વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w23 જૂન પાન ૩૧
  • વાચકો તરફથી પ્રશ્નો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • વાચકો તરફથી પ્રશ્નો
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૩
  • સરખી માહિતી
  • તે ‘આ બધી વાતો વિશે મનમાં વિચારવા લાગી’
    તેઓની શ્રદ્ધાને પગલે ચાલો
  • કુંવારી હોવા છતાં મરિયમ મા બનવાની છે
    ઈસુ—માર્ગ, સત્ય અને જીવન
  • તેમણે રક્ષણ કર્યું, ભરણપોષણ કર્યું, જવાબદારી નિભાવી
    તેઓની શ્રદ્ધાને પગલે ચાલો
  • મરિયમની જિંદગીમાંથી શું શીખવા મળે છે?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૯
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૩
w23 જૂન પાન ૩૧

વાચકો તરફથી પ્રશ્નો

ઈસુના જન્મ પછી યૂસફ અને મરિયમ પોતાના ઘરે નાઝરેથ જવાને બદલે કેમ બેથલેહેમમાં જ રોકાઈ ગયાં?

એના વિશે બાઇબલમાં સ્પષ્ટ જણાવ્યું નથી. પણ એમાં અમુક રસપ્રદ માહિતી આપી છે. એનાથી કદાચ સમજી શકીશું કે તેઓ કેમ એ વખતે નાઝરેથ પાછાં નહિ ગયાં હોય, પણ યહૂદિયાના બેથલેહેમમાં જ રોકાઈ ગયાં હશે.

એક દૂતે મરિયમને જણાવ્યું કે તે ગર્ભવતી થશે અને બાળકને જન્મ આપશે. દૂતે સંદેશો જણાવ્યો ત્યારે મરિયમ અને યૂસફ નાઝરેથ શહેરમાં રહેતાં હતાં, જે યૂસફના વતન ગાલીલમાં આવેલું હતું. (લૂક ૧:૨૬-૩૧; ૨:૪) પછીથી તેઓ ઇજિપ્તથી પાછાં આવ્યાં ત્યારે, નાઝરેથમાં રહેવા લાગ્યાં. ઈસુ ત્યાં જ મોટા થયા અને નાઝારી કહેવાયા. (માથ. ૨:૧૯-૨૩) એ જ કારણે, જ્યારે ઈસુ, યૂસફ અને મરિયમની વાત થાય છે, ત્યારે આપણા મનમાં નાઝરેથ શહેર આવે છે.

મરિયમને એલિસાબેત નામે એક સંબંધી હતાં, જે યહૂદામાં રહેતાં હતાં. એલિસાબેત ઝખાર્યા યાજકનાં પત્ની અને બાપ્તિસ્મા આપનાર યોહાનનાં માતા હતાં. (લૂક ૧:૫, ૯, ૧૩, ૩૬) મરિયમ એલિસાબેતને મળવા યહૂદા ગયાં અને ત્યાં તેમની જોડે ત્રણ મહિના રહ્યાં. પછી મરિયમ નાઝરેથ પાછાં આવ્યાં. (લૂક ૧:૩૯, ૪૦, ૫૬) એનાથી ખબર પડે છે કે મરિયમ યહૂદાના વિસ્તારો વિશે થોડું-ઘણું જાણતાં હતાં.

અમુક સમય પછી હુકમ બહાર પડ્યો કે “બધા લોકો નામ નોંધાવવા પોતપોતાનાં શહેર” જાય. એટલે યૂસફ મુસાફરી કરીને નાઝરેથથી બેથલેહેમ ગયા. બેથલેહેમ “દાઉદના શહેર” તરીકે પણ ઓળખાતું હતું અને ભવિષ્યવાણી પ્રમાણે ત્યાં મસીહનો જન્મ થવાનો હતો. (લૂક ૨:૩, ૪; ૧ શમુ. ૧૭:૧૫; ૨૦:૬; મીખા. ૫:૨) મરિયમે ઈસુને જન્મ આપ્યો પછી યૂસફ ચાહતા ન હતા કે મરિયમ નાનકડા ઈસુને લઈને નાઝરેથ સુધીની લાંબી મુસાફરી કરે. તેઓ બેથલેહેમમાં જ રહ્યાં, જે યરૂશાલેમથી આશરે નવ કિલોમીટર (આશરે ૬ માઈલ) દૂર હતું. આમ, તેઓ માટે નાનકડા ઈસુને મંદિરમાં લઈ જવા અને નિયમશાસ્ત્ર પ્રમાણે બલિદાન ચઢાવવું સહેલું થઈ ગયું હશે.—લેવી. ૧૨:૨, ૬-૮; લૂક ૨:૨૨-૨૪.

ઈશ્વરના દૂતે અગાઉ મરિયમને જણાવ્યું હતું કે તેમના દીકરાને “દાઉદની રાજગાદી” આપવામાં આવશે અને તે ‘રાજા તરીકે રાજ કરશે.’ કદાચ યૂસફ અને મરિયમે ધ્યાન આપ્યું હશે કે ઈસુનો જન્મ દાઉદના શહેરમાં જ થયો હતો. (લૂક ૧:૩૨, ૩૩; ૨:૧૧, ૧૭) તેઓએ કદાચ વિચાર્યું હશે કે બેથલેહેમમાં રોકાઈ જવું અને ઈશ્વરના માર્ગદર્શનની રાહ જોવી વધારે સારું રહેશે. કદાચ તેઓને લાગ્યું હશે કે ઈશ્વર તેઓને માર્ગદર્શન આપશે કે હવે તેઓએ શું કરવાનું છે.

આપણે જાણતા નથી કે અમુક જ્યોતિષીઓ ઈસુને મળવા આવ્યા ત્યારે, યૂસફ અને મરિયમને બેથલેહેમમાં રહ્યાને કેટલો સમય થયો હતો. પણ એ વખતે એ કુટુંબ ઘરમાં રહેતું હતું અને ઈસુ નાના શિશુ નહિ, પણ “બાળક” હતા. (માથ. ૨:૧૧) એવું લાગે છે કે તેઓ નાઝરેથ જવાને બદલે બેથલેહેમમાં જ રહેતાં હતાં અને એને પોતાનું ઘર બનાવ્યું હતું.

હેરોદે હુકમ બહાર પાડ્યો હતો કે બેથલેહેમમાં “બે વર્ષ અને એથી ઓછી ઉંમરના બધા છોકરાઓને” મારી નાખવામાં આવે. (માથ. ૨:૧૬) એક દૂતે યૂસફને એ વિશે ચેતવણી આપી હતી, એટલે તે મરિયમ અને ઈસુને લઈને ઇજિપ્ત નાસી ગયા. હેરોદના મરણ સુધી તેઓ ત્યાં જ રહ્યાં. પછી યૂસફ તેમના કુટુંબને લઈને નાઝરેથ ગયા. પણ તેઓ કેમ પાછાં બેથલેહેમ ન આવ્યાં? કેમ કે એ સમયે હેરોદનો દીકરો આર્ખિલાઉસ યહૂદિયા પર રાજ કરતો હતો. તે ખૂબ ક્રૂર હતો. એ ઉપરાંત, દૂતે યૂસફને ચેતવણી આપી હતી કે ત્યાં પાછા જવામાં જોખમ છે. નાઝરેથમાં યૂસફ કોઈ જોખમ વગર ઈસુનો ઉછેર કરી શકતા હતા અને તેમને ઈશ્વર વિશે શીખવી શકતા હતા.—માથ. ૨:૧૯-૨૨; ૧૩:૫૫; લૂક ૨:૩૯, ૫૨.

દેખીતું છે કે ઈસુએ પોતાના જીવનનું બલિદાન આપ્યું અને સ્વર્ગમાં જવાનો માર્ગ ખોલ્યો, એ પહેલાં જ યૂસફ ગુજરી ગયા હતા. એટલે યૂસફને આ પૃથ્વી પર જીવતા કરવામાં આવશે. એ સમયે ઘણા લોકો તેમને મળી શકશે અને આ વિશે વધારે જાણી શકશે કે ઈસુના જન્મ પછી તે અને મરિયમ કેમ બેથલેહેમમાં જ રોકાઈ ગયાં.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો