ઈશ્વર સાથે પાકો નાતો બાંધીએ
અનાથના પિતા ઈશ્વર છે
બાઇબલ જણાવે છે કે ‘અનાથનો પિતા ઈશ્વર છે.’ (ગીતશાસ્ત્ર ૬૮:૫) આ શબ્દો બતાવે છે કે જે બાળકોના માતા-પિતા નથી તેઓના માતા-પિતા ઈશ્વર છે. ઈશ્વર અનાથ બાળકોની ખૂબ ચિંતા કરે છે. એટલે જ તેઓની સંભાળ રાખવા બાઇબલમાં ઈશ્વરે અમુક નિયમો આપ્યા છે. એ નિયમો તેમણે પોતાની પસંદ કરેલી પ્રજાને આપ્યા હતા. ચાલો આપણે ‘અનાથ છોકરાઓ’ માટે આપેલા નિયમો વિષે બાઇબલમાંથી નિર્ગમનનું પુસ્તક, અધ્યાય ૨૨ અને ૨૨થી ૨૪ કલમો જોઈએ.a
બાવીસમી કલમમાં ઈશ્વર જણાવે છે કે ‘તમે કોઈ અનાથ છોકરાને દુઃખ ન દો.’ આ કલમમાં ‘તમે’ શબ્દ વાપર્યો છે. આ બતાવે છે કે આ નિયમ એક જ વ્યક્તિને નહિ પણ આખી પ્રજાને આપ્યો હતો. બીજા બાઇબલમાં ‘દુ:ખ’ માટે ‘શોષણ’ શબ્દ વાપર્યો છે. કેમ કે બાળકના પિતા ગુજરી જાય પછી તો કોઈ તેની કાળજી રાખતું ન હતું. કોઈ તેનું રક્ષણ કરતું ન હતું. એટલે અનાથનું કોઈ શોષણ ન કરે એ માટે ઈશ્વરે આ નિયમ આપ્યો. પણ કોઈ વ્યક્તિ અનાથનો ફાયદો ઉઠાવે તો, ઈશ્વરને કેવું લાગતું.
ત્રેવીસમી કલમમાં ઈશ્વર જણાવે છે કે “જો તું તેઓને કોઈ પણ પ્રકારે દુઃખ દે, ને જો તેઓ મને જરા પણ પોકારશે, તો હું નિશ્ચે તેમનો પોકાર સાંભળીશ.” સાચે જ, યહોવાહ એક પ્રેમાળ પિતા તરીકે અનાથ બાળકોનો પોકાર સાંભળતા હતા.—ગીતશાસ્ત્ર ૧૦:૧૪; નીતિવચનો ૨૩:૧૦, ૧૧.
જોકે, જેઓએ અનાથને દુઃખ દીધું તેઓને ઈશ્વરે સજા કરી. ચોવીસમી કલમમાં ઈશ્વર જણાવે છે કે “મારો ક્રોધ તપી ઊઠશે, ને હું તમને તરવારથી મારી નાખીશ.” ઈશ્વરના ક્રોધ વિષે એક બાઇબલ લખાણ જણાવે છે: ‘તેની આંખો લાલ થતી હતી.’ આના પરથી જોવા મળે છે કે ઈશ્વર ક્રોધી થઈને દુ:ખ દેનારનો પોતે જ ન્યાય કરતા હતા.—પુનર્નિયમ ૧૦:૧૭, ૧૮.
આ કલમોમાંથી જોવા મળે છે કે યહોવાહને અનાથ બાળકોની ઘણી દયા આવે છે. (યાકૂબ ૧:૨૭) તે અનાથ બાળકોનું રક્ષણ કરે છે. એટલે યહોવાહ હજી ચાહે છે કે એ નિયમો પ્રમાણે જીવીએ. (માલાખી ૩:૬) કોઈ એમ ન કરે તો યહોવાહ ‘ક્રોધી’ થઈને તેઓને સજા કરશે. (સફાન્યાહ ૨:૧) દુષ્ટો જાણશે કે ‘જીવતા ઈશ્વરના હાથમાં પડવું ભયંકર છે.’—હેબ્રી ૧૦:૩૧. (w09 4/1)
[ફુટનોટ્સ]
a આ કલમોમાં ‘છોકરાં’ શબ્દ વાપર્યો છે. એ છોકરીઓને પણ લાગુ પડે છે.—ગણના ૨૭:૧-૮.