મોનાર્ક માટેના કુદરતી આરક્ષિત પ્રદેશો
વધ ક્ષેત્રોમાં બદલાયા
કેનેડા તથા ઉત્તરીય યુનાઈટેડ સ્ટેટ્સમાં ઉનાળો ગાળતા મોનાર્ક પતંગિયાં સ્થળાંતરના આશ્ચર્યજનક ઉડ્ડયનમાં પોતાની નારંગી અને કાળી પાંખો ફેલાવી ઉડીને કેનેડામાંથી બહાર નીકળે છે, યુનાઈટેડ સ્ટેટ્સ ફરતે ઉડે છે, અને મેક્ષિકો સિટીના એક પશ્ચિમ ભાગમાં ભેગાં થાય છે. મેક્ષિકોની સરકારે ૧૯૮૬માં, ત્યાં ફર વૃક્ષોથી ઢંકાયેલા, ૩,૪૦૦ મીટર ઊંચા પર્વતોમાં, પાંચ કુદરતી આરક્ષિત પ્રદેશો ઠરાવ્યા. વર્ષ ૧૯૯૪ની એક ગણતરી પ્રમાણે, ઓછામાં ઓછા ૬ કરોડ મોનાર્ક એ આરક્ષિત પ્રદેશોમાં શિયાળો ગાળે છે.
મોનાર્ક ફર વૃક્ષો ખાસ પસંદ કરે છે કેમ કે એ વૃક્ષો ગાઢી છત્રી બનાવે છે જે એ પતંગિયાંને ઠંડા વરસાદ તથા હીમથી રક્ષણ આપે છે. એ પાંચ આરક્ષિત પ્રદેશોમાં વૃક્ષો કાપવાની મનાઈ છે, પરંતુ એ ગેરકાયદે વૃક્ષો કાપવાને અટકાવતું નથી. પતંગિયાંને લગતા વૈજ્ઞાનિકો ચિંતાતુર છે કે “સરકારના પ્રતિબંધ છતાં, મેક્ષિકોના આરક્ષિત પ્રદેશોમાં ફર વૃક્ષો કાપવામાં આવે છે એનાથી મોનાર્ક ભારે તોફાનો અને ઠંડી સામે રક્ષણ વિનાનાં હોય છે. . . . વૃક્ષો અને એની છત્રીની ખોટને લીધે પતંગિયાં વરસાદ તથા હીમના સંપર્કમાં આવે છે.” વૃક્ષો કાપવાથી રક્ષણાત્મક છત્રી વિચ્છિન્ન થાય છે. ગેઈન્સવિલની યુનિવર્સિટી ઓફ ફ્લોરિડા ખાતેના પ્રાણીશાસ્ત્રી, લિંકન બ્રોવરે મોનાર્ક માટેના રક્ષણાત્મક આવરણ વિષે કહ્યું: “એ જંગલોને જેટલી વધુ હાનિ કરવામાં આવે છે, તેટલા તેઓના ધાબળામાં વધુ કાણા પડે છે.”
“ખરાબ આબોહવા અને વૃક્ષો કાપી નાખવાં એ પતંગિયાઓ માટે ઘાતક છે,” એમ ધ ન્યૂ યોર્ક ટાઈમ્સએ કહ્યું. પછી એણે ડિસેમ્બર ૩૦, ૧૯૯૫ની રાતે એ આરક્ષિત પ્રદેશોમાં પડેલા હીમ વિષે અહેવાલ આપ્યો: “આરક્ષિત પ્રદેશોના કેટલાક ભાગમાં ફરનાર સરકારી વનરક્ષકો અને જીવવૈજ્ઞાનિકોએ કહ્યું કે હીમના ઢગલાઓ પર હજારો ને હજારો થીજેલા મોનાર્ક જથ્થાબંધ પડેલા હતા, જેમાંના ઘણા હીમની નીચે દટાઈ ગયા હતા.”
આ પાન પરનો ઉપરનો ફોટો એ કરુણ વાતની પુષ્ટિ કરે છે.
Jorge Nunez/Sipa Press