વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g ૪/૦૪ પાન ૧૪-૧૭
  • વાદળો પર રહેવું

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • વાદળો પર રહેવું
  • સજાગ બનો!—૨૦૦૪
  • મથાળાં
  • સરખી માહિતી
  • શાની અપેક્ષા રાખવી
  • તમારા શરીર પર ઊંચાઈની અસર
  • સાવધાની રાખવી
  • પહાડ પર રહેવું
  • કિ લી
    સજાગ બનો!—૧૯૯૭
સજાગ બનો!—૨૦૦૪
g ૪/૦૪ પાન ૧૪-૧૭

વાદળો પર રહેવું

બોલિવિયાના સજાગ બન!ના ખબરપત્રી તરફથી

એકાંત, સુંદર ને અદ્‍ભુત દૃશ્યો અને પહાડો પર ચાલવા, ચઢવા અને બરફ પર સરકવાનો આનંદ! આ બધાને લીધે વેકેશનમાં લોકોને પર્વતો પર જવાનું મન થાય છે. વળી, કરોડો લોકો પહાડોની સપાટ જમીન પર કે બે પહાડો વચ્ચેની જગ્યામાં રહેતા હોય છે, જે ઘણી વાર વાદળોના ગોટાથી પણ ઊંચે હોય છે. પરંતુ, આટલી ઊંચાઈએ રહેવાથી લોકોની તબિયત, વાહન, અરે, રાંધવા પર પણ અસર પડી શકે. શા માટે આવી મુશ્કેલીઓ આવી શકે? એના વિષે શું કરી શકાય? પહેલા તો શું ખરેખર ઘણા લોકો ઊંચે પહાડોમાં રહે છે?

ઘણા પહાડો પર આજકાલ સારી આવક થાય છે. મેક્સિકો શહેરના લાખો લોકો કંઈક ૨,૦૦૦ મીટરની ઊંચાઈએ રહે છે. ડેન્વર, કૉલરાડો, યુ.એસ.એ.; નાઇરોબી, કેન્યા અને જોહાનિસબર્ગ, દક્ષિણ આફ્રિકા સમુદ્રની સપાટીથી ૧,૫૦૦ મીટર કરતાં વધારે ઊંચાઈએ આવેલું છે. હિમાલયના લાખો લોકો ૩,૦૦૦ મીટરથી ઊંચાઈએ રહે છે. ઍન્ડીઝ પર્વત પર અમુક શહેરો સમુદ્રની સપાટીથી ૩,૩૦૦ મીટરની ઊંચાઈએ આવેલાં છે. ત્યાં લોકો ૬,૦૦૦ મીટરની ઊંચાઈએ આવેલી ખીણોમાં કામ કરે છે. આમ, ઘણા લોકો પહાડો પર રહેતા હોવાને લીધે, શરીર કેવી રીતે એ જીવનને અનુકૂળ થાય છે, એ જાણવું જરૂરી બન્યું છે. એને ધ્યાનમાં લેવાથી આપણા શરીરને કેટલી અદ્‍ભુત રીતે બનાવવામાં આવ્યું એ જોવા મળે છે.

શાની અપેક્ષા રાખવી

ડગ ઍન્ડીઝની ઊંચાઈએ આવ્યો, ત્યારે તેને અલગ જ અનુભવ થયો. તે કહે છે: “એરપોર્ટ પર અમારી બૅગો ઊતારતી વખતે, અચાનક આંખે અંધારા આવી ગયા અને લગભગ બેહોશ જેવો થઈ ગયો. જોકે એવી લાગણી તરત જ જતી રહી. તેમ છતાં, એક બે અઠવાડિયાં મને માથું દુખ્યું અને બરાબર ઊંઘ ન આવી. રાતે મને જાણે ગભરામણ થતી અને હું ઝબકીને જાગી જતો. ત્યાર પછી, બેએક મહિના મને ભૂખ લાગતી નહિ, પણ જલદી થાકી જતો અને બસ ઊંઘ જ આવ્યા કરતી.” તેની પત્ની કૅટી કહે છે: “ઊંચાઈએ જવાથી તકલીફો પડે છે, એ તો લોકોનો વહેમ છે, એવું પહેલા મને લાગતું. પરંતુ હવે મને ખબર પડી કે એમ નથી.”

ડૉક્ટર કહે છે કે ડગની ઊંઘમાં પડેલી ખલેલ શ્વાસ લેવાની તકલીફને કારણે હતી. સામાન્ય રીતે ઊંચાઈ પર નવા નવા રહેવા આવેલા લોકોમાં આ જોવા મળે છે. પરંતુ, જેને એમ થાય એ ગભરાઈ જાય એ સમજી શકાય. ઊંઘી ગયા હોય ત્યારે વચ્ચે વચ્ચે અમુક સેકંડો માટે તમારો શ્વાસ બંધ થઈ જાય છે. એ સમયે, ગભરાટના લીધે તમે અચાનક ઝબકીને જાગી જઈ શકો.

જોકે, કેટલાક લોકોને ઊંચાઈએ ગયા પછી કંઈ મુશ્કેલી પડતી નથી. કેટલાક લોકોને ૨,૦૦૦ મીટરની ઊંચાઈએ ગયા પછી કંઈક એવો અનુભવ થાય છે. પહેલી વાર ૩,૦૦૦ મીટરે જનારામાંના અડધો-અડધ લોકોને એવો અનુભવ થાય છે. આશ્ચર્યની વાત તો એ છે કે પહાડો પર રહેનારાઓ એકાદ અઠવાડિયું નીચેના વિસ્તારોમાં રહ્યા પછી, પાછા પોતાના ઘરે જાય છે ત્યારે તેઓને પણ એવો જ અનુભવ થાય છે. શા માટે તેઓને આવી મુશ્કેલી પડે છે?

તમારા શરીર પર ઊંચાઈની અસર

મોટા ભાગની મુશ્કેલીઓ ઑક્સિજનની ખામીને લીધે થાય છે. જેમ તમે ઊંચે જાવ તેમ ઑક્સિજનનું પ્રમાણ ઘટે છે. લગભગ ૨,૦૦૦ મીટરની ઊંચાઈએ ૨૦ ટકા અને ૪,૦૦૦ મીટરની ઊંચાઈએ ૪૦ ટકા ઑક્સિજનનું પ્રમાણ ઓછું હોય છે. ઑક્સિજન આપણા શરીરની બધી જ ક્રિયાને અસર કરે છે. ઑક્સિજનની ખામીને લીધે તમારા સ્નાયુઓ ઓછું કામ કરે છે. તમે બહુ સ્ટ્રેસ સહન કરી શકતા નથી અને તમારું પાચનતંત્ર ધીમું પડી જાય છે. સામાન્ય રીતે તમારા શરીરને વધારે ઑક્સિજન જોઈએ ત્યારે, તમે આપોઆપ જ વધારે શ્વાસ લેવા માંડો છો, અને શરીરને ઑક્સિજન આપો છો. તો પછી, ઊંચાઈએ એવું કેમ નથી થતું?

આપણું શરીર જે રીતે ધબકારાને અંકુશમાં રાખે છે એ અદ્‍ભુત છે, અને હજુ પૂરી રીતે સમજી શકાયું નથી. પરંતુ, જ્યારે તમે વધારે કામ કરો, ત્યારે ફક્ત ઑક્સિજનની ખામીના લીધે જ ધબકારા વધી જતા નથી. પરંતુ, વધારે કામના લીધે લોહીમાં કાર્બન ડાયોક્સાઈડ વધી જવાના લીધે ધબકારા વધી જાય છે. તમે ઊંચાઈએ જાવ છો ત્યારે આપોઆપ જ ધબકારા વધી જાય છે, એનું કારણ એ છે કે તમને જોઈએ એટલા પ્રમાણમાં ઑક્સિજન મળતો હોતો નથી.

પરંતુ, માથું શા માટે દુઃખે છે? લા પાઝ, બોલિવિયામાં ઊંચાઈ અને શરીર રચના પર રાખવામાં આવેલા સંમેલનમાં એક વક્તાએ સમજાવ્યું કે મગજમાં ઘણી પ્રકારના પ્રવાહી ભેગુ થવાના કારણે આવા લક્ષણો જોવા મળે છે. અમુક લોકોમાં આવા લક્ષણોના લીધે જાણે માથું ફાટ-ફાટ થાય છે. પરંતુ, વ્યક્તિની ખોપરીના કદના લીધે અમુકને આવું કશું થતું નથી. તેમ છતાં, અમુક કિસ્સાઓમાં, જીવન જોખમમાં પણ આવી શકે. જો શરીર પર કાબૂ ન રહે, ઝાંખું દેખાવા લાગે, અમુક ભ્રમ થયા કરે અને સહેલાઈથી ગૂંચવાઈ જવાય, તો એ નિશાની છે કે જલદીથી ડૉક્ટરની મદદ લેવી અને ઊંચાઈથી નીચે આવતું રહેવું.

સાવધાની રાખવી

ઊંચાઈ પર ગયાના બે કે ત્રણ દિવસ પછી એનાં લક્ષણો વધારે પ્રમાણમાં જોવા મળે છે. તેથી, ઊંચાઈ પર જવાના થોડા દિવસ પહેલાં અને પહોંચ્યા પછીના થોડા દિવસ, ખાસ કરીને રાતના સમયે હળવો ખોરાક લઈએ એ સૌથી સારું છે. ચરબીવાળો ખોરાક લેવાના બદલે ભાત, ધાન્ય અને બટાકા જેવો કાર્બોહાઇડ્રેટ ખોરાક લેવો જોઈએ. આપણે આ સલાહ ધ્યાનમાં રાખીએ: “સવારે રાજાની જેમ ભરપેટ ચા-નાસ્તો કરો, પણ સાંજે ભિખારીની જેમ જમો.” વળી, વધારે પડતો શ્રમ ન કરો, કારણ કે એનાથી પહાડ પરની બીમારી વધારે થાય છે. યુવાનો આવી સલાહને બહુ ધ્યાન નહિ આપતા હોવાથી, વધારે મુશ્કેલીમાં મૂકાય છે.

બીજી એક સલાહ પણ મહત્ત્વની છે, ‘ટોપી પહેરો અને તાપથી બચવા બરાબર સનક્રીમ કે લોશન લગાડો.’ પહાડ પર સૂર્યના સીધા કિરણોથી ઓછું રક્ષણ મળે છે. એ કિરણોથી તમારી આંખોમાં પણ ખંજવાળ આવી શકે અથવા નુકસાન થઈ શકે, એટલે ગોગલ્સ પહેરવા જોઈએ. પહાડ પરની પાતળી હવા તમારી આંખોના આંસુ પણ સૂકવી નાખી શકે, જેનાથી પણ આંખોમાં બળતરા થઈ શકે. તેથી, પુષ્કળ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે.

ડૉક્ટરો એવા વ્યક્તિઓને પર્વત પર ચડતા પહેલાં, વિચારી જોવાની સલાહ આપે છે, જેઓને હાય બ્લડ પ્રેશર હોય, કે લોહીના કણોને લગતી કોઈ બીમારી હોય, અથવા તો હૃદય કે ફેફસાંની કોઈ બીમારી હોય કે જાડા હોય.a જો તમને સખત શરદી, ઉધરસ હોય કે હાંફ ચડતો હોય, અથવા ન્યૂમોનિયા થયો હોય તો, હાલ પૂરતું પર્વત પર જવાનું માંડી વાળો તો વધારે સારું. ઊંચાઈ પર શ્વાસ લેવાની તકલીફ પડે અને સાથે સાથે ઉપર ચડવાથી ફેફસાંમાં પ્રવાહી ભેગું થઈ શકે. ભલેને વ્યક્તિ પહાડ પર આખી જિંદગી રહેતી હોય, પણ શ્વાસની તકલીફ થાય તો, તેઓને પણ ઓછા ઑક્સિજનને કારણે ગંભીર બીમારી થઈ શકે છે. જ્યારે કે, દમ થયો હોય એને ઊંચાઈ પર વધારે સારું લાગે છે. અરે, રશિયાના ડૉક્ટરોના એક ગ્રૂપે, ઊંચાઈ અને શરીર રચના પર રાખવામાં આવેલા સંમેલનમાં રિપોર્ટ આપ્યો કે તેઓ અમુક દરદીઓને સારવાર આપવા પહાડ પર આવેલા દવાખાનામાં લઈ જાય છે.

પહાડ પર રહેવું

પહાડ પર રહેવા જતા ડરવાની જરૂર નથી. કૉકેસસ પર્વતો જેવી ઘણી જગ્યાઓ જાણીતી છે, જ્યાંના લોકો સામાન્ય રીતે લાંબું જીવે છે. કેટલાક લોકો એકદમ ઊંચા પહાડી વિસ્તારોમાં વર્ષોથી રહે છે. ઍન્ડીઝમાં રહેતા સજાગ બનો!ના એક વાચક જણાવે છે: “હું ૧૩ વર્ષથી જ્વાળામુખીની નજીક, ૬,૦૦૦ મીટરની ઊંચાઈએ આવેલી ખીણમાં કામ કરતો અને એટલામાં જ રહેતો. સલ્ફર અથવા ગંધકના મોટા પથ્થરો મોટા હથોડાથી તોડવા કંઈ જેવું-તેવું કામ ન હતું. તેમ છતાં, સાંજે અમે ફૂટબોલ રમતા.” આપણું શરીર એવી અદ્‍ભુત રીતે બનાવાયું છે કે એ નવા વાતાવરણ પ્રમાણે ટેવાય જાય છે, જે ખરેખર આપણા રચનારની કમાલ છે! પરંતુ, પહાડો પર ઑક્સિજનની કમીમાં કઈ રીતે તમારું શરીર ટકી રહે છે?

તમે પહાડ પર જાવ ત્યારે પહેલા તો તમારું હૃદય અને ફેફસાં ઝડપથી કાર્ય ચાલુ કરી દે છે. પછી તમે લોહીમાંથી પ્લાઝ્મા ઉત્પન્‍ન કરો છો, જે ઑક્સિજન લઈ જતા રક્તકણોને કામે લગાડી દે છે. જલદી જ, તમારા મગજ તરફ વધારે લોહી દોડવા માંડે છે, જ્યાં એની વધારે જરૂર છે. થોડા જ કલાકોમાં, તમારા હાડકાંમાંનો મજ્જા અથવા માવો વધારે રક્તકણો પેદા કરે છે, જે ઑક્સિજન લઈ જવામાં વધારે અસરકારક છે. આ બધાનો અર્થ થાય છે કે તમને ઊંચાઈ પર ટેવાતા ભલે મહિનાઓ લાગી શકે. પરંતુ, ફક્ત થોડા જ દિવસોમાં તમારા હૃદયના ધબકારા નોર્મલ બની શકે છે.

વાહનની અને રાંધવાની મુશ્કેલી

જોકે, ફક્ત તમારા શરીરને જ ઑક્સિજનની ખામી નડતી નથી. અરે તમારું વાહન પણ ધીમું પડી જઈ શકે. ભલે તમારા મિકેનિકે વાહનમાં જોઈતા ફેરફારો કર્યા હોય, તોપણ તમારા એંજિનને પૂરતો પાવર મળશે નહિ. પરંતુ, ચાલો હવે રસોડામાં શું રંધાઈ રહ્યું છે, એ જોઈએ.

પહાડો પર રસોડામાં તમારી કૅક અને બ્રેડ સરખી બને નહિ, કઠોળ ગમે તેટલું બાફીએ પણ બરાબર ચઢે નહિ, આ તો અમુક જ મુશ્કેલીઓ છે, જેની તમને માથાકૂટ થઈ શકે. પરંતુ, શા માટે આમ થાય છે અને એના વિષે શું કરી શકાય?

ખાસ કરીને તમને બ્રેડ અને કૅક બનાવવામાં મુશ્કેલી પડી શકે. હવાનું દબાણ નીચું હોવાના લીધે, દરિયાની સપાટી કરતાં પર્વત પર બ્રેડ અને કૅક વધારે પડતી નરમ બને છે. મિશ્રણમાં નાના પરપોટા મોટા બની શકે જેનાથી એ તૂટી જાય અથવા પરપોટા ફૂટી નીકળે, એટલે કૅક ફૂલવાને બદલે ચપ્પટ થઈ જાય. પરંતુ એનો પણ ઉપાય છે. કૅક પોચી બનાવવા ઈંડાંને બરાબર હલાવવા પડે છે, તો મિશ્રણને વધારે ન હલાવો. જો કૅકમાં બૅકિંગ પાવડર વગેરે નાખવાનો હોય તો, ઓછો નાખો. ઊંચાઈએ રાંધવા માટેનું નવું પુસ્તકમાં (અંગ્રેજી) જણાવે છે કે ૬૦૦ મીટરની ઊંચાઈએ ૨૫ ટકા અને ૨,૦૦૦ મીટરની ઊંચાઈએ ૭૫ ટકા ઓછા બૅકિંગ પાવડરનો ઉપયોગ કરવો.

બ્રેડ બનાવવા આથો નાખો ત્યારે, ધ્યાન રાખો કે લોટ બમણા કરતાં વધારે ફૂલી ન જાય. ઈંડાં નાખવાથી કૅક તૂટતી નથી, એટલે કૅક માટે મોટા ઈંડાંનો ઉપયોગ કરો. જ્યારે કે વધારે પડતી ખાંડ નાખવાથી કૅક તૂટી શકે છે, એટલે ખાંડનો ઓછો ઉપયોગ કરો. હવાનું નીચું દબાણ મિશ્રણમાંનું પાણી શોષી લઈને ખાંડને ઝડપથી ઘટ્ટ બનાવી શકે છે. મોટા ભાગની રસોઈમાં વધારે પાણીની જરૂર પડે છે, કારણ કે પહાડ પરની હલકી, સૂકી હવાના કારણે ખોરાકમાંથી ભેજ શોષાઈ જાય છે.

લગભગ બધી રસોઈ કરતા વધારે સમય લાગે છે. દાખલા તરીકે, ૧,૫૦૦ મીટરની ઊંચાઈએ ઈંડાને બાફવા એક મિનિટ વધારે લાગે છે અને ૩,૦૦૦ મીટરની ઊંચાઈએ ત્રણ મિનિટ વધારે થાય છે. અહીં, પ્રેશર કૂકર બહુ ઉપયોગી બને છે. કઠોળ તો કૂકર વગર રાંધી શકાય જ નહિ.

હવે પહાડ પર જતા ગભરાશો નહિ. હા, તમને થોડી વાર હાંફ ચઢી શકે, તમારી કૅક રોટલા જેવી લાગી શકે અને તમારું વાહન ગોકળ-ગાયની જેમ ચાલી શકે. પરંતુ જો તમારી તબિયત ફાઈન હોય તો, તમે પહાડ પર જવાની મઝા કદી નહિ ભૂલો. (g04 3/8)

[ફુટનોટ્‌સ]

a અમુક ડૉક્ટરો એક્ટેઝોલોમાઈડ નામની દવા લખી આપે છે, જે ઊંચાઈ પર શ્વાસ લેવા મદદ કરે. પહાડ પર લેવાની જાતજાતની દવાઓની જાહેરાતો આવે છે, પણ ડૉક્ટરો એની ભલામણ કરતા નથી.

[ડાયગ્રામ/પાન ૧૬, ૧૭ પર ચિત્ર]

(લેખને છપાયો છે એવો જોવા એ પ્રકાશનમાં જુઓ)

જગતમાં આવેલા અમુક પહાડ પરનાં શહેરો અને પર્વતો

—૯,૦૦૦ મીટર—

માઉન્ટ એવરેસ્ટ, નેપાળ અને ચીન ૮,૮૫૦ મીટર

—૭,૫૦૦ મીટર—

—૬,૦૦૦ મીટર—

માઉન્ટ કિલિમાન્જારો, ટાન્ઝાનિયા ૫,૮૯૫ મીટર

આકૉન્કાગ્વા, ચિલી ૫,૩૪૬ મીટર

મૉં બ્લાં, ફ્રાન્સ ૪,૮૦૭ મીટર

—૪,૫૦૦ મીટર—

પોટોસી, બોલિવિયા ૪,૧૮૦ મીટર

પૂનો, પેરુ ૩,૮૨૬ મીટર

માઉન્ટ ફૂજી, જાપાન ૩,૭૭૬ મીટર

લા પાઝ, બોલિવિયા ૩,૬૨૫ મીટર

—૩,૦૦૦ મીટર—

તોંગસા ઝૉંગ, ભૂટાન ૨,૩૯૮ મીટર

મૅક્સિકો સીટી, મેક્સિકો ૨,૨૩૯ મીટર

માઉન્ટ વૉશિંગ્ટન, ન્યૂ હેમ્પશિયર,

યૂનાઇટેડ સ્ટેટ્‌સ ૧,૯૧૭ મીટર

નાઇરોબી, કેન્યા ૧,૬૭૫ મીટર

ડેન્વર, કૉલરાડો, યૂનાઇટેડ સ્ટેટ્‌સ ૧,૬૦૯ મીટર

—૧,૫૦૦ મીટર—

—સમુદ્ર સપાટી—

[પાન ૧૪ પર ચિત્ર]

લા પાઝ, બોલિવિયા ૩,૬૨૫ મીટર

[પાન ૧૪ પર ચિત્ર]

જોહાનિસબર્ગ, દક્ષિણ આફ્રિકા ૧,૭૫૦ મીટર

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો