પૈસા અને સંસ્કાર જૂના જમાનામાંથી આપણને શું બોધ મળે છે?
એપ્રિલ ૭, ૧૬૩૦ની આ વાત છે. ઇંગ્લૅંડમાંથી લગભગ ચારસો લોકો ચાર વહાણમાં બેસીને અમેરિકા જવા માટે નીકળ્યા. એમાં ઘણા ભણેલાગણેલા લોકો હતા. સફળ વેપારીઓ હતા. અમુક તો સંસદના નેતાઓ પણ હતા. ઇંગ્લૅંડમાં વેપાર-ધંધા જોઈએ એટલા ચાલતા ન હતા. એમાંય એ વખતે ત્રીસ વર્ષથી ચાલતા યુદ્ધે (૧૬૧૮-૪૮) યુરોપની હાલત વધારે બગાડી હતી. તેથી આ લોકો પોતાના ઘરબાર, નોકરી અને સગાં-સંબંધીઓ છોડીને અમેરિકા જતા હતા. તેઓને આશા હતી કે ત્યાં તેઓનું જીવન વધારે સુખી બનશે. વેપાર-ધંધા માટે પણ સારી તકો મળશે.
શું તેઓ ફક્ત વેપાર-ધંધો કરવા ને પૈસો કમાવા જ અમેરિકા ગયા હતા? ના. આ લોકો તો ચુસ્ત પ્યુરિટન હતા, જેઓ ધર્મના નામે થઈ રહેલા જુલમથી બચવા ભાગી રહ્યા હતા.a તેઓ ઈશ્વરનો ડર રાખી જીવતા લોકોનો સમાજ બનાવવા માંગતા હતા. જેથી, તેઓ પોતે અને તેઓનાં બાળકો ધર્મગ્રંથ બાઇબલ પ્રમાણે જીવી શકે. સાથે સાથે એવો વેપાર-ધંધો પણ કરી શકે, જેનાથી તેઓ માલમિલકત મેળવી શકે. તેઓ અમેરિકા, મૅસચ્યૂસિટ્સના સેલામ શહેરમાં પહોંચી ગયા, જે દરિયા કિનારે આવેલું હતું. થોડો સમય પછી, ત્યાંથી તેઓ દક્ષિણ બાજુએ ગયા અને પોતાનાં ઘરો બાંધ્યા. એ જગ્યાને તેઓએ બોસ્ટન નામ આપ્યું.
શું લોકો અમીર અને સંસ્કારી બંને હોય શકે?
પ્યુરિટન લોકોનો આગેવાન, જોન વિન્થ્રપ હતો. તેણે બનતું બધું જ કર્યું જેથી લોકો ખૂબ કમાય, અમીર બને. બીજાઓનું પણ ભલું કરે. તે ચાહતો હતો કે લોકો અમીર હોય, અને સંસ્કારી પણ હોય. પરંતુ એ કંઈ સહેલું ન હતું. વિન્થ્રપ જાણતો હતો કે ઘણી તકલીફો આવશે. તેથી તેણે લોકોને સારી રીતે સમજાવ્યું કે તેઓ અમીર હશે તો પોતાના સમાજના લોકોને કઈ રીતે મદદ કરી શકે.
બીજા પ્યુરિટન આગેવાનોની જેમ વિન્થ્રપ માનતો હતો કે અમીર બનવામાં કંઈ ખોટું નથી. શા માટે? તેને લાગ્યું કે પૈસા તો બીજા લોકોને મદદ કરવા માટે છે. લોકો પાસે વધારે પૈસા હશે તો તેઓ બીજાઓને વધારે મદદ કરી શકશે. ઇતિહાસકાર પેટ્રીશા ઓતુલ આના વિષે કહે છે, ‘પ્યુરિટન્સ જ્યારે પણ અમીર બનવાના વિષય પર ચર્ચા કરતા હતા ત્યારે મૂંઝાતા. એક બાજુ પૈસો તો પરમેશ્વરનો આશીર્વાદ કહેવાય. પણ બીજી બાજુ એ લાલચ પણ હતી, જે અભિમાની બનાવી શકે. બીજા પાપ કરાવી શકે.’
વિન્થ્રોપ જાણતો હતો કે લોકો પાસે પૈસા હોય તો તેઓ સહેલાઈથી ખોટાં કામોમાં પડી શકે છે. એના લીધે તેણે લોકોને જણાવ્યું કે તેઓ તન-મન પર કાબૂ રાખે અને ઈશ્વરનો ડર રાખીને જીવે. એકબીજા પર પ્રેમ રાખે. પણ લોકો એની વાત સાંભળવા તૈયાર ન હતા, કેમ કે તેઓ પૈસા કમાવા પાછળ જ પડેલા હતા. તેઓ વિન્થ્રોપ પર ગુસ્સે થયા, કેમ કે તેણે તેઓને પાર વગરની સલાહો આપી હતી કે કઈ રીતે જીવન જીવવું જોઈએ. તેથી, અમુક લોકોએ વિચાર્યું કે કોઈ એકની જ સત્તા ન હોવી જોઈએ. બીજા પણ હોય તો સારું. જ્યારે કે બીજાઓ પોતાનો સામાન બાંધીને નજીકના રાજ્ય, કનેક્ટિકટમાં રહેવા ચાલ્યા ગયા. જેથી ત્યાં તેઓ મન ફાવે એ રીતે જીવી શકે.
ઓતુલ કહે છે, ‘મૅસચ્યૂસિટ્સમાં રહેતા પ્યુરિટન્સ હવે પૈસા કે માલમિલકત મેળવવા માટે રસ્તાઓ શોધવા લાગ્યા. લોકશાહી અને એશઆરામ શોધવા લાગ્યા. મોટા બનવાના સપના જોતા જોતા, મન ફાવે એમ જીવવા લાગ્યા. વિન્થ્રોપના સપનાની હવે કોઈને પડી ન હતી.’ ૧૬૪૯માં વિન્થ્રોપ ૬૧ વર્ષનો હતો ત્યારે મરણ પામ્યો. એ વખતે તે પૈસે-ટકે સાવ કંગાળ થઈ ગયો હતો. ખરું કે પ્યુરિટનની વસ્તી, ઘણી મુસીબતોમાં પણ ટકી ગઈ. પરંતુ દુઃખની વાત છે કે વિન્થ્રોપ પોતાનું સપનું પૂરું થતું જોવા જીવતો ન રહ્યો.
લોકો હજી અમીર અને સંસ્કારી બનવા ચાહે છે?
જોન વિન્થ્રોપની સાથે સાથે વધારે સારી દુનિયાનું સપનું ગુજરી ગયું નહિ. હજારો ને હજારો લોકો આફ્રિકા, પૂર્વ-દક્ષિણ એશિયા, પૂર્વ યુરોપ અને દક્ષિણ અમેરિકાના દેશોમાંથી બીજા દેશોમાં રહેવા જાય છે. જેથી તેઓ અમીર બને અને સારા સંસ્કાર પણ જાળવી રાખી શકે. તેઓ ઘણાં પુસ્તકો, વેબસાઈટ અથવા સેમીનાર શોધી કાઢે છે, જેમાં અમીર બનવાના સપના દેખાડવામાં આવે છે. આ બતાવે છે કે લોકો હજી પણ પૈસા પાછળ પડેલા છે અને ખરેખર આશા રાખે છે કે પોતે સારા સંસ્કાર ભૂલી ન જાય.
અફસોસની વાત છે કે તેઓ એમ કરી શક્યા નથી. જેઓ પૈસા પાછળ પડે છે તેઓ ઘણી વાર સારા સંસ્કારો છોડી દે છે. અરે, તેઓ પરમેશ્વરને પણ ભૂલી જાય છે. પરમેશ્વરને બદલે પૈસાની પૂજા કરે છે. એના લીધે તમને સવાલો થશે કે “શું ઈશ્વરભક્તો અમીર બનવા સાથે સંસ્કારી પણ રહી શકે? શું ક્યારેય એવી દુનિયા આવશે, જેમાં બધા અમીર હોય ને સાથે સાથે ઈશ્વરનો ડર રાખીને ચાલતા હોય?” બાઇબલ એ સવાલોના જવાબો આપે છે. (w06 2/1)
[ફુટનોટ]
a ચર્ચ ઑફ ઇંગ્લૅંડના પ્રોટેસ્ટંટ ખ્રિસ્તીઓને સોળમી સદીમાં ‘પ્યુરિટન’ નામ આપવામાં આવ્યું હતું. તેઓ પોતાના ચર્ચમાંથી રોમન કૅથલિક ચર્ચના રીતિ-રિવાજો અને માન્યતાઓને સાવ ભૂંસી નાખવા ચાહતા હતા.
[પાન ૩ પર ચિત્રની ક્રેડીટ લાઈન]
Boats: The Complete Encyclopedia of Illustration/J. G. Heck; Winthrop: Brown Brothers