“એવી ચીજ જેનાથી બધાએ ખુશ થવું જોઈએ”
ટુવાલુ, દક્ષિણ પૅસિફિકમાં આવેલો નવ ટાપુઓથી બનેલો એક દેશ છે. એની વસ્તી ફક્ત ૧૦,૫૦૦ છે. તોપણ, એ જાણીને કે “સઘળાં માણસો તારણ પામે, અને તેમને સત્યનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય એવી તેની [પરમેશ્વરની] ઇચ્છા છે,” સ્થાનિક યહોવાહના સાક્ષીઓએ પોતાની માતૃભાષામાં બાઇબલ સાહિત્ય પ્રાપ્ય બને એ માટે તીવ્ર ઇચ્છા વ્યક્ત કરી. (૧ તીમોથી ૨:૪) પરંતુ મુશ્કેલી એ હતી કે એ માટે ત્યાંની માતૃભાષા ટુવાલુઅનમાં કોઈ શબ્દકોષ પ્રાપ્ય ન હતો. તેથી ટુવાલુમાં પ્રચાર કરી રહેલા યહોવાહના સાક્ષીઓના એક મિશનરિએ ૧૯૭૯ આ ભાષામાં સાહિત્ય તૈયાર કરવાનું બીડું ઝડપી લીધું. એ માટે તે અને તેમની પત્ની એક સ્થાનિક કુટુંબ સાથે રહ્યા, ત્યાંની ભાષા શીખ્યા અને ધીરે ધીરે ટુવાલુઅન શબ્દોનો એક શબ્દકોશ બનાવ્યો. વર્ષ ૧૯૮૪માં વૉચટાવર બાઇબલ ઍન્ડ ટ્રૅક્ટ સોસાયટી ઑફ ન્યૂયૉર્ક દ્વારા ટુવાલુઅન ભાષામાં તમે પારાદેશ પૃથ્વી પર હંમેશ માટે જીવી શકો છો પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું.
ટુવાલુના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડૉ. ટી. પૂઆપૂએ હંમેશ માટે જીવી શકો પુસ્તકની કદર વ્યક્ત કરતા એક પત્ર લખ્યો. તેમણે લખ્યું: “દેશની આવશ્યક ‘મૂલ્યવાન’ વસ્તુઓમાં આ પુસ્તક એક મહત્ત્વનો વધારો છે. આ પુસ્તક પ્રકાશિત કરવા તમે જે મહેનત કરી છે એ માટે તમારે જરૂર ખુશ થવું જોઈએ. આ દેશના લોકોનું આધ્યાત્મિક જીવન સુધારવા તમે સુંદર ભૂમિકા ભજવી છે. હું માનું છું કે શિક્ષણ સંબંધી પુસ્તકો છાપવાના કાર્યમાં, આ કામને જરૂર ટુવાલુના ઇતિહાસમાં લખી લેવામાં આવશે . . . આ [સિદ્ધિ] એવી છે જેનાથી બધાએ ખુશ થવું જોઈએ.”
આ પુસ્તકના ભાષાંતરકારોએ ટુવાલુઅન ભાષાના જે શબ્દો ભેગા કર્યા હતા એની મદદથી ૧૯૯૩માં ટુવાલુઅન-અંગ્રેજી શબ્દકોષ પ્રકાશિત કર્યો. ત્યાંના લોકો માટે એમની ભાષામાં આ પહેલો શબ્દકોષ હતો. તાજેતરમાં, નૅશનલ લેંગ્વેજ બોર્ડ ઑફ ટુવાલુએ સૌ પ્રથમ ટુવાલુઅન ભાષાનો શબ્દકોષ તૈયાર કરવા આ શબ્દકોષનો ઉપયોગ કરવાની મંજૂરી માંગી.
જાન્યુઆરી ૧, ૧૯૮૯થી ટુવાલુઅન ભાષામાં ચોકીબુરજની માસિક આવૃત્તિ પ્રકાશિત કરવામાં આવે છે. તમે આ સામયિક બીજી કોઈ ભાષામાં વાંચતા હોવ તો, પાન ૨ પર જુઓ કે તમારી પોતાની ભાષામાં ચોકીબુરજ પ્રકાશિત થાય છે કે નહિ. તમારી પોતાની ભાષામાં આ સામયિક વાંચવાથી તમને જરૂર વધારે આનંદ થશે.