ભાગ ૪
ઇબ્રાહિમ સાથે ઈશ્વર કરાર કરે છે
ઇબ્રાહિમને ઈશ્વરમાં અતૂટ શ્રદ્ધા છે. ઈશ્વર વચન આપે છે કે તેમના વંશમાંથી મોટી પ્રજા થશે
પ્રલય આવ્યાને લગભગ ૩૫૦ વર્ષ પછી ઇબ્રાહિમ થઈ ગયા. તેમને ઈશ્વરમાં અપાર શ્રદ્ધા. તે ઉર શહેરમાં રહેતા હતા, જે આજે ઇરાકમાં છે. ઉર સમૃદ્ધ શહેર હતું. એક વાર ઈશ્વરે ઇબ્રાહિમની કસોટી કરી.
ઇબ્રાહિમને પોતાનું વતન છોડીને બીજા દેશમાં જવાનું ઈશ્વરે કહ્યું. ઇબ્રાહિમ તરત જ પત્ની સારા, ભત્રીજો લોત અને બાકીના કુટુંબ-કબીલા સાથે બીજા દેશ જવા નીકળી પડ્યા. લાંબી મુસાફરી કરીને તેઓ યહોવાએ કહ્યું હતું એ દેશમાં આવી પહોંચ્યા. એ કનાન દેશ હતો. યહોવાએ ત્યાં ઇબ્રાહિમ સાથે કરાર કરીને આશીર્વાદ આપતા કહ્યું: ‘તારાં કુટુંબમાંથી મોટી પ્રજા બનશે. કનાન દેશ તેઓનો થશે. તારા લીધે સર્વ મનુષ્ય આશીર્વાદ પામશે.’
ઇબ્રાહિમ અને લોતના ઘેટાં-બકરાં, ઢોરઢાંક ખૂબ જ વધ્યા. ચરવા માટેની જગ્યા પણ ખૂટવા લાગી. એટલે ઇબ્રાહિમે લોતને કહ્યું, ‘જે જગ્યા પસંદ પડે ત્યાં ખુશીથી જા.’ લોતે યરદન નદી પાસેનો લીલોછમ વિસ્તાર પસંદ કર્યો. સદોમ શહેરની નજીક રહેવા લાગ્યા. પણ સદોમના પુરુષો ઘોર પાપી હતા. પુરુષ-પુરુષ સાથે જાતીય સંબંધ બાંધતા!
સમય જતાં, યહોવાએ ફરી ઇબ્રાહિમને જણાવ્યું કે ‘તારા સંતાન આકાશના તારા જેટલા થશે.’ ઇબ્રાહિમને એ વચનમાં અતૂટ શ્રદ્ધા હતી. પણ તેમની પત્ની સારાને કોઈ બાળક ન હતું. ઇબ્રાહિમ ૯૯ અને સારા આશરે ૯૦ વર્ષની હતી ત્યારે, ઈશ્વરે કહ્યું કે તેઓને દીકરો થશે. યહોવાએ કહ્યું હતું તેમ તેઓને દીકરો, ઇસહાક થયો. જોકે ઇબ્રાહિમને બીજાં બાળકો પણ થયા. પણ ઈશ્વરે એદન બાગમાં જે તારણહારનું વચન આપ્યું હતું એ ફક્ત ઇસહાકના વંશમાંથી આવવાના હતા.
એ સમયે લોતનું કુટુંબ સદોમમાં રહેતું હતું. પણ તેઓને સદોમના ખરાબ લોકોનો રંગ લાગ્યો નહિ. સદોમ અને એની નજીકના ગમોરાહ શહેરનો પાપનો ઘડો ભરાઈ ગયો હતો. એટલે યહોવાએ એનો નાશ કરવાનું નક્કી કર્યું. એ પહેલાં તેમણે લોતને ચેતવવા દૂતો મોકલ્યા. તેઓએ કહ્યું, ‘સદોમમાંથી નીકળી જાઓ. એનો નાશ થાય ત્યારે પાછા વળીને જોશો નહિ.’ પછી ઈશ્વરે આકાશમાંથી આગ અને ગંધક વરસાવ્યા. સદોમ-ગમોરાહ શહેરનો નાશ કર્યો. લોત અને તેની બે દીકરીઓ બચી ગયા. પણ લોતની પત્નીએ માલ-મિલકતના મોહને લીધે પાછું વળીને જોયું. યહોવાનું માન્યું ન હોવાથી તે તરત મરણ પામી.
—આ માહિતી ઉત્પત્તિ ૧૧:૧૦–૧૯:૩૮માંથી છે.