વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • od પ્રકરણ ૪ પાન ૨૪-૨૯
  • મંડળ કઈ રીતે સંગઠિત છે અને કઈ રીતે કામ કરે છે?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • મંડળ કઈ રીતે સંગઠિત છે અને કઈ રીતે કામ કરે છે?
  • યહોવાની ઇચ્છા પૂરી કરતું સંગઠન
  • મથાળાં
  • સરખી માહિતી
  • ઈશ્વર ચાહે છે એ રીતે મંડળ સંગઠિત કરવામાં આવ્યું
  • આજે મંડળો પ્રેરિતોના દાખલાને અનુસરે છે
  • આપણી સંસ્થાઓની ભૂમિકા
  • શાખાનું માળખું
  • મંડળો વધારે દૃઢ થાય છે
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૭
  • મંડળો, યહોવાહની સ્તુતિ કરો!
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૭
  • ટોળાની દેખરેખ રાખતા વડીલો
    યહોવાની ઇચ્છા પૂરી કરતું સંગઠન
યહોવાની ઇચ્છા પૂરી કરતું સંગઠન
od પ્રકરણ ૪ પાન ૨૪-૨૯

પ્રકરણ ૪

મંડળ કઈ રીતે સંગઠિત છે અને કઈ રીતે કામ કરે છે?

પ્રેરિત પાઉલે કોરીંથીઓને લખેલા પહેલા પત્રમાં ઈશ્વર વિશે એક મહત્ત્વની વાત લખી: “ઈશ્વર અવ્યવસ્થાના નહિ, પણ શાંતિના ઈશ્વર છે.” પછી મંડળની સભાઓ વિશે તેમણે કહ્યું: “બધું જ શોભતી રીતે અને વ્યવસ્થિત રીતે થવું જોઈએ.”—૧ કોરીં. ૧૪:૩૩, ૪૦.

૨ કોરીંથ મંડળમાં ભાગલા પડી ગયા હતા. એટલે પ્રેરિત પાઉલે પત્રની શરૂઆતમાં તેઓને સલાહ આપી. તેમણે કહ્યું: ‘તમે બધા એકમતના થાઓ, એકમનના અને એકવિચારના થઈને પૂરેપૂરી એકતામાં રહો.’ (૧ કોરીં. ૧:૧૦, ૧૧) પછી તેમણે એવી બાબતો પર સલાહ આપી, જેનાથી મંડળની એકતા જળવાય રહે. તેમણે શરીરનું ઉદાહરણ આપીને સમજાવ્યું કે એકતા અને સાથ-સહકારથી કામ કરવું શા માટે જરૂરી છે. તેમણે બધાને અરજ કરી કે તેઓ પ્રેમથી એકબીજાની સંભાળ રાખે, પછી ભલેને મંડળમાં તેઓ પાસે કોઈ પણ જવાબદારી હોય. (૧ કોરીં. ૧૨:૧૨-૨૬) જ્યારે બધાં ભાઈ-બહેનો હળી-મળીને કામ કરે છે, ત્યારે દેખાઈ આવે છે કે મંડળ સંગઠિત છે.

૩ પણ મંડળ કઈ રીતે સંગઠિત થશે? એને કોણ સંગઠિત કરશે? એનું માળખું કેવું હશે? એમાં કોણ જવાબદારીઓ નિભાવશે? બાઇબલની મદદથી આપણને એ સવાલોના જવાબો મળે છે.—૧ કોરીં. ૪:૬.

ઈશ્વર ચાહે છે એ રીતે મંડળ સંગઠિત કરવામાં આવ્યું

૪ સાલ ૩૩ના પચાસમા દિવસે ખ્રિસ્તી મંડળની શરૂઆત થઈ. પહેલી સદીના મંડળ વિશે આપણે શું જાણીએ છીએ? એ મંડળની સ્થાપના ઈશ્વરે કરી હતી અને ઈશ્વર ચાહે છે એ રીતે મંડળ વ્યવસ્થિત ચલાવવામાં આવતું હતું. આશરે ૨,૦૦૦ વર્ષ પહેલાં યરૂશાલેમમાં જે બનાવ બન્યો, એ વિશે બાઇબલમાં લખ્યું છે. એ વાંચીને આપણને ખાતરી મળે છે કે અભિષિક્ત ખ્રિસ્તીઓના મંડળની શરૂઆત ઈશ્વરે કરી હતી. (પ્રે.કા. ૨:૧-૪૭) મંડળ ઈશ્વરની ઇમારત હતું અને એના લોકો ઈશ્વરના ઘરના સભ્યો હતા. (૧ કોરીં. ૩:૯; એફે. ૨:૧૯) પહેલી સદીમાં મંડળ જે રીતે સંગઠિત હતું અને જે રીતે કામ કરતું હતું, એ જ રીતે આજે પણ કરે છે.

પહેલી સદીમાં મંડળ જે રીતે સંગઠિત હતું અને જે રીતે કામ કરતું હતું, એ જ રીતે આજે પણ કરે છે

૫ મંડળની શરૂઆત આશરે ૧૨૦ શિષ્યોથી થઈ હતી. સૌથી પહેલા તેઓ પર પવિત્ર શક્તિ રેડવામાં આવી. આમ યોએલ ૨:૨૮, ૨૯ની ભવિષ્યવાણી પૂરી થઈ. (પ્રે.કા. ૨:૧૬-૧૮) પણ એ જ દિવસે બીજા ૩,૦૦૦ લોકોએ બાપ્તિસ્મા લીધું. તેઓ પવિત્ર શક્તિથી અભિષિક્ત થયા અને મંડળનો ભાગ બન્યા. તેઓએ ખ્રિસ્તનું શિક્ષણ સ્વીકાર્યું અને ‘પ્રેરિતો પાસેથી શીખવાનું ચાલુ રાખ્યું.’ એ પછી “યહોવા દરરોજ લોકોને શિષ્યો બનવા દોરી લાવતા અને તેઓને બચાવતા હતા.”—પ્રે.કા. ૨:૪૧, ૪૨, ૪૭.

૬ યરૂશાલેમના મંડળમાં ઝડપથી વધારો થઈ રહ્યો હતો. એ જોઈને યહૂદી પ્રમુખ યાજકે ફરિયાદ કરી કે શિષ્યોએ પોતાના શિક્ષણથી આખા યરૂશાલેમને ભરી દીધું છે. યરૂશાલેમમાં ઘણા યહૂદી યાજકો પણ ખ્રિસ્તના શિષ્યો બન્યા અને મંડળમાં જોડાયા.—પ્રે.કા. ૫:૨૭, ૨૮; ૬:૭.

૭ ઈસુએ કહ્યું: “તમે યરૂશાલેમમાં, આખા યહૂદિયા અને સમરૂનમાં અને પૃથ્વીના છેડા સુધી મારા સાક્ષી થશો.” (પ્રે.કા. ૧:૮) ઈસુએ કહ્યું હતું એવું જ થયું. સ્તેફનના મરણ પછી યરૂશાલેમમાં ભારે સતાવણી શરૂ થઈ. એટલે શિષ્યો યહૂદિયા અને સમરૂનના વિસ્તારોમાં વિખેરાઈ ગયા. તેઓ જ્યાં પણ ગયા, ત્યાં તેઓએ ખુશખબર જણાવી અને શિષ્યો બનાવ્યા. અરે, સમરૂનના અમુક લોકો પણ શિષ્યો બન્યા. (પ્રે.કા. ૮:૧-૧૩) સમય જતાં તેઓએ સુન્‍નત વગરના એટલે કે યહૂદી ન હોય એવા લોકોને પણ ખુશખબર જણાવી અને તેઓએ એ સ્વીકારી. (પ્રે.કા. ૧૦:૧-૪૮) પ્રચારકામને લીધે ઘણા લોકો શિષ્યો બન્યા. યરૂશાલેમ સિવાય બીજી જગ્યાઓએ પણ નવાં મંડળો શરૂ થવા લાગ્યાં.—પ્રે.કા. ૧૧:૧૯-૨૧; ૧૪:૨૧-૨૩.

૮ નવાં મંડળો સંગઠિત રહે અને ઈશ્વર ચાહે છે એ રીતે ચાલે માટે કેવી ગોઠવણ કરવામાં આવી? પવિત્ર શક્તિની મદદથી જવાબદાર ભાઈઓને નીમવામાં આવ્યા, જેથી તેઓ ટોળાની સંભાળ રાખે. પાઉલ અને બાર્નાબાસે પ્રચારની પહેલી મુસાફરી વખતે મંડળોની મુલાકાત લીધી. એ મંડળોમાં તેઓએ વડીલો નીમ્યા. (પ્રે.કા. ૧૪:૨૩) લૂકે જણાવ્યું કે એફેસસમાં પાઉલે મંડળના વડીલો સાથે વાત કરી ત્યારે શું કહ્યું હતું. પાઉલે તેઓને કહ્યું: “તમારું પોતાનું અને આખા ટોળાનું ધ્યાન રાખજો. ઈશ્વરના મંડળની સંભાળ રાખવા પવિત્ર શક્તિએ તમને દેખરેખ રાખનાર તરીકે નીમ્યા છે. એ મંડળને ઈશ્વરે પોતાના દીકરાના લોહીથી ખરીદ્યું છે.” (પ્રે.કા. ૨૦:૧૭, ૨૮) એ ભાઈઓ શાસ્ત્ર પ્રમાણે લાયકાત ધરાવતા હતા. એટલે તેઓને વડીલો તરીકે નીમવામાં આવ્યા હતા. (૧ તિમો. ૩:૧-૭) પાઉલના સાથીદાર તિતસને જવાબદારી સોંપવામાં આવી કે તે ક્રીતનાં મંડળોમાં વડીલો નીમે.—તિત. ૧:૫.

૯ પહેલી સદીમાં મંડળોની સંખ્યા વધતી ગઈ તેમ, યરૂશાલેમના પ્રેરિતો અને વડીલોએ દૂર દૂર ફેલાયેલાં મંડળોની દેખરેખ રાખી. તેઓએ નિયામક જૂથ તરીકે મંડળોની સેવા કરી.

૧૦ પ્રેરિત પાઉલે એફેસસના મંડળને પત્ર લખ્યો. તેમણે સમજાવ્યું કે મંડળે પવિત્ર શક્તિના માર્ગદર્શન પ્રમાણે કામ કરવું જોઈએ. આમ મંડળનાં ભાઈ-બહેનો આગેવાન ઈસુ ખ્રિસ્તને આધીન રહી શકશે અને એકતા જાળવી શકશે. એટલું જ નહિ, પાઉલે વિનંતી કરી કે તેઓ નમ્ર બને અને મંડળનાં બધાં ભાઈ-બહેનો સાથે શાંતિથી રહે. તેમ જ ‘પવિત્ર શક્તિ દ્વારા મળેલી એકતા જાળવી રાખે.’ (એફે. ૪:૧-૬) પછી તેમણે ગીતશાસ્ત્ર ૬૮:૧૮ની કલમ ટાંકી અને યહોવાની ગોઠવણ વિશે જણાવ્યું. યહોવાએ મંડળની સંભાળ રાખવા યોગ્ય ભાઈઓને પ્રેરિતો, પ્રબોધકો, પ્રચારકો, પાળકો અને શિક્ષકો તરીકે નીમ્યા છે. એ ભાઈઓ યહોવા તરફથી ભેટ છે. તેઓ આખા મંડળને ભક્તિમાં મજબૂત કરે છે, જેનાથી યહોવા ભગવાન ખુશ થાય છે.—એફે. ૪:૭-૧૬.

આજે મંડળો પ્રેરિતોના દાખલાને અનુસરે છે

૧૧ આજે યહોવાના સાક્ષીઓનાં બધાં મંડળોને, પહેલી સદીનાં મંડળોની જેમ સંગઠિત કરવામાં આવે છે. આખી દુનિયાનાં બધાં મંડળો ભેગા થઈને એક મંડળ બને છે. એમાં બીજાં ઘેટાંનાં ભાઈ-બહેનો અભિષિક્તોને મદદ કરે છે અને તેઓ વચ્ચે સંપ છે. (ઝખા. ૮:૨૩) એ બધું જ ઈસુ ખ્રિસ્તની મદદથી થાય છે. ઈસુએ વચન આપ્યું હતું એ પ્રમાણે તે “દુનિયાના અંત સુધી” અભિષિક્ત શિષ્યોનો સાથ છોડશે નહિ. આજે મંડળમાં લોકોની સંખ્યા વધી રહી છે. એમાં આવતા લોકો ઈશ્વરની ખુશખબર સ્વીકારે છે. પૂરા દિલથી યહોવાને પોતાનું જીવન સોંપી દે છે અને બાપ્તિસ્મા લઈને ઈસુના શિષ્યો બને છે. (માથ. ૨૮:૧૯, ૨૦; માર્ક ૧:૧૪; પ્રે.કા. ૨:૪૧) તેઓ “ઉત્તમ ઘેટાંપાળક” ઈસુ ખ્રિસ્તને આખા ટોળાના શિર તરીકે સ્વીકારે છે. એ ટોળામાં અભિષિક્તોની સાથે “બીજાં ઘેટાં” પણ છે. (યોહા. ૧૦:૧૪, ૧૬; એફે. ૧:૨૨, ૨૩) એ બંને સમૂહ “એક ટોળું” થઈને ખ્રિસ્તને પોતાના શિર માને છે અને તેમને વફાદાર રહે છે. તેમ જ, તેઓ ‘વિશ્વાસુ અને સમજુ ચાકરને’ આધીન રહે છે, જેને ખ્રિસ્તે સંગઠન ચલાવવાની જવાબદારી સોંપી છે. ચાલો, આપણે વિશ્વાસુ ચાકર પર પૂરો ભરોસો રાખીએ.—માથ. ૨૪:૪૫.

આપણી સંસ્થાઓની ભૂમિકા

૧૨ બધાને યોગ્ય સમયે ઈશ્વરનું શિક્ષણ મળે અને દુનિયાના અંત પહેલાં ખુશખબર ફેલાવવામાં આવે, એ માટે સંગઠને અમુક સંસ્થાઓ રચી છે. આ સંસ્થાઓ અલગ અલગ દેશોમાં કાયદેસર રીતે નોંધાયેલી છે અને એ સંસ્થાઓ એક સાથે મળીને કામ કરે છે. એની મદદથી આખી દુનિયામાં ખુશખબર ફેલાવવામાં આવી રહી છે.

શાખાનું માળખું

૧૩ જ્યારે કોઈ દેશમાં શાખા કચેરી શરૂ કરવામાં આવે છે, ત્યારે શાખા સમિતિ બનાવવામાં આવે છે. એ સમિતિમાં ત્રણ કે એનાથી વધારે વડીલો હોય છે. તેઓ પોતાના દેશમાં ચાલતા કામ પર દેખરેખ રાખે છે. જો તેઓને બીજા દેશોની જવાબદારી સોંપવામાં આવી હોય તો એના કામ પર પણ દેખરેખ રાખે છે. એ સમિતિના એક સભ્ય શાખા સમિતિના સેવક (બ્રાંચ કમિટી કૉઑર્ડિનેટર) તરીકે કામ કરે છે.

૧૪ શાખાની દેખરેખમાં આવતાં મંડળોની અલગ અલગ સરકીટ બનાવવામાં આવે છે. સરકીટ કેટલી મોટી હશે એ આ બાબતોને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવે છે: એ પ્રદેશ કેવો છે, કઈ ભાષાનાં મંડળો છે અને શાખા કેટલાં મંડળોની દેખરેખ રાખે છે. દરેક સરકીટનાં મંડળોની સંભાળ રાખવા સરકીટ નિરીક્ષક નીમવામાં આવે છે. સરકીટ નિરીક્ષકોને શાખા કચેરી માર્ગદર્શન આપે છે કે તેઓ કઈ રીતે પોતાની જવાબદારીઓ નિભાવી શકે.

૧૫ બધાનો ફાયદો થાય એ માટે સંગઠનમાં ગોઠવણો કરવામાં આવે છે. બધાં મંડળો એ ગોઠવણો પ્રમાણે કરે છે. શાખા, સરકીટ અને મંડળોની દેખરેખ માટે જે વડીલોને નીમવામાં આવે છે, તેઓને મંડળો પૂરો સાથ-સહકાર આપે છે. મંડળો યોગ્ય સમયે ઈશ્વરનું શિક્ષણ મેળવવા વિશ્વાસુ અને સમજુ ચાકર પર આધાર રાખે છે. વિશ્વાસુ ચાકર પોતાના આગેવાન ખ્રિસ્તને આધીન રહે છે, બાઇબલ સિદ્ધાંતો પાળે છે અને પવિત્ર શક્તિ તરફથી મળતા માર્ગદર્શન પ્રમાણે કામ કરે છે. પહેલી સદીના ખ્રિસ્તીઓએ એક થઈને કામ કર્યું, એટલે “મંડળો શ્રદ્ધામાં મક્કમ થતાં ગયાં અને તેઓની સંખ્યા દિવસે ને દિવસે વધતી ગઈ.” જો આપણે પણ તેઓની જેમ કામ કરીશું તો એવા જ પરિણામો મેળવીશું.—પ્રે.કા. ૧૬:૫.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો