બઆલની—ભક્તિથી ઘેરાયેલું શહેર—યુગરીટ
વર્ષ ૧૯૨૮માં સીરિયા દેશના એક ખેડૂતના હળ નીચે મોટો પથરો આવ્યો. એ પથરા નીચે એક કબર દબાયેલી હતી કે જેમાં પ્રાચીન ચીનાઈ માટીના વાસણો હતા. આ ખેડૂતે તો સ્વપનામાં પણ નહિ વિચાર્યું હોય કે તેની આ શોધ કેટલી મહત્ત્વની હશે! આ અચાનક મળેલી વસ્તુઓ વિષે શોધખોળ કરનારી એક ટીમે સાંભળ્યું. એ પછીના વર્ષે, ક્લોડ શેફર આખી ટીમ સાથે ફ્રાંસથી સીરિયા આવી પહોંચ્યા.
આ ટીમ કોદાળીથી ખોદકામ કરી રહી હતી ત્યારે તેઓને અચાનક એક શીલાલેખ મળી આવી. એના પરથી, વિનાશ થયેલા શહેર વિષે તેઓને જાણવા મળ્યું. એ તો “મધ્ય પૂર્વનું એક મુખ્ય શહેર” યુગરીટ હતું. બૅરી હૉબેરમન નામના એક લેખકે તો એમ પણ કહ્યું કે, “શોધખોળ કરનારી આ ટીમે જે શોધ કરી છે એ બાઇબલ સમજવા માટે સૌથી મહત્ત્વની છે. અરે, એટલા તો મૃત સમુદ્રના વિંટાઓ પણ બાઇબલ સમજવામાં મદદ કરતા નથી.”—ધ એટલાન્ટિક મન્થલી.
વેપાર માટે લોકોની આવ-જા
યુગરીટ શહેર, ભૂમધ્ય સમુદ્રના કિનારા પર રાસ સામરા નામના ટેકરા પર આવેલું હતું. ત્યાં હમણાં ઉત્તરી સીરિયા આવેલું છે. લગભગ ૩,૦૦૦ વર્ષો પહેલાં યુગરીટ ઉપનગર હતું. આ શહેર ખૂબ જ આબાદ હતું. એ ઉત્તરના માઉન્ટ કાસીઅસથી ૬૦ કિલોમીટર, ૩૦-૪૫ કિલોમીટર દક્ષિણના ટેલ સૂકાસ સુધી અને પશ્ચિમના ભૂમધ્યથી લઈને પૂર્વના ઑરાન્ટીઝ ઘાટ સુધી ફેલાયેલું હતું.
યુગરીટના વાતાવરણને લીધે, ત્યાં પુષ્કળ પશુઓ જોવા મળતા હતા. એ પ્રદેશમાં અનાજ, જેતુન તેલ, દ્રાક્ષદારૂ અને ઘર બાંધવાના લાકડાંઓ ખૂબ જ મળી આવતા જે મેસોપોટેમીયા અને મિસરમાં બહુ જોવા મળતા ન હતા. વળી, આ શહેર પણ એવી જગ્યાએ આવેલું હતું કે જેથી વેપાર માટે લોકો ત્યાં આવતા જતા હતા. એના લીધે યુગરીટ આંતરરાષ્ટ્રીય બંદર બન્યું. યુગરીટમાં એજિયન, અનાતુલિયા બાબેલોન, મિસર અને મધ્ય પૂર્વના બીજા ભાગોમાંથી વેપારીઓ આવીને ધાતુઓ, ખેતીવાળીની વસ્તુઓ અને અહીં સૌથી વધારે બનાવવામાં આવતી વસ્તુઓનો વેપાર કરતા હતા.
જોકે, યુગરીટ એક આબાદ શહેર હોવા છતાં, એને બીજા શહેરો પર આધાર રાખવો પડતો હતો. આ શહેર પહેલા મિસર સામ્રાજ્યના ઉત્તરના ભાગનું હતું. પરંતુ, ઈસવીસન પૂર્વે ૧૪મી સદીમાં હિત્તીઓએ પોતાના સામ્રાજ્યમાં લઈ લીધું. યુગરીટે મજબૂરીથી પોતાના રાજાને ભેટ મોકલવી પડતી હતી અને પોતાના સૈનિકો મોકલવા પડતા હતા. ‘સમુદ્રના લોકોએ’a અનાતુલિયા (મધ્ય તુર્કી) અને ઉત્તરી સીરિયા પર ચઢાઈ કરી ત્યારે હિત્તીઓએ યુગરીટ પાસે સૈન્ય અને નૌકા સૈન્ય માંગ્યું. એના લીધે યુગરીટ પર હુમલો થયો ત્યારે, તેઓ પોતાનું રક્ષણ કરી શક્યા નહિ. તેથી, લગભગ ઈસવી સન પૂર્વે ૧૨૦૦માં એનો સંપૂર્ણ નાશ થયો.
ભૂતકાળ પર એક નજર
યુગરીટના વિનાશ પછી લગભગ ૨૦ મીટર ઊંચો પહાડ રહી ગયો કે જે ૬૦ એકર કરતા વધારે જગ્યામાં ફેલાયેલો છે. ફક્ત છઠ્ઠા ભાગ પર જ ખોદકામ કરવામાં આવ્યું. શોધખોળ કરનારાઓએ વિનાશ પામેલો વિશાળ મહેલ શોધી કાઢ્યો. આ મહેલમાં લગભગ ૧૦૦ રૂમો અને ઓછામાં ઓછા ૬ આંગણા હતા. એ કંઈક ૧૦,૦૦૦ ચોરસ મીટરની જગ્યા આવરે છે. એ મહેલમાં પ્લમ્બીંગ, ટોયલેટ અને ગટર વ્યવસ્થા હતી. ફર્નિચર સોના, લીલમ અને હાથીદાંતથી મઢેલું હતું. હાથીદાંત પર કોતરેલી એક તકતી મળી આવી. બગીચાની ચારેબાજુ કોટ કરવામાં આવ્યો હતો અને એમાં એક નાનું તળાવ જેવું બનાવવામાં આવ્યું હતું. એના લીધે એની શોભા વધી જતી હતી.
વળી, આજુબાજુના શહેરોમાં પણ ખાસ કરીને બઆલ અને ડૅગનના મંદિરો ઘણા હતા.b મંદિરના ટાવર ૨૦ મીટર લાંબા હતા. એમાં નાની પરસાળ પણ હતી કે જે સૌથી અંદર, મૂર્તિના રૂમ સુધી લઈ જતી હતી. દાદરા પરથી ધાબા પર જવાતુ હતુ, જ્યાં રાજાઓ ઘણી વિધિઓ કરતા હતા. રાતના સમયે કે વાવાઝોડાના સમયે, મંદિરની ટોચ પર દીવાદાંડી પ્રકાશતી હોય શકે, જેથી વહાણ સલામતી રીતે બંદર પર પહોંચી શકે. વાવાઝોડામાંથી નાવિકો સલામત પહોંચ્યા એનો યશ બઆલ-હદાદ દેવતાને આપવામાં આવતો હતો. એના લીધે નાવિકોએ બઆલ-હદાદના મંદિરમાં મળી આવેલા ૧૭ લંગરોની બલી ચઢાવી હશે.
મહત્ત્વના લખાણો મળી આવ્યા
યુગરીટના વિનાશમાંથી ઘણા લખાણો મળી આવ્યા હતા. આર્થિક, કાયદાકીય, અને રાજકરણને લગતા ઘણા લખાણો આઠ ભાષામાં મળી આવ્યા કે જે પાંચ લિપિમાં લખેલા હતા. શેફરની ટીમને અમુક લખાણો મળી આવ્યા જે અત્યાર સુધી અજાણી ભાષામાં હતા. એ લખાણોને તેઓએ યુગરીટિક નામ આપ્યું. આ ભાષામાં ૩૦ ફાચર જેવા ચિહ્નોનો ઉપયોગ કરવામાં આવ્યો છે કે જે શોધી કાઢવામાં આવેલા સૌથી જૂના અક્ષરો છે.
યુગરીટિક લખાણોમાં રોજના જીવન ઉપરાંત, એ સમયની ધાર્મિક માન્યતા અને વિધિઓ વિષે પણ જણાવે છે. યુગરીટની વિધિઓ પણ એના પડોશી દેશ કનાનની જેવી જ હતી. રોલેન્ડ ડી વૉક્સ કહે છે: આ લખાણોમાં “ઇસ્રાએલીઓએ કનાન દેશ પર વિજય મેળવ્યો એ પહેલાં જે સંસ્કૃતિ હતી એકદમ એવી જ જોવા મળે છે.”
બઆલના શહેરમાં ધર્મ
રાસ સામરાના લખાણોમાં ૨૦૦ કરતાં પણ વધારે દેવી-દેવતાઓ વિષે જણાવ્યું છે. સૌથી મહાન દેવતા એલ હતો કે જેને દેવતાઓ અને માનવીઓના પિતા કહેવામાં આવતો હતો. વાવાઝોડાના દેવ બઆલ-હદાદને “વાદળો પર સવારી કરનાર” અને “પૃથ્વીના માલિક” કહેવામાં આવતો હતો. એલને હોંશિયાર અને સફેદ દાઢીવાળા એક માણસ તરીકેનું વર્ણન કરવામાં આવ્યું છે. બીજી તર્ફે, બઆલને મક્કમ અને પોતાનું ધાર્યું કરનાર દેવતા તરીકે બતાવવામાં આવ્યો છે, જે બીજા દેવો અને માણસજાત પર રાજ કરે છે.
નવા વર્ષ કે કાપણી જેવા ધાર્મિક તહેવારોમાં, યુગરીટના લખાણો એક મંત્રની જેમ રટણ કરાતા હતા. જો કે એનું ભાષાંતર સમજી શકાય એમ નથી. એક કવિતામાં રાજ કરવા માટે ચાલતી લડાઈ વિષે જણાવ્યું છે. એમાં બઆલ, એલના માનીતા દિકરા દરિયા-દેવ યામને હરાવે છે. આ વિજયથી યુગરીટના સૈનિકોને ભરોસો આવ્યો હોય શકે કે બઆલ તેમનું દરિયામાં રક્ષણ કરશે. વળી, મોટ સાથેની લડાઈમાં, બઆલનો પરાજય થાય છે અને તેને પાતાળલોકમાં જવું પડે છે. એના લીધે દુકાળ પડે છે અને માનવીના દરેક કામો બંધ થઈ જાય છે. બઆલની પત્ની અને બહેન એનેટ પ્રેમ અને યુદ્ધની દેવીઓ છે. તેઓ મોટને મારી નાખીને બઆલને ફરી જીવન આપે છે. બઆલ એલની પત્ની આથીરાટ (અશેરાહ)ના દીકરાની હત્યા કરીને ફરી ગાદી મેળવે છે. પરંતુ, મોટ સાત વર્ષ પછી પાછો આવે છે.
અમુક લોકો આ કવિતાને ઋતુનું ચક્ર કહે છે. એમાં જીવન આપનાર વરસાદ પછી સખત ગરમી અને પછી પાનખર ઋતુ આવે છે. બીજા લોકો વિચારે છે કે સાત વર્ષનું ચક્ર દુકાળનું હોય છે. ગમે તેમ હોય પણ માનવીઓ સફળ થાય, એ માટે બઆલ ખૂબ જ મહત્ત્વનો હતો. પીટર ક્રેગી નામના એક વિદ્વાન નોંધે છે: “બઆલ ધર્મનો હેતુ હતો કે એનો જ ધર્મ સૌથી સારો છે; એના ભક્તો માનતા હતા કે જ્યાં સુધી બઆલ રહેશે ત્યાં સુધી અનાજ અને પશુઓમાં વધારો થશે જે માનવીઓ માટે ખૂબ જ જરૂરી છે.”
જૂઠા ધર્મોથી રક્ષણ
ખોદકામથી અમુક દસ્તાવેજો મળી આવ્યા જેનાથી જાણવા મળ્યું કે યુગરીટિક ધર્મ કેટલે હદ સુધી ભ્રષ્ટ થઈ ગયો હતો. ધી ઇલસ્ટ્રેટેડ બાઇબલ ડિકક્ષનરી જણાવે છે: “આ દેવી-દેવતાઓના ભક્તોનો કેટલો ખતરનાક અંત આવ્યો એ આ દસ્તાવેજમાં જોવા મળે છે. તેઓ તો યુદ્ધમાં ભાગ લેતા, મંદિરમાં વેશ્યાગીરી પણ ચાલવા દેતા, તેમ જ કામવાસનાથી ભરપૂર પ્રેમને ઘણું જ મહત્ત્વ આપતા હતા.” ડી વૉક્સ નોંધે છે: “આ લખાણો વાંચીને સમજ પડે છે કે શા માટે યાહવેના સેવકો અને મહાન પ્રબોધકોને તેઓની ભક્તિથી સખત નફરત હતી.” પરમેશ્વરે પ્રાચીન ઇસ્રાએલને આવા જૂઠા ધર્મથી બચવા માટે નિયમો આપ્યા હતા.
યુગરીટમાં ભવિષ્ય ભાખવું, જોષ જોવો અને જાદુનો ભરપૂર ઉપયોગ કરવામાં આવતો હતો. તેઓ શકુન કે અપશુકન જાણવા માટે ફક્ત નક્ષત્રોમાં જ નહિ, પણ ખોડ-ખાંપણવાળા ગર્ભમાં અને કતલ કરેલા પ્રાણીઓના અંગોમાં ચિહ્નો જોતા હતા. ઇતિહાસકાર જેકલીન ગેશા કહે છે: “એમ માનવામાં આવતું હતું કે ધાર્મિક વિધિમાં જ્યારે કોઈ દેવતાને પશુ બલિદાન ચઢાવતા ત્યારે, એ દેવતા પશુનો એક ભાગ બની જતો હતો. વળી, એ દેવતાનો આત્મા પશુના આત્મા સાથે મળી જતો હતો. આમ, આ અંગો પરના ચિહ્નો વાંચીને એ દેવતાના આત્મા સાથે વાત કરી શકાતી હતી. એનાથી આ દેવતા ભવિષ્યમાં કોઈ ઘટના બને તો શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એનો જવાબ હા કે નામાં આપતો હતો.” પરંતુ, ઈસ્રાએલીઓએ આવા ખરાબ કાર્યોથી દૂર રહેવાનું હતું.—પુનર્નિયમ ૧૮:૯-૧૪.
મૂસાના નિયમમાં જાનવર સાથે કુકર્મ કરવાની સ્પષ્ટ મનાઈ કરવામાં આવી હતી. (લેવીય ૧૮:૨૩) પરંતુ, યુગરીટમાં આવા કાર્યોને કેવી રીતે જોવામાં આવતા હતા? અગાઉ જે શીલાલેખ મળી આવી એમાં જણાવ્યું છે કે, બઆલ વાછરડાં સાથે સંભોગ કરે છે. શોધખોળ કરનાર સાયરસ ગૉરડન કહે છે: “માનો કે બઆલ આખલાનો વેશ ધારણ કરી શકે છે. પરંતુ, શું પૂજારીઓએ પણ બઆલનું અનુકરણ કરવું જોઈએ?”
ઇસ્રાએલીઓને આજ્ઞા આપવામાં આવી હતી: “મૂએલાંને લીધે તમારા શરીરમાં ઘા ન પાડો.” (લેવીય ૧૯:૨૮) તેમ છતાં, બઆલના મરણના સમાચાર સાંભળીને એલ “ચપ્પુથી પોતાની ચામડી કાપે છે, તે રેઝરથી ચીરા પાડે છે; તે પોતાની દાઢી અને ગાલ કાપે છે.” આમ, બઆલના ભક્તોએ પણ એ જ રીતે શરીર પર ઘા કરવાનો રિવાજ ચાલુ રાખ્યો.—૧ રાજાઓ ૧૮:૨૮.
યુગરીટના એક લખાણમાં જોવા મળે છે કે આબાદી માટે કનાનીઓ બકરીના બચ્ચાને એની માના દૂધમાં બાફતા હતા. આ એક સામાન્ય રિવાજ હતો. પરંતુ, મૂસાના નિયમમાં, ઈસ્રાએલીઓને આજ્ઞા આપવામાં આવી હતી કે, “તું બકરીનું બચ્ચું તેની માના દૂધમાં બાફીશ મા.”—નિર્ગમન ૨૩:૧૯.
બાઇબલના અને યુગરીટના લખાણોની સરખામણી
બાઇબલની મૂળ હેબ્રી ભાષાની મદદથી યુગરીટિકના લખાણોનું ભાષાંતર કરવામાં આવ્યું હતું. પરંતુ, પીટર ક્રેગી કહે છે: “બાઇબલમાં એવા ઘણાં હેબ્રી શબ્દો છે જેના અર્થની બરાબર સમજ પડતી નથી. અરે, અમુક સમયે તો જાણતા ન હોય એવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેથી, વીસમી સદી પહેલાના ભાષાંતરકારોએ પોતે જે સમજ્યા એ પ્રમાણે ભાષાતંર કર્યું. આમ, આજ શબ્દો જ્યારે યુગરીટિક લખાણોમાં આવે છે ત્યારે એને સમજવું સહેલું બની જાય છે.”
દાખલા તરીકે, યશાયાહ ૩:૧૮માં એક શબ્દનો અર્થ “માથાબાંધણાં” તરીકે ભાષાંતર કરવામાં આવ્યો છે. એવી જ રીતે યુગરીટિક શબ્દ, સૂર્ય અને સૂર્ય-દેવી બંનેને લાગુ પડે છે. તેથી, યશાયાહની ભવિષ્યવાણીમાં જે યરૂશાલેમની સ્ત્રીઓ વિષે કહ્યું છે તેઓ કનાની દેવતાઓના માનમાં સૂર્યનું નાનું લોકેટ પહેરતી હતી. તેમ જ, તેઓ “ચંદ્ર આકારનો હાર” પણ પહેરતી હતી.
મેસોરા પાઠના નીતિવચનો ૨૬:૨૩માં બતાવવામાં આવ્યું છે કે, “પટામણા હોઠ અને દુષ્ટ હૃદય”ને માટીના વાસણો સાથે સરખાવ્યું છે જેને ‘ચાંદીના મેલથી મઢવામાં’ આવ્યું હોય. પરંતુ, યુગરીટ શબ્દ આની સરખામણી કરતા બતાવે છે: “માટીના વાસણો પર ચાંદીનું પાણી ચઢાવવું.” પરંતુ, ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશન આ નીતિવચનનું બરાબર ભાષાંતર કરે છે, ‘માટીના વાસણ પર ચાંદીનું પાણી ચઢાવવામાં આવ્યું હોય એવી જ રીતે ખરાબ કાર્યો કરનારી બોલી મીઠી મીઠી હોય છે.’
બાઇબલનો પાયો?
રાસ સામરાની શીલાલેખોની તપાસ કર્યા પછી, કેટલાક વિદ્વાનો દાવો કરે છે કે બાઇબલના કેટલા ભાગો યૂગરીટિક લખાણોમાંથી લેવામાં આવ્યા છે. ફ્રેંચ ઇન્સ્ટિટ્યૂટના સભ્ય આન્દ્રે કેકો કહે છે કે, “કનાનીઓની સંસ્કૃતિનું મૂળ ઇસ્રાએલી ધર્મ હોવો જોઈએ.”
રોમમાં બાઇબલ પરની એક સંસ્થાના મિચલ દેહુડ, ગીતશાસ્ત્ર ૨૯ વિષે કહે છે: “યાહવે માટે લખેલું આ ગીતશાસ્ત્ર, કનાનીઓએ તૂફાન દેવતા બઆલ માટે લખેલી એક કવિતામાંથી લેવામાં આવ્યું છે. . . . ગીતશાસ્ત્રના લગભગ બધા જ શબ્દ કનાનીઓના જૂના લેખોમાં જોવા મળે છે.” પરંતુ, શું આ હકીકત છે? ના જરાય નહિ!
અમુક વિદ્ધાનો જણાવે છે કે આવી સરખામણી કરવી એ ખોટી છે અને મીઠુ મરચું ભભરાવવા બરાબર છે. ધર્મશાસ્ત્રી ગેરી બ્રેંટ્લી કહે છે: “એવો એક પણ યુગરીટિક લેખ નથી કે જે ગીતશાસ્ત્રના ૨૯ સાથે મળતો આવતો હોય. તેમ જ એમ કહેવું બિલકૂલ ખોટું છે કારણ કે, એવું કોઈ પણ જગ્યાએ જોવા મળતું નથી કે, ગીતશાસ્ત્ર ૨૯ (અથવા બાઇબલનો કોઈ પણ પાઠ) જૂઠા ધર્મની દંતકથામાંથી લેવામાં આવ્યું હોય.”
પરંતુ, બાઇબલ અને યુગરીટના સાહિત્યના અલંકાર, કવિતાઓ અથવા લખવાની શૈલી એકબીજા સાથે મળતી આવતી હોય, તો શું એનો અર્થ એમ થયો કે બાઇબલ આ સાહિત્યમાંથી લેવાયું છે? જો કે આપણને નવાઈ ન લાગવી જોઈએ પણ આવી સરખામણી તો થશે જ. ધ એન્સાક્લોપેડીયા ઑફ રિલિજન કહે છે: “એની લખવાની શૈલી અને ભાષાનું કારણ સંસ્કૃતિ છે. જોકે, યુગરીટ અને ઈસ્રાએલની જગ્યા અને સમયમાં મોટો તફાવત હતો છતાં, તેઓ લગભગ એક જ સંસ્કૃતિનો ભાગ હતા. એટલા માટે તેઓની કવિતાઓ અને ધાર્મિક શબ્દો એક જ સરખા છે.” તેથી, ગેરી બ્રેંટ્લી જણાવે છે કે, “ભાષા એકબીજા સાથે મળતી આવતી હોવાના લીધે, એવો દાવો કરવો ખોટો છે કે બાઇબલના પાઠ જૂઠા ધર્મના શિક્ષણ પરથી લેવાયો છે.”
જો કે એક બાબત મનમાં રાખવા જેવી છે કે જો બાઇબલ અને રાસ સામરા વચ્ચે કંઈ પણ સરખાપણું હોય તો, એ ફક્ત ભાષાની દૃષ્ટિએ છે, પરમેશ્વરની સેવામાં નહિ. શોધખોળ કરનાર સાયરસ ગૉરડન કહે છે, ‘બાઇબલના નિયમો અને સિદ્ધાંતો બહુ ઊંચા છે જે યુગરીટમાં જોવા મળતા નથી.’ ખરેખર, એમાં સમાનતા એકદમ થોડી પરંતુ તફાવત બહુ મોટો છે.
યુગરીટનો અભ્યાસ કરવાથી, જેઓ બાઇબલ શીખી રહ્યા છે તેઓને, બાઇબલ લેખકો અને હેબ્રી રાષ્ટ્રનો ઇતિહાસ જાણવા મળે છે. તેમ જ, એ સમયે કેવી સંસ્કૃતિ હતી અને કેવું ધાર્મિક વાતાવરણ હતું એ વિષે પણ જાણવા મળે છે. રાસ સામરાના લખાણો પરથી પ્રાચીન હેબ્રી ભાષા વિષે પણ વધારે સમજણ મળી શકે છે. પરંતુ, સૌથી મહત્ત્વની બાબત તો એ છે કે યુગરીટમાં જેઓએ શોધ-ખોળ કરી, બઆલની ખરાબ ભક્તિ અને યહોવાહની શુદ્ધ ઉપાસના વચ્ચે આભ જમીનનો ફરક હતો.
[ફુટનોટ્સ]
a સમુદ્રના લોકો ખાસ કરીને ભૂમધ્ય સમુદ્ર અને દરિયા કિનારેથી આવેલા નાવિકો તરીકે ઓળખાતા હતા. તેઓમાં પેલેસ્તાઈનના લોકો પણ હોય શકે.—આમોસ ૯:૭.
b જોકે ઘણા અભિપ્રાયો છે છતાં, કેટલાક નિષ્ણાંતો ડૅગનના મંદિરને એલના મંદિર તરીકે ઓળખાવે છે. ફ્રેન્ચ વિદ્વાન અને યરૂશાલેમ સ્કૂલ ઑફ બિબ્લિકલ સ્ટડીઝના પ્રોફેસર રોલેન્ડ ડી વૉક્સ સૂચવે છે કે ડૅગન, ન્યાયાધીશો ૧૬:૨૩ અને ૧ શમૂએલ ૫:૧-૫નો દેવતા છે. વળી, ડૅગન એલનું યોગ્ય નામ છે. ધ એન્સાક્લોપીડિયા ઑફ રીલિજ્યન બતાવે છે કે “ડૅગન કોઈક રીતે [એલ] સાથે જોડાયેલો હતો.” રાસ સામરામાંથી મળી આવેલા લખાણોમાં, બઆલને ડૅગનનો દિકરો કહેવામાં આવ્યો છે. પરંતુ, અહીં “દિકરા”નો અર્થ સ્પષ્ટ નથી.
[પાન ૨૫ પર બ્લર્બ]
યુગરીટમાં જેઓએ શોધ-ખોળ કરી એનાથી આપણે બાઇબલને વધારે સમજી શકીએ છીએ
[નકશા/પાન ૨૪, ૨૫ પર ચિત્ર]
(લેખને છપાયો છે એવો જોવા એ પ્રકાશનમાં જુઓ)
ઈસવી સન પૂર્વે ૧૪મી સદીનું હિત્તીઓનું સામ્રાજ્ય
ભૂમધ્ય સમુદ્ર
યુફ્રેટીસ
માઉન્ટ કાસીઅસ (જીબેલ એલ-આગ્રા)
યુગરીટ (રાસ સામરા)
ટેલ સૂકસ
ઑરાન્ટીઝ
સિરીયા
મિસર
[ક્રેડીટ લાઈન્સ]
બઆલના નાના પૂતળાં અને પ્રાણીઓના માથાના આકારનો પ્યાલો: Musée du Louvre, Paris; ભવ્ય મહેલનું રંગકામ: © D. Héron-Hugé pour “Le Monde de la Bible”
[પાન ૨૫ પર ચિત્ર]
મહેલમાં પ્રવેશદ્વારના અવશેષો
[પાન ૨૬ પર ચિત્ર]
બાઇબલમાં નિર્ગમન ૨૩:૧૯માં જેની મનાઈ કરવામાં આવી છે, એ જ યુગરીટની એક કવિતામાં જોવા મળે છે
[ક્રેડીટ લાઈન]
Musée du Louvre, Paris
[પાન ૨૭ પર ચિત્ર]
બઆલ સ્મારક
સોનાની પ્લેટ પર શિકારનું દૃશ્ય
હાથીદાંતથી બનેલા શણગારના ડબ્બાનું ઢાકણું જેના પર ફળદ્રુપતાની દેવીનું ચિત્ર છે
[ક્રેડીટ લાઈન]
બધા ચિત્રો: Musée du Louvre, Paris