વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w22 એપ્રિલ પાન ૩૦-પાન ૩૧ ફકરો ૪
  • વાચકો તરફથી પ્રશ્નો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • વાચકો તરફથી પ્રશ્નો
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૨
  • સરખી માહિતી
  • “ઈશ્વરે જેને જોડ્યું છે” એને માન આપો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૮
  • વાચકો તરફથી પ્રશ્નો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૦
  • છૂટાછેડા અને પતિ-પત્નીના અલગ થવા વિષે બાઇબલ શું કહે છે
    ઈશ્વરના પ્રેમની છાયામાં રહો
  • શું વિશ્વાસઘાત પછી લગ્‍ન બચાવી શકાય? “હું તમને કહું છું, કે વ્યભિચારના કારણ વગર જે કોઈ પોતાની સ્ત્રીને મૂકી દઈને બીજીને પરણે, તે વ્યભિચાર કરે છે.” —માત્થી ૧૯:૯.
    સજાગ બનો!—૧૯૯૭
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૨
w22 એપ્રિલ પાન ૩૦-પાન ૩૧ ફકરો ૪

વાચકો તરફથી પ્રશ્નો

જો મંડળમાં કોઈ બાઇબલના સિદ્ધાંતો વિરુદ્ધ જઈને પોતાની પત્નીને છૂટાછેડા આપે અને પછી બીજું લગ્‍ન કરે, તો મંડળે તેના પહેલા લગ્‍નને અને નવા લગ્‍નને કેવું ગણવું જોઈએ?

એ કિસ્સામાં મંડળની નજરે પહેલા લગ્‍નનો અંત આવે છે અને નવા લગ્‍નને માન્ય ગણવામાં આવે છે. એવું કેમ કહી શકીએ? એ સમજવા ચાલો ઈસુએ છૂટાછેડા અને બીજા લગ્‍ન વિશે શું કહ્યું હતું એ જોઈએ.

એક ભાઈ સભામાં એક યુગલને જોઈ રહ્યા છે.

માથ્થી ૧૯:૯માં ઈસુએ જણાવ્યું હતું કે છૂટાછેડા આપવાનું ફક્ત એક કારણ છે: “જે કોઈ પુરુષ પોતાની પત્નીને વ્યભિચાર સિવાય બીજા કોઈ કારણથી છૂટાછેડા આપે છે અને બીજી કોઈને પરણે છે, તે વ્યભિચાર કરે છે.” ઈસુના એ શબ્દોથી બે વાત સ્પષ્ટ થાય છે: (૧) બાઇબલમાં જણાવ્યું છે તેમ, જો પતિ-પત્નીમાંથી કોઈ એક વ્યભિચાર કરે, તો જ છૂટાછેડા આપી શકાય. (૨) જે માણસ પોતાની પત્નીને બીજા કોઈ કારણને લીધે છૂટાછેડા આપે અને બીજું લગ્‍ન કરે, તે વ્યભિચાર કરે છે.a

શું ઈસુ એવું કહેવા માંગતા હતા કે જો એક માણસ વ્યભિચાર કરે અને તેની પત્નીને છૂટાછેડા આપે, તો તેને બાઇબલના સિદ્ધાંતો પ્રમાણે બીજું લગ્‍ન કરવાની છૂટ મળી જાય છે? ના, એવું નથી. પતિ વ્યભિચાર કરે ત્યારે નિર્દોષ પત્ની નક્કી કરે છે કે તેને માફ કરવો કે નહિ. જો પત્ની માફ ન કરવાનું અને છૂટાછેડા આપવાનું નક્કી કરે, તો છૂટાછેડા મળી જાય એ પછી તેઓ બીજું લગ્‍ન કરી શકે છે.

એવું બની શકે કે પત્ની સાચા દિલથી લગ્‍ન બચાવવા માંગે છે અને તે પતિને માફ કરવા તૈયાર છે. પણ પતિ તેની સાથે રહેવા માંગતો નથી અને પત્નીની મરજી વિરુદ્ધ છૂટાછેડા લે છે. એવામાં શું પતિ બીજું લગ્‍ન કરી શકે? બાઇબલ પ્રમાણે તેને બીજું લગ્‍ન કરવાની છૂટ નથી. કેમ કે તેની પત્ની તેને માફ કરવા અને લગ્‍નબંધન નિભાવવા તૈયાર છે. પણ જો પતિ બાઇબલના સિદ્ધાંતો વિરુદ્ધ જઈને બીજું લગ્‍ન કરે, તો તે ફરીથી વ્યભિચાર કરે છે. એવા કિસ્સામાં મંડળના વડીલો ફરીથી તેના માટે ન્યાય સમિતિની ગોઠવણ કરશે.—૧ કોરીં. ૫:૧, ૨; ૬:૯, ૧૦.

જો પતિ બાઇબલના સિદ્ધાંતો વિરુદ્ધ જઈને બીજું લગ્‍ન કરે, તો મંડળે પહેલા લગ્‍નને અને નવા લગ્‍નને કેવું ગણવું જોઈએ? શું બાઇબલના સિદ્ધાંતો પ્રમાણે પહેલાનું લગ્‍નબંધન હજી માન્ય ગણાશે? શું નિર્દોષ પત્ની હજી એ નક્કી કરી શકે કે પતિને માફ કરવો કે નહિ? પતિ બીજી પત્ની સાથે રહે છે, એને શું મંડળ એ નજરે જોશે કે તેઓ વ્યભિચાર કરી રહ્યાં છે?

પહેલાં આપણે એવું માનતા હતા કે નિર્દોષ પત્ની જીવતી હોય, બીજું લગ્‍ન ન કરે અથવા તે વ્યભિચાર ન કરે ત્યાં સુધી પહેલા લગ્‍નબંધનનો અંત આવતો નથી. તેમ જ બીજું લગ્‍ન વ્યભિચાર ગણાય છે અને મંડળ એને માન્ય ગણતું નથી. જોકે ઈસુએ છૂટાછેડા અને બીજા લગ્‍નની વાત કરી ત્યારે, નિર્દોષ પત્ની વિશે કંઈ જણાવ્યું ન હતું. તેમણે ફક્ત એ જ કહ્યું કે એક માણસ શાસ્ત્રના સિદ્ધાંતો વિરુદ્ધ છૂટાછેડા આપીને બીજું લગ્‍ન કરે છે તો, તે વ્યભિચાર કરે છે. એનો અર્થ એ કે જો એક માણસ છૂટાછેડા આપીને બીજું લગ્‍ન કરે છે, તો તેના અગાઉના લગ્‍નનો અંત આવે છે.

“જે કોઈ પુરુષ પોતાની પત્નીને વ્યભિચાર સિવાય બીજા કોઈ કારણથી છૂટાછેડા આપે છે અને બીજી કોઈને પરણે છે, તે વ્યભિચાર કરે છે.”​—માથ. ૧૯:૯

લગ્‍નબંધનનો અંત આવે છે ત્યારે, એ નિર્ણય લેવો નિર્દોષ પત્નીના હાથમાં રહેતો નથી કે તે પતિને માફ કરશે કે નહિ. હવે તેને એ અઘરો નિર્ણય લેવાની જરૂર પડતી નથી. વધુમાં મંડળ નવા લગ્‍નને માન્ય ગણશે કે નહિ, એ નિર્દોષ પત્નીના સંજોગો પર આધાર રાખતું નથી. એટલે એવું નથી કે નિર્દોષ પત્નીનું મરણ થાય, તે બીજું લગ્‍ન કરે અથવા વ્યભિચાર કરે, તો જ પતિનું બીજું લગ્‍ન માન્ય ગણાશે.b

આપણે એક દાખલો જોઈ ગયા કે એક પતિ વ્યભિચાર કરે છે અને પછી છૂટાછેડા આપે છે. ચાલો બીજા બે દાખલા જોઈએ. ધારો કે એક પતિ વ્યભિચાર કરતો નથી, પણ છૂટાછેડા આપે છે અને બીજું લગ્‍ન કરે છે. અથવા પતિ છૂટાછેડા પહેલાં નહિ, પણ છૂટાછેડા પછી વ્યભિચાર કરે છે અને તેની પત્ની તેને માફ કરવા તૈયાર છે તોપણ તે બીજું લગ્‍ન કરે છે. એ દાખલાઓમાં પહેલા લગ્‍નનો અંત આવે છે, કેમ કે પતિ છૂટાછેડા આપીને બીજું લગ્‍ન કરે છે, જે વ્યભિચાર છે. નવું લગ્‍ન કાયદા પ્રમાણે માન્ય ગણાશે. નવેમ્બર ૧૫, ૧૯૭૯ ચોકીબુરજ (અંગ્રેજી) પાન ૩૨માં જણાવ્યું છે, “પતિ બીજા લગ્‍ન પછી એ લગ્‍નબંધનને તોડીને પોતાની પહેલી પત્ની પાસે પાછો જઈ શકતો નથી. કેમ કે છૂટાછેડા, વ્યભિચાર અને બીજા લગ્‍નને લીધે પહેલું લગ્‍નબંધન તૂટી ગયું છે.”

ભલે આપણી સમજણમાં ફેરફાર થયો છે, પણ હજુ આપણે લગ્‍નને પવિત્ર બંધન ગણીએ છીએ અને વ્યભિચારને ગંભીર પાપ ગણીએ છીએ. એક માણસ બાઇબલના સિદ્ધાંતો વિરુદ્ધ જઈને છૂટાછેડા આપે છે અને બીજું લગ્‍ન કરે છે ત્યારે તે વ્યભિચાર કરે છે. એટલે વડીલો ન્યાય સમિતિની ગોઠવણ કરે છે. (જો બીજી પત્ની યહોવાની સાક્ષી હોય તો વ્યભિચારના કારણને લીધે વડીલો એ સ્ત્રી માટે પણ ન્યાય સમિતિની ગોઠવણ કરશે અને પગલાં ભરશે.) જોકે નવા લગ્‍નને વ્યભિચાર તરીકે જોવામાં નહિ આવે, પણ ઘણાં વર્ષો સુધી મંડળમાં એ માણસને ખાસ લહાવા આપવામાં આવતા નથી. વર્ષો વીતે પછી પણ તેને ખાસ લહાવા આપતા પહેલાં વડીલો અમુક બાબતોનો વિચાર કરશે. તેઓ ધ્યાન આપશે કે લોકો એ માણસને આદરની નજરે જુએ છે કે નહિ, લોકો એ ઘટનાને લીધે હજુ નારાજ છે કે નહિ. વડીલો કોઈ પણ લહાવો આપતા પહેલાં હાલના સંજોગો પર ધ્યાન આપશે. તેઓ પહેલી પત્નીની લાગણીઓનો પણ વિચાર કરશે, જેની સાથે તેણે કદાચ કપટથી વર્તીને વિશ્વાસઘાત કર્યો હતો. (માલા. ૨:૧૪-૧૬) વડીલો પહેલી પત્નીનાં બાળકોનો પણ વિચાર કરશે, જેઓ પુખ્ત વયના નથી.

જો કોઈ વ્યક્તિ બાઇબલના સિદ્ધાંતો વિરુદ્ધ જઈને છૂટાછેડા આપે છે અને બીજું લગ્‍ન કરે છે તો એનાં ખરાબ પરિણામ આવે છે. એટલે ઈશ્વરભક્તોએ યહોવાની જેમ લગ્‍નને પવિત્ર બંધન ગણવું જોઈએ.—સભા. ૫:૪, ૫; હિબ્રૂ. ૧૩:૪.

a આ લેખમાં આપેલા દાખલા સમજવા પુરુષને વ્યભિચાર કરનાર અને સ્ત્રીને નિર્દોષ સાથી કહેવામાં આવી છે. પણ માર્ક ૧૦:૧૧, ૧૨માં ઈસુએ સ્પષ્ટ જણાવ્યું હતું કે આ સિદ્ધાંત પુરુષ અને સ્ત્રી બંનેને એકસરખી રીતે લાગુ પડે છે.

b પહેલાં આપણે માનતા હતા કે જ્યાં સુધી નિર્દોષ પત્ની જીવતી હોય, બીજું લગ્‍ન ન કરે અથવા તે વ્યભિચાર ન કરે ત્યાં સુધી પતિનું બીજું લગ્‍ન વ્યભિચાર ગણાતું. હવે આપણી સમજણમાં ફેરફાર થયો છે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો