ખૂબ આનંદ આપતું કામ
૧. આજે લોકોને શું કરવા આપણે મદદ કરી રહ્યાં છીએ?
૧ પ્રથમ સદીમાં ઈશ્વરની શક્તિથી અમુકને સાજા કરવામાં આવ્યા, એ જોઈને લોકોના દિલ આનંદથી ભરાઈ ગયા. (લુક ૫:૨૪-૨૬) આજે આપણે બીજાઓને યહોવાહ વિષે શીખવા મદદ કરીએ છીએ એનાથી આપણને કેટલો આનંદ થાય છે. (પ્રકટી. ૨૨:૧, ૨, ૧૭) આપણે જ્યારે અનુભવો વાંચીએ છીએ કે બાઇબલ અને યહોવાહની શક્તિથી વ્યક્તિનું જીવન કેવી રીતે બદલાયું છે, ત્યારે આપણને કેટલી ખુશી થાય છે! ખાસ કરીને આપણે પોતે બાઇબલ સ્ટડી ચલાવતા હોઈએ અને વ્યક્તિ પ્રગતિ કરે ત્યારે, આપણને બમણી ખુશી થાય છે.
૨. વ્યક્તિને બાઇબલ સત્ય શીખવવાથી આપણને કેમ ખુશી મળે છે?
૨ ઈશ્વરનું નામ શું છે? તે કેમ દુઃખ-તકલીફોને ચાલવા દે છે? ઈશ્વરનું રાજ્ય માણસો માટે શું કરશે? જ્યારે વ્યક્તિને આવા સવાલોના જવાબ મેળવવા મદદ કરીએ ત્યારે આપણને ઘણી ખુશી થાય છે. એથી પણ વધારે વ્યક્તિ જ્યારે સત્ય શીખે અને લાગુ પાળે એ જોઈને ખુશી થાય છે. (નીતિ. ૧૫:૨૩; લુક ૨૪:૩૨) તે પ્રગતિ કરે તેમ કદાચ યહોવાહનું નામ વાપરવા લાગે, પોતાના પહેરવેશમાં ફેરફાર કરે, ખોટા કામો છોડી દે અને બીજાઓને ઈશ્વર વિષે જણાવવાનું શરૂ કરે. પછી યહોવાહને પોતાનું જીવન સમર્પણ કરે છે અને બાપ્તિસ્મા લે છે. આમ તે તેમનો ભક્ત બને છે. તેમ જ, યહોવાહના કામમાં આપણો સાથીદાર બને છે. વ્યક્તિ આ પ્રમાણે પગલાં ભરે ત્યારે આપણને ખુશી મળે છે.—૧ થેસ્સા. ૨:૧૯, ૨૦.
૩. બાઇબલ અભ્યાસ શરૂ કરવા આપણે શું કરી શકીએ?
૩ શું તમે એમાં ભાગ લેશો? શું તમે પણ આ આનંદભર્યા કામમાં ભાગ લેવા ચાહો છો? એમ હોય તો બાઇબલ અભ્યાસ માટે યહોવાહને પ્રાર્થના કરો. પછી એ પ્રમાણે અભ્યાસ મેળવવા મહેનત કરો. (૧ યોહા. ૫:૧૪) આપણે કોઈ પણ સમયે અને જગ્યાએ લોકોને પ્રચાર કરવો જોઈએ. જ્યારે પણ તક મળે ત્યારે બાઇબલ અભ્યાસ શરૂ કરવા પ્રયત્ન કરવો જોઈએ. (સભા. ૧૧:૬) જ્યારે કોઈ રસ બતાવે ત્યારે તેનામાં સત્યનું બી વાવો અને એને પાણી પાવા ફરી મુલાકાત કરો.—૧ કોરીં. ૩:૬-૯.
૪. આપણી માટે લોકોને બાઇબલ વિષે શીખવવું કેમ તાકીદનું છે?
૪ આજે પણ ઘણા લોકોને ન્યાયીપણાની ભૂખ અને તરસ છે. તેઓની એ તરસ છિપાવવા બાઇબલમાંથી શીખવીને યહોવાહની ભક્તિ કરવા કોણ મદદ કરશે? (માથ. ૫: ૬) કાપણીનો સમય પૂરો થાય એ પહેલાં, પ્રચાર કરવા અને શિષ્યો બનાવવાનું કામ આપણે રાજી-ખુશીથી કરવું જોઈએ.—યશા. ૬:૮.