વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g19 નં. ૨ પાન ૧૦-૧૧
  • જવાબદાર વ્યક્તિ બનવા શું કરવું જોઈએ?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જવાબદાર વ્યક્તિ બનવા શું કરવું જોઈએ?
  • સજાગ બનો!—૨૦૧૯
  • મથાળાં
  • સરખી માહિતી
  • જવાબદાર વ્યક્તિ બનવાનો શો અર્થ થાય?
  • શા માટે જરૂરી છે?
  • કઈ રીતે શીખવી શકાય?
  • બાળકોને શીખવો ઘરનાં કામકાજ
    સજાગ બનો!—૨૦૧૭
  • તેઓને ખીલવા દેવા
    સજાગ બનો!—૧૯૯૮
  • ૮ દાખલો બેસાડો
    સજાગ બનો!—૨૦૧૮
  • બાળકો મોટા કરવા ઈશ્વરની મદદ
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૪
વધુ જુઓ
સજાગ બનો!—૨૦૧૯
g19 નં. ૨ પાન ૧૦-૧૧
છોડમાં પાણી નાખવા એક પિતા દીકરાને મદદ કરે છે

ગુણ ૪

જવાબદાર વ્યક્તિ બનવા શું કરવું જોઈએ?

જવાબદાર વ્યક્તિ બનવાનો શો અર્થ થાય?

જવાબદાર વ્યક્તિ પર લોકો ભરોસો કરે છે. તેઓને જે કામ સોંપવામાં આવે, એ સમયસર પૂરું કરે છે.

નાનપણથી જ બાળક જવાબદાર બનવાનું શીખી શકે છે. પેરેન્ટીંગ વીધાઉટ બોર્ડર્સ નામનું પુસ્તક જણાવે છે કે, ‘બાળક સવા વર્ષનું હોય ત્યારે માતાપિતા જે કહે એ તે કરે છે. જ્યારે તે દોઢ વર્ષનું થાય, ત્યારે માતાપિતા જે કરતા હોય, એ તે કરવા લાગે છે. ઘણી જગ્યાએ તો પાંચ-સાત વર્ષનાં બાળકોને માબાપ ઘરનાં કામકાજ શીખવવા લાગે છે. એ ઉંમરનું બાળક પણ ઘણાં કામ સારી રીતે કરી શકે છે.’

શા માટે જરૂરી છે?

અમુક જગ્યાઓએ ઘણા યુવાનો પોતાની રીતે જીવવા માંગે છે એટલે એકલા રહેવા જાય છે. પણ તેઓ તકલીફો સામે હાર માની લે છે અને નાછૂટકે માબાપ પાસે પાછા આવે છે. કેટલાક કિસ્સામાં યુવાનોને અમુક બાબતો શીખવવામાં આવી હોતી નથી. જેમ કે, પૈસા કેવી રીતે વાપરવા, ઘર કઈ રીતે ચલાવવું કે રોજબરોજની જવાબદારી કઈ રીતે ઉપાડવી.

યાદ રાખો, ખૂબ જરૂરી છે કે તમે તમારાં બાળકોને એક જવાબદાર વ્યક્તિ બનવા હમણાંથી જ તૈયાર કરો. હાઉ ટુ રેઇઝ એન એડલ્ટ નામનું પુસ્તક જણાવે છે: ‘તમે તમારા બાળકને ખૂબ પ્રેમ કરતા હશો, લાડ લડાવતા હશો. તમે ચાહશો કે તે પોતાના પગ પર ઊભો રહે. બહારની દુનિયા કેવી હોય એ તમે તેને પહેલેથી જ બતાવવા માંગશો. તે અઢાર વર્ષનો થાય, એની તમે રાહ નહિ જુઓ.’

કઈ રીતે શીખવી શકાય?

ઘર અને બાગ-બગીચાનું કામ સોંપો.

પવિત્ર શાસ્ત્રનો સિદ્ધાંત: ‘સર્વ પ્રકારના કામથી ફાયદો થાય છે.’—નીતિવચનો ૧૪:૨૩.

માબાપ જે કામ કરતા હોય, બાળકોને પણ એ જ કામ કરવું હોય છે. એટલે તમે બાળકને ઘરનું કે બગીચાનું કામ સોંપી શકો.

અમુક માબાપ એમ કરતા અચકાય છે. તેઓ કહે છે કે ‘બાળકોને ઢગલો લેસન હોય છે, એમાંય પાછું તેઓને ઘરનું કામ આપવાનું?’

જે બાળકને ઘરનું કામ આપવામાં આવે છે તેને સ્કૂલમાં પણ ફાયદો થાય છે. તેને ખબર હોય છે કે કઈ રીતે કામ સ્વીકારવું અને એ પૂરું કરવું. પેરેન્ટીંગ વીધાઉટ બોર્ડર્સ પુસ્તકમાં લખ્યું છે: ‘બાળકને કંઈ કામ કરવું હોય અને આપણે ન કરવા દઈએ તો તેને લાગશે કે, બીજાઓને મદદ કરવી જરૂરી નથી. મન થાય તો જ બીજાઓને મદદ કરવાની! તે એવું પણ વિચારવા લાગે કે તેને બધું તૈયાર મળશે. તેણે કંઈ કામ કરવાની જરૂર નથી.’

ઉપર જોયું તેમ, જો બાળકો ઘરનું કામકાજ કરશે, તો તેઓ બીજાઓને મદદ કરવાનું શીખશે અને ઘમંડી બનશે નહિ. ઘરમાં કામ કરવાથી બાળક સમજી શકશે કે તે કુટુંબનો મહત્ત્વનો ભાગ છે. તેને અહેસાસ થશે કે તેના પર અમુક જવાબદારીઓ છે.

બાળકોને પોતાની ભૂલ સ્વીકારવાનું શીખવો.

પવિત્ર શાસ્ત્રનો સિદ્ધાંત: ‘સલાહ માન, ને શિખામણનો સ્વીકાર કર, જેથી તું તારા આયુષ્યના પાછલા ભાગમાં જ્ઞાની થાય.’—નીતિવચનો ૧૯:૨૦.

ધારો કે તમારા બાળકથી કોઈ ભૂલ થઈ જાય છે. જેમ કે, બીજાઓનું નુકસાન થાય એવું કંઈક તે કરે છે. તમને એના વિશે ખબર પડે તો એને છુપાવશો નહિ. બાળકને પોતાની ભૂલ સ્વીકારવા મદદ કરો. બીજાઓ પાસે જઈને માફી માંગવાનું કહો. જે નુકસાન થયું છે, કદાચ એની ભરપાઈ પણ કરવી પડે.

બાળકને સમજાશે કે તેણે ભૂલ કરી છે તો . . .

  • તે નમ્રતા બતાવશે અને ભૂલ સ્વીકારશે

  • દોષનો ટોપલો બીજાઓ પર નાખશે નહિ

  • તે બહાનાં કાઢશે નહિ

  • યોગ્ય સમયે તે માફી માંગશે

છોડમાં પાણી નાખવા એક પિતા દીકરાને મદદ કરે છે

હમણાંથી તાલીમ આપો

નાનપણથી બાળકોને જવાબદાર બનવાનું શીખવશો તો, મોટા થઈને તેઓ વધારે સારી રીતે જવાબદારીઓ ઉપાડી શકશે

પોતાના દાખલાથી શીખવો

  • શું હું મહેનતુ છું? વ્યવસ્થિત અને સમયસર કામ કરું છું?

  • શું મારું બાળક મને ઘરમાં અને બગીચામાં કામ કરતા જુએ છે?

  • શું હું મારી ભૂલો સ્વીકારું છું અને માફી માંગું છું?

અમુક માબાપ કહે છે . . .

‘હું જમવાનું બનાવતી ત્યારે મારાં નાનાં બાળકો મને મદદ કરતાં. હું કપડાં વાળતી ત્યારે તેઓ પણ વાળવાં લાગતાં. હું સાફ-સફાઈ કરતી ત્યારે પણ તેઓ મદદ કરતાં. તેઓને કામ કરવાની મજા આવતી. તેઓને મારી જોડે રહેવું ગમતું એટલે હું જે કંઈ કરતી, એ તેઓ પણ કરવાં લાગતાં. આમ, તેઓ જવાબદારી ઉપાડવાનું શીખ્યાં.’—લોરા.

‘એક વાર મેં મારા દીકરાને કીધું કે અમારા કુટુંબના મિત્રને ફોન કરે અને ખરાબ વર્તન માટે માફી માંગે. પછીનાં વર્ષોમાં તેના જીવનમાં એવી ઘણી પળો આવી, જ્યારે ભલે અઘરું લાગ્યું પણ તેણે પોતાની ભૂલો સ્વીકારવી પડી હતી. આમ, તે પોતાની ભૂલો માટે માફી માંગવાનું શીખ્યો છે.’—ડેબ્રા.

પરિણામ વિશે વિચારવાથી થતા ફાયદા

ઍટલૅન્ટિક મૅગેઝિનમાં જેસિકા લાહેએ લખ્યું હતું: ‘માબાપે યાદ રાખવું જોઈએ કે બાળકો પોતાની ભૂલોમાંથી મહત્ત્વના બોધપાઠ શીખશે. દર વર્ષે હું એવા વિદ્યાર્થીઓને ભણાવું છું, જેઓ અનેક ભૂલો કરે છે. માબાપો તેઓને એ ભૂલોનું પરિણામ ભોગવવાથી બચાવતા નથી. તેઓ તો બાળકોને મદદ કરે છે, જેથી ફરી એવી ભૂલ ન થાય. એ વિદ્યાર્થીઓ જીવનમાં સફળ થયા છે અને ખુશ રહે છે.’

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો