મેક્ષિકોમાંની
હોનારતો મધ્યે ખ્રિસ્તી પ્રેમ
મેક્ષિકો સિટીના એક વર્તમાનપત્રે અહેવાલ આપ્યો: “છેલ્લા ૨૦ દિવસો દરમ્યાન, કુદરતી બનાવો—વાવાઝોડું અને ધરતીકંપ—મેક્ષિકન દરિયાકાંઠા પરના પ્રદેશો પર ફરી વળીને મરણ તથા નાશનાં નિશાન છોડી ગયા.”—એલ ફેનાન્સીયરો, ઓક્ટોબર ૧૭, ૧૯૯૫.
ઓક્ટોબરની શરૂઆતમાં, મેક્ષિકોનાં કેમ્પેચી, ક્વિન્ટાના રૂ, અને ટબાસ્કો રાજ્યોમાં ઓપલ વાવાઝોડાએ સખત તારાજી ફેલાવી. લગભગ ૨૦૦ જણ મરી ગયાં, ૧૫૦થી વધુ લોકોને ઇજા પહોંચી, ૫,૦૦,૦૦૦ લોકોએ મિલકત ગુમાવી, અને હજારો ઘરોને નુકસાન થયું કે પૂરેપૂરાં નાશ પામ્યાં.
યહોવાહના સાક્ષીઓની મેક્ષિકોમાંની શાખા કચેરીએ નુકસાન થયા વિષે સાંભળ્યું કે તરત જ, અસરગ્રસ્ત વિસ્તારોમાં સાક્ષીઓની હાલત જાણવા માટે કોઈકને મોકલવામાં આવ્યું. જાણવા મળ્યું કે તેઓમાંના ૨,૫૦૦થી વધુ લોકોને પોતાનાં ઘરો છોડવા પડ્યા હતા. તેઓને સાથી સાક્ષીઓનાં ઘરોમાં માયાળુપણે રાખવામાં આવ્યાં હતાં.
રાહત કેન્દ્રો સંગઠિત કરવામાં આવ્યા. જરૂરવાળાઓને ખોરાક, કપડાં, અને પૈસા પૂરા પાડવામાં આવ્યાં. પૂરનાં પાણી ઓસર્યાં પછી, સાક્ષીઓએ પોતાના ખ્રિસ્તી ભાઈઓના ઘરો ફરીથી બાંધવા શરૂ કર્યાં.
ઓક્ટોબર ૯ના રોજ, મેક્ષિકોના કોલિમા અને જાલિસ્કો રાજ્યોને તારાજ કરતો રિચટર સ્કેલ પર ૭.૬ માપ ધરાવતો શક્તિશાળી ધરતીકંપ થયો. યહોવાહના સાક્ષીઓના આઠ રાજ્યગૃહોને સખત નુકસાન પહોંચ્યું. તેઓનાં ૧૨ ઘરો ભાંગી પડ્યાં અને લગભગ ૬૫ને નુકસાન પહોંચ્યું. ફરીથી, એક સહાય સમિતિ સંગઠિત કરવામાં આવી, અને મદદ પૂરી પાડવામાં આવી.
પછી, ઓક્ટોબર ૨૦ના રોજ, બીજો ધરતીકંપ થયો જેણે ચિઆપસ રાજ્ય હલાવી નાખ્યું. વધુ ૮૮ સાક્ષીઓનાં ઘરો નાશ પામ્યાં, અને ૩૮ને સખત નુકસાન થયું. બે રાજ્યગૃહો સંપૂર્ણપણે તારાજ થઈ ગયાં, અને બીજા ચારને ખરાબ રીતે નુકસાન થયું. લગભગ એ જ સમય દરમ્યાન, વેરાક્રુઝ રાજ્યમાંના લગભગ ૮૦ સાક્ષીઓના ઘરોને રોક્સાન વાવાઝોડા સાથે આવેલા પૂરે નુકસાન કર્યું. ચાર ઘરો સંપૂર્ણપણે નાશ પામ્યાં. યહોવાહના સાક્ષીઓએ સ્થાપેલા રાહત ફાળા મારફતે ભોગ બનેલાઓને જલદી જ પૂરું પાડવામાં આવ્યું.
કેટલાક સાક્ષીઓને ઉઝરડા થયા તથા હાડકાં ભાંગી ગયા હોવા છતાં, એ કુદરતી હોનારતોમાં કોઈ મરણ પામ્યું ન હતું. બધું મળીને, ૨૪ ટન ખોરાક અને ૪ ટન કપડાં જરૂરિયાતવાળાઓને મોકલવામાં આવ્યાં. ઘણા અવલોકનકર્તાઓએ રાહત કાર્ય માટે આશ્ચર્ય વ્યક્ત કર્યું. કોલિમાની એક સ્ત્રીએ કહ્યું: “મેં ફક્ત સાંભળ્યું જ હતું કે યહોવાહના સાક્ષીઓ ઘણી જ એકતા ધરાવે છે, પરંતુ એ હવે હું મારી સગી આંખોથી જોઈ શકું છું.”
અવારનવાર લોકોએ સાક્ષીઓ અને તેઓના રાહત કાર્ય વિષે નોંધ્યું છે: “એ ખરેખર ભાઈઓ છે.” “તેઓ સૌથી સારું સંગઠિત વૃંદ છે.” કેટલાકને વળી એમ પણ કહેતાં સાંભળ્યા: “સહાય કરવા આવેલા સર્વ રાહત વૃંદો યહોવાહના સાક્ષીઓની જેમ કામ કરે તો, આખું શહેર ચોખ્ખું થઈ ચૂક્યું હોત.”
હવે ૪,૪૦,૦૦૦થી વધુ સાક્ષીઓ પોતાનાં સાથી મેક્ષિકોવાસીઓ સાથે દેવના રાજ્યના સુસમાચારના સહભાગી થઈ રહ્યા છે. તાજેતરની કુદરતી હોનારતો દરમ્યાન તેઓએ એકબીજા માટે પ્રગટ કરેલા પ્રેમે એક શક્તિશાળી સાક્ષી પૂરી પાડી છે.—યોહાન ૧૩:૩૪, ૩૫. (g96 4/22)