમે પોતાનું જીવન યહોવાને સમર્પિત કર્યું અને બાપ્તિસ્મા લીધું. હવે તમે જીવન તરફ લઈ જતા રસ્તા પર ચાલો છો અને પાકો નિર્ણય લીધો છે કે હંમેશાં એ રસ્તા પર ચાલતા રહેશો.—માથ. ૭:૧૩, ૧૪.

૧૫. બાઇબલનો અભ્યાસ કરવો અને મનન કરવું કેમ જરૂરી છે?

૧૫ બાઇબલનો અભ્યાસ કરો અને એના પર મનન કરો. જો એક ઝાડનાં મૂળ ઊંડાં હશે, તો એ ઝાડ મજબૂત ઊભું રહેશે. એવી જ રીતે, જો ઈશ્વર પરની શ્રદ્ધા મજબૂત હશે, તો અડગ રહી શકીશું. ઝાડ મોટું થતું જાય છે તેમ એનાં મૂળ વધારે ઊંડાં ઊતરે છે અને ફેલાય છે. બાઇબલનો અભ્યાસ અને મનન કરીએ છીએ ત્યારે આપણી શ્રદ્ધા મજબૂત થાય છે અને પાકી ખાતરી થાય છે કે ઈશ્વરના રસ્તે ચાલવામાં જ આપણું ભલું છે. (કોલો. ૨:૬, ૭) જરા વિચારો, યહોવાનાં માર્ગદર્શન, સલાહ અને રક્ષણથી પ્રાચીન સમયના તેમના સેવકોને કઈ રીતે ફાયદો થયો. દાખલા તરીકે, હઝકિયેલે એક દર્શનમાં જોયું કે એક દૂત ખૂબ જ કાળજીપૂર્વક મંદિરનું માપ લઈ રહ્યો હતો. એ દર્શન જોઈને હઝકિયેલની શ્રદ્ધા મજબૂત થઈ. એનાથી આપણને પણ શીખવા મળે છે કે યહોવાની સાચી ભક્તિ કરવા આપણે તેમનાં ધોરણો કઈ રીતે પાળી શકીએ.d (હઝકિ. ૪૦:૧-૪; ૪૩:૧૦-૧૨) જ્યારે આપણે પણ સમય કાઢીને બાઇબલની ઊંડી વાતોનો અભ્યાસ કરીએ છીએ અને મનન કરીએ છીએ, ત્યારે આપણને ફાયદો થાય છે.

૧૬. મન મક્કમ રાખવાને લીધે બૉબભાઈનું કઈ રીતે રક્ષણ થયું? (ગીતશાસ્ત્ર ૧૧૨:૭)

૧૬ મન મક્કમ રાખો. રાજા દાઉદે એક ગીતમાં કહ્યું: “હે ઈશ્વર, મારું મન મક્કમ છે.” (ગીત. ૫૭:૭) એ શબ્દોથી તે કહી રહ્યા હતા કે યહોવા માટેનો તેમનો પ્રેમ કદી ઓછો નહિ થાય. આપણે પણ મન મક્કમ રાખી શકીએ છીએ અને યહોવા પર પૂરો ભરોસો રાખી શકીએ છીએ. (ગીતશાસ્ત્ર ૧૧૨:૭ વાંચો.) બૉબભાઈના દાખલાનો ફરી વિચાર કરો. જ્યારે ડૉક્ટરે કહ્યું કે ઑપરેશન દરમિયાન તે લોહી તૈયાર રાખશે, જેથી જરૂર પડ્યે ચઢાવી શકાય, ત્યારે બૉબભાઈએ શું કર્યું? તેમણે તરત જ ડૉક્ટરને કહ્યું કે જો તે લોહી ચઢાવવાનો વિચાર સુદ્ધાં કરશે, તો પોતે તરત જ હૉસ્પિટલ છોડીને જતા રહેશે. પછી બૉબભાઈએ કહ્યું: “મને મારા નિર્ણય પર કોઈ શંકા ન હતી. મને એ પણ ચિંતા ન હતી કે મારું શું થશે.”

ચિત્રો: ૧. આગલા ચિત્રમાં બતાવેલી ઊંચી ઇમારત કુદરતી આફતના સમયે પણ અડીખમ ઊભી છે જ્યારે બીજી ઇમારતો તૂટી ગઈ છે. ૨. આગલા ચિત્રમાં બતાવેલા ભાઈ હૉસ્પિટલના પલંગ પર બેઠા છે અને મોડી રાત્રે ડૉક્ટર સાથે વાત કરી રહ્યા છે.

જો આપણો પાયો, એટલે કે યહોવા પરની શ્રદ્ધા મજબૂત હશે, તો ગમે એવી મુશ્કેલીમાં પણ દૃઢ રહી શકીશું (ફકરો ૧૭ જુઓ)

૧૭. બૉબભાઈના દાખલામાંથી આપણે શું શીખી શકીએ? (ચિત્ર પણ જુઓ.)

૧૭ બૉબભાઈ દૃઢ રહી શક્યા, કારણ કે હૉસ્પિટલ જવાના ઘણા સમય પહેલાં તેમણે નિર્ણય લીધો હતો કે તે અડગ રહેશે. એવો નિર્ણય લેવા તેમને શાનાથી મદદ મળી? પહેલું, તે યહોવાને ખુશ કરવા માંગતા હતા. બીજું, તેમણે બાઇબલની એ કલમો અને એ સાહિત્યનો અભ્યાસ કર્યો, જેમાં સમજાવ્યું હતું કે જીવન અને લોહી પવિત્ર છે. ત્રીજું, તેમને ભરોસો હતો કે યહોવાનો નિયમ પાળવાથી કાયમ તેમનું ભલું થશે. આજે આપણી સામે ભલે ગમે એવી મુશ્કેલીઓ આવે, આપણે પણ મન મક્કમ કરી શકીએ છીએ.

મુશળધાર વરસાદ પડી રહ્યો છે. બારાક અને તેના સૈનિકો પર્વત પરથી ઊતરીને સીસરા અને તેના લશ્કર સામે યુદ્ધ કરવા જઈ રહ્યા છે. સીસરાના યુદ્ધના રથો કીચડમાં ફસાઈ ગયા છે.

બારાક અને તેના સૈનિકો હિંમતથી સીસરાના લશ્કરનો પીછો કરે છે (ફકરો ૧૮ જુઓ)

૧૮. બારાકના દાખલામાંથી યહોવા પર ભરોસો રાખવા વિશે શું શીખવા મળે છે? (પહેલા પાનનું ચિત્ર જુઓ.)

૧૮ યહોવા પર ભરોસો રાખો. ધ્યાન આપો કે જ્યારે બારાકે યહોવા પર ભરોસો રાખ્યો અને તેમનું માર્ગદર્શન પાળ્યું, ત્યારે તેમને કેવી રીતે જીત મળી? એ સમયે ઇઝરાયેલીઓ યુદ્ધ માટે તૈયાર ન હતા. આખા દેશમાં કોઈની પાસે ન ઢાલ હતી, ન બરછી. (ન્યા. ૫:૮) પણ યહોવાએ બારાકને કહ્યું કે તે જઈને કનાનના સેનાપતિ સીસરા અને તેના લશ્કર સામે યુદ્ધ કરે. તેઓ પાસે હથિયારો અને યુદ્ધના ૯૦૦ રથો હતા. પ્રબોધિકા દબોરાહે બારાકને કહ્યું કે તે પહાડી પ્રદેશથી નીચે ઊતરે અને મેદાની વિસ્તારમાં જઈને સીસરા સામે યુદ્ધ કરે. ઇઝરાયેલીઓ માટે એ મેદાની પ્રદેશમાં ઝડપથી ચાલતા રથોનો સામનો કરવો અઘરું હતું. બારાક એ જાણતા હતા, તોપણ તેમણે યહોવાની આજ્ઞા પાળી. જ્યારે સૈનિકો તાબોર પર્વત પરથી નીચે ઊતરી રહ્યા હતા, ત્યારે યહોવાએ મુશળધાર વરસાદ વરસાવ્યો. સીસરાના યુદ્ધના રથો કીચડમાં ફસાઈ ગયા અને યહોવાએ બારાકને જીત અપાવી. (ન્યા. ૪:૧-૭, ૧૦, ૧૩-૧૬) એવી જ રીતે, જો યહોવા પર અને તેમના સંગઠન તરફથી મળતા માર્ગદર્શન પર ભરોસો રાખીશું, તો યહોવા આપણને જીત અપાવશે.—પુન. ૩૧:૬.

પાકો નિર્ણય કરો કે તમે હંમેશાં દૃઢ રહેશો

૧૯. તમે કેમ દૃઢ રહેવાનો પાકો નિર્ણય કર્યો છે?

૧૯ આ દુનિયામાં જીવીએ છીએ ત્યાં સુધી દૃઢ રહેવા આપણે સતત લડતા રહેવું પડશે. (૧ તિમો. ૬:૧૧, ૧૨; ૨ પિત. ૩:૧૭) ચાલો પાકો નિર્ણય લઈએ કે સતાવણી, છૂપા હુમલા, દુનિયાના લોકોના વિચારો, છેતરામણી વાતો અને ધ્યાન ભટકાવી દે એવી વાતોથી ડગીશું નહિ. (એફે. ૪:૧૪) એના બદલે, આપણે દૃઢ રહીશું, અડગ રહીશું અને હંમેશાં યહોવાને પ્રેમ કરતા રહીશું અને તેમની આજ્ઞાઓ પાળતા રહીશું. એની સાથે સાથે આપણે વાજબી બનવાની પણ જરૂર છે. હવે પછીના લેખમાં આપણે ચર્ચા કરીશું કે વાજબી બનવા વિશે યહોવા અને ઈસુએ કઈ રીતે સૌથી સારો દાખલો બેસાડ્યો છે.

તમે કેવો જવાબ આપશો?

  • યહોવાના નિયમો અને ધોરણો પાળવામાં આપણે કઈ રીતે દૃઢ રહી શકીએ?

  • અડગ રહેવાનો આપણો ઇરાદો નબળો પાડવા શેતાન કઈ ચાલાકીઓ વાપરે છે?

  • અડગ રહેવા આપણે કયાં ચાર પગલાં ભરવાં જોઈએ?

ગીત ૧૫૪ અંત સુધી યહોવાને વળગી રહીશું

a શેતાન માણસોના મનમાં ઠસાવવા માંગે છે કે તેઓ પોતે નક્કી કરી શકે કે ખરું શું અને ખોટું શું. એવું તે આદમ અને હવાના સમયથી કરતો આવ્યો છે. તે આજે પણ ચાહે છે કે આપણે યહોવાના નિયમો અને સંગઠન તરફથી મળતું માર્ગદર્શન પાળવાને બદલે મન ફાવે એમ કરીએ. આ લેખ આપણને બે રીતોએ મદદ કરશે: એક, શેતાનના લોકોની જેમ યહોવાના નિયમોની અવગણના ન કરવા અને બે, હંમેશાં યહોવાની આજ્ઞા પાળવાનો નિર્ણય દૃઢ કરવા.

b એક ઈશ્વરભક્ત કઈ રીતે લોહી વિશે ઈશ્વરની આજ્ઞા પાળી શકે, એ વિશે વધારે જાણવા દુઃખ જશે, સુખ આવશે પુસ્તકનો પાઠ ૩૯ જુઓ.

c jw.org/hi પર આપેલો લેખ જુઓ: “જરા સંભલકર, કહીં યે અફવાહેં તો નહિ?”

d વધારે માહિતી માટે આખી ધરતી પર યહોવાની ભક્તિ! પુસ્તકના પ્રકરણ ૧૩ અને ૧૪ જુઓ.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • Privacy Settings
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો