વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g98 ૪/૮ પાન ૨૨
  • ૮૦૧

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ૮૦૧
  • સજાગ બનો!—૧૯૯૮
  • મથાળાં
  • સરખી માહિતી
  • દુર્ઘટના અને ત્યાર પછીનાં દૃશ્ય
  • જ્વાળાઓની ચિંતા
  • છેવટે બચાવ!
  • છેવટે મેં મારી પત્નીને જોઈ!
  • અગ્રિમતાઓ યોગ્ય સ્થાને રાખવી
  • કઈ રીતે વિમાનો સલામત છે?
    સજાગ બનો!—૧૯૯૯
  • ‘ના, એ સાચું નથી!’
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૮
  • યહોવાએ મારું જીવન આશીર્વાદોથી ભરી દીધું!
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૫
સજાગ બનો!—૧૯૯૮
g98 ૪/૮ પાન ૨૨

૮૦૧

વિમાન દુર્ઘટનામાંથી હું બચ્યો

અમારું વિમાન ગુઆમમાં ઊતરી રહ્યું હતું અને હું બારીમાંથી બહાર જોતો હતો. મેં વિચાર્યું, ‘એ વિચિત્ર છે. ખૂબ અંધારું હોય એવું લાગતું હતું.’ સાચું, મધ્ય રાત્રિ વીતી ચૂકી હતી, અને ભારે વરસાદના કારણે ઝાંખું ઝાંખું દેખાતું હતું. પરંતુ ટાપુઓની પરિચિત લાઇટો અને હવાઈ મથકની ઝગમગતી ઉતરાણ-પટ્ટી ક્યાં છે? હું તો ફક્ત અમારા જમ્બો જેટના પાંખિયાની ઝાંખી લાઇટો જ જોઈ શકતો હતો.

વિમાનના સેવકોમાંના એકે ઉતરતા પહેલાં તૈયારી માટેની સામાન્ય જાહેરાતો કરી, અને વિમાને ઉતરવા માટે ગિયર પાડ્યું એનો મને અવાજ સંભળાયો. એકાએક, મોટો અવાજ સંભળાયો, જાણે કે અમારું વિમાન જમીન ઘસડાઈ રહ્યું હોય. વિમાન નિરંકુશપણે આંચકા મારતું હતું, અને મુસાફરોએ પોતાની બેઠકના હાથા મજબૂતપણે પકડી રાખ્યા, અને બૂમો પાડવા લાગ્યા, “શું થઈ રહ્યું છે?”

થોડીક જ ક્ષણોમાં, દેખીતી રીતે અમારા પાયલોટની ખોટી ગણતરીના કારણે, હવાઈ મથકથી પાંચ કિલોમીટર દૂર અમારું બોઈંગ ૭૪૭ ટેકરીઓમાં અથડાયું. પરિણામે, ઑગસ્ટ ૬, ૧૯૯૭ના રોજની એરલાઈનની આફતમાં, કુલ ૨૨૮ મુસાફરો અને વિમાનના કર્મચારીઓ મરણ પામ્યા. હું ૨૬ બચનારાઓમાંનો એક હતો.

સીઓલ, કોરિયા વિમાનમાં મુસાફરી કરતાં પહેલાં, વિમાન કંપનીના એક પ્રતિનિધિએ મારી બેઠક બદલી નાખી, અને મને પહેલા વર્ગમાં બાકી રહેલી એક છેલ્લી બેઠક આપી દીધી. હું એટલો ખુશ હતો કે મેં મારી પત્ની સૂન ડકને ફોન કર્યો, જે મને ગુઆમ હવાઈ મથકે લેવા આવવાની હતી. બેઠકનું આ બદલાણ હું ક્લ્પના પણ કરી ન શકું એટલું બધું લાભદાયી પુરવાર થયું.

દુર્ઘટના અને ત્યાર પછીનાં દૃશ્ય

પ્રકાશ ઓછો હોવાના કારણે, વિમાન કર્મચારીઓ કદાચ તોળાઈ રહેલા જોખમ વિષે અજાણ હતા. બધું એકદમ ઝડપથી બની ગયું! એક પળે, હું પોતાને દુર્ઘટના માટે તૈયાર કરી રહ્યો હતો, અને બીજી પળે મને ખબર પડી કે હું વિમાન બહાર જમીન પર પડ્યો છું, હજુ પણ મારી બેઠક સાથે બંધાયેલો છું. હું બેભાન થયો કે નહિ એના વિષે મને ચોક્કસ ખબર નથી.

‘શું આ એક સ્વપ્ન છે?’ મેં વિચાર્યું. ના, એ સ્વપ્ન નથી એ જાણતા જ, સૌથી પહેલાં મને મારી પત્નીનો વિચાર આવ્યો, કે આ ઘટનાની ખબર થતા એની હાલત કેવી થશે. પછીથી, તેણે મને જણાવ્યું કે તેણે આશા છોડી દીધી ન હતી. હવાઈ મથક પર તેણે કોઈને એમ કહેતા સાંભળ્યું કે ફક્ત સાત મુસાફરો બચ્યા છે ત્યારે પણ, તેને વિશ્વાસ હતો કે એ સાતમાંનો એક હું છું.

અમારા વિમાનના ચાર ટૂકડા થઈ ગયા હતા, જે જંગલમાં ગમે તેમ પડેલા હતા. લાશો ગમે ત્યાં પડેલી હતી. વિમાનનો કેટલોક ભાગ બળી રહ્યો હતો, અને મને ભયંકર શોક-વિલાપ સાથે વિસ્ફોટના અવાજો પણ સંભળાતા હતા. “બચાવો! બચાવો!” કાકલૂદીભર્યા અવાજ સંભળાતા હતા. મારી બેઠક ૧.૮ મીટર ઊંચા કાંટાઝાંખરામાં પડી હતી, અને આગના ભયંકર પ્રકાશમાં હું આકરા ઢોળાવવાળો ટેકરો જોઈ શકતો હતો. વહેલી સવારના લગભગ ૨ વાગ્યા હતા, અને વરસાદ તો ચાલુ જ હતો.

હું એટલો બધો વિચારશૂન્ય બની ગયો હતો કે મને વાગ્યું હશે એનો મેં વિચાર પણ કર્યો ન હતો. પણ પછી મેં એક નાની છોકરીના માથાની ત્વચા એના માથા પાછળ લટકતી જોઈ. મેં તરત જ મારા માથા પર હાથ ફેરવ્યો અને જોયું કે મારી ડાબી આંખ પાસે વાગ્યું હતું જ્યાંથી લોહી નીકળતું હતું. મેં મારું બાકીનું શરીર તપાસ્યું, અને ઘણા નાના નાના કાપા જોયા. પરંતુ આભારી છું કે એમાંનો એક પણ ગંભીર લાગતો ન હતો. તેમ છતાં, મારા પગમાં અતિશય દુઃખાવો હતો, જેના કારણે હું હાલી પણ શકતો ન હતો. હા, એ બંને ભાંગી ગયા હતા.

પછીથી, હું ઇસ્પિતાલમાં પહોંચ્યો ત્યારે, દાક્તરે મારી ઇજાઓને “નાની” કહી. ખરેખર, બીજા બચનારાઓની સરખામણીમાં એ નાની જ હતી. એક માણસને ભંગારમાંથી બહાર કાઢવામાં આવ્યો જેના પગો ગુમ થઈ ગયા હતા. બીજાઓ ગંભીર રીતે દાઝી ગયા હતા, જેમાંના ત્રણ દુર્ઘટનામાંથી તો બચ્યા પરંતુ સપ્તાહો સુધી અત્યંત પીડા ભોગવીને અંતે મરણ પામ્યા.

જ્વાળાઓની ચિંતા

મને વાગ્યું હતું એની ચિંતા કરવાના બદલે, બચાવનારાઓ સમયસર મારા સુધી પહોંચશે કે કેમ એની હું ચિંતા કરતો હતો. વિમાનનો વચ્ચેનો ભાગ, જ્યાં મારી બેઠક હોત, એ લગભગ સંપૂર્ણ નાશ પામ્યો હતો. બાકી રહેલો ભાગ બળી રહ્યો હતો, અને અંદર ફસાઈ ગયેલા મુસાફરો પીડાકારક મૃત્યુનો સામનો કરતા હતા. હું તેઓની મદદ માટેની બૂમો કદી નહિ ભૂલી શકું.

મારી બેઠક વિમાનના આગળના ભાગમાં પડી હતી. હું ભંગારથી એક હાથ જેટલો જ દૂર હતો. મારી ગરદન પાછળ ફેરવીને, હું જ્વાળાઓ જોઈ શકતો હતો. મને ડર હતો કે ઝડપથી જ જ્વાળાઓ મને ઘેરી લેશે, પરંતુ આભાર માનું છું કે એવું કશું બન્યું નહિ.

છેવટે બચાવ!

સમય ઘણો ધીમે ધીમે પસાર થઈ રહ્યો હતો. એક કરતાં વધારે કલાક પસાર થયો. છેવટે, કેટલાક બચાવનારાઓએ રાત્રે લગભગ ત્રણ વાગે દુર્ઘટનાનું સ્થળ શોધી કાઢ્યું. ટેકરી ઉપરથી તેઓ જે જોઈ રહ્યા હતા એ વિષે આશ્ચર્ય વ્યક્ત કરતી વાતો હું સાંભળી શકતો હતો. તેઓમાંના એકે બૂમ પાડી: “ત્યાં કોઈ છે?”

મેં બૂમ પાડી, “અહીં હું આ રહ્યો.” “બચાવો!” બીજા મુસાફરોએ પણ પ્રત્યુત્તર આપ્યો. એક બચાવનાર બીજાને “ટેડ” કહીને બોલાવતો હતો. તેથી મેં બૂમો પાડવાની શરૂ કરી, “ટેડ, હું અહીંયા છું!” અને, “ટેડ, અહીં આવીને મદદ કર!”

‘અમે નીચે આવી રહ્યા છીએ! જરા રાહ જોજો,’ પ્રત્યુત્તર આવ્યો.

ભારે વરસાદે ઘણાને જ્વાળાઓથી બચાવ્યા હોય શકે, પરંતુ નીચે ઉતરવાનું લપસણું બનવાથી અઘરું બનાવ્યું હતું. પરિણામે, બચાવનારાઓ બચનારાઓ સુધી પહોંચે એ પહેલાં, બીજો એક લાંબો કલાક પસાર થઈ ગયો. મને શોધવામાં તેઓને જે વાર લાગી, એ મને જાણે અનંતકાળ લાગ્યો.

“અમે અહીંયા છીએ,” ફ્લેશલાઈટ સાથે આવેલા બે બચાવનારાઓએ કહ્યું. “ચિંતા કરશો નહિ.” જલદી જ બીજા બે બચાવનારા તેઓ સાથે જોડાયા, અને તેઓએ ભેગા મળી મને ખસેડવાનો પ્રયત્ન કર્યો. બે જણાએ મારા હાથ અને બીજા બે જણાએ મારા પગ પકડ્યા. ખાસ કરીને તેઓ કાદવમાં લપસી રહ્યા હોવાથી, એ રીતે ઊંચકાવું અત્યંત પીડાકારક હતું. થોડે દૂર ગયા પછી, તેઓએ મને નીચે મૂકી દીધો. એક જણ સ્ટ્રેચર લઈ આવ્યો, અને મને લશ્કરી હેલિકોપ્ટર સુધી લઈ જવામાં આવ્યો જ્યાંથી મને ટેકરી ઉપર ઊભેલી એમ્બ્યુલન્સ સુધી પહોંચાડી શકાય.

છેવટે મેં મારી પત્નીને જોઈ!

સવારે ૫:૩૦ વાગે હું ઈમરજન્સી રૂમમાં પહોંચ્યો. મને અલગ અલગ જગ્યાઓએ વાગ્યું હોવાના કારણે, દાક્તરે મને ફોન કરવાની પરવાનગી આપી નહિ. વિમાન નીચે ઉતર્યાના લગભગ નવ કલાક પછી, સવારના ૧૦:૩૦ સુધી મારી પત્નીને ખબર પડી નહિ કે દુર્ઘટનામાંથી હું બચ્યો છું કે નહિ. તેને એક મિત્રએ બચનારાઓના નામની સૂચિમાં મારું નામ જોઈને જણાવ્યું.

લગભગ બપોરના ૪:૦૦ વાગે મારી પત્નીને મને મળવાની પરવાનગી આપવામાં આવી ત્યારે, હું તેને તરત જ ઓળખી શક્યો નહિ. પીડા ઓછી કરનારી દવાથી મારી જ્ઞાનેન્દ્રિયો મંદ પડી ગઈ હતી. તેના પહેલાં શબ્દો હતા, “આભાર કે તમે બચી ગયા.” હું અમારી વાતચીત યાદ કરી શકતો નથી, પરંતુ પછી મને કહેવામાં આવ્યું કે મેં જવાબ આપ્યો: “મારો નહિ, પણ યહોવાહનો આભાર માનો.”

અગ્રિમતાઓ યોગ્ય સ્થાને રાખવી

દવાખાનામાં હું સાજો થઈ રહ્યો હતો તેમ, ત્યારે થતો દુઃખાવો મને પરિચિત લાગ્યો. વર્ષ ૧૯૮૭માં, કોરિયાથી ગુઆમ ગયો તેને એક કરતાં પણ ઓછું વર્ષ થયું હતું, હું બાંધકામના અકસ્માતમાં ચોથા માળેથી પડી ગયો હતો અને મારા બંને પગ ભાંગી ગયા હતા. એ મારા જીવનમાં વળાંક બિંદુ પુરવાર થયું. મારી મોટી બહેન એક યહોવાહની સાક્ષી હતી, તેણે મને બાઇબલ અભ્યાસ કરવાની વિનંતી કરી. મારા સ્વાસ્થ્યપ્રાપ્તિના છ મહિનાઓએ મને આ કરવા માટે તક આપી. પરિણામે, એ જ વર્ષે મેં યહોવાહને મારુ જીવન સમર્પણ કર્યું અને સંજ્ઞારૂપે બાપ્તિસ્મા લીધું.

વિમાન દુર્ઘટના થઈ ત્યારથી, હું મારી પસંદગીના શાસ્ત્રવચન વિષે વિચાર કરતો, જે કહે છે: “પણ તમે પહેલાં તેના [દેવના] રાજ્યને તથા તેના ન્યાયીપણાને શોધો, એટલે એ બધાં વાનાં પણ તમને અપાશે.” (માત્થી ૬:૩૩) હું વિમાન દુર્ઘટનામાંથી સાજો થઈ રહ્યો હતો એમ, મને મારા જીવનનું ફરી મૂલ્યાંકન કરવાની તક મળી.

ખૂબ અસરકારક રીતે, ૮૦૧ વિમાનની દુર્ઘટનાએ મારા પર અસર પાડી કે જીવન કેટલું મૂલ્યવાન છે. હું કેટલો સહેલાઇથી મરી ગયો હોત! (સભાશિક્ષક ૯:૧૧) આમ પણ, મારે મારા શરીરની મરામત કરવા ઘણા ઑપરેશનની જરૂર પડી, અને મેં સ્વાસ્થ્યપ્રાપ્તિ માટે એક મહિના કરતાં પણ વધારે સમય ઇસ્પિતાલમાં પસાર કર્યો.

હવે હું આપણા ભવ્ય ઉત્પન્‍નકર્તાને બતાવવા માંગુ છું કે જીવનની ભેટ માટે સાચે જ આભાર તેમનો માનું છું, જેમાં માનવીઓ પારાદેશ પૃથ્વી પર હંમેશ માટે જીવવાનો આનંદ માણે એવી તેમની જોગવાઈનો પણ સમાવેશ થાય છે. (ગીતશાસ્ત્ર ૩૭:૯-૧૧, ૨૯; પ્રકટીકરણ ૨૧:૩, ૪) મને ખબર પડી કે આ પ્રકારની કદર બતાવવાની સૌથી ઉત્તમ રીતે રાજ્ય હિતોને મારા જીવનમાં પ્રથમ મૂકવાનું ચાલુ રાખવાનું છે.—સ્વેચ્છાથી આપેલો લેખ.

US Navy/Sipa Press

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો