મેટરહોર્ન
દુનિયાભરમાં અજોડ
સજાગ બનો!ના સ્વિટ્ઝલૅંન્ડના ખબરપત્રી તરફથી
“પૃથ્વી પર એક જ મેટરહોર્ન છે; ફક્ત એક જ પર્વત જે આવો સમતોલ હોય. અદ્ભુત દ્રશ્ય!” એમ ઇટાલીના પર્વતારોહક ગાઈડો રેએ કહ્યું.
ખરેખર, મેટરહોર્ન અદ્ભુત શિખર, જગતભરમાં સૌથી જાણીતા પર્વતો છે. સંભવતઃ આ આકર્ષક પર્વતનું આ પાન પર આપેલું ચિત્ર તમે જોયેલું પ્રથમ ચિત્ર નથી.
પિરામિડ જેવું મેટરહોર્ન ઇટાલી અને સ્વિટ્ઝલૅંન્ડની સરહદ પર, સ્વિટ્ઝલૅંન્ડના ગામ ઝેરમટથી નૈઋત્યે દસ કિલોમીટર પર આવેલું છે, જે ગામ પરથી આ શિખરનું નામ પાડવામાં આવ્યું છે. એ આકાશમાં ૪,૪૭૮ મીટર ઊંચું છે અને એનાં ૧૦૦ મીટર છેટાં બે શિખરો છે.
મેટરહોર્ન મધ્ય આલ્પસનો ભાગ હોવા છતાં, એ એકલું ઊભું છે, એને અડીને કોઈ પડોશી નથી. એને લીધે એ બધી દિશાએથી ભવ્ય દ્રશ્ય બને છે અને ફોટો પાડવા જેવું બને છે.
કેટલાકે યોગ્યપણે જ મેટરહોર્નનું વર્ણન અણીવાળા ચોરસ સ્તંભ તરીકે કર્યું છે. એની ચાર બાજુ મુખ્ય ચાર દિશાઓ તરફ ફેલાયેલી છે, દરેક બાજુનું મથાળું સ્પષ્ટ શિખરથી અલગ પડે છે.
મેટરહોર્ન, એની ઊંચાઈ છતાં, હંમેશાં બરફથી છવાયેલું રહેતું નથી. વસંતની આખરમાં એના ઉપરના ભાગની સીધા ચઢાણવાળી ખડકાળ દીવાલો પરથી હિમ અને બરફનું આવરણ સૂર્યની ઉષ્માને કારણે ઊતરી જાય છે. વધારે નીચે, પર્વતની પૂર્વે અને ઉત્તર-પશ્ચિમે હિમપ્રવાહો, જાણે આખું વર્ષ એણે કમ્મરે સફેદ પટ્ટો બાંધ્યો હોય એમ, એની સાથે ચોંટી રહે છે.
ઘણા પ્રશંસકો આ અજોડ પર્વત કઈ રીતે ઉદ્ભવ્યો એ વિષે આશ્ચર્ય પામે છે. એની તળેટીમાં એવા કોઈ પથ્થરોના ઢગલા જોવા મળતા નથી જેમાંથી એ કંડારાયો હોય. એના અસ્તિત્વના અકથ્ય હજારો વર્ષ દરમ્યાન એવા કોઈ પથ્થરો ધોવાઈ ગયા હોય શકે. આ સુંદર દ્રશ્યમાં કુદરતના કેવા શક્તિશાળી બળોએ ફાળો આપ્યો હશે!
શરૂઆતના વસાહતીઓ
આ આલ્પાઈન ખીણ જે મેટરહોર્નની તળેટી સુધી પહોંચે છે, રોમન સામ્રાજ્યના સમયમાં વસ્તીવાળી બની ચૂકી હતી. ઇતિહાસ જણાવે છે કે ૧૦૦ બી.સી.ઈ.માં, રોમન સરદાર મેરિયસે ૩,૩૨૨ મીટરની ઊંચાઈએ, મેટરહોર્નની પૂર્વે, થીઓડુલ ઘાટ પસાર કર્યો. આ પર્વત વાટનો ઉપયોગ મધ્યયુગમાં દક્ષિણથી ઉત્તર માલસામાન વહન કરવા પણ વપરાતો હતો.
એ સમયોમાં રહેવાસીઓ મેટરહોર્નને, વહેમના ભયને કારણે પણ, બહુ આદરથી જોતા હતા. તેઓ કદી પર્વત ચઢવા પ્રયાસ કરતા ન હતા, જેને તેઓ ખુદ ડેવિલનું રહેઠાણ સમજતા હતા! બીજું કોણ ઘર જેવડા મોટા બરફ અને હિમપાત તથા ખડકો નાખે?
કુદરતી વિજ્ઞાનમાં વધતો રસ
એ રાંક લોકો જે ટાળતા હતા તે પછીથી ઈંગ્લેન્ડના ઊંચા સમાજમાં ફેશનેબલ બની ગયું. વૈજ્ઞાનિક રસ વધવા માંડ્યો, જે કારણે સંશોધકો ભૂસ્તરશાસ્ત્ર, ભૂતળવિજ્ઞાન, અને વનસ્પતિશાસ્ત્ર જેવા જ્ઞાનના ક્ષેત્રમાં અભ્યાસો માટે પર્વતો ચઢ્યા.
હકીકતમાં, ૧૮૫૭માં લંડનમાં આલ્પાઈન ક્લબ સ્થાપવામાં આવી, અને ઘણાં ધનાઢ્ય અંગ્રેજોએ આલ્પ્સ પર વિજય મેળવવામાં ભાગ લેવા ફ્રાંસ, ઇટાલી, કે સ્વિટ્ઝલૅંન્ડની મુસાફરી કરી. સાહસિકો એક પછી બીજું શિખર ચઢ્યા, જેમાં મોન્ટ બ્લાન્કનો સમાવેશ થયો. આ પર્વત ૪,૮૦૭ મીટરની ઊંચાઈએ સૌથી ઊંચો હોવા છતાં, મેટરહોર્નના કરતાં એના પર ચઢવામાં ઓછી મુશ્કેલી પડે છે.
આ બધા પ્રયત્નો કંઈ એકલા કુદરતી વિજ્ઞાનને નામે ન હતા. સ્વાર્થી મહત્વકાંક્ષાઓએ ઘૂસણખોરી કરી. પ્રથમ બનવું, સૌથી હિંમતવાળા, સૌથી સાહસિક બનવું, એવી કીર્તિ મોટો ઘટક બન્યો. એ સમયે ઈંગ્લેન્ડમાં, “સ્પોર્ટ” શબ્દનો અર્થ બીજો કંઈ નહિ, પરંતુ ફક્ત પર્વતારોહણ થતો હતો.
ખાસ કરીને મેટરહોર્ન સંબંધી, ૧૮૬૫નો ઊનાળો પર્વતારોહણ માટે સૌથી વ્યસ્ત સમય હતો. આ મોહક પિરામિડ અજેય સૌથી છેલ્લું શિખર હતું. એ પહોંચી ન શકાય એવું ગણાતું હતું, અને સ્થાનિક ભોમિયાઓએ પ્રયાસ કરવાની પણ ના પાડી હતી. તેઓનું વલણ હતું, ‘અન્ય કોઈ પણ શિખર—પરંતુ હોર્ન નહિ.’
તેમ છતાં, મેટરહોર્નનો વિજય અનિવાર્ય હતો. વર્ષ ૧૮૬૦ની શરૂઆતમાં, અનેક આલ્પાઈન શિખરો સર કરવામાં આવ્યાં. આરોહકોને અનુભવ પરથી શીખ્યા અને તેઓએ નવી તરકીબો વિકસાવી. લંડનના એક તંત્રીએ, પર્વત વિષય પર પુસ્તક તૈયાર કરવા, શિખરોનાં દ્રશ્યોનાં ચિત્રો દોરવા, ઈંગ્લેન્ડના એડવર્ડ વીમ્પરને, ૨૦ વર્ષની વયે, સ્વિટ્ઝલૅંન્ડ મોકલ્યો. વીમ્પર પર્વતો જોઈ મુગ્ધ થઈ ગયો, અને તે પર્વત પર ચઢવા આતુર બની ગયો. તેણે ફ્રાંસ અને સ્વિટ્ઝલૅંન્ડમાં ઘણાં શિખરો સર કર્યાં અને મેટરહોર્ન ચઢવા કેટલાક પ્રયત્નો કર્યા. પરંતુ હોર્ને વિરોધ કર્યો.
મેટરહોર્ન જીતવામાં આવ્યું!
છેવટે, જુલાઈ ૧૮૬૫માં ત્રણ જુદી જુદી પર્વતારોહક ટુકડીઓ ઝેરમટમાં ભેગી થઈ ગઈ—ત્રણેય ટુકડીએ મેટરહોર્ન ચઢવું શરૂ કર્યું. ઇટાલીની ટુકડી પોતા કરતાં વહેલી પહોંચી જશે એવા દબાણ નીચે આવીને, આ ત્રણ વૃંદોએ દોરડાંધારી પર્વતારોહકોના એક કોરદા અથવા હરોળમાં જોડાઈ જવાનું નક્કી કર્યું. વૃંદમાં સાત માણસો હતા—એડવર્ડ વીમ્પર અને લોર્ડ ફ્રાંસિસ ડગલાસ, ચાર્લ્સ હડસન અને તેનો યુવાન મિત્ર હેડૌ—બધા જ અંગ્રેજ હતા—વત્તા બે સ્વીસ અને એક ફ્રેંચ ભોમિયો હતો જેઓને તેઓ પૈસાથી રોકવામાં સફળ થયા હતા.
જુલાઈ ૧૩ની સવારે ઝેર્મેટ છોડ્યા પછી, તેઓ ધીમે ધીમે પૂર્વ તરફથી પર્વત પાસે પહોંચ્યા અને તેઓને માલૂમ પડ્યું કે નીચેના ભાગો ચઢવા સરખામણીમાં સહેલું હતું. તેઓએ આશરે ૩,૩૦૦ મીટરની ઊંચાઈએ તંબૂ તાણ્યો અને તાપવાળો એ દિવસ આરામમાં ગાળ્યો.
બીજી સવારે, જુલાઈ ૧૪, સવાર થવા પહેલાં, તેઓએ ચઢવું શરૂ કર્યું. પ્રસંગોપાત જ દોરડાની જરૂર પડતી હતી. કેટલાક ભાગો બીજા કરતાં અઘરા હતા, પરંતુ ઘણી વાર તેઓએ વધુ ગંભીર નડતરોનો સામનો કરવાનો માર્ગ શોધી કાઢ્યો. બે આરામના સમયગાળા પછી, તેઓ સૌથી કટોકટી ભાગમાં પહોંચ્યા. છેલ્લા ૭૦ મીટર બરફાચ્છાદિત હતા, અને બપોરે ૧:૪૫ વાગ્યે, તેઓ શિખરે પહોંચ્યા. ધ મેટરહોર્ન પર વિજય મેળવવામાં આવ્યો હતો!
બેમાંથી કોઈ શિખરે માનવ મુલાકાતીઓનું પગેરૂં બતાવ્યું નહિ, તેથી દેખીતી રીતે જ તેઓ પ્રથમ હતા. કેવી લાગણી! એક કલાક સુધી, વિજયી ટુકડીએ ચોતરફ મુગ્ધ કરી નાખનાર દ્રશ્યોનો આનંદ માણ્યો, પછી તેઓએ નીચે ઊતરવાની તૈયારી કરી. તે જ દિવસે ચઢવાનો પ્રયત્ન કરી રહેલા ઇટાલીયન પર્વતારોહકો ઘણા પાછળ રહી ગયા હતા અને તેઓને ખબર પડી કે તેઓ શરત હારી ગયા છે ત્યારે તેઓ પાછા ફર્યા.
ઘણું ઊંચું મૂલ્ય
તેમ છતાં, ચઢનારાઓના આ વિજયની તેઓએ ભારે કિંમત ચૂકવવાની હતી. નીચે ઊતરતા અઘરા માર્ગ પર પહોંચી, તેઓએ ભેગું દોરડું બાંધ્યું, જેમાં સૌથી વધુ અનુભવી ભોમિયો આગેવાની લઈ રહ્યો હતો. સાવધાની છતાં, સૌથી નાનો ભાગ લેનાર લપસ્યો અને નીચેના માણસ પર પડ્યો, સાથે પોતાની ઉપરનાને ખેંચતો ગયો. ચીસથી ચેતવણી મળ્યાથી, છેલ્લા ત્રણ જણા કોઈક ખડક પકડી લઈ શક્યા. પરંતુ દોરડું તૂટી ગયું, અને સેકન્ડવારમાં તો, પહેલાં ચાર માણસો કરાડ નીચે અદ્રશ્ય થઈ ગયા હતા.
સ્તબ્ધ બની ગયેલા, એડવર્ડ વીમ્પર અને બે સ્વીસ ભોમિયાઓ અતિ કટોકટીમય સ્થિતિમાં આવી ગયા. તેઓએ રાત્રિ તંબૂ વિના ખુલ્લામાં પસાર કરવાની હતી અને બીજે દિવસે ઝેર્મેટ પાછા ફરવાનું હતું. આમ દિવસનો મહિમા ઝડપભેર વિનાશમાં ફેરવાય ગયો જે બચી જનારાઓના જીવન પર નિશાની છોડી ગયો.
ચારમાંથી ત્રણ મૃતદેહો ત્યાર પછીથી અકસ્માત સ્થળથી નીચે ૧,૨૦૦ મીટર હિમપ્રપાતમાંથી મેળવવામાં આવ્યા. ચોથો, લોર્ડ ડગલાસનો મૃતદેહ, કદી મળ્યો નહિ.
મેટરહોર્નના ઢાળો પર આ કંઈ છેલ્લો ભોગ નથી. ઉપર ચઢવાના ઘણા માર્ગો પર અથવા ખડકાળ દીવાલો પર અને સાંકડી ફાટોમાં ઘણાં દોરડાં ખડકમાં સજ્જડ જડવામાં આવ્યા એ હકીકત છતાં, અને વધેલો અનુભવ તથા પર્વતારોહણનાં સુધરેલા સાધનો છતાં, એકલા આ પર્વત પર જ આશરે ૬૦૦ મરણ થયાં છે.
ભય
ભયમાં મોટો ફાળો આપનાર એક બાબત વાતાવરણ છે. એ ઝડપભેર બદલાય શકે છે. એક દિવસની શરૂઆત સુંદર થઈ શકે, પરંતુ વ્યક્તિને ખબર પણ પડે તે પહેલાં, ઘાડું ધુમ્મસ કે ભારે કાળાં વાદળાં પિરામિડને ઢાંકી દઈ શકે અને થથરાવી નાખનાર તુફાન ફાટી નીકળી શકે. એની સાથે ભયજનક વીજળીઓ તથા ગર્જનાઓ, સાથે સાથે સુસવાટા શરૂ થઈ જાય છે, અને છેવટે ભારે હિમવર્ષા થાય છે. અને આ બધું સુંદર ઊનાળાના દિવસે!
આરોહકો આવા સંજોગોમાં સપડાય જાય તો, તેઓએ ખુલ્લામાં, કદાચ નાના પ્લેટફોર્મ પર રાત્રિ પસાર કરવી પડી શકે જે તેઓને માંડ માંડ ઊભા રહેવા દઈ શકે. ઉષ્ણતામાન ઠાર બિંદુથી ઠીક ઠીક નીચું હોય શકે. નીચે તો ખાય છે. ત્યારે તો વ્યક્તિ ઇચ્છે કે મેટરહોર્નને દૂરથી જ સલામ કરીએ તો સારું!
બીજો ભય પડતા પથ્થરો છે. કેટલીક વખત વિચાર વગરના આરોહકો પોતે પથ્થર પાડે છે. તેમ છતાં, મોટા ભાગના કિસ્સાઓમાં, કારણો કુદરતી હોય છે. ઉષ્ણતામાનમાં ફેરફારો, બરફ અને હિમ, વરસતો વરસાદ, અને બળતો સૂર્ય, તેમ જ હોર્ન ફરતે વીંઝાતો તીવ્ર પવન, બધાં જ ખડક પર કામ કરે છે, પરિણામે ખડકના મોટા ટૂકડા ભાંગી પડે છે. કેટલીક વખત એ એની જગ્યાએ જ, થાળીઓની મોટી થપ્પીની જેમ, વર્ષો સુધી રહે છે, પરંતુ છેવટે હિમપ્રવાહો તેઓને ખસવા અને પડવા કારણભૂત બને છે.
ઘણાં આરોહકો આશ્ચર્ય પામે છે કે આ વિકાસ હજારો વર્ષોથી થાય છે અને તોપણ પર્વતે પોતાનું ઢળતું ચોરસ રૂપ જાળવી રાખ્યું છે, એના આકારમાં ફેરફારની કોઈ નિશાની દેખાતી નથી. તેમ છતાં, ગણતરી મુજબ તેના ૨.૫ અબજ ઘનમીટર ખડકની સરખામણીમાં, પડતા પથ્થરો એના આકારમાં ફેરફાર લાવે એટલા મહત્ત્વના નથી. તથાપિ, તેઓ હાનિ જરૂર પહોંચાડે છે અને જીવન ભરખે છે.
તે દરમ્યાન, મેટરહોર્ન પર ચઢવું ઘણાને મન લોકપ્રિય બન્યું છે. કેટલાક ભોમિયા એની ટોચ પર સેંકડો વાર ચઢી આવ્યા છે. વળી, ઘણાં સ્ત્રીપુરુષો દરેક વખતે ભિન્ન માર્ગ અપનાવી, સાહસનું પુનરાવર્તન કરે છે.
પરંતુ એવા પણ છે જેઓ પ્રયાસ કરે છે અને તેઓને ખબર પડે છે કે ક્યાં તો સંજોગો પ્રતિકૂળ છે અથવા તેઓની પોતાની ક્ષમતા, શારીરિક સ્થિતિ, કે તાલીમ અપૂરતાં છે. તેથી તેઓ આરોહણ ચાલુ રાખતા નથી, પરંતુ તેઓ મેટરહોર્ન “ચઢી આવ્યા” એવી કીર્તિ પર કારણને વિજય મેળવવા દે છે.
તથાપિ, તમે આ આકર્ષક પર્વત ફોટામાં કે ચલચિત્રોમાં જોયો હોય અથવા એની પાસે ઊભા રહી સૂર્યોદય કે સૂર્યાસ્ત વખતે એનાં ભવ્ય શિખરો ભયાવહ પ્રશંસાસહિત જોયાં હોય, તમને મહાન શિલ્પીની યાદ આવી હશે. તેમના હાથની કારીગરીની ઊંડી કદરસહિત, તમારા હૃદયે ઠીક જ ગીતશાસ્ત્ર ૧૦૪:૨૪ના શબ્દોનો પડઘો પાડ્યો હશેઃ “હે યહોવાહ, તારાં કામ કેવાં તરેહતરેહનાં છે! તેં તે સઘળાંને ડહાપણથી પેદા કર્યાં છે; પૃથ્વી તારી સંપત્તિથી ભરપૂર છે.” (g96 2/8)