અમારા વાચકો તરફથી
નાની વયે લગ્ન “યુવાન લોકો પૂછે છે . . . બહુ વહેલા પરણ્યા—શું આપણે સફળ થઈ શકીએ?” (મે ૮, ૧૯૯૫) લેખ માટે તમારો ઘણો આભાર. મંડળના નિરીક્ષકો તરીકે, અમે વૈવાહિક કટોકટીમાં આવી પડેલા એક યુવાન યુગલની પ્રતિપાલન મુલાકાત કરવાનું ગોઠવ્યું હતું. એ અંક આવ્યો ત્યારે એ મારે માટે ઘણું જ નવાઈભર્યું હતું. અમારે એ યુવાન યુગલને મદદ કરવા માટે જેની જરૂર હતી એ એ જ હતું! અમે એ આખા લેખની તેમ જ ટાંકવામાં આવેલી બાઇબલની બધી કલમોની ચર્ચા કરી.
એમ. સી., બ્રાઝિલ
સમુદ્રમાં સંશોધન અમે “મોજાંઓ તળેની દુનિયાનું સલામતપણે સંશોધન કરવું” (મે ૮, ૧૯૯૫) લેખની ઘણી જ કદર કરી. અમે અત્યારે જ રાતા સમુદ્રની મુસાફરીએથી ઘરે પાછા આવ્યા અને અમને તમારી સલાહ ઘણી જ ઉપયોગી જણાઈ. અમે સમુદ્રના ભવ્ય તળિયાનું સંશોધન કર્યું એટલું જ નહિ પરંતુ અમે ઘણા પૈસા પણ બચાવ્યા!
વી. સી. અને કે. બી., ઈટાલી
હું અને મારા પતિ સરખી ધાર્મિક માન્યતાઓ ધરાવતા ન હોવાથી, અમને અમારા બે દીકરાઓની નવરાશની પ્રવૃત્તિઓ સંબંધી પ્રસંગોપાત વાંધો પડે છે. મારા પતિ ડાઈવીંગમાં રસ ધરાવે છે, અને તાજેતરમાં અમારા વિસ્તારમાં ડાઈવીંગની નવી શાળા ખુલી છે. તમારો લેખ વાંચ્યા પછી, મને આનંદ થયો કે હું સારા અંતઃકરણથી તેઓને એમાં ભાગ લેવા દઈ શકું છું.
સી. પી., જર્મની
તમાકુનો ઉદ્યોગ “લાખો કમાવા લાખોને મારી નાખવાં” (જૂન ૮, ૧૯૯૫) શૃંખલા માહિતીપ્રદ અને બુદ્ધિપૂર્વકની છે. મુખપૃષ્ઠ પર વિન્સેન્ટ વોન ગોફ કૃત ચિત્ર (“સિગારેટ પીતી ખોપરી”) ભયાનક છે! કદાચ ફક્ત એ ચિત્ર જ કેટલાક લોકોને ધૂમ્રપાન કરતા બંધ કરાવી શકે અથવા ઓછામાં ઓછું કેટલાકને ધૂમ્રપાન શરૂ કરતા અટકાવી શકે.
એમ. બી., યુનાઈટેડ સ્ટેટ્સ
હું અમેરિકન કેન્સર સોસાયટીમાં નોકરી કરતી હોવાથી, એ લેખો વાંચવા વિશેષ આતુર હતી. મેં એની એક પ્રત તમાકુ મુક્ત સહવાસની સ્થાનિક શાખાની પ્રમુખ સ્ત્રીને મોકલી. તે લખાણ તથા સંશોધનની ગુણવત્તાથી પ્રભાવિત થઈ અને તેણે પોતાના સહકાર્યકરો માટે ૩૫ પ્રતો મંગાવી.
જે. ઓ., યુનાઈટેડ સ્ટેટ્સ
મેં અને મારા પતિએ લગભગ ત્રણ મહિનાથી ધૂમ્રપાન છોડી દીધું હતું, પરંતુ હજુ પણ મને સિગારેટની તલપ લાગતી હતી. પછી મેં એ લેખ વાંચ્યો, અને એણે મને સમજાવ્યું કે સિગારેટમાંનાં કેટલાંક તત્ત્વો એટલા બધા ઝેરી હોય છે કે એને જમીનમાં પુરાણ તરીકે ઠાલવવા પણ ગેરકાયદે છે! એણે મને જે ભૂંડું છે એને ધિક્કારવા દૃઢ કરી.
એલ. ટી., સાઉથ આફ્રિકા
લુપસની દર્દી “હવે મીઆ ફક્ત યહોવાહને ભરોસે છે” (માર્ચ ૮, ૧૯૯૫)માંની લુપસ વિષેની માહિતી માટે તમારો ઘણો આભાર. હું ૧૮ વર્ષની છું, અને લગભગ બે વર્ષથી મને એ બીમારી થઈ છે. અમારી પીડા જગતમાંના જુદા જુદા ભાગમાંનાં ભાઈબહેનો કઈ રીતે સહન કરી રહ્યાં છે એ જાણવું અને આપણા ઉત્પન્નકર્તા આપણને કઈ રીતે હંમેશાં પ્રેમાળ ટેકો પૂરો પાડે છે એ જોવું ઉત્તેજનકારક છે.
જે. એ. વ્હાઈ., ઈટાલી
કોયડારૂપ માબાપ મેં “યુવાન લોકો પૂછે છે . . . મારા માબાપ અસમર્થ નીવડે તો શું” (જૂન ૮, ૧૯૯૫) જેવા લેખ માટે પ્રાર્થના કરી હતી. મારા મમ્મીને ખ્રિસ્તી મંડળમાંથી બહિષ્કૃત કરવામાં આવ્યા ત્યારે હું કેટલી દુઃખી અને ખેદિત હતી! મેં પાયોનિયરીંગ, પૂરેપૂરા સમયનું સુવાર્તિક કાર્ય, લગભગ બંધ કરી દીધું. એ લેખે યહોવાહ સમક્ષ મમ્મીના સ્થાન વિષે વધુ પડતી ચિંતા કરવાને બદલે ‘ભય તથા કંપારીસહિત મારું પોતાનું તારણ સાધી લેવાને યત્ન કરવા’ મને મજબૂત કરી. (ફિલિપી ૨:૧૨) તમારો ઘણો જ આભાર.
જે. પી., ફિલિપાઈન્સ
હું બાપ્તિસ્મા પામેલી ખ્રિસ્તી છું, પરંતુ મને દરરોજ દારૂ પીને ઘરે આવતા મારા પપ્પાને માન આપવું ઘણું જ અઘરું લાગે છે. એ લેખ વાંચતી વખતે, હું રડવાનું બંધ કરી ન શકી. હવે મેં એ લેખ વાંચી દીધો છે ત્યારે, મારા પપ્પા વિષેની મારી નકારાત્મક લાગણીઓ અને વિચારો ઘણાં જ હળવા થયાં છે, અને મને આંતરિક રીતે વધુ સ્થિરતા લાગે છે.
એન. એમ., જાપાન