વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w23 મે પાન ૨૦-૨૫
  • “યાહની જ્વાળા” સળગતી રાખો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • “યાહની જ્વાળા” સળગતી રાખો
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૩
  • મથાળાં
  • સરખી માહિતી
  • યહોવા સાથેનો સંબંધ મજબૂત કરતા રહો
  • સાથે સમય વિતાવો
  • એકબીજાનો આદર કરો
  • લગ્‍ન યહોવાહે આપેલી ભેટ છે
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૧
  • લગ્‍નજીવન મજબૂત કરવા દિલ ખોલીને વાતચીત કરો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૩
  • પતિ-પત્ની કઈ રીતે ખુશ રહી શકે?
    દુઃખ જશે, સુખ આવશે—ઈશ્વર પાસેથી શીખો
  • સુખી લગ્‍નજીવનની ચાવી
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૬
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૩
w23 મે પાન ૨૦-૨૫

અભ્યાસ લેખ ૨૩

“યાહની જ્વાળા” સળગતી રાખો

“[પ્રેમની] જ્વાળા ધગધગતી આગ છે, એ યાહની જ્વાળા છે.”—ગી.ગી. ૮:૬.

ગીત ૩૬ “ઈશ્વરે જેને જોડ્યું છે”

ઝલકa

૧. સાચા પ્રેમ વિશે બાઇબલમાં શું જણાવ્યું છે?

પ્રેમની “જ્વાળા ધગધગતી આગ છે, એ યાહની જ્વાળા છે. ધસમસતું પાણી પ્રેમની આગને હોલવી નહિ શકે, નદીનું પૂર એને તાણી નહિ જઈ શકે.”b (ગી.ગી. ૮:૬, ૭) સાચા પ્રેમ વિશે સુલેમાન રાજાએ કેટલા સુંદર શબ્દો લખ્યા! પતિ-પત્નીઓ, તમે પણ ખાતરી રાખી શકો કે તમે એકબીજાને સાચો પ્રેમ કરી શકો છો, એવો પ્રેમ જે કાયમ ટકે છે.

૨. પતિ-પત્ની પોતાનો પ્રેમ કાયમ ટકાવી રાખવા શું કરી શકે?

૨ પતિ-પત્નીનો પ્રેમ કાયમ ટકશે કે નહિ, એનો આધાર તેઓ પર જ છે. ચાલો એક દાખલો લઈએ. ઠંડીથી બચવા તમે તાપણું કરો છો. જો તમે એમાં લાકડાં નાખતા રહેશો, તો એ હંમેશાં સળગતું રહેશે. પણ જો તમે લાકડાં નહિ નાખો, તો એ હોલવાઈ જશે. એવી જ રીતે, એક પતિ-પત્ની વચ્ચે પણ પ્રેમની જ્વાળા હંમેશાં સળગતી રહી શકે છે, પણ તેઓ વચ્ચેનો સંબંધ મજબૂત હશે તો જ. જોકે, અમુક વાર પતિ-પત્નીને લાગી શકે કે તેઓનો પ્રેમ ઠંડો પડી રહ્યો છે. એનાં ઘણાં કારણો હોય શકે. જેમ કે, પૈસાની તંગી હોય, કોઈની તબિયત સારી ન રહેતી હોય અથવા બાળકોના ઉછેરને લઈને દબાણ હોય. જો તમે પરણેલા હો, તો કઈ રીતે તમારા લગ્‍નજીવનમાં “યાહની જ્વાળા” સળગતી રાખી શકો? આ લેખમાં આપણે ત્રણ રીતો જોઈશું, જેનાથી પતિ-પત્ની પોતાનો સંબંધ મજબૂત કરી શકશે અને લગ્‍નજીવનમાં ખુશ રહી શકશે.c

યહોવા સાથેનો સંબંધ મજબૂત કરતા રહો

એક પતિ-પત્ની એકબીજાનો હાથ પકડીને પ્રાર્થના કરી રહ્યાં છે. એક નાના ચિત્રમાં બતાવ્યું છે કે મરિયમ અને યૂસફ પણ એકબીજાનો હાથ પકડીને પ્રાર્થના કરી રહ્યાં છે.

યૂસફ અને મરિયમની જેમ, પતિ અને પત્ની બંનેનો યહોવા સાથે મજબૂત સંબંધ હોવો જોઈએ (ફકરો ૩ જુઓ)

૩. યહોવા સાથે મજબૂત સંબંધ હોવાથી કઈ રીતે પતિ-પત્ની વચ્ચેનો સંબંધ મજબૂત થાય છે? (સભાશિક્ષક ૪:૧૨) (ચિત્ર પણ જુઓ.)

૩ પતિ-પત્નીઓ, જો તમે ચાહતા હો કે તમારા લગ્‍નજીવનમાં “યાહની જ્વાળા” સળગતી રહે, તો તમારે યહોવા સાથેનો સંબંધ મજબૂત કરતા રહેવું પડશે. એનાથી તમારા બંને વચ્ચેનો સંબંધ પણ મજબૂત થશે. કઈ રીતે? જ્યારે પતિ-પત્ની યહોવા સાથેના સંબંધને કીમતી ગણે છે, ત્યારે તેઓ સહેલાઈથી યહોવાની સલાહ પાળી શકે છે. એમ કરવાથી તેઓ અમુક હદે એવી મુશ્કેલીઓથી બચી શકશે, જે તેઓનો પ્રેમ ઠંડો પાડી દે. કદાચ એવી કોઈ મુશ્કેલી આવે તોપણ તેઓ એને પાર કરી શકશે. (સભાશિક્ષક ૪:૧૨ વાંચો.) વધુમાં, જેઓનો યહોવા સાથેનો સંબંધ મજબૂત હોય છે, તેઓ તેમને અનુસરવાની અને તેમના જેવા ગુણો કેળવવાની પૂરેપૂરી કોશિશ કરે છે. યહોવાની જેમ તેઓ ધીરજ રાખે છે, એકબીજાને માફ કરે છે અને બીજાઓ સાથે પ્રેમથી વર્તે છે. (એફે. ૪:૩૨–૫:૧) આમ, તેઓ વચ્ચે સાચા પ્રેમની જ્વાળા સળગતી રહે છે. લીનાબહેનના લગ્‍નને ૨૫થી પણ વધારે વર્ષો થયાં છે. તે કહે છે: “જે વ્યક્તિનો યહોવા સાથે મજબૂત સંબંધ હોય છે, તેને પ્રેમ કરવો અને આદર બતાવવો સહેલું થઈ જાય છે.”

૪. યહોવાએ કેમ યૂસફ અને મરિયમને મસીહનાં માતા-પિતા તરીકે પસંદ કર્યાં?

૪ ચાલો બાઇબલના એક દાખલા પર ધ્યાન આપીએ. જ્યારે યહોવાએ મસીહ માટે માતા-પિતા પસંદ કરવાના હતા, ત્યારે તે દાઉદના વંશમાંથી કોઈને પણ પસંદ કરી શક્યા હોત. પણ તેમણે યૂસફ અને મરિયમને પસંદ કર્યાં. શા માટે? કેમ કે તેઓનો યહોવા સાથે મજબૂત સંબંધ હતો. યહોવા એ પણ જાણતા હતા કે પતિ-પત્ની તરીકે તેઓ યહોવાને પોતાનાં જીવનમાં સૌથી પહેલા રાખશે. પતિ-પત્નીઓ, તમે યૂસફ અને મરિયમ પાસેથી શું શીખી શકો?

૫. પતિઓ યૂસફ પાસેથી શું શીખી શકે?

૫ યૂસફે યહોવાનું માર્ગદર્શન તરત પાળ્યું. એમ કરવાથી તે સારા પતિ બની શક્યા. યહોવાએ યૂસફને કુટુંબની બાબતમાં માર્ગદર્શન આપ્યું હોય, એવા ત્રણ કિસ્સા બાઇબલમાં નોંધવામાં આવ્યા છે. એ સમયે યૂસફે મોટા મોટા ફેરફાર કરવા પડ્યા, તોપણ તેમણે એમ કર્યું. (માથ. ૧:૨૦, ૨૪; ૨:૧૩-૧૫, ૧૯-૨૧) યહોવાનું માર્ગદર્શન પાળવાથી યૂસફ મરિયમનું રક્ષણ કરી શક્યા, તેમને સાથ આપી શક્યા અને તેમની જરૂરિયાતો પૂરી કરી શક્યા. ચોક્કસ, યૂસફનાં કામોથી મરિયમની નજરમાં યૂસફનું માન વધ્યું હશે અને તે તેમને વધારે પ્રેમ કરવા લાગ્યાં હશે. પતિઓ, તમે યૂસફના દાખલામાંથી શું શીખી શકો? કુટુંબની કઈ રીતે સંભાળ રાખવી એ વિશે બાઇબલમાંથી માર્ગદર્શન શોધો.d કદાચ એ માર્ગદર્શન પાળવા તમારે મોટા મોટા ફેરફારો કરવા પડે. પણ એમ કરીને બતાવી આપશો કે તમે તમારી પત્નીને પ્રેમ કરો છો. તેમ જ, તમારા બંને વચ્ચેનો સંબંધ પણ મજબૂત થશે. વાનુઆટુ દેશમાં રહેતાં એક બહેનના લગ્‍નને ૨૦થી પણ વધારે વર્ષો થયાં છે. તે કહે છે: “મારા પતિ બાઇબલમાંથી માર્ગદર્શન શોધે છે અને એ પાળે છે ત્યારે, મારી નજરમાં તેમનું માન વધે છે. મને પાકો ભરોસો થાય છે કે તે જે નિર્ણય લેશે, એ સારો હશે. પછી મને કોઈ ચિંતા થતી નથી.”

૬. પત્નીઓ મરિયમ પાસેથી શું શીખી શકે?

૬ મરિયમનો યહોવા સાથે એકદમ મજબૂત સંબંધ હતો. પોતાની શ્રદ્ધા મજબૂત કરવા તે યૂસફ પર આધાર રાખતાં ન હતાં, પણ તેમણે જાતે મહેનત કરી. તે શાસ્ત્રનાં સારાં જાણકાર હતાં.e તે શીખેલી વાતો પર મનન કરવા સમય પણ કાઢતાં હતાં. (લૂક ૨:૧૯, ૫૧) યહોવા સાથે મજબૂત સંબંધ હોવાથી જ મરિયમ સારાં પત્ની બની શક્યાં. આજે ઘણી પત્નીઓ મરિયમને અનુસરવાની પૂરેપૂરી કોશિશ કરે છે. ચાલો એમિકોબહેનનો દાખલો જોઈએ. તે કહે છે: “લગ્‍ન પહેલાં ભક્તિને લગતાં કામો માટે મારું એક શેડ્યુલ હતું. પણ લગ્‍ન પછી મારા પતિ અમારા માટે પ્રાર્થના કરાવતા અને કુટુંબ તરીકેની ભક્તિ માટે આગેવાની લેતા. મને લાગ્યું કે હું એ બધાં કામો માટે મારા પતિ પર આધાર રાખવા લાગી છું. મને અહેસાસ થયો કે મારે મારો બોજો જાતે ઊંચકવો પડશે. યહોવા સાથેનો સંબંધ મજબૂત કરવા મારે પણ કંઈક કરવું પડશે. એટલે હવે હું થોડો સમય અલગ રાખું છું, જેથી મારા ઈશ્વર સાથે એકાંતમાં સમય વિતાવી શકું. એ માટે હું પ્રાર્થના કરું છું, બાઇબલ વાંચું છું અને એના પર મનન કરું છું.” (ગલા. ૬:૫) પત્નીઓ, જો તમે યહોવા સાથેનો તમારો સંબંધ મજબૂત કરતા રહેશો, તો તમારા પતિ તમને વધારે પ્રેમ કરશે અને તમારા વખાણ કરશે.—નીતિ. ૩૧:૩૦.

૭. સાથે મળીને ભક્તિ કરવા વિશે પતિ-પત્નીઓ યૂસફ અને મરિયમ પાસેથી શું શીખી શકે?

૭ યહોવા સાથેનો સંબંધ મજબૂત કરવા યૂસફ અને મરિયમે સાથે મળીને પણ મહેનત કરી. તેઓ જાણતાં હતાં કે એક કુટુંબ તરીકે યહોવાની ભક્તિ કરવી કેટલી જરૂરી છે. (લૂક ૨:૨૨-૨૪, ૪૧; ૪:૧૬) જ્યારે તેઓને બીજાં બાળકો થયાં, ત્યારે કદાચ એમ કરવું વધારે મુશ્કેલ થયું હશે. તોપણ તેઓ સાથે મળીને યહોવાની ભક્તિ કરતા રહ્યાં. યૂસફ અને મરિયમે પતિ-પત્નીઓ માટે કેટલો સરસ દાખલો બેસાડ્યો છે! તમારાં પણ બાળકો હોય તો, સભાઓમાં જવું અથવા કુટુંબ તરીકેની ભક્તિ માટે સમય કાઢવો કદાચ એટલું સહેલું નહિ હોય. અરે, પતિ-પત્ની તરીકે અભ્યાસ માટે અને પ્રાર્થના માટે સમય કાઢવો વધારે મુશ્કેલ લાગતું હશે. પણ યાદ રાખો, તમે સાથે મળીને યહોવાની ભક્તિ કરો છો ત્યારે, તમે યહોવાની અને એકબીજાની વધારે નજીક આવો છો. એટલે યહોવાની ભક્તિને જીવનમાં સૌથી પહેલા રાખો.

૮. લગ્‍નજીવનમાં મુશ્કેલીઓ હોય તો પતિ-પત્ની કુટુંબ તરીકેની ભક્તિથી પૂરેપૂરો ફાયદો મેળવવા શું કરી શકે?

૮ જો તમારા લગ્‍નજીવનમાં અમુક મુશ્કેલીઓ હોય, તો તમે શું કરી શકો? એવામાં કદાચ સાથે મળીને કુટુંબ તરીકેની ભક્તિ કરવાનું મન ન થાય. જો એમ હોય, તો શરૂ શરૂમાં તમે એવું કંઈક કરી શકો, જેમાં ઓછો સમય લાગે અને તમને બંનેને મજા પણ આવે. એમ કરવાથી તમારો સંબંધ મજબૂત થઈ શકે છે અને તમને સાથે મળીને યહોવાની ભક્તિ કરવાનું વધારે મન થશે.

સાથે સમય વિતાવો

૯. પતિ-પત્નીઓએ કેમ એકબીજા સાથે સમય વિતાવવો જોઈએ?

૯ પતિ-પત્નીઓ, તમે સાથે સમય વિતાવીને પણ પ્રેમની જ્વાળાને સળગતી રાખી શકો છો. સાથે સમય વિતાવવાથી તમે તમારા સાથીનાં વિચારો અને લાગણીઓ જાણી શકશો. (ઉત. ૨:૨૪) ચાલો રૂસ્લાનભાઈ અને લિલિયાબહેનના દાખલા પર ધ્યાન આપીએ. તેઓના લગ્‍નને ૧૫થી પણ વધારે વર્ષો થયાં છે. ધ્યાન આપો કે લગ્‍નના થોડા જ સમયમાં તેઓને કઈ વાતનો અહેસાસ થયો. બહેન કહે છે: “અમે જોયું કે ધાર્યું હતું એટલો સમય એકબીજાને આપી શકતાં ન હતાં. આખો દિવસ નોકરી અને ઘરનાં કામોમાં નીકળી જતો. બાળકો થયાં ત્યારે તો સમય ક્યાં વહી જતો એની ખબર જ ન પડતી. અમે સમજી ગયાં કે એકબીજા માટે સમય નહિ કાઢીએ તો, કદાચ એકબીજાથી દૂર થઈ જઈશું.”

૧૦. પતિ-પત્નીઓ કઈ રીતે એફેસીઓ ૫:૧૫, ૧૬માં આપેલો સિદ્ધાંત લાગુ પાડી શકે?

૧૦ પતિ-પત્ની એકબીજા સાથે સમય વિતાવવા શું કરી શકે? તમારે કદાચ સાથે સમય વિતાવવા શેડ્યુલ બનાવવાની કે અલગ સમય કાઢવાની જરૂર પડી શકે. (એફેસીઓ ૫:૧૫, ૧૬ વાંચો.) નાઇજીરિયાના ઉઝોન્ડુભાઈ જણાવે છે: “હું મારાં અલગ અલગ કામોનું શેડ્યુલ બનાવું છું ત્યારે, એ પણ નક્કી કરું છું કે હું મારી પત્ની સાથે ક્યારે સમય વિતાવીશ. હું એ સમયને ખૂબ જ મહત્ત્વનો ગણું છું.” (ફિલિ. ૧:૧૦) ધ્યાન આપો કે એનેસ્ટેસિયાબહેન કઈ રીતે પોતાનાં સમયનો સારો ઉપયોગ કરે છે. તેમના પતિ મૉલ્ડોવામાં સરકીટ નિરીક્ષક છે. બહેન જણાવે છે: “મારા પતિ સરકીટનાં કામોમાં વ્યસ્ત હોય છે ત્યારે, હું એવાં કામો પતાવી દઉં છું જે મારે એકલા કરવાનાં હોય છે. આ રીતે અમે પછીથી સાથે સમય વિતાવી શકીએ છીએ.” પણ કદાચ તમે તમારાં કામોમાં એટલા વ્યસ્ત હો કે એકબીજા માટે સમય કાઢવો અઘરું હોય, તો તમે શું કરી શકો?

એક પતિ-પત્ની બગીચામાં કામ કરી રહ્યાં છે. તેઓ ખુશ દેખાય છે. એક નાના ચિત્રમાં બતાવ્યું છે કે આકુલા અને પ્રિસ્કિલા સાથે મળીને ખુશી ખુશી તંબુ બનાવી રહ્યાં છે.

પતિ-પત્નીઓ તમે કયાં કામો સાથે મળીને કરી શકો? (ફકરા ૧૧-૧૨ જુઓ)

૧૧. આકુલા અને પ્રિસ્કિલાએ સાથે મળીને કયાં કામો કર્યાં?

૧૧ પતિ-પત્નીઓ આકુલા અને પ્રિસ્કિલા પાસેથી ઘણું શીખી શકે છે. પહેલી સદીનાં ભાઈ-બહેનો તેઓને ખૂબ પ્રેમ કરતા હતાં. (રોમ. ૧૬:૩, ૪) બાઇબલમાં તેઓના લગ્‍નજીવન વિશે વધારે કંઈ જણાવ્યું નથી. પણ આપણને એ ચોક્કસ ખબર છે કે તેઓએ સાથે મળીને કામ કર્યું, પ્રચાર કર્યો અને બીજાઓને મદદ કરી. (પ્રે.કા. ૧૮:૨, ૩, ૨૪-૨૬) જોવા જઈએ તો, બાઇબલમાં આકુલા અને પ્રિસ્કિલાનું નામ હંમેશાં સાથે આવે છે.

૧૨. પતિ-પત્ની એકબીજા સાથે વધારે સમય વિતાવવા શું કરી શકે? (ચિત્ર પણ જુઓ.)

૧૨ પતિ-પત્નીઓ, તમે આકુલા અને પ્રિસ્કિલા પાસેથી શું શીખી શકો? વિચારો કે તમારે બંનેએ કયાં કયાં કામો કરવાનાં હોય છે. શું એમાંનાં અમુક કામો તમે સાથે મળીને કરી શકો? દાખલા તરીકે, આકુલા અને પ્રિસ્કિલા સાથે પ્રચાર કરતા હતાં. શું તમે નિયમિત રીતે સાથે મળીને પ્રચાર કરો છો? આકુલા અને પ્રિસ્કિલા ગુજરાન ચલાવવા સાથે કામ કરતા હતાં. બની શકે કે તમે બંને કદાચ એક જ જગ્યાએ નોકરી ન કરતા હો. પણ શું તમે ઘરનાં કામો સાથે મળીને કરી શકો? (સભા. ૪:૯) જ્યારે તમે કામમાં એકબીજાને મદદ કરો છો, ત્યારે તમને વાતચીત કરવાનો સારો મોકો મળે છે અને એકબીજાની વધારે નજીક આવો છો. ચાલો રોબર્ટભાઈ અને લિન્ડાબહેનના દાખલા પર ધ્યાન આપીએ. તેઓના લગ્‍નને ૫૦થી પણ વધારે વર્ષો થયાં છે. રોબર્ટભાઈ કહે છે: “સાચું કહું, અમને નવરાશની પળો સાથે માણવાનો વધારે સમય નથી મળતો. પણ જ્યારે હું વાસણો ધોતો હોઉં અને મારી પત્ની વાસણો લૂછવા લાગે અથવા હું અમારા બગીચામાં કામ કરતો હોઉં અને તે મને મદદ કરવા આવે, ત્યારે હું બહુ ખુશ થઈ જાઉં છું. સાથે મળીને કામ કરવાથી અમે એકબીજાની નજીક આવીએ છીએ અને અમારો પ્રેમ વધતો જાય છે.”

૧૩. એકબીજાની નજીક આવવા પતિ-પત્નીએ શું કરવું જોઈએ?

૧૩ પતિ-પત્નીઓ, યાદ રાખો કે ફક્ત સાથે હોવાથી તમે એકબીજાની નજીક નહિ આવો. બ્રાઝિલમાં રહેતાં એક પત્ની કહે છે: “આજે આપણું જીવન ઘણું વ્યસ્ત છે. એટલે આપણે સહેલાઈથી વિચારવા લાગી શકીએ કે આપણે એક ઘરમાં રહીએ છીએ, એનો અર્થ કે સાથે સમય વિતાવીએ છીએ. પણ એવું વિચારવું તો પોતાને છેતરવા બરાબર છે. હું સમજી ગઈ કે ફક્ત સાથે હોવું જ પૂરતું નથી, મારે મારા પતિ પર પૂરું ધ્યાન આપવું જોઈએ.” ધ્યાન આપો કે બ્રૂનોભાઈ અને તેમનાં પત્ની ટાઈસ કઈ રીતે એકબીજા પર પૂરું ધ્યાન આપે છે. ભાઈ જણાવે છે: “નવરાશની પળોમાં અમે અમારો ફોન બાજુમાં મૂકી દઈએ છીએ અને એકબીજા સાથે સારો સમય વિતાવીએ છીએ.”

૧૪. પતિ-પત્નીને એકબીજા સાથે સમય વિતાવવો ગમતું ન હોય તો તેઓ શું કરી શકે?

૧૪ બની શકે કે તમને એકબીજા સાથે સમય વિતાવવો ગમતું ન હોય. કદાચ તમારી પસંદ-નાપસંદ અલગ હોય અથવા તમે એકબીજાથી ચિડાઈ જતાં હો. એવામાં તમે શું કરી શકો? ચાલો તાપણાના દાખલા પર ફરી વિચાર કરીએ. તાપણું સળગાવીએ કે તરત એની જ્વાળાઓ વધી નથી જતી. તમારે શરૂઆતમાં નાની નાની લાકડીઓ નાખવી પડશે અને પછી મોટી મોટી લાકડીઓ નાખવી પડશે. એવી જ રીતે, તમે શરૂઆતમાં દરરોજ થોડો થોડો સમય સાથે વિતાવી શકો. પણ યાદ રાખો, એ સમયે એવું કંઈ ન કરો જેનાથી કદાચ તમારા સાથીને ગુસ્સો આવે. પણ એવું કંઈક કરો જેમાં તમને બંનેને મજા આવે. (યાકૂ. ૩:૧૮) આમ, થોડો થોડો સમય સાથે વિતાવીને શરૂઆત કરશો તો કદાચ તમારા પ્રેમની જ્વાળા ફરી સળગવા લાગશે.

એકબીજાનો આદર કરો

૧૫. પતિ-પત્ની એકબીજાનો આદર કરે એ કેમ જરૂરી છે?

૧૫ પતિ-પત્નીએ એકબીજાનો આદર કરવો જોઈએ. એ ઑક્સિજન જેવું છે. ઑક્સિજનના લીધે જ આગ સળગતી રહે છે. ઑક્સિજન ના હોય તો આગ તરત હોલવાઈ જશે. એવી જ રીતે, જો પતિ-પત્ની એકબીજાનો આદર નહિ કરે, તો બહુ જલદી તેઓનો પ્રેમ ઠંડો પડી જશે. પણ જો તેઓ એકબીજાને આદર બતાવવા પૂરેપૂરી મહેનત કરશે, તો તેઓ વચ્ચે પ્રેમની જ્વાળા સળગતી રહેશે. પણ આ વાત યાદ રાખો: તમને કદાચ લાગે કે તમે તમારા સાથીનો આદર કરો છો, પણ મહત્ત્વનું તો એ છે કે શું તમારા સાથીને લાગે છે કે તમે તેમનો આદર કરો છો. આરટભાઈ અને પેનીબહેનના લગ્‍નને ૨૫થી પણ વધારે વર્ષો થયાં છે. બહેન જણાવે છે: “અમે એકબીજાનો આદર કરીએ છીએ, એટલે ઘરમાં પ્રેમ અને હૂંફ અનુભવીએ છીએ. અમે એકબીજા સાથે દિલ ખોલીને વાત કરી શકીએ છીએ. કેમ કે અમને ખબર છે કે અમે એકબીજાને સમજીશું.” તમારા સાથીને અહેસાસ થાય કે તમે તેમનો આદર કરો છો, એ માટે તમે શું કરી શકો? ચાલો ઇબ્રાહિમ અને સારાહના દાખલામાંથી શીખીએ.

એક પત્ની પતિને પોતાના મનની વાત જણાવી રહી છે અને પતિ ધ્યાનથી તે સાંભળી રહ્યા છે. એક નાના ચિત્રમાં બતાવ્યું છે કે સારાહ પોતાના દિલની વાત ઇબ્રાહિમને જણાવી રહ્યાં છે અને ઇબ્રાહિમ ધ્યાનથી સાંભળી રહ્યા છે.

પતિએ પોતાની પત્નીની વાત ધ્યાનથી સાંભળવી જોઈએ. એમ કરીને તે પોતાની પત્નીને આદર બતાવી શકશે (ફકરો ૧૬ જુઓ)

૧૬. પતિઓ ઇબ્રાહિમ પાસેથી શું શીખી શકે? (૧ પિતર ૩:૭) (ચિત્ર પણ જુઓ.)

૧૬ ઇબ્રાહિમ સારાહ સાથે આદરથી વર્તતા હતા. તે સારાહના વિચારો જાણવાની કોશિશ કરતા અને તેમની લાગણીઓ ધ્યાનમાં રાખતા. એકવાર, સારાહ ખૂબ ચિંતામાં હતાં અને તેમણે પોતાના મનનો ઊભરો ઇબ્રાહિમ સામે ઠાલવી દીધો. અરે, તે તો ઇબ્રાહિમનો વાંક કાઢવા લાગ્યાં. એ સમયે શું ઇબ્રાહિમે ગુસ્સામાં આવીને વળતો જવાબ આપ્યો? ના. તે જાણતા હતા કે સારાહ હંમેશાં તેમને આધીન રહે છે અને તેમને સાથ આપે છે. એટલે તેમણે સારાહનું ધ્યાનથી સાંભળ્યું અને સંજોગોને થાળે પાડવાની કોશિશ કરી. (ઉત. ૧૬:૫, ૬) ઇબ્રાહિમ પાસેથી શું શીખવા મળે છે? પતિઓ, યહોવાએ તમને કુટુંબમાં નિર્ણય લેવાનો અધિકાર આપ્યો છે. (૧ કોરીં. ૧૧:૩) પણ નિર્ણય લેતા પહેલાં તમે તમારી પત્નીના વિચારો પણ ધ્યાનમાં લો, ખાસ કરીને તમારા નિર્ણયોથી તમારી પત્નીને અસર થતી હોય ત્યારે. (૧ કોરીં. ૧૩:૪, ૫) અમુક વાર તમારી પત્ની કદાચ પરેશાન હોય અને તમને જણાવવા માંગતી હોય કે તેને કેવું લાગે છે. એ સમયે તેનું ધ્યાનથી સાંભળો. એમ કરીને તમે બતાવો છો કે તમે તમારી પત્નીની લાગણીઓ સમજો છો અને તેને માન આપો છો. (૧ પિતર ૩:૭ વાંચો.) દિમિત્રીભાઈ અને એન્જેલાબહેનના લગ્‍નને આશરે ૩૦ વર્ષો થયાં છે. દિમિત્રીભાઈ એન્જેલાબહેનને ખૂબ માન આપે છે. કઈ રીતે? એ વિશે બહેન કહે છે: “જ્યારે હું ઉદાસ હોઉં અથવા હું ફક્ત દિમિત્રી સાથે વાત કરવા માંગતી હોઉં, ત્યારે તે હંમેશાં મારું ધ્યાનથી સાંભળે છે. અમુક વાર હું લાગણીવશ થઈ જાઉં ત્યારે પણ તે ખૂબ ધીરજથી વર્તે છે.”

૧૭. પત્નીઓ સારાહ પાસેથી શું શીખી શકે? (૧ પિતર ૩:૫, ૬)

૧૭ સારાહ ઇબ્રાહિમના બધા નિર્ણયોમાં તેમનો સાથ આપતાં હતાં. આ રીતે તે ઇબ્રાહિમનો આદર કરતા હતાં. (ઉત. ૧૨:૫) એકવાર ઇબ્રાહિમને ત્યાં અચાનક મહેમાનો આવ્યા. તેમણે મહેમાનોની આગતા-સ્વાગતા કરવાનું નક્કી કર્યું. એટલે તેમણે સારાહને કહ્યું કે તે જે કંઈ કરતા હોય એને રહેવા દે અને લોટ બાંધીને ઘણી બધી રોટલીઓ બનાવે. (ઉત. ૧૮:૬) સારાહ તરત જ કામે લાગી ગયાં અને ઇબ્રાહિમે કહ્યું એમ જ કર્યું. પત્નીઓ, શું તમે સારાહની જેમ તમારા પતિના નિર્ણયોમાં તેમનો સાથ આપી શકો? એમ કરશો તો તમારા વચ્ચેનો સંબંધ મજબૂત થશે. (૧ પિતર ૩:૫, ૬ વાંચો.) આપણે આગલા ફકરામાં દિમિત્રીભાઈ વિશે જોઈ ગયા. તે જણાવે છે કે કઈ વાતથી તેમને લાગે છે કે એન્જેલાબહેન તેમનો આદર કરે છે. તે કહે છે: “મને એન્જેલાની આ વાત બહુ ગમે છે કે તે હંમેશાં મારો સાથ આપે છે. અમુક વાર કોઈ બાબતમાં અમારા વિચારો મેળ ન ખાય તોપણ તે મારો સાથ આપે છે. મેં લીધેલા નિર્ણયોનું સારું પરિણામ ન આવે ત્યારે, તે મને મહેણાં-ટોણાં નથી મારતી.” સાચે જ, જે વ્યક્તિ તમને આદર બતાવે, તેને પ્રેમ કરવો કેટલું સહેલું બની જાય છે!

૧૮. પતિ-પત્ની પોતાની વચ્ચેનો પ્રેમ ટકાવી રાખવા કોશિશ કરશે તો કેવો ફાયદો થશે?

૧૮ આજે પતિ-પત્ની વચ્ચે જે પ્રેમની જ્વાળા સળગે છે, એને શેતાન હોલવી નાખવા માંગે છે. તે જાણે છે કે પતિ-પત્નીનો પ્રેમ ઓછો થઈ જશે તો, કદાચ તેઓ ધીરે ધીરે યહોવાથી પણ દૂર થઈ જશે. જોકે, સાચો પ્રેમ કાયમ ટકે છે! એટલે પૂરેપૂરી કોશિશ કરો કે ગીતોનું ગીત પુસ્તકમાં જે પ્રેમ વિશે જણાવ્યું છે, એવો જ પ્રેમ તમારી વચ્ચે રહે. પાકો નિર્ણય લો કે તમે તમારા લગ્‍નજીવનમાં યહોવાને સૌથી પહેલા રાખશો, એકબીજા માટે સમય કાઢશો, એકબીજાનો આદર કરશો તેમજ એકબીજાની લાગણીઓ અને જરૂરિયાતોનું ધ્યાન રાખશો. પતિ-પત્નીઓ, જો તમે આ બધું કરશો, તો તમે યહોવાને મહિમા આપી શકશો, જે સાચા પ્રેમનો ઝરો છે. પછી તમારા પ્રેમની જ્વાળા હંમેશાં સળગતી રહેશે.

તમે કેવો જવાબ આપશો?

  • યહોવા સાથે મજબૂત સંબંધ હોવાથી પતિ-પત્ની કઈ રીતે ખુશ રહી શકે?

  • પતિ-પત્ની કઈ રીતે એકબીજા સાથે સમય વિતાવી શકે?

  • પતિ-પત્ની કઈ રીતે એકબીજાનો આદર કરી શકે?

ગીત ૪ ઈશ્વર સાથે સારું નામ બનાવીએ

a લગ્‍ન યહોવા તરફથી એક કીમતી ભેટ છે. એક પુરુષ અને સ્ત્રી લગ્‍ન કરે છે ત્યારે, તેઓ વચ્ચે એક ખાસ સંબંધની શરૂઆત થાય છે અને તેઓ એકબીજાને ઊંડો પ્રેમ બતાવી શકે છે. પણ અમુક વખતે તેઓનો પ્રેમ કદાચ ઠંડો પડી શકે. જો તમે લગ્‍ન કર્યા હોય, તો આ લેખમાં આપેલાં સૂચનો પાળવાથી તમે તમારા જીવનસાથી માટેનો પ્રેમ વધારી શકશો અને લગ્‍નજીવનમાં ખુશ રહી શકશો.

b સાચો પ્રેમ કદી બદલાતો નથી અને કાયમ ટકી રહે છે. બાઇબલમાં એવા પ્રેમને “યાહની જ્વાળા” કહ્યો છે, કેમ કે એવા પ્રેમની શરૂઆત યહોવાથી થઈ છે.

c તમારા સાથી યહોવાના સાક્ષી ન હોય તોપણ આ લેખમાં આપેલાં સૂચનો પાળવાથી તમારા બંને વચ્ચેનો સંબંધ મજબૂત થઈ શકે છે.—૧ કોરીં. ૭:૧૨-૧૪; ૧ પિત. ૩:૧, ૨.

d jw.org/gu અને JW લાઇબ્રેરી પર “કુટુંબ માટે મદદ” શૃંખલામાં આપેલા લેખ જુઓ. એમાં જીવનમાં કામ લાગે એવી સરસ સલાહ આપી છે.

e તેઓની શ્રદ્ધાને પગલે ચાલો પુસ્તકનું પ્રકરણ ૧૭, ફકરો ૧૫ જુઓ.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • Privacy Settings
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો