આપણો ઇતિહાસ
‘કોચલામાંના કાચબા જેવો હું હતો’
સાલ ૧૯૨૯ના ઑગસ્ટથી સપ્ટેમ્બરના સમયગાળામાં નવ દિવસની પ્રચાર ઝુંબેશ રાખવામાં આવી હતી. એમાં ૧૦,૦૦૦ ભાઈ-બહેનોએ ભાગ લીધો અને ખુશખબર ફેલાવવા તેઓ આખા અમેરિકામાં વંટોળિયાની જેમ ફરી વળ્યાં. તેઓએ ૨.૫ લાખ પુસ્તકો અને પુસ્તિકાઓ લોકોને આપ્યાં. તેઓમાંનાં લગભગ ૧,૦૦૦ જેટલા કોલ્પોર્ચર હતાં, જેઓને આજે પાયોનિયર કહેવાય છે. વર્ષ ૧૯૨૭થી ૧૯૨૯માં કોલ્પોર્ચરોની સંખ્યામાં ત્રણ ગણો વધારો થયો હતો. એ વિશે બુલેટિનમાંa જણાવવામાં આવ્યું કે એ “માની ન શકાય એવો વધારો છે.”
સાલ ૧૯૨૯ના અંતે અમેરિકામાં આર્થિક મંદી આવી. ઑક્ટોબર ૨૯, ૧૯૨૯માં ન્યૂ યૉર્કનું શેર બજાર પડી ભાંગ્યું અને એ દિવસને “બ્લૅક ટ્યૂઝ્ડે” કહેવામાં આવ્યો. એના લીધે દુનિયાના આર્થિક તંત્રને મોટો ઝાટકો લાગ્યો અને મંદી બધે ફેલાઈ ગઈ. બધી બૅન્કો દેવામાં ડૂબી ગઈ. ખેતીકામ ઠપ થઈ ગયું અને મોટાં મોટાં કારખાનાને તાળાં વાગી ગયાં. લાખોએ નોકરી-ધંધો ગુમાવ્યો. અમેરિકામાં વર્ષ ૧૯૩૩માં, દેવું ન ચૂકવવાને કારણે દરરોજ ૧,૦૦૦ જેટલાં ઘરો જપ્ત કરવામાં આવતાં.
કટોકટીના એ સમયમાં પૂરા સમયની સેવા આપતાં ભાઈ-બહેનો કઈ રીતે ટકી શક્યાં? એ માટે તેઓએ એક સરસ ઉપાય શોધ્યો. તેઓએ પોતાની કારને જ પૈડાંવાળું ઘર બનાવી દીધું, જેથી ટૅક્સ અને ભાડું ન ભરવું પડે. આમ, ઓછા ખરચે પોતાનું સેવાકાર્ય સારી રીતે કરી શકે.b ઉપરાંત, સંમેલન હોય ત્યારે એ પૈડાંવાળું ઘર તેઓ માટે હોટલની રૂમ બની જતું. ૧૯૩૪માં બુલેટિનમાં નકશા સાથે પૂરું માર્ગદર્શન આપવામાં આવ્યું કે કઈ રીતે ઓછી જગ્યામાં આરામદાયક પૈડાંવાળું ઘર બનાવી શકાય. એમાં માહિતી આપવામાં આવી કે એ ઘરની અંદર પાણીની વ્યવસ્થા, રાંધવા માટે સ્ટવ, વાળીને મૂકાય એવો નાનો પલંગ કઈ રીતે ગોઠવવાં અને ઠંડીથી બચવા શું લગાડવું.
દુનિયા ફરતે જે ભાઈ-બહેનો માટે શક્ય હતું તેઓએ પૈડાંવાળું ઘર બનાવ્યું. ભાઈ વિક્ટર બ્લેકવેલ જણાવે છે, ‘નુહને વહાણ બનાવવાનો કોઈ અનુભવ ન હતો. મને પણ પૈડાંવાળું ઘર બનાવવાનો કોઈ અનુભવ કે જ્ઞાન ન હતું.’ છતાં, ભાઈ પૈડાંવાળું ઘર બનાવી શક્યા.
ભારતમાં ચોમાસાના સમયમાં પૈડાંવાળા ઘરને નદીની પાર લઈ જવામાં આવી રહ્યું છે
એવરી અને લોવેનિયા બ્રિસ્ટાવ પાસે પણ પૈડાંવાળું ઘર હતું. ભાઈ એવરી જણાવે છે, ‘કોચલામાંના કાચબા જેવો હું હતો, એની જેમ મારું ઘર સાથે લઈને ફરતો.’ એ યુગલ હારવી અને ઍન કોનરોવ નામના યુગલ સાથે પાયોનિયરીંગ કરતું હતું. આ યુગલ પાસે પણ પૈડાંવાળું ઘર હતું, જેને ફરતે ડામરના પેપર લગાડેલાં હતાં. હર મુસાફરીમાં એ પેપરના અમુક ટુકડા પડી જતા. ભાઈ એવરી જણાવે છે, ‘એના જેવું ઘર ન કોઈએ જોયું અને ન કોઈ જોશે!’ જોકે, યુગલ કોનરોવ અને તેઓના બે દીકરા વિશે ભાઈ એવરી કહે છે કે, ‘તેઓ જેવું હંમેશાં ખુશ રહેનાર કુટુંબ મેં ક્યારેય જોયું નથી.’ ભાઈ હારવી લખે છે, ‘અમને ક્યારેય કશાની કમી લાગી નહિ. યહોવાની સેવામાં તેમની પ્રેમાળ કાળજીને લીધે અમે હંમેશાં સલામતી અનુભવી.’ હારવીના આખા કુટુંબને ગિલયડમાં જવાનો લહાવો મળ્યો. પછીથી તેઓને પેરુમાં મિશનરી તરીકે મોકલવામાં આવ્યા.
યુસ્તોસ અને વિસેન્સા બાટીનોસ પણ પાયોનિયરીંગ કરતા હતાં. તેઓને ખબર પડી કે પોતે માબાપ બનવાનાં છે ત્યારે, પોતાની કારને ઘર બનાવી દીધી. તેઓ પહેલાં તંબુઓમાં રહેતાં હતાં. એની સરખામણીમાં આ ઘર ‘એક સુંદર હોટલ જેવું લાગતું.’ દીકરી થયા પછી પણ તેઓએ અમેરિકામાં રહેતા ઇટાલિયનોને ખુશખબર જણાવવાનું ચાલુ રાખ્યું. એ કામ તેઓને ઘણું પસંદ હતું.
ઘણા લોકો ખુશખબર સાંભળતા. પરંતુ, ગરીબ અને બેરોજગાર હોવાથી બાઇબલ સાહિત્ય માટે તેઓ ભાગ્યે જ પ્રદાન આપી શકતા. જોકે, પૈસાની જગ્યાએ તેઓ અલગ અલગ ચીજવસ્તુઓ આપતા. એકવાર બે પાયોનિયરોને રસ ધરાવનાર લોકોએ ૬૪ ચીજવસ્તુઓ આપી, જેને નોંધવામાં આવતા એ ‘કરિયાણાની યાદી જેવી લાગતી હતી.’
ભાઈ ફ્રેડ એન્ડરસન એક ખેડૂતને મળ્યા જેમને આપણાં પુસ્તકો જોઈતાં હતાં. પરંતુ, પૈસાની જગ્યાએ ખેડૂતે પોતાની માતાના ચશ્મા આપ્યા. બાજુના ખેતરમાં બીજા એક ખેડૂતે પણ સાહિત્યમાં રસ બતાવ્યો. પરંતુ, તેમણે જણાવ્યું, ‘મારી પાસે વાંચવા માટે ચશ્મા નથી.’ ભાઈ ફ્રેડને મળેલા એ ચશ્માથી આ ખેડૂત વાંચી શક્યા. તેથી, તેમણે ખુશી ખુશી પુસ્તકો અને ચશ્મા માટે પ્રદાન આપ્યું.
ભાઈ હર્બટ એબ્બોટ પોતાની કારમાં મરઘીનું નાનું પાંજરું રાખતા. સાહિત્યના બદલામાં ત્રણ-ચાર મરઘીઓ મળે ત્યારે, બજારમાં એને વેચતા અને એ પૈસાથી કારમાં ઈંધણ ભરાવતાં. ભાઈ લખે છે, ‘કેટલીક વાર એવું પણ બનતું કે પૈસા ખૂટી જતા. પરંતુ, એના લીધે અમે કામ કરતા અટક્યા નહિ. કારમાં થોડું પણ ઈંધણ હોય તો અમે સંદેશો આપવા નીકળી પડતા. આમ, અમે યહોવા પર ભરોસો રાખતા.’
યહોવા પર ભરોસો અને દૃઢ નિશ્ચય રાખવાથી તેમના લોકો એ મુશ્કેલ સમયમાં ટકી શક્યા. એક ભારે વાવાઝોડા વખતે ભાઈ મેક્સવેલ અને તેમની પત્ની એમી લુઈસ પોતાના પૈડાંવાળા ઘરમાં હતાં. તેઓ દોડીને બહાર નીકળ્યા જ હતાં કે, એક ઝાડ એમના ઘર પર પડ્યું અને ઘરના બે ભાગ થતા તેઓએ જોયા. ભાઈ મેક્સવેલ લખે છે, ‘એવા બનાવો અમારા કામમાં અવરોધ બની શક્યા નહિ. એ અમારા માટે ફક્ત બનાવો હતા. એના લીધે કામ બંધ કરવાનું અમે ક્યારેય વિચાર્યું નહિ. હજુ ઘણું કામ બાકી હતું, જે પૂરું કરવાનું અમે નક્કી કર્યુ હતું.’ હિંમત રાખવાથી અને પ્રેમાળ મિત્રોની મદદથી તેઓ પોતાનું પૈડાંવાળું ઘર ફરીથી બનાવી શક્યા.
આજનાં કપરા સમયમાં યહોવાના લાખો ઉત્સાહી સાક્ષીઓમાં પોતાની ઇચ્છાઓ જતી કરવાનું વલણ જોવા મળે છે. એ સમયના પાયોનિયરની જેમ આપણે પણ દૃઢ નિશ્ચય કર્યો છે કે યહોવા કહે ત્યાં સુધી ખુશખબર ફેલાવતા રહીશું.
a આજે એને આપણી રાજ્ય સેવા કહેવામાં આવે છે.
b એ સમયે મોટા ભાગના પાયોનિયર કોઈ નોકરી કે ધંધો કરતા નહિ. તેઓને બાઇબલ સાહિત્ય ઓછી કિંમતે મળતું. સાહિત્ય લોકોને આપીને જે પ્રદાન મળતું, એનાથી પાયોનિયરો સાદુ જીવન જીવતા.