વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w01 ૨/૧ પાન ૨૪-૨૯
  • હું આ રહ્યો મને મોકલો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • હું આ રહ્યો મને મોકલો
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૧
  • મથાળાં
  • બાઇબલ સત્ય હૃદયમાં ઉતારવું
  • ટોળાનો સામનો કરવો
  • મિશનરિ સેવા
  • કુટુંબને ઉછેરવું
  • કૌટુંબિક સમસ્યાઓ
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૧
w01 ૨/૧ પાન ૨૪-૨૯

મારો અનુભવ

હું આ રહ્યો મને મોકલો

જેમ્સ બી. બૅરીના જણાવ્યા પ્રમાણે

એ ૧૯૩૯નું વર્ષ હતું. અમેરિકામાં બેકારીના કારણે જીવન મુશ્કેલ થઈ ગયું હતું. વળી યુરોપમાં યુદ્ધ પણ ઝઝૂમી રહ્યું હતું. મારો નાનો ભાઈ બેનેટ અને હું અમારા વતન મિસિસિપીથી હોસ્ટન, ટેક્સસમાં કામ શોધવા માટે ગયા.

એક દિવસ ઉનાળાના અંત ભાગમાં, અમે રેડિયાના ઘોંઘાટિયા અવાજમાં હચમચાવી નાખે એવી જાહેરાત સાંભળી કે ‘હિટલરનું લશ્કર પોલૅન્ડ તરફ આવી રહ્યું છે.’ મારો ભાઈ તરત બૂમ પાડી ઊઠ્યો કે “આર્માગેદ્દોન શરૂ થયું!” પછી જલદી જ અમે અમારી નોકરીમાંથી રાજીનામું આપી દીધું. અમે સૌથી નજીકના રાજ્યગૃહમાં ગયા અને પહેલી વાર હાજરી આપી. શા માટે રાજ્યગૃહમાં? ચાલો હું તમને શરૂઆતથી જણાવું.

મારો જન્મ ૧૯૧૫માં હેબ્રોન, મિસિસિપીમાં થયો હતો. અમે ગામડાંમાં રહેતા હતા. એ સમયે બાઇબલ વિદ્યાર્થીઓના નામે ઓળખાતા યહોવાહના સાક્ષીઓ અમારા ગામમાં વર્ષમાં એક વાર આવતા અને કોઈકના ઘરે પ્રવચન આપવાની ગોઠવણ કરતા. તેથી, મારા માબાપ પાસે ઘણાં બાઇબલ પ્રકાશનો હતા. મને અને બેનેટને આ પ્રકાશનોમાંથી શીખવા મળ્યું કે નર્ક જેવું કંઈ નથી; જીવ મરે છે; ન્યાયીઓ હંમેશ માટે પૃથ્વી પર જીવશે. હજુ એવી ઘણી બાબતો હતી જે વિષે અમારે શીખવાનું બાકી હતું. મારી શાળા પૂરી કર્યાના થોડા જ સમયમાં, હું અને બેનેટ ટેક્સસમાં કામ શોધવા નીકળી પડ્યા.

છેવટે અમે યહોવાહના સાક્ષીઓને તેઓના રાજ્યગૃહમાં મળ્યા ત્યારે, તેઓએ અમને પૂછ્યું કે અમે પાયોનિયરો છીએ કે કેમ. યહોવાહના સાક્ષીઓના પૂરા સમયના સેવકોને પાયોનિયર કહે છે એ વિષે અમને કંઈ જ ખબર ન હતી. પછી તેઓએ અમને પૂછ્યું કે શું તમે પ્રચારમાં જશો? અમે કહ્યું, ‘કેમ નહિ, ચોક્કસ જઈશું!’ પહેલા તો અમને લાગ્યું કે તેઓ કઈ રીતે પ્રચાર કરવો એ બતાવવા કોઈકને અમારી સાથે મોકલશે. એના બદલે, તેઓએ અમને નકશો આપીને કહ્યું કે, “અહીં પ્રચાર કરો!” પરંતુ બેનેટ અને મને ખબર ન હતી કે કઈ રીતે પ્રચાર કરવો, અને એ કારણે શરમ અનુભવવી પડશે એમ વિચારીને અમે નકશાને ટપાલ દ્વારા પાછો મોકલી દીધો અને મિસિસિપી પાછા ગયા.

બાઇબલ સત્ય હૃદયમાં ઉતારવું

ઘરે પાછા ફર્યા પછી, અમે લગભગ એક વર્ષ સુધી યહોવાહના સાક્ષીઓના પ્રકાશનો વાંચ્યા. અમારા ઘરે વીજળી ન હોવાથી અમે રાત્રે દીવાના પ્રકાશમાં વાંચતા. એ સમયે પ્રવાસી નિરીક્ષકો, યહોવાહના સાક્ષીઓના મંડળ અને છૂટાંછવાયા વૃંદોની પરમેશ્વરના જ્ઞાનમાં દૃઢ કરવા માટે મુલાકાત લેતા હતા. એક નિરીક્ષક ટેડ કેલીને અમારા મંડળની મુલાકાત લીધી. તે મને અને બેનેટને ઘર ઘરના પ્રચારકાર્યમાં સાથે લઈ જતા. તે અમારા બેમાંથી એકને તો સાથે જ રાખતા. તેમણે અમને પાયોનિયર કાર્ય શું છે એના વિષે સમજાવ્યું.

અમે પરમેશ્વરની કઈ રીતે વધારે સેવા કરી શકીએ એ તેમની સાથે કામ કરવાથી શીખ્યા. તેથી એપ્રિલ ૧૮, ૧૯૪૦માં ભાઈ કેલીને, બેનેટ, મારી બહેન વોલ્વા અને મને બાપ્તિસ્મા આપ્યું. અમારા માબાપ બાપ્તિસ્મા સમયે હાજર હતા. તેઓ અમારા આ નિર્ણયથી ઘણા જ ખુશ હતા. લગભગ બે વર્ષ પછી, તેઓ પણ બાપ્તિસ્મા પામ્યા. તેઓ બંને પોતાના મરણ સુધી પરમેશ્વરને વફાદાર હતા. મારા પપ્પા ૧૯૫૬માં અને મમ્મી ૧૯૭૫માં ગુજરી ગયા.

એક દિવસ કેલીનભાઈએ મને પૂછ્યું કે તું પાયોનિયરીંગ કરી શકે કે કેમ? ત્યારે, મેં કહ્યું કે હું કરવા ઇચ્છું છું પણ મારી પાસે કપડાં કે પૈસા કંઈ જ નથી. તેમણે કહ્યું, ‘તું ચિંતા ન કર, હું એની વ્યવસ્થા કરીશ.’ અને તેમણે વ્યવસ્થા કરી. પહેલાં તેમણે મારી પાયોનિયર કાર્ય માટેની અરજી મોકલી. પછી તે મને લગભગ ૩૨૦ કિલોમીટર દૂર આવેલા ન્યૂ ઑર્લિઅન્ઝ રાજ્યમાં લઈ ગયા. તેમણે મને રાજ્યગૃહ ઉપરનું સરસ ઘર બતાવ્યું. એ પાયોનિયરો માટે હતું. હું તરત જ ત્યાં રહેવા ગયો અને પાયોનિયરીંગ શરૂ કર્યું. ન્યૂ ઑર્લિઅન્ઝના ભાઈઓ પાયોનિયરોને કપડાં, પૈસા અને ખોરાક આપીને મદદ કરતા. દિવસનાં ભાઈઓ ખોરાક લાવતા અને દરવાજા પાસે અથવા ફ્રિજમાં મૂકી જતા. એક ભાઈની પોતાની રેસ્ટોરંટ હતી. તે અમને એ બંધ કરતા પહેલાં નિયમિત ખોરાક લેવા બોલાવતા, જેમાં દિવસનું વધેલું મટન, બ્રેડ, કેક વગેરે રહેતું.

ટોળાનો સામનો કરવો

થોડા સમય પછી, મને પાયોનિયર તરીકે જૅક્સન, મિસિસિપીમાં મોકલવામાં આવ્યો. ત્યાં મારે અને મારા સાથીએ હિંસક ટોળાનો સામનો કરવો પડ્યો. એવું લાગતું હતું કે ત્યાંનો પોલીસ તેઓને ઉશ્કેરતો હતો. એ પહેલાં કોલંબસ, મિસિસિપીમાં અમારા પાયોનિયર કાર્યમાં પણ એવું જ બન્યું હતું. અમે સર્વ જાતિ અને દેશના લોકોને પ્રચાર કરતા હોવાથી, અમુક ગોરા લોકો અમને ધિક્કારતા હતા. ઘણા લોકોએ અમારા પર બળવાખોરનો આરોપ મૂક્યો. અમેરિકન સૈન્ય દળના એક દેશપ્રેમી પ્રમુખ પણ એવું જ માનતા હતા. ઘણી વખત તેમણે લોકોને અમારી વિરુદ્ધ ઉશ્કેર્યા હતા.

સૌ પ્રથમ કોલંબસમાં અમારા પર હુમલો કરવામાં આવ્યો હતો. રસ્તા પર લોકોને અમે મેગેઝિનો આપી રહ્યાં હતા ત્યારે, એક ટોળું અમારા પર ધસી આવ્યું. તેઓએ અમને એક દુકાનની કાચની બારી પર ધક્કો માર્યો. શું બની રહ્યું છે એ જોવા લોકો ભેગા થઈ ગયા. તરત જ પોલીસ આવી અને અમને અદાલતમાં લઈ ગઈ. ટોળું પણ અમારી પાછળ પાછળ અદાલતમાં આવ્યું. ત્યાં હાજર રહેલા સર્વ અધિકારીઓ સામે અમને જણાવવામાં આવ્યું કે જો અમુક તારીખ સુધીમાં અમે ત્યાંથી જતા નહિ રહીએ તો અમને જીવતા છોડવામાં નહિ આવે. તેથી અમને થયું કે થોડા સમય માટે એ શહેર છોડી દઈએ તો સારું થશે. પરંતુ થોડા જ સમય પછી, અમે પાછા ફર્યા અને અમારું પ્રચારકાર્ય શરૂ કર્યું.

કેટલાક દિવસો પછી, આઠ લોકોના ટોળાએ અમારા પર હુમલો કર્યો અને જબરજસ્તીથી તેઓની બે ગાડીમાં અમને બેસાડીને જંગલમાં લઈ ગયા. તેઓએ અમારાં કપડાં કાઢીને મારા પટ્ટાથી અમને ૩૦ ફટકા માર્યા. તેઓ પાસે બંદૂકો અને દોરડાં પણ હતા. ખરેખર હું ખૂબ ડરી ગયો હતો. મને લાગતું હતું કે તેઓ અમને બાંધીને નદીમાં ફેંકી દેશે. તેઓએ અમારાં સાહિત્યો ફાડી નાખ્યા અને ઝાડના ઠૂંઠા સાથે અમારો ગ્રામોફોન પછાડીને એના ટુકડે ટુકડા કરી નાખ્યા.

અમને માર્યા પછી, તેઓએ અમને કપડાં પહેરીને પાછળ જોયા વગર ચાલવાનું કહ્યું. ચાલતાં ચાલતાં, અમે વિચાર્યું કે જો અમે આમ કે તેમ વળીશું તો, તેઓ અમને મારી નાખશે. પરંતુ થોડી મિનિટો પછી, અમે તેમની ગાડી જવાનો અવાજ સાંભળ્યો.

બીજા એક પ્રસંગે, એક ટોળું અમારી પાછળ પડ્યું. આથી, નદી પાર કરીને જલદીથી નાસી છૂટવા અમે કપડાં કાઢીને ગળે વીંટાળી દીધાં, અને તરીને નદી પાર કરી. એના થોડા જ સમય પછી અમને બળવાના આરોપ હેઠળ પકડવામાં આવ્યા. અમારો કેસ ચાલે એ પહેલાંના ત્રણ અઠવાડિયાં અમારે જેલમાં રહેવું પડ્યું. એ બનાવ કોલંબસમાં ખૂબ પ્રખ્યાત થઈ ગયો હતો. અરે, વિદ્યાર્થીઓને પણ એનો ચુકાદો સાંભળવા કોલેજમાંથી વહેલા જવાની પરવાનગી આપવામાં આવી. એ દિવસ આવ્યો ત્યારે અદાલત એટલી ખીચોખીચ ભરાઈ ગઈ કે ઊભા રહેવાની પણ જગ્યા ન રહી. ચર્ચના બે પ્રચારકો, મેયર અને પોલીસ અમારી વિરુદ્ધ અદાલતમાં સાક્ષી આપતા હતા.

યહોવાહના સાક્ષીઓના વકીલ, જી. સી. ક્લાર્ક અને તેમના સાથી અમારા માટે કેસ લડતા હતા. તેઓએ કહ્યું કે આ લોકો પર તમે બળવાખોરનો આરોપ મૂકયો છે તો ખરો, પણ એની પૂરતી સાબિતી ન હોવાથી તેઓને છોડી દો. ભાઈ ક્લાર્ક સાથે કામ કરતા વકીલે પોતે યહોવાહના સાક્ષી ન હોવા છતાં, અમારા પક્ષમાં જોરદાર દલીલો કરી. એક મુદ્દા પર તેમણે ન્યાયાધીશને કહ્યું, “લોકો કહે છે કે યહોવાહના સાક્ષીઓ પાગલ છે. પાગલ? લોકો કહેતા કે થોમસ એડિશન પાગલ હતો!” તેણે બલ્બ તરફ આંગળી ચીંધીને કહ્યું, “આ બલ્બને જુઓ!” આ બલ્બની શોધ કરનાર એડિશનને પણ કેટલાક લોકોએ પાગલ ગણ્યો હશે. પરંતુ, આજે કોઈ કહી શકે કે તે પાગલ હતો?

પુરાવા સાંભળ્યા પછી, મુખ્ય જજે સરકારી વકીલને કહ્યું કે, “તેઓ બંડખોર હોય એવો કોઈ પુરાવો તમારી પાસે નથી. વળી, તેઓને આ કાર્ય કરવાનો અધિકાર છે. તમને પુરાવો ન મળે ત્યાં સુધી, તેઓને પાછા આ અદાલતમાં લાવીને સરકારનો સમય અને નાણાં બગાડવાની જરૂર નથી.” એ અમારો એક વિજય હતો!

ત્યાર પછી જજે અમને તેમની ઑફિસમાં બોલાવ્યા. તે જાણતા હતા કે આખું ગામ અમારી વિરુદ્ધમાં છે. તેથી તેમણે અમને ચેતવ્યા કે, “મેં જે કહ્યું એ કાયદાની દૃષ્ટિએ કહ્યું છે. પરંતુ, હું તમને બંનેને વ્યક્તિગત સલાહ આપું છું કે તમે અહીંથી જતા રહો, નહિ તો તેઓ તમને મારી નાખશે!” અમે જાણતા હતા કે તે સાચું કહે છે, આથી અમે એ ગામમાંથી નીકળી ગયા.

ત્યારથી હું બેનેટ અને વલ્વા સાથે જોડાયો. તેઓ ક્લાર્કસેવીલા, ટેનિસીમાં ખાસ પાયોનિયર તરીકે કામ કરતા હતા. થોડા મહિનાઓ પછી, અમને પેરીક, કેન્ટકીમાં મોકલવામાં આવ્યા. દોઢ વર્ષ પછી, અમે એક નવું મંડળ ઊભું કરવાની તૈયારીમાં જ હતા ત્યારે, બેનેટે અને મેં એક ખાસ આમંત્રણ મેળવ્યું.

મિશનરિ સેવા

અમને વૉચ ટાવર બાઇબલ સ્કૂલ ઑફ ગિલયડના બીજા વર્ગમાં જવાનું આમંત્રણ મળ્યું ત્યારે, અમે વિચાર્યું કે, ‘તેઓની ભૂલ તો નહિ થતી હોયને?’ મિસિસિપીના બે સીધાસાદા યુવાન છોકરાઓની તેઓને શું જરૂર છે?’ અમને એવું લાગતું હતું કે તેઓને ફક્ત ભણેલા-ગણેલા લોકોની જરૂર છે. તેમ છતાં અમે ત્યાં ગયા, અને એ વર્ગમાં ૧૦૦ વિદ્યાર્થીઓ હતા. એ વર્ગ પાંચ મહિનાનો હતો. જાન્યુઆરી ૩૧, ૧૯૪૪ના રોજ સ્નાતક કાર્યક્રમ યોજવામાં આવ્યો. અમે બધા પરદેશમાં પ્રચાર કરવા માટે ઉત્સુક હતા. પરંતુ એ સમયે, પાસપોર્ટ અને વીઝા મેળવવા એટલું સહેલું ન હતું. તેથી, વિદ્યાર્થીઓને અમુક સમય સુધી અમેરિકામાં સોંપણી આપવામાં આવી. ઍલાબૅમા અને જૉર્જિયામાં હું અને બેનેટ થોડા સમય સુધી પાયોનિયર સેવા કર્યા પછી, અમને બારબાડોર, વેસ્ટ ઈન્ડિઝ મોકલવામાં આવ્યા.

બીજું વિશ્વયુદ્ધ હજુ ચાલી રહ્યું હતું, અને બારબાડોરની જેમ બીજા ઘણા દેશોમાં યહોવાહના સાક્ષીઓના સાહિત્ય પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ત્યાંના કસ્ટમ ઑફિસરોએ અમારો સામાન તપાસ્યો ત્યારે, અમારું સંતાડેલું સાહિત્ય તેઓને મળ્યું. અમને લાગ્યું કે, ‘હવે અમારું આવી બન્યું.’ પરંતુ એના બદલે એક અધિકારીએ અમને કહ્યું, “શું થાય, અમારે તમારો સામાન તપાસવો પડ્યો; આમાંના કેટલાક સાહિત્ય પર બારબાડોસમાં પ્રતિબંધ છે.” તોપણ, તેમણે અમને સાહિત્ય સહિત જવા દીધા! પછી અમે અધિકારીઓને પ્રચાર કર્યો ત્યારે, તેઓએ કહ્યું, ‘અમને એ ખબર નથી પડતી કે સરકારે આ સાહિત્ય પર કેમ પ્રતિબંધ મૂક્યો છે.’ થોડા જ મહિનાઓ પછી, એ પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવ્યો.

અમને બારબાડોસના પ્રચાર વિસ્તારમાં ઘણી સફળતા મળી. અમે વ્યક્તિગત ઓછામાં ઓછા ૧૫ બાઇબલ અભ્યાસો ચલાવતા હતા, અને મોટા ભાગના વિદ્યાર્થીઓ પરમેશ્વરના જ્ઞાનમાં પ્રગતિ કરી રહ્યા હતા. કેટલાક વિદ્યાર્થીઓને સભાઓમાં આવતા જોવા ખરેખર આનંદદાયક હતું. તેમ છતાં, અમુક સમય સુધી પ્રકાશનો પર પ્રતિબંધ હોવાના કારણે, સભા કઈ રીતે ચલાવવામાં આવે છે એ વિષેની સમજણની ભાઈઓમાં ખામી હતી. પરંતુ અમે જલદી જ લાયકાત ધરાવતા ભાઈઓને તાલીમ આપી શક્યા. અમારા કેટલાક વિદ્યાર્થીઓને અમે પ્રચારકાર્ય શરૂ કરવામાં મદદ કરી શક્યા અને નવું મંડળ ઊભું થતા જોયું એ ખરેખર સુંદર લહાવો હતો.

કુટુંબને ઉછેરવું

બારબાડોસમાં લગભગ ૧૮ મહિના રહ્યા પછી, મને સર્જરી કરાવવાની જરૂર પડી તેથી હું અમેરિકા પાછો ફર્યો. પછી મેં ત્યાં ડોરોથી નામની એક યહોવાહની સાક્ષી સાથે લગ્‍ન કર્યા. અમે લાંબા સમયથી એકબીજા સાથે પત્રવ્યવહાર કરતા હતા. ત્યાર પછી મેં અને મારી પત્નીએ થેલસાસા, ફ્લોરિડામાં પાયોનિયરીંગ કર્યું. પરંતુ છ મહિના પછી અમે લૂઇવિલ, કેન્ટકી ગયા કે જ્યાં મને એક ભાઈએ નોકરી આપી. મારા ભાઈ બેનેટે બારબાડોસમાં ઘણા વર્ષો સુધી મિશનરિ સેવા આપી. ત્યાર પછી તેણે એક મિશનરિ બહેન સાથે લગ્‍ન કરીને ટાપુઓ પર પ્રવાસી નિરીક્ષક તરીકે કામ કર્યું. છેવટે, તંદુરસ્તીના કારણે તેઓએ અમેરિકામાં પાછું ફરવું પડ્યું. બેનેટ ૧૯૯૦માં ગુજરી ગયા ત્યારે તે ૭૩ વર્ષના હતા. ત્યાં સુધી, તે સ્પૅનિશ ભાષા બોલતા મંડળમાં પ્રવાસી નિરીક્ષક તરીકે સેવા આપતા હતા.

ડોરોથીએ ૧૯૫૦માં અમારા પહેલા બાળકને જન્મ આપ્યો. તે બાળકીનું અમે ડાર્લી નામ પાડ્યું. અમને કુલ પાંચ બાળકો થયા. પરંતુ અમારી બીજી બાળકી ડાર્લીકને કરોડરજ્જુમાં રોગ થયો હોવાથી, તે અઢી વર્ષની હતી ત્યારે જ ગુજરી ગઈ. પછી ૧૯૫૬માં લૅસીનો અને ૧૯૫૮માં ઇવેટ્‌નો જન્મ થયો. મેં અને ડોરોથીએ અમારાં બાળકોને પરમેશ્વરના જ્ઞાનમાં ઉછેરવાનો પ્રયત્ન કર્યો. અમે હંમેશા અમારો સાપ્તાહિક બાઇબલ અભ્યાસ કરતા અને એને વધારે રસપ્રદ બનાવવાનો પ્રયત્ન કરતા. ડાર્લી, લૅસી અને ઇવેટ્‌ને નાનપણથી જ અમે દર અઠવાડિયે અમુક પ્રશ્નોનું સંશોધન કરવા માટે આપતા. તેઓ ઘર ઘરના પ્રચારકાર્યમાં જતા હોય એમ રમતા. એક જણ સ્ટોરરૂમમાં જઈને ઘરમાલિક બનતું, અને બીજો બહાર ઊભો રહીને દરવાજો ખખડાવતા. તેઓ એકબીજાને ગભરાવવા હસવું આવે એ રીતે વાત કરતા. પરંતુ એનાથી તેઓનો પ્રચારકાર્ય પ્રત્યે પ્રેમ વધ્યો. તેમ જ અમે નિયમિત રીતે તેઓ સાથે પ્રચારકાર્યમાં પણ જતા હતા.

અમારા સૌથી નાના દીકરા ઈલટોનનો જન્મ થયો ત્યારે, ડોરોથી લગભગ ૫૦ વર્ષની અને હું ૬૦ વર્ષનો હતો. મંડળમાં ભાઈબહેનો અમને ઈબ્રાહીમ અને સારાહ કહીને બોલાવતા! (ઉત્પત્તિ ૧૭:૧૫-૧૭) અમારો મોટો દીકરો હંમેશા ઈલટોનને તેની સાથે પ્રચારકાર્યમાં લઈ જતો. અમે બાળકો સાથે પ્રચારકાર્યમાં ભાઈબહેનો જોડે કામ કરતા હતા, તેથી અમને લાગ્યું કે અમે લોકોને કુટુંબ તરીકે સૌથી સારી સાક્ષી આપી રહ્યાં છીએ. ઈલટોનનો મોટો ભાઈ તેને ખભા પર ઊચકતો અને તેના હાથમાં પત્રિકા આપતો. લોકો જ્યારે સુંદર છોકરાને એના ભાઈના ખભા પર આ રીતે ઊચકેલો જોતા ત્યારે તેનું હંમેશા સાંભળતા. તેના ભાઈઓએ ઇલટોનને વાતચીત પૂરી થયા પછી, પત્રિકા આપતી વખતે થોડા શબ્દો બોલતાં શીખવ્યા હતા. એ રીતે તેણે પ્રચારકાર્ય શરૂ કર્યું હતું.

વર્ષો પસાર થતાં, અમે બીજા ઘણા લોકોને યહોવાહ વિષે શીખવામાં મદદ કરી શક્યા. અમે ૧૯૭૦ના દાયકામાં લોવિસ્વાથી શીલેવીલા, કેન્ટકીમાં જરૂર હતી એવા મંડળોમાં સેવા આપવા માટે ગયા. ત્યાં રહીને અમે મંડળોમાં વધારો થતો જોયો, એટલું જ નહિ પણ રાજ્યગૃહ બાંધવા માટેની જગ્યાઓ શોધવામાં પણ મદદ કરી. પછીથી અમને બીજા એક નજીકના મંડળમાં સેવા આપવાનું જણાવવામાં આવ્યું.

કૌટુંબિક સમસ્યાઓ

અમે ઇચ્છતા હતા કે અમારા બધાં બાળકો યહોવાહના માર્ગમાં ચાલે, પરંતુ એવું બન્યું નહિ. તેઓ મોટા થયા ત્યારે અલગ રહેવા ગયા. અમારા ચાર બાળકોમાંથી ત્રણ બાળકોએ યહોવાહના માર્ગમાં ચાલવાનું છોડી દીધું. તેમ છતાં, અમારો સૌથી નાનો દીકરો ઈલટોન મારા ઉદાહરણને અનુસરીને પૂરા સમયના સેવાકાર્યમાં જોડાયો છે. પછીથી તેણે યહોવાહના સાક્ષીઓના મુખ્ય મથક, ન્યૂયૉર્કમાં કામ કર્યું. તેને ૧૯૮૪માં ગિલયડના ૭૭માં વર્ગમાં બોલાવવામાં આવ્યો. સ્નાતક થયા પછી, તેને સિયેરા લિયોન, પશ્ચિમ આફ્રિકામાં સોંપણી આપવામાં આવી. પછી તેણે ૧૯૮૮માં, બેલ્જિયમમાં પાયોનિયરીંગ કરતી મારીઆની સાથે લગ્‍ન કર્યા. ત્યારથી તેઓ મિશનરિ તરીકે સેવા કરે છે.

બીજા માબાપની જેમ, અમારા ત્રણ બાળકોએ યહોવાહના માર્ગમાં ચાલવાનું છોડી દીધું એ જોવું અમારા માટે બહુ જ દુઃખદ હતું. એ માર્ગમાં ચાલવાથી ભાવિમાં બગીચા જેવી પૃથ્વી પર હંમેશ માટેના જીવનની આશા રહેલી છે. એ વખતે હું પોતાનો જ વાંક કાઢતો હતો. પરંતુ એ જાણીને અમને દિલાસો મળે છે કે યહોવાહ પરમેશ્વર પ્રેમથી અને માયાળુ રીતે શિસ્ત આપતા હોવા છતાં, તેમના સ્વર્ગદૂતોએ તેમની સેવા કરવાનું છોડી દીધું હતું. (પુનર્નિયમ ૩૨:૪; યોહાન ૮:૪૪; પ્રકટીકરણ ૧૨:૪, ૯) આ બાબતે મને એ જોવા મદદ કરી કે માબાપ બાળકોને યહોવાહના માર્ગમાં ઉછેરવા ભલે સખત મહેનત કરે તોપણ, કેટલાક બાળકો પરમેશ્વરના માર્ગમાં ચાલવાનો નકાર કરે છે.

વૃક્ષને સખત પવનનો સામનો કરવો પડે છે તેમ, આપણે પણ આપણા માર્ગમાં આવતી વિવિધ મુશ્કેલીઓ અને સમસ્યાઓનો સામનો કરવો પડે છે. સમય પસાર થતાં, મને જોવા મળ્યું છે કે નિયમિત બાઇબલ અભ્યાસ અને સભાઓમાં જવાથી પરમેશ્વરના માર્ગમાં ચાલતા રહેવા મને ઘણું જ ઉત્તેજન મળ્યું છે. હવે મારી ઉંમર વધતી જાય છે ત્યારે, ભૂતકાળમાં કરેલી ભૂલો હું જોઈ શકું છું અને એમાંથી હું જે શીખ્યો એની કદર કરું છું. આપણે અંત સુધી વફાદાર રહેવું હોય તો, આવા અનુભવો આપણને પરમેશ્વરના જ્ઞાનમાં વધતા રહેવા મદદ કરશે. એમાંથી શીખતા જઈશું તેમ, નિરુત્સાહી બાબતોમાં પણ આપણે આનંદ મેળવી શકીશું.—યાકૂબ ૧:૨, ૩.

હવે, મારી અને ડોરોથીની તબિયત એટલી સારી રહેતી નથી કે અમે યહોવાહની સેવામાં વધારે કરી શકીએ. પરંતુ અમે આપણા વહાલા ખ્રિસ્તી ભાઈ બહેનોની પ્રેમાળ મદદ માટે આભારી છીએ. અમે દરેક સભાઓમાં જઈએ છીએ, તેથી ભાઈઓ અમને જોઈને ખુશ થાય છે. તેઓ અમને દરેક રીતે મદદ કરે છે. અરે, તેઓ અમારું ઘર અને ગાડીનું સમારકામ કરવામાં પણ મદદ કરે છે.

વર્ષમાં એકાદ વાર, અમે સહાયક પાયોનિયરીંગ કરીએ છીએ, તેમ જ રસ ધરાવતા લોકો સાથે બાઇબલ અભ્યાસ પણ કરીએ છીએ. વળી, આફ્રિકામાં સેવા કરી રહેલા અમારા દીકરા પાસેથી પત્રો મળે છે ત્યારે, અમે ખાસ આનંદ અનુભવીએ છીએ. હવે અમે બંને સાથે બેસીને અમારો બાઇબલ અભ્યાસ કરીએ છીએ. આટલા વર્ષો યહોવાહ પરમેશ્વરની સેવા કરી શક્યા એ માટે અમે તેમના આભારી છીએ. તે આપણને ખાતરી આપે છે કે ‘આપણે તેમના નામ તથા કામ પ્રત્યે જે પ્રીતિ દેખાડી છે એને તે ભૂલી જશે નહિ.’—હેબ્રી ૬:૧૦.

[પાન ૨૫ પર ચિત્ર]

ટૅડ કેલીને એપ્રિલ ૧૮, ૧૯૪૦ના રોજ વેલ્વા, વેનેટ અને મને બાપ્તિસ્મા આપ્યું

[પાન ૨૬ પર ચિત્રો]

મારી પત્ની ડોરોથી સાથે ૧૯૪૦માં અને ૧૯૯૭માં

[પાન ૨૭ પર ચિત્ર]

બારબાડોસમાં બસ પર ‘શાંતિના રાજકુમાર’ જાહેર પ્રવચનની જાહેરાત

[પાન ૨૭ પર ચિત્ર]

મારો ભાઈ બેનેટ મિશનરિ ગૃહની આગળ

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો