વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • wp17 નં. ૨ પાન ૮-૧૦
  • સ્નેહીજન જીવલેણ બીમારીનો શિકાર બને ત્યારે

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • સ્નેહીજન જીવલેણ બીમારીનો શિકાર બને ત્યારે
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૧૭
  • મથાળાં
  • સરખી માહિતી
  • યુગ બદલાયો, પડકાર બદલાયો
  • અગાઉથી સારી યોજના બનાવો
  • મદદ કઈ રીતે આપવી
  • હકીકત સ્વીકારો
  • કાળજી રાખનાર ઈશ્વર યહોવા
  • બીજાઓની સંભાળ રાખતી વખતે કઈ રીતે ખુશ રહી શકો?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
  • વૃદ્ધજનોની સાર-સંભાળ રાખીએ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૪
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૧૭
wp17 નં. ૨ પાન ૮-૧૦
યુગલ જીવલેણ બીમારીથી પીડાતા પોતાના સ્નેહીજન સાથે ઇલાજ વિશે ચર્ચા કરે છેયુગલ જીવલેણ બીમારીથી પીડાતા પોતાના સ્નેહીજન સાથે ઇલાજ વિશે ચર્ચા કરે છે

અગાઉથી યોજના બનાવવી અને દિલ ખોલીને વાત કરવી જરૂરી છે

સ્નેહીજન જીવલેણ બીમારીનો શિકાર બને ત્યારે

ડોરીનને એ જાણીને મોટો આઘાત લાગ્યો કે ૫૪ વર્ષનાં તેમનાં પતિ વેસલીને બ્રેઇન ટ્યુમર છે!a મગજની એ ગાંઠ ઝડપથી વધી રહી હતી. ડૉક્ટરોએ ડોરીનને કહ્યું કે વેસલી પાસે હવે બહુ સમય રહ્યો નથી. ડોરીન જણાવે છે: “એ સમાચાર સાંભળીને મારા કાન વીંધાઈ ગયા હતા. અઠવાડિયાઓ સુધી હું ગુમસૂમ થઈ ગઈ હતી. એવું લાગતું જાણે એ બધું અમારી સાથે નહિ, પણ બીજા કોઈની સાથે બની રહ્યું હતું. એ સંજોગો માટે હું જરાય તૈયાર ન હતી.”

દુઃખની વાત છે કે ડોરીન જેવો કડવો અનુભવ અનેક લોકોને થયો છે. જીવલેણ બીમારી ગમે ત્યારે ત્રાટકી શકે છે. જોકે, સ્નેહીજનો બીમાર વ્યક્તિની દિલથી કાળજી લે છે, એ પ્રશંસનીય છે. છતાં, સાર-સંભાળ લેવી એક પડકાર છે. દર્દીને દિલાસો આપવા અને તેની સારી સંભાળ રાખવા કુટુંબીજનો શું કરી શકે? સાર-સંભાળ લેતા કુટુંબીજનો કઈ રીતે પોતાની લાગણીઓને કાબૂમાં રાખી શકે? બીમાર વ્યક્તિ મરણ પથારીએ હોય ત્યારે, કેવા સંજોગો માટે તૈયાર રહેવું જોઈએ? ચાલો પહેલા જોઈએ કે જીવલેણ બીમારીનો સામનો કરી રહેલા લોકોની સંભાળ રાખવી, કેમ આજે એક મોટો પડકાર છે.

યુગ બદલાયો, પડકાર બદલાયો

લગભગ એક સદી અગાઉ, વિકસિત દેશોમાં પણ મનુષ્યનું સરેરાશ આયુષ્ય ઘણું ઓછું હતું. અકસ્માત અને ચેપી રોગોને લીધે લોકો જલદી ગુજરી જતા. હૉસ્પિટલની સુવિધાઓ બધે પ્રાપ્ય ન હતી. મોટાભાગના બીમાર લોકોની સાર-સંભાળ તેઓના કુટુંબીજનો રાખતાં હતાં અને દર્દીઓ ઘરે જ મરણ પામતા હતા.

આજે વિજ્ઞાનમાં થયેલી પ્રગતિને લીધે તબીબો બીમારીઓ સામે સારી લડત આપી શક્યા છે અને લોકોનું આયુષ્ય વધારી શક્યા છે. અગાઉની જીવલેણ બીમારીઓ માટે આજે દવાઓ શોધાઈ ગઈ છે, એટલે વ્યક્તિનું જીવન લંબાવી શકાય છે. જોકે, એનો એવો મતલબ નથી કે એ બીમારીઓ સાવ મટી જાય છે. સારવાર પછી દર્દીમાં એવી ઘણી નબળાઈઓ આવી શકે છે, જેના લીધે તેમના માટે પોતાની સંભાળ રાખવી અશક્ય બની જાય છે. એવા દર્દીઓની દેખભાળ રાખવી ઘણું પડકારજનક છે, એ દેખરેખ રાખનારને થકવી નાંખે છે.

આજે વધુ ને વધુ લોકો હૉસ્પિટલના ખાટલે જ દમ તોડી દે છે. બહુ ઓછા લોકોએ નજર સામે કોઈકને મરતા જોયા હોય છે. ઉપરાંત, મરણ અગાઉ બીમાર વ્યક્તિમાં થતા શારીરિક અને લાગણીમય ફેરફારો સમજવા અઘરું હોય છે. એના લીધે, સાર-સંભાળ લેતા કુટુંબીજનોની મહેનત વ્યર્થ જઈ શકે અથવા કાળજી લેવામાં અડચણ આવી શકે. એવા સંજોગોમાં તેઓને ક્યાંથી મદદ મળી શકે?

અગાઉથી સારી યોજના બનાવો

જ્યારે આપણું સ્નેહીજન જીવલેણ બીમારીનો શિકાર બને, ત્યારે ડોરીનની જેમ આપણે પણ ભાંગી પડીએ છીએ. શોક, ડર અને ચિંતાનાં વાદળોથી ઘેરાયેલાં હોઈએ ત્યારે, આગળ રહેલા કઠિન માર્ગે ચાલવા શું મદદ કરી શકે? એક ઈશ્વરભક્તે પ્રાર્થના કરી હતી: “તું અમને અમારા દિવસ એવી રીતે ગણવાને શીખવ કે અમને જ્ઞાનવાળું હૃદય પ્રાપ્ત થાય.” (ગીતશાસ્ત્ર ૯૦:૧૨) હા, ઈશ્વર યહોવાને દિલ ખોલીને પ્રાર્થના કરો. તે તમને “દિવસ એવી રીતે ગણવાને” શીખવશે કે તમે બીમાર સ્નેહીજન સાથે સૌથી સારી રીતે સમય વિતાવી શકશો.

એ માટે સારી યોજના બનાવવી ખૂબ જરૂરી છે. જો તમારું સ્નેહીજન હજી વાતચીત કરી શકતું હોય અને ચર્ચા કરવા તૈયાર હોય, તો તેમને પૂછો કે ભાવિમાં તેમના વતી કોણ નિર્ણયો લેશે. વિના સંકોચે મહત્ત્વની બાબતો પર ચર્ચા કરો. જેમ કે, મશીનની મદદથી જીવન લંબાવવું, હૉસ્પિટલમાં દાખલ થવું અને ખાસ સારવાર. આમ, પછીથી જ્યારે કુટુંબીજનોને નિર્ણય લેવાનો થશે, ત્યારે કોઈ ગેરસમજ કે દોષની લાગણી નહિ થાય. જો અગાઉથી ખુલ્લા મને ચર્ચા કરવામાં આવે, તો બીમાર વ્યક્તિની સાર-સંભાળ પાછળ ધ્યાન આપી શકાશે. બાઇબલ જણાવે છે: “સલાહ લીધા વગરના ઇરાદા રદ જાય છે.”—નીતિવચનો ૧૫:૨૨.

મદદ કઈ રીતે આપવી

મોટાભાગે, સંભાળ લેનારની મુખ્ય ભૂમિકા બીમાર વ્યક્તિને દિલાસો આપવાની છે. મરણ નજીક આવે તેમ વ્યક્તિને અહેસાસ કરાવો કે, આપણે તેમને પ્રેમ કરીએ છીએ અને તે એકલા નથી. આપણે એમ કઈ રીતે કરી શકીએ? આપણે સાહિત્યમાંથી ઉત્તેજન અને આનંદ આપતા લેખો વાંચી શકીએ અથવા ઉત્સાહ વધારતા ગીતો ગાઈ શકીએ. હાથ પકડીને કોમળ રીતે વાત કરવાથી પણ ઘણા બીમાર લોકોને સાંત્વના મળી છે.

બીમાર વ્યક્તિને મુલાકાત કરનારની ઓળખ આપવી સારું રહેશે. એક રિપોર્ટ મુજબ: “પાંચ ઇંદ્રિયોમાંથી સાંભળવાની શક્તિ સૌથી છેલ્લે બંધ થાય છે. દર્દી સૂઈ ગયા હોય એવું લાગે, પણ તે સાફ સાંભળી શકે છે. તેથી, તે સૂઈ ગયા હોય ત્યારે એવું કંઈ ન બોલો, જે તેમની જાગૃત અવસ્થામાં તમે બોલવાનું ટાળો છો.”

શક્ય હોય તો બીમાર વ્યક્તિ સાથે પ્રાર્થના કરો. બાઇબલમાં એક બનાવ જણાવ્યો છે, જ્યારે પ્રેરિત પાઊલ અને તેમના સાથીઓ ખૂબ તણાવમાં હતા. તેઓનું જીવન જોખમમાં હતું. તેઓએ કઈ મદદ માંગી? પાઊલે તેમના મિત્રોને કહ્યું: “તમે પણ અમારા માટે વિનંતીઓ કરીને મદદ કરી શકો.” (૨ કોરીંથીઓ ૧:૮-૧૧) તણાવભર્યા સંજોગો અને ગંભીર બીમારી વખતે દિલથી કરેલી પ્રાર્થના અનમોલ છે!

હકીકત સ્વીકારો

સ્નેહીજનને ગુમાવવાના વિચાર માત્રથી આપણે વ્યાકુળ થઈ જઈએ છીએ. આપણને એટલે નથી બનાવ્યા કે થોડાં વર્ષો જીવીએ અને પછી મરણ પામીએ. તેથી, આપણે મરણને સહેલાઈથી સ્વીકારી શકતા નથી. (રોમનો ૫:૧૨) બાઇબલમાં મૃત્યુને “દુશ્મન” કહેવામાં આવ્યું છે. (૧ કોરીંથીઓ ૧૫:૨૬) દેખીતું છે કે સ્નેહીજનના મૃત્યુ વિશે આપણે સપનામાંય વિચારતા નથી.

જોકે, ભાવિમાં કેવા સંજોગો ઊભા થઈ શકે, એના પર વિચાર કરવાથી કુટુંબીજનોને મદદ મળી શકે છે. આમ, વધુ પડતી ચિંતા કરવાને બદલે તેઓ સંજોગોને સારી રીતે હાથ ધરવા પર ધ્યાન આપી શકશે. દર્દીમાં કેવાં લક્ષણો જોવા મળી શકે એની એક યાદી, “જીવનના અંતિમ અઠવાડિયાં” બૉક્સમાં આપી છે. જરૂરી નથી કે દરેકના કિસ્સામાં એ બધાં લક્ષણો જોવા મળે. એ પણ જરૂરી નથી કે જે ક્રમમાં આપ્યાં છે, એ મુજબ થાય. પણ, મોટાભાગના દર્દીઓમાં એવાં લક્ષણો જોવાં મળ્યાં છે.

સ્નેહીજનના મૃત્યુ પછી, નજીકના મિત્રોનો સંપર્ક કરવો સારું રહેશે, ખાસ કરીને જેઓએ અગાઉ પણ મદદ કરી હતી. સાર-સંભાળ લેતા સગાં-વહાલાં અને કુટુંબીજનોને એ અહેસાસ કરાવવો જરૂરી છે કે, તેઓના સ્નેહીજનની કસોટીનો અંત આવ્યો છે અને હવે તે પીડાથી મુક્ત છે. આપણા પ્રેમાળ સરજનહારે જણાવ્યું છે કે ‘મરણ પામેલા લોકો કંઈ જાણતા નથી,’ એટલે કે, કંઈ અનુભવી શકતા નથી.—સભાશિક્ષક ૯:૫.

કાળજી રાખનાર ઈશ્વર યહોવા

બહેન હૉસ્પિટલમાં બીમાર વ્યક્તિની મુલાકાત લે છે

બીજાઓની મદદને નકારીએ નહિ

સ્નેહીજન મરણ પથારીએ હોય ત્યારે અને તેમના મરણ પછી આપણે શોકમાં હોઈએ ત્યારે પણ, યહોવા પર આધાર રાખવો ખૂબ જરૂરી છે. કદાચ બીજાઓનાં કોમળ શબ્દો અને કાર્યો દ્વારા યહોવા તમને સહાય કરે. ડોરીન જણાવે છે: “હું શીખી કે મારે દરેકની મદદ સ્વીકારવી જોઈએ. હકીકતમાં, અમને જે સહાય મળી એને શબ્દોમાં વર્ણવી શકતાં નથી. હું અને મારા બીમાર પતિ જાણતાં હતાં કે, એ મદદ પાછળ યહોવાનો હાથ હતો. તે જાણે અમને કહી રહ્યા હતા, ‘જુઓ, તમને મદદ કરવા હું તમારી પડખે ઊભો છું.’ એ અહેસાસ હું ક્યારેય નહિ ભૂલું.”

સાર-સંભાળ રાખવામાં યહોવાથી સારું બીજું કોણ હોય શકે? તે આપણા સર્જનહાર છે, તે આપણું દુઃખ અને વેદના સમજે છે. તે આપણને દુઃખની ખાઈમાંથી બહાર લાવી શકે છે. એ માટે તે આપણને ઉત્તેજન આપવા અને મદદનો હાથ લંબાવવા આતુર છે. એથી પણ વિશેષ, તેમણે વચન આપ્યું છે કે તે મરણને કાયમ માટે કાઢી નાંખશે અને ગુજરી ગયેલા લોકોને ફરીથી જીવન આપશે. (યોહાન ૫:૨૮, ૨૯; પ્રકટીકરણ ૨૧:૩, ૪.) પછી, આપણે બધા એક સાથે પોકારી ઊઠીશું: “ઓ મરણ, તારો વિજય ક્યાં? ઓ મરણ, તારો ડંખ ક્યાં?”—૧ કોરીંથીઓ ૧૫:૫૫.

a નામ બદલ્યાં છે.

જીવનના અંતિમ અઠવાડિયાં

મોટાભાગના દર્દીઓમાં જીવનના અંતિમ અઠવાડિયાઓમાં નીચે આપેલાં લક્ષણો જોવા મળે છેb:

  • ખાવા-પીવાની ઇચ્છા મરી જવી. સૂકા પડી ગયેલાં હોઠ અને મોં પર કોઈ ક્રીમ (અથવા ગ્લિસરીન) લગાડવાથી અને કપાળ પર પાણીનાં પોતા મૂકવાથી દર્દીને રાહત મળી શકે છે.

  • એકલા રહેવું અને હળવા-મળવાની ઇચ્છા ન થવી. આસપાસનો માહોલ શાંત અને આરામદાયક રાખો.

  • કલાકો સુધી ઊંઘ્યા કરવું.

  • બેચેની થવી. દર્દી સાથે વાત કરો ત્યારે બહુ હલચલ ન કરો. કોમળતાથી અને દર્દીને સાંત્વના મળે એ રીતે વાત કરો.

  • મૂંઝવણ થવી. નામથી પોતાની ઓળખ આપો; દર્દી મૂંઝવણમાં હોય તોપણ ધ્યાનથી તેનું સાંભળો.

  • પથારીમાં મળ-મૂત્ર થવાં. દર્દી અને તેની પથારીને સ્વચ્છ રાખવા બનતી કોશિશ કરો.

  • શ્વાસોશ્વાસમાં બદલાણ થવું. દર્દી શ્વાસ બહાર કાઢે ત્યારે, શ્વાસનળીમાંથી પસાર થતી હવાનો ઘોઘરો અવાજ આવી શકે.

  • ગૂંગળામણ થવી. ઓશિકાની મદદથી જો માથું થોડું ઊંચું રાખવામાં આવે, તો દર્દીને ગૂંગળામણ નહિ થાય.

  • ચામડીનો રંગ બદલાય. મહત્ત્વનાં અંગો સુધી લોહી પહોંચાડવા શરીર પ્રયાસ કરે છે ત્યારે, મોટા ભાગે એવું થતું હોય છે.

b Source: The Metropolitan Hospice of Greater New York

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો