વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • lfb પાઠ ૯૬ પાન ૨૨૪-પાન ૨૨૫ ફકરો ૨
  • ઈસુએ શાઉલને પસંદ કર્યા

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઈસુએ શાઉલને પસંદ કર્યા
  • ચાલો, બાઇબલ વાર્તાઓમાંથી શીખીએ
  • સરખી માહિતી
  • સતાવનાર મહાન પ્રકાશ જુએ છે
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૦
  • મંડળ માટે “શાંતિનો સમયગાળો શરૂ થયો”
    ઈશ્વરના રાજ્ય વિશે “પૂરેપૂરી સાક્ષી” આપીએ
  • શાઊલના પ્રચારથી નફરત જાગે છે
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૫
  • દાઉદ અને શાઉલ
    ચાલો, બાઇબલ વાર્તાઓમાંથી શીખીએ
વધુ જુઓ
ચાલો, બાઇબલ વાર્તાઓમાંથી શીખીએ
lfb પાઠ ૯૬ પાન ૨૨૪-પાન ૨૨૫ ફકરો ૨
શાઉલની ચારે બાજુ પ્રકાશ ઝળહળી ઊઠે છે

પાઠ ૯૬

ઈસુએ શાઉલને પસંદ કર્યા

શાઉલનો જન્મ તાર્સસ નામના શહેરમાં થયો હતો. તે એક રોમન નાગરિક હતા. તે ફરોશી હતા અને યહૂદી નિયમોના સારા જાણકાર હતા. તે ઈસુના શિષ્યોને નફરત કરતા અને તેઓની સખત સતાવણી કરતા. શાઉલ સ્ત્રી-પુરુષોને ઘરમાંથી ઘસડી લાવતા અને જેલમાં નાખી દેતા. એકવાર ગુસ્સે ભરાયેલા ટોળાએ સ્તેફન નામના શિષ્યને પથ્થરે મારી નાખ્યા. એ સમયે શાઉલ નજીક ઊભા રહીને બધું જોતા હતા.

શાઉલ યરૂશાલેમ સિવાય બીજા વિસ્તારોમાંથી પણ ઈસુના શિષ્યોને પકડવા માંગતા હતા. તેમણે પ્રમુખ યાજક પાસે દમસ્ક શહેર જવાની મંજૂરી માંગી, જેથી તે ત્યાંના શિષ્યોને શોધી શોધીને પકડી શકે. શાઉલ દમસ્ક નજીક હતા ત્યારે, અચાનક તેમની ચારે બાજુ પ્રકાશ ઝળહળી ઊઠ્યો અને તે જમીન પર પડી ગયા. તેમને એક અવાજ સંભળાયો: ‘શાઉલ, તું મારા પર કેમ જુલમ કરે છે?’ શાઉલે પૂછ્યું: “તમે કોણ છો?” તેમને જવાબ મળ્યો: ‘હું ઈસુ છું. તું દમસ્ક જા, ત્યાં તને જણાવવામાં આવશે કે તારે શું કરવું.’ એ જ ઘડીએ શાઉલ આંધળા થઈ ગયા અને લોકો તેમને હાથ પકડીને શહેરમાં લઈ ગયા.

દમસ્કમાં અનાન્યા નામના એક વફાદાર શિષ્ય રહેતા હતા. ઈસુએ તેમને દર્શનમાં કહ્યું: ‘સીધી નામની શેરીમાં યહૂદાના ઘરે જા અને શાઉલ વિશે પૂછ.’ અનાન્યાએ કહ્યું: ‘માલિક, હું એ માણસ વિશે બધું જ જાણું છું. તે તમારા શિષ્યોને જેલમાં નખાવે છે.’ પણ ઈસુએ કહ્યું: ‘તું તેની પાસે જા. મેં શાઉલને ઘણા દેશોમાં ખુશખબર જણાવવા પસંદ કર્યો છે.’

ઝળહળતો પ્રકાશ જોઈને શાઉલ આંધળા થઈ જાય છે

જ્યારે અનાન્યા શાઉલને મળ્યા ત્યારે તેમણે કહ્યું: ‘શાઉલ મારા ભાઈ, ઈસુએ મને તારી પાસે મોકલ્યો છે, જેથી તને દેખતો કરી શકું.’ એ જ ઘડીએ શાઉલને ફરીથી દેખાવા લાગ્યું. શાઉલ ઈસુ વિશે શીખ્યા અને બાપ્તિસ્મા લઈને ઈસુના શિષ્ય બન્યા. તે બીજા શિષ્યો સાથે સભાસ્થાનમાં પ્રચાર કરવા લાગ્યા. જરા વિચારો, હવે શાઉલ લોકોને ઈસુ વિશે શીખવતા હતા. એ જોઈને યહૂદીઓને કેટલી નવાઈ લાગી હશે! યહૂદીઓએ કહ્યું: ‘શું આ એ જ માણસ નથી, જે ઈસુના શિષ્યોની સતાવણી કરતો હતો?’

શાઉલે દમસ્કમાં ત્રણ વર્ષ પ્રચાર કર્યો. યહૂદીઓ શાઉલને નફરત કરતા હતા અને તેમને મારી નાખવાનું કાવતરું ઘડતા હતા. પણ ભાઈઓને એ વિશે ખબર પડી ગઈ. એટલે તેઓએ શાઉલને શહેરમાંથી નીકળી જવા મદદ કરી. તેઓએ તેમને મોટા ટોપલામાં બેસાડીને શહેરની દીવાલની બારીમાંથી નીચે ઉતારી દીધા.

શાઉલ યરૂશાલેમ ગયા ત્યારે, તેમણે ત્યાંના ભાઈઓ સાથે જોડાવાનો પ્રયત્ન કર્યો. પણ તેઓ શાઉલથી ડરતા હતા. બાર્નાબાસ નામના એક શિષ્ય હતા. તે બીજાઓને ખૂબ મદદ કરતા હતા. તે શાઉલને પ્રેરિતો પાસે લઈ ગયા. તેમણે ભાઈઓને ભરોસો અપાવ્યો કે શાઉલ સાચે જ બદલાઈ ગયા છે. શાઉલ યરૂશાલેમના મંડળ સાથે મળીને પૂરા ઉત્સાહથી ખુશખબર જણાવવા લાગ્યા. પછીથી તે પાઉલ નામે ઓળખાયા.

“ખ્રિસ્ત ઈસુ પાપીઓને બચાવવા આ દુનિયામાં આવ્યા હતા. એ પાપીઓમાં હું સૌથી વધારે પાપી છું.”—૧ તિમોથી ૧:૧૫

સવાલ: ઈસુના શિષ્યો શાઉલથી કેમ ડરતા હતા? શાઉલ કેમ બદલાઈ ગયા?

પ્રેરિતોનાં કાર્યો ૭:૫૪–૮:૩; ૯:૧-૨૮; ૧૩:૯; ૨૧:૪૦–૨૨:૧૫; રોમનો ૧:૧; ગલાતીઓ ૧:૧૧-૧૮

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો