રસોડું મજા બની શકે
“ર સોડામાંથી બહાર નીકળો!” ભોજન તૈયાર થાય એ પહેલાં તે ચાખવાનો પ્રયત્ન કરતા ઘણાં ભૂખ્યાં બાળકોને એવો આદેશ મળ્યો છે. જોકે, તેઓને રસોડામાંથી બહાર કાઢવાને બદલે, માબાપ પાસે પોતાનાં બાળકોને રસોડામાં આમંત્રણ આપવા માટે સારું કારણ છે. એમ શા માટે? કેમ કે રસોડું, હકીકતમાં જ, એક મુગ્ધ કરતો ક્લાસરૂમ છે.
રસોડું એક એવું સ્થળ છે જ્યાં બાળકો નવસર્જન અને પ્રશ્ન ઉકેલની આવડતો વિકસાવી શકે છે, એક એવું સ્થળ જ્યાં તેઓ બીજાઓની સેવા કરવાનું અને એક સંઘ તરીકે કામ કરવાનું શીખી શકે છે, એક એવું સ્થળ જ્યાં હૃદયને સ્પર્શ કરતી અર્થપૂર્ણ વાતચીત સ્વયંસ્ફુરિતપણે થઈ શકતી હોય, એક એવું સ્થળ જ્યાં ઊંચા મૂલ્યોને શાંતિથી મનમાં ઠસાવી શકાય. હા, ગીચ કબાટો અને ખાનાં તથા દરેક રસોડાની અભરાઈઓ પર ઘણા મૂલ્યવાન બોધપાઠો રહેલા હોય છે—જે હવે પછીની ભોજન તૈયારીમાં વાપરી શકાય છે.
આ ટેકનોલોજી અને માહિતીના યુગમાં, બાળકોને તાલીમ આપવાના સ્થળ તરીકે શા માટે રસોડું વાપરવું? એનો જવાબ છે સમય. ઘણા માબાપો સ્વીકારે છે કે બાળકો સાથે સમય—ઘણો બધો સમય—વિતાવવાનું મહત્ત્વ અન્ય કોઈ બાબત લઈ શકતી નથી!a સમસ્યા એ છે કે એ ક્યાંથી મેળવવો. કેટલાક પ્રમાણભૂતો માબાપને તેઓ ઘરમાં જે રોજિંદુ કામ કરે છે એ પોતાનાં બાળકોને સાથે રાખી કરવા તથા એને બાળકોને શીખવવાની એક તક ગણવા અરજ કરે છે. આ દેવે ઈસ્રાએલના પ્રાચીન રાષ્ટ્રના માબાપને આપી હતી એ આજ્ઞાના સુમેળમાં છે: “આ જે વચનો હું આજે તને ફરમાવું છું તે તારા અંતઃકરણમાં ઠસી રહે; અને તે તું ખંતથી તારાં છોકરાંને શીખવ, ને જ્યારે તું ઘરમાં બેઠો હોય, ને જ્યારે તું રસ્તે ચાલતો હોય, ને જ્યારે તું સૂઈ જાય ને જ્યારે તું ઊઠે, ત્યારે તે વિષે વાત કર.”—પુનર્નિયમ ૬:૬, ૭.
અમારે નિયમિતપણે રસોડામાં સમય વિતાવવો પડતો હોવાને કારણે, કુટુંબે ભેગા મળી કરવાની હોય એ પ્રવૃત્તિ માટે એક દેખીતું સ્થળ હોય એમ લાગે છે. અને વિશિષ્ટ સહેલગાહથી ભિન્ન, જે માટે આપણી પાસે સમય, શક્તિ, કે નાણાં હોય ત્યાં સુધી રાહ જોવી પડે છે, ખાવાની આરોગ્યપ્રદ રુચિ મુલતવી રાખવાનો નકાર કરી શકાય. એ ઉપરાંત, રસોડું બાળકો માટે એક કુદરતી આકર્ષણ છે. છેવટે, બીજી કઈ જગ્યાએ તેઓને છરી કાળજીપૂર્વક વાપરતાં કે બીજાં વાસણો હાથ ધરતાં તાલીમ આપવામાં આવે? મઝા માણી રહેલાં બાળકો પ્રસંગોપાત ગંદવાડ પણ કરી શકે! તથાપિ, રસોડું કયા બોધપાઠ આપે છે?
રસોડાના “ક્લાસરૂમ”માં શીખવું
લૂઈસ સ્મિથ—પોતાનાં ચાર વર્ષની વયનાં વિદ્યાર્થીઓમાં જિંજરબ્રેડ લેડી તરીકે જાણીતી છે—જેને બાળકોને રસોઈ શીખવવાનો ૧૭ વર્ષનો અનુભવ છે તેણે એ પર આધારિત આ અવલોકન કર્યું: “ખોરાક સરસ શીખવવાનું સાધન છે કેમ કે એ એવું કંઈક છે જેને બધાં બાળકો સમજે છે. સુગંધ, સ્વાદ, અને સ્પર્શની તેઓની ઇન્દ્રિયો નાની ઉંમરે એટલી બધી તેજ હોય છે કે તેઓ પૂરેપૂરા ઓતપ્રોત બની જાય છે. અને તમે ઉચ્ચાર, ગણિત, અને પ્રશ્ન ઉકેલની આવડતો ખોરાક મારફતે શીખવી શકો છો.” રેડવું, દળવું, છોલવું, ચાળવું, હલાવવું, અને વીણવું બાળકોને હાથની ચપળતા અને આંખ-હાથની એકસૂત્રતા વિકસાવવામાં મદદ કરશે. અલગ પાડવું (સૂકી દ્રાક્ષ તથા સીંગદાણાને અલગ કરીને જુદા ઢગલા કરવા) અને ભેગું કરવું (માપલાંથી ક્રમમાં માપવું) એવા ખ્યાલો શીખવે છે જે ગણિત શીખવામાં બાંધકામના એકમો તરીકે કામ કરે છે. ખોરાક બનાવવાની સૂચના અનુસરવી એ આંકડા, માપ, સમય, તર્ક, અને ભાષાના ઉપયોગની તાલીમ છે. અને વ્યક્તિ સલામતી, જવાબદારી, વ્યક્તિગત સંગઠન, અને સંઘકાર્ય વિષે કંઈક શીખ્યા વગર જટિલ તથા જોખમ ભરેલા રસોડાના જગતમાં જવાનું સાહસ ખેડી શકતી નથી.
રસોઈ શીખવાનું મૂલ્ય પણ અવગણવું ન જોઈએ. રસોડામાં મદદ કરવા જવાનું શરૂ કરતા બાળકો પોતાની તરુણાવસ્થામાં પહોંચે ત્યાં સુધીમાં પૂરેપૂરું ભોજન તૈયાર કરી શકે એ અસામાન્ય નથી. કયા વ્યસ્ત માબાપો પ્રસંગોપાત એ આવકારશે નહિ? વધુમાં, રસોઈ યુવાનોને આત્મવિશ્વાસ અને આત્મનિર્ભરતા વિકસાવવા મદદ કરે છે—તેઓ પરિણીત હોય કે અપરિણીત જ્યારે પરિપક્વ જવાબદારી ઉઠાવે છે ત્યારે, તેઓને લાભ કરી શકે છે.—સરખાવો ૧ તીમોથી ૬:૬.
લી, જે પોતાના ૩૦ના દાયકાની શરૂઆતમાં અપરિણીત રહ્યો હતો, તે યાદ કરે છે: “હું લગભગ છ વર્ષનો હતો ત્યારે મારી મમ્મીએ મને રસોડાના પાયારૂપ રોજિંદા કામકાજની તાલીમ આપવાની શરૂ કરી હતી. શરૂઆતમાં, મને મુખ્યત્વે બીસ્કીટ, કેક, અને બીજી મિઠાઈઓ બનાવવામાં રસ હતો. પરંતુ હું નવ વર્ષનો થયો ત્યાં સુધીમાં, હું અમારા કુટુંબ માટે પૂરેપૂરા ભોજનની યોજના ઘડી શકતો અને તૈયારી કરી શકતો, અને એ હું નિયમિત ધોરણે કરતો. પછીથી, એક અપરિણીત પુખ્ત વ્યક્તિ તરીકે, મને જણાયું કે રસોઈ જેવા વિવિધ ઘરગથ્થુ કામો કઈ રીતે હાથ ધરવા એ જાણવાથી જીવન ઘણું જ સરળ બન્યું. અને હું ચોક્કસપણે કહીશ કે અત્યારે હું માણી રહ્યો છું એ સફળ લગ્નમાં એણે ફાળો આપ્યો છે.”
રસોઈ કરવી મઝા છે!
માબાપ પોતાનાં બાળકોને રસોડામાં તાલીમ આપવા માટે કઈ રીતે સમય કાઢી શકે? એક માતા સમયપત્રક બનાવવાનું સૂચવે છે જ્યારે શક્યપણે સૌથી ઓછા વિચલન હોય. તમને ઘણાં બાળકો હોય તો, તેઓ શીખવાનું શરૂ કરે ત્યારે તમે દર વખતે એક બાળક સાથે કામ કરવાનું ઇચ્છી શકો. એમ કરવા માટે, એવો સમય પસંદ કરો જ્યારે બીજાં બાળકો સૂતાં હોય કે નિશાળે ગયાં હોય. તમે એકલા રસોઈ કરતા હો એના કરતાં વધારે સમય ફાળવવાની યોજના કરો. અને રસોડામાં મઝા માણવા માટે તૈયાર રહો!
તમારા પ્રથમ સત્રમાં, તમે તમારી દીકરીને એવું કંઈક પસંદ કરવા દો જે તેને ભાવતું હોય.b ઝડપી પરિણામો લાવે એવી સાદી વાનગી બનાવવાનું શોધો. ખાતરી કરો કે એમાં એવાં કામનો સમાવેશ થતો હોય જે તે સફળતાપૂર્વક કરી શકે. તમારા બાળકને બેચેની ન લાગે અને કંટાળો ન આવે માટે, અગાઉથી કેટલીક જરૂરી ચીજવસ્તુઓ તથા વાસણો આપો. તમે અગાઉથી કેટલાક ભાગો પણ તૈયાર કરી શકો જેથી સત્ર ઘણું જ લાંબુ અને કંટાળાજનક ન બની જાય.
તમારા બાળક સાથે વાનગીની પદ્ધતિ વાંચી જાવ, અને દરેક કાર્ય કઈ રીતે કરવું એ બતાવો. બાળકને રસોડામાં તેની પોતાની જગ્યા આપો—કદાચ થોડાક વાટકા અને થોડાંક વાસણોવાળું ખાનું—અને તેને એક એપ્રન આપો. છોકરો છોકરીનો એપ્રન પહેરે એનાં કરતાં, તમે તેને પુરુષ રસોઇયો પહેરે એવો એક એપ્રન બનાવડાવી આપી શકો. શરૂઆતથી જ, સલામતીના મહત્ત્વ પર ભાર મૂકો અને રસોડા માટે સમજી શકાય એવા નિયમો ઠરાવો.—પાન ૧૮ પર “પહેલો બોધપાઠ—સલામતી,” શીર્ષક ધરાવતું બૉક્સ જુઓ.
સૌથી વધારે, એને મઝા બનાવવાનો પ્રયત્ન કરો. તમારું બાળક ફક્ત તમને જોયા જ કરે એવું ન થવા દો; તેના હાથ ધોવડાવો, અને તેઓને ખોરાકની ખરી તૈયારીમાં વ્યસ્ત રાખો. તેને નિરીક્ષા કરવા, અખતરો કરવા, અને પ્રશ્નો પૂછવા માટે તક આપો. અને વાનગી સારી ન થાય તો, ચિંતા ન કરશો. એ તમારા બાળકે જાતે બનાવી હશે તો, કદાચ તે કોઈ પણ રીતે ખાય જશે!
કુટુંબની એકતા
નિઃશંકપણે, રસોડામાંથી મળતો સૌથી મોટો ફાયદો કુટુંબની એકતા તથા મૂલ્યોનો સમાવેશ કરે છે. તમે અવલોક્યું હશે કે આજે કેટલાક ઘરોમાં, કુટુંબના સભ્યો એકબીજા સાથેનો કોઈ ખરો સંપર્ક રાખ્યા વગર પોતાની અલગ પ્રવૃત્તિમાં વ્યસ્ત હોય છે. એવા સંજોગો હેઠળ, ઘર એક વિશ્રાંતિ સ્થળ, એક પેટ્રોલ-પંપ જેવું બની જઈ શકે. એથી ભિન્ન, જે કુટુંબ ભેગા મળીને રસોઈ કરે છે એ કુટુંબની ભેગા મળી ખાવાની તથા ભેગા વાસણ ધોવાની શક્યતા વધારે છે. એવી પ્રવૃત્તિઓ તેઓને એકબીજા સાથે સંચાર કરવાની, પારસ્પરિક અસરની, અને સંપર્કની નિયમિત તકો પૂરી પાડે છે. “મારા દીકરાઓ સાથેની મારી કેટલીક સરસ ચર્ચાઓ રસોડાના સિંક પાસેની હતી,” એક માતા યાદ કરે છે. અને હર્મન, એક ખ્રિસ્તી પિતા, ઉમેરે છે: “અમે ઘણાં વર્ષો સુધી ડીશવૉશર વગર જાણી જોઈને ચલાવ્યું, જેથી થાળીઓ હાથેથી ધોવી અને સૂકવવી પડે. અમારા દીકરાઓને વારાફરતી સૂકવવાની કામગીરી સોંપવામાં આવી હતી. સામાન્ય સંચાર માટે એનાથી સારો સમય કોઈ ન હતો.”
હા, તમે તમારા બાળકો સાથે રસોડામાં વિતાવો છો એ સમય—એક અઠવાડિયા પછી બીજું અઠવાડિયું, એક વર્ષ પછી બીજું વર્ષ—આત્મિક મૂલ્યો તથા દૈવી ગુણો વિકસાવી શકાય એ માટેનો પાયો પૂરો પાડે છે. એકતાની એ મુક્ત ક્ષણો દરમિયાન માબાપ અને બાળક વચ્ચે હૃદયથી હૃદયની વાતચીત કુદરતી રીતે થાય છે અને બીજું કે માબાપનાં ઉદાહરણનો પ્રભાવ બાળકના હૃદયને શાંતિપૂર્વક અસર કરી શકે છે. એવી તાલીમ બાળકને જીવનપર્યંત લાભ કરી શકે, કેમ કે નીતિવચન ૨૨:૬ કહે છે: “બાળકે જે માર્ગમાં ચાલવું જોઈએ તેમાં ચાલવાનું તેને શિક્ષણ આપ, એટલે તે વૃદ્ધ થશે ત્યારે તેમાંથી તે ખસશે નહિ.”
તેથી માબાપ તરીકે તમે તમારા બાળકો સાથે વધારે સમય વિતાવવાની રીતો શોધતા હોય તો, શા માટે તેઓને કેક બનાવવા કે આખું ભોજન તૈયાર કરવામાં તમને મદદ કરવા આમંત્રણ આપતા નથી? તમને લાગી શકે કે તેઓ સાથે રસોડામાં કામ કરવું એ તમારા કુટુંબને પોષવાનું તથા માવજત કરવાનું એક માધ્યમ છે.
પહેલો બોધપાઠ—સલામતી સલામતી પ્રત્યે સચેત રહો • તમે વ્યસ્ત રસ્તાઓ પરની ભીડનું જોખમ સમજાવતા હો એ રીતે, ગંભીરતાથી પરંતુ ડરી ન જવાય એ રીતે, રસોડામાં કામ કરવાનું જોખમ સમજાવો. ખુદ તમે એક સારું ઉદાહરણ બેસાડો. • બાળકો જ્યારે પણ રસોડામાં કામ કરતાં હોય ત્યારે, પરિપક્વ વ્યક્તિની દેખરેખની જોગવાઈ પૂરી પાડો. બાળક સલામતીપૂર્વક વાપરી ન શકે ત્યાં સુધી, તેને કોઈ પણ વાસણ કે સાધન વાપરવા ન દો. • તમારું રસોડું વ્યવસ્થિત રાખો. ઢોળાએલું પ્રવાહી સાફ કરો અને વેરવિખેર જલદી સાફ કરી નાખો. તમે રસોઈ કરી રહ્યા હો એ દરમિયાન પાલતું પ્રાણીઓ કે ધ્યાન ખેંચનારી બીજી બાબતોને રસોડાની બહાર રાખો. આંગળીઓ સાચવો • ઈલેક્ટ્રીક મિક્ષર, બ્લેન્ડર, અને ફૂડ પ્રોસેસર ફક્ત કોઈ પરિપક્વ વ્યક્તિ દેખરેખ રાખતી હોય ત્યારે જ વાપરવા જોઈએ. ખાતરી કરો કે તમારું બાળક સાધનના વાટકામાં ચમચો નાખે એ પહેલાં સાધનને બંધ કરવામાં આવ્યું હોય અને ઈલેક્ટ્રીક પ્લગ કાઢી નાખવામાં આવ્યો હોય. • છરીને ધારદાર રાખો, કેમ કે બૂઠ્ઠી છરીથી વધારે જોર કરવું પડે છે અને તેથી એ છટકવાની વધારે શક્યતા છે. • તમારું બાળક છરી વાપરતાં શીખી રહ્યું હોય ત્યારે, તેની પાસે આ પગલાં લેવડાવો: (૧) છરીને એના હાથાએથી પકડો, (૨) છરીને ખોરાક પર રાખો, (૩) બીજા હાથને છરીના પાછળના ભાગ પર મૂકો, અને (૪) ખોરાક કાપવા દબાણ આપો. • ચોપીંગ બોર્ડ વાપરો. તમારું બાળક શાકભાજી કાપી રહ્યું હોય ત્યારે એ આમતેમ ન ગબડ્યા કરે માટે, પહેલા એના બે ભાગ કરો અને સપાટ ભાગ ચોપીંગ બોર્ડ પર રાખો. દાઝી જવાથી સાવધ રહો • ઉપયોગમાં ન હોય ત્યારે, સ્ટવ તથા અવનની સ્વીચ હંમેશા બંધ રાખો. રુમાલ, રસોઈ-પુસ્તકો, અને ગરમ તપેલાં પકડવા માટેનાં કપડાંને બર્નરથી દૂર રાખો. • તપેલાંના હાથાને સ્ટવનાં મધ્ય તરફ ગોઠવો, જ્યાં એ અથડાતાં નથી અને કંઈ ઢોળાતું નથી. • તમે તમારા બાળકને સ્ટવ પર કામ કરવા દો તો, ખાતરી કરો કે તે મજબૂત અને સ્થિર સપાટી પર ઊભો હોય. • ગરમ વસ્તુ તમે ક્યાં મૂકવાના છો એ ખબર ન હોય તો એ ઊંચકશો નહિ. તમે ગરમ વસ્તુ ઊંચકો છો ત્યારે રસોડામાં રહેલા બીજાઓને ખબર હોય એની ખાતરી કરો, ખાસ કરીને તમે તેઓની પાછળ થઈને જવાના હો.
[Footnotes]
a એ વિષય પરની ચર્ચા માટે, સપ્ટેમ્બર ૮, ૧૯૯૩ના સજાગ બનો!ના અંકના પાન ૨૬-૨૭ પર, “‘ગુણિયલ સમય’ મર્યાદિત માત્રામાં જ મળ્યો,” જુઓ.
b ટૂંકાણ માટે હવે પછી બાળકને “તે [નર બાળક]” તરીકે સંબોધવામાં આવશે. જોકે, માહિતી છોકરીઓને પણ લાગુ પડે છે.