વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w18 જુલાઈ પાન ૨૨-૨૬
  • આપણે યહોવાના છીએ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • આપણે યહોવાના છીએ
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૮
  • મથાળાં
  • સરખી માહિતી
  • આપણું જીવન યહોવાને સમર્પણ કરીએ
  • દુનિયાની ઇચ્છાઓને આપણે નકારી કાઢીએ
  • આપણને ‘એકબીજા માટે ગાઢ પ્રેમ છે’
  • “યહોવા પોતાના લોકને તજશે નહિ”
  • યહોવાહને કેમ સમર્પણ કરવું જોઈએ?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૦
  • બાપ્તિસ્મા કેમ લેવું જોઈએ?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૩
  • જીવનના શ્રેષ્ઠ માર્ગ પર તમારું સ્વાગત છે!
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૦
  • યહોવાના કુટુંબમાં તમે પણ મહત્ત્વના છો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૧
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૮
w18 જુલાઈ પાન ૨૨-૨૬
તારાઓથી ઝગમગતા આકાશને જુએ છે

આપણે યહોવાના છીએ

“ધન્ય છે એ પ્રજાને જેના ઈશ્વર યહોવા છે! એ પ્રજાને તેમણે પોતાની અમાનત બનાવી છે.”—ગીત. ૩૩:૧૨.

ગીતો: ૩૧, ૪૮

તમે કેવો જવાબ આપશો?

  • સમર્પણ અને બાપ્તિસ્મા દ્વારા આપણે શું સાબિત કરીએ છીએ?

  • આપણે ફક્ત યહોવાની ભક્તિ કરીએ છીએ, એ શા માટે બીજાઓ સહેલાઈથી જોઈ શકતા હોવા જોઈએ?

  • શા માટે આપણે ભાઈ-બહેનો પ્રત્યે મહેમાનગતિ, ઉદારતા, માફી અને દયા બતાવવી જોઈએ?

૧. આપણે શાના પરથી કહી શકીએ કે, બધું જ યહોવાનું છે? (શરૂઆતનું ચિત્ર જુઓ.)

બધું જ યહોવાનું છે! “આકાશ તથા આકાશોનું આકાશ; પૃથ્વી તથા તેમાંનું સર્વ” તેમનું છે. (પુન. ૧૦:૧૪; પ્રકટી. ૪:૧૧) યહોવા આપણા સર્જનહાર હોવાથી, આપણે પણ તેમના છીએ. (ગીત. ૧૦૦:૩) માનવ ઇતિહાસ પર નજર કરતા જોવા મળે છે કે, અમુક લોકોને યહોવાએ ખાસ પસંદ કર્યા છે.

૨. બાઇબલ પ્રમાણે યહોવાએ કોને ખાસ પસંદ કર્યા છે?

૨ દાખલા તરીકે, ગીતશાસ્ત્ર ૧૩૫માં પ્રાચીન ઇઝરાયેલના યહોવાના વફાદાર ભક્તોનું વર્ણન “ખાસ મિલકત” તરીકે થયું છે. (ગીત. ૧૩૫:૪) ઉપરાંત, હોશીઆએ ભવિષ્યવાણી કરી હતી કે, યહુદી નથી એવા અમુક લોકો યહોવાની પ્રજા બનશે. (હોશી. ૨:૨૩) યહોવાએ બીજી જાતિના લોકોને ખ્રિસ્ત સાથે સ્વર્ગમાં રાજ કરવા પસંદ કરવાનું શરૂ કર્યું ત્યારે, આ ભવિષ્યવાણી પૂરી થઈ. (પ્રે.કા. ૧૦:૪૫; રોમ. ૯:૨૩-૨૬) પવિત્ર શક્તિથી અભિષિક્ત થનારાઓને “પવિત્ર પ્રજા” કહેવાય છે અને તેઓ યહોવાના “ખાસ લોક” છે. (૧ પીત. ૨:૯, ૧૦) પણ, જે વફાદાર ભક્તો પૃથ્વી પર હંમેશાં જીવવાની આશા રાખે છે, તેઓ વિશે શું? યહોવા તેઓને પણ “મારા લોકો” અને ‘મારા પસંદ કરાયેલા’ તરીકે ઓળખાવે છે.—યશા. ૬૫:૨૨.

૩. (ક) આજે યહોવા સાથે કોણ ખાસ મિત્રતા ધરાવે છે? (ખ) આ લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?

૩ સ્વર્ગમાં હંમેશ માટેના જીવનની આશા રાખનાર “નાની ટોળી” અને પૃથ્વી પર હંમેશાં જીવવાની આશા રાખનાર “બીજા ઘેટાં,” બંને સાથે મળીને ‘એક ટોળું’ તરીકે યહોવાની ભક્તિ કરે છે. (લુક ૧૨:૩૨; યોહા. ૧૦:૧૬) આપણે યહોવાને બતાવવા ચાહીએ છીએ કે તેમની સાથેની મિત્રતાની કેટલી કદર કરીએ છીએ. આ લેખમાં ચર્ચા કરીશું કે, આપણને મળેલા ખાસ લહાવા માટે આપણે કઈ રીતે યહોવાનો આભાર માની શકીએ.

આપણું જીવન યહોવાને સમર્પણ કરીએ

૪. યહોવાએ તેમની સાથે મિત્રતા કરવાનો આપણને મોકો આપ્યો છે, એની કદર કઈ રીતે બતાવી શકીએ? અને ઈસુએ એવું કઈ રીતે કર્યું?

૪ યહોવાને પોતાનું જીવન સમર્પણ કરીને બાપ્તિસ્મા લીધું ત્યારે, આપણે બતાવી આપ્યું કે આપણે યહોવાની કદર કરીએ છીએ. એ પછી, બધા લોકો જોઈ શક્યા કે આપણે યહોવાના છીએ અને આપણે તેમની આજ્ઞા પાળવા માંગીએ છીએ. (હિબ્રૂ. ૧૨:૯) ઈસુએ બાપ્તિસ્મા લીધું ત્યારે તેમણે પણ એવું જ કંઈક કર્યું હતું. યહોવાને સમર્પિત પ્રજાનો તે ભાગ હતા, તોપણ તેમણે યહોવા આગળ પોતાનું સમર્પણ કર્યું. તે તો જાણે કહી રહ્યા હતા: ‘હે મારા ઈશ્વર, તમારી ઇચ્છા પ્રમાણે કરવાને હું રાજી છું.’—ગીત. ૪૦:૭, ૮.

૫, ૬. (ક) ઈસુએ બાપ્તિસ્મા લીધું ત્યારે યહોવાને કેવું લાગ્યું? (ખ) યહોવાને આપણા સમર્પણ વિશે કેવું લાગે છે, ઉદાહરણ આપીને સમજાવો.

૫ ઈસુએ બાપ્તિસ્મા લીધું ત્યારે યહોવાને કેવું લાગ્યું? બાઇબલ જણાવે છે: “બાપ્તિસ્મા લઈને ઈસુ તરત જ પાણીની ઉપર આવ્યા અને જુઓ! આકાશ ઊઘડી ગયું અને યોહાને પવિત્ર શક્તિને કબૂતર જેવા આકારમાં તેમના પર ઊતરતી જોઈ. જુઓ! એવી આકાશવાણી પણ થઈ કે, ‘આ મારો વહાલો દીકરો છે, જેને મેં પસંદ કર્યો છે.’” (માથ. ૩:૧૬, ૧૭) ઈસુ યહોવાના જ હતા. પણ, જ્યારે યહોવાએ જોયું કે ઈસુ જીવનભર તેમની ભક્તિ કરવા માંગે છે, ત્યારે તે ઘણા ખુશ થયા. આપણે પણ સમર્પણ કરીએ છીએ ત્યારે, યહોવા ઘણા ખુશ થાય છે અને આપણને આશીર્વાદ આપે છે.—ગીત. ૧૪૯:૪.

૬ કલ્પના કરો કે, એક પિતાએ બગીચામાં સુંદર ફૂલો ઉગાડ્યાં છે. તેની દીકરી એમાંથી એક ફૂલ લઈને તેને ભેટ તરીકે આપે છે. ભલે ફૂલ તેનું જ છે છતાં પ્રેમાળ પિતા એ ભેટથી ખુશ થશે. તે તો એ ભેટને પોતાની દીકરીના પ્રેમની નિશાની તરીકે જોશે. બગીચાનાં બધાં ફૂલો કરતાં તેને મન એ ફૂલ અનેક ગણું કીમતી હશે. જ્યારે આપણે ખુશીથી યહોવા આગળ પોતાનું સમર્પણ કરીએ છીએ, ત્યારે યહોવાની ખુશીનો કોઈ પાર રહેતો નથી.—નિર્ગ. ૩૪:૧૪.

૭. ખુશીથી યહોવાની ભક્તિ કરતા લોકો માટેની યહોવાની લાગણી વિશે માલાખીએ શું જણાવ્યું?

૭ માલાખી ૩:૧૬ વાંચો. જો તમે હજુ સુધી સમર્પણ અને બાપ્તિસ્માનું પગલું ભર્યું ન હોય, તો એનું મહત્ત્વ જાણવું જોઈએ. આખી માણસજાતની જેમ, તમે પણ જન્મથી જ યહોવાના છો. છતાં વિચાર કરો કે, વિશ્વ પર રાજ કરવાના તેમના હકને ટેકો આપવા તમે પોતાનું સમર્પણ કરો છો ત્યારે, તેમને કેટલો આનંદ થતો હશે! (નીતિ. ૨૩:૧૫) યહોવાની ભક્તિ કરવા ખુશી ખુશી તૈયાર થનારાઓને, તે સારી રીતે ઓળખે છે અને તેઓના નામ ‘યાદીના પુસ્તકમાં’ લખે છે.

૮, ૯. જેઓના નામ ‘યાદીના પુસ્તકમાં’ નોંધેલા છે, તેઓ પાસેથી યહોવા કેવી અપેક્ષા રાખે છે?

૮ જો આપણે ચાહતા હોઈએ કે આપણું નામ યહોવાના ‘યાદીના પુસ્તકમાં’ લખવામાં આવે, તો અમુક બાબતો કરવાની જરૂર છે. માલાખીએ કહ્યું કે આપણે યહોવાનો ડર રાખવો જોઈએ અને તેમના નામ પર મનન કરવું જોઈએ. જો આપણે કોઈ વ્યક્તિ કે વસ્તુની ભક્તિ કરીશું, તો યહોવાના પુસ્તકમાંથી આપણું નામ કાઢી નાખવામાં આવશે!—નિર્ગ. ૩૨:૩૩; ગીત. ૬૯:૨૮.

૯ તેથી, આપણે યહોવાની ઇચ્છા પૂરી કરવાનું વચન આપીને બાપ્તિસ્મા લઈએ, એટલું જ પૂરતું નથી. એ બાબત તો જીવનમાં ફક્ત એક જ વાર કરવાની હોય છે, પણ યહોવાની ભક્તિ તો જિંદગીભરનું વચન છે. જીવનના એકે-એક દિવસે પોતાનાં કાર્યોથી બતાવી આપવું જોઈએ કે, આપણે યહોવાની આજ્ઞા પાળીએ છીએ.—૧ પીત. ૪:૧, ૨.

દુનિયાની ઇચ્છાઓને આપણે નકારી કાઢીએ

૧૦. યહોવાની સેવા કરનાર અને સેવા ન કરનાર વચ્ચે કેવો ભેદ જોવા મળે છે?

૧૦ આગલા લેખમાં જોઈ ગયા કે કાઈન, સુલેમાન અને ઇઝરાયેલીઓએ યહોવાની ભક્તિ કરવાનો દાવો તો કર્યો હતો પણ તેઓ વફાદાર રહ્યા નહિ. આ દાખલા પરથી શીખવા મળે છે કે, આપણે યહોવાની ભક્તિ કરીએ છીએ ફક્ત એટલું કહેવું જ પૂરતું નથી. આપણે ખોટી બાબતોને ધિક્કારવી જોઈએ અને સારી બાબતોને વળગી રહેવું જોઈએ. (રોમ. ૧૨:૯) યહોવા કહે છે કે, ‘સદાચારી તથા દુરાચારી વચ્ચે, ઈશ્વરની સેવા કરનાર તથા તેમની સેવા નહિ કરનાર વચ્ચે’ મોટો ભેદ છે.—માલા. ૩:૧૮.

૧૧. આપણે ફક્ત યહોવાની ભક્તિ કરીએ છીએ, એ બીજાઓ શા માટે સહેલાઈથી જોઈ શકતા હોવા જોઈએ?

૧૧ આપણે યહોવાના કેટલા આભારી છીએ કે તેમણે આપણને પોતાના લોકો તરીકે પસંદ કર્યા છે! આપણે યહોવાના પક્ષે છીએ, એ બીજાઓ સહેલાઈથી જોઈ શકતા હોવા જોઈએ. (૧ તિમો. ૪:૧૫; માથ. ૫:૧૬) આપણે પોતાને પૂછી શકીએ: “હું પૂરેપૂરી રીતે યહોવાને વફાદાર છું, શું એ બીજાઓ જોઈ શકે છે? શું હું પોતાને યહોવાનો સાક્ષી તરીકે ઓળખાવવાની તક શોધું છું?” જરા વિચારો કે આપણે યહોવાના પક્ષે છીએ, એમ કહેતા આપણે શરમ અનુભવીશું તો યહોવાને કેટલું દુઃખ થશે!—ગીત. ૧૧૯:૪૬; માર્ક ૮:૩૮ વાંચો.

એક સાક્ષી યુગલના શોભતાં ન હોય એવાં કપડાં અને કાર્યોને લીધે તેઓમાં અને દુનિયાના લોકોમાં ફરક જોવા મળતો નથી

શું તમારી જીવનઢબથી દેખાઈ આવે છે કે તમે યહોવાના એક સાક્ષી છો? (ફકરા ૧૨, ૧૩ જુઓ)

૧૨, ૧૩. અમુકે યહોવાના સાક્ષીઓ તરીકેની પોતાની ઓળખ કઈ રીતે છૂપાવી છે?

૧૨ દુઃખની વાત છે કે, અમુક સાક્ષીઓએ “દુનિયાનું વલણ” અપનાવ્યું છે. પરિણામે, યહોવાની ભક્તિ ન કરતા લોકોથી તેઓ અલગ તરી આવતા નથી. (૧ કોરીં. ૨:૧૨) “દુનિયાનું વલણ” રાખનારા લોકો પોતાની સ્વાર્થી ઇચ્છાઓ પર જ ધ્યાન આપે છે. (એફે. ૨:૩) દાખલા તરીકે, આપણને પહેરવેશ વિશે વારંવાર સલાહ મળે છે, તોપણ અમુકનો પહેરવેશ વિનયી હોતો નથી. તેઓ ટાઇટ અને અંગપ્રદર્શન કરતા હોય એવાં કપડાં પહેરે છે. અરે, તેઓ તો સભા અને સંમેલનોમાં પણ એવાં કપડાં પહેરતાં હોય છે. કેટલાકના વાળની સ્ટાઈલ પણ અજુગતી હોય છે. (૧ તિમો. ૨:૯, ૧૦) પરિણામે, લોકો પારખી શકતા નથી કે તેઓ યહોવાના સાક્ષીઓ છે કે નહિ.—યાકૂ. ૪:૪.

૧૩ બીજી કેટલીક બાબતોમાં પણ અમુક સાક્ષીઓ દુનિયાથી અલગ તરી આવતા નથી. દાખલા તરીકે, પાર્ટીમાં અમુક સાક્ષીઓ એવી રીતે નાચે છે અને વર્તે છે, જે ઈશ્વરભક્તોને શોભે એવું હોતું નથી. બીજા અમુકે સોશિયલ મીડિયા પર એવાં ફોટા અને કોમેન્ટ મૂક્યાં છે, જેમાં દુનિયાના વિચારોની ઝલક જોવા મળે છે. બની શકે કે, તેઓને શિસ્ત આપવામાં આવી ન હોય, પણ દુનિયાના વલણથી દૂર રહેવા મહેનત કરનાર ભાઈ-બહેનો પર તેઓની ખરાબ અસર પડી શકે છે.—૧ પીતર ૨:૧૧, ૧૨ વાંચો.

એક યુગલ શોભતા ન હોય એવા કપડાં પહેરીને પ્રાર્થનાઘરમાં પ્રવેશે છે

જેઓ પૂરી રીતે યહોવાના પક્ષે નથી, તેઓના રંગે રંગાઈએ નહિ

૧૪. યહોવા સાથેની ખાસ મિત્રતા જાળવી રાખવા આપણે શું કરવું જોઈએ?

૧૪ દુનિયાની બધી જ બાબતો આપણને “શરીરની ખોટી ઇચ્છા, આંખોની લાલસા અને પોતાની માલમિલકતનું અભિમાન” કરવા માટે દોરી જાય છે. (૧ યોહા. ૨:૧૬) આપણે યહોવાના છીએ એટલે આપણે અલગ તરી આવીએ છીએ. આપણે ‘ઈશ્વરની ઇચ્છા વિરુદ્ધ હોય એવી સર્વ બાબતો અને દુનિયાની ઇચ્છાઓનો ત્યાગ કરીએ છીએ. તેમ જ, આ દુનિયામાં સમજુ વ્યક્તિને શોભે એ રીતે, ખરા માર્ગે ચાલીએ છીએ અને ભક્તિભાવથી જીવીએ છીએ.’ (તિત. ૨:૧૨) આપણા આખા જીવનથી એટલે કે આપણાં ખાવા-પીવા, પહેરવાં-ઓઢવા અને બોલવા-ચાલવાથી એ સાફ દેખાઈ આવવું જોઈએ કે આપણે યહોવાના છીએ.—૧ કોરીંથીઓ ૧૦:૩૧, ૩૨ વાંચો.

આપણને ‘એકબીજા માટે ગાઢ પ્રેમ છે’

૧૫. બીજા ઈશ્વરભક્તો સાથે શા માટે આપણે દયા અને પ્રેમથી વર્તવું જોઈએ?

૧૫ ભાઈ-બહેનો સાથે જે રીતે વર્તીએ છીએ, એનાથી બતાવીએ છીએ કે આપણે યહોવા સાથેની મિત્રતાને કીમતી ગણીએ છીએ. જેમ આપણે યહોવાના છીએ, તેમ આપણાં ભાઈ-બહેનો પણ યહોવાનાં છે. જો આપણે આ યાદ રાખીશું, તો આપણે તેઓ સાથે હંમેશાં દયા અને પ્રેમથી વર્તીશું. (૧ થેસ્સા. ૫:૧૫) એનું મહત્ત્વ સમજાવતા ઈસુએ તેમના અનુયાયીઓને કહ્યું: “જો તમે એકબીજા પર પ્રેમ રાખશો, તો એનાથી બધા જાણશે કે તમે મારા શિષ્યો છો.”—યોહા. ૧૩:૩૫.

૧૬. મુસાના નિયમશાસ્ત્રમાંથી પોતાના લોકો માટેના યહોવાના પ્રેમ વિશે આપણે શું શીખી શકીએ?

૧૬ ચાલો, મુસાના નિયમશાસ્ત્રમાંથી એક દાખલો જોઈએ. એનાથી આપણને મંડળમાં એકબીજા સાથે કઈ રીતે વર્તવું એ વિશે શીખવા મદદ મળશે. યહોવાના મંદિરમાં એવાં વાસણો હતાં, જે ફક્ત ભક્તિ માટે વપરાતાં હતાં. નિયમશાસ્ત્રમાં સાફ જણાવ્યું હતું કે એ વાસણોને લેવીઓએ કઈ રીતે સાચવવાનાં હતાં. એમાં એ પણ જણાવ્યું હતું કે જે વ્યક્તિ એ સૂચનાઓ ન પાળે તો, તેને મોતની સજા થતી હતી. (ગણ. ૧:૫૦, ૫૧) ભક્તિ માટે વપરાતાં વાસણોને કઈ રીતે વાપરવાં એ વિશે યહોવા આટલું ધ્યાન આપતા હોય. તો પછી, તેમના સમર્પિત અને વફાદાર ભક્તો સાથે લોકો કેવું વર્તન કરે છે, એના પર તે કેટલું ધ્યાન આપતા હશે! તેમને મન આપણે કેટલા કીમતી છીએ, એ વિશે તે કહે છે: ‘જે તમને અડકે છે તે મારી આંખની કીકીને અડકે છે.’—ઝખા. ૨:૮.

૧૭. યહોવા કઈ બાબતને ‘ધ્યાન દઈને સાંભળે છે’?

૧૭ માલાખીએ કહ્યું હતું કે યહોવાના લોકો કઈ રીતે એકબીજા સાથે વર્તે છે એ વિશે ‘યહોવા ધ્યાન દઈને સાંભળે છે.’ (માલા. ૩:૧૬) યાદ રાખો, “જેઓ પોતાના છે તેઓને યહોવા ઓળખે છે.” (૨ તિમો. ૨:૧૯) આપણાં કાર્યો અને વિચારો યહોવા સારી રીતે જાણે છે. (હિબ્રૂ. ૪:૧૩) જ્યારે આપણે ભાઈ-બહેનોને દયા બતાવતા નથી, ત્યારે એ યહોવાના ધ્યાનમાં આવે છે. પરંતુ, આપણે ખાતરી રાખી શકીએ કે જ્યારે આપણે મહેમાનગતિ, ઉદારતા, માફી અને દયા બતાવીએ છીએ, ત્યારે એ યહોવાના ધ્યાન બહાર જતું નથી.—હિબ્રૂ. ૧૩:૧૬; ૧ પીત. ૪:૮, ૯.

“યહોવા પોતાના લોકને તજશે નહિ”

૧૮. યહોવાએ આપણને તેમના લોકો તરીકે પસંદ કર્યા હોવાથી તેમનો આભાર કઈ રીતે માની શકીએ?

૧૮ આપણે યહોવાના છીએ એ માટે આપણે ચોક્કસ તેમનો આભાર માનવા ચાહીએ છીએ. આપણે સારી રીતે જાણીએ છીએ કે પોતાનું જીવન યહોવાને સમર્પણ કરવું, એ જીવનનો સૌથી સારો નિર્ણય છે. આપણે “દુષ્ટ અને આડી પેઢી વચ્ચે” જીવીએ છીએ. તેમ છતાં, આપણે “શુદ્ધ અને નિર્દોષ” રહી શકીએ છીએ અને “દુનિયામાં જ્યોતિઓની જેમ” પ્રકાશ ફેલાવી શકીએ છીએ. (ફિલિ. ૨:૧૫) એટલે યહોવા ધિક્કારે છે, એવી બાબતોથી દૂર રહેવાની મનમાં ગાંઠ વાળીએ. (યાકૂ. ૪:૭) આપણાં ભાઈ-બહેનોને આપણે પ્રેમ કરીએ છીએ અને માન આપીએ છીએ, કારણ કે તેઓ પણ યહોવાના છે.—રોમ. ૧૨:૧૦.

૧૯. જેઓ યહોવાના છે તેઓને તે કેવા આશીર્વાદો આપે છે?

૧૯ બાઇબલ જણાવે છે: “યહોવા પોતાના લોકને તજશે નહિ.” (ગીત. ૯૪:૧૪) એ વચન તો યહોવાનું છે. ભલે ગમે એ થાય, યહોવા હંમેશાં આપણી પડખે રહેશે. આપણે મરણ પામીએ તોપણ તે આપણને ભૂલશે નહિ. (રોમ. ૮:૩૮, ૩૯) “જો આપણે જીવીએ, તો યહોવા માટે જીવીએ અને જો આપણે મરીએ, તો યહોવા માટે મરીએ. તેથી, આપણે જીવીએ કે મરીએ આપણે યહોવાના છીએ.” (રોમ. ૧૪:૮) મરણની ઊંઘમાં સરી ગયેલા પોતાના વફાદાર મિત્રોને યહોવા સજીવન કરશે. એ ઘડીની આપણે કાગડોળે રાહ જોઈએ છે. (માથ. ૨૨:૩૨) હમણાં પણ આપણે પિતા તરફથી મળતા સુંદર આશીર્વાદોનો આનંદ માણી રહ્યા છીએ. બાઇબલ જણાવે છે: ‘જે પ્રજાના ઈશ્વર યહોવા છે, અને જે લોકને તેમણે પોતાના વારસાને માટે પસંદ કર્યા છે, તેઓને ધન્ય છે!’—ગીત. ૩૩:૧૨.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો