યર્મિયા
૪૩ યર્મિયાએ બધા લોકોને તેઓના ઈશ્વર યહોવાએ કહેલી વાતો જણાવી. એવી એકેએક વાત જણાવી, જે કહેવા તેઓના ઈશ્વર યહોવાએ તેને મોકલ્યો હતો. તે કહી રહ્યો ત્યારે, ૨ હોશાયાહના દીકરા અઝાર્યાએ, કારેઆહના દીકરા યોહાનાને+ અને બધા ઘમંડી માણસોએ યર્મિયાને કહ્યું: “તું જૂઠું બોલે છે! અમારા ઈશ્વર યહોવાએ તને આવું કહેવા નથી મોકલ્યો કે, ‘તમે ઇજિપ્ત જશો નહિ, ત્યાં રહેવા જશો નહિ.’ ૩ તને તો નેરીયાના દીકરા બારૂખે+ અમારી વિરુદ્ધ ઉશ્કેર્યો છે, જેથી અમને ખાલદીઓના હાથમાં સોંપવામાં આવે, અમને મારી નાખવામાં આવે કે ગુલામ બનાવીને બાબેલોન લઈ જવામાં આવે.”+
૪ કારેઆહના દીકરા યોહાનાને, બધા સેનાપતિઓએ અને બધા લોકોએ યહોવાની આજ્ઞા માની નહિ અને યહૂદામાં રહેવાની ના પાડી. ૫ કારેઆહનો દીકરો યોહાનાન અને બધા સેનાપતિઓ યહૂદામાં બાકી રહેલા લોકોને પોતાની સાથે લઈ ગયા, જેઓ બીજા દેશોમાં વિખેરાઈ ગયા હતા, પણ હવે યહૂદામાં રહેવા પાછા આવ્યા હતા.+ ૬ તેઓ પોતાની સાથે સ્ત્રી-પુરુષો, બાળકો, રાજાની દીકરીઓ અને એ બધા માણસોને લઈ ગયા, જેઓને રક્ષકોના ઉપરી નબૂઝારઅદાને+ શાફાનના+ દીકરા અહીકામના દીકરા+ ગદાલ્યાના હાથમાં સોંપ્યા હતા.+ તેઓ પોતાની સાથે યર્મિયા પ્રબોધક અને નેરીયાના દીકરા બારૂખને પણ લઈ ગયા. ૭ તેઓએ યહોવાની આજ્ઞા માની નહિ. તેઓ ઇજિપ્ત ગયા, છેક તાહપાન્હેસ સુધી ગયા.+
૮ તાહપાન્હેસમાં યર્મિયાને યહોવાનો આ સંદેશો મળ્યો: ૯ “તારા હાથમાં મોટા પથ્થરો લે. તાહપાન્હેસમાં ઇજિપ્તના રાજાના* મહેલના દરવાજે ફરસ પર એ પથ્થરો મૂક. પછી યહૂદી માણસોના દેખતાં એને માટીના ગારાથી ઢાંકી દે. ૧૦ પછી તેઓને કહે, ‘ઇઝરાયેલના ઈશ્વર, સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે: “હું મારા સેવક, બાબેલોનના રાજા નબૂખાદનેસ્સારને* મોકલું છું.+ મેં સંતાડેલા પથ્થરો પર તે પોતાની રાજગાદી સ્થાપશે. એ પથ્થરો પર તે પોતાનો રાજવી તંબુ ઊભો કરશે.+ ૧૧ તે આવશે અને ઇજિપ્ત પર હુમલો કરશે.+ જેઓ રોગચાળાને લાયક છે, તેઓ રોગચાળાથી મરશે, જેઓ ગુલામીને લાયક છે, તેઓ ગુલામીમાં જશે અને જેઓ તલવારને લાયક છે, તેઓ તલવારને હવાલે થશે.+ ૧૨ હું ઇજિપ્તના દેવોનાં મંદિરોને આગ લગાડીશ.+ બાબેલોનનો રાજા તેઓને બાળી નાખશે અને ગુલામ બનાવીને લઈ જશે. જેમ એક ઘેટાંપાળક પોતાના શરીરે કપડું ઓઢે છે, તેમ તે ઇજિપ્તને ઓઢી લેશે. તે ત્યાંથી સહીસલામત* પાછો જશે. ૧૩ તે ઇજિપ્તના બેથ-શેમેશના* સ્તંભોના ચૂરેચૂરા કરી નાખશે. તે ઇજિપ્તના દેવોનાં મંદિરોને બાળીને ખાખ કરી નાખશે.”’”