પ્રકરણ ૮
મંડળ માટે “શાંતિનો સમયગાળો શરૂ થયો”
જુલમ ગુજારનાર શાઉલ ઉત્સાહી પ્રચારક બને છે
પ્રેરિતોનાં કાર્યો ૯:૧-૪૩ના આધારે
૧, ૨. શાઉલે દમસ્કમાં શું કરવાનું નક્કી કરી લીધું હતું?
અમુક માણસોનું ટોળું દમસ્ક શહેર જવા નીકળી પડ્યું છે. તેઓ એ શહેરની નજીક પહોંચી ગયા છે. તેઓએ નક્કી કરી લીધું છે કે ત્યાં જઈને તેઓ ઈસુના શિષ્યોને ઘરની બહાર ઘસડી લાવશે, તેઓનું અપમાન કરશે અને યરૂશાલેમની ન્યાયસભામાં લઈ જશે, જેથી તેઓને આકરી સજા થાય.
૨ એ ટોળાના આગેવાન શાઉલ છે.a તેમના હાથ પહેલેથી ખૂનથી રંગાયેલા છે. હાલમાં જ અમુક ઝનૂની યહૂદીઓ સ્તેફનને મારી રહ્યા હતા ત્યારે, શાઉલ એ બધું ઊભા ઊભા જોતા હતા. ઈસુના વફાદાર શિષ્ય સ્તેફનને મારી નાખવામાં તેમની સહમતી હતી. (પ્રે.કા. ૭:૫૭–૮:૧) પછી તે આખા યરૂશાલેમમાં શિષ્યોની સતાવણી કરવાનું શરૂ કરે છે. પણ એટલેથી તેમનું મન નથી ભરાતું. તે બીજાં શહેરોમાં જઈને શિષ્યોની સતાવણી કરવાનું શરૂ કરી દે છે. તેમને લાગે છે કે આ નવો પંથ, ‘સત્યનો માર્ગ’ બહુ ખતરનાક છે. એટલે તે કોઈ પણ રીતે આ પંથનું નામનિશાન મિટાવવા માંગે છે.—પ્રે.કા. ૯:૧, ૨; “દમસ્કમાં શાઉલને અધિકાર” બૉક્સ જુઓ.
૩, ૪. (ક) શાઉલ સાથે શું બન્યું? (ખ) આપણે કયા સવાલોના જવાબ મેળવીશું?
૩ શાઉલ અને તેમના સાથીઓ દમસ્કની એકદમ નજીક પહોંચી ગયા છે. અચાનક શાઉલની આસપાસ પ્રકાશ ઝળહળી ઊઠે છે. એ જોઈને તેમના સાથીઓ એટલા દંગ રહી જાય છે કે તેઓ કંઈ બોલી શકતા નથી. શાઉલ આંધળા થઈ જાય છે અને તે જમીન પર પડી જાય છે. તેમને કંઈ દેખાતું નથી, પણ આકાશમાંથી એક અવાજ સંભળાય છે: “શાઉલ, શાઉલ, તું શા માટે મારા પર જુલમ કરે છે?” શાઉલ ગભરાતાં ગભરાતાં પૂછે છે: “માલિક, તમે કોણ છો?” એનો જવાબ સાંભળીને શાઉલને કંપારી છૂટી ગઈ હશે. તેમને ફરીથી એ અવાજ સંભળાય છે: “હું ઈસુ છું, જેના પર તું જુલમ કરી રહ્યો છે.”—પ્રે.કા. ૯:૩-૫; ૨૨:૯.
૪ “તું શા માટે મારા પર જુલમ કરે છે,” ઈસુના એ શબ્દોથી આપણને શું શીખવા મળે છે? શાઉલ ઈસુના શિષ્ય બન્યા એ સમયના બનાવો પર ધ્યાન આપવાથી આપણને શું ફાયદો થાય છે? શાઉલ શિષ્ય બન્યા એ પછી મંડળમાં શાંતિનો સમયગાળો શરૂ થયો. એ સમયે મંડળે શું કર્યું અને એમાંથી શું શીખવા મળે છે?
“તું શા માટે મારા પર જુલમ કરે છે?” (પ્રે.કા. ૯:૧-૫)
૫, ૬. ઈસુએ શાઉલને કહેલા શબ્દોથી શું શીખવા મળે છે?
૫ ઈસુએ શાઉલને એવું ન પૂછ્યું: “તું શા માટે મારા શિષ્યો પર જુલમ કરે છે?” એના બદલે તેમણે પૂછ્યું: “તું શા માટે મારા પર જુલમ કરે છે?” (પ્રે.કા. ૯:૪) એનાથી દેખાય આવે છે કે આપણે સતાવણી સહન કરીએ છીએ ત્યારે, આપણું દુઃખ જોઈને ઈસુ પણ દુઃખી થાય છે.—માથ. ૨૫:૩૪-૪૦, ૪૫.
૬ શ્રદ્ધાને લીધે તમારી સતાવણી થઈ રહી હોય તો, ખાતરી રાખો કે યહોવા અને ઈસુને ખબર છે કે તમારા પર શું વીતી રહ્યું છે. (માથ. ૧૦:૨૨, ૨૮-૩૧) બની શકે કે યહોવા તમારી કસોટી તરત દૂર ન કરે. પણ યાદ કરો, ઈસુએ જોયું હતું કે શાઉલ સ્તેફનને મારી નાખવામાં સાથ આપી રહ્યા હતા. એટલું જ નહિ, ઈસુએ એ પણ જોયું હતું કે શાઉલ યરૂશાલેમમાં શિષ્યોને ઘરમાંથી બહાર ઘસડી લાવતા હતા. (પ્રે.કા. ૮:૩) એ સમયે ઈસુએ તેમને રોક્યા નહિ. પણ યહોવાએ ઈસુ દ્વારા સ્તેફનને અને બીજા શિષ્યોને હિંમત આપી, જેથી તેઓ વફાદાર રહી શકે.
૭. સતાવણી સહન કરવા તમે કયાં પગલાં ભરી શકો?
૭ તમે પણ ધીરજથી સતાવણી સહન કરી શકો છો. એ માટે તમે આ પગલાં ભરી શકો: (૧) ભલે કંઈ પણ થાય તમે યહોવાને વફાદાર રહેશો એવો પાકો નિર્ણય લો. (૨) યહોવા પાસે મદદ માંગો. (ફિલિ. ૪:૬, ૭) (૩) બદલો લેવાનું યહોવાના હાથમાં છોડી દો. (રોમ. ૧૨:૧૭-૨૧) (૪) યહોવા તમારી કસોટી દૂર કરે ત્યાં સુધી તમને સહન કરવા શક્તિ આપશે એવો ભરોસો રાખો.—ફિલિ. ૪:૧૨, ૧૩.
‘મારા ભાઈ શાઉલ, માલિકે મને મોકલ્યો છે’ (પ્રે.કા. ૯:૬-૧૭)
૮, ૯. અનાન્યાને કામ સોંપવામાં આવ્યું ત્યારે તેમને કેવી લાગણી થઈ હશે?
૮ “માલિક, તમે કોણ છો?” એ સવાલનો જવાબ આપ્યા પછી ઈસુએ શાઉલને કહ્યું: “તું ઊભો થઈને શહેરમાં જા અને તારે શું કરવું એ વિશે તને જણાવવામાં આવશે.” (પ્રે.કા. ૯:૬) શાઉલને કંઈ દેખાતું ન હતું, એટલે તેમના સાથીઓ તેમનો હાથ પકડીને તેમને દમસ્ક લઈ ગયા. ત્યાં તેમણે ત્રણ દિવસ ઉપવાસ કર્યા અને તે પ્રાર્થના કરતા રહ્યા. એવામાં ઈસુએ દમસ્કના એક શિષ્ય અનાન્યાને શાઉલ વિશે જણાવ્યું. દમસ્કમાં રહેતા ‘બધા યહૂદીઓમાં તેમની શાખ સારી હતી.’—પ્રે.કા. ૨૨:૧૨.
૯ મંડળના શિર ઈસુ ખ્રિસ્ત, જેમને મરણમાંથી જીવતા કરવામાં આવ્યા છે, તેમણે ખુદ અનાન્યા સાથે વાત કરી. જરા વિચારો, એ સમયે અનાન્યાને કેવી લાગણી થઈ હશે. ઈસુએ તેમની સાથે વાત કરી એનાથી તેમને બહુ ખુશી થઈ હશે. પણ ઈસુએ જે કામ સોંપ્યું એનાથી તેમને ગભરામણ તો થઈ જ હશે. જ્યારે ઈસુએ અનાન્યાને શાઉલ પાસે જવાનું કહ્યું, ત્યારે તેમણે જણાવ્યું: “મારા માલિક, આ માણસે યરૂશાલેમમાં તમારા પવિત્ર લોકોને કેટલા હેરાન કર્યા છે, એ વિશે મેં ઘણા પાસેથી સાંભળ્યું છે. જેઓ તમારા નામે પોકાર કરે છે, તેઓ બધાને પકડવા તે મુખ્ય યાજકો પાસેથી અધિકાર લઈને અહીં આવ્યો છે.”—પ્રે.કા. ૯:૧૩, ૧૪.
૧૦. ઈસુ અનાન્યા સાથે જે રીતે વર્ત્યા, એનાથી ઈસુ વિશે શું શીખવા મળે છે?
૧૦ અનાન્યાની વાત સાંભળીને ઈસુ તેમના પર ગુસ્સે ન થયા. પણ અનાન્યાએ શું કરવું જોઈએ એ વિશે તેમણે સ્પષ્ટ માર્ગદર્શન આપ્યું. તેમણે અનાન્યાની લાગણીઓનો પણ વિચાર કર્યો, એટલે પ્રેમથી સમજાવ્યું કે અનાન્યાને આ ખાસ કામ કેમ સોંપવામાં આવ્યું છે. ઈસુએ તેમને શાઉલ વિશે જણાવ્યું: “આ માણસને મેં પસંદ કર્યો છે. તે બીજી પ્રજાઓ, રાજાઓ અને ઇઝરાયેલના દીકરાઓ આગળ મારું નામ પ્રગટ કરશે. હું તેને સાફ સાફ બતાવીશ કે મારા નામને લીધે તેણે કેટલું બધું સહેવું પડશે.” (પ્રે.કા. ૯:૧૫, ૧૬) અનાન્યાએ તરત ઈસુની વાત માની. તે જુલમ ગુજારનાર શાઉલને મળ્યા ત્યારે તેમણે કહ્યું: “મારા ભાઈ શાઉલ, તું રસ્તે આવતો હતો ત્યારે માલિક ઈસુએ તને દર્શન આપ્યું હતું. તેમણે જ મને મોકલ્યો છે, જેથી તું ફરી દેખતો થાય અને પવિત્ર શક્તિથી ભરપૂર થાય.”—પ્રે.કા. ૯:૧૭.
૧૧, ૧૨. શાઉલ ઈસુના શિષ્ય બન્યા એ અહેવાલમાંથી શું શીખવા મળે છે?
૧૧ શાઉલ ઈસુના શિષ્ય બન્યા એ અહેવાલમાંથી ઘણું બધું શીખવા મળે છે. દાખલા તરીકે, ઈસુએ વચન આપ્યું હતું તેમ, તે પ્રચારકામમાં માર્ગદર્શન આપે છે. (માથ. ૨૮:૨૦) આજે ઈસુ કોઈ વ્યક્તિ સાથે વાત કરીને નહિ, પણ વિશ્વાસુ ચાકર દ્વારા પ્રચાર માટે માર્ગદર્શન આપે છે. ઈસુએ ચાકરને ઘરના સેવકોની જવાબદારી સોંપી છે. (માથ. ૨૪:૪૫-૪૭) નિયામક જૂથના માર્ગદર્શન પ્રમાણે પ્રકાશકો અને પાયોનિયરો એવા લોકોને શોધે છે, જેઓ ખ્રિસ્ત વિશે જાણવા માંગે છે. ગયા પ્રકરણમાં જોઈ ગયા તેમ, ઘણા લોકો ઈશ્વરને પ્રાર્થના કરતા હતા અને ત્યારે જ સાક્ષીઓએ તેઓની મુલાકાત લીધી હતી.—પ્રે.કા. ૯:૧૧.
૧૨ અનાન્યાએ ઈસુની વાત માની અને તેમણે સોંપેલું કામ કર્યું, એટલે તેમને આશીર્વાદ મળ્યો. આપણને પણ આજ્ઞા મળી છે કે ઈશ્વરના રાજ્ય વિશે પૂરેપૂરી સાક્ષી આપીએ. શું આપણે એ આજ્ઞા પાળીએ છીએ, પછી ભલેને એમ કરવું અઘરું લાગતું હોય? અમુક ભાઈ-બહેનોને ઘરે ઘરે જવામાં અને અજાણ્યા લોકો સાથે વાત કરવામાં ડર લાગે છે. બીજાં અમુકને વેપાર વિસ્તારમાં, રસ્તા પર અથવા ફોન કે પત્ર દ્વારા પ્રચાર કરવો અઘરું લાગે છે. અનાન્યાને પણ શરૂઆતમાં ડર લાગતો હતો. જોકે તેમણે પોતાના ડર પર કાબૂ મેળવ્યો, એટલે શાઉલને પવિત્ર શક્તિ મેળવવામાં મદદ કરી શક્યા.b તે કઈ રીતે ડર પર કાબૂ મેળવી શક્યા? તેમણે ઈસુ પર ભરોસો રાખ્યો અને શાઉલને પોતાના ભાઈ ગણ્યા. આપણે પણ ડર પર કાબૂ મેળવવા અનાન્યાના દાખલાને અનુસરીએ. તેમની જેમ આપણે લોકોને હમદર્દી બતાવીએ અને ભરોસો રાખીએ કે ઈસુ પ્રચારકામમાં માર્ગદર્શન આપે છે. તેમ જ, આશા રાખીએ કે ખતરનાક લોકો પણ સમય જતાં આપણા ભાઈ કે બહેન બની શકે છે.—માથ. ૯:૩૬.
‘તે ઈસુ વિશે પ્રચાર કરવા લાગ્યા’ (પ્રે.કા. ૯:૧૮-૩૦)
૧૩, ૧૪. જો તમે બાઇબલમાંથી શીખતા હો પણ બાપ્તિસ્મા ન લીધું હોય, તો શાઉલ પાસેથી શું શીખવા મળે છે?
૧૩ શાઉલ જે શીખ્યા એ પ્રમાણે તરત પગલાં ભર્યાં. તે દેખતા થયા પછી તેમણે બાપ્તિસ્મા લીધું અને દમસ્કના શિષ્યો સાથે હળવા-મળવા લાગ્યા. એટલું જ નહિ, ‘તરત તે સભાસ્થાનોમાં પ્રચાર કરવા લાગ્યા કે ઈસુ એ ઈશ્વરના દીકરા છે.’—પ્રે.કા. ૯:૨૦.
૧૪ જો તમે બાઇબલમાંથી શીખી રહ્યા હો પણ હજુ સુધી બાપ્તિસ્મા ન લીધું હોય, તો શું તમે શાઉલની જેમ તરત પગલાં ભરશો? એ વાત સાચી કે ઈસુએ કરેલા ચમત્કારનો શાઉલે પોતે અનુભવ કર્યો હતો અને એનાથી તેમને બાપ્તિસ્મા લેવા મદદ મળી હશે. જોકે બીજા ઘણા લોકોએ ઈસુને ચમત્કાર કરતા જોયા હતા, તોપણ એની તેઓ પર કોઈ અસર થઈ ન હતી. જેમ કે, અમુક ફરોશીઓએ જોયું હતું કે ઈસુએ સુકાયેલા હાથવાળા માણસને સાજો કર્યો હતો અને ઘણા યહૂદીઓ જાણતા હતા કે ઈસુએ લાજરસને મરણમાંથી જીવતા કર્યા હતા. તોપણ એમાંના ઘણા લોકોએ શિષ્ય બનવાને બદલે તેમનો વિરોધ કર્યો હતો. (માર્ક ૩:૧-૬; યોહા. ૧૨:૯, ૧૦) તો સવાલ થાય કે શાઉલ કેમ ઈસુના શિષ્ય બન્યા અને બીજાઓ નહિ? કેમ કે શાઉલ માણસો કરતાં ઈશ્વરનો વધારે ડર રાખતા હતા અને ખ્રિસ્તે તેમના પર જે દયા બતાવી હતી એની દિલથી કદર કરતા હતા. (ફિલિ. ૩:૮) જો તમે શાઉલ જેવા વિચારો કેળવશો, તો તમે પણ પ્રચારમાં ભાગ લઈ શકશો અને બાપ્તિસ્મા માટે તૈયાર થઈ શકશો.
૧૫, ૧૬. શાઉલે સભાસ્થાનોમાં શું કર્યું? તેમનો સંદેશો સાંભળીને દમસ્કના મોટા ભાગના યહૂદીઓએ શું કર્યું?
૧૫ શાઉલે સભાસ્થાનોમાં ઈસુ વિશે શીખવવાનું શરૂ કરી દીધું હતું. શું તમે કલ્પના કરી શકો કે એ જોઈને લોકોને કેવું લાગ્યું હશે? તેઓ દંગ રહી ગયા હશે. અમુક લોકો તો ગુસ્સાથી તપી ઊઠ્યા હશે. તેઓ એકબીજાને કહેવા લાગ્યા: “શું આ એ માણસ નથી, જે યરૂશાલેમમાં આ નામ લેનારાઓ પર ભારે ત્રાસ ગુજારતો હતો?” (પ્રે.કા. ૯:૨૧) શાઉલે તેઓને સમજાવ્યું કે તેમણે કેમ ઈસુ વિશે પોતાના વિચારો બદલ્યા. તેમણે ‘સાબિતીઓ આપી કે ઈસુ એ જ ખ્રિસ્ત છે.’ (પ્રે.કા. ૯:૨૨) પણ સાબિતીઓ આપવાથી દરેક વ્યક્તિને ખાતરી થતી નથી. જે લોકો રીતરિવાજોથી બંધાયેલા હોય છે અથવા ઘમંડથી ભરેલા હોય છે, તેઓને ગમે એટલી સાબિતીઓ આપો, તેઓ પોતાના વિચારો બદલતા નથી. પણ શાઉલ હિંમત ન હાર્યા, તે પ્રચાર કરતા રહ્યા.
૧૬ ત્રણ વર્ષ પછી પણ, દમસ્કના યહૂદીઓ શાઉલનો વિરોધ કરતા રહ્યા. છેવટે તેઓએ તેમને મારી નાખવાનું કાવતરું ઘડ્યું. (પ્રે.કા. ૯:૨૩; ૨ કોરીં. ૧૧:૩૨, ૩૩; ગલા. ૧:૧૩-૧૮) જ્યારે શાઉલને એ વાતની ખબર પડી ત્યારે તેમણે ચૂપચાપ શહેરમાંથી નીકળી જવાનું નક્કી કર્યું. એ માટે અમુક લોકોએ તેમને મદદ કરી. તેઓએ શાઉલને ટોપલામાં બેસાડીને શહેરની દીવાલની બારીમાંથી નીચે ઉતાર્યા. લૂકે જણાવ્યું કે એ રાતે જે લોકોએ શાઉલની મદદ કરી હતી, તેઓ “શાઉલના શિષ્યો” હતા. (પ્રે.કા. ૯:૨૫) એનાથી ખબર પડે છે કે શાઉલે દમસ્કમાં પ્રચાર કર્યો ત્યારે અમુક લોકો ખ્રિસ્તના શિષ્યો બન્યા હતા.
૧૭. (ક) બાઇબલનું સત્ય સાંભળીને લોકો શું કરે છે? (ખ) લોકો બાઇબલનું શિક્ષણ ન સ્વીકારે તોપણ આપણે શું કરતા રહેવું જોઈએ?
૧૭ તમે બાઇબલ અભ્યાસ શરૂ કર્યો ત્યારે, તમે શીખેલી વાતો કુટુંબના સભ્યોને, દોસ્તોને અને બીજાઓને જણાવી હશે. તમને લાગ્યું હશે કે બાઇબલનું સત્ય એટલું સ્પષ્ટ અને સમજવામાં સહેલું છે કે બધા એને સ્વીકારી લેશે. અમુક લોકોએ કદાચ એ સ્વીકાર્યું હશે, પણ મોટા ભાગના લોકોએ એવું નહિ કર્યું હોય. કદાચ તમારા કુટુંબના સભ્યો તમને દુશ્મન ગણવા લાગ્યા હશે. (માથ. ૧૦:૩૨-૩૮) પણ તમે હિંમત ન હારશો. બાઇબલમાંથી સાબિતીઓ આપીને સમજાવવાની આવડત નિખારતા રહેજો. તેમ જ, યહોવાના સિદ્ધાંતો પ્રમાણે વાણી-વર્તન રાખજો. જો તમે એવું કરતા રહેશો, તો સમય જતાં વિરોધ કરનારા લોકોનું વલણ બદલાઈ શકે છે.—પ્રે.કા. ૧૭:૨; ૧ પિત. ૨:૧૨; ૩:૧, ૨, ૭.
૧૮, ૧૯. (ક) બાર્નાબાસ શાઉલની મદદે આવ્યા એનું શું પરિણામ આવ્યું? (ખ) આપણે બાર્નાબાસ અને શાઉલ પાસેથી શું શીખી શકીએ?
૧૮ શાઉલ દમસ્ક છોડીને યરૂશાલેમ આવી ગયા હતા. તેમણે બીજા શિષ્યોને જણાવ્યું કે હવે તે ઈસુના શિષ્ય છે. પણ તેઓને શાઉલની વાત પર ભરોસો બેસતો ન હતો. એટલે બાર્નાબાસ શાઉલની મદદે આવ્યા અને પ્રેરિતોને સમજાવ્યું કે એ વાત સાચી છે. પછી તેઓએ શાઉલનો સ્વીકાર કર્યો. તે થોડા સમય સુધી તેઓ સાથે યરૂશાલેમમાં રહ્યા. (પ્રે.કા. ૯:૨૬-૨૮) ત્યાં પણ તેમણે સાવચેતી રાખીને ખુશખબર જણાવી. પણ સંદેશો જણાવવામાં તે જરાય શરમ અનુભવતા ન હતા. (રોમ. ૧:૧૬) એક સમય હતો કે શાઉલ આ જ શહેરમાં ઈસુના શિષ્યોની આકરી સતાવણી કરતા હતા. પણ હવે તે આ જ શહેરમાં હિંમતથી ઈસુ વિશે પ્રચાર કરતા હતા. યહૂદીઓને આશા હતી કે ઈસુના શિષ્યોનું નામનિશાન મિટાવવામાં શાઉલ આગેવાની લેશે. પણ તેઓએ જોયું કે શાઉલ પોતે ઈસુના શિષ્ય બની ગયા હતા, એ તેઓથી સહન ન થયું. એટલે તેઓ શાઉલને મારી નાખવા માંગતા હતા. ‘એ વિશે ભાઈઓને ખબર પડી ત્યારે, તેઓ તેમને કાઈસારીઆ લઈ ગયા અને ત્યાંથી તેમને તાર્સસ મોકલી દીધા.’ (પ્રે.કા. ૯:૩૦) મંડળના ભાઈઓ દ્વારા ઈસુએ જે માર્ગદર્શન આપ્યું, એ પ્રમાણે શાઉલે કર્યું. એનાથી શાઉલ અને મંડળને ફાયદો થયો.
૧૯ ધ્યાન આપો કે બાર્નાબાસે શાઉલની મદદ કરવા પહેલ કરી હતી. પછી એ બંને ઉત્સાહી શિષ્યો વચ્ચે સારી દોસ્તી થઈ ગઈ હશે. શું તમે બાર્નાબાસની જેમ, મંડળનાં નવાં ભાઈ-બહેનોને મદદ કરો છો? શું તેઓ સાથે પ્રચારમાં જાઓ છો? શું તેઓને યહોવાની વધારે નજીક જવા મદદ કરો છો? એમ કરશો તો તમને ઘણા આશીર્વાદો મળશે. જો તમે નવા પ્રકાશક હો, તો શાઉલની જેમ શું તમે બીજાઓની મદદ સ્વીકારો છો? અનુભવી ભાઈ-બહેનો સાથે પ્રચારમાં જવાથી તમે તમારી આવડત નિખારી શકશો, ખુશખબર ફેલાવવાના કામમાં તમારી ખુશી વધશે અને જીવનભર સાથ આપે એવા દોસ્તો મળશે.
‘ઘણા લોકોએ શ્રદ્ધા મૂકી’ (પ્રે.કા. ૯:૩૧-૪૩)
૨૦, ૨૧. પહેલી સદીમાં અને આજના સમયમાં ઈશ્વરભક્તોએ ‘શાંતિના સમયગાળામાં’ શું કર્યું?
૨૦ શાઉલ ઈસુના શિષ્ય બન્યા અને સહીસલામત યરૂશાલેમથી નીકળ્યા, એ પછી “આખા યહૂદિયા, ગાલીલ અને સમરૂનના મંડળ માટે શાંતિનો સમયગાળો શરૂ થયો.” (પ્રે.કા. ૯:૩૧) શિષ્યોએ શાંતિના સમયગાળામાં શું કર્યું? (૨ તિમો. ૪:૨) કલમમાં જણાવ્યું છે કે તેઓ ‘દૃઢ થતા ગયા.’ પ્રેરિતોએ અને જવાબદાર ભાઈઓએ શિષ્યોની શ્રદ્ધા મજબૂત કરી. તેમ જ, ‘મંડળને યહોવાનો ડર રાખવા અને પવિત્ર શક્તિથી મળતો દિલાસો મેળવવા’ મદદ કરી. જેમ કે, પિતર શારોનના મેદાની પ્રદેશમાં આવેલા લુદા શહેરમાં ગયા. ત્યાં તેમણે બધા શિષ્યોની હિંમત બંધાવી. પિતરની મહેનતને લીધે ઘણા લોકોએ ખુશખબર સાંભળી અને તેઓ “માલિકના શિષ્યો બન્યા.” (પ્રે.કા. ૯:૩૨-૩૫) શાંતિના સમયગાળામાં શિષ્યોએ પોતાનું ધ્યાન બીજી બાબતોમાં ભટકવા ન દીધું. પણ તેઓએ એકબીજાને મદદ કરવામાં અને પ્રચાર કરવામાં સખત મહેનત કરી. એટલે “મંડળમાં વધારો થતો ગયો.”
૨૧ આજે આપણા સમયમાં પણ એવું જ કંઈક થયું છે. ૧૯૯૦ની આસપાસ ઘણા દેશોમાં યહોવાના સાક્ષીઓ માટે “શાંતિનો સમયગાળો” શરૂ થયો. કેમ કે દાયકાઓથી સાક્ષીઓ પર જુલમ ગુજારતી સરકારોની સત્તા અચાનક પલટાઈ ગઈ. એટલે એ દેશોમાં પ્રચાર કરવો સહેલું થઈ ગયું અને અમુક દેશોમાં તો પૂરેપૂરી રીતે પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો. લાખો યહોવાના સાક્ષીઓએ એ અનેરી તક ઝડપી લીધી અને તેઓ છૂટથી પ્રચાર કરવા લાગ્યા. એનાં જોરદાર પરિણામ આવ્યાં.
૨૨. ભક્તિ કરવાની આઝાદીનો પૂરેપૂરો ફાયદો ઉઠાવવા તમે શું કરી શકો?
૨૨ જો તમારા દેશમાં છૂટથી યહોવાની ભક્તિ કરવાની આઝાદી હોય, તો એક વાત યાદ રાખો. શેતાન પૂરેપૂરી કોશિશ કરે છે કે આપણે યહોવાની ભક્તિ બાજુ પર મૂકી દઈએ અને ધનદોલત ભેગી કરવા પાછળ દોડીએ. (માથ. ૧૩:૨૨) પણ તમે તેની જાળમાં ફસાઈ ન જતા. એના બદલે તમને મળેલી આઝાદીનો સારો ઉપયોગ કરજો. તમારા સંજોગો સાથ આપે ત્યાં સુધી, પૂરેપૂરી સાક્ષી આપવા અને ભાઈ-બહેનોને ભક્તિમાં દૃઢ કરવા મહેનત કરતા રહેજો. યાદ રાખો, જીવનમાં સંજોગો ક્યારેય પણ બદલાઈ શકે છે. તમે આજે જે કરી શકો છો, એ કાલે ન પણ કરી શકો.
૨૩, ૨૪. (ક) ટબીથાના અહેવાલમાંથી શું શીખવા મળે છે? (ખ) આપણે કયો પાકો નિર્ણય લેવો જોઈએ?
૨૩ ચાલો ટબીથાનો વિચાર કરીએ.c તે ઈસુના એક શિષ્યા હતાં. તે દોરકસ તરીકે પણ ઓળખાતાં હતાં. તે લુદા શહેરમાં આવેલા યાફામાં રહેતાં હતાં. એ વફાદાર બહેન પોતાનાં સમય અને ચીજવસ્તુઓનો ‘ઘણાં સારાં કામ કરવામાં અને ગરીબોને મદદ કરવામાં’ ઉપયોગ કરતા હતાં. પણ એક દિવસ તે અચાનક બીમાર પડ્યાં અને ગુજરી ગયાં. તેમના મરણથી યાફાના બધા શિષ્યો શોકમાં ડૂબી ગયા. ખાસ કરીને, એ વિધવાઓને બહુ મોટો આંચકો લાગ્યો, જેઓને ટબીથા મદદ કરતા હતાં. ટબીથાના શબને દફનાવવા માટે તૈયાર કરવામાં આવતું હતું ત્યારે પિતર ત્યાં આવ્યા. પછી તેમણે એવો ચમત્કાર કર્યો જે અગાઉ બીજા કોઈ પ્રેરિતે કર્યો ન હતો. તેમણે પ્રાર્થના કરી અને પછી ટબીથાને જીવતા કર્યા. પિતરે વિધવાઓને અને બીજા શિષ્યોને ઓરડામાં બોલાવીને દેખાડ્યું કે ટબીથા જીવે છે. એ જોઈને બધા ખુશીથી ઝૂમી ઊઠ્યા હશે! આગળ જતાં તેઓ પર જે કસોટીઓ આવવાની હતી, એનો હિંમતથી સામનો કરવા આ બનાવથી ચોક્કસ મદદ મળી હશે. આ ચમત્કારની ‘આખા યાફામાં જાણ થઈ અને ઘણા લોકોએ માલિકમાં શ્રદ્ધા મૂકી.’—પ્રે.કા. ૯:૩૬-૪૨.
તમે ટબીથાના દાખલાને કઈ રીતે અનુસરી શકો?
૨૪ ટબીથાના અહેવાલમાંથી આપણને બે મહત્ત્વની વાતો શીખવા મળે છે. (૧) જીવનનો કોઈ ભરોસો નથી એટલે સમય છે ત્યાં સુધી, યહોવાની નજરમાં સારું નામ બનાવવા મહેનત કરતા રહીએ. (સભા. ૭:૧) (૨) ગુજરી ગયેલા લોકોને ઈશ્વર ચોક્કસ જીવતા કરશે. યહોવાએ ટબીથાનું દરેક સારું કામ યાદ રાખ્યું અને એનું ઇનામ આપ્યું. એવી જ રીતે, યહોવા આપણી અથાક મહેનત યાદ રાખશે અને જો આર્માગેદન પહેલાં આપણું મરણ થાય, તો તે આપણને જીવતા કરશે. (હિબ્રૂ. ૬:૧૦) એટલે પાકો નિર્ણય લઈએ કે ભલે ‘સમય ખરાબ’ હોય કે “શાંતિનો સમયગાળો” ચાલતો હોય, આપણે ખ્રિસ્ત વિશે પૂરેપૂરી સાક્ષી આપવા મહેનત કરતા રહીશું.—૨ તિમો. ૪:૨.
a “શાઉલ—એક ફરોશી” બૉક્સ જુઓ.
b આમ તો પ્રેરિતો દ્વારા જ બીજાઓને પવિત્ર શક્તિથી મળતી ભેટો આપવામાં આવતી હતી. પણ આ બનાવ એકદમ અલગ હતો. અનાન્યા પ્રેરિત ન હતા, તોપણ ઈસુએ તેમને અધિકાર આપ્યો કે તે શાઉલને પવિત્ર શક્તિથી મળતી ભેટો આપે. શાઉલ ઈસુના શિષ્ય બન્યા પછી તે ઘણા સમય સુધી ૧૨ પ્રેરિતોને મળ્યા ન હતા. પણ એ સમયગાળામાં શાઉલે ચોક્કસ જોરશોરથી પ્રચાર કર્યો હશે. એટલે ઈસુએ ગોઠવણ કરી કે અનાન્યા દ્વારા શાઉલને પવિત્ર શક્તિ મળે, જેથી તે પ્રચારકામ ચાલુ રાખી શકે.
c “ટબીથા—‘તે ઘણાં સારાં કામ કરતા હતાં’” બૉક્સ જુઓ.