એક નાજુક પરંતુ
સાહસિક મુસાફર
કલાકારો તેઓને ચિત્રે છે અને કવિઓ તેઓ વિષે લખે છે. તેઓના વિવિધ પ્રકારો વિષુવવૃત્તીય વર્ષાજંગલોમાં રહે છે. ઘણાં વનમાં, ખેતરોમાં, અને ઘાસનાં બીડોમાં રહે છે. કેટલાંક પર્વતોની ટોચ પરની ઠંડીનો સામનો કરે છે; બીજાં રણની ગરમીનો સામનો કરે છે. તેઓને જીવડાઓમાં સૌથી સુંદર તરીકે વર્ણવવામાં આવ્યાં છે.
સ જા ગ બ નો ! ના કે ને ડા માં ના ખ બ ર પ ત્રી ત ર ફ થી
નિઃશંક તમે એ મનોહર અને સૌંદર્યવાન પ્રાણી—પતંગિયા—થી પરિચિત છો. જોકે, એક પ્રકારના પતંગિયાએ મુસાફરીની એની આશ્ચર્યકારક સિદ્ધિ માટે જગતવ્યાપિ ખ્યાતિ મેળવી છે. એ નાજુક પરંતુ સાહસિક મુસાફર મોનાર્ક પતંગિયું છે. ચાલો આપણે સૃષ્ટિના આ રત્ન પર અને એના અકળ સ્થળાંતર પર નિકટથી નજર નાખીએ.
સૃષ્ટિનું નાજુક રત્ન
એક ઉષ્માભર્યા, પ્રકાશિત દિવસે તમે ગૌચરમાં ઊભા હોવાની કલ્પના કરો. તમારી આંખો પેલા સૌંદર્યવાન પાંખોવાળી અજાયબી પર કેન્દ્રિત રાખો જે ખોરાક અને પીણાની પોતાની અવિરત શોધમાં જંગલી ફૂલો મધ્યે અહીંતહીં ધસી જાય છે. તમારા હાથ લંબાવીને સ્થિર ઊભા રહો. એક નજીક આવી રહ્યું છે. અરે, એ તમારા હાથ પર બેસવાનું છે! એ કેટલી હળવાશથી બેસે છે એની નોંધ લો.
હવે નજીકથી જુઓ. એની નાજુક નારંગી, પાઉડરવાળી બે પાંખો, જેમાં જટિલપણે રચેલી કિનારીવાળી કાળી ભાત છે, એ અવલોકો. એમ કહેવાય છે કે મોનાર્કને અમેરિકામાંના અંગ્રેજી વસાહતીઓએ એ નામ આપ્યું હતું, જેઓએ એને પોતાના શહેનશાહ [મોનાર્ક] વિલિયમ ઓફ ઓરેન્જ સાથે સાંકળ્યું. ખરેખર એ પતંગિયું એક “શહેનશાહ” છે. પરંતુ ફક્ત અડધો ગ્રામ વજન ધરાવતું અને આઠથી દસ સેન્ટિમીટર પહોળી પાંખો ધરાવતું એ નાજુક સૌંદર્ય લાંબી, કપરી મુસાફરી કરી શકે છે.
પ્રભાવશાળી ઉડ્ડયન
કેટલાંક પતંગિયાં શિયાળો શરૂ થતાં લાંબા અંતરે સ્થળાંતર કરે છે એમ કહેવાય છે ત્યારે, ફક્ત મોનાર્ક જ એવી લાંબી મુસાફરી ચોક્કસ મુકામ સુધી અને ઘણી મોટી સંખ્યામાં કરે છે. મોનાર્કનું સ્થળાંતર સાચે જ પતંગિયાની કળા છે. એ સાહસિક મુસાફરોની કેટલીક પ્રભાવશાળી સિદ્ધિઓનો વિચાર કરો.
શિયાળો ગાળવા તેઓ પાનખરઋતુમાં કેનેડાથી નીકળી કેલિફોર્નિયા કે મેક્ષિકો સુધી ઉડે છે એ ૩,૨૦૦થી વધુ કિલોમીટર થાય છે. તેઓ મોટાં સરોવરો, નદીઓ, સમતલ પ્રદેશો, અને પહાડો ઓળંગે છે. તેઓમાંના લાખો મધ્ય મેક્ષિકોમાંના સીયેરા મેડ્રે પર્વતોમાં ઊંચે આવેલા મુકામ સુધીનું સ્થળાંતર સફળતાપૂર્વક પૂરું કરે છે.
તમે એનો વિચાર કરો કે નાનાં પતંગિયાઓએ એવું ઉડ્ડયન અગાઉ કદી કર્યું નથી, કે તેઓએ નિષ્ક્રિય રહેવાનાં સ્થળ જોયાં નથી ત્યારે એવું ઉડ્ડયન હજુ પણ વધુ નવાઈભર્યું બને છે. પરંતુ અચૂકપણે તેઓ ઉડ્ડયનની દિશા પારખે છે અને શિયાળાના પોતાના વસવાટમાં આવી પહોંચ્યાં છે એ પણ જાણે છે. તેઓ એ કઈ રીતે કરે છે?
કેનેડિયન જીયોગ્રાફિક જણાવે છે: “સ્પષ્ટપણે જ, તેઓના વિનયી નાનાં મગજમાં કોઈક પ્રકારની વ્યવહારદક્ષ આનુવંશિક ગોઠવણ છે, એવી કોઈક ગોઠવણ જેનાથી તેઓ, મધમાખીઓની જેમ, સૂર્યના કિરણોનો ખૂણો, અથવા પક્ષીઓને દોરવણી આપતું જણાતું પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર, વાંચી શકે છે. અંતે ચોક્કસ ઉષ્ણતામાન અને ભેજની સ્થિતિ પારખવાની ક્ષમતા મદદરૂપ થઈ શકે. પરંતુ અત્યાર સુધી જવાબો વિજ્ઞાનની પહોંચ બહાર રહ્યા છે.” બાઇબલના નીતિવચનના પુસ્તકમાં ઉલ્લેખવામાં આવેલા પ્રાણીઓની જેમ, “તેઓ સ્ફૂરણાથી શાણા છે.”—નીતિવચન ૩૦:૨૪, NW.
મોનાર્ક કુશળ ઉડનારાઓ પણ હોય છે. તેઓ કલાકના ૧૨ કિલોમીટરની ઝડપે સરકતા હોય છે, કલાકના ૧૮ કિલોમીટરની ઝડપે ઊંચે ઊડે છે, અને—એને પકડવાનો પ્રયત્ન કરનાર દરેક જણ જાણે છે તેમ—વધુ ઝડપથી, કલાકના ૩૫ કિલોમીટરની ઝડપે, ધસી શકે છે. તેઓ પવનનો ઉપયોગ કરવામાં સૌથી વધુ કુશળ હોય છે—અરે પૂર્વ તરફ ફૂંકાતા પવનનો ઉપયોગ કરી નૈઋત્ય તરફના પોતાના મુકામ તરફ આગળ વધે છે. ઉડ્ડયનની જટિલ વ્યૂહરચનાનો ઉપયોગ કરી, તેઓ પવનની ઝડપની વધઘટ અને દિશા હાથ ધરે છે. ગ્લાઈડરના પાઈલોટ અને બાજ પક્ષીની જેમ, તેઓ ઉપર તરફ જતી ગરમ હવા પર સવારી કરે છે. એક ઉદ્ભવ અનુસાર, સામાન્ય રીતે મોનાર્ક એક દિવસમાં ૨૦૦ કિલોમીટર જેટલી લાંબી મુસાફરી કરે છે. તેઓ ફક્ત દિવસના પ્રકાશમાં જ ઊડે છે. રાતે તેઓ આરામ કરે છે, અને ઘણીવાર દર વર્ષે એક જ જગ્યાએ.
યુનિવર્સિટી ઓફ ટોરન્ટોના વૈજ્ઞાનિક ડેવિડ ગિબોને જાણવા મળ્યું કે મોનાર્ક પ્રસંગોપાત સરકનાર કે ઊંચે ઊડનાર હોવા કરતા વધુ છે. તે અહેવાલ આપે છે: “પતંગિયાઓએ પવનનો એ રીતે ઉપયોગ કરવાનો હોય છે જે મને લાગે છે કે સ્થળાંતર કરતા બતક કરતા ઘણી વધુ ચપળ રીતો છે.” પાંખો ફફડાવવી, ઊંચે ઊડવું, અને ખાવાના ક્રમને લીધે મોનાર્ક પૂરતી ચરબીસહિત મેક્ષિકો પહોંચે છે જે તેઓને શિયાળા દરમ્યાન અને વસંતઋતુમાં ઉત્તર તરફ તેઓનું વળતું ઉડ્ડયન શરૂ કરવા પૂરતી હોય છે. પ્રોફેસર ગિબો એમ પણ કહે છે: “સરકવાને લીધે તેઓ લાંબી મુસાફરી કરવા છતાં મજબૂત તથા તંદુરસ્તપણે આવી પહોંચે છે.”
ટોળામાં સ્થાળાંતર
લાંબા સમયથી એની ખબર હતી કે રોકી માઉન્ટેઈન્સની પશ્ચિમે આવેલા મોનાર્ક દક્ષિણ તરફ સ્થાળાંતર કરી કેલિફોર્નિયામાં શિયાળો ગાળે છે. તેઓને કેલિફોર્નિયાના દક્ષિણ કિનારે પાઈન અને યુકેલિપ્ટસ વૃક્ષોમાં ઝૂંડમાં બેઠેલા જોઈ શકાય છે. પરંતુ પૂર્વીય કેનેડામાં મોનાર્કની મોટી વસ્તીના સ્થળાંતરનું મુકામ કેટલાક સમય સુધી રહસ્યમય રહ્યું.
એ રહસ્ય ૧૯૭૬માં ઉકેલવામાં આવ્યું. શિયાળો ગાળવાની તેઓની જગ્યા છેવટે શોધી કાઢવામાં આવી—મેક્ષિકોના સીયેરા મેડ્રે પર્વતોમાંનું જંગલોવાળું એક શિખર. લાખો ને લાખો પતંગિયાઓ ઊંચા, રાખોડી-લીલા રંગના ફર વૃક્ષોની ડાળીઓ અને થડ પર જથ્થાબંધ બેઠેલા મળી આવ્યા. મુલાકાતીઓ માટે એ પ્રભાવશાળી સ્થળ હજુ પણ કુતૂહલભર્યું આકર્ષણ બની રહ્યું છે.
મોનાર્કને જથ્થાબંધ જોવા માટે કેનેડામાં સૌથી સારી જગ્યાઓમાંની એક ઓન્ટારિયોનું પોઈન્ટ પીલી નેશનલ પાર્ક છે, જ્યાં તેઓ દક્ષિણ તરફ સ્થળાંતર કરતા પહેલાં તૈયારી માટે ભેગાં થાય છે. ઉનાળાના પાછલા ભાગમાં તેઓ કેનેડાના આ દક્ષિણ છેડા પર ભેગા થઈ મેક્ષિકોમાં શિયાળો ગાળવાની તેઓની જગ્યાએ પહોંચવા માટેની દક્ષિણ તરફની મુસાફરી આરંભતા પહેલાં પવન અને ઉષ્ણતામાન યોગ્ય થાય ત્યાં સુધી લેક ઈરીના ઉત્તર કિનારે રાહ જોતાં હોય છે.
મુકામ
તેઓ પોઈન્ટ પીલીથી શરૂ કરી, લેક ઈરી ફરતે ઊડી વચ્ચે વચ્ચે થોભતાં ખંડીય યુનાઈટેડ સ્ટેટ્સ ફરતે લાંબી મુસાફરી આદરે છે. માર્ગમાં, મોનાર્કના બીજા વૃંદો સ્થળાંતરમાં જોડાય છે. મેક્ષિકો સિટીથી વાયવ્ય ખૂણે ઊંચા પર્વતોમાં, અંદાજ પ્રમાણે દસ કરોડ જેટલાં પતંગિયાં શિયાળો ગાળવા માટે ભેગાં થાય છે.
બીજાં સ્થળાંતર ફ્લોરિડામાંથી કેરેબિયન ફરતે થાય છે, અને એના મુકામ યુકાટન દ્વીપકલ્પ કે ગ્વાટેમાલામાં શોધવાના હજુ બાકી રહે છે. મોનાર્ક મેક્ષિકોમાં હોય કે તેઓના શિયાળાના બીજા કોઈ ઠેકાણે હોય છતાં, તેઓ પર્વત પરના જંગલોના પ્રમાણમાં નાના થોડાક વિસ્તારમાં ટોળે વળે છે.
કોઈકને લાગી શકે કે તેઓના શિયાળુ ઘર સુધીની તેઓની લાંબી મુસાફરી તેઓને ઉષ્માભર્યા, સૂર્યપ્રકાશવાળા ગૌચરોના રજા ગાળવાના પ્રદેશમાં લઈ જતી હશે. પરંતુ એમ નથી. તેઓ જાય છે એ મેક્ષિકોના ટ્રાન્સવોલ્કેનિક રેન્જ પર્વતો ઠંડા હોય છે. જોકે, પર્વતોનાં શિખરો પૂરી પાડે છે એ આબોહવા તેઓએ શિયાળો વિતાવવા માટે યોગ્ય હોય છે. ત્યાં પૂરતા પ્રમાણમાં ઠંડી હોવાથી તેઓ લગભગ પૂરેપૂરી નિષ્ક્રિય સ્થિતિમાં પોતાનો સમય પસાર કરે છે—એમ પોતાનું જીવન આઠથી દસ મહિના લંબાવે છે, જેને લીધે તેઓ મેક્ષિકો સુધી ઊડી, ત્યાં શિયાળો વિતાવી, પાછા આવવાનું શરૂ કરી શકે છે. તમે કહી શકો કે એ એક પ્રકારનું વેકેશન છે.
વસંતઋતુ આવે છે, અને મોનાર્ક ફરીથી સક્રિય બને છે. દિવસો લાંબા થાય છે તેમ, પતંગિયાં સૂર્યપ્રકાશમાં આમતેમ ઊડે છે, સંવનન શરૂ કરે છે, અને ઉત્તર તરફનું પોતાનું ઉડ્ડયન આરંભે છે. એમ માનવામાં આવે છે કે, કેટલાંક પોતાની વળતી મુસાફરી પૂરી કરે છે, પરંતુ સામાન્ય રીતે ફક્ત તેઓનાં સંતાન જ કેનેડા અને ઉત્તર યુનાઈટેડ સ્ટેટ્સમાં ઉનાળો ગાળવાના તેઓના પર્વતો પર આવી પહોંચે છે. ઈંડા, ઈયળ, કોસેટા, અને પતંગિયાંની ત્રણ કે ચાર પેઢી બદલાયા પછી તેઓ ખંડ ફરતે ધીમે ધીમે આગળ વધવાનું ચાલુ રાખે છે. માદા—જે એક સો કે એથી વધુ ફલિત ઈંડાથી લદાયેલી હોય છે—જંગલી ફૂલોના ઝૂમખાઓમાં ઊડે છે અને મિલ્કવીડ છોડના નાનાં, કુમળાં પાંદડાં નીચે એક વખતે એક એ રીતે ઈંડા મૂકે છે. અને એમ ચક્ર ચાલે છે, અને મોનાર્કની ઉનાળાના પોતાનાં ઘર તરફની મુસાફરી ચાલુ રહે છે.
સાચે જ, મોનાર્ક મુગ્ધ કરતું પ્રાણી છે. એને અવલોકવું અને એની પ્રવૃત્તિઓનો અભ્યાસ કરવો એ માનવીઓ માટે મોટો લહાવો છે. જોકે, એમાં નવાઈ નથી કે, મોનાર્કની લાંબા સમયથી રહસ્યમય હતી એવી શિયાળો ગાળવાની મેક્ષિકોમાંની જગ્યા, તેમ જ કેલિફોર્નિયામાંના તેના મુકામ, માનવ પ્રવૃત્તિને લીધે ધમકી હેઠળ આવી રહ્યાં છે. એમ માની લેવું કે સૃષ્ટિના આ નાજુક સૌંદર્યને બીજે જવાની જગ્યા હશે એ તેઓના ધ્વંસમાં પરિણમી શકે. એ પ્રશંસનીય છે કે, તેઓને એવા પરિણામથી રક્ષવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. હવે હાથવેંતમાં આવી ગયેલી, ઉત્પન્નકર્તાએ વચન આપેલી, પારાદેશ પૃથ્વીમાં આ નાજુક પરંતુ સાહસિક મુસાફરોને સલામત આશ્રયની ખાતરી આપવામાં આવશે એ કેવું ભવ્ય હશે!
પતંગિયું: Parks Canada/J. N. Flynn
પાન ૧૬ ઉપર અને નીચે: Parks Canada/J. N. Flynn; મધ્યમાં:
Parks Canada/D. A. Wilkes; પાન ૧૭ ઉપર: Parks Canada/J. N. Flynn;
મધ્યમાં અને નીચે: Parks Canada/J. R. Graham