ઈશ્વરને મહિમા આપે એવાં વાણી-વર્તન
૧. આપણે ડિસ્ટ્રીક્ટ સંમેલનમાં જઈએ ત્યારે કેમ લોકો આપણને પારખી શકે છે?
૧ આપણે ડિસ્ટ્રીક્ટ સંમેલનમાં જઈએ ત્યારે, સહેલાઈથી લોકો પારખી શકે છે આપણે ક્યાં જઈએ છીએ. સંમેલન હોય છે એવાં ઘણાં શહેરોમાં લોકોને આપણા વિશે મિડીયા જણાવે છે. હૉટલો અને રેસ્ટોરન્ટ પણ મોટા ભાગે સંમેલનમાં આવનારાઓથી ભરેલા હોય છે. એ વિસ્તારમાં રહેતા લોકો ઘણાને સંમેલનના બેજ કાર્ડ પહેરેલા જુએ છે. સંમેલનના શહેરમાં હોઈએ ત્યારે સારાં વર્તનથી યહોવાને મહિમા આપવા આપણને મદદ કરે, એવાં અમુક સૂચનો નીચે આપ્યાં છે.—૧ પીત. ૨:૧૨.
૨. સંમેલન હોય એ શહેરમાં આપણે શોભતાં કપડાંથી કઈ રીતે ઈશ્વરને મહિમા આપી શકીએ?
૨ શોભતાં કપડાં: સંમેલનમાં જઈએ ત્યારે, આપણાં શોભતાં કપડાંની ઘણી વાર લોકો પર સારી અસર પડે છે. પરંતુ, બીજા સમયે જેમ કે હૉટલમાં આવીએ, રેસ્ટોરન્ટમાં ખાતા હોઈએ, ખરીદી કરીએ, ત્યારે પણ આપણાં શોભતાં કપડાંની લોકો પર સારી અસર પડી શકે છે. જોકે, આવા સમયોએ સંમેલન જેવાં જ કપડાં પહેરવાની જરૂર નથી. પણ આપણાં કપડાં શોભતાં હોવાં જોઈએ, નહિ કે જેવાં-તેવાં. બીજાઓ આપણી અને દુનિયાના લોકો વચ્ચેનો તફાવત જોઈ શકતા હોવા જોઈએ. (રોમ. ૧૨:૨) વધુમાં, આપણે સંમેલનનું બેજ કાર્ડ પહેરી રાખવું જોઈએ. એનાથી સંમેલન વિશે બીજાઓને ખબર પડશે, સાક્ષી આપવાની તક મળશે અને બીજા ભાઈબહેનો પણ આપણને ઓળખી શકશે.
૩. આપણે કઈ રીતે ધીરજ અને માન બતાવી શકીએ?
૩ ધીરજ અને માન બતાવવાં: આજે દુનિયામાં ઘણા લોકો સ્વાર્થી છે અને તેઓમાં આભાર માનવાની ભાવના નથી. એવા સમયે આપણે ધીરજ અને માન બતાવીએ એ જોઈને લોકોને, જેમ કે હૉટલ અને રેસ્ટોરન્ટમાં કામ કરનારાને ઘણું સારું લાગશે. (૨ તીમો. ૩:૧-૫) સીટ રાખીએ કે નવું સાહિત્ય મેળવવાની લાઈનમાં ઊભા રહીએ ત્યારે, આપણે ફક્ત પોતાનો જ નહિ, બીજાઓનો પણ વિચાર કરવો જોઈએ. (૧ કોરીં. ૧૦:૨૩, ૨૪) રસ ધરાવતા એક માણસે પહેલી વાર સંમેલનમાં હાજર રહ્યા પછી કહ્યું: “એ દિવસે આપવામાં આવેલી કોઈ ટૉક વિશે મને કંઈ યાદ નથી. પણ યહોવાના સાક્ષીઓનાં વર્તનની મારા પર ઊંડી અસર પડી.”
૪. સંજોગ પ્રમાણે આપણે સંમેલનમાં મદદ કરવા કેમ તૈયાર રહેવું જોઈએ?
૪ રાજીખુશીથી કામ કરનારા: યહોવાના સાક્ષીઓ રાજીખુશીથી કામ કરવા માટે જાણીતા છે. (ગીત. ૧૧૦:૩) શું તમે સંમેલનમાં મદદ કરવા તૈયાર છો? સંમેલન પહેલાં એક જગ્યાએ ૬૦૦ ભાઈબહેનો સાફસફાઈ કરવા આવ્યા હતા. ત્યાંના સ્ટાફે કહ્યું: “આવું પહેલાં ક્યારેય જોયું નથી! આટલા બધા લોકો રાજીખુશીથી કામ કરવા આવ્યા છે એ માની શકાતું નથી.” આપણે ૨૦૧૩નાં ડિસ્ટ્રીક્ટ સંમેલનોની આતુરતાથી રાહ જોઈએ છીએ. ઈશ્વર પાસેથી સાંભળીને શીખવાની જ નહિ, તેમને મહિમા આપવાની તકની પણ રાહ જોઈએ છીએ.
[પાન ૩ પર બોક્સ]
૨૦૧૩ના સંમેલન માટેનાં સૂચનો
◼ કાર્યક્રમનો સમય: દરરોજ હૉલના દરવાજા સવારે ૮:૦૦ વાગ્યે ખુલશે. ત્રણેવ દિવસ કાર્યક્રમ શરૂ થતા પહેલાં સવારે ૯:૨૦ મિનિટે સંગીત વગાડવામાં આવશે. એ સમયે બધાએ પોતાની જગ્યાએ બેસી જવું જોઈએ, જેથી કાર્યક્રમ સારી રીતે શરૂ થઈ શકે. શુક્ર-શનિ કાર્યક્રમ સાંજે ૪:૫૦ મિનિટે અને રવિવારે સાંજે ૩:૩૫ મિનિટે ગીત અને પ્રાર્થનાથી પૂરો કરવામાં આવશે.
◼ પાર્કિંગ: સંમેલનના દરેક સ્થળે આપણે જ પાર્કિંગની સંભાળ રાખીએ છીએ. તેમ જ, પાર્કિંગ ફ્રી છે. જેઓ ત્યાં વહેલા પહોંચશે, તેઓને જગ્યા મળશે. પાર્કિંગની જગ્યા મોટા ભાગે ઓછી હોવાથી, કારમાં ફક્ત એક-બે વ્યક્તિ આવવાને બદલે કાર ફુલ હોય તો વધારે સારું. જે વાહન અપંગ લોકો માટે હોય અથવા જેમાં અપંગ માટેનું કાર્ડ હોય એ જ વાહનોને તેઓ માટેના કાર પાર્કમાં રાખવા દેવામાં આવશે.
◼ વધારે સીટ ન રોકો: તમારાં કુટુંબીજનો અથવા તમારી જોડે આવતા હોય કે હાલમાં તમારી સાથે બાઇબલ અભ્યાસ કરતા હોય તેઓ માટે જ સીટ રોકી શકો. વૃદ્ધ અને અપંગો માટેની મર્યાદિત સીટ હોય છે. તેથી, કુટુંબના બધા જ તેમની સાથે બેસી શકે એ શક્ય ન પણ હોય. એ સીટો વૃદ્ધ, અપંગ અને તેઓને મદદ કરનારા માટે રહેવા દો.—૧ કોરીં. ૧૩:૫.
◼ બપોરનું ભોજન: બપોરે જમવા માટે પોતાની સાથે કંઈક લઈને આવો, જેથી સંમેલન છોડીને બહાર જમવા જવું ન પડે.
◼ દાનો: ડિસ્ટ્રીક્ટ સંમેલનના સ્થળે તમે રાજીખુશીથી દાન આપીને એ ગોઠવણ માટે કદર બતાવી શકો. એ જગતવ્યાપી કાર્ય માટે વપરાશે. તમે ચૅક લખવાના હો તો “The Watch Tower Bible and Tract Society of India” નામે લખો.
◼ દવા: તમે કોઈ દવા લેતા હો તો સાથે લાવજો, કેમ કે એ સંમેલન સ્થળે મળશે નહિ. સંમેલનની કે હોટેલની કચરાપેટીમાં ડાયાબિટીસના ઇન્જેક્શન નાંખવા નહિ, કેમ કે એનાથી બીજાને નુકસાન થઈ શકે. એનો બરાબર રીતે નિકાલ કરો.
◼ બૂટ-ચંપલ: જોવા મળ્યું છે કે દર વર્ષે બૂટ-ચંપલ અને સૅન્ડલને લીધે કોઈને કોઈ અકસ્માત થાય છે, ખાસ કરીને ઊંચી એડીના. એટલે તમારા બૂટ-ચંપલ એવા ન રાખો કે ચાલવા કે ચઢવા-ઊતરવામાં તકલીફ પડે કે પડી જવાય.
◼ મૂકબધિર માટે: અમુક સંમેલનમાં સાઈન લેંગ્વેજ પ્રોગ્રામ હશે.
◼ પરફ્યુમ: મોટા ભાગે સંમેલનો બંધ હૉલમાં રાખવામાં આવે છે, જ્યાં પંખા કે એ.સી. હોય છે. તેથી, આપણે તેજ પરફ્યુમ કે અત્તરનો ઓછા પ્રમાણમાં ઉપયોગ કરીએ તો સારું. એનાથી જેઓને ઍલર્જી કે શ્વાસની તકલીફ હોય તેઓને ઓછી મુશ્કેલી પડશે.—૧ કોરીં. ૧૦:૨૪.
◼ પ્લીઝ ફૉલો-અપ (S-43) ફૉર્મ: સંમેલનના દિવસોમાં કોઈ પણ તકે પ્રચાર કરતા, તમને કોઈ રસ ધરાવતી વ્યક્તિ મળે તો પ્લીઝ ફૉલો અપ ફૉર્મ ભરો. ફૉર્મ ભરીને ત્યાં સાહિત્ય વિભાગના ભાઈઓને અથવા ઘરે પાછા જઈને તમારા મંડળના સેક્રેટરીને આપો.
◼ રેસ્ટોરન્ટ: યહોવાને મહિમા મળે એવાં વાણી-વર્તન રાખીએ. શોભતાં કપડાં પહેરીએ. રિવાજ હોય એ મુજબ ટીપ આપીએ.
◼ હોટલ:
(૧) તમને જરૂર હોય એટલા જ રૂમ બુક કરો. રજા આપી હોય એનાથી વધારે લોકોને તમારા રૂમમાં રાખશો નહિ.
(૨) ઇમરજન્સી વિના હોટલનો રૂમ કેન્સલ ન કરવો અને કરવો પડે તો વહેલી તકે હોટેલના મેનેજરને જણાવો, જેથી એ રૂમ બીજા કોઈને મળી શકે. (માથ. ૫:૩૭) રૂમ કેન્સલ કરવો પડે તો, કેન્સલ થયાનો નંબર મળે એની ખાતરી કરો. ૪૮ કલાકથી ઓછા સમયમાં કેન્સલ કરશો તો, તમને ડિપૉઝિટના પૈસા પાછા મળશે નહિ.
(૩) જો તમે ડેબિટ કે ક્રૅડિટ કાર્ડથી હોટલનો રૂમ બુક કરવાના હો, તો આ બાબત ધ્યાનમાં રાખો: ઘણી હોટલમાં રૂમ બુક કરતી વખતે ભાડા સાથે અમુક વધારાની રકમ કાપી લેવામાં આવે છે. એટલા માટે કે તમારા રહેવા દરમિયાન જો કોઈ વધારાનો ખર્ચ થયો હોય કે પછી કોઈ નુકસાન થયું હોય, તો એ રકમમાંથી વસૂલ કરી શકે. હોટલનો હિસાબ ચૂકતે થયા બાદ તમને બાકીની રકમ પાછી મળશે, જે માટે હોટલ છોડ્યા પછી અમુક દિવસો પણ લાગી શકે.
(૪) કાઉન્ટર પરથી ટ્રૉલીમાં તમારો સામાન રૂમમાં લઈ જવો હોય તો જ એનો ઉપયોગ કરજો. પછી એને કાઉન્ટર પર પાછી મૂકી આવો, જેથી બીજા પણ એનો ઉપયોગ કરી શકે.
(૫) તમારા દેશમાં ટીપ આપવાનો રિવાજ હોય તો, હોટલમાં સામાન ઉપાડનારને ટીપ આપો અને રૂમની સફાઈ કરનાર માટે રોજ ટીપ રાખો.
(૬) રૂમમાં રસોઈ બનાવવાની મનાઈ હોય તો એમ કરશો નહિ.
(૭) અમુક માલિકો, પોતાની હોટલમાં રહેનારાઓ માટે મફત ચા-નાસ્તો, કૉફી અને બરફની વ્યવસ્થા કરતા હોય છે. એનો ખોટી રીતે ફાયદો ન ઉઠાવો.
(૮) હોટલના સ્ટાફે ઘણા લોકોની સંભાળ રાખવાની હોય છે. તેથી, હંમેશાં સારા ગુણો બતાવો. જેમ કે, માયાળુ બનો, ધીરજ રાખો અને સમજી-વિચારીને વર્તો.
(૯) હોટલની દરેક જગ્યાએ માબાપે પોતાનાં બાળકોની દેખરેખ રાખવી જોઈએ. જેમ કે, લિફ્ટ, સ્વીમીંગ પુલ, લૉબી અને એક્સર્સાઇઝ રૂમ કે બીજી કોઈ પણ જગ્યાએ.
(૧૦) હોટલના લિસ્ટમાં આપેલા રૂમના ભાવ એક આખા દિવસ માટે છે. એ ઉપરાંત એના પર થતો ટૅક્સ આપવાનો રહેશે. તમારા બીલમાં બીજો કોઈ વધારે ચાર્જ કર્યો હોય તો, એ આપશો નહિ. રૂમીંગ વિભાગને એના વિષે શક્ય એટલું જલદી જણાવો.
(૧૧) હોટલના રૂમને લઈને તમને કોઈ મુશ્કેલી હોય તો સંમેલનમાં જ રૂમીંગ વિભાગને એ વિશે જણાવો, જેથી તેઓ જરૂરી મદદ પૂરી પાડી શકે.
◼ સ્વયંસેવા વિભાગ: જો તમે સહાય કરી શકો, તો સંમેલનના સ્વયંસેવા વિભાગને જણાવો. ૧૬ વર્ષથી નાનાં બાળકો પણ માબાપ કે અન્ય જવાબદાર વ્યક્તિ અથવા માબાપે જવાબદારી સોંપી હોય એવી વ્યક્તિની દેખરેખ હેઠળ કામ કરી શકે.