કેમ આટલું બધું દુઃખ?
દુનિયામાં કેમ આટલું બધું દુઃખ છે અને એને દૂર કરવા મનુષ્યોના પ્રયત્નો કેમ નિષ્ફળ ગયા છે, એ સમજવા એની પાછળનાં ખરાં કારણો પારખવાની જરૂર છે. જોકે, એની પાછળ અનેક ગૂંચવણભર્યાં કારણો છે. તોપણ, એ પારખવા બાઇબલ આપણને મદદ કરે છે. તેથી, એ માટે ખૂબ આભારી છીએ. આ લેખમાં આપણે પાંચ મુખ્ય કારણો તપાસીશું કે દુનિયામાં કેમ આટલું બધું દુઃખ છે. અમે તમને આમંત્રણ આપીએ છીએ કે તમે ધ્યાનપૂર્વક બાઇબલ તપાસો. તેમ જ, આ મહત્ત્વના વિષય પાછળ ખરું કારણ શું છે એ સમજવા બાઇબલ કઈ રીતે મદદ કરે છે એ જુઓ.—૨ તીમોથી ૩:૧૬.
ખરાબ સરકારની અસરો
બાઇબલ કહે છે, “દુષ્ટ માણસ અધિકાર ધારણ કરે છે ત્યારે લોકો નિસાસા નાખે છે.”—નીતિવચનો ૨૯:૨.
ઇતિહાસ એવા ક્રૂર અને કડક નેતાઓથી ભરેલો છે કે, જેઓ પોતાની પ્રજા પર પુષ્કળ દુઃખ લાવ્યા હતા. ખરું કે, બધા જ નેતાઓ એવા હોતા નથી. અમુક તો પોતાની પ્રજાનું ભલું કરવા ચાહે છે. તોપણ, એકવાર સત્તામાં આવ્યા પછી તેઓને જોવા મળે છે કે, અંદરોઅંદરના ઝઘડા અને સત્તા માટેની મારામારીને લીધે તેઓની મહેનત ઘણી વાર નિષ્ફળ જાય છે. અથવા તો તેઓ પોતાના ફાયદા માટે સત્તાનો દુરુપયોગ કરીને પ્રજાને નુકસાન પહોંચાડે છે. અમેરિકાના અગાઉના સેક્રેટરી હેનરી કિસિંજરે જણાવ્યું: “ઇતિહાસ પુરાવો આપે છે કે લોકોનાં ઘણાં સ્વપ્નો અધૂરાં રહ્યા છે અને તેઓની આશા નિષ્ફળ ગઈ છે.”
બાઇબલ એ પણ જણાવે છે: “પોતાનાં પગલાં ગોઠવવાં એ ચાલનાર મનુષ્યનું કામ નથી.” (યિર્મેયા ૧૦:૨૩) અપૂર્ણ મનુષ્ય પાસે જ્ઞાન અને બુદ્ધિ ન હોવાથી પોતાનું જીવન કેવી રીતે સફળ બનાવવું એ જાણતા નથી. જો કોઈ વ્યક્તિ પોતાનાં પગલાં ગોઠવી ન શકે, તો આખા દેશને કેવી રીતે ખરા માર્ગે દોરી શકે? શું તમે જોઈ શકો છો કે નેતાઓ કેમ સર્વ દુઃખ-તકલીફો મિટાવી શકતા નથી? હકીકતમાં, મોટા ભાગે ખરાબ સરકાર કે નેતા હોવાથી દુઃખ તકલીફો આવે છે.
જૂઠા ધર્મોની અસર
ઈસુએ આમ કહ્યું હતું: “જો તમે એકબીજા પર પ્રેમ રાખો, તો તેથી સર્વ માણસો જાણશે કે તમે મારા શિષ્યો છો.”—યોહાન ૧૩:૩૫.
સર્વ પંથ અને સંપ્રદાયના ધર્મગુરુઓ પ્રેમ અને એકતાનો પ્રચાર કરે છે. પણ, ભેદભાવ દૂર કરવાનો પ્રેમ પોતાના અનુયાયીઓના દિલમાં કેળવી શક્યા નથી. લોકોને પ્રેમ કેળવવા મદદ કરવાને બદલે ધર્મો ઘણી વાર ભેદભાવ, ભાગલા અને જાતિ-જાતિ વચ્ચે નફરત ફેલાવે છે. ધર્મશાસ્ત્રી હેન્સ કંગે પોતાના પુસ્તક ક્રિશ્ચિયાનીટી ઍન્ડ ધ વર્લ્ડ રિલિજ્યનની સમાપ્તિમાં લખ્યું: “રાજનીતિમાં અતિ ઝનૂની અને ક્રૂર રીતે ઝઘડા થતા હોવાથી લોકોને એનો રંગ લાગે છે, નફરત જાગે છે અને ધર્મો એ ચલાવી પણ લે છે.”
એ ઉપરાંત, ઘણા ધર્મોના પાદરીઓ ખુલ્લેઆમ લગ્ન પહેલાં અને લગ્ન પછીના વ્યભિચાર તેમ જ, સજાતીય સંબંધ ચલાવી લે છે. એ કારણે બીમારીઓ ફેલાય છે, ગર્ભપાત થાય છે, બિનજરૂરી ગર્ભ રહે છે, કુટુંબ અને લગ્નજીવન છિન્ન-ભિન્ન થઈ જાય છે અને અનેક દુઃખ-તકલીફો આવે છે.
અપૂર્ણતા અને સ્વાર્થી ઇચ્છાઓ
‘દરેક માણસ પોતાની દુર્વાસનાથી ખેંચાઈને તથા લલચાઈને પરીક્ષણમાં પડે છે. પછી, દુર્વાસના ગર્ભ ધરીને તેને પાપ કરાવે છે.’—યાકૂબ ૧:૧૪, ૧૫.
આપણને સર્વને વારસામાં પાપ મળ્યું હોવાથી ભૂલો કરી બેસીએ છીએ. તેમ જ, “દેહની વાસનાઓ” સામે સખત લડત આપવી પડે છે. (એફેસી ૨:૩) ખોટી ઇચ્છાઓ સંતોષવા તક ઊભી થાય ત્યારે એનાથી બચવું ખૂબ મુશ્કેલ હોય છે. એ ઇચ્છાઓને વશ થઈ જઈશું તો, એના માઠા પરિણામો આવી શકે.
લેખક પી.ડી. મહેતાએ લખ્યું: “વાસના, હદ ઉપરાંત મોજશોખ, સ્વાર્થ અને ખોટી ઇચ્છાઓને લીધે મોટા ભાગની દુઃખ તકલીફો આવે છે.” દારૂ, ડ્રગ્સ, જુગાર અને સેક્સની ભૂખ વગેરે વગેરે સંતોષવાની તલપથી ઘણા આબરૂદાર લોકોનું જીવન બરબાદ થયું છે. કુટુંબ, મિત્રો અને બીજાઓ પર દુઃખ આવી પડે છે. મનુષ્ય અપૂર્ણ હોવાથી આપણે બાઇબલના આ વચન સાથે સહમત થવું જોઈએ: ‘આપણે જાણીએ છીએ કે અત્યાર સુધી આખી સૃષ્ટિ તમામ નિસાસા નાખીને પ્રસૂતિની વેદનાથી પીડાય છે.’—રોમનો ૮:૨૨.
દુષ્ટ દૂતોની અસર
બાઇબલ જણાવે છે કે શેતાન ‘આ જગતનો ઈશ્વર’ છે. તેમ જ, તેની સાથે શક્તિશાળી અનેક દૂતો છે.—૨ કોરીંથી ૪:૪; પ્રકટીકરણ ૧૨:૯.
શેતાનની જેમ દુષ્ટ દૂતો પણ લોકોને ગેરમાર્ગે દોરવા અને તેઓને કાબૂમાં રાખવા તનતોડ મહેનત કરે છે. પ્રેરિત પાઊલ પણ એ સ્વીકારતા હતા જ્યારે તેમણે આમ લખ્યું: ‘આપણું આ યુદ્ધ રક્ત તથા માંસની સામે નથી, પણ અમલદારો સામે, અધિકારીઓની સામે, આ અંધકારરૂપી જગતના સત્તાધારીઓની સામે, આકાશી સ્થાનોમાં દુષ્ટ દૂતો સામે છે.’—એફેસી ૬:૧૨.
જોકે, દુષ્ટ દૂતોને લોકોને હેરાન કરવામાં મજા આવે છે. પણ એ જ તેઓનો મુખ્ય ધ્યેય નથી. તેઓ ચાહે છે કે લોકો સર્વશક્તિમાન ઈશ્વર, યહોવાથી મોં ફેરવી લે. (ગીતશાસ્ત્ર ૮૩:૧૮) જ્યોતિષ વિદ્યા, જાદુ-મંતર, મેલીવિદ્યા અને ભવિષ્ય ભાખવા જેવી તો ફક્ત અમુક બાબતો છે, જેનાથી દુષ્ટ દૂતો લોકોને ગેરમાર્ગે દોરે છે અને કાબૂમાં રાખે છે. એટલે જ, યહોવા આપણને એ બધા જોખમોથી ચેતવે છે. તેમ જ, જેઓ શેતાન અને તેના દુષ્ટ દૂતોનો વિરોધ કરે છે તેઓ સર્વનું યહોવા રક્ષણ કરવાનું વચન આપે છે.—યાકૂબ ૪:૭.
આપણે દુષ્ટ જગતના “છેલ્લા સમયમાં” જીવીએ છીએ
લગભગ બે હજાર વર્ષ પહેલાં બાઇબલમાં આમ ભાખવામાં આવ્યું હતું: “છેલ્લા સમયમાં સંકટના વખતો આવશે, એ વાત ધ્યાનમાં રાખ.”
બાઇબલ જણાવે છે કે સંકટના સમયમાં કેવી બાબતો બનશે: ‘માણસો સ્વાર્થી, દ્રવ્યલોભી, આપવડાઈ કરનારા, ગર્વિષ્ઠ, પ્રેમરહિત, ક્રૂર, બટ્ટા મૂકનારા, સંયમ ન કરનારા, નિર્દય, શુભદ્વેષી, વિશ્વાસઘાતી, ઉદ્ધત, મદાંધ, ઈશ્વર પર નહિ પણ વિલાસ પર પ્રીતિ રાખનારા’ હશે. તેથી, દુઃખ તકલીફો પાછળનું મુખ્ય કારણ છે કે આપણે “છેલ્લા સમયમાં” જીવી રહ્યાં છીએ.—૨ તીમોથી ૩:૧-૪.
આપણે ચર્ચા કરેલા કારણોથી સાફ દેખાઈ આવે છે કે મનુષ્યના સારા ઇરાદાઓ હોવા છતાં, કેમ તેઓ દુઃખોને જડમૂળથી કાઢી શકતા નથી. એમ હોવાથી, આપણે કોની પાસે મદદ માંગી શકીએ? આપણે સર્જનહાર તરફ મીટ માંડવી જોઈએ, જેમણે દુષ્ટ દૂતો અને “શેતાનનાં કામનો નાશ” કરવાનું વચન આપ્યું છે. (૧ યોહાન ૩:૮) હવે પછીના લેખમાં જોઈશું કે, દુઃખો આવવા પાછળના કારણોને જડમૂળથી કાઢી નાખવા ઈશ્વર શું કરશે.